Gurjareshwar Kumarpal - 18 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 18

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 18

૧૮

રાજસભા

કુમારપાલ થોડી વાર એ પ્રમાણે વિચાર કરતો થોભી ગયો. વાગ્ભટ્ટે કહી તે બારી સામે હોવી જોઈએ. રાજમહાલયના ઉત્તુંગ કોટની ભીંત તો સામે જ હતી, પણ હજી ભળભાંખળું થતું આવતું હતું. માણસોની અવરજવર આ બાજુ પૂરેપૂરી શરુ થઇ ન હતી. આ પળ-બે-પળ  જ એની હતી. એણે પોતાના કામમાં ત્વરા કરવાની હતી. 

એ નાનકડો ચોક ચાર-છ સ્તંભના આધારે ઊભો હોય તેમ લાગ્યું. આગળના થોડા ભાગમાં કોઈકે ચણતર-કામ કરીને કઠિયારાઓને ભારી મૂકવાનો વિસામો થાય એવી ગોઠવણ કરી હતી. એવી એક નાનકડી ઓટલા-ભીંતનો આધાર લઈને કુમારપાલ રસ્તામાં કોઈ છે કે નહિ તેની પ્રતીક્ષા કરતો ત્યાં થોભી ગયો. એટલામાં કોઈ બે ઘોડેસવાર આ બાજુ આવતા દેખાયા. તે એકદમ જડ જેવો બની ગયો. 

ઘોડેસવાર એની પાસેથી જ પસાર થઇ રહ્યા હતા. કુમારપાલ એનો શબ્દેશબ્દ પકડવા એકકાન થઇ ગયો. એકને તો એણે લગભગ ઓળખી કાઢ્યો: મલ્હારભટ્ટ હતો. ત્યારે બીજો ત્રિલોચનપાલ હોવો જોઈએ – તેણે અનુમાન કર્યું. એમની પાછળ એણે જોયું, કોઈ આવતું ન હતું. આગળ દ્રષ્ટિ કરી, કોઈ આવી રહ્યું ન હતું. એને દોડી જવા માટે આ સર્વોત્તમ ક્ષણ લાગી. ત્યાં એમની વાતનો શબ્દ આવ્યો: ‘આંહીં પણ વૃદ્ધ ચોકીદાર દેવમલ્લ વિશ્વાસુ છે, છતાં ત્યાં પણ કોઈકને હમણાં જ મોકલી દેજો...’ ત્રિલોચન બોલી રહ્યો હતો. 

કુમારપાલ ધ્રુજી ગયો. પોતે જે બારીએથી જવા માગતો હતો તેની જ આ વાત થતી હોય તેમ લાગ્યું.

‘આંહીં ક્યાં...’ મલ્હારભટ્ટનો અવાજ હતો. 

‘આંહીં...’ ત્રિલોચન જરાક અટક્યો. કુમારપાલને એક પળવાર ઘોડો ને ઘોડેસવાર બંનેને પટકવાનું મન થઇ આવ્યું. પણ અત્યારે જીવનમરણનો પ્રશ્ન હતો. દોડાદોડી ને સાહસ માટે વખત ન હતો. એટલે તેણે કાનને જ વધુ સરવા કર્યા.

‘ત્યાં સામે રસ્તા ઉપર નીચે. ચાર-પાંચ પગથિયાં ઊતરતાં આવે છે, એ કોટની ગુપ્ત બારી છે. એટલે સશસ્ત્ર, સશક્ત બે-ચાર માણસો આ બાજુ ઉપર  હમણાં જ આવી જાય. જો એ મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરવા આવશે તો તો-તો બર્બ...’ ત્રિલોચન શબ્દ ખાઈ ગયો. ને પછી ભાન આવ્યું લાગ્યું. તેણે એક દ્રષ્ટિ ચારે તરફ નાખી. કુમારપાલે એક ક્ષણ પણ ગુમાવવામા હવે જોખમ જોયું. એના આંખ, પગ ને ગતિ ત્રણે આ વસ્તુને એટલાં ટેવાઈ ગયાં હતાં કે જેવા મલ્હારભટ્ટ ને ત્રિલોચન જરાક જ આઘે ગયા કે તરત એણે તો સામેની બારીની જ દિશા સાધી. એના પગનો લેશ પણ અવાજ કોઈને કાને પડ્યો હોય તેમ લાગ્યું નહિ. 

એના પગ એક વખત ઊપડ્યા પછી તો એ સેંકડો નજરની વચ્ચે પણ સહીસલામત હતો, એવી જાદુઈ શક્તિ એના પગમાં રહેતી. 

એક ક્ષણમાં જ તે સામે પહોંચી ગયો, ઝડપથી ત્રણ-ચાર પગથિયાં નીચે ઊતરી ગયો. એણે બારી ઉપર હજી પૂરો હાથ પણ નહિ મૂક્યો હોય ત્યાં એક દ્વાર ખૂલતું જણાયું. કુમારપાલ એકદમ ચમકી ગયો. દગો! એના મનમાં એકદમ એ વિચાર આવી ગયો. દ્વારની પાછળ કોણ હોઈ શકે? એના મનમાં શંકા પડી ગઈ. એટલામાં કોઈકનો પરિચિત અવાજ એના કાન ઉપર આવ્યો: ‘પ્રભુ! એકદમ... ત્વરા કરો...’

‘કોણ, અલ્યા! તું આંહીં ક્યાંથી?’ કુમારપાલે અવાજ ઓળખી કાઢ્યો. એ અવાજ વૌસરિનો હતો. 

‘એ પછી... પ્રભુ!’ દ્વારની પાછળથી જ વૌસરિ બોલ્યો, ‘પહેલી ત્વરા...’

વૌસરિની વાત સાચી હતી. દ્વાર બંધ થયું-ન-થયું, કુમારપાલે પ્રવેશ કર્યો-ન-કર્યો ત્યાં તો એના કાને બહારના પહેરેગીરનો અવાજ સંભળાયો. ‘કોન ચલે રહે? કોણ હૈ?’ કુમારપાલે કાન દીધો. 

એક કોઈ બીજો ઘોડેસવાર સામેથી પ્રત્યુત્તર આપતો જણાયો. એના શરીરના રૂંવાડાં ઊભાં થઇ ગયાં. આ એક જ પળ જો એણે પકડી ન હોત તો પછી... શું થાત એ વિચારે એ થંભી ગયો; પણ એણે આવા અસંખ્ય અનુભવો લીધા હતા, એટલે એનું મન એકદમ બીજા પ્રશ્ન ઉપર સ્થિર થઇ ગયું. વૌસરિ આંહીં ક્યાંથી એ પૃચ્છામા પણ વખત ગુમાવવો એણે ઠીક ન લાગ્યો. પડ-આખું જાગતું હતું. પળેપળ કિંમતી હતી અને પળેપળે જાતને સાંભળીને એણે પોતે જ એને આગળ લઇ જવાની હતી. એક પળની પણ ભૂલ ખતરનાક હતી. ઉદયન કે વાગ્ભટ્ટ કોઈ આ જોઈ શકે એ શક્ય જ ન હતું.  

કુમારપાલ વિચાર કરતો જરાક થોભ્યો: હવે કઈ તરફ જવાનું હશે? તેણે વૌસરિના ખભા ઉપર હાથ મૂક્યો – ને એ ચમકી ગયો. ભિક્ષુક વૌસરિ ત્યાં ન હતો. વૌસરિ ઉપાનકાર ત્યાં ઊભો હતો. ઉપાનકારનો વેશ આબેહૂબ હતો. એ એનાં ચરણ પાસે નીચો નમ્યો હતો. 

વૃદ્ધ ચોકીદાર દેવમલ્લ પણ ગદગદ કાંઠે કંઈક કહી રહ્યો હતો: ‘આ બારીએ પ્રભુ! આ જ પ્રમાણે દેવપ્રસાદજીને આણ્યા હતા, ત્રિભુવનપાલજીને બહાર કાઢ્યા હતા. આમ મારાં અહોભાગ્ય! ત્રીજી પેઢીએ પ્રભુને પણ આહીં આ બારીએ મેં જ રસ્તો બતાવ્યો!’

‘દેવમલ્લજી! તમને અમે પહેલેથી જ જાણ્યા હતા; આપણે હવે ક્યાં જવાનું છે? મંત્રીશ્વરે કાંઈ બીજી સૂચના આપી છે, વૌસરિ?’

‘પ્રભુ! હું તો ઉપાનકાર છું – મંગલ મોચી! મને બીજી કાંઈ વાત કરી નથી.’ નીચે નમેલો વૌસરિ તેના પગમાં રત્નજડિત મોજડી પહેરાવી રહ્યો હતો. કુમારપાલને હવે સાંભર્યું: કાલે શ્રેષ્ઠીજીના કોટ પાસે અવાજ ન થાય તે માટે એણે ને કાકભટ્ટે લૂગડાં વીંટી લીધાં હતાં: અત્યારે પણ એ અડવાણે પગે જ હતો. મોજડીની વાત જ રહી ગઈ હતી. 

તેણે પ્રેમથી વૌસરિના વાંસા ઉપર હાથ મૂક્યો: ‘તને કોણે કાકભટ્ટે મોકલ્યો કે વાગ્ભટ્ટે? આ કોને સાંભર્યું, વૌસરિ!’

‘મંત્રીશ્વર ઉદયન મહેતાએ મને આંહીં આવવાનું કહ્યું હતું. મોજડી લઈને દેથળીનો એક મોચી આવતો હતો. આ દેવમલ્લજી પણ મૂળ દેથળીના.’

‘દેથળીના, એમ?’

‘હા, પ્રભુ!’ દેવમલ્લ બોલ્યો, ‘હું દેથળીનો. દેથળી-આખું આજ રાજસભામાં હશે. સેંકડો આવ્યા છે: મંત્રીશ્વરે કહેવરાવ્યું હતું. ઠૂંઠાને કૂંપળ પ્રગટાવનારો સોલાક ગવૈયો પણ આવ્યો છે ને! પ્રભુ! આંહીં મારી ઝૂંપડી પાસે છે ત્યાં એક-બે પળ પધારો. ત્યાંથી પાછળને રસ્તે થઇ ધીમેધીમે રાજસભાના મુખ્ય દ્વાર તરફ જવાશે!’

કુમારપાલ ચમકી ગયો. હમણાં જ મુખ્ય દ્વાર વિશે સાંભળેલી વાત એણે યાદ આવી ગઈ. 

‘વૌસરિ, બીજું કાંઈ કહેવાનું છે તારે? તું હવે ક્યાં જવાનો!’

‘મારે તો મહારાજને મોજડી પહેરાવીને પછી જનસમૂહમા ભળી જવાનું છે. લોકો આવવા માંડ્યા હશે – એક પળે મહારાજનો જયધ્વનિ મેદાનમાંથી ઊભો થશે, એમાં આ આપનો વૌસરિ પણ હશે. મહારાજનો જય હો!’ તેણે બે હાથ જોડ્યા.

વૌસરિ ગયો કે તરત કુમારપાલ ચોકીદાર દેવમલ્લની ઝૂંપડી તરફ ગયો.

