Gurjareshwar Kumarpal - 14 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 14

Featured Books
Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 14

૧૪

કેશવ સેનાપતિ

મધ્યયુગી જમાનાની, અંતિમ શબ્દને પ્રાણાંતે પણ પાળવાની ઊર્મિમય ભાવના વડે સેનાપતિ કેશવ જીવતો હતો. એના રોમરોમમાંથી એ વસ્તુ પ્રગટતી હતી. એનું જીવન એને આધારે હતું. વૌસરિ પાસેથી કાંઈ જ સમાચાર જ્યારે પ્રાપ્ત ન થયા ત્યારે એને આશ્ચર્ય થયું. એ સાધુ ભિખારી ભીખ માગતો હજી પ્રપા પાસે પડ્યો હતો એમ ત્રિલોચને કહ્યું. સેનાપતિ કેશવ, બર્બરક, મલ્હારભટ્ટ એ બધાંની રાજસિંહાસન સંબંધી નીતી સ્પષ્ટ જ હતી – મહારાજ જયદેવનો શબ્દ પાળવાની. પણ હવે તેઓ ઘા ખાઈ ગયા. ક્યાંક ઉદયન-કૃષ્ણદેવ એમને સૂતા રાખે નહિ! તેઓ વધારે સાવધ થયા, વધારે નિર્ણયાત્મક બન્યા, કાંતિનગરીના પ્રથમના અનુભવે વધારે ચોક્કસ થવા મંડ્યા.

વૌસરિ બનાવ પછી એમની શંકા વધી ગઈ. હવે તો ચોક્કસ જ કુમારપાલ પાટણમાં હોવો જોઈએ. કાંતિનગરીમા ઊડી ગયો હતો એમ ઊડી જાય નહિ એ જોવાનું હતું અને સમયે હાજર થાય નહિ એ પણ જોવાનું હતું. એ હોય તો ક્યાં હોય? કૃષ્ણદેવને ત્યાં જ. પણ એ પકડાય શી રીતે? ને ન પકડાય તો એક વાત દીવા જેવી હતી – કૃષ્ણદેવ પણ મહારાજના શબ્દને જાળવવાની રમત માંડીને બેઠો હતો. 

સેનાપતિ કેશવના હ્રદયમાં મહારાજ જયસિંહદેવનું અનોખું સ્થાન હતું. એમની એક ભવ્ય માનસી મૂર્તિ ત્યાં બેઠી હતી. મહારાજનું સિંહાસન એ એને મન વિશિષ્ટ પ્રકારનું દૈવી પ્રતિક હતું. એ સિંહાસનના સાંનિધ્યમા એણે ભારતવર્ષના વિદ્વાનોની વિદ્યાધારા નિહાળી હતી. ત્યાં એણે સિદ્ધરાજ જયસિંહને વિદ્વાનો સાથે કર્તવ્યચર્ચા ને ધર્મચર્ચા ચલાવતો જોયો હતો. એ સિંહાસન ઉપર અમરાવતીનો ઇન્દ્ર હોય, પણ સેનાપતિ કેશવને મન એ મહારાજની તોલે આવે તેમ ન  હતો! એણે સિદ્ધરાજ મહારાજને હજાર સ્વાંગમા જોયા હતા ને એ હજારે સ્વાંગમા અનુપમ દેખાતા સિદ્ધરાજ મહારાજે કાવ્ય, ધર્મ, વ્યાકરણ, ન્યાય, તર્ક – અનેક શાસ્ત્રોની વિદ્વાનોને શોભે તેવી ચર્ચા કરી હતી. તો એ જ મહારાજને એણે ધારાદુર્ગના દરવાજે જોયા હતા – કાલાગ્નિ સમા દુર્ઘર્ષ, હમદ્રષ્ટા સમા વિકરાળ, ગિરનાર પાસે જોયા હતા – ભૈરવી ખડક સમા અણનમ, કાળમીંઢ જેવા કઠોર. ગુપ્ત વેશે પ્રજામાં રખડતાં જોયા હતા – કુસુમ જેવા કોમલ, બાળક સમા નિર્દોષ. એ જ મહારાજને પોતાનો ભવ્ય વારસો જાળવવા માટે એણે અડવાણે પગે જલકાવડ લઈને સોમનાથ પ્રતિ જતા જોયા હતા. બધા જ સ્વાંગમાં તેઓ અનુપમ દેખાયા. એની આંખમાં આંસુ આવ્યાં. સોમનાથ મહાદેવને જાણે એણે પ્રત્યક્ષ નિહાળ્યા. રૂદ્રમહાલય જેવાં મંદિરો પણ એ જ મહારાજે ઊભાં કર્યાં.

