Sahib Bibi aur Gulam in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | સાહિબ બીબી ઓર ગુલામ – રીવ્યૂ

Featured Books
Categories
Share

સાહિબ બીબી ઓર ગુલામ – રીવ્યૂ

ફિલ્મનું નામ : સાહિબ બીબી ઓર ગુલામ 

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : ગુરૂદત્ત   

ડાયરેકટર : અબ્રાર અલ્વી     

કલાકાર : મીના કુમારી, ગુરૂદત્ત, રેહમાન, વહીદા રેહમાન, ડી.કે. સપ્રુ, ધુમાલ અને મીનુ મુમતાઝ     

રીલીઝ ડેટ : ૨૯ જુલાઈ ૧૯૬૨

        ભારતીય સાહિત્યમાં બંગાળી સાહિત્ય સૌથી ઊંચું અને આગળ પડતું ગણાય છે અને તેની પાછળ સૌથી મોટું કારણ છે બંગાળીઓનો સાહિત્યપ્રેમ. બંગાળીઓના આ સાહિત્યપ્રેમે જ બંગાળને સાહિત્યકારોથી સમૃદ્ધ કર્યું છે. (ઉદા. એક જ ઘરમાં દીકરા, માતા અને પિતાનાં જુદાં જુદાં પુસ્તકોનો સેટ જુદો હોય છે અને તેમાં એવું પણ બનતું હોય છે કે એક જ ઘરમાં એક જ લેખકના એક જ પુસ્તકની ત્રણ કોપી પણ હોય છે. સાલું, આપણે ત્યાં તો મિત્રે એક પુસ્તક ખરીદ્યું હોય તો આપણે એ પુસ્તક લાવીને વાંચીએ. ખોટું ખરીદવું શા માટે! પછી ગુજરાતી લેખકોના દાડા કે દિ વળે?) બિમલ મિત્રાએ ૧૯૫૩માં એક નવલકથા લખી હતી ‘સાહેબ બીબી ગોલામ’. કથાનું હાર્દ હતું જમીનદારના ઘરે પરણીને આવેલ સામાન્ય ઘરના સ્ત્રીના મનની પીડા.

        આ નવલકથા ઉપર આધારિત એક બંગાળી ફિલ્મ ૧૯૫૬માં બની હતી જેમાં બીબીનો રોલ સુમિત્રા દેવીએ ભજવ્યો હતો અને ભૂતનાથની ભૂમિકા ઉત્તમકુમારે ભજવી હતી તેમ જ સાહેબનો રોલ છબિ બિસ્વાસે કર્યો હતો.

        ગુરૂદત્તે આ નવલકથા ઉપર આધારિત ભજવાતું નાટક જોવાનું બિમલ મિત્રાની નવલકથા વાંચ્યા પછી નક્કી કર્યું. તે માટે તે છેક કલકત્તા સુધી લાંબા થયા અને સાથે પોતાની પત્ની ગીતાદત્ત (ઘણીવાર ખબર નથી પડતી કે દત્ત એ તો નામ હતું તો ગીતા રોય ચૌધરીએ અટક તરીકે કેમ વાપર્યું?) અને અબ્રાર અલ્વીને લેતાં ગયા. નાટ્ય સંસ્કરણ જોઇને તે પ્રભાવિત થઇ ગયા અને નવલકથા ઉપર આધારિત ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.

        ફિલ્મની સ્ક્રીપ્ટ લખવાનું કામ અબ્રાર અલ્વીને સોંપવામાં આવ્યું, પણ તેનો હાથ બંગાળીમાં તંગ હોવાથી તેમની મદદે ખુદ નવલકથાના લેખક બિમલ મિત્રા આવ્યા. સ્ક્રીપ્ટ ઉપર લગભગ એક વર્ષ કામ ચાલ્યું.