બહુ વાર ન થઇ ત્યાં એણે મંગલવાદ્યોના ધ્વનિથી આકાશને ગાજી રહેલું સાંભળ્યું. રાજસભા થવાની છે એ ઘોષણા થઇ રહી હતી. રાજમહાલય બહારના આઘેના મેદાન સુધી એની દ્રષ્ટિ પહોંચી ગઈ. તમામ દરવાજા ખુલ્લા હતા. એણે બહારનું મેદાન માણસોથી ઊભરાતું દીઠું. ત્યાં સેંકડો અશ્વો આવી ગયા હતા. ગજરાજો. મંડપિકાઓ, સુખાસનો, રથો – કતારની કતાર ત્યાં ઊભી રહેવા માંડી. ચારે તરફથી આવતા માણસોનો અવિચ્છિન્ન પ્રવાહ શરુ થઇ ચૂક્યો હતો. 

કુમારપાલે હવે તરત ઊપડવાની તૈયારી કરી. દેવમલ્લ પાસેથી લઈને એણે એક સાદું વસ્ત્ર પોતાના વેશ ઉપર નાખી દીધું. લૂગડાં વીંટીને તલવારને કાખમાં દબાવી. પાઘને પણ એક બીજા મેલા જેવા વસ્ત્ર વડે ઢાંકી દીધી અને સાદા રજપૂત જેવો એ પણ એક બીજો રજપૂત બની ગયો. સામેના ચાટલામા એણે જોયું. વેશાંતર બરાબર બન્યું હતું. રાજમહાલયની કેડીએ કેડીનો નકશો એના મગજમાં હતો. આંહીંથી એ રાજમહાલયના મુખ્ય મંડપની સોપાનપરંપરાને દ્રષ્ટિમાં રાખી રહ્યો હતો. એ તરફ કાંઈ માનવસમૂહ પહોંચવા માંડે, એટલે એમનામાં ભળી જવાની એની નેમ હતી. મંડપનો અંદરનો ભાગ તો સામાન્ય પ્રજાજનો માટે હતો જ નહિ. એણે જોયું કે રાજમહાલયના કોટના દરવાજા પણ અત્યારમાં ઊઘડી ગયા હતા. જરૂર પડે તો બહારના મેદાન ઉપરાંત આંહીં પણ માણસો આવી શકે તે માટે આ ગોઠવણ થઇ હોય તેમ લાગ્યું. અનેકો એનો લાભ ઉઠાવતા લાગ્યા. દ્વારપાલની નજર ચૂકવીને કે કોઈ-કોઈ તો જાણે હક્ક કરીને પણ અંદરના ભાગમાં આવી ગયા હતા. એવા આવનારાઓ ઉત્સુક પ્રેક્ષકની દ્રષ્ટિથી રાજમહાલાયને જોવા માટે આમતેમ ફરતાં દેખાયા. આ છૂટ થોડા વખતમાં કોઈકને આકરી જણાશે એ કુમારપાલ પણ અનુભવથી જાણતો હતો. એટલે જેવી રાજમહાલયની આસપાસ થોડીક મેદની જામી કે તેની પાછળ રહીને એણે મુખ્ય મંડપનાં સોપાનની પરંપરા તરફ પ્રયાણ કર્યું. એને લાગ્યું કે એણે પોતાનું કોઈ સ્થાન તો ચોક્કસ કરી લેવું જોઈએ. રાજમંડપ ઉપર જવા માટે સોપાનપરંપરા ઉપર હક કરતાં લોકો આવીને ક્યારના બેસવા માંડ્યા હતા. કુમારપાલને પણ એ જગ્યા જ સારી લાગી. ત્યાં એ દ્રષ્ટિએ ઓછો પડે. વચ્ચે નાનકડી જવા-આવવાની કેડી મૂકીને ગરાસિયાઓ, રજપૂતો, નાના શ્રેષ્ઠીઓ, મધ્યમ પંક્તિના રાજઅમલદારો, લાગવગવાળાઓ, ઓળખીતાઓ, કામ કરનારાઓ અત્યારથી જ ત્યાં જગ્યા રોકીને બેસી ગયેલા જણાયા. પગથિયાંના બંને છેડા ઉપર કોઈ કોઈ જગ્યા ખાલી હતી. કુમારપાલ છેક છેલ્લા પગથિયે આવીને બેસી ગયો અને ત્યાંથી પછી બેઠાંબેઠાં જ એણે આગળના પગથિયે જવાનું કર્યું. એમ ને એમ રાજમંડપના નજદીકનાં દસેક પગથિયાં સુધીમાં એ આવી ગયો. લોકોનું ધ્યાન બીજે આકર્ષી રાખનારાં એકસો ને એક પ્રલોભનો હતાં, એટલે એ સાદા ગરાસિયામાં ખપતો ત્યાં બેઠો રહ્યો. મેદનીએ હવે માઝા મૂકવા માંડી હતી. 

જોતજોતામાં બહારનું મેદાન આખું માણસોથી ઊભરાઈ ચાલ્યું, માનવસાગરનું ગર્જન કાને પડવા માંડ્યું. સૂરજના કિરણ ફૂટ્યાં ત્યાં તો મોટી મેદની જમા થઇ ગઈ. મેદાન ઉપરાંત બહારનાં બજારો પણ માણસોથી ઊભરાતાં ચાલ્યાં. આસપાસ મેડી, ઝરૂખા, ચોક, ગોખ, ગવાક્ષ, છજાં, જાળિયાં, માળિયાં, છાપરાં, અગાશી, બારી, ઓટલા, સ્તંભ અને મંદિરનાં શિખર સહીત કોઈ સ્થળ માનવવિહોણું દેખાતું ન હતું. ત્યાં હજારો માથાં દેખાતાં હતાં. હજારો આંખો નજરે પડતી હતી, હજારોનો વાણીઘોષ સંભળાતો હતો. 

રાજમહાલયનો મુખ્ય મંડપ, મેદનીથી પૂરાં એકસો સોપાન ઊંચો ભવ્ય હિમાદ્રી સમો શોભી રહ્યો હતો. એના ઉપર એક ઉત્તુંગ સોનેરી દંડમાંથી મહારાજ સિદ્ધરાજની ગુર્જરી કુક્કુટધજા આકાશમાં ફરફરી રહી હતી. આજે તો મંડપના મુખ્ય દરવાજાઓ પણ બંને બાજુની ભીંતને અડીને ખડાં થઇ ગયા. સેંકડો સ્તંભાવલિ પ્રગટાવતી, પાછળ આવેલી, ગગનચુંબિત રાજહવેલીઓ એમાંથી સોંસરવી નજરે ચડતી હતી. ઇન્દ્રનાં સિંહાસનને એક ઘડીભર શરમાવે એવું મહારાજ સિદ્ધરાજનું સોનેરી સિંહાસન ત્યાં મંડપમા વચ્ચોવચ્ચ શોભી રહ્યું હતું. એના ઉપર રઘુવંશી કુલના સ્વપ્ન સમી મહારાજની બે સોનેરી પાદુકા અત્યારે બેઠી હતી. રત્નજડિત છત્રમાંથી લટકતી મોતીની સેરો એની રજ લોતી હતી. અપ્સરા જેવી બે નમણી ચામરધારી સુંદરીઓ એને મૃદુ પવન નાખતી ત્યાં ઊભી રહી ગઈ હતી. કોઈ ડુંગરના અડીખમ ખડક સમો એક કદાવર પ્રતિહાર ત્યાં પાછળ મહારાજનો રાજદંડ ધારણ કરીને ખડો ઊભો હતો. ચારે તરફ બેઠેલા ચારણ બંદીજનોની પ્રશસ્તિઓમાંથી ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહનાં પરાક્રમોની હવા ઊડતી હતી. રંગબેરંગી વસ્ત્રો ધારણ કરેલી વારાંગનાઓની પંક્તિમાંથી મીઠી મંજુલ રવ સમી સોનેરી ઘૂઘરીઓની રણત્કારી કાવ્યપંક્તિઓ જાગતી હતી. મહારાજના સિંહાસનની પાસે પાછળ ઊભેલું નારીદળ એમની ખુલ્લી સમશેરથી, જાણે પ્રચંડ જુદ્ધની દેવીઓ  હોય તેવું તમામ માટે આકર્ષણ સમું બની ગયું હતું. 

ખુદ રાજમંડપની પણ, અધિકારી જનોની જગ્યા સિવાય તમામે તમામ જગ્યા, થોડી વારમાં જ ભરાઈ જવા માંડી. એટલામાં શંખધ્વનિ થયો. એક ઉત્તુંગ ગજરાજ આવતો દેખાયો. કુમારપાલે ત્યાં દ્રષ્ટિ કરી. મેદાનમાં મહાઅમાત્યને પસાર થવા દેવા માટે કેડી બની ગઈ હતી. ગજરાજ રાજમહાલયના ચોગાનમાં થોભી ગયો લાગ્યો. બંને હાથે ઉપવસ્ત્ર ઝાલીને લોકનમસ્કાર ઝીલતો મહાઅમાત્ય મહાદેવ કેડીમાંથી રાજમંડપ તરફ આવી રહ્યો હતો. એ આવ્યો, સોપાનપરંપરા વટાવતો રાજમંડપમાં પ્રવેશ્યો. મહારાજની પાદુકાને એણે હાથથી સ્પર્શ કર્યો. સિદ્ધરાજ જયસિંહદેવના નામની એક પ્રચંડ જયઘોષણા મેદનીમાંથી ઊઠી અને મહાઅમાત્યને વધાવી રહી. મહાઅમાત્યે બે હાથ જોડીને નમસ્કાર કર્યા. સિંહાસનની પાસે એક નાનકડા ઊંચા આસન ઉપર એ બેઠો. કવિઓ, બંદીજનો, પુરોહિતો, સામંતો, રાવરાણા આવી ગયા હતા. રાજસભા ઉપર એણે એક દ્રષ્ટિ કરી. એની દ્રષ્ટિમાં એક પ્રકારની, કોઈ પણ જાતના અતિ આગ્રહને નકારતી મહાઅમાત્યને યોગ્ય સમતા બેઠી હતી. લોકોને એના પ્રત્યે રાજરક્ષકનું સદભાવભર્યું માન રહેતું. એનામાં રહેલી પ્રેરક ઉષ્માની સ્પષ્ટ ગેરહાજરી ઘણાંને ખૂંચતી. એ ભાગે જ કાંઈ નવું શરુ કરવામાં રસ લેતો. પણ એની આંહીંની હાજરી પ્રેમ કે અપ્રેમ કાંઈ પ્રગટાવ્યા વિનાની સાદી શાંત વ્યવસ્થા બની ગઈ હતી. દંડદાદાકની ભવ્ય હવા એની સાથે ઊડી ગઈ હતી. આંહીં મહાદેવ પાસે શાંત, વ્યવસ્થિત, પક્ષથી પર નિયમન હતું. 

મહાઅમાત્ય આવ્યા એટલે તરત હવે બીજા અધિકારીઓ પણ એક પછી એક દેખાવા માંડ્યા. સભાસદોની દ્રષ્ટિ મેદનીમાં પડી રહેલી કેડી તરફ સ્થિર થઇ રહી હતી. હવે કોણ આવે છે એની અધીર પ્રતીક્ષા બધાંની નજરમાં બેઠી હતી. 

