Gurjareshwar Kumarpal - 1 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 1

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 1

ધૂમકેતુ

પ્રવેશ

મહાન ગુર્જરેશ્વર અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજના મૃત્યુસમાચારનો ભયંકર પડછાયો અણહિલપુર પાટણ ઉપર પડી ચૂક્યો હતો. ભીષણ ચોટ લાગેલી મૂર્છિત નિર્જન ધરતી હોય તેમ નગરી આખી સૂમસામ અને શૂન્ય જેવી બની ગઈ હતી. કોઈને કાંઈ સૂઝતું ન હતું. હવે શું થશે એની ચિંતામાં હોય તેમ સૌ આકુળવ્યાકુળ અને શોકઘેરા વાતાવરણમાં વ્યગ્ર-વ્યગ્ર ફરી રહ્યા હતા. કેટલાક તો હજી આ સમાચાર માનવાને પોતાની જાતને તૈયાર પણ કરી શક્યા ન હતા; એમને મન બર્બરકજિષ્ણુ અવંતીનાથ મહારાજ જયસિંહદેવ માનવી ન હતા. સિદ્ધરાજ માનવોત્તર સિદ્ધપુરુષ હતા. મૃત્યુથી તેઓ પર હતા! દેવાધિદેવને જો મૃત્યુ હોય , તો એમને મૃત્યુ હોય!

પણ મહારાજના નિધન-સમાચારનો એકદમ મોટો ધ્રાસકો પ્રજામાં પડી ન જાય તે માટે, રાજપુરુષોએ પાટણના નિત્યવ્યવહારને તો, જેમ ચાલતો હતો તેમ ચાલુ રાખ્યો હતો. આઠે પહોર મહારાજના સાંનિધ્યને સેવનારા બર્બરક જેવા રાજભક્તોએ તો એ નિધનને મિથ્યા માનીને પોતાની જીવનપ્રણાલિકાને અનુસરી રહ્યા હતા!

આઠે પહોર મહારાજના સાંનિધ્યને સેવનારો બર્બરક, જાણે મહારાજની આજ્ઞા હજી સાંભળતો હોય, તેમ પોતાના દંડ ઉપર માથું નમાવીને ખડેપગે ચોકી કરતો ત્યાં રાજદ્વારે ઊભો રહેતો! હજારો તુરગો ને સેંકડો ગજરાજો રાજચોકમાં નિયમ પ્રમાણે આવીને પ્રભાતમાં ઊભા રહેતા. મહારાજનાં પગલાંને જાણે આવી રહેલાં સાંભળતાં હોય, તેમ રાજમહાલયના મુખ્ય દ્વાર તરફ એ પળ-બે-પળ જોઈ રહેતા. થોડી વાર પછી સેનાપતિ કેશવ પોતાના શ્યામકર્ણી ઉત્તુંગ વાજી ઉપર આમથી તેમ ફરતો ત્યાં દ્રષ્ટિગોચર થતો. મહારાજ જાણે ત્યાં પ્રત્યક્ષ હાજર હોય તેમ કવાયત, નમસ્કાર, આયુધદર્શન, વિદાયગીરી ચાલતાં રહેતાં!

મહારાજ જયસિંહદેવની લોકપ્રિયતા એવી અજબ હતી કે સેંકડો નહિ, હજારો નાગરિકો મહારાજને જાણે રાજપ્રાસાદની ચંદ્રશાળામાં રોજની જેમ ફરતા હજી પણ નીરખી રહ્યા હતા. હજારોની મેદની વચ્ચેથી ગઈ કાલે જ, પવિત્ર ભાગીરથીના જલની કાવડ ખભે લગાવીને અડવાણે પગે ભગવાન સોમનાથ પ્રતિ પાટણના રાજદ્વારમાંથી મહારાજે પ્રયાણ કર્યું હતું, એ વિરલ દ્રશ્ય લોકકલ્પનામા એટલું તાદશ અને સભર બેઠું હતું કે, એ મહારાજ જયસિંહદેવને મૃત્યુ સ્પર્શી શકે, એ માનવાની કોઈના મનની તૈયારી ન હતી! એટલે જયદેવ મહારાજનું મૃત્યુ થયું હતું ખરું, પણ પાટણનો બહારનો નિત્યવ્યવહાર તો મહારાજનું જાણે મૃત્યુ જ ન થયું હોય તેમ અબાધિતપણે ચાલી રહ્યો હતો. જોકે વાતાવરણમા પ્રસરેલી ઘેરી ઉદાસીનતા સ્થળેસ્થળે પ્રગટ થઇ જતી હતી અને નગર-આખાની સૂરતને એક પ્રકારના વિષાદભર્યા પડછાયાથી છાઈ દેતી હતી.

પરંતુ આ પરિસ્થતિની ખરી ચિંતા તો અત્યારે રાજપુરુષો માથે આવી પડી હતી. 

