DHULO TO HARKHPADUDO (DTH) - 50 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 50

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 50

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૫૦ ગોલ્ડન જ્યુબિલી મણકો


આપણે જોયું કે હિરકી હણહણાટે માસિક શનિવારીય બેઠક જે એના ઘરે ગોઠવાઈ હતી, એના આહાર બંદોબસ્ત માટે એણે એક જયાબેનને સરસ પંજાબી ભોજન બનાવવા તથા પિરસવાનો ઓર્ડર આપ્યો હતો. એ પંજાબી નાસ્તો છોલે ભતુરે ખાધાં બાદ બૈજુ બાવરીની તબિયત બગડી જાય છે. મૂકલા મુસળધારની સોસાયટીના જ એક સીનિયર સીટીઝન ડોક્ટર સાહેબને રાત્રે જગાડી બૈજુની સારવાર કરવા માટે એમના ઘરે લઈ જવામાં આવે છે. હવે આગળ...


ડોક્ટર સાહેબ સિનિયર સિટીઝન હોવા છતાં મૂકલા મુસળધારએ લીધે એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો. એમણે પહેલાં એની સવારથી સંપૂર્ણ દિનચર્યા સાંભળી અને બાદમાં એની ઝીણવટ ભરી તપાસ આદરી.


છેવટે એમને આ સ્વાસ્થ્ય સમસ્યાની સમજણ પડતા એમણે વિચિત્ર હાવભાવ સાથે એક અલગ ઉચ્ચાર કર્યો, "ઓહ, માય ગોડ!"


બધાંના કાન એક સાથે સરવા થઈ ગયાં. બૈજુ બાવરીના પેટમાં આંટી સાથે સાથે ફાળ પડી.


ડોક્ટર સાહેબે પોતાનો નિર્ણય જાહેર કર્યો, "ઇટ ઈઝ ધ ક્લિયર કટ કેસ ઓફ ઓવર ઈટિંગ. પેશન્ટ સાંજે હેવી નાસ્તાઓ ખાધા પછી રાત્રે પેટ ભરીને જમી, ત્યારબાદ ફરી મોડી રાતે ઠૂંસી ઠૂંસી અગેઇન હેવી ડિનર લીધું. ઉપરાંત પંજાબી લસ્સી એ પણ પંજાબી સાઇઝ ગ્લાસ ભરીને અને ઓન ટોપ ઓફ ઈટ પંજાબી છોલે ભતુરે. ટેલ મી, પેટ સ્ટ્રાઇક પર જાય કે નહીં?"


બૈજુ બાવરીએ ભોંઠપ અનુભવી. તો મયુરીઆ કળાકારનું માથુ શરમજનક રીતે નમી ગયું. હિરકી હણહણાટને અફસોસ થયો કે એણે થોડી મજા લેવા તો થોડી મીઠી સરપ્રાઇઝ આપવા માટે આ મિત્ર વર્ગને દેશી ભોજનનો બૂસ્ટર ડોઝ આપ્યો હતો. પણ એનું આવું પરિણામ આવશે એની તો કલ્પ્ના પણ નહોતી કરી. ડોક્ટર સાહેબે એને શક્તિ અને શરીરમાં પાણી ના ખૂટી જાય એવી દવાઓ પોતાની ડોક્ટર બેગમાંથી કાઢી આપી. ફરી કાંઈ ચિંતા જેવુ લાગે તો એમને બેધડક થઈ જગાડવા માટે કહી એમને રજા આપી દીધી.


મૂકલા મુસળધારએ એ સિનિયર સિટીઝન ડોક્ટર સાહેબ પુરુષોત્તમ ધ્યાયને એમને અડધી રાત્રીએ તકલીફ આપવા બદલ એમની વિનમ્રતા સહ માફી માંગીને સાથે સાથે વિદાય પણ માંગી.


હિરકી હણહણાટએ એમને વિનંતી કરી, "સાહેબ, તમારી ફી?"


"ઓહ યસ." ડોક્ટર સાહેબ ખુશ થઈ ગયા, "મને મક્કી દી રોટી, સરસોં દા શાગ, પંજાબી સમોસા, પંજાબી શક્કર પારા, પંજાબી ઘાબા સ્પેશિયલ મસાલા રાઈસ સાથે દાલ તડકા, પંજાબી લસ્સી એ પણ પંજાબી સાઇઝ ગ્લાસ ભરીને અને પંજાબી છોલે ભતુરે આ બધાંમાંથી જે બચ્યુ હોય એ ફી તરીકે મોકલાવી દે જે. ઓકે?"


બધાં ખડખડાટ હસી પડ્યાં.