બે પળ વીતી ન વીતી ને મેદનીમાં એક પ્રકારની હિલચાલ ઊઠીને ઊભી થતી જણાઈ. ઉદયન મહેતો આવતો હતો. પાણીમાં પાણો નાખે ને મોંજાં રેલાય તેમ રાજસભામા ને આંહીં બેઠેલા આ અર્ધરાજદ્વારી સભાસદોમા મોજાં પ્રગટ્યાં. ક્યાંકથી પ્રશસ્તિનાં ફૂલ આવ્યાં. બીજી દિશાએથી કાંટાનો વરસાદ વરસ્યો. એક તરફથી એમના ધર્મધ્વજ સમા પીળા કેસરીચંદ્રકને અલંકારો અપાયા. બીજી તરફ ‘દેશનું નખ્ખોદ વાળનારો આ પીળો ચાંલ્લો હતો,’ એમ મોટેથી બોલાયેલા બોલ સંભળાયા. કોઈને મંત્રી ભયંકર જણાયો, બીજાને ભવ્ય લાગ્યો. ઉપેક્ષાજનક એ કોઈને ન જણાયો. એ આવ્યો. સત્કાર-અસત્કારની બહુ ખેવના રાખ્યા વિના એ બે હાથ જોડીને બંને બાજુ પોતાનું માથું નમાવતો આગળ વધી રહ્યો હતો. એના મોં ઉપર એનું જૂનું પરિચિત સ્મિત બેઠું હતું. પણ અત્યારે આ ક્ષણે કાંઈ જોવા જેવું રહી ન જાય ને પાછળથી મરણઘા કરી ન બેસે એની ઊંડી ચિંતા એની નજરમાં હતી. કુમારપાલે લોકજૂથમાં બેઠાં એની દ્રષ્ટિ પકડી લીધી અને પછી તો એની દરેકેદરેક હિલચાલ એ જોવા માંડી. મંત્રીનું દરેકેદરેક ડગલું દરેકદરેક હિલચાલ. ઝીણવટથી નિહાળી રહ્યો. 

સોપાનપરંપરા વટાવતો મંત્રી ઉદયન એક ક્ષણ – એક અર્ધી જ ક્ષણ – રાજમંડપના પ્રવેશદ્વાર પાસે જરાક જાણે થડક્યો લાગ્યો. એની દ્રષ્ટિએ કાંઈક દીઠું જણાયું. હજારો આંખોમાંથી કોઈની દ્રષ્ટિ આ ક્ષણ માટે ન હતી, પણ કુમારપાલ એક વાત સમજીને બેઠો હતો. આંહીં એને માટે એક ક્ષણમાં કાં રાજ હતું, કાં મૃત્યુ હતું, એટલે એણે ઉદયનનો સહેજ થડકાટ પણ તત્કાળ પકડી લીધો અને પછી તો દ્રષ્ટિ એની પાછળ જ રાખી. કાંઈ ન હોય તેમ મંત્રીશ્વર આગળ વળ્યો. પણ હવા નાખતા એના ઉપવસ્ત્રમા જોઈએ તે કરતાં વધારે ઉતાવળ કુમારપાલને દેખાતી હતી. સ્મિત કરીને મહાઅમાત્ય સાથે વાતો કરતાં એના ચહેરામાં પણ ચારે તરફ જોઈ લેવાની અધીરી વ્યગ્રતા નજરે પડતી હતી. 

કુમારપાલે ત્રિલોચનના શબ્દ સાંભળ્યા હતા અને અત્યારે ઉદયનનો થડકાટ જોયો, એટલે તો એને ખાતરી હતી ગઈ – એ દરવાજે એનું મૃત્યુ હતું. બર્બ – એટલે બર્બરક જ ત્યાં હોવો જોઈએ. તેણે આ અનુમાન કર્યું. એ સાવધ થઇ ગયો. એટલામાં એણે સાંભર્યું કે એની હિલચાલ જોનારા પણ આંહીં બેઠા હોવા જોઈએ. તે પાછો સાદો દેથળીનો ગરાસિયો થઇ ગયો. રાજસભાને પહેલી વખત જોતો હોય તેમ તે ચારે તરફ આશ્ચર્યથી જોવા લાગ્યો. 

કાક, કેશવ સેનાપતિ, દંડનાયકો, મંડલેશ્વરો – એક પછી એક સૌ આવવા માંડ્યા. એટલામાં મેદનીમાંથી મોટો કોલાહલ થતો કાને આવ્યો, કોણ આવે છે એ જોવાની સૌની અધીરાઈ વધી ગઈ. કુમારપાલે આગળ પોતાના ભાઈ મહીપાલને જોયો. એની પાછળ જ કીર્તિપાલ આવતો હતો. એમણે ઊંચા પ્રકારના જરિયાન વસ્ત્રો પહેર્યાં હતાં. માથે પાઘ મૂક્યા હતા. એમની કેડે સમશેર લટકતી હતી. એમની પાછળ એમના રક્ષકની જેમ કૃષ્ણદેવ આવી રહ્યો હતો. એને જોતાં જ પોતાની આસપાસનું તમામ શસ્ત્રધારી રજપૂતી મંડળ એની પ્રશંસા કરતું અરધું ઊભું થઇ ગયેલું કુમારપાલે દીઠું. પોતે એકલો પડી ન જાય તે માટે એ પણ થોડોક ઊભો થઇ ગયો, પણ હવા કઈ દિશામાં વહેતી હતી એનો એને એક સૂચક ખ્યાલ આવી ગયો. ઉદયનને પણ આ બંને કુમારો સાથે કૃષ્ણદેવ આંહીં આવ્યો એમાં કાંઈ રમત તો નહિ હોય નાં, એની શંકા પડતી હોય એવું કુમારપાલને જણાયું. પણ આવી વાત થઇ હતી એ ખ્યાલથી એણે શાંત રીતે તુરંગાધ્યક્ષને આવકાર આપતાં જગ્યા કરી દીધી. તુરંગાધ્યક્ષ મહાઅમાત્યની સામેની બાજુએ, સિંહાસનના બીજે પડખે પહેલું જ સ્થાન જાળવતો બેઠો. મહીપાલ ને કીર્તિપાલ ત્યાં રાજમંડપને છેડે જ રોકાઈ ગયેલા જણાયા. 

ફરી એક વાર એવો જ સાગરઘોષ મેદનીમાંથી સંભળાયો. આ વખતે મેદનીમાંથી કોઈ આવતું ન જણાયું. એક મહાન ઉત્તુંગ ગજરાજ પોતે રસ્તો કરવા આવી રહ્યો હતો. રાજમહાલયનું ચોગાન આવ્યું. રાજમંડપ દ્રષ્ટિએ પડ્યો. મહારાજની પાદુકા નજરે આવી અને ગજરાજનો મહાવત ચૌલિંગ પોતાનું સોનેરી મૂઠનું અંકુશ નમાવતો ઊભો થઇ ગયો હતો. તેની પાછળ જ સોનેરી હોદ્દામાં સોમનાથનો પૂજારી ભાવબૃહસ્પતિ આશીર્વાદ આપતો હોય તેમ બંને હાથ ઊંચા કરીને ઊભેલો નજરે પડ્યો. તેની પાછળ પ્રતાપદેવી હતી. છેક છેલ્લે બે હાથ જોડીને મહારાજની પાદુકાને પ્રણમતો જુવાન ગજાધિરાજ ત્યાગભટ્ટ ઊભો હતો. 

સોમનાથની ભક્તિ લોકોના લોહીના અણુએ અણુમાં બેઠી હતી, ભાવબૃહસ્પતિના દર્શને એમાં ભરતી આણી. પ્રતાપદેવીની હાજરીથી આમાં આનંદભરી ચેતના પ્રગટી. ત્યાગભટ્ટ મહારાજનો વારસ છે એ ભાન આવતા લોકોને શું બોલવું ઘટે એનું જાણે કે ભાન થતું લાગ્યું. અને જેમ ખળભળાટ કરતા સમુદ્રમાંથી હજારો શંખોનો નિનાદ એકસાથે ઊપડે તેમ એક ગંભીર ઘોષ ઊપડ્યો: ‘જયસિંહદેવ મહારાજનો જય! જય સોમનાથ! ભાવબૃહસ્પતિ મહારાજનો જય! કુમારતિલક ત્યાગભટ્ટનો જય!’

આ જયઘોષણાએ રાજમંડપમા બેઠેલા સૌને પળભર ચમકાવી દીધા. ભાવબૃહસ્પતિ ને પ્રતાપદેવી આવશે એ ખ્યાલમાં હતું. ત્યાગભટ્ટ આમ આવે એ અનધિકાર જેવું જણાયું. રાજમહાલયના ચોગાનમાં થઇ એઓ આગળ વધ્યાં. કૃષ્ણદેવની એક દ્રષ્ટિએ મહાઅમાત્યજી સાથે કાંઈક વાત કરી લીધી લાગી. મહાઅમાત્યની દ્રષ્ટિ આગળ ગઈ. વ્યવસ્થા અને ચાલુ તંત્રની શાંત યોજના એમાં એ એક તૃણભાર ફેરફાર ચલાવે તેમ ન હતો. એક જ પળમાં મંડપના દ્વાર ઉપર ત્રિલોચન દેખાયો. ભાવબૃહસ્પતિ ને પ્રતાપદેવી ત્યાં આવ્યાં એટલે સોમનાથના પૂજારીને ઘટે તેવાં માનથી ત્રિલોચને બે હાથ જોડીને એમને મસ્તક નમાવ્યું, સિંહાસન તરફ એમને દોર્યા. મહારાજના સિંહાસન સમક્ષ ભાવબૃહસ્પતિના ઊંચા થયેલા બંને હાથ આશિર્વાદ આપતાં શુદ્ધ ગીર્વાણ ભાષામાં ચૌલુક્યપ્રશસ્તિના શ્લોક બોલી રહ્યા હતા. સૌ ઊભા હતા. એ સાંભળવામાં તલ્લીન હતા. પ્રશસ્તિ પૂરી થઇ કે સિંહાસન પાછળ ત્રિલોચને એમને એમને માટેના આસન ઉપર બેસાર્યા. એમની પાછળ જઈ રહેલા ત્યાગભટ્ટને ત્રિલોચનપાલ બે હાથ જોડીને પ્રણમી રહ્યો: ‘પ્રભુ! આપને ત્યાં...’ મહીપાલ-કીર્તિપાલ બેઠા હતા તે તરફ ત્રિલોચને અંગુલનિર્દેશ કર્યો. કુમારતિલક આ સ્થાન પ્રત્યે જરાક ગણગણાટ ઊઠતો જણાયો અને મહાદેવ મહાઅમાત્ય તરત ઊભો થઇ ગયો હતો. તે સિંહાસનની આગળ આવ્યો: એનો અવાજ ગંભીર હતો. સૌ સાંભળી રહ્યા: ‘આજે, સભાજનો હો! મહારાજ સિદ્ધરાજ જયસિંહદેવની પાદુકા પોતે ન્યાયાસને બિરાજે છે. દુર્ગપાલજી! જે કોઈ રાજગાદીના વારસના અધિકાર ધરાવતા હોય તે તમામ મહારાજના સિંહાસનની સમક્ષ રાજમંડપના છેડે બેસે. એ વ્યવસ્થા જળવાવી જોઈએ. એક પછી એક બધાના અધિકાર મંત્રીમંડળ સમક્ષ રજૂ થશે. કોઈ રહી નહિ જાય. મંત્રીમંડળ સાંભળશે બધાને, ન્યાય તો કેવળ રાજસભા જ કરશે.’