સોમનાથ-સમુદ્રથી હરનર્મદેના મૂળ સુધી અને રજપૂતી રણકાંઠાથી છેક સહ્યાદ્રીના પર્વતશૃંગ સુધીનું જે મહાન ગુર્જર સામ્રાજ્ય મહારાજે એકચક્રી શાસનવ્યવસ્થા નીચે આણ્યું હતું – હવે એ સોંપવું કોને? ને સાચવવું શી રીતે? જબરજસ્ત કોયડો તો અત્યારે એ ઊભો થયો હતો – હવે ગુર્જરેશ્વર કોણ?

ચૌલુક્યોના સિંહાસન ઉપર રાણીજાયા સિવાય બીજા કોઈનો પદસ્પર્શ હજી થયો ન હતો. સિંહાસનની એ પવિત્ર પરંપરાને તોડવાનો કોઈજ અધિકાર કોઈને પણ ન હતો. ‘ચૌલાદેવી’ જેવી અત્યંત તેજસ્વી સ્ત્રીના જમાનામાં અપ્તરંગી રણજોદ્ધા મહારાજ ભીમદેવ જેવાએ પણ એ સાહસ કર્યું ન હતું. મોટો છતાં ક્ષેમરાજ રાજકુમાર એટલા માટે સ્વેચ્છાથી એક તરફ ખસી ગયો હતો.

ભોજ અને વિક્રમના સિંહાસન જેવી મહારાજ જયદેવના સિંહાસનની પ્રતિષ્ઠા લોકકલ્પનામાં રમતી થઇ હતી. એ પ્રતિષ્ઠા પાટણને માટે ને પટ્ટણીઓને માટે અને ગુજરાતને માટે એક પ્રકારનું અનોખું સામર્થ્ય અને ગૌરવ ધારણ કરનારી થઇ પડી હતી. એ પ્રતિષ્ઠાને લેશ પણ હાનિ પહોંચે એ હવે કોઈ સહી શકે તેમ ન હતું. 

પાટણના સિંહાસન ઉપર મહારાજ મૂલદેવના સમયથી સીધી વારસપરંપરા ચાલી આવતી હતી. આજ એ પરંપરા તૂટતી હતી – અને તે એવે વખતે કે જ્યારે એણે એ પરંપરાની ખરેખરી જરૂર હતી. આજનું પાટણ એટલું મહાન હતું કે કોઈ જેવાતેવાને સોંપાય તેવું એ રહ્યું ન હતું. ત્રણ દિવસ પણ કોઈ નબળો-પોચો આ રાજ ચલાવે શકે તેવું ન હતું. એટલે રાજગાદી કોને સોંપવી એ એક ઘણો જ અટપટો પ્રશ્ન થઇ પડ્યો, તેથી હવામાં અનેક નામો પણ તરતાં થયાં.

મહારાજના સમયથી જ રાજકુમાર તરીકે પ્રસિદ્ધિમાં આવેલા કુમારતિલક ત્યાગભટ્ટ એની અનોખી રણકુશળતાથી એક પ્રકારનું પોતાનું મોહક વ્યક્તિત્વ વાતાવરણમાં સરજાવી ચૂક્યો હતો. એ ગજેન્દ્રનાથની ઉદારતા પણ એવી જ હતી. મહારાજની ઈચ્છા પોતાની આ પ્રપન્ન પુત્ર ત્યાગભટ્ટને રાજ આપવાની હતી.

મહારાજે માલવાના દંડનાયકપદેથી એટલા માટે તો મહાઅમાત્ય મહાદેવને મૃત્યુશય્યા પાસે બોલાવીને આ વાત કહી હતી એમ પણ કહેવાતું હતું. વૃદ્ધ અમાત્ય દંડદાદાક પછી આ જવાબદારી એના આ પુત્રે ઉઠાવવાની હતી. ઘર્ષણ ન થાય એવી રીતે એ જવાબદારી અદા કરવાનો એનો સંકલ્પ પણ હતો.

કેશવ સેનાપતિ, બર્બરક, મલ્હાર ભટ્ટ – એ બધા આ સંકલ્પને સિદ્ધ કરવા આકાશપાતાળ એક કરે તેમ હતા, પણ ઉદયનને એક ખબર હતી. પટ્ટણીઓના સ્વભાવમાં એક પ્રકારની આનોખી ખુમારી રહેતી. એ ખુમારી પોતાને જ સિંહાસને લાવવાની. એટલે વાતનું વળું ક્યારે ક્યું રૂપ લેશે એની આગાહી કરવી વ્યર્થ હતી! એણે આ અનોખી ખુમારીનો અગ્નિ સતેજ રાખવામાં જય જોયો અને એકલું શાંત પ્રચારકાર્ય ચાલુ રાખ્યું. તુરંગાધ્યક્ષ કૃષ્ણદેવની સાથે એણે એ વાત નક્કી કરી હતી. તુરંગાધ્યક્ષ કુમારપાલનો બનેવી હતો, પણ હમણાં સૌને મૌન ભજવવાનું હતું.

