Gurjareshwar Kumarpal - 28 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 28

Featured Books
Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 28

૨૮

કેશવની જળસમાધિ

કાકે ભૃગુકચ્છમાંથી પોતાનો એક જાણીતો જુવાન જોદ્ધો સાથે લીધો. એનું નામ આયુધ. અર્બુદપતિનું માપ લેવા એ ઉપડ્યો ત્યારે તેને ખબર ન હતી કે એના ભાવિની યશરેખા હવે જ ઊઘડે છે. એ ભૂમિ પોતાની જાણીતી હતી, એટલે એક કે બીજા રસ્તે કાંઈને કાંઈ સમાચાર એ મેળવી શકશે એવી એને આશા હતી. 

એ અર્બુદગિરિમાં આવ્યો, ત્યાં એને એક આશ્ચર્યકારક વસ્તુ લાગી. આંહીં યુદ્ધની તૈયારી થતી એણે જોઈ નહિ. એ છક થઇ ગયો. આંહીં તો યુદ્ધની કોઈ વાત જ નથી, એ શું? પાટણમાં તો વિક્રમના નામે અત્યારે માણસો ધ્રૂજે છે અને વિક્રમ તો તદ્દન શાંત બેઠો હતો. પણ ધીમેધીમે એને હવામાંથી ગંધ મળવા માંડી. 

વિક્રમસિંહ – યુદ્ધ કરે તે બીજા એ મતનો જણાયો. એના બહારના દેખાવમાં એના જેવો સમાધાનકારી પુરુષ મળવો મુશ્કેલ. ધારાવર્ષને કે કોવિદાસને – કોઈને કાકે આંહીં ન દીઠા. યશોધવલ પણ પડખેના કોક ગામડામાં પડ્યો હતો. આંહીં ચંદ્રાવતીમા વિક્રમસિંહ જ હતો ને એની આણ વર્તાતી હતી. કાકે અને આયુધે ધીમેધીમે અર્બુદગિરિના શૃંગેશૃંગ નીરખવા માંડ્યાં. બંને જાત્રાળુ બનીને નખીતળાવ પાસે એક ધર્મશાળામા પડ્યા રહ્યા. 

કાકને લાગ્યું કે વિક્રમસિંહની રમત ભયંકર હતી, પછી એ હોય ગમે તે સ્વરૂપની. એને આંહીં રાખીને પાટણ માળવા તરફ ફરકી ન શકે, આનક તરફ પણ જઈ ન શકે. પીઠનો એક ઘા કરીને એ પાટણને ભોંભેગું કરી દ્યે! ધારાવર્ષદેવે પણ એ જ વાત પાટણમાં આવીને કહી હતી, એ કાકને યાદ હતું. 

કાકે આયુધને સંદેશો આપીને તરત પાટણ તરફ રવાના કર્યો. પાટણનું એક સૈન્ય ઈલદુર્ગમા હવે આવી જવું જોઈએ અને મહારાજ પોતે આંહીં આવે, ત્યારે વિક્રમને સાથે આવવા આજ્ઞા આપે – એનું ખરું માપ તે વિના નહીં જડે!

એવામાં કાકે એક દિવસ ત્રણેક રમકડાંવાળાને મંદિરના રસ્તે દીઠા અને એ ચોંકી ગયો! એમના રંગઢંગ તપાસ રાખવા જેવા લાગ્યા. એ એમની પાછળપાછળ ફર્યો. તેઓ નખીતળાવ પાસે એક મકાનમાં રહેતા જણાયા. કાકને શંકા થઇ ગઈ કે કેશવ, ત્રિલોચન ને મલ્હારભટ્ટ આંહીં લાગે છે. કાકને અચાનક જ આ નવી વાત મળી આવી. એ વાતે તો એને ઊંચોનીચો કરી દીધો. એને લાગ્યું કે વિક્રમસિંહ આંહીં તમામ બળોને કેન્દ્રિત કરી રહ્યો હોવો જોઈએ. એની શાંતિ એ ભયંકર શાંતિ છે. 

કાક આયુધના આવવાની રાહ જોતો થોભ્યો, પણ એની નજર પોતાના પાડોશી જેવા ત્રણ જણા ઉપર હતી. એવામાં એક દિવસ સંધ્યા-સમયે એણે ત્રણેને વધારે ઉતાવળમાં જોયા. એ સમજી ગયો. ત્રણેય જણા ક્યાંક ઉપડવાના હતા. ક્યાં હોઈ શકે? એણે એમને વસિષ્ઠાશ્રમના માર્ગે જતા જોયા. પોતે એક નાનકડો પથરો લઈને એના ઉપર બે અક્ષર પાડી દીધા. પથ્થરને પોતાના ઉતારામાં મૂકી દીધો. આયુધ આવે તો વસિષ્ઠાશ્રમના માર્ગે મળવાની એને સૂચના હતી. સૂચના મૂકીને પોતે એમની પાછળ ઊપડ્યો. 

રાત-આખી તેઓ વસિષ્ઠાશ્રમમાં પડ્યા રહ્યા. પ્રભાત થયું, આખો વસિષ્ઠાશ્રમ જાગી ઊઠ્યો. રંગબેરંગી પંખી બોલવા માંડ્યા. મંદિરોમાંથી ઘંટનાદ સંભળાવવા લાગ્યા. ઠેરઠેરથી શંખધ્વનિ ઊઠ્યા. સૂર્યકિરણોમાં અર્બુદગિરિમાળાનાં ઝરણાં, રૂપેરી અખંડ રસ સમાં, વહેતા પ્રવાહમાં શોભી ઊઠ્યાં. નાગચંપાની માદક સુગંધે રસની પ્યાલીની પરબ માંડી. જાણે ફુલ્લપ્રફુલ્લ નવજીવન પામ્યું હોય તેમ વન-આખું પ્રસન્ન થઇ ગયું. 

