Prarambh - 100 - Last Part in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 100 - છેલ્લો ભાગ

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રારંભ - 100 - છેલ્લો ભાગ

પ્રારંભ પ્રકરણ 100

સમયને પસાર થતાં વાર લાગતી નથી. દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો ! જિંદગીનાં ૪૦ વર્ષ ક્યાં પસાર થઈ ગયાં એ ખબર જ ના પડી. કેતન હવે ૭૩ વર્ષનો થઈ ગયો હતો અને જાનકી ૭૨.

કેતનના પિતા જગદીશભાઈ ૭૬ વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે મમ્મી જયાબેન ૮૨ વર્ષ સુધી જીવ્યાં હતાં. એમને ડાયાબિટીસ થયો હતો અને છેલ્લે માત્ર ૧૫ દિવસની માંદગીમાં જ દેહ છોડી દીધો હતો !

સિદ્ધાર્થ પણ ૭૫ વર્ષનો થઈ ગયો હતો અને સંપૂર્ણ નિવૃત્ત જીવન ગાળતો હતો. ક્યારેક ક્યારેક સ્વામિનારાયણ મંદિરમાં જઈને દાન કરતો અને પોતાની સેવાઓ પણ આપતો હતો. રેવતી ૭૨ વર્ષની થઈ ગઈ હતી.

આ ૪૦ વર્ષમાં મનસુખ માલવિયા દેવ થઈ ગયો હતો. કેતને એની પત્નીને સારી રકમ આપીને સુરત એનો દીકરો રહેતો હોવાથી દીકરાના ઘરે મોકલી દીધી હતી.

જયેશ ઝવેરી ૧૦ વર્ષ પહેલાં જ નિવૃત્ત થઈ ગયો હતો અને પોતાનું નિવૃત્ત જીવન ગાળવા માટે પરિવાર સાથે એ જામનગર જતો રહ્યો હતો. કેતને એને પણ ઘણી સારી રકમ આપી હતી જેથી એને પૈસાની કોઈ જ ચિંતા ના રહે.

ન્યૂયોર્કમાં રુચિ કેવિન સાથે પરણી ગઈ હતી અને એને પણ બે બાળકો હતાં. ક્યારેક ક્યારેક કેતન સાથે એ ફોન ઉપર વાત કરી લેતી હતી પણ એ કદી ઇન્ડિયા આવી ના શકી.

પોતાની જિંદગીમાં કેતને ખૂબ જ માન સન્માન મેળવ્યું હતું. એની હોસ્પિટલ મુંબઈમાં અને ભારતનાં અન્ય શહેરોમાં પણ જાણીતી થઈ ગઈ હતી. આ હોસ્પિટલની છાપ એવી પડી હતી કે અહીં દાખલ થયેલો માનવી હસતો હસતો જ બહાર આવે છે !

જાનકીએ ૩૩મા વર્ષે તંદુરસ્ત જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો. એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ જાનકીના નામ ઉપરથી જનક રાખ્યું હતું અને પુત્રીનું નામ કેતનના નામ ઉપરથી કેતા રાખ્યું હતું ! બંને બાળકો પણ ૩૯ વર્ષનાં થઈ ગયાં હતાં.

કેતનની પોતાની હોસ્પિટલ હતી એટલે કેતને જનકને મેડીકલ લાઈનમાં મૂક્યો હતો અને એ ઓર્થોપેડિક સર્જન થઈ ગયો હતો. એ પોતાની હોસ્પિટલમાં જ ઓર્થોપેડિક સર્જન હતો. એણે પોતાની પસંદગીની એક ડૉક્ટર છોકરી સાથે જ લગ્ન કર્યાં હતાં અને એ ગાયનેક સર્જન હતી. લગ્ન પછી એ પણ એ જ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ સંભાળતી હતી. જનક બે પુત્રોનો પિતા બન્યો હતો.