જળાશયો, મહાલયો, મહાપ્રસાદો, મહાતડાગો – મહારાજની કઈ વસ્તુ મહાન ન હતી? એ અદ્ભુત દૈવી સિંહાસન ઉપર કુમારપાલ જેવો અણઘડ અને અભણ આવે, પાટણના મહારાજની અનિચ્છા છતાં એ બેસી જાય – કેશવ સેનાપતિ એ સહન કરે ખરો? કદાપિ નહિ. એવું બને તો એ મરી ખૂટે, જળસમાધિ લે. મહારાજનો એ મિત્ર હતો. સ્વમાની હતો. ઊંચા ખમીરનો હતો. એ ભક્ત હતો. રણજોદ્ધો હતો. એને માટે બે જ રસ્તા ખુલ્લા હતા: કુમારપાલને શોધી કાઢવાનો ને એણે અદ્રશ્ય રાખવાનો અથવા પોતે અદ્રશ્ય થઇ જવાનો. ત્રીજો કોઈ મારગ એણે માટે ન હતો. એ કાં મહારાજ સિદ્ધરાજ જેવા પાસે હોય અથવા તો જુદ્ધમાં હોય. મહાઅમાત્ય મહાદેવની વાતમાં એને હવે શ્રદ્ધા ડગી ગઈ હતી. ધીમેધીમે ત્યાગભટ્ટને સ્થાપવાનું કામ કોઈક દિવસ સ્વપ્નાની માફક ઊડી જવા માટે નિર્મિત થયું હતું. કુમારપાલને શ્રેષ્ઠીઓનો સાથ મળી રહ્યો હતો. ઊડતી ગાથા જ એ વાત કહી જતી હતી. કુમારપાલને સાધવાનો અડગ નિશ્ચય ઉદયને કર્યો હતો એ સ્પષ્ટ હતું. કૃષ્ણદેવ રંગીભંગી માણસ હતો. એનો વિશ્વાસ કરવો એ ભયંકર રમત હતી. મહારાજનો છેક છેલ્લો – અંતિમ આદેશ એણે એકે જ સાંભળ્યો હતો. એ આદેશ શો હતો તે એક રહસ્ય જ રહ્યું હતું. કેવળ પાદુકા સ્થાપીને એણે રાજ ચલાવવા માંડ્યું. અંતિમ આદેશ આ છે એવી હવાઈ વાત ઊડી અને કૃષ્ણદેવનો ગર્વ નરપતિનો થઇ ગયો હતો. એની સત્તાપ્રિયતા નિ:સીમ બની હતી. સામંતો, રાવરાણાઓ, સૈનિકો એની આંખે જોવા મંડ્યા હતા. ધારે તો એ પોતે રાજા થઇ બેસે એવી હવા થઇ ગઈ. પણ પાટણની પ્રજા એને એવી રીતે એક પળ પણ સહન નહિ કરે એ એ જાણતો હતો. એટલે કોને ખબર છે – એ સમય લેવા માગતો હોય તો! કેશવે એની કસોટી કાઢી લેવાનો હવે નિર્ણય કર્યો. પરમાર ધારાવર્ષદેવજીનું અદ્ભુત ધનુર્બળ નીરખવા માટે પોતે આવવાનો છે, એમ એણે કહેવડાવ્યું. કૃષ્ણદેવ સમજી ગયો. કેશવનો સ્વભાવ એ જાણતો હતો. પોતાની કસોટી કાઢવા એ આવી રહ્યો.