એટલામાં તો સિંહાસન પાછળ ઊભેલું નારીદળ એક બાજુ થઇ ગયેલું જણાયું. એમનાં મસ્તક સમશેર ઉપર નમી રહ્યાં હતાં. પાછળનું અંત:પુરનું દ્વાર ઊઘડ્યું હતું. તેમાંથી રૂપરૂપનાં અંબાર સમી ગર્વીલી, માનભરેલી, ડગલેપગલે સામાને લઘુતાનું ભાન કરાવતી એક નારી આવી રહી હતી. એની હાજરીમાત્રથી એ સૌને આંજી નાખતી હોય તેમ એનાં સ્થિર શાંત ધીમાં પગલાં બે કે ત્રણ રાજમંડપ તરફ આવ્યાં-ન-આવ્યાં, ત્યાં ટેવથી પ્રેરાયું હોય તેમ હડુડુ કરતું રાજમંડળ ઊભું થવાની જાણે તૈયારી કરતું મહાઅમાત્યની દ્રષ્ટિએ પડ્યું. અને એ ચમકી ગયો. કોણ આવી રહ્યું હતું – એણે ત્વરાથી પાછળ જોયું. 

જયસિંહદેવ મહારાજની પુત્રી, અજમેરની રાજરાણી કાંચનદેવી પોતે આવી રહી હતી. એની આંગળીએ વળગીને એક રૂપાળો નાનકડો તેજસ્વી છોકરો એની આગળ ચાલતો હતો. એ કેમ આવતી હતી તે કાંઈ શોધવા જવું પડે તેમ ન હતું. કૃષ્ણદેવ એણે જોતાં ઊંચોનીચો થઈ ગયો. ઉદયન એક પળમાં આવી પડનારા ભયંકર ઘાને કેમ નિવારવો એની ચિંતામાં પડી ગયો. એક ક્ષણ પણ મોડું થાય તો વાત વેડફાઈ જાય તેમ હતી. એટલામાં એણે મહાઅમાત્ય મહાદેવનો શાંત, ન્યાયી, વ્યવસ્થિત, નિષ્પક્ષપતિ સમતાભરેલો પ્રભાવ અનુભવ્યો. મહાઅમાત્યે, હડુડુ ઊભું થવા તૈયાર બનેલા રાજમંડપને એક હાથની સહેજ ઈશારતમાત્રથી પાછું બેસારી દીધું હતું. અત્યારે આંહીં આ પળે મહારાજની પાદુકા જ સર્વોપરી હતી. એનું જ ગૌરવ હતું. મહાઅમાત્યની બોલ્યા વિનાની આ વેધક વાણી આખા મંડપ ઉપર વિદ્યુતવેગે ફરી વળી અને સઘળે પાછી સ્થિરતા આવી ગઈ. પણ ઉદયનને તો આવતા ભયનો ભય હતો. આનાથી એમાં વધારો થતો હતો. કાંચનદેવી પણ પોતાની વાત કરવા આવશે. એ હરેક પળને ચિંતાથી જોઈ રહ્યો. તેને કંઈક સાંભર્યું હોય તેમ તે સફાળો બેઠો થઇ ગયો, કાંચનદેવી તરફ ગયો, તેને એણે બે હાથ જોડીને પ્રણામ કર્યા. મીઠી વાણીથી એણે કહ્યું: ‘બા! મહારાજ જયદેવ મહારાજનું કીર્તિસિંહાસન, જોજો હો, તમારા હાથે ઝાંખું ન થાય!’ એણે તે પહેલાં કાંચનદેવીને સમજાવવાનો યત્ન કરી જોયો હતો, અત્યારે ફરીને કરી જોયો. 

‘મારા હાથે? શી રીતે મહેતા? તમે સૌ તો મહારાજની વાતને ઘોળી પીવા તૈયાર થયા છો એનું શું? રાજ પાટણનું – આ મારા સોમેશ્વરનું છે!’ કાંચનદેવી બોલી, ‘મારે પણ એ વાત મૂકવાની છે!’

‘તે ભલે, બા! મૂકજો. પણ આ લાખોની મેદનીને આહીંથી નિહાળો.’ ઉદયન બોલ્યો, ‘મારું રંકનું એક વેણ હજી માનો. સોમેશ્વરદેવજીનું હિત મારા હૈયે પણ છે, નથી એમ નથી. પણ અત્યારે આ વાત જ છેડો મા. શાકંભરી પાટણને આંખના કણાની પેઠે ખટકે છે. સોમેશ્વરજીનું શાકંભરીનાથનું પદ હાથે કરીને કાં ખોવરાવો બા? આંહીં જે બેઠા હશે, એ શાકંભરી ઉપર એમને સ્થાપી  શકશે. મારવાડણ (સુંધવાદેવી – અર્ણોરાજની રાણી) રોતી રહેશે. પાટણનો દૌહિત્ર ગાદી ઉપર આવશે. પાટણમાં આજે એ શક્તિ છે. પણ અટાણે સોમેશ્વરને આજ જો આહીં રજૂ કરશો, તો શું થશે, વિચારો બા! તમે ક્યાં નથી જાણતાં? મેં તમને ક્યાં નથી કહ્યું? પાટણની હજારોની મેદની વચ્ચે એ વાતને નકારશે. તમારું ગૌરવભંગ થશે. શાકંભરીનું એક પાંચ વરસનું બાળક પણ આંહીં નહિ – એવી અર્ણોરાજજીની આંહીં સુવાસ છે. તમારાથી એ ક્યાં અજાણ્યું છે? શાકંભરી ઉપર તો પાટણ અત્યારે જ ગયું હોત – જો આ પ્રશ્ન વચ્ચે આવ્યો ન હોત તો, બા! સોમેશ્વરજીનું નામ અર્ણોરાજ જેવું નહિ કરો, પાટણ એને ત્યાં સ્થાપી શકશે, વહેલે-મોડે. મને તો આ સૂઝે છે, પછી તો તમને ઠીક લાગે તે. પળ-બે-પળની વાત છે, પણ એ આ પાર કે પેલે પાર કરી દેશે.’

‘પણ તમે આંહીં કોને – પેલા કુમારપાલને લાવવાના છો?’

‘આંહીં તો મહારાજે કૃષ્ણદેવજીને જે છેલ્લો સંદેશો આપ્યો છે – તેમાં જે હશે તે આવશે. મહારાજનો શબ્દ અવિચળ છે!’

‘પણ તેમાં શું છે? તેમાં કુમારપાલ હશે તો?’

‘અરે, રામરામ કરો ને, બા! એમાં કુમારપાલ તે હોય? પણ હું તમને કહું છું ત્યારે લ્યો, એમાં સોમેશ્વરજી નહિ હોય એ કેમ જાણ્યું?’

‘પણ ત્યારે પૂછો ને કૃષ્ણદેવજીને!’

‘એને મારા કરતાં તમે ક્યાં વધુ નથી જાણતાં? એ તે કોઈ દી મગનું નામ મરી કહે તેમ છે? એ છેલ્લી પળે પ્રગટ કરશે. તમે આવશો, સોમેશ્વરજીને રજૂ કરશો, એમાં વાત વેડફાઈ જશે – કદાચ થવાની હશે તોપણ – ને એક બીજી વાત, બા...’                                     

‘શું?’

‘મારી પાસે આવી છે. સંદેશવાહક એક ત્યાં બેઠો છે...’

‘ક્યાંનો છે?’

‘શાકંભરીનો.’

‘શી વાત છે?’કાંચનદેવી ઉતાવળે બોલી.

ઉદયન એની પાસે સર્યો, ‘એ તો એવું છે બા! દેવલદેવીબા ખરાં નાં – એમનું પણ અર્ણોરાજે અપમાન કર્યું છે અને ગુજરાતનું પણ. એઓ આંહીં આવી રહ્યાં છે. પાટણ હવે આ સહી શકશે? સંદેશવાહક આ વાત રજૂ કરે એટલી વાર! મેં રોક્યો છે. કહો તો એને બોલાવીને વાત મુકાવું...’

‘અરે, મહેતા, ના, ના, ના! હમણાં... તો નહિ જ...’કાંચનદેવી ઉપર આ છેલ્લી વાતે ધારી અસર કરી હતી. ઉદયન એ કાળી ગયો. તે વધારે વિનયથી વધારે શાંતિથી, પણ વધારે માર્મિકતાથી બોલ્યો, ‘જુઓ બા! એ તો હું નહિ મૂકું, પણ તમે વધુ વાત રજૂ કરવા જશો, તો કોઈ બીજો મૂક્યા વિના રહેશે? મૂકી દે તો તેનો વાંધો નથી – ભલે મૂકે – પણ શાકંભરી ઉપર, હવે તો ત્યાં દંડનાયક જ લાવો. કોઈ ત્યાં રાજા જ નહિ – સોમેશ્વરજી પણ નહિ – એવી અવંતી જેવી હવા ઊભી થશે તો? પાટણ મળશે નહિ ને શાકંભરી જશે. તમે વિચાર કરો, બા! તમે મહારાજ જયસિંહદેવ જેવાનાં પુત્રી છો – એક વેણ તમે ખમી લેશો પછી થઇ રહ્યું! અત્યાર તો પાટણ હજી સોમેશ્વરદેવજી પ્રત્યે મહારાજ જયદેવનો પ્રીતિવારસો ધરાવે છે. બા! વખત નથી. લોકોનું ધ્યાન આ બાજુ ખેંચાય છે. રાજસભામાં શંકા પડે છે. તમે માનશો તો તમે...’

ઉદયને ‘નહિતર’ એ શબ્દ ન બોલવામાં સાર દીઠો. પણ કાંચનદેવીને વણબોલાયેલો શબ્દ જ વધુ ભયંકર જણાયો. તેણે સોમેશ્વરદેવ સામે બે તલવાર લટકતી જોઈ લીધી. પાટણપતિનું સ્થાન હજી અદ્વિતીય હતું. આંહીં જે કોઈ આવે તે ધારે તો શાકંભરીને ઘેર આણે. એ પોતાના ગર્વ અને ગૌરવમાં જ રાજમંડપ તરફ થઇ. એને રાજસિંહાસન પાસે બેસતી ઉદયને જોઈ. એણે જરાક નિરાંત થઇ. પણ તરત એના મગજમાંથી સરી ગયેલો બરબર્કનો વિચાર એને પાછો આવ્યો. તેણે કુમારપાલ કઈ તરફ છે એ જોવા ચારે તરફ દ્રષ્ટિ કરી, પણ કુમારપાલ ક્યાંય દેખાતો ન હતો. 