કેતાએ હેલ્થ કેર મેનેજમેન્ટ સાથે એમબીએ કર્યું હતું. અને અત્યારે એ પપ્પાએ ઉભી કરેલી હોસ્પિટલમાં જ એડમિનિસ્ટ્રેટર હતી ! નાનપણથી જ બંનેમાં માતા-પિતાના સંસ્કાર આવ્યા હતા. બંને ખૂબ જ આજ્ઞાંકિત બાળકો હતાં.

અબજોપતિની પુત્રી હતી એટલે કેતા માટે ઘણાં માગાં આવ્યાં હતાં. જો કે બધાની નજર કેતનની મિલકત ઉપર જ હતી. પરંતુ પોતાની હોસ્પિટલની સંભાળ માટે અને માતા પિતાની સેવા માટે થઈને કેતાએ લગ્ન કર્યાં જ ન હતાં. એ હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે સમર્પિત થઈ ગઈ હતી. કેતન અને જાનકીએ એને ઘણી સમજાવી હતી પરંતુ એને લગ્ન જીવનમાં કોઈ જ રસ ન હતો. એને પણ ગુરુજીના આશીર્વાદ મળેલા હતા.

સિદ્ધાર્થનો દીકરો માલવ પણ ૪૦ વર્ષનો થઈ ગયો હતો. એને પિતાની જેમ એકાઉન્ટ્સ અને ફાઈનાન્સમાં રસ હતો. માલવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને શેર બજારને લગતા તમામ કોર્સ કરી લીધા હતા. એ કોઈપણ કંપનીના ચાર્ટ એનાલિસિસ કરી શકતો હતો. એણે પિતાનો ધંધો જ સંભાળી લીધો હતો અને સ્ટોક માર્કેટમાં પોતાનું એક નામ પણ ઊભું કર્યું હતું.

માલવની પત્ની પણ એમબીએ ફાઇનાન્સની ડિગ્રી ધરાવતી હતી જે હોસ્પિટલનું તમામ ફાઇનાન્સ જોતી હતી. સ્ટાફનો પગાર પણ એ જ જોતી હતી. દર શનિવારે માલવ પણ ફૂલ ટાઈમ હોસ્પિટલમાં આવીને તમામ હિસાબો જોઈ લેતો હતો.

કેતને વર્ષો પહેલાં જાનકીને, સિદ્ધાર્થ ભાઈને, રેવતીભાભીને અને ત્રણેય બાળકોને અમૃત રસનું એક એક ટીંપુ આપી દીધું હતું. એટલે ઘરના બધા જ સભ્યો લગભગ નિરોગી જ હતા અને ખૂબ જ સ્ફૂર્તિ ધરાવતા હતા. આટલી ઉંમરે પણ કેતન જાનકી સિદ્ધાર્થ અને રેવતીના વાળ કાળા જ હતા !!

કેતને ૪૦ વર્ષમાં બીજા ૮ મૃત્યુ પામેલા પેશન્ટોને પોતાની હોસ્પિટલમાં જીવતા કર્યા હતા પરંતુ એ એવાં યુવાન યુવતીઓ હતાં કે જેમની એમના માતા પિતાને અથવા બાળકોને જરૂર હતી.

કેતન ઘણીવાર પોતાના દીકરા કે દીકરીની સાથે વહેલી સવારે ગાડીમાં બેસીને પોતાની હોસ્પિટલમાં જતો અને હિમાલય ધ્યાન કેન્દ્રમાં કલાકો સુધી ધ્યાનમાં બેસી રહેતો. હવે એનું મન સંસારમાંથી સંપૂર્ણપણે વિરક્ત થઈ ગયું હતું. એક વાર સમાધિનો અનુભવ કર્યા પછી એણે આટલાં વર્ષોમાં ૧૦ થી ૧૨ વાર સમાધિનો અનુભવ કર્યો હતો. એ હંમેશા હવે પોતાની મસ્તીમાં જ રહેતો.