કાકભટ્ટે જીવનમાં ઘણાં વન જોયાં હતાં, પણ આંહીંની મોહિની એને કોઈક જુદી જ જણાઈ. પણ એને વનની મોહિનીમાં તણાવું પોસાય તેમ ન હતું. તેણે વૃક્ષ ઉપર ચડી નજર કરી – ક્યાંય આયુધ આવતો જણાતો હોય તો! દૂરદૂરની ટેકરીની પગદંડીએ એણે આયુધ જેવો કોઈ આવતો દીઠો. એ નીચે ઊતર્યો. એટલામાં પેલા ત્રણ જણાને એણે નીકળવાને તૈયાર જોયા. એમની પાસે ઊંચાં ખમીરવંતા ઘોડાં હતાં. કાક વિચારમાં પડી ગયો. આ ક્યાં જવાના છે ને શું કરવા ધારે છે એ જાણવું જરૂરી હતું. એમનો પગદંડીપથ મેદપાટ જાય, શાકંભરી જાય, માલવા જાય, પણ ખરી રીતે તેઓ ક્યાં ને શા માટે જતા હતા તે જાણવું જરૂરી હતું. એટલામાં આયુધ નજરે પડ્યો.

‘મારો સંદેશો સમજાયો હતો, આયુધ! કે વાર લાગી?’

‘ના-ના, એ તો તરત હું કળી ગયો. મને પણ આ ત્રણ જણા વિચિત્ર લાગ્યા હતા! એઓ ત્યાગભટ્ટને મળવા ને ત્યાંથી આનકના પંથે જવાના છે. એમણે નર્મદાતટે ગજેન્દ્રોને ભેગા કર્યા છે!’

‘કેમ જાણ્યું?’

‘મેં એક દિવસ એમણે વાત કરતાં સાંભળ્યા હતા. પણ તેઓ એવા ગજેન્દ્રની શોધમાં ફરી રહ્યા છે, જેની મદગંધથી તમામ હાથી ભાગી જાય!’

‘હા...’ કાકને નવાઈ લાગી. મહારાજે એને કહ્યું હતું તે યાદ આવ્યું. પણ એ વિચારી રહ્યો: તો-તો ત્યાગભટ્ટ એટલા માટે જ રખડતો હોવો જોઈએ. ને આ ત્રણે એ જાણવા માટે જ જતા હોય. એ વસ્તુ તો યુદ્ધની દ્રષ્ટિએ ઘણી મહત્વની હતી. તેણે મોટેથી કહ્યું: ‘તું શું સંદેશો લાવ્યો છે, આયુધ? મહારાજે કાંઈ કહેવરાવ્યું છે? આનક વિશે કાંઈ નવી વાત આવી છે?’

‘સંદેશો મારો ટૂંકો જ છે – આપણે કરીએ છીએ તે કરવાનું. આમની રજેરજ માહિતી આપણે મેળવવી. માલવાની તૈયારી પણ જોઈ લેવી ને મહારાજને ચંદ્રાવતીમાં પાછા મળવું. મહારાજ પોતે નીકળવાના છે!’ 

‘ક્યારે?’

‘તૈયારી પૂરી થાય કે તરત. વિક્રમને આનકરાજના યુદ્ધમાં સાથે લેવાનો મહારાજનો વિચાર છે. કચ્છનો રા’ આવ્યો છે. નડૂલનો આલ્હણ રસ્તે મળશે. સિંધદેશનાં ઘોડાં આવ્યાં છે. ગજસેના તૈયાર થાય છે. આપણે મહારાજને ચંદ્રાવતીમાં જઈને મળવાનું છે!’

‘પણ આ ત્રણ જણા કોણ જાણે ક્યાં જવાનાં લાગે છે! ઠીક, તું આ ઘોડાં લઇ આ જંગલપાર ઊભો રહેજે. હું એમની પાછળ પગદંડીએ-પગદંડીએ વન વીંધીને તને ત્યાં મળીશ. કદાચ એઓ દેખાય, તો આઘાપાછો થઇ જજે, એમની નજરે ચડતો નહિ. એમનો માર્ગ બરાબર ધ્યાનમાં લેજે.’ કાકે ધીમેધીમે વસિષ્ઠાશ્રમનું વન વટાવ્યું. પેલા ત્રણ જણા એમની બરાબર આગળ જતા હતા. એમને કાકના પાછળ હોવાની ગંધ મળી હોય તેમ જણાયું નહિ. કાકે પણ ઠીક દૂર રહીને એમને નજરમાં રાખ્યા કર્યા. એટલામાં એણે ત્યાં રસ્તામાં જ આયુધને રાહ જોતો દીઠો. એણે ખબર આપ્યા કે પડખેના તળાવડે એ ત્રણે ઘોડેસવારો થોડી વાર પહેલાં થોભ્યા હતા. રસોઈપાણી કરી બે ઘડી પહેલાં જ એઓ ઊપડી ગયા.

કાકને અત્યારે ભૂખ કકડીને લાગી હતી. સૂરજદેવ પણ ઠીક તપ્યો હતો. એણે આસપાસ નજર કરી તો થોડાંક ફળ ખાવા જેવાં દીઠાં. એનાથી ચલાવીને તત્કાલ એમનો પીછો પકડ્યો. 

મેદપાટને મૂકીને શાકંભરીના રસ્તે ઘોડેસવારો ઉત્તર તરફ ફંટાયા. એમનું નિશાન માલવા લાગ્યું. કાક ને આયુધ સાવધ બની ગયા. તેમણે એમનું પગલેપગલું દબાવ્યું. એઓ ક્યાં જઈ રહ્યા હતા કે શું કરવાના હતા એ જાણવાનું જરૂરી હતું. એમને એક પળ પણ નજરથી એમને રેઢા ન મૂક્યા. એમની નજરમાં જ આવે એટલું છેટું રાખ્યા કર્યું. રાતદિવસ આ સંતાકૂકડીની રમત ચાલ્યા કરતી હતી. ઠીક થકવી નાખે એવી આ લાંબી કૂચ ચાલતી જ રહી. ઉત્તરમાં હજી એઓ વધુ આગળ ગયા. એમણે ઉજ્જૈન પણ એક તરફ રાખી દીધું. નર્મદા-કિનારેથી સીધો પૂર્વપંથ એમણે પકડ્યો. 