કુમારતિલક ત્યાગભટ્ટ અત્યારે માલવામાં દંડનાયકપદે હતો. હરપળે એના પાટણમાં આવવાના પડઘા પડી રહ્યા હતા. એની સામે એક જ વાંધો હતો: ક્ષેમરાજ સામે હતો તે. બીજી તરફ મહારાજ જયસિંહદેવની પોતાની પુત્રી કાંચનદેવી, જે શાકંભરીનાથ અર્ણોરાજ ચૌહાણને પરણી હતી, તે મહારાજના મંદવાડ-પ્રસંગે આવી હતી. અત્યારે તે પાટણમાં જ હતી. એનો પુત્ર સોમેશ્વર પણ સાથે  હતો. એણે વાત રાજપુરુષો પાસે મૂકી હતી – સોમેશ્વરને પાટણપતિ બનાવવાની. શાકંભરીની સત્તા એથી પાટણમાં વધી પડશે એવો કોઈ ભય રાખવાનો હતો નહિ. પાટણપતિ સોમેશ્વર શાકંભરીની રાજગાદીનો ત્યાગ કરી દઈને પણ અહીં જ રહેવાનો! મહારાણી મીનલદેવીએ એક વખત ચલાવ્યું હતું તેમ, પાટણનું તંત્ર મંત્રીઓની દેખરેખ નીચે, એની કિશોરાવસ્થામાં બરાબર ચાલે. મહારાજનો ગૌરવી વરસો પાટણના સિંહાસનને શોભાવે.

આ સોમેશ્વર, જયસિંહદેવ મહારાજનો પ્રીતિભાજન હતો. સૌને એ ખબર હતી. એની પાસે શક્તિ અનુપમ હતી. સૌની જાણમાં એ વાત હતી. મહારાજે પોતે જ એણે પ્રીતિથી કેળવ્યો હતો. એનો પક્ષ લેનાર અનેક સામંતો પાટણમાં અત્યારે પણ મોજૂદ હતા, કે તક જોઇને નીકળે એવા હતા. કિશોર રાજા હોય તો એમની સત્તા અબાધિત રહે એ લોભ પણ ખરો. એટલે કાંચનદેવીને પ્રત્યુત્તરમાં રાજપુરુષોએ હા કહી ન હતી અને નાયે ભણી ન હતી! મહેતો મારે નહિ ને ભણાવે નહિ, તેમ સમય સાચવીને પગલું ભરવાની વાત હતી. 

હવે ત્રીજો વારસ – ક્ષેમરાજનો દેવપ્રસાદ, દેવપ્રસાદનો ત્રિભુવનપાલ; ત્રિભુવનપાલના ત્રણ પુત્રો – મહીપાલ, કીર્તિપાલ અને કુમારપાલ. એ ત્રણેમાં મોટાં મહીપાલનો રાજગાદી ઉપર હક્ક હતો. એના પછી કીર્તિપાલ, કુમારપાલ પણ ખરા. ચૌલાદેવી અને કુમારપાલની મા કાશ્મીરાદેવી, એમ બબ્બે હીન ગણાય તેવી સ્ત્રીઓ એ કુટુંબમા આવી ન હોત તો એમનો એ હક્ક વધારે મજબૂત બન્યો હોત. 

મહીપાલ તો હંમેશાં રાહ પણ જોઈ રહ્યો હતો કે ગમે તે પળે રાજગાદીનું તેડું આવ્યું જાણો. એણે શરીરના રૂપરંગ પણ શણગારી મૂક્યાં હતાં, પણ હજી કોઈએ એનો ભાવ પૂછ્યો ન હતો. ભવિષ્યનો પોતે પાટણપતિ હવે ચોરેચૌટે દેખાય તે સારું નહિ એમ માનીને ભોગળ લગાવીને પોતાના મહાલયમા બેઠો એ રાહ જોતો હતો, કે કોઈ ઉતાવળો સાંઢણીસવાર પાટણથી દધિસ્થળી તરફ આવતો દેખાય છે! બે-ચાર દિવસ અગાશી ઉપર ચડીચડીને એના પગનાં તળિયાં ઘસી ગયાં છતાં કોઈ સવાર હજી તો દેખાયો ન હતો. 

છેવટે મહીપાલે રાહ જોવી પણ છોડી દીધી હતી! મહીપાલ ન હોય તો કીર્તિપાલ અને નહિતર કુમારપાલ પણ કેમ નહિ? જોકે મહારાજ જયસિંહદેવની આજ્ઞા આ વિષયમાં સ્પષ્ટ હતી. સામંતો, મંડલેશ્વરો, રાજપુરુષો મહારાજ જયદેવને હજી વાતાવરણમા નિહાળી રહ્યા હતા!

એટલે આની સામે, મહારાજની અનિચ્છા એક પવિત્ર શાસન લેખે, રાજપુરુષોમાં ને લોકકલ્પનામા બેઠી હતી!

આ ઉપરાંત બીજા કોઈ-કોઈ રાજવંશી – કોઈ કોઈ રીતે, તો બીજા બીજી રીતે, પણ સૌ – રાજગાદીની આશા રાખી રહ્યા હતા, એટલું જ નહિ, પોતે પોતાને જ યોગ્ય પણ માની રહ્યા હતા. 