કેતને હસમુખભાઈ ઠાકરના અનુભવ ઉપરથી પોતાના મહાન ગુરુજીની સામે સમાધિ અવસ્થામાં જીદ કરીને ઈચ્છા મૃત્યુનું વરદાન માગી લીધું હતું. જેથી જ્યારે પણ સંસારમાંથી સંપૂર્ણ રસ ઉડી જાય અને માત્ર ઈશ્વર સાથે એકાકાર થવાની ઈચ્છા થાય ત્યારે સ્વેચ્છાએ દેહમુક્ત થઈ જવાય !!

એના મહાન ગુરુ સ્વામી અભેદાનંદજી એ એને હવે ગાયત્રી મંત્રમાંથી માત્ર ૐ મંત્રનો જાપ કરવાની જ આજ્ઞા આપી હતી. જ્યારે પણ જાગૃત અવસ્થામાં હોય ત્યારે કેતન માત્ર ૐ ૐ ૐ એ જ મંત્ર માનસિક રીતે બોલ્યા કરતો.

૭૧ વર્ષની ઉંમર વટાવ્યા પછી કેતનને ધીમે ધીમે ભગવાન શ્રીકૃષ્ણ તરફ અનુરાગ વધી ગયો હતો અને આપોઆપ જ એ શ્રીકૃષ્ણ ભક્તિ તરફ વળી ગયો હતો. વર્ષો પહેલાં ચેતન સ્વામીએ પણ એને કહ્યું હતું કે - 'તારી ચેતના શ્રીકૃષ્ણની છે. એટલે જ તને આપણા ગુરુજીએ દ્વારકા નજીક જામનગર મોકલ્યો હતો અને તને મથુરા ગોકુળ વૃંદાવન અને જગન્નાથની યાત્રા કરવા માટે કહ્યું હતું !'.

નવરાશના સમયમાં કેતન ભગવાન શ્રીકૃષ્ણનો ભાગવત મંત્ર " *ૐ કલીં કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ* નો જાપ કર્યા કરતો. ક્યારેક મોટે મોટેથી પણ આ મંત્ર બોલતો. તો ક્યારેક *હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે* ની ધૂન પણ બોલ્યા કરતો.

શ્રીકૃષ્ણની ભક્તિ ચાલુ કર્યા પછી એક વખત જયપુરનો એક દર્દી કેતનની હોસ્પિટલમાં દાખલ થયો. હોસ્પિટલનું નામ સાંભળીને જ એ અહીં સુધી આવ્યો હતો. અઠવાડિયામાં એકદમ સારો થઈ ગયા પછી એણે કેતન સરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. એ આ અતિ સુંદર હોસ્પિટલ જોઈને ખૂબ જ અભિભૂત થઈ ગયો હતો.

સાંજે કેતનનો ડૉક્ટર પુત્ર જનક એને ઘરે લઈ આવ્યો અને એને પપ્પાના બેડરૂમમાં મોકલ્યો.

જયપુરનો દર્દી આટલી સુંદર હોસ્પિટલ બનાવનાર એના માલિક કેતન સરને જોઈને એમના પગે પડ્યો અને ચરણ સ્પર્શ કર્યા.

"સર આપની હોસ્પિટલ જેવી સેવા મેં મારી જિંદગીમાં ક્યાંય જોઈ નથી. અહીં આવ્યા પછી વાતાવરણ એવું સાત્વિક છે કે બે દિવસમાં જ મારી તબિયત સારી થઈ જવા લાગી. મારી પત્નીને પણ બે ટાઈમ મફત ભોજન અહીં મળતું હતું. એની રહેવાની વ્યવસ્થા પણ ત્યાં થઈ ગઈ હતી. મેં તમારા મંત્રકેન્દ્રની પણ આજે મુલાકાત લીધી. આવી સુંદર વ્યવસ્થા ભારતમાં બીજે ક્યાંય નથી સર. બસ તમારાં દર્શન કરવાની ઈચ્છા હતી માટે આવ્યો." દર્દી બોલ્યો.

"સર મારું નામ માંગીલાલ છે અને હું જયપુરમાં મૂર્તિઓ બનાવું છું. આપની ઈચ્છા કોઈ પણ દેવ કે દેવીની મૂર્તિ ઘરમાં વસાવવાની હોય તો મારી તમને એ ભેટ આપવાની ઈચ્છા છે. હું મારા માણસની સાથે મૂર્તિને મોકલી આપીશ." માંગીલાલ બોલ્યો.