કાકને સમજ પડી. ગજેન્દ્રોની ભેગી થયેલી સેના માટે કે પછી પેલો ત્યાગભટ્ટ કહે છે તેવો એક ગજરાજ મેળવવા માટે આ જઈ રહ્યા હોય તેમ લાગ્યું. ત્યાંથી પછી એમનું નિશાન કાં આનકનું હોય, કાં ચંદ્રાવતીનું હોય. એમ ને એમ એઓ બધા નર્મદાના કિનારા ખૂંદતા છેક હૈહયદેશના ત્રિપુરી સુધી પહોંચી ગયા. ત્યાંની નર્મદાનું રૂપ જોઇને કાકભટ્ટના હૈયામાં દિવસે પણ સોનેરી સ્વપ્નાં દેખાવા માંડ્યા. એને અશક્ય લગતી હતી તે ત્યાગભટ્ટની વાત શક્ય ને સાચી લાગવા માંડી. એક જ ગજેન્દ્ર ત્યાગભટ્ટ એવો પ્રાપ્ત કરી લે, જેની ગંધથી બધા હાથી ભાગી જાય છે એમ કહેવાય છે, તો ગુજરાતની બળવાન ગજસેનાનું શું થાય? પછી ગુજરાતને આનકરાજ રણક્ષેત્રમાંથી એક તસુ પણ ચકસવા દે ખરો? કાકને લાગ્યું કે જો ત્યાગભટ્ટનો ને આ ત્રિપુટીનો ખરો માર્ગ મેળવવામાં નહિ આવે, તો છેલ્લી પળે વિજય પરાજયમા ફેરવાઈ જશે. એને રાજ્યાભિષેક જેટલું જ મહત્વ આ વસ્તુનું હવે જણાવા માંડ્યું. તે અત્યંત સાવધ થઇ ગયો; પળેપળે અત્યંત સાવચેતીથી એમની નજર રાખતો રહ્યો.

એક દિવસ એણે નર્મદાના આરસકિનારા તરફ આ ત્રિપુટીને જતી જોઈ. હવે એમની આગેકૂચનો અંત આવ્યો હતો. આંહીં ભૃગુઆશ્રમ કહેવતો હતો ત્યાં એઓ થોભ્ય લાગ્યા. કાકે પણ એટલામાં કોઈકના ઝૂંપડામા આશ્રય મેળવી લીધો. દ્રમ્મના લોભે પેલાએ એમને પડ્યા રહેવા દીધા. પણ કાકે આંહીં જે આરસની સૃષ્ટિ જોઈ, તે જોયા પછી એને મા હં સ્વપ્નોની દુનિયા કેવી હોઈ શકે તેનો ખ્યાલ આવ્યો. એને લાગવા માંડ્યું કે ત્યાગભટ્ટે આંહીં કોઈ ગજેન્દ્ર મેળવ્યો હોય તો નવાઈ નહિ. ભૃગુઆશ્રમમા એણે ત્યાગભટ્ટને જોયો. ભાવબૃહસ્પતિ માલવા તરફ આવ્યા તે પહેલાં એક વખત એઓ આંહીં હતા. મહારાજ જયદેવના આમંત્રણે સોમનાથ આવ્યા હતા એ વસ્તુ પણ કાકને ત્યાગભટ્ટની આ તરફની હિલચાલમાં ઘણી જ સૂચક જણાઈ. તે ત્યાગભટ્ટની ને ત્રિલોચન, કેશવ, મલ્હારની પળેપળની હિલચાલ જોતો ત્યાં થોભ્યો.

એણે ઉતાવળે ચંદ્રાવતી પાછા ફરવું હતું. માલવા સળગી ઊઠે તો એનો રસ્તો રૂંધાઇ જાય તેમ હતો, પણ ત્યાગભટ્ટની પૂરેપૂરી માહિતી મેળવ્યા વિના જવું એ પરાજયને નોતરવા બરોબર હતું. ત્યાગભટ્ટ આંહીંથી ચોક્કસ ક્યાં જવા માગતો હતો તેનો ચોક્કસ પત્તો મળવો જોઈએ.

એક વખત આકાશમાંથી ચાંદનીએ રૂપેરી રસના કળશ ઢોળવા માંડ્યા. વનનાં વન એના રૂપેરી પ્રવાહ નીચે નાહી રહ્યાં. આખી સૃષ્ટિ હિમમય હોય એવી ધવલ બની ગઈ. એ વખતે નર્મદાના સો-સો હાથ ઊંચા આરસકિનારાએ કલ્પનાસૃષ્ટિનું એક અદ્ભુત મોહક દ્રશ્ય ઊભું કર્યું હતું! નર્મદાના અગાધ ઊંડા જળમાં જાણે પડછાયાની એક નગરી ઊભી થઇ ગઈ હતી. ચાંદનીએ આકાશમાંથી રસની, રંગની અને રૂપની અનરાધાર હેલી વરસાવવા માંડી હતી. વણ, પવન, જલ, આકાશ, તારા, આરસી ખડક અને રૂપેરી ચાંદની – સઘળાં કોઈ અલૌકિક જીવનનું મૂક ચિત્ર દોરી રહ્યાં હતાં! એ વખતે કાકે કોઈક ત્રણ જણાને ધીમેધીમે નર્મદાકિનારા તરફ ફરી રહેલા જોયા. તેઓ કોણ હોઈ શકે તે સમજાય તેવું હતું. ત્રિલોચન, મલ્હાર અને કેશવ એ જ ત્રિપુટી, બીજું કોણ? એમની વાત ગુપ્ત રીતે પકડી લેવાની આ સરસ તક આવી હતી. એ ગુપચુપ બહાર નીકળ્યો. કેસૂડાંના અસંખ્ય નાનાં છોડવા એના રસ્તામાં આવતા હતા. તે લપાતોછુપાતો એમાંથી ધીમેધીમે પેલી ત્રિપુટી તરફ આગળ વધ્યો. ભૃગુઆશ્રમમાં એણે જોયેલી હિલચાલ પરથી એને લાગ્યું હતું કે આજકાલમાં કોઈક પણ ઊપડવાનું જણાય છે. ગજેન્દ્રો રવાના થઇ ગયા હોય કે હવે પછી આવવાના હોય. બરાબર શું હતું તેનો હજી કોઈ પત્તો લાગતો ન હતો. પણ દરરોજ સેંકડો ભીલોને ત્યાં ભૃગુઆશ્રમમાં આવતા-જતા એ જોતો, એટલે કાંઈક હિલચાલ થઇ રહી હતી એ ચોક્કસ હતું. વાત જાણીને એને ભાગવાની ઉતાવળ હતી. આજે હવે એ તક આવતી લાગી. 