રાજસભા હવે એના સંપૂર્ણ ગૌરવમાં બેઠી હતી. ત્યાં માંડલિકો, મંડલેશ્વર, રાવરાણા, જમીનદારો, શ્રેષ્ઠીઓ, સરદારો, સામંતો, સેનાપતિઓ, ઉત્તમ નગરજનો – સૌ આવી ગયા હતા. પાટણપતિના અચળ ન્યાયી સિદ્ધાંતની જાણે પ્રણાલિકાને અનુસરતા હોય તેમ મહાઅમાત્ય આગળ આવ્યા:

‘રાજમાન્ય પુરુષો! તમે સૌ આંહીં છો.’ મહાઅમાત્યે ચારે તરફ એક દ્રષ્ટિ ફેરવી. કાંકરી પડે તો, સંભળાય એવી શાંતિ બધે વ્યાપી ગઈ. ચારે તરફથી દ્રષ્ટિ એમના પર સ્થિર થઇ ગઈ. કુમારપાલને પણ મહાદેવની એક વાત અસર કરી ગઈ. તે સ્થાપિત પ્રણાલિકાનો જાણે કીર્તિસ્તંભ હોય એવા ગૌરવથી વર્તતો હતો. એનો શબ્દરણકો એવો નિષ્પક્ષપતિ, ગંભીર, ભવ્ય થઈને કંઠમાંથી આવતો હતો તે સાંભળી રહ્યો. મહાઅમાત્ય આગળ વધ્યા:

‘મહારાજના અવિચળ ન્યાયી સિંહાસન ઉપર એમની પાદુકા બિરાજે છે. હવે એ સિંહાસન માટે કોણ લાયક છે તે આજે આપણે નક્કી કરવાનું છે. કૃષ્ણદેવજી પાસે મહારાજના અંતિમ શબ્દનો અધિકાર પણ છે. આપણે પરિસ્થિતિ જોઇને કોને રાજ આપવું એ નક્કી કરો. રાજા વિનાનું રાજ કદી ટકી શકે નહિ. પાટણને મિત્રો ઘણા છે, દુશ્મનો પણ ઓછા નથી. મિત્રો આપણને બળવાન દેખે તો મિત્ર થવા આવે. દુશ્મનો બળવાન દેખે તો મિત્રતા સાધવા આવે. સામર્થ્ય અને અખંડિત ગૌરવ-ગુર્જરદેશની જીવનપ્રણાલિકા છે. એ અવિચળ રાખીને ન્યાય તોળવાનો રહે છે. અર્બુદાચલથી સોમનાથસમુદ્ર પર્યંત અને મેદપાટથી ડાંગપ્રદેશ વીંધતું કોંકણ પર્યંતનું સામ્રાજ્ય સાચવવું એ કોઈ બચ્ચાનો ખેલ નથી. આપણે નિર્ણય કરવો ત્યારે આ પણ જોવાનું છે. બોલો, જય સોમનાથ!’

‘જય સોમનાથ!’ સામેથી ગંભીર પ્રતિઘોષ ઊઠ્યો. 

મહાઅમાત્યની વાણી ધારી અસર  ઉપજાવી ગઈ. આખી રાજસભામાં એક પ્રકારની ગંભીરતા ફેલાઈ ગઈ. હવે કોણ શું કહેવા માંગે છે એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ. કેશવ સેનાપતિ પ્રતાપદેવી સામે જોઈ રહ્યો હતો, પણ તેને પહેલાં ઊભા થઈને કાંઈ કહેવું એમાં ઉતાવળ જણાતી લાગી. ઉદયનને તો હજી કુમારપાલની ચિંતા લાગી હતી. એમાં એણે ત્રિલોચનને ચારે તરફ તીક્ષ્ણ દ્રષ્ટિ ફેરવતો જોયો. પણ કુમારપાલ વાતને પી ગયો હતો. તે જાણે જમીનમાં સમાઈ ગયો હોય તેમ બેઠો જ રહ્યો. એટલામાં ઉદયનને કાંઈક યાદ આવ્યું. તે મહાઅમાત્ય પાસે સર્યો: ‘મહાઅમાત્યજી! આજની આ સભાનું ગૌરવ ખંડિત કરનારો કોઈ ને કોઈ દુશ્મનનો માણસ આવી ચઢે તો એણે ત્યાં જ રોકી દેવો દ્વાર પર ત્રિલોચનપાલજી પાસે બબ્બે મલ્લરાજ ત્યાં મુકાવો. વખત છે કોઈ પરદેશી મલ્લ આવી ચડ્યો. મૂલ્યાંકન જાણવા જ આવે તો? અને આજ તો ખાસ આવવાનો. આજે ગૌરવભંગ કરવાનું દુશ્મનને મળે, તો એ આ અવસર ચૂકે?’

મહાદેવને આ વાત બરાબર લાગી. થોડી વારમાં જ ત્રિલોચને પોતાની સામેના દ્વાર ઉપર બે મલ્લરાજ દીઠા. પાછળ દ્રષ્ટિ કરી. ત્યાં પણ બે મલ્લરાજ આવીને ઊભા રહી ગયા હતા. આ કેમ થયું તેની તેને સમજણ ન પડી, પણ બર્બરકના વિદ્યુતવેગ ઉપર આ પ્રતિબંધ હતો એટલું એ સમજ્યો. 

કેશવ સેનાપતિએ ઉદયન સામે જોયું. કાંઈ ન હોય, એમ એ શાંતિથી બેઠો હતો. 

કેશવને એક નવી ચિંતા ઊભી થઇ. વાણિયાને બર્બરકની સનસા મળી ગઈ લાગે છે. તો?

પણ ઉદયનને હવે એક નિરાંત થઇ ગઈ હતી. બર્બરક એકદમ સીધો જ હુમલો લાવે એ શક્યતા ઊડી જતી હતી. તે કૃષ્ણદેવના ઊભા થવાની રાહ જોતો બેઠો હતો. 

બે પળ વીતી. સૌથી પહેલો કૃષ્ણદેવ જ બેઠો થયો. પ્રતાપદેવી અને ભાવ બૃહસ્પતિ જરાક ચમકી ગયાં, પણ તેઓ પાછાં તરત શાંત થઇ ગયાં. ત્યાગભટ્ટ જ્યાં બેઠો હતો ત્યાંથી જરાક ઊભો થતો જણાયો, પણ તે તરત પાછો હતો તેમ બેસી ગયો. કૃષ્ણદેવને શું કહેવાનું હતું એ જાણવાની સૌને તાલાવેલી હતી. કૃષ્ણદેવ ધીમાં પગલે આગળ આવ્યો. તેણે વિનમ્રતાથી બે હાથ જોડી પાદુકાને પ્રણામ કર્યા. ગદગદ કંઠે એ કાંઈક બોલતો જણાયો, ઉદયને એની દ્રષ્ટિ પકડવાનો પ્રયત્ન કર્યો. . પણ એટલામાં તો એણે બોલવાનું શરુ કર્યું. ઉદયનને આ ગર્વીલા ને ઘમંડી રાજપૂતની હોશિયારી અત્યારે બરાબરની જણાઈ. એ એકધ્યાન થઇ ગયો. કૃષ્ણદેવ બોલતો હતો: ‘રાજસભાસદો, નગરજનો, મહારાજ જયસિંહદેવ સિદ્ધરાજની મારા ઉપર અકારણ પ્રીતિ હતી, તે તમે સૌ જાણો છો. મહારાજે મને વિશ્વાસયોગ્ય માન્યો હતો. હું તો નાનો હતો, છું ને રહેવા માંગુ છું!’

ઉદયન વિચારી રહ્યો: આ રાજપૂતનું અભિમાન સૂઈ જાય તો-તો એ કૈંકને પાણી પિવડાવી દે તેવો છે. કૃષ્ણદેવ આગળ વધી રહ્યો હતો: ‘મહારાજ સિદ્ધરાજદેવની છેલ્લી ચિંતા, છેલ્લો અભિલાષ, છેલ્લો શબ્દ, છેલ્લી આજ્ઞા મારા હ્રદયમાં આજ દિવસ સુધી મેં સંઘરી રાખ્યાં હતાં. આજે તમે સૌ મહારાજપદની ન્યાયતુલા કરવા બેઠા છો ત્યારે તમને એ સોંપી દઈને હું ઋણમુક્ત થવા માંગું છું!’

આખી રાજસભા ઉપર પ્રશંસાનું એક મોજું ફરી વળતું ઉદયને જોયું. જો કૃષ્ણદેવ સમોસૂતર ઊતરે તો-તો વિજય કુમારપાલનો હતો. તેણે ચોરદ્રષ્ટિ પાછી સભામાં ફેરવી. તે ચમકી ગયો. એનાથી થોડેક દૂર પણ છેક પાછળ પગથિયા ઉપર કુમારપાલ જેવું કોઈ બેઠેલું એણે લાગ્યું. પણ તેણે એ તરફ જોવાનું માંડી જ વાળ્યું. કૃષ્ણદેવે સભા જીતી લીધી હતી. 

‘મહારાજે જયારે ભગવાન સોમનાથના જાણે કે પ્રત્યક્ષ દર્શન કર્યા...’ કૃષ્ણદેવનો કંઠ રૂંધાતો લાગ્યો. એક પળ જાણે તે બોલી શક્યો નહિ. ઉદયનનો ભય વધ્યો. ભવિષ્યની ચિંતા પણ વધી. એને આ માણસની નાટકશક્તિ ઘણી વધારે જણાઈ. એના મૂલ્યાંકનમા પોતે ભૂલ કરી હોય તેમ લાગ્યું. કૃષ્ણદેવ જરા વાર અટકીને બોલ્યો: ‘એમના બે હાથ છાતી ઉપર જોડાયેલા હતા, આંખો બંધ હતી, મોંમાં ભગવાન સોમનાથનું નામરટણ ચાલી રહ્યું હતું, મધરાતનો વખત હતો, એ વખતે હું એકલો દ્વાર ઉપર ઊભો હતો, મારી સમશેર લઈને. એ વખતે પોતે મને બોલાવ્યો. એમનું હ્રદય સમાધાનવૃત્તિથી જાણે છલોછલ ભરાતું હતું. ધીમેથી પોતે બોલ્યા: “કાનડ!” મને પોતે “કાનડ” કહેતા...’ કૃષ્ણદેવના લાગણીભર્યા શબ્દે કેશવ જેવાની આંખમાં તો આંસુ પણ લાવી દીધા. ઉદયન તો છક જ થઇ ગયો: ‘અરે આ માણસ? આ માણસ હમણાં મહારાજનો નામમહિમા ગાઈગાઈને કાં તો પોતે પોતાને જ રાજા સ્થાપી દેશે કે શું? પાદુકા રહેશે ને પોતે પ્રતિનિધિ થશે કે શું?’

કૃષ્ણદેવની વાણી તો ચાલતી જ હતી:

‘પોતે મને કૃષ્ણદેવ કહેતા નહિ, કાન્હડદેવ પણ નહિ, કાન્હડ પણ નહિ, મહારાજ મને “કાનડ” કહેતા! કાનડ... પોતે બોલ્યા. સ્વર એમનો મેં માંડમાંડ પકડ્યો: “મારો કોઈ દુશ્મન નથી. મારે કોઈ અરિ નથી. વંશપરંપરા તો ઠીક ગૌરવપરંપરા જાળવે તે... કાનડ!” બસ ત્યાર પછી મહારાજ બોલ્યા નહિ. મને એ છેલ્લી વખત એમણે કાનડ કહ્યું તે કહ્યું. આજ પણ મહારાજનો એ શબ્દભણકાર મારા કાને આવે છે.’

કૃષ્ણદેવની વાણીની અદ્ભુત અસર થઇ હતી. તેણે ક્ષણ ગુમાવી નહિ. તે આગળ વધ્યો: ‘મહારાજની એ વાણી સ્પષ્ટ હતી. મહારાજના દિલમાં રાજકુમાર-પરંપરાની એટલી ચિંતા ન હતી, જેટલી પોતાની સ્થાપિત ગૌરવપરંપરા ચલાવવાની હતી. નર્મદાના મૂળથી સોમનાથ સમુદ્ર સુધી અને કોંકણપ્રદેશથી દંડકારણ્ય (ડાંગ) વીંધતી મેદપાટ સુધીની ગુજરાતની અવિચલ સત્તાને જે અખંડિત રાખવાનું સામર્થ્ય ધરાવે તે મહારાજને મન અભિલાષપુત્ર હતો. મહારાજની અંતિમ ઈચ્છા એ ગૌરવ જાળવવાની હતી. એ અદ્ભુત દર્શન મેં કર્યું હતું!’