એનો ગર્વ જ્યારે સૂતો હતો ત્યારે એ એકસો આદમીને કુનેહથી રમાડી દેવાની શક્તિ ધરાવતો હતો. ત્યારે એ રંગ પ્રમાણે વિનમ્ર થતો, ઉગ્ર થતો, વ્યગ્ર થતો, આકુળવ્યાકુળ બનતો, કડકાઈ રાખતો, અક્કડ રહેતો, ભક્ત થઇ જતો. કેશવને રમાડવો એ એને માટે રમતવાત હતી! અત્યારે એનો ગર્વ સૂતો હતો. એણે કેશવને આવતો જોયો  - અને એ બે ડગલાં સામે ચાલ્યો: ‘ઓહોહોહો! સેનાપતિજી! તમે પોતે શું કામ આંહીં આવ્યા? ધારાવર્ષદેવજી કહે, આપણે જ જાતે મળવા જાત! શું બળ છે, સેનાપતિજી! રાજના પ્રતિહારરક્ષી – ખરેખરા અર્થમાં – થાય તેવા તેઓ છે! આપણો દરવાજો તો ચંદ્રાવતી જ નાં?

‘ચંદ્રાવતી જ.’ કેશવે કહ્યું અને એણે સીધો પ્રશ્ન જ મૂક્યો: ‘લાગ્યો પછી કાંઈ પત્તો કુમારપાલજીનો? કહે છે ને  માલવામાં હતા?’

‘ભૈ, એ જ દુઃખ છે નાં? તેઓ ક્યાં ન હતા? તેઓ તો આંહીં પ્રપામા પણ હતા. પેલા ભિક્ષુ સાધુને નીરખીને મેં તો ત્રિલોચનપાલજીને કહ્યું કે આમાં કાંઈ માલ નથી. એમ જ નીકળ્યું નાં?’

એટલામાં ધારાવર્ષદેવને આવતો કેશવે જોયો. તેણે બે હાથ જોડ્યા એકબીજાને બે ઘડી બંને નિહાળી રહ્યા. બંનેની પાસે વસ્તુ એક જ હતી: સિંહાસનભક્તિ, પ્રકાર જુદાં હતા. 

‘આવો-આવો, સેનાપતિજી! અંદર આવો...’ કૃષ્ણદેવે તેણે અંદર દોર્યો. ‘તમે આવ્યા તે એક રીતે સારું થયું. ધારાવર્ષદેવજી આજે તો નીકળવાના છે.’

‘જવાના છે?’ કેશવ ચાલતો અટકી ગયો, ‘કેમ આજે જ? કેમ આટલી ઉતાવળ? થોભી જાઓ ને – રાજસભા સુધી નહિ રોકાઓ?’ તેણે ધારાવર્ષદેવ સામે જોયું.

ધારાવર્ષદેવે તત્કાલ પાટણ છોડવાનો નિર્ણય કર્યો એમાં રાજસભાનું મિલન પણ એક કારણ હતું. એ પોતે સિંહાસન-નિર્ણયમા ભાગ લેવા માગતો જ ન હતો. સિંહાસન ઉપર પાટણ જેને મૂકે એનો એ ચંદ્રાવતી તરફનો અડગ દ્વારપાલ. આટલી સમજણને એ ભક્તિથી વળગી રહ્યો. તેણે કહ્યું: ‘તમારે સૌને થોડા વખતમાં ત્યાં આવવું પડશે. મેં તો કહ્યું છે કાન્હડદેવજીને, કેમ?’

કૃષ્ણદેવે ડોકું ધુણાવ્યું.

‘તો-તો કૃષ્ણદેવજી! તમારે તાત્કાલિક નિર્ણયનું પગલું હવે લેવરાવવું રહ્યું.’

‘મહાઅમાત્યજી બોલે એટલી વાર!’

ધારાવર્ષદેવને આ રુચ્યું લાગ્યું નહિ. એ આ વિષયમાં તદ્દન જ અસ્પૃશ્ય રહેવા માગતો હતો. તેણે વાત તરત ફેરવી નાખી: ‘આપણે સેનાપતિજી! બહાર મેદાનમાં જાત, જો મારે ફરી જવાનું ન હોત તો! હવે તો ફરી મળીએ ત્યારે!’