જેવા તેઓ મૂકલા મુસળધારના ઘરે પહોંચ્યા તો બાકી સૌ એમની કાગ ડોળે રાહ જોઈ રહ્યાં હતાં. જોકે એમને હસતાં જોઈ વાતાવરણ હળવુ થઈ ગયું. જ્યારે સૌને ખબર પડી કે જયાબેન તથા એમના ભોજનને જવાબદાર ગણી એમને ભાંડનાર બૈજુ બાવરીએ જ ન આવ ન તાવ જોયા વગર એ સ્વાદિષ્ટ રસોઈ ખાધી, એ પણ ઘરેથી પેટ ભરીને જમીને આવ્યાં બાદ, એટલે બધાં એની ફિલ્મ ઉતારવા લાગ્યાં.


છેવટે સૌ એમની મનપસંદ તથા કાયમી એવી પત્તાની મહેફીલ જમાવી બેસી ગયાં. વહેલી સવારનો સમય હશે ત્યાં એમનામાંથી કોઈનો મોબાઈલ રણક્યો, 'આણી મન શુદ્ધ આસ્થા, દેવ જુહારું શાશ્વતા, પાશ્વનાથ મન વાંછિત પુર, ચિંતામણી મારી ચિંતા ચૂર.'


બધાં ઊંઘના રવાડે ચડવાની તજવીજ કરતાં હતાં ત્યાં આ રિંગટોને બધાને જાગૃત કરી દીધાં. એ ફોન કોલ હિરકી હણહણાટના મોબાઈલમાં આવ્યો હતો. એ કોલ જયાબેનનો હતો. એણે ફોન રિસીવ થતા સાથે હિરકી હણહણાટની માફી માંગી. એ બોલી, "હીનાબેન, આવા કસમયે ફોન કરવા બદલ માફી માંગુ છું. પણ આપણી વાતચીત દરમ્યાન મને ખબર પડી હતી કે તમે સૌ મિત્રવર્ગ મહિલાઓ મહિનામાં એક શનિવારે રાત્રી જગો કરો છે એટલે આ કોલ હમણાં કર્યો. પ્લીઝ, દરગુજર કરશો."


હીરકીએ હણહણાટ વગર એને શાંતિપૂર્વક જવાબ આપ્યો, "ના ના, જયાબેન તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો. તમે તમારા વ્યવસાયના દાયરા બહાર જઈને અમને આવી સરસ યજમાનગતિ સાથે સાથે એકદમ જમાવટ કરી દે એવું પંજાબી ભોજન જમાડી અમને અહેશાનમંદ કરી દીધાં છે. વળી આપણી નાનકડી ઢિંગલી એવી જીયાએ તો વિવિધ ગેમો રમાડીને સૌના હૈયા હરી લીધાં છે. બોલો બોલો, બેખોફ કહો. તમને કોઈ તકલીફ પડી હોય તો કહો."


જયાબેન હળવાશ તથા રાહતનો અનુભવ કરી રહી હતી. એણે કહ્યું, "મારા પંજાબી લસ્સી માટે ભાડાથી લાવેલ, એક ફૂટના બે ચમચાં આડા અવળા થઈ ગયા હોય એમ લાગે છે. આપના આ પ્રસંગ માટે ખાસ ભાડેથી લઈ આવી હતી, એ આવતીકાલે, સોરી આજે સવારે, પાછો આપવાના છે. જો એ તમારે ત્યાં હોય તો હું સવાર પડે આવીને લઈ જઈશ."


ફોન સ્પીકર પર હતો એટલે રાતની નિરવતામાં સૌ નિરાંતે સાંભળતા હતાં. ત્યાં સોનકીએ સણસણાટ કર્યો, "બા, આ બૈજુ બાવરીએ જ, એના અને મયૂરભાઈના, એ બે ચમચા ધોઈને કિચન પ્લેટફોર્મને બદલે વોશ બેસિન પર મૂક્યા હતા. કદાચ એ જ રહી ગયા હશે." એ તરત દોડીને એ બે ચમચાં લઈ પણ આવી.


હીરકી હણહણાટએ તરત એને ફોન પર જવાબ આપ્યો, "જયાબેન, તમારા ચમચાં સહી સલામત છે. તમને સવારે કોઈ પણ પહોંચાડી જશે. તમારે આના માટે ધક્કો ખાવાની જરૂર નથી." જોકે ફોન સ્પીકર પર હોવાથી સોનકી સણસણાટે જે કહ્યું એ જયાબેને પણ આ સાંભળી લીધું હતું. એના જીવને પણ નિરાંત થઈ. એટલે ટુંકી વાતચીત બાદ ફટાફટ ફોન મૂકાઈ ગયો.