‘અખંડિત રાખવાનું સામર્થ્ય જેનામાં હોય તે અભિલાષપુત્ર, એમ તમે કહ્યું?’ મલ્હારભટ્ટ બોલ્યા વિના રહી શક્યો નહિ.

‘આ સોમનાથ-જલ લઈને કરેલી વાત છે કે લીધા વિના?’ કેશવ અચાનક ઊભો થઇ ગયો હતો, ‘તુરંગાધ્યક્ષજી! તમે અને હું...’

‘જુઓ, સેનાપતિજી!’કૃષ્ણદેવે એને સત્વર જ જવાબ વાળ્યો – એનો એક હાથ એને વારતો હોય તેમ ઊંચો થઇ ગયો હતો: ‘હું તો મહારાજ જયસિંહદેવનો નજીકનો સગો છું, જાતનો રજપૂત છું. તમે નાગર છો. મહારાજની પરંપરા ચાલે એમાં તમારા કરતાં પણ મને વધારે રસ હોય. પણ આ પરંપરા ચલાવવી એ કાંઈ છોકરીના ખેલ નથી. ભગવાન રુદ્રના મહાલયનો, કર્પૂરમંજરીનો એક સ્તંભ તો કોઈ કરી જુએ! જાવાસુમાત્રાના વ્યાપારી મુસાફરો એની નકલ ઉતારી ગયા હતા! એ આ પરંપરા છે! એ ચલાવવી – અને તે પણ આબુરાજ, અર્ણોરાજ, કોંકણનો મલ્લિકાર્જુન, આ તરફ જયવર્મા માલવરાજ અને આંહીં સોરઠનો રા’ ચારે તરફ ટાંપીને બેઠા હોય ત્યારે – એને જાળવતાં જાળવતાં, માણસ જો આ પાદુકાથી જરાક જ ઊતરતો આંહીં આવશે નાં, તો એ પોતાનું માથું ખોશે, ગુજરાતનું નાક ખોશે અને તમારા – અમારા જેવાનાં મોં ઉપર મેશના લપેટા લાવશે! સો મણ દૂધે એ લપેટા પછી નહિ ધોવાય. મહારાજની પરંપરા ત્રણ દિવસ તો શું, ત્રણ પળ પણ, કોઈ જાળવી નહિ શકે. મારા મનમાં ગુર્જરદેશની વાત આંહીં છે...’ કૃષ્ણદેવે પોતાની છાતી ઉપર હાથ મૂક્યો, ‘હું એટલા માટે આ કહું છું, સેનાપતિજી!’

‘આપણે મહારાજની અંતિમ ઈચ્છાની વાત ચાલતી હોય ત્યારે માન અને મૌન જાળવીએ એમાં શોભા, સેનાપતિજી!’ મહાદેવે કહ્યું. 

‘હા-હા, તે સમયે બોલવાનું જ ન હોય!’ ઉદયન બોલ્યો.

‘હા-હા, ભા! તુરંગાધ્યક્ષજી બરાબર કહી રહ્યા છે. એક વખત એમને શું કહેવાનું છે એ તો સાંભળો!’ કેટલાક રજપૂત સરદારો બોલી ઊઠ્યા.

‘મારે બીજું કાંઈ કહેવાનું નથી,’કૃષ્ણદેવે વાત તરત ઉપાડી લીધી, ‘મહારાજને સૌથી વહાલી વાત, એમના અંતકાળે પણ, એમના મનમાં જે બેઠી હતી... તે હું જાણું છું.’ કૃષ્ણદેવે રજપૂત સૈનિકોને સત્તાનો નશો ચડાવવામાં વિજય જોયો, ‘સમશેર-ધરમની’ વાત ત્યાં હતી. એમની સમશેર ઝાંખી ન પડે, એ અવિચળ અને એણે જાળવી લેનારા સમશેરધારી રણવીરો ચારે તરફ હોય – મહારાજની આ અંતિમ ઈચ્છા હતી. એમના મનની આંખ તો હરરોજ મહારાજ ભીમદેવનો સોમનાથી જુદ્ધ-સમય જોતી હતી! રુદ્રમહાલયમા મહારાજની પોતાની પ્રતિમા એ વાત ક્યાં નથી કહેતી? એટલે મહારાજના મનમાં એક અખંડ બળવાન રજપૂતી સેનાસંઘ હતો, જે ગૂર્જરનરેશના તેજને ટકાવી રાખે!’

‘જય હો મહારાજ સિદ્ધરાજના રણવીર રજપૂતોનો!’ એક મોટી ગર્જના ચારે તરફથી ઊઠી. કૃષ્ણદેવે અસર ઉપજાવી હતી. વાતાવરણમાં એણે રજપૂતી મહિમા સ્થાપી દીધો હતો. 

કેશવ સેનાપતિ કૃષ્ણદેવની જુક્તિ પામી ગયો. ઉદયન મનમાં ઘા ખાઈ ગયો. પણ હજી કૃષ્ણદેવ શું કહેશે તે કળવું મુશ્કેલ હતું. મહાઅમાત્યજીને ક્ષોભ થયો.

કૃષ્ણદેવ રાહ જોવામાં માનતો લાગ્યો નહિ. તે હજી આગળ વધ્યો.:

‘મહારાજ દેવપ્રસાદનો સમશેરી ધરમ સંભારનારા તો આજ પણ ડોલી ઊઠે છે. એવી જ મહારાજ ત્રિભુવનપાલની જાનન્યોચાવરીની કથા પાટણનું પાંચ વર્ષનું શિશુ ક્યાં નથી જાણતું? એ વંશવેલાએ પાટણના મહારાજની આડે પોતાના દેહની વજ્જર-ભીંતો બનાવી હતી, એ કથા કહેતાં તો શામળ જેવા શામળને વાણી જેવી વાણી પણ ઓછી લગતી! મહારાજ જયદેવ ત્રિભુવનપાલજીને અને પરમાર જગદેવજીને અંતઘડીએ પણ ભૂલ્યા ન હતા. સ્વર્ગમા પણ એમને મળવાની એમને અભિલાષ હતી. આજ એ ત્રણે ત્યાં હશે!’ કૃષ્ણદેવ ગદગદ થઇ ગયો હતો. ‘ત્રિભુવનપાલજીના વંશનો કોઈ હોય ને લાયક હોય, તો મારે મન એ પહેલો – મહારાજની એવી અંતિમ ઈચ્છા મને જણાતી હતી...’ એણે દ્રઢતાથી કહી દીધું ને શાંત થઇ ગયો.

‘ઈચ્છા કે શબ્દ? મહારાજે આમ ઈચ્છ્યું એ તમે જાણ્યું કે સાંભળ્યું? કૃષ્ણદેવજી! આ પાદુકાના સાંનિધ્યમા આપણે ઊભા છીએ હો!’

‘મહાઅમાત્યજી!’ કૃષ્ણદેવે સમાન અધિકારીના ગર્વથી કહ્યું, ‘મહારાજ જયસિંહદેવ ક્ષમાના સાગર હતા. પોતે સમજી ગયા હતા. જીવન-સમાધાન મેળવી ચૂક્યા હતા. એઓ બારમા રુદ્ર હતા. એમની ઈચ્છા એ અમારે માટે આજ્ઞા, એમનો શબ્દ એ અમારે પ્રાણાંતે પાળવાનો કોલ. ત્રિભુવનપાલજીના વંશવેલાનો અધિકાર આ રાજગાદી ઉપર છે જ – શું એ મહારાજ જાણતા ન હતા? છતાં પૂછો મહારાજ જયસિંહદેવના રણસુભટોને... એઓ શું ધારે છે?’

‘ત્રિભુવનપાલ મહારાજનો જય!’ એક પ્રચંડ અવાજ રજપૂત રણસુભટોએ કર્યો અને એનો એવો જ પ્રચંડ પડઘો મેદનીમાંથી ઊઠ્યો. ઉદયને ત્યાં દ્રષ્ટિ કરી. મેદાનમાં સેંકડો ઘોડેસવારોને એણે તૈયાર જોયા તેમણે એ અવાજ ઉપાડી લીધો હતો. 

કૃષ્ણદેવ પોતાનો વિજય સ્થાપવા માટે જ આવ્યો હતો એ એ સમજી ગયો. સત્તાવિહીન કુમારપાલના સ્વામી બનવાની એની તૈયારી હતી. અત્યારે જ એ પ્રણાલિકા જાણે સ્થાપી દેવાની એની ઉત્સુકતા જણાઈ. ઉદયનને આ નવીન આફત લાગી. પણ અત્યારે તો કૃષ્ણદેવ એક ચક્રવર્તીની ઢબે વર્તી રહ્યો હતો.

‘એમ કરો કૃષ્ણદેવજી!’ તેણે તત્કાલ વાતને આગળ વધારવામાં સાર દીઠો. ‘ક્યાં છે દેથળીના રાજકુમારો? એમને આંહીં સભા સમક્ષ લાવો... રાજસભાને નિર્ણય કરવા દો!’

‘બરાબર બોલ્યા છે મંત્રીશ્વર...’ કેટલાક અવાજ આવ્યા. 

કૃષ્ણદેવની એક ઈશારત ને કોઈ કંઈ વધુ બોલે તે પહેલાં એક લાંબો, પાતળો, રૂપાળો જુવાન ઊભો થઈને રાજસભાના છેડેથી આગળ આવતો દેખાયો. ‘મહીપાલદેવજી! રાજકુમાર! આમ આવો, આંહીં મહારાજના આ સિંહાસન પાસે...’

કૃષ્ણદેવે એને માનથી આગળ આવવાનું કહ્યું.મહીપાલ આગળ ચાલ્યો. એણે ડગલાં તો સો-દોઢસો ભરવાનાં હતાં, પણ એટલી વારમાં એ જરાક લથડ્યો. એનો શણગારભાર સાચવવામાં એ વધુ સભાન બન્યો હતો. એની ચાલમાં કોઈ જાતનું ગૌરવ ન હતું. એ ત્યાં આવીને સિંહાસન ઉપર બેઠો, ત્યારે તો સેંકડો માણસોની નજર ચારે તરફથી પોતાના તરફ મંડાયેલી દેખીને, એણે પોતાનાં નેણ પણ નીચાં ઢાળી દીધાં.

‘મહીપાલદેવજી!’ મહાદેવ એની પાસે આવ્યો. મોટેથી બોલ્યો, ‘તમને આ ગુર્જરદેશનું રાજ સોંપવામાં આવે, તો તમે એ શી રીતે ચલાવશો? તમને ખબર છે, મહારાજ જયસિંહદેવ મહારાજનું આ સિંહાસન... ગૌરવશાળી વારસો ધરાવે છે? તમે આ વારસો...’

પણ સિંહાસન શબ્દે ચોંકી ઊઠ્યો હોય તેમ મહીપાલદેવ મહારાજના સોનેરી સિંહાસન ઉપર હાથ ફેરવતો દેખાયો. તે કાંઈ જવાબ ન વાળતાં મૂંગો બેઠો જ રહ્યો. એનો હાથ હજી સિંહાસન ઉપર ફરી રહ્યો હતો. 