        તે અગાઉ ગુરૂદત્તે ‘કાગઝ કે ફુલ’ નિર્દેશિત કરી હતી અને તે સદંતર નિષ્ફળ ગઈ હતી અને તેમનો સ્ટુડીઓ નાદારીને આરે હતો. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે પોતે જે ફિલ્મનું નિર્માણ કરશે તેનું નિર્દેશન નહિ કરે. તેથી ત્યારબાદ નિર્માણ કરેલી ફિલ્મ ‘ચૌદહવી કા ચાંદ’ નું નિર્દેશન એમ. સાદિકને સોંપ્યું અને તે ફિલ્મ સુપરહિટ થઇ અને તેમનો સ્ટુડીઓ બચી ગયો.

        હવે જયારે સાહિબ બીબી ઔર ગુલામના નિર્માણનો વારો આવ્યો તો ગુરૂદત્ત નિર્દેશન કોને સોંપવું એ માટે વિમાસણમાં હતાં. અંતે તેમણે તેનું સુકાન પોતાના જુના સાથીદાર અને સ્ક્રીપ્ટ રાઈટર અબ્રાર અલ્વીને સોંપ્યું. ફિલ્મના કલાકારો માટે પણ ઘણીબધી મથામણ થઇ. સાહેબના રોલ માટે રાજપુરુષ જેવો દેખાવ ધરાવતો રેહમાન નક્કી હતો, પણ બીબી અને ભૂતનાથનો રોલ કોને આપવો એ નક્કી થતું ન હતું. ભૂતનાથના રોલ માટે સૌથી પહેલી પસંદ હતી શશી કપૂર, પણ શશીનાં નસીબ વાંકા તે ગુરૂદત્ત સાથેની મીટીંગ માટે અઢી કલાક મોડો પહોંચ્યો અને ગુરૂદત્તે તેને રોલ ન આપ્યો. બંગાળી નાટકમાં ભૂતનાથનો રોલ કરનાર બીસ્વજીત ચેટરજી (આપણે તેને વિશ્વજીત નામથી ઓળખીએ છીએ બીસ સાલ બાદ અને એપ્રિલ ફુલ જેવી અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરનાર સોહામણો હીરો) ને ભૂતનાથના રોલ માટે બોલાવ્યો. સાહિબ બીબી ઔર ગુલામ તેની પહેલી હિન્દી ફિલ્મ બની હોત, પણ બંગાળી ફિલ્મોમાં તેની લોકપ્રિયતા વધી રહી હોવાથી તેણે આ ફિલ્મમાં કામ કરવા માટે ના પાડી. અંતે તે રોલ ગુરૂદત્તે પોતે ભજવવાનું નક્કી કર્યું.

        બીબીના રોલ માટે પહેલાં લંડનમાં રહેતી છાયા આર્યને બોલાવવામાં આવી, પણ ફોટોસેશન બાદ તેને રીજેક્ટ કરવામાં આવી. વહીદા રેહમાન પણ તે રોલ કરવા માટે ઉત્સુક હતી. તેનું પણ ફોટોસેશન કરવામાં આવ્યો અને રીઝલ્ટ જોયા પછી ગુરૂદત્ત અને અબ્રાર અલ્વીને લાગ્યું કે આ રોલ માટે તે હજી નાની છે. અંતે તે રોલ માટે મીના કુમારી જ શ્રેષ્ઠ પર્યાય હોવાથી આ રોલ તેને ફાળે ગયો. મીના કુમારીના પતિ કમાલ અમરોહીએ આ રોલ કરવાનો વિરોધ કર્યો હતો, પણ એક વખત તે દેવદાસ જેવી સારી ફિલ્મ ઠુકારાવવાની ભૂલ કરી ચૂકી હતી, પણ આ વખતે તે ન ચૂકી અને તેનું પરિણામ એ આવ્યું કે મીના કુમારીએ પોતાની કરીકીર્દીનો સૌથી શ્રેષ્ઠ રોલ આ ફિલ્મમાં ભજવ્યો.