કાકે પોતાની આગળ દૂર મલ્હારભટ્ટ જેવા કોઈને જતો દીઠો. તે જરા પાછળ રહી ગયો. મલ્હારભટ્ટની સાથે ત્રિલોચન જણાતો હતો. છેક પાછળ કેશવ સેનાપતિ ઘોડા ઉપર હતો. કોઈ કાંઈ બોલતું ન હતું. કાકને લાગ્યું કે કેશવ સેનાપતિ ક્યાંક ઉપડવાની તૈયારીમાં હોવો જોઈએ. એને અત્યારની એમની વાતનો શબ્દેશબ્દ જાણવાની તાલાવેલી લાગી. 

તે એમની પાછળપાછળ ચાલ્યો. થોડાથોડા અંતરે આવતાં નાનાં ઝાડ એને સંતાઈ જવામાં રક્ષણ આપી રહ્યાં હતા. આરસકિનારાની પડછાયાની નગરી તરફ જ એઓ વળતા જણાયા. આડાઅવળા રસ્તે થઇ, કાક ત્યાં એક ખડકનો આધાર લઇ, પહેલેથી તેમાં છુપાઈને બેસી ગયો. એ છુપાયો હતો ત્યાં જ કેટલાક આરસખડક નદીનાં અગાધ ઊંડા જળ ઉપર ઝૂલતા છજાની પેઠે આવી રહ્યા હતા. આ ત્રણે જણા ત્યાં આવીને ઊભા. પાસેના એક નીચેના ખડકની બખોલમાંથી કાકે એમને જોયા. ત્યાંથી એમનો શબ્દેશબ્દ સ્પષ્ટ સમજાતો હતો. સામે ઊભેલા નર્મદાના આરસકિનારા આંહીંથી અત્યંત સુંદર જણાતા હતા. નદીમાં એમના સીધા ઊભા પડછાયા પડતા હતા, જાણે જલમાં કોઈ અપ્સરાની સૃષ્ટિ પડી હોય! નર્મદાનાં અગાધ શાંત મૂક જળમાં ઇન્દ્રની આખી ભવ્ય અમરાવતીનગરી આકાશમાંથી રમવા ઊતરી આવી હોય, એવી એક મનોહર સુંદર સ્વપ્ન સમી અદ્ભુત રચના કાકે ત્યાં દીઠી! નર્મદાના ઊંડા જલ, આરસકિનારા, વનના પડછાયા, આકાશ, તારા અને પવન – બધાં જ જાણે કોઈ જાદુઈ સ્પર્શે, જ્યાં હતાં ત્યાં, સ્વપ્ન સમી સુખનિંદ્રામા ઊભાં રહી ગયાં હોય અને ઊભાંઊભાં આખી સૃષ્ટિને જોઈ રહ્યાં હોય એવી સોહામણી ચિત્રરચના ખડી થઇ ગઈ હતી! માણસને જીવન કરતાં ભ્રમ વધારે સાચો લાગે ને વધારે પ્યારો પણ લાગે, એવી આ પળ હતી. કાક એ જોઈ જ રહ્યો!

ઉપર ત્રણ જણાની વાત ચાલી રહેલી લાગી. ત્રિલોચનનો અવાજ એણે તત્કાલ પકડી પડ્યો. તે બોલતો જણાયો: ‘સેનાપતિજી! ત્યાગભટ્ટે અદ્ભુત ગજેન્દ્રો મેળવ્યા છે, પણ એણે ધાર્યું હતું તે થયું નથી. જેવો ગજ એણે જોઈતો હતો તેવો ન મળ્યો – ગંધહસ્તિ.

‘જેની મત્ત ગંધ બીજા બધા ગજેન્દ્રોને ગધેડા જેવા  બનાવી દે એ નાં? એ એનો મળ્યો નથી એ સાચું. મને પણ એ જ ચિંતા છે, ત્રિલોચન!’ અવાજ સ્પષ્ટ રીતે સેનાપતિ કેશવનો હતો. 

‘એમાં હવે ચિંતા શી? ગજેન્દ્રસેના તૈયાર થઇ જશે, એ ચોક્કસ.’

