Gurjareshwar Kumarpal - 26 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 26

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 26

૨૬

ગોવિંદરાજને સાધ્યો!

કેટલાંક માણસો કામ કઢાવવામાં કોને પકડવો તે જાણે છે. બીજાઓ ક્યારે પકડવો તે જાણે છે. કેટલાકને કેમ પકડવો તે ખબર હોય છે, પણ ક્યારે અને કેમ, કોને પકડવો – ત્રણે વાતના જાણકાર વિરલ હોય છે. ઉદયને ગોવિંદરાજને માલવણ-ક્ષેત્રમા ભૂખ એવો જોયો હતો. આજે એ દેવલબાને મૂકવા આવ્યો. એની ગુજરાત પ્રત્યેની થોડીઘણી સહાનુભૂતિ એમાંથી જ પ્રગટતી હતી. ત્યાં આનકરાજ કરડો હતો અને એનો છોકરો જગદેવ ઉદ્ધત હતો. એ ઉદ્ધત પાસેથી પોતાના ભવિષ્યની કોઈ આશા આને ન જ હોય, એ ઉદયન સમજતો હતો. એ આંહીં આવ્યો, સામે ચાલીને, તો એણે સાધ્યા વિના જવા દેવો, ખાસ કરીને આવા જુદ્ધસમયે એમાં ઉદયનને મૂર્ખાઈની પરિસીમા લાગી. 

પણ ગોવિંદરાજ વધારે રોકાય તેમ ન હતું, ને રોકાય એ ઠીક પણ ન હતું. એટલે જે થોડો સમય હતો તેમાં ધોડા કરીને કાંઈક સાધી લેવાની ઉતાવળ માંડી. કુબેરરાજને ત્યાંથી એ કાંચનદેવી પાસે ગયો. કાંચનદેવીને શાકંભરીમાંથી અત્યારે લીલાં નાળિયર જેવું જ હતું. આનકરાજનો યુવરાજ જગદેવ સોમેશ્વરને પાવળું પાણી પણ પાય તેમ ન હતો. કાંચનદેવીએ તત્પરતાથી એની એક-બે વાત રાજસભા વખતે પકડી લીધી હતી. ઉદયનને એનામાં અસાધારણ, પ્રમાણમાં સામાન્ય વ્યવહારુ શક્તિ દેખાઈ. કાંચનદેવી સોમેશ્વરના હિત માટે ગોવિંદરાજને સાધવામાં સાથ આપે જ. ઉદયન પહોંચ્યો ત્યારે કાંચનદેવી સોમેશ્વરને પાસે બેસારીને કહી રહી હતી: ‘તારા પિતામહે ભારતવ્યાપી કીર્તિ મેળવી હતી સોમ! પણ તારે તો એક ગામડાનું પણ રાજ નથી. જગદેવ જોયો છે? જો રાજા દુર્યોધન પુર્થ્વી આપે તો એ આપે. તારે આંહીં ઓશિયાળો રોટલો ખાવો છે કે તારો ભાગ્યોદય કરવો છે એ નક્કી કરી લે, બેટા!’

ઉદયન બારણા બહાર જરાક થોભી ગયો હતો. છેલ્લું વાક્ય એણે સાંભળ્યું. 

એણે ઉતાવળે જ જવાબ વાળતાં પ્રવેશ કર્યો: ‘બા, કાંચનદેવી. તમે કહ્યું તે મેં સાંભળ્યું!’

‘સાંભળ્યું, મહેતા? મેં કાંઈ ખોટું કહ્યું છે? એનું રાજ રહ્યું શાકંભરીમા!’

‘બા!’ ઉદયને બે હાથ જોડ્યા. એ પાસે બેઠો, ‘મારું ગરીબનું એક વેણ માનશો?’

‘શું, મહેતા?’

‘ત્યારે હું સોમેશ્વરજીના લલાટમાં ભારતલક્ષ્મીનું તિલક થતું નિહાળું છું. તેઓ આંહીં ઓશિયાળા પણ નથી ને કોઈનો રોટલો પણ ખાતા નથી. આ રાજ એમના નાનાનું છે, કોઈ બીજાનું નથી. પાટણમાં કોઈ બે વરસનું છોકરું પણ પારકા વંશવેલાને આંહીં આવતો જોઈ શકે નહિ. તમારાથી અજાણ્યું નથી, બા! એટલે તે દિવસે તમને જે કહ્યું હતું તે બરાબર હતું. બાકી  કુમારપાલદેવને સોમેશ્વરજી હૈયે છે. તમે ધરપત રાખો, બા, તેઓ શાકંભરીનાથ થવાના છે.’

