Gurjareshwar Kumarpal - 36 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 36

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 36

૩૬

રણમાં વીરડી

આનકરાજે પ્રવેશ કર્યો. કુમારપાલ તેની સામે જોઈ રહ્યો. પોતાના થાકથી થાકીને એ ખરેખર બે ઘડી ક્યાંક મૈત્રી ઈચ્છી રહ્યો હોય તેવો આતુર જણાતો હતો. કુમારપાલે તેને બે હાથ જોડ્યા: ‘આનકરાજજી!’

‘આનક સમજી ગયો – ઉદયને વાત ચલાવી હતી. 

‘મહારાજ! હું હવે જે માગવા આવ્યો છું, એની મને ના ન પાડતા!’ આનકે કહ્યું, ‘દેવીની પણ એ જ ઈચ્છા છે. ક્યાંય વિગ્રહને (વિગ્રહ અને જગદેવ આનકના પુત્રો) કે જગદેવને ફરકતા મહારાજે દીઠા? મારા દીકરા જ જ્યાં મારા કહ્યામાં નથી, ત્યાં હું સમર્થ સાથે વેર બાંધુ એમાં મારા સોમનો ને આ બિચારી કુમારી જ્લ્હણાનો ભોગ લેવા જેવું થાય. હું હવે કેટલા દી?’

‘હવે શરીર એનું કામ આપતું નથી. અને વેરઝેર વધારીને શું? એના કરતાં મીઠો સંબંધ ન બાંધીએ?’ રાણી સુધવા બોલી. 

‘મહારાજ! અમને દોરવા શતાયુ હો!’ ઉદયને હાથ જોડ્યા, ‘આનકરાજજી ઈચ્છે છે, તેની મહારાજ ના નહિ પાડે!’

પણ આનકને તો વચન જોઈતું હતું. ‘આનકરાજજી!’ ભોપલદે એ મીઠા અવાજે કહ્યું, ‘મહારાજ તો નહિ બોલે. રણક્ષેત્રમા ભલે એઓ મત્ત ગજેન્દ્રોને વશ કરી શકતા હોય, ઘરઆંગણે તો એમને મેં ધ્રૂજતા જોયા છે!’

‘સાચું છે, બા!’ ઉદયને વિનોદી વાતાવરણને જ આગળ ચલાવ્યું. ‘મહારાજ બોલી નહિ શકે, આનકરાજજી!’

‘હવે, મંત્રીશ્વર! તમે તો મહેતા! રાખો! રાખો! આમ્રભટ્ટે મને વાત કરી છે તે પ્રગટ કરી દઉં?’ 

‘કરો ને, મહારાજ! એમાં ખોટ મહારાજને જશે!’

‘આમ્રભટ્ટ મને કહેવા આવ્યો’તો તમારે માટે, મહેતા! એક નવી શેઠાણીની શોધમાં એ પડ્યો છે, સાચું?’

ઉદયને પ્રગલ્ભતાથી એ જ હવા ચાલુ રાખી:

‘હા, મહારાજ! સાચું. મારો વાગ્ભટ્ટ વિદ્વાન છે. આમ્રભટ્ટ જોદ્ધો છે. વેપારી કોણ? વેપારી કોઈ નહિ. મારો મૂળ ધંધો સંભાળનારો મારે કોઈ નહિ જોઈએ? એટલે વાત સાચી જ, પ્રભુ! બોલો હવે કાંઈ કહેવાનું છે? પણ આ આનકરાજજી આવ્યા છે મહારાજ પાસે, તે માત્ર વાતો કરવા નહિ, જવાબ માગવા, કાં પ્રભુ જવાબ આપે, નહિતર હમણાં મહારાણીબા પોતે આપી દેશે, અને પછી મહારાજથી ફરાશે નહિ!’

એનાં કરતાં તમે જ જવાબ આપી દ્યો ને, મહેતા!’ ભોપલદેએ કહ્યું, ‘મારા મહારાજ જેવી જુદ્ધમાં ગર્જના કરે છે એવી ઘરઆંગણે શાંતિ રાખે છે. કાં તો ભાષાસમિતિ ધારણ કરી લાગે છે!’

‘પણ આ ક્યાં અઘટિત વસ્તુ છે, મહારાણી! વાગ્ભટ્ટ હોત તો હમણાં મહારાજને સંભળાવી દેત કે – 

अस्मिन्नसारसंसारे सारं सारंगलोचना।

ભોપલદેએ તરત એનો રસિક પ્રત્યુત્તર વાળ્યો:

‘यत्कूश्रिप्रभवा मन्ये मंत्रीराजा भवादशा:।

આનંદહાસ્યનું એક મોજું ફરી વળ્યું. ઉદયને આનક સામે જોયું: ‘મહારાજ, તમને જવાબ મળી ગયો, પણ મંગલવિધિ હવે તો, મહારાણીબા, સુધવાદેવી ત્યાં પધારે પાટણમાં, ત્યાં થશે, પ્રભુ!’

‘આંહીં નહીં ને પાટણમાં?’ આનક બોલ્યો, ‘એવું તે કાંઈ હોય, મંત્રીરાજ?’ કુમારપાલને પણ આશ્ચર્ય થયું. ભોપલદે પણ જોઈ રહી. આનકરાજ મૂંઝવણમાં પડી ગયો લાગ્યો. ઉદયને હાથ જોડ્યા: ‘હા, પ્રભુ! મંગલવિધિ ને વિજયમહોત્સવ બંને પાટણમાં થશે! મહારાણીબ સુધવા ને કુમારીબા ત્યાં આવે.’

