“૩ એક્કા” : ફિલ્મ રિવ્યૂ 💥
સહેજપણ કંટાળો ન આવે તેવી સપરિવાર જોઈ શકાય તેવી સરસ કોમેડી ગુજરાતી ફિલ્મ.
ગુજરાતી ફિલ્મના દર્શકો માટે હવે મલ્હાર ઠાકર અને યશ સોની નવા નથી રહ્યા. જરા વ્યવસ્થિત બજેટ ધરાવતી દર બીજી ફિલ્મમાં આ બંનેમાંથી કોઈ એકની હાજરી જાણે ફરજિયાત બની ગઈ છે. બંનેની ખાસ અદા અને ડાયલોગની શૈલી દર્શકોએ સ્વીકારી લીધી છે, જે આ ફિલ્મમાં પણ મજા કરાવશે. મલ્હાર તો કોમીક ટાઇમીંગ અને ગોવિંદાની ગુજરાતી ફોટોકોપીની જેમ ધરાર હસાવતો જ આવ્યો છે, જે અહીં પણ જાળવ્યું છે પણ અન્ય કલાકારોએ પણ સહજ અભિનયથી ફિલ્મ રસપ્રદ બનાવી છે. સહાયક પાત્રો તરીકે ઓમ ભટ્ટ, ચેતન દૈયા, પ્રેમ ગઢવી અને સહેજવાર માટે મયુર ચૌહાણે પણ વાતાવરણ સહેજવાર પણ ઢીલું પડવા નથી દીધું.
માત્ર સિચ્યુએશનથી કોઈ કોમેડી ફિલ્મ સંપૂર્ણ આનંદ સતત ન આપી શકે. આ ફિલ્મ પણ સતત આનંદ આપે છે તેની પાછળ ઘણાં સરસ ડાયલોગ પણ કારણભૂત છે. જેમકે, (સ્મૃતિ આધારિત) "માથે ચડ્યો છે શની... છતાં આટલી ટણી!", "રમવાની દિવાનગી તો છે, પણ તણખાંને આગ બનવાની પરવાનગી નથી.", "તમે હારવા જ આવ્યા છો!", “ગુપ્તગુરુ...”, "ભુરિયાનો ઇગો...."
ત્રણ મુખ્ય પુરુષ પાત્રો હોવા છતાં કોઈ કોઈના ઉપર હાવી નથી થતું. ત્રણેય પાત્રો સાથે સ્ત્રી સાથીદાર (હા ભાઈ, હીરોઇન) પણ છે, પણ પ્રમાણમાં જરા ઓછું ફૂટેજ મળ્યું છે. જોકે એક હીરોઇને ક્લાઇમેક્સ પહેલાં જરા વધુ દેખા દીધી છે. છતાં મેદાન તો પાછી ચોથી સ્ત્રીપાત્ર કોકીલા (તુષારિકા) એ માર્યું છે. કારણ છે, કોકીલાના પાત્રના ભાગમાં આવેલ ડાયલોગ અને સિચ્યુએશનનો કલાકારે લીધેલ ભરપૂર લાભ. સરસ અભિનયથી સહજ હાસ્ય ફેલાવીને કોકીલાનું પાત્ર જાણે આઇસક્રીમ પર સજાવેલી જેલીના ટુકડાની જેમ ખીલી ઊઠી છે.
દિવાળી બોનસની જેમ હજુ બે તત્ત્વો પણ છે. એક છે હિતુ કનોડીયાનો પુખ્ત અને ઉમદા ડાયલોગ ડિલીવરી ધરાવતો અંદાજ, એક સરસ સામાજિક સંદેશો તથા છેલ્લે તો સરપ્રાઇઝ સાથેનો અભિનય. તો બીજું તત્ત્વ એટલે શરૂઆતમાં અને છેલ્લે પણ સાંભળવા મળતો આર.જે. ધ્વનિતનો (હવે આર.જે.ગીરી છોડી દીધી છે ભાઈએ પણ ઓળખાણ થોડી છૂટે!) આહલાદક અને હંમેશા તાજગી ધરાવતો અવાજ.
ગીત-સંગીત: બેકગ્રાઉન્ડ મ્યુઝિક રસ જાળવી રાખે છે. ફિલ્મમાં એક માત્ર ગીત "ટેહુક" નો સમાવેશ છે. આ ગીત તાજગી ધરાવતું જણાય છે, પણ ફિલ્મ પૂર્ણ થયાં બાદ છેલ્લે રજૂ કરીને ભૂલ કરી હોય તેમ લાગે છે. અધુરિયા જીવના પ્રેક્ષકો થિયેટરમાંથી બહાર નીકળતા તેમના થોબડાં વચમાં આવે છે વત્તા થિયેટરની લાઇટો પણ જરા મજા બગાડે છે. ખરેખર, આ ગીત વચમાં સેટ કર્યું હોત તો સરસ રીતે સૌ માણી શકત. હીરોઇનોના લાભાર્થે પણ ગીત ફિલ્મની વચમાં જ મૂકવું જોઈતું હતું. કારણ કે, ત્રણેય હીરોઇનો ફિલ્મ કરતાં તો આ ગીતમાં વધુ દેખાય છે... (હા હા હી હી) સિચ્યુએશન તો હાથવગી હતી જ. જેમકે, ભુરિયાના લગ્ન.
મીઠાશ: પારિવારિક ફિલ્મ.
તીખાશ: કોકીલા (તુષારિકા) નું પાત્ર
નરમાશ : ભુરિયો (ઢીલેશ)
પ્રકાશ: જુગાર ન રમવાની સહજ સલાહ.
હળવાશ: વાર્તામાં કોઈ જોરદાર આંચકો ભાગ્યે જ મળશે. લગભગ દરેક તર્ક કે રહસ્યો અગાઉથી જ માપી લેશો. છતાં કંટાળો નહીં આવે. મગજને કોઈ જટિલ તર્ક ઉકેલવાનો મોકો માત્ર એક જ વખતે, કે જ્યારે છેલ્લી બાજી રમાય છે ત્યારે એક પછી એક ખુલતા પત્તા જોઈને જ મળશે. બાકી તદ્દન હળવાશથી બસ સહજ આનંદ માણતા રહેશો.
ખટાશ: (૧) ભુરિયાના માતાપિતા જાત્રાએ મોકલવા માટે જ લીધાં હતાં? પાછા લાવવાના જ નહીં! (૨) હીરોએ હાથમાં પહેરેલી લકી ઘરમાં જ કઈ રીતે ખોવાઈ તે બતાવવાનું જ નહીં!
કડવાશ: શરૂઆતના દૃશ્યોમાં જ ધ્વનિતનો અવાજ સંભળાય છે ત્યારે આવતાં લખાણમાં ગુજરાતી વ્યાકરણની ભૂલ છે. ‘ને’ પ્રત્યય શબ્દથી છુટ્ટો લખેલો છે.
હીટ કે પછી..?: હા, હીટ જ ગણાય. શાહરૂખની “જવાન” ફિલ્મ રિલિઝ થવા છતાં રજાના દિવસે આ ગુજરાતી ફિલ્મનો શો હાઉસફૂલ જાય છે.
શા માટે જોવાય?: પરિવાર સાથે સરસ અને સહજ કોમેડી માણીને જલસા કરવા માટે ખાસ જોવાય. ફૂલ પૈસા વસૂલ.
સ્ટાર: ૩.૫/૫
-હિતેષ પાટડીયા.