Gurjareshwar Kumarpal - 20 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 20

Featured Books
Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 20

૨૦

શાકંભરીના પંથે

કાકભટ્ટે અનુમાનથી કહ્યું હતું, પણ ખરી રીતે તેમ જ થયું હતું. કુમારપાલની અભિષેક-પળ એટલી વીજળીક ત્વરાથી આવી પડી હતી કે વિચાર કરવાની કોઈ તક જ કોઈને સાંપડી ન હતી. કેશવ સેનાપતિ, ત્રિલોચન કે મલ્હારભટ્ટને પણ કાંઈ જ ખબર ન પડી. એમને આટલી બધી ત્વરાનો ખ્યાલ ન હતો. તેમ જ તત્કાલ તમામ કાર્યક્રમો વિચારમાત્રને રૂંધી દેશે એ ખ્યાલ પણ નવો હતો. તેમણે દરવાજા બંધ થવાની હાકલ સાંભળી અને બીજાં કોઈ પગલાં ભરાય, તે પહેલાં એમના પગ ઘોડાના પેંગડામા હતા. પછી તો પવનવેગે ભાગવાનું જ હતું. પાટણનો દરવાજો સપાટાબંધ વટાવ્યો. પવનવેગે રસ્તે પડી ગયા. પાછળ કોઈનો ગજરાજ પડ્યો હોય તેમ લાગ્યું. ત્યાગભટ્ટ જ હોઇ શકે – એમણે અનુમાન કર્યું. ત્યાગભટ્ટને પણ ધજાગરો ઊંચો રાખવાનો એક જ રસ્તો દેખાયો – ભાગી છૂટવાનો. એ પણ ભાગ્યો હતો. એને આવકારવા તેઓ થોભ્યા. ત્યાગભટ્ટ ભાગ્યો હોય તો એ એમને જોઈતું હતું. ત્રણને બદલે ચાર થાય. બીજા પણ કોઈ નીકળે તો ના નહિ. કૃષ્ણદેવે અને ઉદયને કરેલી ઉતાવળ સર્વસંમત હોય તેમ જણાતું હતું. વિસંવાદ ત્યાં હતો. માત્ર ત્વરાને લીધે સંવાદ દેખાતો હતો. એટલામાં એમને ત્યાગભટ્ટ દેખાયો. એ આવ્યો. સૌ એક વડ પાસે વિચાર કરવા થોભ્યા. થોડે સુધી કાકને પાછળ આવતો ત્યાગભટ્ટે જોયો હતો. પછી એ પાછો ફરી ગયો લાગ્યો; છતાં પાટણમાંથી કોઈક પાછળ આવશે જ, એ ચોક્કસ હતું. ભાગ્યા ન હોત, અત્યારે બંધનમાં હોત તોપણ ગમે તેમ હવે તેઓ પાટણના દુશ્મન હતા. આટલી એક વાત જ કેશવ જેવાને તો પ્રાણ લઇ લેવા માટે બસ હતી. જેણે જીવનભર પાટણની સરસ્વતીનાં નીર નિહાળીને એમાં સ્વર્ગનો આનંદ માણ્યો હતો એ પાટણની બહાર? એનો દુશ્મન? વિધિની કેવી વિચિત્રતા છે! કે પછી માનવી કેટલો અસહિષ્ણુ છે! એમણે તરત જ ત્યાંથી ઊપડી જવું જોઈએ. કઈ તરફ જવું એ તેઓ નક્કી કરી શક્યા ન હતા, પણ ત્યાગભટ્ટને વિશ્વાસ હતો કે વિંધ્યાટવીમાંથી જો પાંચસોએક હાથી ભેગા થઇ શકે તો એ પાટણને હજી હંફાવી દે. ગજજુદ્ધ એનું અમોઘ શસ્ત્ર હતું. એક વખત એક જ રણક્ષેત્રમા જો એમનો વિજય થાય તો કુમારપાલના પક્ષમાં કેવળ કૃષ્ણદેવે બતાવેલા લોભથી જે-જે ગયા હતા, તે બધા પાછા એમને આવીને મળે. પાટણમાં રહી ગયેલાં વિસંવાદી તત્વોમાંથી એ પોતાની ભાવિ ફરીને સ્થાપવાની મહત્વાકાંક્ષા સેવતો હતો. ત્રિલોચનને એનામાં શ્રદ્ધા આવી. મલ્હારભટ્ટને આશા જેવું જણાયું. કેવળ કેશવનું હ્રદય શીર્ણ થઇ જતું લાગ્યું. તે બોલ્યો નહિ. એના ચહેરા ઉપર નવી યોજનાનો ઉત્સાહ ન હતો. 