‘એમ નથી, ત્રિલોચન! આપણે સમજવાનું આ છે. આવો કોઈ એક ગજેન્દ્ર ત્યાગભટ્ટને મળ્યો હોત, અથવા એણે પોતાની ગજસેના ઊભી કરી જુદું જ જુદ્ધ માંડ્યું હોત, તો એ વાત જુદી હતી. પણ હવેની એની યોજના તો શાકંભરીને પાટણ ઉપર લઇ જવાની છે. એણે આપણને પણ એ કહ્યું. એના માટે આ જ રસ્તો બાકી છે. પણ આપણે હવે એ વિચારવાનું છે – શાકંભરી પાટણ ઉપર જાય એમાં આપણે ભાગ લઇ શકીએ? ત્રિલોચન! મને એ ગમતું નથી.’ કેશવનો અવાજ ગંભીર. શોકઘેરો, અશાંત બની ગયો. કાકને પણ એ અવાજનું દર્દ જણાતું હતું.

‘મને તો મહારાજ જયદેવ વિનાનું રણક્ષેત્ર જ હવે ગમતું નથી!’ કેશવ દર્દથી બોલ્યો, ‘હવે એ જુદ્ધક્ષેત્ર જેવું જણાતું નથી. વળી મેં તો વર્ષો સુધી પાટણના અજેય દુર્ગને અજેય ને અખંડ નિહાળ્યો છે. હું ત્યાં દુર્ગપતિ હતો. પાટણની બજારમાં આ જ શ્યામ વાજી ઉપર દુર્ગપતિની પ્રતિષ્ઠાથી હું ફર્યો છું. પાટણની ધૂળનો કણેકણ મને સેનાપતિ કહીને બોલાવે છે! સેનાપતિનું નામ સાંભળતાં જ કેશવનું નામ નાનકડું પાંચ વર્ષનું છોકરું પણ જાણે છે. આટલો પાટણે મને જાણ્યો છે. હું એ જ પાટણના હલ્લા ઉપર કોઈનો સાથ કરું એ કદાપિ બને? મને એમાં દેશદ્રોહ કરતાં પણ વધારે એવો જીવનદ્રોહ જણાય છે. ત્રિલોચન! જીવન દ્રોહ મારે હાથે થાય, એના કરતાં તો મારું જીવન જ ભલે હવે સમાપ્તિ પામે! ગુજરાતને છિન્નભિન્ન થતું હું જોઉં, મારું સેનાપતિપદ મને પછી પાછું મળે કે વખતે ક્યાંક દંડનાયકપદ મળે, એના કરતાં તો હોઉં જ નહી, એમ હું ઈચ્છું છું. હું જોદ્ધો છું. મેં જુદ્ધ કર્યા છે, જોયાં છે, માણ્યાં છે. આર્યવર્તમાં પરાજિત જોદ્ધાઓ હંમેશાં જીવનન્યોછાવરી કરતા આવ્યા છે. શા માટે? વખત છે, એ પણ માણસો છે, નબળાઈ આચરી બેસે તો? કોઈ ઈચ્છાના ગુલામ થઇ, વિજયના લોભે દેશદ્રોહ કરી બેસે કે જાતગૌરવ ખોઈ બેસે તો? એના કરતાં એમાંથી આત્માને ઉદ્ધારી લેવો સારો. એટલા માટે એઓ જળસમાધિ લઇ લેતા! હૈહયરાજે એ કર્યું હતું. માલવરાજ મુંજે પણ એ જ કર્યું કહેવાય. કર્ણાટકના સોમેશ્વરે એ કર્યું હતું. રા’ખેંગારે બીજું શું કર્યું? પરાજય પછીનું જીવન એ જોદ્ધા માટે જીવન નથી, જીવતું મૃત્યુ છે!’ 

વાણી સાંભળીને કાકના દિલમાં કેશવની ગૌરવશીલતા ઊભી થઇ ગઈ. સેનાપતિ એ ખરેખર સેનાપતિ જ હતો, પાટણને શોભે તેવો! અત્યારે પણ એની વાતમાં લઘુતા નહિ! એને કેશવની વાણી સાંભળતાં ધ્રૂજારી આવી ગઈ. એટલામાં ત્રિલોચન બોલતો જણાયો: ‘સેનાપતિજી! તમે હજી પણ અમારા સેનાપતિ છો. તમે જે ઈચ્છતા નથી એ પાટણદ્રોહ અમે પણ ઈચ્છતા નથી. અમે દેશ વીંધીને ગમે ત્યાં ચાલ્યા જઈશું, પણ શાકંભરી પાટણ ઉપર જાય, એમાં અમે હોઈએ, એ કદાપિ પણ બનવાનું નથી. કુમારતિલકની એ વાત અમને પણ રુચતી નથી!’

‘પણ હવે આપણે કરવાનું શું? આટલું જ બસ છે, ત્રિલોચન!’ કેશવ બોલીને જવાબ મેળવવા એની સામે જોઈ રહ્યો હોય તેમ લાગ્યું.

પણ થોડી વાર સુધી કોઈ કાંઈ બોલ્યું નહિ. 

‘ત્યારે?’ છેવટે ત્રિલોચને એને જ પૂછ્યું.