"તો પછી તમે એક કામ કરો. હજુ એક દિવસ રોકાઈ જાઓ અને કાલે તમે મને મળો. અહીંનું એડ્રેસ સમજી લો. જેથી કાલે તમે એકલા આવી શકો. તમને ખાર રોડ સ્ટેશન જવા માટે અહીંથી રીક્ષા મળી જશે. " કેતન બોલ્યો અને માંગીલાલને અહીંનું એડ્રેસ સમજાવી દીધું.

એ પછી માંગીલાલ બહાર મેઈન રોડ ઉપરથી રીક્ષા પકડી સ્ટેશન જવા માટે નીકળી ગયો.

એના ગયા પછી કેતને પોતાના નોકરને પ્રિન્સેસ સ્ટ્રીટ મોકલીને કેમિકલ માર્કેટમાંથી એક કિલો પારો મંગાવ્યો.

રાત્રે એણે પોતાના બેડરૂમમાં જઈને એક કિલો પારામાં એક ચમચી જેટલો અમૃત રસ રેડી દીધો. એ રસ ધીમે ધીમે પારામાં ફેલાતો ગયો અને ૧૦ થી ૧૫ મિનિટમાં આખો પારો સોનામાં ફેરવાઈ ગયો. બીજી ૧૫ મિનિટ જવા દીધી અને પછી કેતને એ પારો હાથમાં લીધો તો એના હાથમાં સોનાનો એક કિલોનો ગઠ્ઠો આવી ગયો !

બીજા દિવસે માંગીલાલ સવારે ૧૧ વાગ્યે કેતનના બંગલે આવી ગયો.
કેતન એને બેડરૂમમાં લઈ ગયો અને રૂમમાં રાખેલી તિજોરીમાંથી ૧ કિલો સોનાનો ગઠ્ઠો કાઢ્યો.

"આ એક કિલો સોનું છે. તમારા ઉપર પૂરેપૂરો ભરોસો રાખીને તમને સોંપું છું. મારે આમાંથી પગ ઉપર પગની આંટી ચડાવીને ઉભેલા, માથે મોરના પીંછા વાળા અને હાથે બંસી બજાવતા કનૈયાની મૂર્તિ બનાવવી છે. બોલો તમે બનાવી શકશો ? " કેતને પૂછ્યું.

"સર હું એક શિલ્પી છું. તમે કહો તેવી મૂર્તિ બનાવી શકું છું. ઈશ્વરે મારા હાથમાં કળા આપી છે. કનૈયાની મૂર્તિની મારી પાસે ડાઈ પણ તૈયાર છે. છતાં એમાં મૂર્તિ બન્યા પછી કેટલુંક નકશી કામ મારે જાતે કરવું પડે છે. સોનાની મૂર્તિ તો હું પહેલી વાર જ બનાવું છું પરંતુ પ્રમાણિક પણે આમાંથી એક ગ્રામ પણ સોનું આઘું પાછું નહીં થાય. મૂર્તિ બનતાં કદાચ બે ત્રણ મહિના પણ થઈ જાય. પરંતુ તમે વિશ્વાસ રાખજો. આ મૂર્તિ કોઈની સાથે નહીં મોકલું. હું જાતે આવીને આપને આપી જઈશ." માંગીલાલ બોલ્યો અને પગે લાગીને કેતનની એણે વિદાય લીધી.

લગભગ અઢી મહિના પછી માંગીલાલ જાતે આવીને કેતન સરને મૂર્તિ આપી ગયો. એણે ઘડાઈનો એક પણ રૂપિયો લેવાની ના પાડી. મૂર્તિ જોઈને કેતન આશ્ચર્ય ચકિત થઈ ગયો. જાણે પ્રત્યક્ષ વાત કરતી હોય એવી મંદ મંદ હાસ્ય કરતી અદભુત મૂર્તિ આ કારીગરે બનાવી હતી ! શ્રીકૃષ્ણ જાણે હમણાં જ બોલશે !!