એમણે રાત-દી જોયા વિના જેમ બને તેમ વધારે ને વધારે દૂર જવાનું રાખ્યું. બીજા જ દિવસે એમણે ગોધ્રકપંથ વટાવી નાખ્યો. આગળ ગયા. અવંતીમાં એમને કોઈ ઓળખી ન જાય એટલે એમણે રાતે વધુ મુસાફરી કરવી એવો નિયમ રાખ્યો. ત્યાંથી દક્ષિણ તરફ ફંટાયા. નર્મદાના જળ દેખાયાં. એનાં ગાઢ જંગલોમાં હાથી મેળવવાની એમને આશા હતી. ત્યાગભટ્ટ કેટલાક રખેવાળોને ત્યાં ઓળખતો લાગ્યો. એણે પાટણમાંથી નીકળતી વખતે ઠીક રત્નો લઇ લીધાં હતાં... એમ ને એમ તેઓ છેક વિંધ્યાટવી પહોંચ્યા.

પણ નર્મદાના આરસકિનારા જોઇને કેશવને ફરીને પાટણનગરી યાદ આવી ગઈ. પોતે મહારાજ જયસિંહદેવ જેવાનો જીવનમિત્ર હતો. ત્યાગભટ્ટને પાટણ ઉપર સ્થાપવાની એની પ્રતિજ્ઞા હતી. મહારાજ જયસિંહદેવે એને એનો હાથ સોંપ્યો હતો. પણ પાટણની સામે સૈન્ય લઈને જુદ્ધે ચડવાની વાત આવી, એટલે એનું મન બળવો કરી બેઠું. પાટણનગરી ઉપર આક્રમણ થાય અને એ આક્રમણમા એ પોતે ભાગ લે, એ વાત એના માટે અસહ્ય બનતી જતી હતી. પોતાના શ્યામ વાજી ઉપર આ પાટણનગરીના દ્વારપાલ તરીકે એણે વર્ષોનો ગૌરવભર્યો અધિકાર ભોગવ્યો હતો. એ પાટણ ઉપર જવાનું એનાથી બને? ન બને અને છતાં હવે કોઈ બીજો રસ્તો દેખાતો ન હતો. 

થોડા દિવસો તો ત્યાં જંગલમાં એમણે ગાળ્યા. પાટણના કોઈ સમાચાર આંહીં મળે તેમ ન હતા. એક  ભીલ ગોધ્રકપંથમાં ગયો હતો તેણે ખબર આપ્યા: અવંતીએ પાટણ સામે જુદ્ધ પોકાર્યું હોય તેમ માલવસૈન્ય ગોધ્રકપંથે આગળ વધતું હતું. કેશવને આ જુદ્ધે જૂના દિવસો સંભારી આપ્યા. આ તરફ ત્યાગભટ્ટે તો રાત-દી જોયા વિના ઉદ્યોગ આરંભ્યો હતો. એને એક બીજી પણ આશા હતી – જેની ગંધ આવતાં હાથી, તમામ ઊભી પૂંછડીએ નાસી જાય એવો કોઈ મદોન્મત ગજરાજ પ્રાપ્ત કરવાની! એ જુવાન હતો, ઉગ્ર હતો, ઉતાવળિયો હતો. સ્વપ્નશીલ ઓછો ન હતો, એટલે એને આશા હતી કે એવો ગજરાજ વખતે મળી જાય!  

થઇ શકે તેટલા રખેવાળોને ભેગા કર્યા. જંગલોમાંથી બીજા હાથીઓ મેળવ્યા. કેટલાક નવા ખરીદ્યા. ગજ વિષેનું એનું જ્ઞાન સંપૂર્ણ હતું. એક બળવાન ગજસેના ઊભી કરવાની એને અદમ્ય ઈચ્છા હતી. એ ગજસેના સાથે એ શાકંભરીશ્વર અર્ણોરાજ પાસે જવા માગતો હતો. ભવિષ્યની યોજના પછી થઇ રહેશે, પણ આંહીં કામ ધીમું ચાલે તેમ હતું. એટલા બધા દિવસ પાટણથી આટલે દૂર રહેવું એ ઠીક ન હતું. તેણે કેટલાંક વિશ્વાસુ ભીલરાજાઓને આ કામ સોંપ્યું. એમના તરફથી તૈયારીના ખબર આવે ત્યારે પાછું આ જંગલોમાં આવવું એમ ઠરાવી તેઓ બધા પાછા જવા નીકળ્યા. આવી રખડપટ્ટીમા એમનો ઠીક વખત ગયો.