        ફિલ્મની શરૂઆત થાય છે પીઢ દેખાતા ભૂતનાથ (ગુરૂદત્ત)થી. તે કે હવેલીને જમીનદોસ્ત કરીને નવા મકાનના નિર્માણનું કામ જોઈ રહ્યો છે. તે હવેલી સાથે તેની અનેક યાદો જોડાયેલી હોય છે અને તે હવેલીને જોઇને તે ભૂતકાળમાં સરી પડે છે.

        તે એક મોટી હવેલીની સામે ઉભો હોય છે જ્યાં તેના જીજાજી માસ્ટર બાબુ (ક્રિષ્ણ ધવન) એ તેને બોલાવ્યો છે. તે માસ્ટર બાબુનો સાળો હોવાથી બધાં તેને સાલેબાબુના નામથી ઓળખવા લાગે છે. માસ્ટર બાબુ તેના રહેવાની સગવડ સાથે જ નોકરીની વ્યવસ્થા પણ કરી દે છે. ભૂતનાથ મોહિની સિંદૂર બનાવતા બ્રહ્મોસમાજી સુવિનય બાબુ (નઝીર હુસૈન)ને ત્યાં કારકૂન તરીકે નોકરીએ લાગે છે. ગામમાંથી આવેલા ભૂતનાથનો ખોરાક વધુ હોય છે અને ત્યાંનો મહારાજ તેને ઓછું ભોજન આપતો હોય છે. આ વાતની ખબર સુવિનય બાબુને ખબર તેમની દીકરી જબા (વહીદા રેહમાન) દ્વારા ખબર પડે છે એટલે તે મહારાજને નોકરીએથી કાઢી નાખે છે અને રસોઈની જવાબદારી જબાના માથે આવી પડે છે. ભૂતનાથ અને જબા એકબીજા પ્રત્યે આકર્ષાય છે, પણ કોઈ તેના વિષે બોલી શકતું નથી.

        રોજ રાત્રે ભૂતનાથ હવેલીના છોટે બાબુ (રેહમાન) ને પતન તરફ જતો જોઈ રહે છે. તેવા સમયમાં એક દિવસ તેને છોટી બહુ (મીના કુમારી) તરફથી કહેણ આવે છે અને તે હવેલીના બડબડિયા નોકર બંસી (ઓફ કોર્સ ધુમાલ) સાથે છોટી બહુને મળવા જાય છે. તે છોટી બહુનું રૂપ જોઇને અંજાઈ જાય છે. છોટી બહુ તેને મોહિની સિંદૂર લાવવા કહે છે. તે સિંદૂર લાવીને આપે છે, પણ તે સિંદૂરનો છોટે બાબુ ઉપર કોઈ પ્રભાવ નથી પડતો. તે સાંભળીને ભૂતનાથ બહુ નિરાશ થઇ જાય છે. તેની અને છોટી બહુ વચ્ચે એક વિચિત્ર લાગણીનો તાંતણો બંધાઈ જાય છે જેને કોઈ નામ ન આપી શકાય.

        છોટે બાબુને પ્રસન્ન કરવા માટે છોટી બહુ તેમના કહેવા પ્રમાણે શરાબનું સેવન પણ શરૂ કરી દે છે. એક તરફ ભૂતનાથ છોટી બહુ સાથે વિચિત્ર લાગણીથી બંધાયેલ છે, બીજી તરફ જબા પ્રત્યે પણ પ્રેમ અનુભવે છે. તેવા સમયમાં જબાનાં લગ્ન એક વર્ષની ઉંમરમાં થઇ ગયાં હતાં એવું કહીને સુવિનયબાબુ પ્રાણ ત્યાગી દે છે. આગળ શું થાય છે એ જાણવા માટે ફિલ્મ જોવી રહી.