માંગીલાલ ઘડાઈ લેવાની ના પાડતો હતો છતાં કેતને કબાટમાંથી કાઢીને રોકડા ૫૧૦૦૦ રૂપિયા માંગીલાલને આપ્યા. ફરી પગે લાગીને માંગીલાલે વિદાય લીધી.

કેતને પોતાના પૂજા રૂમમાં આ દિવ્ય મૂર્તિને ગોઠવી દીધી અને ભાવપૂર્વક સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર પણ કર્યા. એ પછી રોજ એ કનૈયાની આ દિવ્ય મૂર્તિની દિલથી પૂજા કરવા લાગ્યો.

કેતને પોતાનાં બંને બાળકોને એક દિવસ જાનકીની હાજરીમાં પોતાની પાસે બોલાવ્યાં અને વર્ષોથી સાચવી રાખેલા બંને રસ વિશે વિગતવાર માહિતી આપીને કહ્યું કે :

"આ અમૃત રસ અને આ સંજીવની રસ એટલા બધા અમૂલ્ય છે કે જેની હું કોઈ વાત જ ના કરી શકું. હું તમને બંનેને આ રસનું મહત્વ આજે બતાવી દઉં છું. આ સંજીવની રસ મૃત્યુમાંથી સજીવન કરી શકે છે. પરંતુ આપણી હોસ્પિટલમાં એવો દર્દી મૃત્યુ પામ્યો હોય કે જેની એના પરિવારને ખૂબ જ જરૂર હોય. જેના મૃત્યુ પછી એનો પરિવાર આખો તકલીફમાં આવી જતો હોય એને જ બચાવી લેજો. " કેતન કહી રહ્યો હતો.

" માત્ર એક જ ટીંપુ ડ્રોપરથી એની જીભ પર મૂકી દેવાનું. પરંતુ મૃત્યુ પછીના એક કલાક સુધી જ આ રસ બચાવી શકે છે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. માટે એને તમે હોસ્પિટલમાં જ તમારી પાસે સંભાળીને રાખો." કેતન બોલ્યો.

"આ અમૃત રસ ગમે તેવા રોગોને શાંત કરી શકે છે. યુવાનીને ટકાવી રાખે છે. વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે. અને એ તો તમે અમને બધાને જોઈને પણ સમજી શકો છો. અમારા કોઈના વાળ ધોળા થયા નથી. આજે પણ તંદુરસ્તીથી જીવીએ છીએ. તમે પણ તરવરાટ અનુભવો છો. એટલે હોસ્પિટલમાં કોઈ યુવાન કે યુવતીને એવી કોઈ ગંભીર બીમારી હોય અને એને તમારે લાંબુ આયુષ્ય આપવું હોય તો તમે એને આ રસનું ટીંપુ આપી શકો છો." કેતન સમજાવી રહ્યો હતો.

"જુઓ આ વાતની કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં. ઈશ્વરના વરદાન રૂપ આ બે રસ તમારે બહુ જ ગુપ્ત રીતે સંભાળવાના છે. એનો દુરુપયોગ ન થાય એ પણ જોજો. તમને ખરેખર લાગે કે આ વ્યક્તિ ખરેખર બચાવવાને લાયક છે તો જ એને આપવો." કેતને પોતાની વાત પૂરી કરી.

બંને બાળકો ખૂબ જ સમજણવાળાં હતાં. આજ્ઞાંકિત પણ હતાં. બંનેને પોતાના પિતા માટે ગર્વ હતો અને ખૂબ જ આદર હતો. એમણે પિતાની વાત માથે ચડાવી. માલવે બંને રસ લઈને કેતાને સાચવવા માટે આપ્યા કારણ કે કેતા હોસ્પિટલની મુખ્ય વહીવટકર્તા હતી. કેતન પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો.