હવાની લેરખીમાં એક ત્રીજી જ વાત વણાતી આવતી હતી. જૈન મંડળને એમાં શ્રદ્ધા હતી અથવા તો એમણે શ્રદ્ધા ઊભી કરી હતી. તમામ ગ્રહો કુમારપાલને ગાદી મળે એવી રીતે અત્યારે આકાશમાં વિચરી રહ્યા હતા. હેમચંદ્રાચાર્યે એ સમય ભાળ્યો હતો. મંત્રીશ્વર ઉદયને એ કોઈને સ્પષ્ટ કહ્યું ન હતું, પણ સૌને બોલાવો, જુઓ, એમ વાત કરીને, કુમારપાલ આવી શકે એટલો સમય એણે મેળવી લેવાની યુક્તિ ગોઠવી કાઢી હતી. એ પોતે તો સ્તંભતીર્થથી ક્યારનો પાટણમાં આવી ગયો હતો અને હંમેશાં સ્તંભતીર્થ જવાની તૈયારી કરતો દેખાતો હતો, પણ સાંજે કાંઈક કામ આવી પડતાં પાછો રોકાઈ જતો હતો!

પણ આવી રીતે અહીં જયારે પળેપળે રાજરંગના પલટાનો પ્રશ્ન ઊભો થયો હતો, બરાબર ત્યારે જ કુમારપાલ ક્યાં હતો, એનો હજી પત્તો લાગતો ન હતો – ઉદયનને, કૃષ્ણદેવને કે મલ્હારભટ્ટને – કોઈને. સૌ એને શોધવા આકાશપાતાળ એક કરી રહ્યા હતા. કેટલાકની જાણ પ્રમાણે એ યોગિનીપુરીમા હતો. બીજા સમાચાર પ્રમાણે કોલ્હાપુરમા હતો. સમુદ્રપાર હોવાની વાત પણ ચાલતી હતી. માળવામાં હોવાના ખબર આવ્યા હતા અને સરસ્વતીના કિનારે અત્યારે જ બેઠો હોય તો ના નહિ એવી ઊડતી વાત પણ ચાલતી. શોધનારા એણે શા માટે શોધે છે એ વસ્તુની સાચી પ્રતીતિ મળ્યા પહેલાં કુમારપાલ હવે પ્રગટ નહિ જ થાય એ ઉદયને બરાબર જાણી લીધું હતું. જયદેવ મહારાજનું મૃત્યુ ગમે તેટલું છુપાવ્યું હોય, પણ હવે એ છૂપું રહી શક્યું હોય એમ માનવાને એ તૈયાર ન હતો. એટલે એ સમાચાર કુમારપાલને મળ્યા તો ચોક્કસ હોય જ અને તો એ કોઈ રીતે પાટણ આવ્યા વિના રહે નહિ એ પણ ચોક્કસ. એટલે પાટણની બહાર દરેક રસ્તા ઉપર પોતાના માણસો એણે ગોઠવી દીધા હતા. જતા-આવતા દરેક ઉપર અત્યારે બારીક નજર રાખવાની મહાઅમાત્યની જ આજ્ઞા હોવાથી કુમારપાલ એમાં અધૂરે ઝડપાઈ ન જાય એ માટે, એણે રાતદિવસનો સતત ચોકીપહેરો યોજી દીધો હતો. આ બધી વાતથી એણે કૃષ્ણદેવને જાણીતો રાખ્યો હતો. 

આંહીં રાજગઢમા રાજસિંહાસન ઉર મહારાજ જયસિંહદેવની પાદુકા શોભતી હતી. મહારાજ જાણે પ્રત્યક્ષ બેઠા હોય તેમ સિંહાસનની પાસે આવીને નતમસ્તકે મહાઅમાત્ય મહાદેવ પ્રભાતમાં જ ત્યાં કામ કરવા બેસી જતા. બહાર રાજચોકમા સેંકડો સૈનિકોની ધમાલને નિહાળતો સેનાપતિ કેશવ નાગર, પોતાના નિત્યનિયમ પ્રમાણે, ઉત્તુંગ શ્યામકર્ણી અશ્વ ઉપર ફરતો દેખાતો. મહારાજની દ્રષ્ટિ પડે પણ સભાજનો કોઈ ન દેખે તેમ હંમેશાં ઊભો રહેનારો બર્બરક પણ એ જ પ્રમાણે ત્યાં ઊભો રહી જતો અને મહારાજના સમયમાં જે પ્રમાણે રાજકાર્ય ચાલતું, બરાબર એ જ પ્રમાણે ત્યાં નિત્યનો ક્રમ ચાલ્યા કરતો. કવિજનો આવતા. વિદ્વાનો બેસતા. શ્રેષ્ઠીઓ આવતા-જતા, દંડનાયકો, મંડલેશ્વરો, સામંતો પોતપોતાના સાંઢણીસવારોની સાથે પ્રદેશના સંદેશાઓ મોકલી રહ્યા હતા. મહારાજ જયસિંહદેવનું નિધન થયું જ ન હોય તેમ પ્રણાલિકા ચાલતી રહી હતી!    