‘એ તો થાય ત્યારે, મહેતા! હમણાં તો ઘોડાં ખેલવતાં શીખે તોય ઘણું!’

‘પણ કુમાર નસીબદાર છે. સામે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, બા! આજ તમે સાંભળ્યું નાં, દેવલબા આવ્યાં છે!’

‘હા, એમનો સ્વભાવ બહુ આકરો છે ને શાકંભરીરાજ પણ મરચું.’

‘પણ એઓ આવ્યાં છે, ને જુદ્ધ પણ લાવ્યાં છે. મહારાજ કુમારપાલ પોતે જુદ્ધે ચડવાના છે. સાંભળ્યું છે કે ત્યાગભટ્ટ પણ ત્યાં છે. આ જુદ્ધમાં, બા! કાં પાટણપતિ નહિ ને કાં શાકંભરીના નાથ નહિ – બેમાંથી એક નહિ એવું થશે. આ તો રાજપલટાનું જુદ્ધ છે. ગોવિંદરાજ આવ્યા છે એમનું કાંઈક પણ ગુજરાત પ્રત્યે વલણ છે!’

‘કાંઈક હોય!? ત્યાં રાજમહાલમા એક તરફ બધા સામંતો ને એક તરફ એ. આપણા પ્રત્યે એની સહાનુભૂતિ પૂરેપૂરી.’

‘ત્યારે તો એઓ આવ્યા એ એક રીતે ઠીક થયું, બા!’ ઉદયન બોલીને આંખના ખૂણામાંથી કાંચનદેવીને નિહાળી રહ્યો. સૌને ખબર હતી કે એની આંખનો એક ખૂણો હજાર શબ્દનું સામર્થ્ય દાખવતો. 

કાંચનદેવી વિચારમાં પડી ગઈ લાગી. એ સમજી ગઈ, મંત્રીશ્વર કોઈ હેતુથી આવ્યો હતો. પણ એનો હેતુ સધાય – અને સાથેસાથે સોમેશ્વરનું હિત સધાય – એ એને જોવાનું હતું. વળી પોતાનું ગૌરવ, એ પણ જાળવવાનું હતું. તેણે ધીમેથી કહ્યું: ‘ગોવિંદરાજ એમ તો જગદેવથી થાક્યા છે!’ 

‘ત્યારે હું એ કહું છું, બા!’ ઉદયને તેનો ધ્વનિ તરત પકડી લીધો, ‘ગોવિંદરાજ આંહીં આવવાના છે. તમને મળ્યા વિના કાંઈ થોડા જાય? અમે કહીએ એના કરતાં તમે કહો તો હજારગણો ફેર પડે. સોમેશ્વરદેવજી આવે એમાં એમને તો ફાયદો છે જ. આપણે ખાતરી કરવી દઈએ. સોમેશ્વરજી શાકંભરી મેળવે – ને એઓ મહાસામંતપદ મેળવે!’

કાંચનદેવી ઉદયન સામે જોઈ રહી: ‘મહેતા, એ માનશે?’

‘એમને મનાવવા માટે, બા! આ પણ લાવ્યો છું. કુબેરરાજ શ્રેષ્ઠીની ભેટ છે, આપણી નહિ. શ્રેષ્ઠીજી પણ આંહીં આવવાના છે!’ ઉદયને પોતાની કેડમાંથી પાંચ-છ અલૌકિક નંગ કાઢ્યાં, હથેળીમાં બતાવ્યાં. એનું તેજ આંખને પણ એક પ્રકારનું તેજ આપી જાય એવું અદ્ભુત હતું. તેજની સૃષ્ટિની કોઈક મોહિની એમાંથી ઊઠતી હતી. કાંચનદેવી જોઈ રહી. એણે ઘડીભર થઇ ગયું: ‘પાટણમાં આવા પણ પડ્યા છે, જેમને આવાં નંગ હાથના મેળ બરાબર છે. ઓહોહો! મહારાજ સિદ્ધરાજે તો કાંઈ નગરી ઊભી કરી છે!’ અને એક બીજો વિચાર પણ આવ્યો: ‘કુમારપાલની પડખે આવા છે, એટલે વિજય એનો અવશ્ય છે. કોઈનું  હવેનું ઘર્ષણ નકામું નીવડવાનું છે.’

ઉદયન એના મનને કળી ગયો: ‘જુઓ, બા! શાકંભરી આપણી પાસે હશે અને સોમેશ્વરજીને આપણે સ્થાપ્યા હશે, તો એક વખત ભગવાન દી દેખાડશે, ત્યારે સોમેશ્વરજી ભારતવ્યાપી કીર્તિ મેળવશે. કોને ખબર છે? પુરુષના પ્રારબ્ધ આડે પાંદડું! હમણાં તો આ ગોવિંદરાજ આવ્યા છે આંહીં, એમનો આપણે લાભ લઇ લેવો.’