બીજાં બે વર્ષ તો સંતાનો સાથે અને પૌત્રો સાથે આ રીતે આનંદમાં પસાર થઈ ગયાં પરંતુ એ પછી જાનકીની તબિયત લથડવા લાગી. એક વાર એની એક કીડનીમાં તકલીફ થઈ અને ધીમે ધીમે કીડની ફેલ થઈ ગઈ. થોડા મહિના પછી બીજી કીડની પણ ફેલ થવા લાગી. અવાર નવાર ડાયાલિસિસ કરાવવું પડતું. જીવનનો અંત નક્કી જ હોય ત્યારે કોઈ પણ ઔષધી કે રસ કામમાં નથી આવતા. ૭૪મા વર્ષે પવિત્ર અષાઢી બીજના દિવસે જ જાનકીએ દેહ છોડી દીધો.

કેતનને પોતાની પ્રિય પત્ની જાનકીનો વિરહ ખૂબ જ વસમો લાગ્યો. એ મનથી ભાગી પડ્યો. આખી જિંદગી એણે એક પતિવ્રતા સ્ત્રીની જેમ કેતનની ખૂબ જ સેવા કરી હતી અને કાળજી લીધી હતી.

ગુરુપૂર્ણિમાના દિવસે વહેલી પરોઢે સાડા ત્રણ વાગ્યે ઊઠીને કેતને સ્નાન કરી લીધું અને ધ્યાનમાં બેસીને જાનકીના આત્માને શાંતિ આપવા માટે ગુરુજીને ખૂબ જ પ્રાર્થના કરી. એટલું જ નહીં સમાધિ અવસ્થામાં જઈ દેહમાંથી થોડી વાર મુક્ત થઈ એનો આત્મા ગુરુજીનાં પ્રત્યક્ષ દર્શન કરવા સૂક્ષ્મ લોકમાં પહોંચી ગયો.

પત્નીના ગયા પછી હવે પોતાને પણ જીવવામાં રસ રહ્યો ન હોવાથી એણે ગુરુજી પાસે ઈચ્છા મૃત્યુનો અમલ કરવાની આજ્ઞા માગી. સમાધિ પછી એ પોતાના ગુરુજીનો સીધો સંપર્ક કરી શકતો હતો અને દેહથી છૂટો પણ પડી શકતો હતો.

"તારો કર્મનો ભોગ હજુ બાકી છે. તને હસમુખભાઈએ પણ કહ્યું હતું કે ૭૬મા વર્ષે તારી જીવનયાત્રા પૂરી થશે. તું બાકીના આ સમયને ઈશ્વર ભક્તિમાં પસાર કરી દે. સતત નામ સ્મરણ કર. ૐ ૐ ના જાપ કર અને શ્રીકૃષ્ણને સમર્પિત થઈને રહે. તારો સમય આવશે એટલે હું જ તને જાણ કરીશ." ગુરુજી બોલ્યા એટલે કેતન પ્રણામ કરીને પાછો પોતાના શરીરમાં આવી ગયો અને સમાધિમાંથી પણ બહાર આવ્યો.

એ પછી ગુરુપૂર્ણિમા હોવાથી સવારે એણે માનસિક રીતે કનૈયાની મૂર્તિની પંચોપચાર પૂજા કરી. માખણ અને મિસરી પણ ધરાવ્યાં. હવે તો ભગવાન શ્રીકૃષ્ણ જ એના ગુરુ હતા. એનું સર્વસ્વ હતા !

કેતન કલાકોના કલાકો સુધી હવે ધ્યાનમાં બેસી રહેતો. આખો દિવસ પોતાના રૂમમાં એ ભગવાન શ્રીકૃષ્ણની ધૂન બોલ્યા કરતો. ક્યારેક મંત્ર જાપ કરતો. ક્યારેક ૐ કાર ના જાપમાં ખોવાઈ જતો.

છેવટે નિર્વાણનો દિવસ આવી ગયો. ઉત્તરાયણનું મૃત્યુ શ્રેષ્ઠ ગણાતું હોય છે. ભીષ્મ પિતામહે પણ ઉત્તરાયણ શરૂ થાય ત્યાં સુધી રાહ જોઈ હતી. ઉત્તરાયણ ગયા પછી વસંત પંચમીના દિવસે વહેલી પરોઢે ચેતન સ્વામી સામેથી એના ધ્યાનમાં આવ્યા.

