૮
ચૌદમું રતન
કાક ઊપડ્યો તો ખરો, પણ એનું મન અત્યારે અનેક વિચારોના રણક્ષેત્ર સમું બન્યું હતું. કુમારપાલને રાજગાદી મળે તો એની જીવનભર સેવેલી એક મહત્વાકાંક્ષા સિદ્ધ થાય તેમ હતું. એણે કેશવ સેનાપતિની જેમ અવંતીમા પાટણની વિજયસેના દોરવી હતી. પાટણના સેનાપતિનું પદ એને મન કેવળ ઇન્દ્રાસનથી જ ઊતરતું હતું. કેશવ સેનાપતિને એ હંમેશાં તરસી આંખે જોઈ રહેતો અને એનો ઉત્તુંગ શ્યામ વાજી – પાટણનું એ એક ગૌરવ મનાતું. કાકને એ સ્થાન વિષ્ણુપદ જેવું અચળ અને અદ્ભુત લાગતું. પણ આંહીં કુમારપાલ માટે ગાદીને બદલે જીવનદોરીના જ વાંધા ઊભા થયા હતા. મલ્હારભટ્ટ પાતાળમાંથી પણ કુમારપાલને લાવ્યા વિના હવે રહેવાનો નહિ. અને કુમારપાલ એક વખત પણ જો અકાળે દેખાય તો થઇ રહ્યું. અદ્રશ્ય કરનારા ઘડીના છઠ્ઠા ભાગમાં એને અદ્રશ્ય કરી નાંખે. દંડ ઉપર માથું ઢાળીને ઊભો રહેતો પેલો બર્બરક હજી અચળ ભક્તિ બતાવતો હતો. એ બર્બરક જ કુમારપાલને ભોંમાં ભંડારી દે.
બીજી બાજુ, જો બરાબર સમયે એ ન દેખાય, તોપણ બાજી ખુએ તેમ હતું.
પણ અત્યારે તો કકના મનમાં એક વિચિત્ર વિચાર ઘોળાતો હતો. અત્યારે પળેપળની કિંમત હતી. ત્રિલોચનપાલ એનું પગલેપગલું દબાવતો પાછળ આવી રહ્યો હતો. મંત્રીશ્વર ત્યાં મંત્રણાસભામાં રોકાયા હતા. સાધુ પાસેથી ધીમેધીમે શાંતિથી વાત કઢાવવા જેટલો વખત પણ રહેશે કે નહિ એ શંકા હતી. પેલો સાધુ ઝટઝટ વાત કાઢી નાખે તો-તો ઠીક. પણ મંત્રીશ્વર સિવાય બીજાનો વિશ્વાસ કરવો કે ન કરવો કે કેમ કરવું – એવું ઝીણું કાંતવા બેસી જાય તો? તો બાજી હાથથી હંમેશને માટે જાય.
અત્યારે તો પળ મોડા થયાં, તો જીવનભર મોડા થયા – એવી વાત હતી.
કાકભટ્ટે આનો એક વિચિત્ર તોડ પોતાની બુદ્ધિથી ખોળી કાઢ્યો. એને ખબર હતી – માણસમાં વિશ્વાસ ઉત્પન્ન કરવો મુશ્કેલ છે. ભય ઉત્પન્ન કરવો સહેલો છે. પરિણામ તો બંને એક જ લાવે છે – વાત કઢાવવાનું. પણ એણે ચૌદમા રતનમાં ચૌદ રતન જોયા. કાક પહોંચ્યો, ત્યારે વૌસરિ હજી ભોંયરામાં હતો. કાકે ઝપાટબંધ તેને પકડી પાડ્યો. સીધો સવાલ જ કર્યો: ‘સાચું બોલજો મહારાજ! તમે કુમારપાલજી પાસેથી આવ્યા છો ને?’
અચાનક થયેલા સવાલને લીધે વૌસરિને જાત છુપાવવાની જરૂર જણાઈ. ‘કોણ, હું? હરભોલા! હરભોલા! કુમારપાલજી કોણ હેં?’