‘ત્રિલોચનપાલજી! તમે જીવનમાં બે ઘડી મોડા પડ્યા. વહેલા આવવાનું સદ્ભાગ્ય મને મળ્યું હતું. મેં મહારાજ જયસિંહદેવ સાથે અનેક જુદ્ધો ખેલ્યાં. અનેક ઠેકાણે પરદુઃખભંજન બનીને સાથે ગયો. છાની ગોષ્ઠીઓ સાંભળી, વિનોદ માણ્યા. ભેગા ધનુર્વિધ્યાનો તાગ જોયો. મને મહારાજ વિનાનું જીવન હવે સૂરજ વિનાના દિવસ જેવું લાગે છે. કુમારપાલે આપેલો હાથતાળીનો ખેલ હું ભૂલવા ધારું તોપણ ન ભૂલું. એ દ્રદુપીડિતને હવે હું નમતું આપું, એમાં મારી જીવનસંધ્યા લાજે! એટલે મારે માટે હવે બસ. પણ આ પરાજય મેં મેળવ્યો. મહારાજ જીવતા હોત તો એમનાં ચરણે હું સમશેર ધરી દેત, હંમેશને માટે ગૌરવહીન જીવન સ્વીકારી મૃત્યુનો આનંદ માણી લેત. પણ મહારાજ તો દેવ થયા. હું પણ માણસ છું. કોઈક દિવસ મારામાં નબળાઈ પેસે, કોઈ દિવસ હું ઊભો થઉં, એ વખતે પાટણદ્રોહ કરવાનું મને મન થઇ આવે – એવી આત્મઘાતી વસ્તુ હવે હું રહેવા દેવા જ ઈચ્છતો નથી. દેહત્યાગ કરીને પણ આત્માનું ગૌરવ જાળવવાની જોદ્ધાની રણનીતિ તો સૃષ્ટિજૂની છે. ત્રિલોચનપાલજી! તમે હજી જુવાન છો. તમને એવાં જુદ્ધ જોવા મળશે કે જે જોવા મહારાજ પણ ફરી સદેહે આવવા ઈચ્છે. આ જુદ્ધ જ એવું આવી રહ્યું છે. એટલે હું તમને પૂછું છું કે તમે હવે શું કરશો?’

‘હું બીજું ગમે તે કરું, પ્રભુ! પણ પાટણદ્રોહ તો નહિ જ કરું!’

વાત સાંભળીને કાક ડોલી ગયો: ‘છેવટે પટ્ટણી એ પટ્ટણી! જીવનની કોઈ લઘુતા એને ન ખપે તે ન જ ખપે!’ તે મનમાં બંનેને પ્રશંસી રહ્યો. 

‘પણ પાટણદ્રોહની એક વાત, જે આપણે જાણીએ છીએ...’

કાક ચમકી ગયો. ત્રિલોચન સ્તબ્ધ થઇ ગયો હોય તેમ લાગ્યું.

‘આપણે...?...’ ત્રિલોચનને આશ્ચર્ય થયું. 

‘હા, હા, બરાબર. હું ભૂલ્યો. આપણે નહિ, હું જાણું છું. ત્રિલોચનપાલજી!...’ કેશવ બોલ્યો.

કાક એકકાન થઇ ગયો. અક્ષરેઅક્ષર એને માટે હવે કીમતી હતો. 

કેશવ આગળ વધ્યો: ‘...તે વાત જો હું તમને ન સોંપું, તો ભયંકર દ્રોહ થાય તેમ છે, એટલે તમને હું એ સોંપી દઉં છું. અને તમે ગમે તે રીતે તે પહોંચાડવાની છે ત્યાં પહોંચાડજો. તો મને શાંતિ મળશે!’

‘કોને પહોંચાડવાની છે, પ્રભુ?’

‘આ તમામ રાજરચનાનો અત્યારે જેને કર્તાહર્તા ગણો તેને – ઉદયન મહેતાને,  કુમારપાલને.’

ત્રિલોચન સાંભળીને નવાઈ પામ્યો હોય તેમ લાગ્યું.

‘પણ ત્યારે, પ્રભુ, તમે?... તમે હમણાં જે બોલ્યા, એ પછી અમે તમારાથી વિખૂટા ન પડીએ. આપણે સૌ સાથે પંથે પડીએ – જ્યાં જવું હોય ત્યાં.’

‘ત્રિલોચનપાલજી! મને હવે મહારાજ જયદેવ સાથે ચોસર ખેલવાનું મન થયું છે!’ કેશવની વાણીનું દર્દ પથ્થર પિગળાવે તેવું હતું. તેણે આટલું બોલીને તરત જ કાબૂ મેળવી લીધો: ‘તમે આટલું કરી દ્યો, પછી તમે છૂટા. તમે અમારી સાથે સુખદુઃખમાં ફર્યા છો. પાટણમાં દુર્ગપાલ હો તો તમારા જેવા હજો. તમે કૃષ્ણદેવ જેવાને પણ ઊભા રાખી શકતા. એ જ કૃષ્ણદેવને છેવટે હણવો પડ્યો! પણ ત્રિલોચનપાલજી! આપણી ખરી વાત રહી જાય છે. જે વાત પાટણદ્રોહની મારી પાસે રહી જાત તે આ છે. સાંભળો!’ 

કાક એકદમ સ્થિર થઇ ગયો. એને બીક હતી કે જો કેશવ ત્રિલોચનના કાનમાં વાત કહેશે, તો પછી એ વાત મેળવતાં ભોં ભારે પડશે. પણ ત્યાં તો કેશવનો ધીમો અવાજ સંભળાયો: ‘ત્રિલોચનપાલજી! તમે આ વાત લઈને પવનવેગે ચંદ્રાવતી પહોંચો – જાણે ગયા જ નથી એમ. કુમારપાલ ત્યાં આવશે. એના ઉપર ત્યાં ઘા થવાનો છે!’

‘પ્રભુ... શું કહો છો?’ ત્રિલોચન આભો બની ગયો હતો. કાક ચમકી ગયો.

‘એ મેં ત્યાગભટ્ટ પાસેથી જ એક વખત છૂપી રીતે જાણ્યું છે. પણ હું જે જાણું છું તે ત્યાગભટ્ટ પણ જાણતા નથી. ત્યાર પછી જ મને લાગ્યું કે હવે આ જુદ્ધ નથી, આ તો છળ, કપટ, દ્રોહ ને અનાર્યતા છે. વિક્રમે ત્યાં એક મહાલય ઊભો કર્યો છે. એમાં કુમારપાલ જાય અને એ આખો મહાલય તરત આગમાં પ્રજળી ઊઠે, એવી કપટરચના કરી છે નીચેથી એવી રચના કરનારો કોઈક બર્બરકનો જ સાથી છે!’