‘શાકંભરીના ગોવિંદરાજ આવ્યા છે.’ બહારથી એક અનુચર પ્રણામ કરતો આવીને એટલામાં ઊભો રહ્યો. ગોવિંદરાજ વિશે એક નજર-વાત ઉદયન ને કાંચનદેવી વચ્ચે થઇ ગઈ. કાંચનદેવીએ ડોકું ધુણાવીને અનુમતિ આપી. થોડી વારમાં નખશિખ શસ્ત્રાસ્ત્રથી સજ્જ એક જુવાન જોદ્ધો આવીને ત્યાં ઊભો રહ્યો. તેણે સોમેશ્વરને જોતા જ પોતાની તલવાર સાદર કરી બે હાથ જોડ્યા. નમસ્કાર કર્યા ઉદયન એની દરેકેદરેક હિલચાલ જોઈ રહ્યો હતો. તે કાંચનદેવીને નમ્યો. 

‘આવો, બેસો, ગોવિંદરાજ! ક્યારે આવ્યા છો?’

‘આજે જ આવ્યો, બા!’

‘કેમ શાકંભરીમા સૌ છે તો સારાં ને?’

‘સારાં તો છે , બા! પણ...’

‘શું પણ...’

‘જગદેવજી જુદ્ધના ક્યાં થોડા રસિયા છે? પવનને પણ લડાઈમાં નોતરે!’

‘એ તો મહારાજ છે ને એને નિયમનમાં રાખનાર!’

‘બા! સાચું કહું? સોમેશ્વરજી વિના બધું અંધારું લાગે છે!’

‘પણ એને તો તમે કાઢ્યા. બાકી હતું તે આ દેવલબાને પણ કાઢ્યાં. હવે સુધવારાણી ભલે એકચક્રી રાજ સ્થાપે!’

‘બા! મારું માનશો? સોમેશ્વરજીને મારી સાથે મોકલો!’

‘તમારી સાથે મોકલું?’

‘હા, બા! વાળ વાંકો થાય તો આ મંત્રીજીની તલવાર ને મારું માથું! મારા ઉપર વિશ્વાસ જોઈએ. બાકી ત્યાંથી નામ કાઢી નાખવામાં આપણો અધિકાર ખોયા જેવું થાય છે!’

‘ઉદયને તરત કહ્યું: ‘બા! વાત ગોવિંદરાજની સાચી લાગે છે!’

‘શું સાચી લાગે છે, મહેતા!’ કાંચનદેવી બોલી, તે સમજી ગઈ. તેણે ભૂમિકા તૈયાર કરવાની હતી. ‘ગોવિંદરાજનો આપણને ક્યારે વિશ્વાસ ન હતો? હમણાં આપણે એ જ વાત કરી રહ્યાં હતાં કે ત્યાં આપણા એક આ ગોવિંદરાજ! એઓ ધારે તો આપણને આંહીં બેઠાં મદદ કરે, આપણને નવો મારગ પણ સુઝાડે –‘

‘એ તો કરશે-કરશે, પણ ત્યારે જુઓ, ગોવિંદરાજજી! વાત મારી એક માનો.’ ઉદયન બોલ્યો, ‘તમે સમજો છો, કાંચનદેવીબા પણ સમજે છે, અમે પણ સમજીએ છીએ – દેવલદેવી આંહીં આવ્યા છે, એટલે હવે જુદ્ધને સાથે જ નોતરતાં આવ્યાં છે. આનકરાજ નહિ માને. જગદેવજી પણ નહિ મને. સોમેશ્વરદેવજી ત્યાં હોય કે આંહીં હોય – ત્યાં હોય એના કરતાં આંહીં હોય તો વધારે ઠીક, નહિ? પણ તમે એમનો માર્ગ સરલ બનાવો, તો તમે શાકંભરીને ફરીને કીર્તિશાળી જોશો. ગોવિંદરાજજી! કંચનદેવીબા પણ માંગે છે તમારી સેવા. તમે આપો તેમ છો? પહેલા તો કહો, આપી શકો તેમ છો? આનકરાજજીનો આટલો વિશ્વાસ તમે ધરાવો છો? તે વિના બધું નકામું. પહેલો પ્રશ્ન આ છે.’

‘આનકરાજજીનો વિશ્વાસ હું ધરાવું છું. વિશ્વાસ વિના  કાંઈ મને આંહીં મોકલ્યો હશે, મંત્રીજી?’