‘પણ એમ કાંઈ હોય, મહેતા? એ કાંઈ સારું લાગે?’ સુધવાદેવીએ કહ્યું.

‘મહારાણી બા ત્યાં પધારે. રાજપુરોહિત આવે પછી શું?’ ઉદયને કહ્યું, ‘અમારે મોટામાં મોટો વાંધો એક છે. મહારાજનાં એક  બહેનનો હજી પત્તો નથી. અમે શોધી રહ્યા છીએ. મહારાજ પાસે સુખેદુઃખે ફરનારા તમામ આવી ગયા. આલિંગજી આવ્યા. સજ્જન ચિત્રકૂટમાં બેસી ગયા. વૌસરિ આવ્યો. ભીમસિંહજી  તો આ ઊભા. પણ મહારાજ! શ્રીદેવી હજી ક્યાં દેખાયાં છે? (શ્રીદેવીએ એક સમયે કુમારપાલને કરભંક આપીને ભૂખમરામાંથી ઉગારેલા) અને એમના વિના મહારાજનું લૂણ કોણ ઉતારે? અભિષેક વખતે સાંભર્યા. પત્તો ન ખાધો. આ મંગલવિધિ હવે એમના વિના ન થાય! એમને હજી અમારે શોધવા રહ્યાં.’

મંગલવિધિ પાટણમાં થાય એવો આગ્રહ ઉદયન શા માટે રાખે છે એ ભોપલદેને સમજાયું નહિ. તેણે મંત્રીશ્વરને એક તરફ બોલાવ્યો: ‘મહેતા! આવું તે કાંઈ હોય! શ્રીદેવી માટે તો આ આખા પ્રસંગનું મહત્વ જ માર્યું જાય. આનક તો હવે આપણો સગો થયો. એનું તો પછી માન રાખવું ઘટે.’

‘બા!’ ઉદયને હાથ જોડ્યા, ‘મહારાજને આપણે પૂછીએ.’

કુમારપાલ આવ્યો. 

ઉદયને ધીમેથી કહ્યું: ‘મહારાજ! પડખું તમારું સેવ્યું છે, એટલે એટલું સાંભરી આવ્યું શ્રીદેવીનું તે મેં મૂક્યું. પણ વિક્રમે ભોજનસમારંભમા ઘાત કરવા ધાર્યો હતો – આણે મોટો સમારંભ યોજ્યો હોય તો? એટલે મેં પાટણની વાત મૂકી છે.’

‘હા... આ વાત છે, મહેતા!’ ભોપલદે છક થઇ ગઈ. “ભૈ! તમે તો બહુ ઊંડા! વાત સાચી છે. મારવાડી છે! વખત છે, ચેતતા નર સદાય સુખી!’

‘એવું છે, બા! હજી જુદ્ધના ભણકારા પૂરેપૂરા શમી ગયા નથી. મહારાજે મને કહ્યું હતું તે બરાબર આંહીં બેઠું છે.’ ઉદયને છાતીએ હાથ મૂક્યો: ‘વીર વિશ્વાસે મરે, શસ્ત્રે નહિ. એટલે અત્યારે વાત મૂકી છે, હવે મહારાજ નિર્ણય આપે!’

એટલામાં તો બહાર કોઈ એક સાંઢણીસવાર આવેલો હોય તેમ લાગ્યું. 

‘જુઓ, બા! મેં ન કહ્યું – હજી જુદ્ધહવા ચાલે છે! આ ઘૂઘરીઓના રણકાર કાને પડે, સાંભળો. વળી કોઈક આવ્યું લાગે છે!’

‘કોણ છે ભીમસિંહ?’ મહારાજે પૂછ્યું.

‘મહારાજ! એ તો કાકભટ્ટ આવવાની રજા માંગે છે. સાથે ધારાવર્ષદેવજી પણ છે.’

‘કાકભટ્ટ! આવી ગયા? મહેતા! ત્યારે, કાં તો વિજય ને કાં તો સર્વનાશ! આનકરાજને આપણે હવે વિદાય કરો. આપણે કહ્યું તે જ બરાબર છે!’

ઉદયન આનકરાજ પાસે ગયો: ‘ત્યારે પ્રભુ! મહારાજની પણ એ જ ઈચ્છા છે. મહારાજ કહે છે કે આનકરાજ તો પાટણ હજાર વખત જોશે, પણ મહારાણીબા સુધવાદેવી ત્યાં ક્યારે આવશે? મંગલવિધિ ત્યાં થવા દઈએ, વાગ્દાનવિધિ ભલે પ્રભાતે આંહીં ચાલે! રાજપુરોહિત પાટણ આવશે, પછી મહારાજને ફેરો અહીં રહે. બસ, પ્રભુ! તમારું મન ને માન બંને રાખ્યા છે મહારાજે!’

આનક સમજી ગ યો – કાંઈક જુદ્ધ-સમાચાર આવ્યા લાગે છે. હજી આમને પોતાનો પૂરો વિશ્વાસ બેઠો નથી. તેણે તરત વિદાય લેવામાં સાર જોયો.