ફરતાંફરતાં તેઓ પાછા ચંદ્રાવતી આવી ગયા. ત્યાં તેઓ થોડો વખત રહેવા માગતા હતા. પાટણના સમાચાર મેળવવા ઉપર એમની દ્રષ્ટિ હતી. ત્યાં કુમારપાલ તરફ અસંતોષ જાગે તો તરત લાભ લેવાય. ચંદ્રાવતી પાટણની છેક પાસે હતું. આંહીંનો વિક્રમસિંહ પાટણનો મિત્ર હતો કે અમિત્ર એ હજી કળી શકાતું ન હતું. કેશવ, ત્રિલોચન, ત્યાગભટ્ટ, મલ્હારભટ્ટ ચંદ્રાવતીમા આવીને રહ્યા. કોઈ અરિ કુમારપાલને બહાર ખેંચે અને કુમારપાલ બહાર જાય, એ પળની પ્રતીક્ષા તેઓ કરી રહ્યા હતા. એવામાં એક દિવસ ચોંકાવનારા સમાચાર આવ્યા: ‘કૃષ્ણદેવનો ગર્વ અસહ્ય થયો છે. મહારાજની અને એની વચ્ચે વિખવાદ ઊભો થયો છે!’

સેનાપતિ કેશવ દિગ્મૂઢ બની ગયો. આકાશમાંથી જેમ વજ્ર પડે ટેક વજ્ર પડતું જણાયું. એણે કોઈએ ભાવબૃહસ્પતિની વાણી કહી સંભળાવી હતી તે યાદ આવી ગઈ: ;હવે પછી આ સિંહાસન ઉપર રાજવંશી વારસો નહિ હોય! આ સિંહાસન શોણિતભીનું થશે!’ એણે અમંગલ ભાવિની રેખા દેખાવા માંડી. તે ઊંડા મનોમંથનમા પડી ગયો. 

પણ એમના આંહીં હોવા વિશે કોઈને ખબર પડે તે ઠીક નહિ. તેઓ બને ત્યાં સુધી મંદિરના માર્ગે હાથના રમકડાં વેચવા બેસતા. તેમાંથી અનેક વાતો જાણી લેવાની તક મળી જતી. એક વખત એક કોઈ જંગલી જેવો દેખાયો અને કેશવ ચોંકી ગયો. તેણે ત્રિલોચનને બતાવ્યો. એ પણ ચોંકી ગયો. ચંદ્રાવતીના મહાન આરસમહાલયની પાસેથી ઝાડીમાં એ જંગલી જેવો અદ્રશ્ય થઇ ગયો.

બીજા દિવસે પણ એને જોયો. કેશવે એનો પીછો પકડ્યો. ગાઢ જંગલના રસ્તે એ આરસમહાલયની પાછળ જઈ રહ્યો હતો. કેશવે થોડે દૂર જતાં જ હાકલ કરી: ‘જયદેવ મહારાજને નામે, એ ભૂત! ઊભો રહે!’

પગદંડી ઉપર એક અંધારા પડછાયા જેવો જંગલી ઊભો રહી ગયો.

કેશવ તેની પાસે ગયો. આંખમાં આંખ પરોવી ચમકી ગયો: ‘અરે! અલ્યા તું બર્બ...! તું આંહીં?’

સામે નાક ઉપર આંગળી મૂકી બે હાથ જોડતો બર્બરકનો ભાઈબંધ જેવો કોઈ ઊભો રહી ગયો હતો. એ પણ બર્બરક જેવો જ જણાતો હતો. બર્બરક કોઈ મોટું કામ કરવું હોય ત્યારે એવાને બોલાવતો. એવો કોઈ આંહીં હતો.  કદાચ બર્બરકે મોકલ્યો હોય.

‘અલ્યા! તું આંહીં ક્યાંથી? અહીં શું કરે છે?’

‘આગમહેલ!’

‘આગમહેલ? એટલે? કોણ કરાવે છે?’

‘વિક્રમસિંહ!’

કેશવ ચમકી ઊઠ્યો. એ વિચારમાં પડી ગયો. શી વાત હતી એ એને કાંઈ પૂરું સમજાયું નહિ. એણે ત્યાં ફરીને જોયું, પણ પેલો બર્બરક જેવો જંગલમાં અદ્રશ્ય થઇ ગયો જણાયો.