‘મહારાજજી!’ કાકે ઉતાવળે કહ્યું, ‘કુમારપાલજીનો જીવ જોખમમાં છે. જલદી બોલી નાખો. પળેપળ કીમતી છે. તમે પેલી વડવાળી પ્રપામાં રહો છો ને?’
વૌસરિને એટલા બધા વિચિત્ર અનુભવો થયા હતા કે શત્રુ કરતાં મિત્રથી એ વધારે ચેતવાનું શીખ્યો હતો. વળી પરમાર ધારાવર્ષદેવે રાજદરબારમાં વાત કરી હોય ને આ એમનો પ્રેર્યો આવ્યો હોય તો? મંત્રીશ્વર સવૈય બીજાનો વિશ્વાસ કરવામાં જોખમ હતું. તેણે બે કાને હાથ દીધા. કાકભટ્ટને તો ત્રિલોચનપાલના પગલાં સંભળાતાં હતાં. આ માણસ પ્રસ્તાવનામાં વખત કાઢી નાખે તો થઇ રહ્યું અને એ કુમારપાલ પાસેથી આવ્યો ન હોય તો એને સંતાડીને શંકા જગાડવી એ ‘ઊલળ પાણા પગ પર’ જેવું થતું હતું. એણે એકદમ જ વૌસરિને ડોકમાંથી પકડીને ગૂંગળાવવા માંડ્યો: ‘બામણા! બોલે છે કે મરવું છે?’
વૌસરિ આ અચાનકના હુમલા માટે જરા પણ તૈયાર ન હતો. તેનો જીવ તાળવે ચોંટી ગયો. ‘મૂ...મૂ...મૂ...’ તે ગૂંગા શબ્દો કાઢવા માંડ્યો.
‘અરે! મૂકશે ક્યાંથી? બોલી દે, નહિતર ગયો જીવથી સમજજે હવે!’
‘હ...હ...હ...હા!’ વૌસરિ બોલી ગયો.
‘ત્યારે? બ્રાહ્મણ!...’ કાકે પકડ જરાક ઢીલી કરી, ‘બોલ કુમારપાલજી ક્યાં છે? અને તારું નામ શું?’
‘માધવેશ્વર!’
‘અરે, માધવેશ્વરના બચ્ચા!’ કાકે તેની પકડ ફરીને મજબૂત બનાવી: ‘બ્રાહ્મણ! પેલો તારો કાકો આવી રહ્યો છે, ને ત્યાં તારો કાકો ઘેરાઈ જશે! ક્યાં છે કુમારપાલજી, બોલ?’
‘વડવાળી પ્રપા.’ વૌસરિ ભયનો માર્યો બોલી ગયો.
‘પ્રપામા કે બીજે?’ કાકભટ્ટે આ વખતે તલવાર ઉપાડી. વૌસરિને લાગ્યું કે પોતે બરાબર સપડાયો છે, છતાં આની વાત વખતે સાચી પણ હોય. આ હવેલી મંત્રીશ્વરની હતી. તેણે કુમારપાલનું વડવાળી પ્રપાનું સંતાવાનું સ્થાન પણ કહી દીધું.
કાકભટ્ટે એક તાલી પાડી. એક અનુચર દોડતો આવ્યો.
‘કોઈ આવ્યું છે?’ કાકે પૂછ્યું, ‘આવ્યા છે કે આવે છે?’
‘આવી રહ્યા છે.’
‘અરે, ત્યારે એમ બોલને! આને એકદમ સંતાડી દે... ચોકીદારના ઘરમાં પહોંચાડી દે. દોડ! ત્યાંથી તરત વંડો ઠેકાવી, કૃષ્ણદેવજીના મહાલય પાસે પેલી રહે છે નાં... શું નામ...?’
‘નીલમણિ!’
‘હા એ નીલમણિ વારાંગનાને ત્યાં... આને... જલદી કર!’
‘અરે! પણ, પ્રભુ! હું... બ્રહ્મ...’ કાક એને સાંભળવા ઊભો ન રહ્યો. એને આઘો ખસેડીને ડાબા હાથની એક ઝાપટ લગાવતો એકદમ જ એ ઉપર દોડ્યો ગયો. એટલી વારમાં તો ત્રિલોચનપાલ દરવાજો વટાવી રહ્યો હતો.