પણ આ શાંત વ્યવસ્થાને જ આ પ્રમાણે જરા પણ ઘર્ષણ વિના ધીમેધીમે યોગ્ય હાથમાં સરકાવી દેવાની મહાઅમાત્ય મહાદેવની આવી રાજનીતિની આંહીં પાટણમાં ચોકી થઇ રહી હતી, તો આબુ, શાકંભરી, માલવરાજ, કે સોરઠરાજ કોઈને એની પડી પણ ન હતી! એમણે તો જેવું ઊડતું-ઊડતું પણ જાણ્યું કે જયસિંહ મહારાજ ઘણું કરીને નથી, કે તરત રણભૂમિના શંખનાદ ફરીથી ગાજતો કરી દીધો હતો – એક પળની પણ રાહ જોયા વિના!

અર્ણોરાજને એક જરાક મધલાળ ચોંટી હતી કે વખત છે ને – પટ્ટણીઓ બનવા દે એમ તો નથી, પણ વખત છે ને – સોમેશ્વરને કપાળે તિલક થઇ જાય, માટે હમણાં આપણે એકદમ ઉઘાડા પડવું નહિ. એટલે એણે નામના કહેવાતા માલવરાજ બલ્લાલને ઉશ્કેરી મૂક્યો હતો કે અલ્યા તું તક ઝડપી લે. જો પાટણવાળો આવશે તારી સામે, તો હું પાટણ પહોંચીશ, નહિ આવે તો તું મહારાજાધિરાજ અવંતીનાથ થઈશ. બાકી તક અત્યારે જવા દઈશ તો આ પાટણ તને ફરી સજીવન નહિ થવા દે.

બલ્લાલે તરત જ સૈનિકો પણ ભેગા કરવા માંડ્યા હતા. એ સમાચાર પાટણમાં આવ્યા ને ખળભળાટ મચી ગયો.

મહાઅમાત્યના તેડાવ્યા એક પળના વિલંબ વિના સૌ પાટણમાં આવી પહોંચ્યા. કૃષ્ણદેવ હતો, ઉદયન તો આંહીં જ હતો. લાટમાંથી કાક આવ્યો, મલ્હાર ભટ્ટ, કેશવ સેનાપતિ વગેરે સ્થાનિક માણસો પણ હતા. હવે ત્યાગભટ્ટની રાહ જોવાઈ રહી હતી. એ આવી શકશે કે નહિ આવી શકે કે માલવાની રણભૂમિ ધાર્યા કરતાં વહેલી સળગી ઊઠશે, એની સૌને ચિંતા થઇ હતી.

રાજમુગટ કોના મસ્તક ઉપર મૂકવો એ એક અણઉકેલ્યો અટપટો પ્રશ્ન તો હતો જ, ત્યાં આ બીજો પ્રશ્ન આવીને ઊભો રહ્યો.

આ નવલકથા આ વાતાવરણમાં શરુ થાય છે. એ વખતે વિક્રમ સંવત ૧૧૯૯નો કાર્તિકમાસ ચાલતો હતો અને તેના આઠ-દશ દિવસ વીતી ગયા હતા. 

***********


બે ઘોડેસવાર

આછી ચાંદની વરસતી શાંત રાત્રીમાં પાટણની પૂર્વ દિશા તરફના રસ્તેથી, બે ઘડી રાત્રિ વીત્યે, કોઈ બે ઘોડેસવારો ઉતાવળે આવી રહેલા દેખાયા. દેખીતી રીતે તેઓ પાટણ તરફ જઈ રહ્યા હતા. એમને કોઈ જાણે નહિ એની ખાસ સંભાળ રાખવાની જરૂર હોય કે ગમે તેમ, બંને જણા મૂંગામૂંગા રસ્તો કાપી રહ્યા હતા, બોલ્યા વિના આખી સીમને બારીકીથી નિહાળી પણ રહ્યા હતા. 

આ બે ઘોડેસવારો કોણ હતા એ આખી સીમ માટે અત્યારે કોયડો થઇ પડ્યો હતો. પાટણ તરફની દિશા ઉપર નજર રાખી સાવધાનતાથી પણ ઉતાવળે તેઓ આગળ વધી રહ્યા હતા, એટલે એમની પાસે કોઈક પણ અગત્યનો સંદેશો હોવો જોઈએ એ ચોક્કસ. બંનેને અત્યારે ને અત્યારે પાટણ પહોંચી જવાની ઉતાવળ હોય કે પછી અંધારું વીંટળાઈ વળે એ પહેલાં જ બંને કોઈ આશ્રયસ્થાન મેળવી લેવા માગતા હોય, પણ એમને ઠીક કહી શકાય એવી એકધારી ગતિથી પોતાના ઘોડાને ઉપાડ્યા હતા. પ્રગટ થઇ ન જવાય માટે થોડી વાર મોટા માર્ગ પર ચાલી, આવી નિશામાં પણ, તેઓ પાછા ઝાડઝાંખરાનો આધાર લઈને જ આગળ વધતા હતા. પળેપળે બંને સાવધ રહેતા હતા. 