સાંભળીને કાક તો ડરી જ ગયો. એને કૂદકો મારીને અત્યારે જ  ભાગવાનું મન થઇ આવ્યું, કેશવ આગળ બોલતો જણાયો:

‘એટલે તમે ત્રિલોચનપાલજી! આહીંથી પવનવેગે હમણાં જ ઊપડો. કુમારપાલ ઉપર બીજો ભય આનકના જુદ્ધનો છે. એ જુદ્ધમા ચૌલિંગ હશે. એ ચૌલિંગ પણ છેલ્લી પળે દ્રોહ દેવાનો...’

‘હા...’ કાકને હવે વાત સમજી ગઈ. એનું આંહીં આવવું સાર્થક થઇ ગયું હતું. એનું જીવન ધન્ય બની ગયું હતું. પાટણને, કુમારપાલને, ઉદયનને અને જુદ્ધને – બધાને અસર કરનાર વસ્તુ એની પાસે આવી પડી હતી. એ ઈચ્છી રહ્યો, જો એને પાંખો હોય! એને ઊડવાની શક્તિ જોઈતી હતી. 

‘ત્રિલોચનપાલજી! આપણી પાસે આ વસ્તુ આવી છે. એ આપણે આપી દઈએ, પછી તમે છુટ્ટા. અને મલ્હારભટ્ટ! તમે માનશો! બ્રહ્મદેવ! જે મહારાજ સિદ્ધરાજ પાસે રહ્યા હતા. અને જેણે મહારાજને જાણ્યા હતા, તે કોઈ કુમારપાલ પાસે રહે, એમાં કાંઈ માલ નથી. સિદ્ધરાજ મહારાજ તો એક અવતારી પુરુષ થઇ ગયા. એઓ દેવ હતા, માણસ નહિ. કુમારપાલ ગમે તે હોય – એની તોલે હવે કોઈ પાટણના સિંહાસને આવે એમ હું માનતો નથી. જેણે કસ્તૂરી મૃગનો પરિમલ અનુભવ્યો, એણે પછી ચંપામાં પરિમલ શું અનુભવવાનો હતો? એવી વાત છે. મારું માને તો, મલ્હારભટ્ટ! તમે હવે ખેટકપંથમા ધેનુઓ રાખીને એક વેદાશ્રમ જગાડો! હું પણ હવે આંહીંથી તમારી વિદાય લઉં...’

‘તમે, પ્રભુ, ક્યાં વિદાયની વાત છે?’ ત્રિલોચન ગદગદ થઇ ગયો, ‘તમારા વિના તો હું ક્યાંય જઉં નહિ!’   

‘ત્રિલોચનપાલજી! હું આવું. પણ મેં તમને ન કહ્યું, મારી જીવનસંધ્યા હવે લાજે! તમે જઈને આવો, આપણે સાથે વિદાય થઈશું! બસ?’

‘ક્યાં?’

‘આ હૈહયદેશ ખૂંદીને આગળ વધીશું. ગૌડ બંગ જોઈશું. કામરૂપ જોઈશું. એવડો આ દેશ છે કે કોઈ જીવનભર જુએ, તો જોવાનો થાક ન ચડે. જીવનને પણ થાક ન ચડે. મૈયા ભાગીરથી છે. જમનાઘાટ છે. જે રઘુવીરનું સ્વપ્ન મહારાજ સિદ્ધ કરવા મથતા હતા... એ સરયૂતટ છે...’

‘તો હું તમારી સાથે આવું!’ ત્રિલોચન બોલ્યો. 

‘ત્રિલોચનપાલજી! એક વખત મહારાજ જયદેવના દરબારમાં એક વિદ્વાન આવ્યો. પોતે વિદ્યાનો તો પ્રેમ અથોક ધરાવતા. પૂછ્યું પંડિતને: આત્માને વિશુદ્ધ કેમ કરવો? પંડિતે જવાબ વાળ્યો તે તમને હું સંભળાવું. પછી તમે વેગે ઊપડો. એ જવાબ આમ હતો:

मित्रस्नेहभरैर्दिग्धो रुषितो रणरेणुभि।

खड्गधाराजले: स्नातो धन्यस्पात्मा विशुद्धयति।।

ત્યારે તમારે માટે તો ત્રિલોચનપાલજી! હજી ખડ્ગધારાનાં સ્નાન બાકી રહ્યાં છે. તમારે જીવનમાં કરવનું ઘણું છે. પણ ચાલો, મેં તમને જે કહ્યું તે તાત્કાલિક હવે પહોંચાડો. પછી આવવું હોય તો આવજો. કુમારપાલ ચંદ્રાવતી આવશે કે આવ્યો હશે. આપણે એની સાથે વેર છે, પણ છતાં પાટણદ્રોહ કરીને દેશને છિન્નભિન્ન થતો આપણે જોવો નથી. એટલે હવે પવનવેગે ઊપડો. બોલો, ક્યાં જશો?’

‘ચંદ્રાવતી જઉં, પ્રભુ!’

‘હા, બસ ત્યાં જ. ઉદયન મહેતાને તત્કાલ મળો. એક પણ પણ ખોતા નહિ. એક પળમાં આપણે રાજ ખોયું છે એ યાદ રાખજો. ચાલો ત્યારે – ત્રિલોચનજી! મલ્હારભટ્ટ! કોઈક વખત આપણે મળીશું – ભગવાન મેળવશે તો – અત્યારે તો..’  કેશવ વધુ બોલી શક્યો નહિ. 

તે બે હાથ જોડીને બંનેને નમી રહ્યો હોય તેમ જણાયું. 

થોડી વાર પછી ચાંદનીમા કોઈક ચાલ્યા જનારનાં પગલાં કાકના કાને આવ્યાં. એને કૂદીને કેશવનાં ચરણમાં ઢળી પડવાનું મન થઇ આવ્યું હતું. એના ગૌરવશીલ આત્મામાં જયસિંહદેવનો નિ:સીમ પ્રેમ પ્રધાનસ્થાને હતો. દેવપ્રસાદ જેવા વિરલ ક્ષત્રિયનો એ ગુણ ફરીને આંહીં પ્રગટ થયેલ જોઇને, એને પાટણમાં પાછો લાવવાનું મન કાકને થઇ આવ્યું. પણ અત્યારે પ્રગટ થવામાં એને લાભ કરતાં હાનિ વધારે લાગી. કેશવ ડગે એ એને અશક્ય જણાયું. 