‘પણ ફરી મળવાના? તમને શું લાગે છે, આંહીંની હવા જોતાં?’ કેશવે કહ્યું. એને જુદ્ધ કરતાં પણ બીજા ભણકારા વાગતા હતા. 

‘મળીએ...’ ધારાવર્ષદેવે એ વાત પણ વાળી લીધી, ‘સેનાપતિજી! એક શિલ્પીએ મારા જેવાતેવા બળને સ્થિર કરી મૂક્યું છે, એ જોવા જવું છે! ત્યારે હું... રજા લઉં. ઘોડાં રાહ જુએ છે! કોવિદાસજી આગળ નીકળી જશે!’

‘કોવિદાસજી?’

‘હા હું પણ નીકળી જ રહ્યો હતો, ત્યાં તમે આવ્યા એટલે મળવા આવ્યો... ત્યારે કૃષ્ણદેવજી! હું તો આહીંથી જ વિદાય માગી લઉં છું! પછી મોડું થાય.’ કૃષ્ણદેવ વિચારમાં પડી ગયો. કુમારપાલના કે કોઈના પક્ષમાં ન ભળવાની નીતિને ધારાવર્ષદેવે અક્ષરશ: પાળી બતાવી હતી. એમાંથી ત્યાં જઈને પોતાને સ્વતંત્ર બનાવશે તો? એમ થાય તો ગુજરાત છિન્નભિન્ન નથવા માંડે. પછી એને ભાંગી પડતું રોકી શકે તેવું કોઈ બળ અત્યારે ન હતું. કુમારપાલને સ્થાપવો જ મુશ્કેલ હતો. કેશવ સેનાપતિને વાળવો મુશ્કેલ હતો. બર્બરકને મેળવી લેવો મુશ્કેલ હતો. ત્રિલોચનને ડગાવવો મુશ્કેલ હતો. આંહીં મુશ્કેલીઓ અનંત હતી. કૃષ્ણદેવને પોતાની સત્તાસ્થાપનામા ધારાવર્ષદેવનો ઉપયોગ કરવો હતો, પણ એ તો આંહીં એક પળ રોકાવા જ માગતો ન હતો.

‘ધારાવર્ષદેવજી! તમે જવાનો નિર્ણય જ કર્યો છે?’ એણે કહ્યું.

‘હા, કૃષ્ણદેવજી! મારે પાછું ત્યાં સંભાળવાનું ઘણું છે અને આંહીં તો તમે...’ પણ એણે તત્કાલ શબ્દ વાળી લીધો. કેશવ એ જોઈ રહ્યો. આને આંહીંની કોઈ વાતમાં પક્ષ ન હતો, રસ ન હતો. એને એક વાતની નિરાંત થઇ ગઈ. 

‘લ્યો ત્યારે!’ ધારાવર્ષદેવ કૃષ્ણદેવને ભેટ્યો, કેશવને પણ ભેટ્યો. ‘તમે આવશો ત્યારે મળીશું, સેનાપતિજી!’ તેણે વિદાય લેતાંલેતાં જ કહ્યું. 

તે સીધો પોતાના અશ્વ તરફ ચાલી નીકળ્યો. બંને – કૃષ્ણદેવ ને કેશવ – એને જતો જોઈ રહ્યા: ‘આણે વાત કરી છે, સેનાપતિજી! એ સાચી હોય તો આપણે હવે નિર્ણય કરી નાખવો રહ્યો! મહાઅમાત્યજીએ એટલા માટે આને કહ્યું કે તું ત્યાં પહોંચી જા ને સંદેશો મોકલ. એ જાય છે એ ઠીક છે. ત્યાં વિક્રમસિંહ આડો ફાટ્યો છે!’

‘હું પણ તમારી પાસે આવ્યો છું એટલા માટે.’ કેશવ બોલ્યો. એઓ હવે ખંડમાં પેઠા હતા. ચારે તરફ એક ચકોર દ્રષ્ટિ કેશવે ફેરવી લીધી. આણે કુમારપાલને ક્યાં રાખ્યો હોવો જોઈએ? એના મનમાં વિચારો આવી ગયા.  