આ બેમાંથી એક તો આધેડ વયનો કહી શકાય. એનું શરીર સશક્ત અને કસાયેલું હતું. વ્યવહારના અનુભવે એને રીઢો અને સાવધાનતાથી કામ કરનારો બનાવ્યો હોય તેમ એ  હરેક પળે પોતાને જાગ્રત રાખી રહ્યો હતો. બીજો વયમાં તરુણ હતો, પણ એનું શરીર અદ્ભુત કહી શકાય એટલું સામર્થ્ય જણાવી રહ્યું હતું. ખરેખરા અર્થમાં એ સમર્થ હતો. રાતનું અંધારું ન હોત, તો એનું તેજ હરકોઈ રસ્તે જનારને બે ઘડી આકર્ષી રાખે એટલું પ્રભાવશાળી જણાત. એક પ્રકારની અનોખી છટાવાળી વીરશ્રી એનામાંથી પ્રગટી રહી હતી.

બંને જણાએ જાત છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો અને એમના જાતવંત ઊંચા પ્રકારના ઘોડા એમને પ્રગટ કરી ન દે, તો ઘોડાના સોદાગરની એમણે ધારણ કરેલી વેશભૂષા આબેહૂબ હતી.

અત્યારે રાતની ચાંદની તેજ વરસાવી રહી હતી, પણ એની વિદાયવેળા ઝપાટાબંધ આવતી હતી. આકાશમાં ધીમેધીમે વધુ ને વધુ તારા પ્રગટ થતાં જતા, સીમ આખી ત્યારે શાંત નીરવ અવસ્થામાં પડી ગઈ હતી. ઘોડાના ડાબલાના એકધારા પડઘા સિવાય બીજો કોઈ અવાજ ક્યાંયથી આવતો ન હતો. વખતોવખત અહીંતહીં સળગતાં તાપણાંને લીધે સીમમાં જીવન જેવું જણાતું હતું. નહીતર અંધાર-તેજની ગૂંથણીની ભ્રમજાળ બધે નિર્જીવતા પ્રેરે તેવી હતી. આ બંનેને એ ઉપકારક હતી. 

છેવટે છેટે એક તાપણું થઈને ઠરી ગયું. આગળ જઈ રહેલો જુવાન ઘોડેસવાર અચાનક થોભી ગયો. થોડી વાર તો પાટણની દિશા તરફ ધ્યાનથી જોઈ રહ્યો.

‘આ પેલાં તાપણાં દેખાય છે, કોવિદાસજી! તે નદીકાંઠાના જ લાગે છે. તો-તો આપણે આવી પહોંચ્યા એમ ગણો. રાતવાસો બહાર ક્યાંક કરીશું કે ઠેઠ લગી પહોંચી જઈશું?’

‘ઠેઠ લગી અત્યારે? મને તો લાગે છે, મહારાજ! આપણે બહાર જ ક્યાંય થોભી જઈએ. આટલામાં દેખાય છે કંઈ મંદિર કે ધર્મશાળા જેવું?’ આધેડ અનુભવીએ કહ્યું.

‘મંદિર જેવું તો કાંઈ દેખાતું નથી, પણ પેલો વડલો લાગે છે તે આપણને બોલાવતો જણાય છે. આપણને જોઈએ તેવું ઘાટું અંધારું ત્યાં છે. ત્યાં પડ્યા રહીએ. નાહકનો કોઈ વળી ભેટી જાશે તો અમસ્તી ઉપાધિ.’

‘પણ પેલો આવ્યો હશે તો?’

‘કોણ?’

‘કેમ, આપણને રસ્તામાં મળ્યો’તો એ. એણે સમાચાર આપ્યા ત્યારે તો આપણે વાત ખરી માની, નહિતર હું તો વાત માનતો જ ન હતો. મહારાજ જયસિંહદેવ જેવાનું મૃત્યુ થાય, એ હજી પણ માન્યામાં આવતું નથી ને! એ જાણીને મારા તો પગ જ જાણે ભાંગી ગયા છે. એ આપણને ન મળ્યો હોત!’

‘એ આપણને ન મળ્યો હોત તો શું? પાટણ જઈને પણ જાણવાનું તો હતું જ. શું કહ્યું એણે પોતાનું નામ? મને તો એ પણ યાદ નથી રહ્યું!’

‘કેમ વળી, હઠીલો! કૃષ્ણદેવજીનો માણસ!’

‘હાં-હાં, હઠીલો. હવે યાદ આવ્યું. ભીલ લાગ્યો. પણ એ આવશે ખરો?’

