૩
વૌસરિનું ભિક્ષાટન
‘શું કહ્યું તેં? નથી? બંને જણ ઊપડી ગયા? પણ ત્યારે તો આપણે વૌસરિ!...’
‘જુઓ, મહારાજ! હું તમને કહું. આપણું વહાણ કાંઠે આવીને હવે ડૂબે નહિ તે જોવાનું છે. આ ઝાડનાં પાનને પણ કાન છે, એટલે હવે હું વૌસરિ નથી ને તમે મહારાજ કુમારપાલજી નથી. હું છું માધવેશ્વર અને તમે છો અચળેશ્વર! આપણી વાતનો વ્યવહાર, કોઈ હોય કે ન હોય, પણ હમણાં આમ જ રાખવો.’
‘પણ એ ઊપડી ક્યારે ગયા?’ કુમારપાલ બોલ્યો. એણે પોતાની નિંદ્રા માટે પસ્તાવો થતો હતો. ‘મારી આંખ મીંચાઈ હોય તો બે ઘડી જ મીંચાઈ છે.’
‘હજી તેઓ બહુ દૂર ગયા નહિ હોય.’
‘પણ આપણે હવે આ સ્થાન જ છોડી દ્યો.’ કુમારપાલે કહ્યું. ‘કોને ખબર, તેઓ મિત્ર હતા કે અમિત્ર? ભલું હશે તો અમિત્ર જ. મિત્ર આપણને ઓછા મળે છે! અને અત્યારે હવે છેવટનો મામલો છે. હું આ વટવૃક્ષના પોલાણમાં આજનો દી ગાળી કાઢું.’
‘તો કરભંક થોડો પડ્યો છે એનાથી તમે આજ ચલાવી લ્યો. ને હું જઉં છું ને ભિક્ષાટન કરવા. રાતે પાછો ફરીશ. પાટણને રસ્તે જ ગયા છે ચોક્કસ. સરસ્વતીકાંઠે પડ્યા હશે. તેઓ કોણ હતા એ આજ જાણ્યે જ છૂટકો. આ સ્થળનો ભરોસો નહિ.
વૌસરિએ શરીર ઉપર ભભૂતિ લગાવવા માંડી. એક પછી એક સાત-આઠ-દસ રુદ્રાક્ષની માળા ડોકમાં નાખી. ચંદનનું ત્રિપુંડ કર્યું. હાથમાં બેરખા ધાર્યા, નારિયેળનું કાચલું ઉપાડ્યું ને ‘જે હર ભોળા!’ બોલી ઊપડવાની તૈયારી કરી રહ્યો. જતા પહેલાં એક વખત ઝૂંપડીમા ચારે તરફ એણે દ્રષ્ટિ કરી. કાંઈ પેલાં મૂકી તો ગયા નથી નાં? પછી બે પળ કુમારપાલની સામે જોઈ રહ્યો. એના ચહેરામાં અવિશ્વાસનો ને કાંઈક આધારહીનતાનો ભાવ એણે અત્યારે દીઠો. પોતે કુમારપાલ સાથે દિવસો થયાં રખડપટ્ટીમાં હતો. એમનું નાવ હવે કાંઠો જોઈ રહ્યું હતું. કુમારપાલ હવે અવિશ્વાસ ધરે કે હિંમત ખુએ તો કાંઠે આવેલું વહાણ ડૂબે. વૌસરિને એ ઠીક ન લાગ્યું. અત્યાર સુધી એણે કુમારપાલને દેશદેશાંતરમા સાથ દીધો હતો. એ એનો મિત્ર બની ગયો હતો. કુમારપાલને પાટણપતિ કરાવવાનો એણે સંકલ્પ કર્યો હતો. ઘરબાર, ભાઈભાંડુ ને ગામ તજીને એ એની સાથે પડછાયા પેઠે ફર્યો હતો. કુમારપાલ પાટણમાં ક્યારે પ્રગટ થાય તો ઠીક, એની એ અવારનવાર પાટણમાં જઈને ખબર કાઢતો. હજી એ પળ આવી ન હતી, એટલે એ થોભી ગયો હતો, ત્યાં આ બન્યું.
‘મહારાજ!’ તેણે ધીમેથી કહ્યું, ‘હું પાટણમાં ભિક્ષાટન કરવા જઉં છું અને એક વસ્તુ જોઉં છું – મહારાજ જયસિંહદેવની ગૌરવગાથા વિનાનું એકે ઘર દેખાતું નથી. એટલે મહારાજના ખાલી સિંહાસન ઉપર કોઈનું નામ મૂકવાની હજી કોઈ રાજપુરુષ હિંમત જ કરતો નથી. મહાઅમાત્ય પણ મહારાજની પાદુકા પાસે બેસીને કામ કરે છે. કૃષ્ણદેવ કે મંત્રીશ્વર ઉદયન ધારે તોપણ કોઈ નામ એકદમ આવી શકે તેમ નથી. તો આજ હું કૃષ્ણદેવજીને મળું.’
‘આપણે આંહીં છીએ એ વાતની એમને કોઈને ખબર છે?’
‘ના, હજી સુધી તો નથી. આ બે જણ વાત લઇ જી શક્ય હોય તો ભલે, પણ એમને કળવાનો વખત મળ્યો નથી. તેઓ એમની શંકાના ભોગે ભાગ્યા જણાય છે.’
‘પણ તેઓ બંને હતા કોણ? શાકંભરીના અર્ણોરાજને તું ઓળખે છે?’