કેશવને તે રાત્રે નિંદ્રા આવી નહિ. નખીતળાવ ઉપરના એક મકાનમાં એ ચારે જણા રાતે પોતપોતાનાં રમકડાં લઈને પાછા ફર્યા ત્યારે તેમણે ત્યાગભટ્ટને હંમેશના કરતા વધારે ઉતાવળમાં જોયો. અરધી રાતે પણ એ જાગતો પડ્યો હતો. નખીમાં તારાંકિત આકાશ નાહવા આવ્યું હતું. નીલાંછમ અર્બુદશિખરોએ એ તારાઓને મસ્તકે ધર્યા હતા. એણે ધીમા પગલે ત્યાગભટ્ટને બહાર જતો જોયો. ‘શું હશે?’ એના મનમાં ચટપટી થઇ. તેણે ઊઠીને મલ્હારભટ્ટની પથારી જોઈ. તે ગાઢ નિંદ્રામા પડ્યો હતો. ત્રિલોચન પાસે ગયો. એ કોઈ સુખદ સ્વપ્નમાં રમતો જણાયો. કેશવ ધીમાં પગલે ત્યાગભટ્ટની પાછળપાછળ ગયો. એને થયું કે બર્બરક પોતે આંહીં આવી પહોંચ્યો હોય તો એની સાથે એનો કોઈ સંકેત હોવો જોઈએ. એ ત્યાં સંતાઈ કહ્યો. કેશવે થોડી વારે કોઈને આવતો જોયો: ‘કોણ – ચૌલિંગ કે?’ ત્યાગભટ્ટે ધીમેથી પૂછ્યું. 

‘એ જ, પ્રભુ!’ સામેથી અવાજ આવ્યો. 

ચૌલિંગ સાથે શી વાત હોઈ શકે? કેશવને કાંઈ સમજાયું નહિ. 

‘ચૌલિંગ, તારે કાલે પાટણ ભાગવાનું છે. હું તને મારીને કાઢીશ!’ ત્યાગભટ્ટે એને કહ્યું. 

‘મારીને?’

‘હા. વિશ્વાસઘાતનો આરોપ મૂકીને, સૌના દેખતાં હું તને ઠમઠોરીશ. સવારમાં પહેલું કામ જ એ કરીશ. આપણી સાથે કેશવ સેનાપતિ છે. એ જરા વધારે ચીકણો છે. પણ હું તને કાઢી મૂકું, એટલે પાટણ પહોંચી જજે. કુમારપાલ વહેલોમોડો આનક ઉપર જશે. ત્યારે એ ગજરાજ-કલહપંચાનન, એને હું ઓળખું છું, એના ઉપર બીજો કોઈ બેસીને એને અંકુશમાં લે એ  બનવાનું નથી, એ વખતે સૌ તને સંભારશે. તને આ પ્રમાણે મારીને મેં કાઢી મૂક્યો છે એ વાત તો તું જઈને વહેતી જ મૂકજે. એટલે જરૂરિયાત ઊભી થતાં તને રાખવામાં વાંધો નહિ લાગે. જુદ્ધ સમે હું તારી સામે હોઈશ. તારે તે વખતે કુમારપાલને તારી રમત બતાવવાની છે!’

કેશવ સાંભળીને સડક થઇ ગયો. પણ એને ત્યાગભટ્ટના આવા વિજયમાં પાટણનો તો સર્વનાશ દેખાયો. તેનું દિલ ભાંગી ગયું.

‘સમજી ગયો તું વાત? ને પેલું કેટલેક આવ્યું?’

‘તૈયાર થઇ રહ્યું છે. કોઈને ખબર પડે તેમ નથી. અદ્ભુત બનાવટ છે! બર્બરકનો ભાઈબંધ... એના જેવો જ છે!’

‘એટલે જો ત્યાંથી બચશે, તો આંહીં – આગમહેલમાં!’

કેશવનું હ્રદય આ સાંભળતાં વિદીર્ણ થઇ ગયું. ગમે તેમ પણ એ તો અણિશુદ્ધ જોદ્ધો હતો. એણે રસ જુદ્ધમાં હતો અને આંહીં તો છળકપટની વાત થઇ રહી હતી. કાં ચૌલિંગ ગજ હંકારતાં દગો કરે, નહિતર આંહીં કોઈક આગમહેલની વાત હતી. કેશવને આટલી કડી મળી. ત્યાંતો ચૌલિંગને વિદાહ આપતો ત્યાગભટ્ટ બોલતો સંભળાયો – કેશવ એકકાન થઇ ગયો – ‘પણ તું ખેલ બરાબર ભજવજે હો! સામે મહેતો ઉદયન છે. તારી એક જરાક જ ભૂલ થઇ કે વાત મારી જશે!’

‘એનો જુદ્ધરસિયો છોકરો છે ને આમ્રભટ્ટ, એને જ હું સાધીશ.’ ચૌલિંગ બોલ્યો, ‘એને સાધ્યો એટલે બેડો પાર. ઉદયનની છાતીએ એ વળગ્યો છે. એનો બોલ નહિ ઉથાપે. પછી તો ત્યાં ગયા પછી જેવો સમો એ પ્રમાણે હું વર્તીશ!’

‘બસ ત્યારે.. સવારમાં માર ખાવા ને ભાગી જવા તું તૈયાર રહેજે.’

ચૌલિંગ જતો જણાયો. ત્યાગભટ્ટની નજર ન પડે માટે કેશવ તરત ધીરેથી સરી ગયો.