‘ખરું પુછાવો તો મને તલમાં હવે કાંઈ તેલ જણાતું નથી. મહારાજ જયસિંહદેવ જેવાનું મૃત્યુ થયું હોય અને આપણે ત્યાં જઈએ, પણ હવે ત્યાં કોણ આપણી વાત સાંભળે તેમ હશે? અત્યારે તો નધણિયાતા ખેતર જેવી સ્થિતિ હશે. આપણી પિપૂડીનો આમાં ક્યાં અવાજ સંભળાય તેમ હતો! આપણી આ મુસાફરી અપશુકનિયાળ નીવડી, બીજું કાંઈ નહિ.’

‘મને પણ એમ જ લાગે છે.’ તરુણે કહ્યું, ‘મારું મન હવે જવાની તો ના જ પાડે છે. દેવ જેવા દેવ તો ત્યાંથી ઊપડી ગયા. હવે તો ખાલી હવામાં બાચકા ભરવા જવાનું છે.’

‘તો પાછા ફરી જવું છે આંહીંથી જ?’ આધેડ વયના માણસે ઘોડાને જરાક ધીમો પણ પાડ્યો.’

‘આપણા મનને એમ હતું કે લોકોની વાતો તો બે નાડાવા આમ કે ચાર નાડાવા આમ ચાલ્યા જ કરે. આપણે સાંભળ્યું હતું કે મહારાજને જરાક અસ્વસ્થતા રહે છે, એટલું જ. એટલે તો નક્કી કર્યું કે પાંચ-પંદર દી પાટણમાં જ થોભીશું. પણ જીવંત. દેવાધિદેવ જેવા મહારાજનું સાંનિધ્ય આપણા નસીબમાં નહિ તે નહિ. આનું નામ ભાગ્ય. ઘરની ઊઠી જંગલમાં ગઈ, તો જંગલમાં લાગી આગ તે આનું નામ. ફરવું છે પાછું કે પેલાની વાત નાણી જોવી છે? એણે આપણને વહેલા પ્રભાતે, સરસ્વતીના કાંઠે મળવાનું કહ્યું છે. વાત એની સાચી-ખોટી જાણવી હોય તો!’

‘વાત જાણવાનું તો ઠીક, પણ એ માણસ કૃષ્ણદેવજીનો હતો, એમ એણે કહ્યું હતું. કૃષ્ણદેવજી નડૂલના છે એ કેમ ભૂલો છો? અને આપણે પાછું આપણું નામ પણ છતું કર્યું છે!’

‘ત્યારે?’

‘એણે વાત આપણા આવવાની કરી દીધી હોય – અને હવે આપણે ન જઈએ તો એ પણ ખોટું.’ આધેડ માણસે શાંત અનુભવી વાક્યો કહ્યાં, ‘હવે તો મહારાજ માટે જરાક મનદુઃખ કરી, સમો જોઈ, પાછા ફરી જઈશું. ને કોને ખબર છે આંહીં વળી કેવો રાજરંગ ઊપડશે! એમાં ક્યાંક આપણી જોગવાઈ થાશે તો એમ, નહિતર કાકાએ પચાવી પાડ્યું છે રાજ, એ તો હવે આપણી સમશેર સિવાય આપણને બીજું કોઈ અપાવી શકે તેમ નથી એ ચોક્કસ. આપણે ન્યાય માગવા આવ્યા ત્યાં ન્યાય અપાવનાર હતા તે જ ઊપડી ગયા.’

‘મારી તો મનની મનમાં રહી ગઈ! થઇ છે કાંઈ માથે! મનમાં ઉત્સાહ હતો, એક પ્રકારનો આનંદ હતો. અરે! બીજું કાંઈ નહિ, કોવિદાસજી! મહારાજ સધરાજેસંગ જેવાનું પડખું બે વરસ સેવ્યું હોત તો સદેહે અમરાવતીની ઇન્દ્રસભા માણ્યાનો સંતોષ થઇ જાત. જગદેવજીએ સેવ્યું હતું, મને પણ અભિલાષા એ હતી, પણ... પણ... હવે શું થાય? મહારાજ ગયા. હજી માંયલું મન વાત માનતું નથી હો!’

‘મન તો ક્યાંથી માને, ભા! આ તો ધરતીનો થંભ ઊપડી ગયો છે! શું એની એકએક વાત છે! જાણે અવંતીનાથ વીર વિક્રમરાજા ફરીને પૃથ્વી જોવા આવ્યા હોય એવી! મહારાજે આકાશપાતાળ એક કર્યા, પણ શેર માટી ભગવાન સોમનાથને ત્યાંથી ન ઊતરી તે ન ઊતરી. કાવડ ગંગાજળની ખભે ઉપાડી, ખેતરમાંથી દાણા વીણતાંવીણતાં ન મળે એ અનાજે દેહ ટકાવી તપ કર્યું, ભગવાન પ્રત્યક્ષ થયાં. કહેવાય છે  ભાવબૃહસ્પતિ, કુળસદગુરૂજી માળવાવાલા ખરા નાં, એમણે પણ તપ આદર્યું. પણ શેર માટી ત્રિલોકીનાથ પોતે પણ ન આપી શક્યા તે ન જ આપી શક્યા!’