‘થયું ત્યારે. એ તો હું પણ જાણું છું, ગોવિંદરાજજી! તમે ક્યાં અજાણ્યા છો મને?’

‘પણ આં કામ રાજપલટા જેવું મહાન રહ્યું. જોખમનો પાર નહિ. કોણ કેમ વર્તે તે કહેવાય નહિ. વિજય મળે તમને મહાસામંતપદે સ્થાપીને પછી સોમેશ્વરજી નિર્ભય રહે, એ સવાલ જુદો છે. કાંચનબા પણ એ સમજે છે. પણ અત્યારે ત્યાં વાઘની બોડમાંથી માંડ નીકળ્યા છે એને હાથે કરીને પાછા મોકલવા જેવું ક્યાં કરીએ? હા, તમે કામ સફળ બનાવવા બધું કરી છૂટો. અને તો જ શંકા કોઈને નહિ પડે, ગોવિંદરાજજી! નહિતર જીવનાં જોખમ. તમને કેમ લાગે છે?’

ગોવિંદરાજ વિચાર કરી રહ્યો. વાત તો સાચી હતી. જુદ્ધ અનિવાર્ય હતું. પાટણ જીતે ને સોમેશ્વર આવે, તો પોતાનો સિતારો ચડતો થાય. જગદેવનો વિશ્વાસ કરવો ખોટો હતો. પોતાનું સ્થાન સોમેશ્વર જ જાળવે તેમ હતું. નહિતર તો શાકંભરી કીર્તિ ખોશે અને રાજ પણ ખોશે; ને દશા માળવા જેવી થશે. જગદેવ-આનકનાં પગલાં એવાં હતાં.

ઉદયને તેને તત્કાલ વધુ આકર્ષણ આપ્યું: ‘એવું છે ગોવિંદરાજજી! તમે ત્યાં એકલા નથી. પણ કોઈ બીજાને શું ભરોસો પડે તમારો કે તમારી આંહીં કિંમત છે? એટલે એવાને માટે આ...’ ઉદયનનો શબ્દ અધૂરો રહ્યો.

‘બા! કુબેરરાજ શ્રેષ્ઠી આવ્યા છે.’ અનુચર પાછો હાથ જોડીને ત્યાં ઊભો હતો. 

‘શ્રેષ્ઠી આવ્યા નાં? મેં જ એમને બોલાવ્યા’તા. આવવા દે તો!’ કાંચનદેવીએ વાતને ઝપાટાબંધ ઉપાડી લીધી.

ઉદયન થોભી ગયો. કુબેરરાજ અંદર આવ્યો. એણે પ્રવેશ કર્યો અને એણે પહેરેલાં મણિ-મુક્તાએ એક ક્ષણમાં તમામના હીરાને કાચના કકડા જેવા બનાવી દીધા. એના ચહેરા ઉપર ગજબની મધુરતા રમી રહી હતી... ‘લ્યો! પ્રભુ આપ આંહીં છો? હું ત્યાં શોધવા ગયો હતો!’ તેણે ગોવિંદરાજને સામે જોઇને જ કહ્યું.

‘કોને – મને?’ ગોવિંદરાજને આશ્ચર્ય થયું. 

‘ન ઓળખ્યા? પાટણના કુબેરશ્રેષ્ઠીજી, ઘેર ભેર વાગે છે. મહારાજના ઝવેરી છે.’ ઉદયને કહ્યું.

‘ત્યારે બીજા કોને, પ્રભુ?’ શ્રેષ્ઠી બોલ્યો, ‘આનકરાજને બતાવવાનાં બે-ચાર નંગ આવ્યાં હતાં મારી પાસે...’ તેણે કેડેથી તેજતેજના અંબાર સમાં ત્રણ-ચાર નંગ કાઢ્યાં. હથેળીમાં ધરી રાખ્યાં. હવે તો ઉદયન પણ ફાટી આંખે જોઈ રહ્યો. આ માણસને કોઈ સિદ્ધિ વારી છે કે શું? આટલી બધી લક્ષ્મી! અને એના ચહેરા ઉપર પણ કુબેર ભંડારીની કઢંગી માયા નહિ, લક્ષ્મીનાથની પ્રસન્ન તેજસ્વિતા રમી રહી.

એટલામાં કુબેરરાજે તો કાંઈ ન હોય તેમ ગોવિંદરાજ સામે નંગ પણ ધરી દીધાં: ‘લ્યો, પ્રભુ! આ તમે લઇ જાઓ. આનકરાજજીને બતાવજો. નહિતર અમે આવીએ ત્યારે પાછાં આપજો.’