પણ કેશવ હવે શું કરે છે એ એ જોવા લાગ્યો. 

થોડી વાર સુધી ત્રિલોચન અને મલ્હારભટ્ટને જતા કેશવ જોઈ રહ્યો. પછી એણે પોતાના શ્યામ વાજીને પાસેના એક ખડક ઉપર દોર્યો. સામેના આરસકિનારાની અભિરામ સૃષ્ટિ તરફ એ જોઈ જ રહ્યો. કાકને આશ્ચર્ય થયું ને બીક પણ લાગી. એને લાગ્યું કે આ ક્ષત્રિયોચિત ગૌરવનો – જયદેવસિંહની સભાનો – છેલ્લોવારસ હતો! આનો પરિચય જગદેવ પરમાર, ત્રિભુવન, દેવપ્રસાદ, મુંજનો રુદ્રાદિત્ય – એવા-એવા જ આપી શકે. પણ એ હવે આંહીં ઊભો રહીને શું કરતો હતો?

કેશવ પેલા આરસની મનમોહન અભિરામ સૃષ્ટિની પડછાયાનગરી તરફ જોઈ રહ્યો હોય તેમ લાગ્યું. કાક પણ ત્યાં નીચે જલમાં જોઈ રહ્યો. શું એ પડછાયા આખાઆખા અગાધ જલમાં બેઠા હતા! કોઈને લાગે કે ત્યાં અંદર એક આખી સજીવ સૃષ્ટિ શાંત બેઠી, કોણ જાણે શું કરે છે!

કેશવ એ જોઈ રહ્યો હતો, જાણે કે એના આકર્ષણથી એ આકર્ષાયો હોય. થોડી વારે એના સ્વગત બોલાતા ધીમાં શબ્દ કાકના કાને આવ્યા: ‘પરાજય પ્રાપ્ત કરવાનો, મહારાજના ગયા પછી મને અધિકાર ખરો? હાથે કરીને, જે માણસે પરાજય મેળવ્યો, જેમાંથી આ આખી ભેદી જુદ્ધમાળા, પાટણને છિન્નભિન્ન કરે તેવી પ્રગટી એ માણસને; હે પડછાયાઓ! તમે પણ તમારો એક મિત્ર ગણી લેજો!’

કાક ધ્રૂજી ઊઠ્યો. તેને શું કરવું તે સુઝ્યું નહિ. આ કેશવ શું કરવા માગતો હતો? જળસમાધિ? એની વાતમાં હમણાં બોલાયેલો શબ્દ તેને સાંભર્યો. તે બોલવું કે ન બોલવું તેનો એકદમ નિર્ણય કરી શક્યો નહિ.

‘આવી અભિરામ સૃષ્ટિ આજે ખીલી છે. આજ જે મૃત્યુનો આનંદ માની ન શકે, એની જુદ્ધજનેતા એને નકારે! હે મહારાજ જયસિંહદેવ! આપણે પાછા કોઈ મહાલયમા ચોસર માંડી બેસીએ, વિનોદ કરીએ, પરદુઃખભંજની મુસાફરી ખેડીએ, પાછા પાટણનું રેણુએ રેણુમાં ફરીફરીને ફરીએ – એવું થાય છે! પાટણ, શ્રીકલશ, કર્ણમેરુપ્રાસાદ, રૂદ્રમહાલય, મહારાજનું જુદ્ધ – કાંઈ ભુલાતું નથી! કોઈ ભૂલશે પણ નહિ. હેં નર્મદે!...’ કાક સમજી ગયો. તેણે એકદમ જ બૂમ પડી: ‘કેશવ સેનાપતિજી!... હું કાક...’ તે કૂદીને ઉપર ગયો પણ ખરો. પણ એટલામાં તો કેશવ સેનાપતિનો શ્યામ વાજી આકાશમાં ઊછળતો એની દ્રષ્ટિએ પડ્યો. કાક દિગ્મૂઢ બનીને જોઈ જ રહ્યો. એણે દુઃખના માર્યા આંખે હાથ દઈ દીધા. એક જબ્બર ધબાકો – પાણીમાં કશું પડવાનો એના કાને સંભળાયો. 

ચાંદનીને નવરાવતા વાંસવાંસ જાળ પાણી ઊડ્યાં. કાક દોડ્યો. એકદમ ખડક ઉપર આવી ગયો. થાય એટલા જોરથી એણે મોટેથી ઘાંટો પાડ્યો: 

‘સેનાપતિજી! હું કાક! તમારાં ચરણે પડું છું. કહું છું, સામે પાર નીકળો. સેનાપતિજી! હું ત્યાં આવું છું...’

પણ પાણીમાં એક વખત થોડેક દૂર શ્યામ વાજીનું માથું દેખાયું. કેશવે હાથમાં ઊંચે ધારી રાખેલી, એને જાણે સાંભળીને સમજી ગઈ હોય, છતાં પ્રેમવિદાય લેવા માગતી હોય તેવી તલવારનો ચાંદનીમા એક હાલતો ચળકાટ જણાયો... અને પાણી પાછાં ગંભીર, મૂક, શાંત પડછાયાને પોતાના ઉદરમાં સમાવીને બેસી ગયાં હોય તેમ બેસી ગયાં!

કાકની આંખમાંથી ખર ખર ખર આંસુ ચાલી નીકળ્યાં. બે હાથ જોડીને નર્મદાના ગંભીર ઊંડા જલને તે કેટલીય વાર સુધી નમી રહ્યો.