‘અને હવે આપણને કોણ જવાબ દે? હવે રાજા કોણ? આ રાજ કોનું?’

‘જે ઉપાડી લે તેનું, નહિ, કોવિદાસજી?’

‘ઉપાડી તો કોણ લેશે પૃથ્વીનાથ? એમ તો મહારાજે પરંપરા છોડી છે. મહાઅમાત્ય મહાદેવ જેવા ત્યાં છે; ઉદયન સ્તંભતીર્થનો છે; આપણે જોયો હતો એ કેશવ સેનાપતિ છે; તુરંગાધ્યક્ષ મોઢરક-સ્વામી કૃષ્ણદેવજી છે. એય ચૌહાણ છે, ભા! મહારાજને નામે જીવ કાઢી દે એવા...’

‘એ બધા તો છે, પણ એમાંથી મહારાજ કોણ?’

પ્રત્યુત્તર આપતાં પહેલાં પળભર કોવિદાસ કાંઈક સાંભળતો હોય તેમ થોભી ગયો. કોઈકનાં પગલાં જાણે આ બાજુ આવી રહ્યાં હોય તેમ એણે જણાયું. એણે નવાઈ લાગી – અત્યારે કોણ હશે?

‘આપણે વાતમાં ને વાતમાં હઠીલાએ કહ્યું હતું તે ભૂલી ગયા છીએ, મહારાજ!’ તેણે ધીમેથી કહ્યું, ‘પાટણમાં કોઈ અજાણ્યાનો પ્રવેશ થતો નથી. આપણને અત્યારે સીમના ચોકીદારો સવાલજવાબ કરે તે પહેલાં હવે પેલો અંધારપટ પકડી પાડીએ તો સારું. પછી વહેલી પ્રભાતે હઠીલાને સરસ્વતીકિનારે પકડી પાડીશું. ત્યાં વડલા પાસે અંધારું પણ ઠીકઠીક છે ને લાગે છે એકાંત જેવું.’

 બંને જણા એકદમ ઘોડા ઉપરથી ઊતરી ગયા. ઊતરીને ઘોડાને દોરતા-દોરતા પેલાં વડલા તરફ ગયા.

વડલાની નીચે એમણે કાંઈક પ્રપા (પાણીની પરબ) જેવું દીઠું. દિવસે કોઈ પરબ ઉપર બેસતું હશે. અત્યારે તો ઊંધાં ખાલી માટલાં પડ્યાં હતાં. વડની પડખે જ પાછળના ભાગમાં કોઈની ઝૂંપડી જણાતી હતી. ઘોડાને એક તરફ અંધારામાં  આઘે શાંત ઊભા રહેવા દઈ, ધીમાં પગલે બંને જણા એ ઝૂંપડી તરફ ગયા. 

ઝૂંપડીમાંથી આછો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. ચોરપગલે ધીમેધીમે ઝૂંપડી સુધી જઈને એમણે ત્યાં કાન દીધા. ધીમા અવાજે અંદર કાંઈક વાતચીત ચાલી રહી હોય તેમ જણાયું. પણ એટલામાં પેલાં પગલાં વધુ નજીક આવતાં જણાયાં. હઠીલાએ કહ્યું તે સાંભરી આવ્યું. ચોકીદારો ફરતા જ રહે છે. આ આવી રહેલા પગલાં કોઈક ચોકીદારના હોવાં જોઈએ, એટલે હવે અંદર આશરો મેળવી લેવો એ ઠીક હતું. 

કોવિદાસે ઝૂંપડીના બારણાને એક ધીમો હડસેલો મારી જોયો. અંદર એકદમ મૃત્યુ જેવી શાંતિ ફેલાઈ જતી લાગી. ફરી હડસેલો દીધો, એટલે કોઈએ અંદરના પ્રકાશને દૂર લઇ લીધો હોય તેમ જણાયું. કોવિદાસે જરાક જોરથી ત્રીજો હડસેલો મારીને મોટેથી કહ્યું:

‘કોણ છે અંદર? જરા ઉઘાડો તો, ભાઈ!’

અંદર એકદમ ગભરાટભરી ગુસપુસ ચાલતી હોય તેમ જણાયું. બારણું ઉઘાડવું કે નહિ એનો નિર્ણય થઇ શકતો ન હોય તેમ બારણા ઉપર હાથ થોભી ગયેલો લાગ્યો. કોવિદાસે એક વધુ હડસેલો લગાવ્યો.

ત્વરિત ઉતાવળો જવાબ મળ્યો: ‘કોણ છે અત્યારે? કોનું કામ છે તમારે?’

‘કામ અમારે કોઈનું નથી, ભાઈ! માર્ગભૂલેલા બે વટેમાર્ગુને થોડો આશરો જોઈએ છે.’

પ્રત્યુત્તરમા એક બ્રાહ્મણ જેવા માણસે સાવચેતીથી થોડુંક જ બારણું ઉઘાડ્યું ને કોણ છે એ સંભાળપૂર્વક જોવા માંડ્યું.