બેઠા-ન-બેઠા ને એ બોલ્યો: ‘જુઓ, કૃષ્ણદેવજી! તમે એક વાતનો નિર્ણય કરી નાખો. અમે મહારાજના શબ્દ ઉપર પ્રાણન્યોછાવરીનો જુગાર માંડીને બેઠા છીએ. તમારો રસ્તો શો છે?’

‘કેમ મારો રસ્તો શો છે? હું તમારાથી જુદો છું?’ કૃષ્ણદેવે આશ્ચર્યથી કહ્યું. 

‘અમારાથી જુદાં તો કોણ જાણે, પણ કુમારપાલજી જુદાં નથી!’ કેશવે કહી નાખ્યું.

‘હાં-હાં....હાં!’ કૃષ્ણદેવ ટોણો સમજી ગયો. તેણે ભળતો જ અર્થ લીધો: ‘ભૈ! એનો સગો હું થયો એ તો હું શી રીતે મટું? પણ એ કોઢિયો રાજગાદીને લાયક હોય એમ હું માનું છું એમ તમે માનો છો?’

‘માનતા નથી, પણ...’

‘જુઓ, સેનાપતિજી!’ કૃષ્ણદેવે વધારે મક્કમતાથી કહ્યું. અત્યારે એનો ગર્વ સૂતો હતો, કુનેહ ચક્રવર્તી હતી, ‘કાંઈ પણ ને કાંઈ બણ... કુમારપાલનો હાથ ઝાલીને સોંપી દેવાની મારામાં શક્તિ છે, અથવા કહો કે ભક્તિ છે. પણ આપણે અંદરઅંદર શંકા સેવ્યા કરીએ એ મારાથી સહન નહિ થાય. તમને શંકા છે કે કુમારપાલ આંહીં છે – આ આખો મહાલય જોઈ લેવાની તમને છૂટ છે. બોલો, આથી વધુ હું શું કહું?’

‘પણ ત્યારે એ ગયો ક્યાં?’

‘એ હું શું જાણું? હું કાંઈ નાડી પકડીને થોડો બેઠો છું?’ એનાથી પચીસ જ કદમ દૂર નીચે ભોંયરામાં એક નાંદમા કુમારપાલ અત્યારે જ બેઠો હતો. એના ઉપર વાસણોનો મોટો ઢગલો પડ્યો હતો. કેશવ આવવાનો છે એ ખબર મળતાં આ ગોઠવણ થઇ ગઈ હતી. પણ આમાંના કોઈ ખુલ્લું ઘર્ષણ આવકારી શકે તેમ નથી એ એને ખબર હતી. 

‘તમે એમ કરો – ભરોસો ન હોય તો તમે આંહીં ભોંયરા-બોંયરા જોતા જાઓ. ખૂણેખૂણો નિહાળો...’ એણે એક તાલી પણ પાડી. 

‘અરે! અરે! કૃષ્ણદેવજી!’ કેશવ રોકે એ પહેલાં તાળી પડી ગઈ.

‘જુઓ, ભૈ! સેનાપતિજી! હું સીધોસાદો તલવારી માણસ છું. જે માણસ હજાર વખત મહારાજને હાથતાળી દઈને નાસી જાય એ માણસ આંહીં અત્યારે પાટણમાં હોય તોપણ હું કે તમે એને શી રીતે પકડી રાખવાના હતા! આ પવન – આવે છે ને જાય છે – એ પકડાય છે? પવન પકડાય તો કુમારપાલ પકડાય. બોલો, તમે માનો છો એમ જ હું માનું છું. કુમારપાલ અત્યારે આંહીં જ હશે – હોવો જોઈએ. પાટણ રાજસભા તમે ભરશો કે તરત એ દેખાશે! એને ખેતરમાં દોડતો તમારા પચાસ માણસે દીઠો નહોતો? પછી એ મળ્યો? આંહીં મહેલમાં જ ભોજન કરવા સાધુડા ભેગો નહોતો બેઠો? એ પકડાયો? અરે! હમણાં જ તમારા કડીગ્રામના પટેલે વાત નથી મોકલી? કુમારપાલ પકડાયો, રાત રાખ્યો, ચોકી કરી ને સવારે જુએ તો ત્યાં કંઈ નહિ! એટલે એ આકાશપાતાળ ફાડીને રાજસભામાં આવ્યા વિના નહિ રહે, લ્યો, હું તમને કહું! એણે અલોપવિદ્યા સાધી છે. એને કોઈક જૈન જતિડો ભેટી ગયો છે. કડીગ્રામમા દેખાયો, એ પાટણમા નહિ આવ્યો હોય? એનેય કોણીએ ગોળ વળગ્યો છે નાં? લ્યો, તેજદેવ આવ્યો, તેજદેવ! ભૈ સેનાપતિ...’