        સામંતવાદી અને અંગ્રેજોના સમયમાં આકાર લેતી આ ફિલ્મ બહુ જ રસપ્રદ છે. અનેક પ્રકારની લાગણીઓથી આચ્છાદિત આ ફિલ્મે તરત તો બહુ સફળતા મેળવી નહોતી, પણ ફિલ્મના જાણકારોએ તેને વધાવી લીધી. તેને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ હિરોઈન અને શ્રેષ્ઠ સીનેમેટોગ્રાફી એવા ચાર ફિલ્મફેર એવોર્ડ મળ્યા સાથે જ શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ આ ફિલ્મને મળ્યો. આ ફિલ્મને ઓસ્કાર માટે ભારત તરફથી મોકલવામાં આવી હતી. તે જીતી ન શકી અને તેનું કારણ ગુરૂદત્તને એ બતાવવામાં આવ્યું કે અમેરિકન કલ્ચર મુજબ સ્ત્રીને શરાબી બતાવવી એ યોગ્ય નથી.(હવે આપણે શું કહેવું! વો વક્ત ભી કુછ ઓર થા) જો કે ગુરૂદત્તને એ વાતનો જરા પણ અફસોસ ન હતો કારણ તે નવલકથાને એકદમ વફાદાર રહ્યા હતા.

        નિર્દેશક અબ્રાર અલ્વીએ નિર્દેશિત કરેલી આ એકમાત્ર ફિલ્મ હતી. જો કે ફિલ્મ જોઇને ઘણાબધા લોકોએ એમ કહ્યું હતું કે આ ફિલ્મના ભૂતિયા નિર્દેશક ગુરૂદત્ત જ હતા.

        હેમંત કુમારનું સંગીત પણ આ ફિલ્મમાં એટલું જ ઉચ્ચસ્તરનું છે. આશા ભોંસલેએ ગાયેલ ‘મેરી બાત રહી મેરે મન મેં’. ‘ મેરી જાન ઓ મેરી જાન’, ‘સખીયા આજ મુઝે નીંદ નહીં’, ‘ ભંવરા બડા નાદાન’ (આ ગીત આજે પણ મારું ફેવરેટ છે), ગીતાદત્તનું ઓહો ઓહો કહેવરાવતું ‘ ન જાઓ સૈયા છુડાકે બૈયાં’, ‘ચલે આવો,ચલે આવો’ અને ઓછું જાણીતું પણ બહુ જ કર્ણપ્રિય ‘પિયા ઐસો જીયા મેં સમાઈ ગયો’. (આ ગીત સમયે મીના કુમારીને જુઓ તો દિલની ધડકનો વધી જાય)

        આ ફિલ્મમાં મજલે બાબુનો રોલ ડી. કે. સપ્રુ (તેજ સપ્રુના પિતા) એ કર્યો છે. ક્રૂર રોલમાં તે બરાબર જામ્યા છે. મીનુ મુમતાઝ તવાયફના રોલમાં છે જે છોટે બાબુને છોટી બહુથી દૂર લઇ ગઈ હોય છે. જબાના રોલમાં વહીદા રેહમાન ખીલી ઉઠે છે, પણ આ ફિલ્મ છે મીના કુમારીની. તે ફિલ્મના દરેક પાત્ર ઉપર હાવી રહી છે. તેની સામે રેહમાન અને ગુરૂદત્ત પણ ફીકા પડે છે. આ ફિલ્મમાં તે સમયના કુરિવાજો ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિધવાઓ કેવી રીતે જીવતી તે ફક્ત એક બે દ્રશ્યોમાં પ્રભાવી રીતે દર્શાવી દેવામાં આવ્યું છે. પાછળથી ફિલ્મોમાં પ્રખ્યાત બનેલા સરોજીની નાયડુના ભાઈ હરિન્દ્રનાથ ચટોપાધ્યાય બે સીન માટે આવે છે.

        નવલકથા ઉપર આધારિત સુંદર ફિલ્મ જોવી હોય તો આ ફિલ્મ યુટ્યુબ ઉપર જોવા મળી જશે.

સમાપ્ત

જ્યોતિન્દ્ર મહેતા