"તારો સમય પાકી ગયો છે. આજે જ સૂર્યોદય સમયે તું ઈચ્છા મૃત્યુના વરદાનનો અમલ કરી શકે છે. તારી બંને આંખો બંધ કરી ત્રીજા નેત્ર તરફ ધ્યાન ધરી ૐ ૐ ૐ ૩ વાર બોલી સમાધિ અવસ્થામાં પ્રવેશ કર. આપણા ગુરુજી પોતે તને લેવા માટે આવશે. હું પણ એમની સાથે જ છું. " ચેતન સ્વામી બોલ્યા.

" જેવી આજ્ઞા ગુરુજી." કેતન એટલું જ બોલ્યો. મૃત્યુની ક્ષણને એણે વધાવી લીધી.

વસંતપંચમીના સૂર્યોદય સમયે કેતને ચેતન સ્વામીની આજ્ઞા પ્રમાણે સમાધિ અવસ્થામાં પ્રવેશ કર્યો અને થોડી વારમાં જ એનો પવિત્ર આત્મા મસ્તકના માર્ગે બ્રહ્મ રંધ્રમાં થઈને ઉપર તરફ ખેંચાઈ ગયો !!

દેહમાંથી બહાર આવીને એણે જોયું તો એની સામે એના મહાન ગુરુ સ્વામી અભેદાનંદજી પોતે હસતા હતા અને બાજુમાં ચેતન સ્વામી ઊભા હતા.

"અરે ચેતન સ્વામી તમે તો સંપૂર્ણપણે સૂક્ષ્મ સ્વરૂપમાં જ છો ! " કેતને ચેતન સ્વામી સામે જોઈને આશ્ચર્યથી પૂછ્યું. કેતનનો આત્મા હવે વૃદ્ધ રહ્યો ન હતો. એ ૨૮ વર્ષનો યુવાન દેખાતો હતો.

"હું પણ સૂક્ષ્મ જગતમાં જ છું. મેં ૧૫ વર્ષ પહેલાં જ સમાધિ લઈ લીધી છે. સ્થૂળ શરીરમાં હતો ત્યારે તારાથી ૩૨ વર્ષ મોટો હતો. જ્યારે જ્યારે તારા ધ્યાનમાં આવ્યો છું ત્યારે સૂક્ષ્મ જગતમાંથી જ તારી પાસે આવ્યો છું. બંગાળમાં ભ્રમણ કરતો હતો ત્યારે પણ સૂક્ષ્મ શરીરમાં જ હતો. પણ આ બધી સૂક્ષ્મ વાતો છે. હવે તો તું પણ અમારી સાથે આવી ગયો છે. તારે અમારી સાથે હવે ચોથા લોક સુધી પ્રવેશ કરવાનો છે. તારી જાનકી ત્યાં તારી રાહ જોઈ રહી છે. " સ્વામીજી હસીને બોલ્યા અને કેતનનો હાથ પકડ્યો.

એ પછી એ ત્રણેય દિવ્ય આત્માઓને એક દિવ્ય પ્રકાશે ઘેરી લીધા અને કોઈ પારદર્શક લિફ્ટમાંથી ઉપર ઊંચકાઈ રહ્યા હોય એમ ત્રણે આત્માઓ રોકેટ જેવી તીવ્ર ગતિથી ઉપર ખેંચાતા ગયા.

થોડા સમય પછી એક અદભુત અને દિવ્ય વાતાવરણમાં એમનો પ્રવેશ થયો. સવારના સૂર્યોદય જેવો અહીં પ્રકાશ હતો. ચારે બાજુ રંગબેરંગી વૃક્ષો અને બગીચા હતા. આવા જ એક નયનરમ્ય સુગંધિત બગીચા પાસે ત્રણેય આત્માઓની ગતિ અટકી ગઈ.