‘જુઓ, કૃષ્ણદેવજી!’ કેશવે ઉતાવળે કહ્યું. તેણે તેજદેવને જવાની નિશાની કરી. તેજદેવ કૃષ્ણદેવની સામે જોતો ઊભો રહ્યો. કૃષ્ણદેવે ઈશારત કરી ને તે ગયો.

‘જુઓ, કૃષ્ણદેવજી!’ અમે મહારાજનો શબ્દ પ્રાણાંતે પણ પાળવાના છીએ. એમનો અંતિમ શબ્દ – અમારે મન એ વેદ-આજ્ઞા છે!’

‘અમારે મન પણ એ એમ જ છે, કેશવ સેનાપતિ!’ કૃષ્ણદેવે એના ખભા ઉપર હાથ મૂક્યો, ‘તમે જરા ધીરા પડો, તેલ જુઓ, તેલની ધાર જુઓ, અંતે ઘીના ઠામમાં ઘી પડી રહેશે!’

‘પણ, ત્યારે તમે રાજસભા મેળવવા માગો છો?’

‘હા.’

‘ક્યારે?’

‘મહાઅમાત્યજી કહે ત્યારે.’

‘એમાં કુમારપાલ આવશે તો?’

‘આવશે તો શું? આવશે જ – મેં તમને ન કહ્યું! મને શંકા પડી છે.’

‘તો તમે શું કરશો?’

‘જે તમે કરશો તે.’ કૃષ્ણદેવે હસીને ઉત્તર વાળ્યો. એ ઊભો થઇ ગયો. 

‘ચાલો, ચાલો, સેનાપતિજી! તમે મફતના ભાંગરો વાટો છો. ઉતાવળે ક્યાંય આંબા પાકે? મહાઅમાત્યજી, ધીમેધીમે કુમારતિલક ત્યાગભટ્ટરાજને ગોઠવી દેવાના છે. અમે ઉતાવળમાં માનતા નથી, ખુલ્લા ઘર્ષણમાં માનતા નથી. તમે કુમારપાલને પકડવા દોડશો, તો લોકો એને રક્ષશે. મારશો તો બચાવશે. ઉપેક્ષા કરશો તો ફાવશો. અમે તો આ નીતિને વર્યા છીએ. એ ભલે દધિસ્થલીમા બેસી જાય. મહારાજ કુમારતિલક ત્યાગભટ્ટનો એ પણ સમશેરી મંડલેશ્વર હશે. બીજું કાંઈ? આટલાં માટે ધક્કો ખાધો? મને પૂછાવ્યું હોત તો હું ઘરે કહી ન જાત? અત્યારે તમારે હજાર કામ હોય, એમાં આ એક નાહકનું વધારે!’

પ્રકાશનું એક પણ કિરણ મેળવ્યા વિના જવું કેશવ સેનાપતિને આકરું પડી ગયું. પણ આ કૃષ્ણદેવ જમાનાનો ખાધેલ હતો. એણે એટલું તો કહી નાખ્યું હતું કે કુમારપાલ પાટણમાં જ છે. હવે એમને એને તે દિવસે કાં રાજસભામાં જતો રોકી દેવો રહ્યો અથવા જ્યાં હોય ત્યાં પૂરી દેવો રહ્યો અથવા રાજસભામાંથી અલોપ કરવો રહ્યો. 

કોઈક પ્રકારનો તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ – એણે મનમાં એટલો નિશ્ચય કરી લીધો.