કૃષ્ણદેવ તરત આગળ વધ્યો. તેણે સ્થાપનાર-ઉથાપનારની સત્તાથી મહીપાલદેવનો હાથ પકડ્યો. તેણે સિંહાસન ઉપરથી ઊભો કરી દીધો: ‘મહીપાલજી તમારે માટે દેથળીનો દરબારગઢ બરાબર છે. મહારાજના નામનું ગૌરવ તમે ન જાળવી શકો. નીચે આવો, ભા! હમણાં આંહીં બેસો. ક્યાં છે કીર્તિપાલજી? કીર્તિપાલજી?’

કીર્તિપાલ તો બે ક્ષણમાં મળનારા ને એક ક્ષણમાં પાછા અદ્રશ્ય થનારા રાજસિંહાસનના ગૌરવની વાતથી ગભરાટમાં પડેલો લાગ્યો. તે જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો તો થયો, પણ એનું ઉપવસ્ત્ર જ નીચે પડી ગયું, એણે લેવા જતાં એની પાઘ પડતી જોઈ, એટલે એક હાથ એના ઉપર રાખીને જ એ આગળ વધ્યો. 

સભાસદોના મોં ઉપર એક છાની દયા- મશ્કરી બેસી ગઈ હતી. આ રાજકુમારો આ સિંહાસન પર એક પળ પણ ટકી ન શકે એ વગર કહ્યે જ જાણે સૌ સમજી ગયા હતા. કૃષ્ણદેવ એટલામાં બોલ્યો: ‘મેં મહારાજની ઈચ્છાનું માન રાખવા માટે જ સૌને બોલાવ્યા છે. આ સિંહાસન-ગૌરવને જે યોગ્ય હશે, તે એની મેળે જ સ્થપાઈ જશે. આપણે તો ગૌરવ અખંડિત રાખવું છે. મહારાજની અંતિમ હ્રદયેચ્છાને ભૂલવાની નથી. કીર્તિપાલજી! આવો, આંહીં આવો...’

કીર્તિપાલ આગળ ગયો, બેઠો, પણ એ પોતાના માથા ઉપર આવતું છત્ર નિહાળી રહ્યો હતો. મહાદેવના વાક્યે એને જગાડ્યો:

‘તમને, કીર્તિપાલજી! ગુર્જરનરેશ બનાવીએ તો તમે રાજ કેમ ચલાવશો?’

‘કેમ વળી?’ કીર્તીપાલે એકદમ પ્રત્યુત્તર વાળ્યો, ‘તમે કહેશો તેમ!’

સભા આખી ખડખડાટ હસી પડી. 

કીર્તિપાલને લાગ્યું કે એણે મોટાભાઈ મહીપાલ કરતાં વધારે હોંશિયારી બતાવી છે. સૌ પ્રસન્ન થઇ ગયા છે! તે મનમાં મલક્યો. ઉભડક ગોઠણ ઉપર બે હાથ રાખીને ત્યાં બેઠોબેઠો એ સૌની સામે જોઈ રહ્યો!

એટલામાં તો પોતે જ હવે સ્થાપનાર અને ઉથાપનાર છે, એ જાણે કે સિદ્ધ થઇ ગયું હોય અથવા તો એ સિદ્ધ કરવું હોય તેમ કૃષ્ણદેવ તેની પાસે આવ્યો. ‘કીર્તિપાલજી!’ તેણે કહ્યું, ‘હવે થોડી વાર આંહીં બેસો. કોઈ ત્રીજા માટે જગ્યા કરવાની છે. તમારું સામર્થ્ય અમે માપી લીધું!’

‘પણ છેવટે તો હું જ આવીશ નાં?’ કીર્તીપાલે મૂર્ખતાની અવધિ જેઓ પ્રશ્ન કર્યો, ‘ હું તમે કહેશો એટલું જ કરીશ, પછી છે કાંઈ?’

‘ના! ના! પછી કાંઈ નથી, આંહીં આવો હમણાં.’ કીર્તિપાલ ત્યાં સિંહાસન પાસે નીચે બેઠો. હવે કોણ ઊભો થાય છે એની સૌ આતુરતાથી રાહ જોવા લાગ્યા..

એટલામાં કુમારતિલક ત્યાગભટ્ટ ઊભો થયો. એનો દેહ રાજવૈભવને શોભે તેવો ઉત્તુંગ, રૂપાળો, સશક્ત હતો. એની પાસે અદ્બુત વિદ્યા પણ હતી. તે આગળ ન આવ્યો, હતો ત્યાં જ ઊભો રહ્યો:

‘કુમારતિલકજી! આગળ આવો...’કૃષ્ણદેવ બોલ્યો. ‘તમને આ મહાન ગુર્જરદેશનું રાજ...’

‘કૃષ્ણદેવજી! કુમારતિલકનો ગૌરવભર્યો ગંભીર અવાજ સંભળાયો. સૌને લાગ્યું કે રાજરીતનો જાણકાર હવે આવ્યો ખરો. ‘કૃષ્ણદેવજી!’ કુમારતિલક બોલ્યો, ‘તમારી સ્મરણશક્તિ ઉપર રાખ ચડી ગઈ લાગે છે. જરાક ખંખેરી કાઢો. તમે કોને રાજ આપવાની વાત કરો છો – મને? અધિકાર, આ રાજગાદી ઉપર, તમારા આપવાથી અહીં, તે પહેલાંથી જ મારો સ્થાપિત છે, એનું શું? હું મહારાજનો પ્રપન્ન પુત્ર છું એ શું તમારાથી અજાણ્યું છે કે આ ઢોંગ તમે આદર્યા છે? રાજ તો આ મારું છે. હું મહારાજ જયસિંહદેવના પ્રપન્ન પુત્ર લેખે એના ઉપર મારો હક્ક સ્થાપિત જ માનું છું, એમાં મારે કોઈની સહાય જોઈતી નથી. કોઈના પ્રશ્નનો પ્રત્યુત્તર પણ આપવાનો નથી. તમે જ શું મહારાજની સાથે માલવરણભૂમિ ઉપર ન હતા? આ સ્તંભતીર્થના મંત્રી શું ત્યાં ન હતા? ત્યાં દંડદાદાકજી સાથે આ મહાઅમાત્ય પણ ન હતા? શું ત્યાં જ કેશવ સેનાપતિએ સોમનાથી જલે પ્રતિજ્ઞા નહોતી લીધી?’

‘મહારાજ ત્યાગભટ્ટજી!’ કેશવ ઊભો થઇ ગયો હતો. તેના રોમરોમમાં ઉગ્ર આવેશ દેખાતો હતો. તે કૃષ્ણદેવની રમત પામી ગયો હતો. તેનાથી આ વસ્તુસ્થિતિ સહન થતી ન હતી. તેણે ઉતાવળે જ કહ્યું: ‘મારી એ પ્રતિજ્ઞા અવિચળ છે. આ કેશવ સેનાપતિની સમશેર મહારાજ માટે હતી ને મહારાજ કુમારતિલક ત્યાગભટ્ટ માટે રહેવાની છે! હું આંહીં જ ઊભો છું!’

‘સેનાપતિ કેશવ!’ મહાદેવ મહાઅમાત્યનો આજ્ઞાવાહી અવાજ સંભળાયો. ‘આ રણભૂમિ નથી, રાજસભા છે. આંહીં તમારે જુદ્ધની વાણી સંભળાવવાની નથી. તમે હમણાં બેસો, ત્યાગભટ્ટજી! તમારે વધારે કાંઈ કહેવાનું છે?’

‘કોને – મારે? મહાઅમાત્યજી! મારે કહેવાનું ન હોય. તમારે કંઈ કહેવાનું હોય તે મારે સાંભળવાનું હોય. મારો અધિકાર નથી એમ તમારે કહેવાનું છે? ત્યાગભટ્ટની વાણીમાં ધનુષટંકાર હતો. 

‘ના.’ મહાદેવે કહ્યું.

‘ત્યારે અધિકાર છે?’

‘નિર્ણય રાજસભા આપી શકે, હું નહિ. હું તો રાજસભાનો સંદેશો તમને કહી શકું.’

‘તો રાજસભા તમારી મારફત જે સંદેશો મને આપવા ઈચ્છે છે એ મને કહો.’

‘તે થશે – થઇ રહેશે. શાંત રહો. રાજસભાને તમારે વધારે કાંઈ કહેવું છે?’

‘હા, મારે કહેવું છે...’ પાછળથી પ્રતાપદેવીનો અવાજ સંભળાયો. તે ધીમા પગલે આગળ આવતી જણાઈ. તેનો રૂપમઢ્યો દેહ સાક્ષાત સમુદ્રમાંથી નીકળતી લક્ષ્મીનો વૈભવ દેખાડી રહ્યો. તેની શુદ્ધ ગીર્વાણનો નાનકડો રણકો પણ ચિરસ્મરણીય બની જાય એવી સુંદરતા એની વાણીમાંથી પ્રગટતી હતી. એ જરાક આગળ આવી. ઉદયનને એનો એક વખત અનુભવ થઇ ગયો હતો. મહારાજ જયસિંહદેવ જેવાને પણ જીતનારી એની વાણી હતી. એણે તત્કાળ નિશ્ચય કરી લીધો – આને બોલતી અટકાવવી જોઈએ, નહિતર થઇ રહ્યું. પણ એટલામાં તો પ્રતાપદેવી સરસ્વતીની છટાથી છેક આગળ આવી ગઈ હતી. 

એણે ત્યાં ઊભા રહીને એક નજર રાજસભા ઉપર ફેરવી – કુમારપાલ ક્યાંય બેઠો છે કે નહિ એ જાણવા માટે એ  હોય તેમ લાગ્યું. 

તેણે બે પગલાં વધુ આગળ લીધાં. ઉદયન સર્ચિત નયને એને નીરખી રહ્યો હતો. એક શબ્દ વધારે આવે તે પહેલાં જ એ અચાનક ઊભો થઇ ગયો: ‘મહાઅમાત્યજી, મારે પણ કાંઈ કહેવું છે. આમની ગંગાજળ જેવી વાણી તો, અમને થાય છે કે મન મોકળું મૂકીને પછી સાંભળીએ, એ તો દેવવાણી ગણાય, પણ પહેલાં હવે કોઈ હોય તો, એને આવી જવા દ્યો ને! એટલે તુલના ઠીક થાય અને જો કોઈ આવ્યા ન હોય તો – તો પછી નિર્ણય જ કરવાનો બાકી રહે છે. કુમારપાલજી પણ આવ્યા હોત તો સારું હતું; આપણે ત્રણે ભાઈઓને બોલાવ્યા કહેવાત. એમનો કોઈ પત્તો છે, સેનાપતિજી?’ તેણે કેશવ સામે જોયું. કેશવ કાંઈ બોલ્યો નહિ. ‘બીજા કોઈને ખબર છે? કૃષ્ણદેવજી! તમને? આપણે સૌને સાંભળીને નિર્ણય કર્યો કહેવાય. પછી તો તમે સૌ ધારો તે. કૃષ્ણદેવજી છે, તમે છો, મહાઅમાત્યજી! સેનાપતિજી છે, કાકભટ્ટ છે, મલ્હારભટ્ટ છે. નિર્ણય કરો તે પહેલાં કોઈ હોય તો આવી જવાની ઘોષણા આપો, પ્રભુ! તેણે હાથ જોડી વિનંતી કરી. 