ગોવિંદરાજ આ રિદ્ધિસિદ્ધિ જોઇને છક થઇ ગયો. કુબેરરાજ શ્રેષ્ઠી સામે એ જોઈ જ રહ્યો. 

‘તમને આપવા જેવું તો આ એક છે, પ્રભુ!’ કુબેરરાજે બીજી તરફથી એક નંગ કાઢ્યું. ગોવિંદરાજ સામે કાળું, જાણે કોઈ રમણીની કીકી હોય તેવું મોતી ધર્યું: ‘કોઈ આરસગોરી નારી હોય, પ્રભુ! તો એના કંઠમા આ શોભે! આ મોતી જેની પાસે બરાબર શોભી ઊઠે એવો રંગ હજી સુધી મને તો મળ્યો નથી. એ બિચારું વર્ષોથી વાંઝિયું રખડે છે. આજ તમે આવ્યા છો, તમારે ત્યાં કોઈ એવી મળી આવે, પ્રભુ! તો તમે એ રાખો, લ્યો. પણ કોઈ અમૂલ્ય ચીજ હો સાચવવા જેવી! જેના પગલેપગલે વિજય મળે એ આ ચીજ છે!’

ગોવિંદરાજ તો હવે સ્તબ્ધ થઇ ગયો. એ કોઈ નિર્ણય કરી શકતો ન હતો. પોતે ક્યાં છે ને પોતાને શું કરવાનું છે એ પણ જાણે ભૂલી ગયો હતો. કુબેરરાજ શ્રેષ્ઠીના અંગ ઉપર એટલાં હીરા-માણેક-મોતી શોભી રહ્યાં હતાં!

તેણે ઉદયન સામે જોયું: ‘મંત્રીશ્વર!...’

‘ગોવિંદરાજજી! શ્રેષ્ઠીજી બરાબર કહે છે. તમારા ત્યાં મિત્રો હશે. તમારે એમને સાચવવા પડશે. એ સૌ તમને કહેશે કે તમે પાટણની મૈત્રીની વાત કરો છો, પણ પાટણમાં આપણે માટે એવું શું છે? તે વખતે તમે શું બતાવશો? લ્યો... મારી પાસે પણ બે-ચાર એવાં છે! ઉદયને પોતાની મૂઠી ઉઘાડી. શુક્રના નેણ સમાં નંગ શોભી રહ્યાં. ‘આ પણ લ્યો, ગોવિંદરાજજી! તમારા સૌ હેતુમિત્રોને – પણ, જોજો હો, કોઈ તમને અમને બંનેને બનાવી જાય નહિ! તલવાર, માથું ને સિંહાસન ત્રણેની આપણે રમત માંડી છે. જે સાચા હોય તેમને જ સાધવા. ખોટા વીણીને ફેંકી જ દેવા. તમે એમને સાધો. ત્યાં અમે આવવાના છીએ. તમે ત્યાં છો. ભગવાન સોમનાથની કૃપા હશે, તો વિજય પાટણનો છે – એટલેકે ગોવિંદરાજજીનો છે, મહારાજ સોમેશ્વર ચૌહાણનો છે અને વધુમાં તો કાંચનદેવીબાનો છે! તમે આનકરાજને કહેજો ને, પાટણ આવે છે. એમને શંકા હશે તમારા ઉપર, તો ટળી જશે.’

ગોવિંદરાજે બે  હાથ જોડ્યા: ‘બા!’

‘ગોવિંદરાજ! તમે તો પહેલેથી જ કહ્યું હતું, પણ કોઈએ એ ન માન્યું. અત્યારે સોમેશ્વર ત્યાં આવે એ કરતાં આમ ગોઠવણ થાય તો વધુ સારું નહિ? તમને સંભાળનું તો કહેવાનું હોય નહિ. તમે ક્યાં રાજનીતિના અનુભવી નથી? કોઈને શંકા ન પડે તેમ ગોઠવણ થવી જોઈએ. અને સાધવા પણ એવાને જે સો ટચના હોય.’

‘બીજાં નંગ જોઈએ તો, ગોવિંદરાજજી! મંગાવજો. આંહીં શાસનદેવની કિરપા છે. અમે પણ આવશું. તમે મળશો તો ખરા નાં? કે પછી ભૂલી જશો?’ કુબેરરાજ બોલ્યો. 

‘અરે શ્રેષ્ઠીજી! તમને ભૂલાય?’

થોડીવાર પછી ઉદયન ને ગોવિંદરાજ બહાર નીકળ્યા ત્યારે મિત્રોની પેઠે સૈન્યના છેલ્લા મુકામની ચર્ચા કરી રહ્યા હતા.