" તારા કર્મોનો હિસાબ ચિત્રગુપ્ત એ જોઈ લીધો છે. એમની આજ્ઞા પ્રમાણે તારે જેટલો સમય અહીં રહેવાની ઈચ્છા હોય એટલો સમય તું આ ચોથા લોકમાં રહી શકે છે અને ઈશ્વરની ભક્તિ કરી શકે છે. અહીંયા ભગવાન શ્રીકૃષ્ણનાં દિવ્ય અલૌકિક મંદિરો પણ છે. ત્યાં સત્સંગ પણ થાય છે. મહાન સંતોનાં દર્શન પણ તને થશે." ગુરુજી એને કહી રહ્યા હતા.

"તારાં બધાં કર્મો હજુ ભોગવાઈ ગયાં નથી એટલે જન્મ તો તારે લેવો જ પડશે. તારે હવે કેવા કુટુંબમાં જન્મ લેવો છે ? નવા જન્મમાં તારી શું ઈચ્છા છે ? કારણકે ચિત્રગુપ્તે તારા નવા જન્મની જવાબદારી પણ મને જ સોંપી છે " અભેદાનંદજી બોલ્યા.

" ગુરુજી મારે હવે મુક્તિ સિવાય બીજું કંઈ જોઈતું નથી. મને મોહ માયાનું કોઈ જ આકર્ષણ નથી. સંસારના *માયાવન*માંથી હું મુક્ત થવા માંગું છું. નવો જન્મ મળે તો પણ એમાં મારે સન્યાસી જ થવું છે એટલે જ્યાં નાનપણથી સંન્યાસ લઈ શકું એવા કુટુંબમાં જ મારો જન્મ આપો." કેતન બે હાથ જોડીને બોલ્યો.

" તું સંન્યાસ લઈ લઈશ તો પછી તારી આ જાનકીનું શું ? " ચેતન સ્વામી બોલ્યા.

એ સાથે જ કેતનની સામે અચાનક યુવાન જાનકીનો આત્મા આવીને ઉભો રહ્યો. જાનકી કોલેજમાં જેવી દેખાતી હતી એ જ સ્વરૂપે અત્યારે સુંદર દેખાતી હતી !

કેતન તો એને મુગ્ધ બનીને જોઈ જ રહ્યો. જાનકી હસી રહી હતી.

"તમારો જન્મ થશે ત્યારે હું પણ તમારી સેવા કરવા માટે જન્મ લઈશ પણ તમને મારા બંધનમાં નહીં નાખું. તમને *માયાવન*માં ફસાવવાની મારી કોઈ જ ઈચ્છા નથી. મારે પણ હવે મોક્ષ પંથે જ આગળ વધવું છે. તમારી પાસેથી હું પણ ઘણું શીખી છું." જાનકી હસીને બોલી.

"તમે બંને પવિત્ર આત્માઓ આ ચોથા લોકમાં જ રહેવાનાં છો. મારી નજર તમારા બંનેની ઉપર રહેશે. બંનેનો જ્યારે પણ સમય પાકશે અને એવું કોઈ પવિત્ર કુટુંબ દેખાશે ત્યારે હું તમારા બંનેનો અલગ અલગ કુટુંબમાં જન્મ કરાવી દઈશ. ત્યાં સુધી તમે અહીં સાથે રહીને ભક્તિ કરો અને નવા જન્મમાં સીધો પાંચમા લોકમાં પ્રવેશ મળે એવી કોશિશ કરો. બસ, અમારું કાર્ય અહીં પૂરું થઈ ગયું છે." અભેદાનંદજી બોલ્યા અને એ સાથે જ મહાન ગુરુજી સાથે ચેતન સ્વામી પણ અદ્રશ્ય થઈ ગયા !!

"જાનકી ગુરુજી તો અદ્રશ્ય થઈ ગયા. હવે આપણે ક્યાં જઈશું ? " કેતન જાનકી સામે જોઈને હસીને બોલ્યો.

" ફરી પાછાં નીચે આપણા *માયાવન*માં " જાનકી બોલી અને બંને જણાં ખડખડાટ હસી પડયાં.
સમાપ્ત
અશ્વિન રાવલ (અમદાવાદ)