બરાબર એજ વખતે ત્રિલોચન ઊભો હતો, તેનાથી થોડેક દૂર સોપાન ઉપર જબરજસ્ત મલ્લ જેવો કોઈ દેખાયો. દેખાવમાં એ રાજકુમાર જેવો લાગતો હતો. એની સોનેરી પાઘમાં અનેક કલગીઓ શોભી રહી હતી. છાતી ઉપર એણે અસંખ્ય વિજયપત્રો લગાવ્યાં હતા. એના એક હાથમાં એક જબરદસ્ત ગદા પણ હતી. એ કોણ હતો એનું આશ્ચર્ય શમે તે પહેલાં તો એ આગળ આવતો જણાયો. 

ઉદયનને પણ આ નવા આવનારની નવાઈ લાગી. અત્યારે આ વળી કોણ ફૂટી નીકળ્યો, એમ તેને થઇ અવાયું. તે તેની સામે જોઈ રહ્યો. કોઈ દુશ્મની મલ્લ ખરેખર એણે મહાઅમાત્યને કહ્યું હતું તેમ, રાજસભાનું ગૌરવ હણવા બરાબર આ પ્રસંગ પસંદ કરીને, નજર ચૂકવીને આવી ગયો છે કે શું? અમંગલ શંકાથી એનું મન પળભર દ્વિધામા પડી ગયું. તે  બોલતો અટકી ગયો. એટલામાં કોઈ નવા હજી વાત રજૂ કરવા માંગે છે એમ માનીને, પ્રતાપદેવી સહજ પાછળ સરી ગઈ. સામેથી પેલો મલ્લ જેવો માણસ આગળ આવતો દેખાયો.

ત્રિલોચન પાસે દ્વાર તરફ ઊભેલા બે મલ્લરાજો પણ જાણે એની દ્રષ્ટિમાત્રથી ક્ષોભ પામ્યા હોય તેમ ચિત્રવત્ સ્થિર ઊભા રહી ગયેલા લાગ્યા. આ પ્રકારની નવી પરિસ્થિતિ માટે કૃષ્ણદેવ પણ તૈયાર ન હોય તેમ જણાયું. ઉદયને તેની સામે જોયું. તેને પણ આ નવી નવાઈની વાત જણાતી લાગી. ઉદયને આવનાર તરફ એક સ્થિર-નજર કરી એને માપવાનો પ્રયત્ન કરી જોયો. એક જ પળમાં એની ઓળખાણ પડી ને એ ચોંકી ગયો. ‘ઓહો! આ તો આનકનાં કામ. એનો જ આ મલ્લ – પેલો કર્ણાટકમલ્લ!’ તે મનમાં જ બોલી ગયો. એને નિરાંત થઇ ગઈ. પહેલાં એક-બે વખત એ આ પ્રમાણે આંહીં આવ્યો પણ હતો, વિજયપત્ર માટે. આજ એણે આ તક જાણીજોઈને પકડી લાગી. કદાચ અર્ણોરાજે એણે મોકલ્યો હોવો જોઈએ – ઉદયને અનુમાન કર્યું. તેણે કાંચનદેવી તરફ દ્રષ્ટિ કરી, એની નજર ભોં માપતી સ્થિર બની ગયેલી જોઈ. 

દ્વારમલ્લોને એને રોકવા માટે કાંઈ કહેવું કે ન કહેવું. એનો કોઈ નિર્ણય કરે તે પહેલાં કર્ણાટકમલ્લની પાછળ એનું પગલેપગલું દબાવતો એક ઊંચો સશક્ત પડછંદ આદમી દેખાયો. એ એની પાછળ-પાછળ આવતો જણાયો. 

રાજસભા – આખી આ બે જણાને આવતા નીરખી રહી હતી. એક-એકની પાછળ આવી રહેલા એ બંને કોણ નીકળે છે એ જાણવા સૌ આતુર બની ગયાં હતાં. એટલામાં પેલા ઊંચા, પડછંદ, પ્રચંડકાય આદમીનો સોનેરી પાઘ સૂર્યકિરણમા ઝળહળી ઊઠ્યો અને સૌની આંખ ચમકી ગઈ. એના હાથમાં લાંબી તલવાર દેખાતી હતી. એની સોનેરી મૂઠને હાથનો એક ટેકો આપીને એ ધીરેધીરે પગથિયાં ચડતો દેખાયો. એ કોણ છે એ જાણવાની ઉત્સુકતા હવે તો એકદમ જ વધી ગઈ. ઉદયને કૃષ્ણદેવ સામે જોયું. બંને આવનારાની પ્રતીક્ષા કરતો તે ત્યાં શાંત બેઠો હતો. દ્વાર પાસેનો ભય એના મનમાં આવ્યો હોય તેમ જણાયું નહિ. એટલામાં તો ઉદયને બંનેને લગભગ ત્રિલોચનપાલની પાસે આવી ગયેલા દીઠા. રાજસભાનું પ્રવેશદ્વાર પસાર કરવા એ આગળ વધતા જણાયા. હજી ઠીક અંતર હતું ને પાછળનો માણસ, કર્ણાટકમલ્લને લીધે, જરા ઢંકાઈ જતો હતો, એટલે એ ખરેખર કોણ હતો એ આટલે દૂરથી બરાબર કળી શકાતું ન હતું, પણ એ કુમારપાલ જ હોઈ શકે એ સ્પષ્ટ હતું. એટલે પ્રવેશદ્વાર પાસે એમને ઉદયને દીઠા અને એનો ઉદ્વેગ વધી ગયો. એણે ત્યાં દ્વાર પાછળ ઊભેલા બર્બરકને ઘડી પહેલાં જ જોયો હતો. સિંહના જેવી હિંસક દ્રષ્ટિથી એ ત્યાં ઊભો હતો. એનો હેતુ સ્પષ્ટ હતો. કુમારપાલને આ વાતની ખબર જ ન હોય એ પણ સ્પષ્ટ હતું. એક પળભર ઉદયન પોતાની લાક્ષણિક શાંતિ ગુમાવતો જણાયો. તેણે જોયું તો કાક પણ એ જ ચિંતામા હતો. બર્બરકની વિદ્યુતવેગી એક જ સિંહઝડપ ગમે તેવાં બળવાનને અદ્રશ્ય કરવા બસ હતી. કોઈ કંઈ સમજે તે પહેલાં એને પોતાનું કામ કરી લેતો અનેક વખત ઉદયને જાણ્યો હતો. હજી ત્યાં બે હતા કે એક એ પણ એકબીજાની પાછળ હોવાથી થોડુંક અસ્પષ્ટ થઇ રહ્યું હતું. ઉદયનને આ ક્ષણ ખરેખર ભયંકર લાગી. દોડીને ત્યાં પહોંચી જવાની બાલિશ મનોવૃત્તિ પોતાના ઉપર સવાર થઇ જશે કે શું, એવી ચિંતામાં એ પડી ગયો. બીજો કોઈ ઉપાય હવે એના ધ્યાનમાં ઊતરતો ન હતો. તેમને આગળ વધતા એકદ્રષ્ટિએ એ જોઈ જ રહ્યો. પોતાની નિરાધારી પણ એ અનુભવી રહ્યો. પણ એક નાનકડી ક્ષણ – એક સહજ જણાતી ક્રિયા અને બર્બરક તરફના દ્વાર ભણી કર્ણાટકમલ્લને ધકેલાઈ જતો એણે દીઠો. એ ચમકી ગયો. એક પળભર એ આંખ મીંચી ગયો. બીજી જ ક્ષણે એની આંખ ઊઘડી ગઈ. જોયું તે માનતો ન હોય તેમ ચકિત થઈને ફરી ફરીને એ જોવા મંડ્યો. ત્યાં કર્ણાટકમલ્લ હતો નહિ!

એક નિમિષમાત્રમાં જાણે એને પૃથ્વી જ ગળી ગઈ હોય તેવું થઇ ગયું હતું! કોઈનો પ્રયત્ન ન હતો, અવાજ થયો ન હતો, લેશ ખળભળાટ પણ દેખાયો ન હતો. જલરાશિમા જેમ કાંકરો પડે તેમ થઇ ગયું. સહજ, સરલ, સદ્ય પણ ભયંકર વિદ્યુતવેગી એક ઝડપ જાણે કે એને અલોપ જ કરી ગઈ હતી!

ઉદયન ધ્રૂજી ગયો. કુમારપાલ પણ ગયો કે શું? – એવો ભય એણે થઇ ગયો. એનો રોમેરોમ થડકી ઊઠ્યો. વાત એટલી તો ત્વરિત બની ગઈ હતી કે પહેલાં આ – પછી આ, એમ કાંઈ જ એના મગજમાં એ ગોઠવી પણ શકતો ન હતો. પણ પાછળ આવી રહેલા પેલા પ્રચંડ માણસનો એક ખભાઉછાળ તી ઝડપી ધક્કો, કર્ણાટકમલ્લને લાગતો એણે જોયો હતો. એમ હવે એને યાદ આવ્યું. એ ધક્કાએ એને આઘો બર્બરક તરફ હડસેલી દીધો હતો, અને ત્યાં તો એટલી વિદ્યુતવેગી ઝડપે એ અદ્રશ્ય બની ગયો હતો. એટલામાં રાજસભાના મુખ્ય દ્વારને વટાવીને આગળ આવતો કુમારપાલ એની નજરે પડ્યો અને એને શાંતિ થઇ ગઈ. કુમારપાલ સહીસલામત હતો. એણે કૃષ્ણદેવ તરફ જોયું. કર્ણાટકમલ્લને તો એણે પણ ઓળખ્યો હોવો જોઈએ, પણ એ આ વસ્તુને જાણે બની જ ન હોય તેમ લેતો લાગ્યો. 

રાજસભા આખી પણ વિદ્યુતવેગી ઝડપને લીધે ભ્રમમા પડી ગયેલી જણાઈ. એક જણ આવતો હતો કે બે જણ આવતા હતા એ જાણે કાંઈ નિશ્ચિત ઠરી શકતું ન હતું. જે જોયું તે ખોટું હતું કે સાચું, એ વિશે પણ કંઈ કોઈ કહી શકતું ન હોય તેમ જણાયું. શંકા હતી, અનિશ્ચય હતો, ભ્રમ જણાતો હતો. કૃષ્ણદેવને કોણ અદ્રશ્ય થયો, કોઈ હતો કે ન હતો, એની કાંઈ જ પડી ન હોય તેમ એ તો તરત જ ઊભો થઇ ગયો. એક ક્ષણ પણ અત્યારે ન ગુમાવવી એ સિદ્ધાંતે એ દોરાઈ રહ્યો હતો. એણે કુમારપાલને જોયો અને તરત જ એને આવકાર આપ્યો. ‘આવો! આવો! કુમારપાલજી! આંહીં તમારી રાહ જોવાય છે!’

ત્યાં રાજસભાના છેડા ઉપર, અચળ અર્બુદશિખર સમો, પોતાની સંપૂર્ણ ઊંચાઈને વ્યક્ત કરતો, ઇન્દ્રવૈભવના રાજવંશી ગૌરવમાં ઊભેલો કુમારપાલનો ઉત્તુંગ દેહ સૌની દ્રષ્ટિએ પડ્યો!