‘એ આ નહિ. શાકંભરી તો કદાવર રાક્ષસ જેવો લાગે છે અને આ તરુણ? સમર્થ, સમર્થ શબ્દનો અર્થ જ આને જોયા પછી સમજાયો. શું એનું સામર્થ્ય છે! લોહનો સ્તંભ તોડે એમ કહેવાય છે, ઈ આ સામર્થ્ય! શાકંભરી તો નહિ, બીજું ગમે તે હોય. ઠીક, પણ હવે હું જઉં. ગામમાં ભિક્ષા પણ મારા જેવાને મળવી મુશ્કેલ થતી જાય છે. જ્યાં જઉં ત્યાં પેલી ગાથાના પડઘા તો પડે છે. ને એ ગાવા મંડું તો મને પણ ઘારિકા મળી જાય છે, પણ ગાવી મુશ્કેલ થતી જાય છે!’
‘આ તું શેની વાત કર્યા કરે છે?’
‘પાટણમાં પ્રભુ! મારા અનુમાન પ્રમાણે એક પ્રકારની હવા પહેલાં તો મંત્રીશ્વર ઉદયન તૈયાર કરવા માગતા હોય એવું જણાય છે. હવા વિના આ કામ થાય તેમ નથી. એ હવાના મેળમાં ઠેકાણે-ઠેકાણે એક ગાથાના પડઘા સંભળાય છે.
पुन्ने वाससहसे सयमि वरिसाण नवनवई अहिए|
होही कुम्मर नरिंदो तुह विक्क्मराय सारिच्छो ||
‘આજે મને લાગે છે, હું પણ આ ગાથા ઉપાડું. વણિકવાડામાં ઘારિકા તે વિના નહિ મળે. ચાલો ત્યારે. બમ ભોળા! તમને હું શી રીતે ચેતાવીશ કે હું જ આવ્યો છું?’
‘શી રીતે?’
વૌસરિ માથું ખંજવાળવા માંડ્યો: ‘આપણે બે જ જાણીએ છીએ એ વાત કહીશ: બે હતા મિત્ર. એક જણો કરભંક માગી લાવ્યો. રાતે એ કરભંક એણે ગુપચુપ બીજાને બતાવ્યા વિના ખાધો. પેલાને શંકા ગઈ કે ભામણો, ગમે તેમ પેટભરો! મને મૂકીને ગુપચુપ ખાવા બેઠો!’
‘વૌસરિ! બંધ કરે છે કે એક મુક્કો લગાવું?’ કુમારપાલે કડક મિત્ર-અવાજે કહ્યું.
કુમારપાલે વૌસરિ વિશે એખ વખત રખડપટ્ટીમા શંકા થયેલી, તેની જ આ વાત હતી.
વૌસરિ હસતો-હસતો આઘો ખસી ગયો ને વાત આગળ હાંકી: ‘પેલાએ બીજા દિવસે ખુલાસો કર્યો કે ‘આ તો ઉઘાડો પડ્યો હતો, એટલે મેં એકલે પહેલાં ખાધો – ખબર પડે કે નિરુપદ્રવી છે. હું તો ભામણો. મરું તોય શું ને જીવું તોય શું? પણ તમે પૃથ્વીનાથ! તમારા ઉપર ધરતીનો ભાર કહેવાય. આમ ખુલાસો થયો ત્યારે એ બ્રાહ્મણ વૌસરિ...’
‘લાટેશ્વર થયો...’ કુમારપાળે પૂરું કર્યું.
‘અને અત્યારે એ તો લોટેશ્વર છે, એટલે લોટ માગે છે. ઠીક ત્યારે અચળેશ્વરજી! આ માધવેશ્વર હવે સાંજે – મોડી રાતે દેખાશે. ત્યાં સુધી જય સોમનાથ!’
વૌસરિ ઉતાવળે-ઉતાવળે પાટણની દિશા તરફ દોડવા જ મંડ્યો. એને બીક હતી કે વખતે પેલા બે હાથતાળી દઈ ને ક્યાં ગયા તેનો પત્તો નહિ જાણવા દે તો? તો એટલું નજીકનું આ સ્થાન ગુમાવવું પડે. અત્યારે પાટણની નજીક ને પાછી સહીસલામત એવી આ જગ્યા માંડ એણે શોધી કાઢી હતી. આંહીં વડના પોલાણમાં બેઠા રહે તો કોઈ ને પત્તો જ ન જડે.
કુમારપાલ એણે જતો જોઈ રહ્યો. એના અચળ વિશ્વાસે તો એનું જીવનનાવ આંહીં સુધી આવી પહોંચ્યું હતું. પણ હવે? હવે જ ખરી મુશ્કેલી હતી. જરાક જ ભૂલ થાય ને જીવન આખું ફરી જાય, એવી ઐતિહાસિક પળ હવે આવી હતી. એણે તે પહેલાં ઘણી આવી કટોકટીની પળો જીવનમાં જોઈ હતી ને એમાં એ પાર ઊતર્યો હતો, પણ કોઈ પળ આટલી મહત્વની ન હતી. આ તો આ પર કે પેલે પારની નિર્ણયાત્મક પળ હતી.
જો બરાબર પાર કરે ને ભૂલ ન કરે તો રાજ મળે. બરાબર સમય ન જળવાય તો રોજી પણ ન મળે.
વૌસરિ અદ્રશ્ય થયો એટલે કુમારપાલ ઝૂંપડી બરાબર ઠસાવી અદ્રશ્ય રહેવા માટે ધીમાં પગલે પોતાના સ્થાનની તપાસમાં પેલાં વડ તરફ ગયો.