હવે હિરકી હણહણાટએ ભાવલા ભૂસકાને ઓર્ડર આપ્યો, "ભાવલા, તારી પાસે ગાડી છે તો સવારે ઘરે જતાં એમની ચમચીઓ પહોંચાડી દેજે."


ભાવલા ભૂસકાએ ભાવનાત્મક થઈ વિરોધ વ્યક્ત કર્યો, "આ ધૂલા હરખપદૂડા પાસે પણ ગાડી છે."


હિરકી હણહણાટએ હાકલ કરી, "એ સીએ, તારું જ્ઞાન તારી પાસ રાખ. મેં તને કહ્યું છે તો તારે જ એ કરવાનું છે. એક તો તેં જયાબેનનું ઘર જોયું છે અને બીજું ધૂલા હરખપદૂડાની કારમાં બૈજુ બાવરી અને મયુરીઓ કળાકાર જશે. બોલ તારે એમને મુકવા એમના ઘર સુધી જવુ છે?"


ભાવલો ભૂસકો બેકફૂટ પર આવી ગયો, "ના બા, તમે કહ્યું એ ફાઇનલ." એ સધકી સંધિવાતને ઉદ્દેશીને બોલાયો, "સાધના, આ ચમચાં હમણાં જ તારી હેન્ડબેગમાં મૂકી દે. એટલે અડધાં ધેનમાં ભૂલાઈ ના જાય." ત્યાં એક મોટા અવાજે સૌનું ધ્યાન દોર્યુ. અને શરમ સાથે ભોંઠપ અનુભવતી બૈજુ બાવરીએ ફરી દોટ મૂકી. વિનીયા વિસ્તારીએ ફરી રજૂઆત કરી, "બા, ગુંધની રાબનો બીજો વાટકો તૈયાર રાખો." એ સાથે જ ઈશા હરણી, હિરકી હણહણાટના રસોડા તરફ દોડી. આ વખતે કોઈ હસ્યું નહીં.


એવામાં ફરી એક વખત 'દાદા આદેશ્વરજી, દાદા આદેશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો.' બીજી રિંગટોન વાગી. આ વખતે બાપુજી એટલે કે મૂકલા મુસળધારનો મોબાઈલ ધ્રુજારી અનુભવી રહ્યો હતો. એણે જોયુ તો કિશોરનો ફોન હતો. એણે વિનીયા વિસ્તારી તરફ ઇશારો કરી, ફોનને સ્પીકર ઓન કરી કોલ રિસીવ કર્યો.


કિશોરનો ભયભીત અવાજ સંભળાઈ રહ્યો હતો, "મૂકેશ, ભાઈ, પપ્પા પડી ગયા છે."


મૂકલો મુસળધાર મૂંઝવણમાં મૂકાઈ ગયો, "હેં!"


કિશોર એક શ્વાસે બોલી ગયો, "બધુ બરાબર હતુ. આજે સવારે ડોક્ટર આવે એટલે પપ્પાને રજા આપવાના હતા પણ હમણાં પપ્પા બાથરૂમ તરફ જવા ઉઠ્યા અને ક્યાંક ગડથોલુ ખાઈ ગયા."


મૂકલા મુસળધારે એને ધરપત આપી, "જે થવાનું હતુ એ જ થયુ છે. નસીબનો પાડ માન કે હજી હોસ્પિટલમાં જ છો. ઘરે ગયા પછી આવુ થયુ હોત તો! ચિંતા થાય એ સહેજ સાધારણ બાબત છે."


કિશોર હજી ચિંતાતુર હતો, "મૂકેશ, ભાઈ, પણ હજી ગઈકાલે જ એમનો મેનેજર કહી ગયો કે તમારું વીઆઇપી ટ્રીટમેન્ટ પેકેજ અને મેડિકલેમની લિમિટ એક સાથે સમાપ્ત થાય છે. હવે? હવે આ નવી ઉપાધિનું વીઆઇપી ટ્રીટમેન્ટ પેકેજ બીલ મારે ભરવુ પડશે!"


શું થયું હશે ચંપકલાલને? શું કોઈ ગંભીર બાબત સામે આવશે? શું આ મુસીબતનો કોઈ હલ નીકળશે કે આ વીઆઇપી ટ્રીટમેન્ટ પેકેજ એકંદરે મોંઘુ પડશે? બૈજુ બાવરીની આ વારંવાર ખાળકુવાની યાત્રાઓ અટકશે કે ગંભીર સાબિત થશે? આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૫૧' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).