Surili - 1 in Gujarati Classic Stories by Dr.Sarita books and stories PDF | સુરીલી - 1

Featured Books
Categories
Share

સુરીલી - 1

સંદભૅ :

સવારના દસ વાગ્યા હતા. આલિશાન બંગલાના એક આલિશાન બેડરૂમના બેડ પર એક સાતેક વર્ષની છોકરી રાજકુમારીની અદાથી સુતી છે. અચાનક ,કોઈ રૂમમાં દાખલ થાય છે અને બેડની પાછળની બારી ખોલે છે. સવારનો તડકો હવે તપી રહ્યો હતો.એટલે,સીધો તે છોકરીનાં મોઢા પર આવ્યો.તે ઉહકારા કરતી, જાણે ગુસ્સામાં હોય તેમ ઊભી થઈ ગઈ અને બોલવા માંડી.

"શાંતા માસી... કેમ બારી ખોલી નાખી..? મને સુવા કેમ ન દીધી ?"

શાંતા માસી : "સુરા બેબી , સાહેબનો ઓફિસેથી ફોન આવ્યો છે. આજે સુમન દીદીની તબિયત સારી નથી એટલે એ તમારી ચિંતા ન કરે. એ માટે મને ફોન કર્યો છે કે હું તમને ઉઠાડી દઉં.. નહીંતો ,સુમન દીદી જ તને ઉઠાડવા આવત.પાછું સાહેબને તમારી સાથે વાત કરવી છે એટલે સાહેબે ફોન લઈને તમારી પાસે આવવાનું કહ્યું છે."

શાંતા માસી હજી વધારે કંઈ બોલે એ પહેલાં તો..આ સાંભળીને સુરા રૂમમાંથી બહાર નીકળી ઝડપથી રૂમની બહાર દોડે છે.

સુરીલી : "મમ્મા ક્યાં છે..?"

શાંતા માસીએ પણ પાછળ દોટ મૂકી." સુરા બેબી ...પહેલા સાહેબને તો જવાબ દેતા જાવ... તમારો અવાજ સાંભળ્યા વગર એ ઓફિસમાં ક્યાં જાય છે ! એટલે તો તમને ઉઠાડવાનો ફોન કર્યો હતો. શાંતા માસી સૂરાની સાથે થઈ ગયા.ફોન ઝડપથી સુરાના કાને ધરી દીધો.એટલે એણે વાત કરી."

સુરીલી : " પપ્પા ગુડ મોર્નિંગ...."

મિલન : " ગુડ મોર્નિંગ.. માય લકીચામૅ."

"કેમ છે મારી ઢીંગલી..?"

સૂરીલી : "એકદમ ફાઇન પપ્પા. "

ખૂબ જ આનંદિત સ્વરમાં આ શબ્દો રેલાયા હતા અને આજ એમનો નિત્યક્રમ હતો.

આ શબ્દો હતા શહેરના પ્રતિષ્ઠિત બિઝનેસ મેન મિલન પાટડિયાના.પત્ની સુમન અને પુત્રી સુરીલી સાથે નાના પરિવારમાં તેઓ ખુશખુશાલ જીંદગી વિતાવતા હતા. સુરીલી ગોલ્ડ એન્ડ ડાયમંડ કંપનીના પોતે માલિક હતા. સુરેલી તેમનું એકમાત્ર લાડકું સંતાન. જ્યાંથી દીકરીનો જન્મ થયો ત્યારથી તો મિલનની જિંદગી જ બદલાઈ ગઈ. તેની સફળતા અનેક ગણી વધી ગઈ. એટલે, હવે તો તેની દુનિયા એકમાત્ર સુરીલીમાં સમાઈ જતી હતી. એ સુરીલીને પોતાનું લકીચામૅ માનતો.આમ, જીંદગી સુખેથી પસાર થઈ રહી હતી .પણ, એમની આ ખૂશી વધુ સમય ટકી ન શકી.

મિલનને બિઝનેસમાં તેના નાના ભાઈએ દગો દીધો અને તેની બધી મિલકત પોતાના નામે કરી લીધી.આ આઘાતને સહન ન કરી શકનાર મિલન કંપનીમાંથી ગાડી લઈને નીકળી તો ગયો. પણ, ઘરે ન પહોંચી શક્યો રસ્તામાં જ તેના ઍક્સિડન્ટ થયું. ક્ષણ પહેલાનો અબજોપતિ આજ સદેહે ધૂળમાં મળી ગયો. અને એની જાહોજલાલી પણ..

**************************
કથાનક :

આ વાતને બીજા પાંચ વર્ષ વીતી ગયા હવે સુરીલી બાર વર્ષની થઈ ગઈ. તે દિવસની જેમ આજે પણ, એ સુખમય સવારની પ્રતિક્ષામાં સુતી હતી. ઉપરની બધી જ ઘટનાઓ તેના સ્વપ્ન જગતમાં ઘટી રહી હતી. અચાનક જ અવાજ આવ્યો.

"સુરા...ઓ સુરા... જો મારે કામ પર જવાનું મોડું થાય છે, તું આવીશ કે હું જાવ ?

"કેવું સરસ સપનું હતું.મૂડ બગડી ગયો.પણ, શું થાય."(સુરીલી એવું મનમાં વિચારતી હતી.)

સુરીલી : "ના , ના ,મમ્મા.. હું આવું છું."

એ પથારીમાં સફાળી બેઠી થઈ ગઈ ફટાફટ રૂમમાંથી બહાર જવા લાગી. આંખો તો હજીયે બંધ છે. દીવાલોને સ્પર્શતી એ "મમ્મા... ઓ મમ્મા.. "કરતી ચાલે છે.

"હું અહીં છું... રસોડામાં..."સુમનનો અવાજ આવ્યો.

સુરા રસોડા તરફ ગઈ. જઈને સુમનની સામે જોઈને આંખો ખોલી નાખી.

સુરીલી : "ગુડ મોર્નિંગ મમ્મા."

સુમને : " ગુડ મોર્નિંગ.." જલ્દી કર સુરા, જો નવ વાગી ગયા છે. મોડું કરશું તો ! તારા એ ભગા દાદા આપણો ક્લાસ લઈ લેશે.એમને હોસ્પિટલમાં જવાનું મોડું થશે ને એટલે ખૂબ ગુસ્સો કરશે."

મિલનના મૃત્યુ પછી નિરાધાર સુમને સુરીલીના ઉછેર માટે અને પોતાના નિભાવ માટે ભગવાનદાસ શેઠને ત્યાં આખો દિવસની નોકરી સ્વીકારી લીધેલી. રોજ સવારથી માંડી સાંજ સુધી શેઠની હવેલીમાં બધાં કામ કરે. શેઠ હવેલીમાં એકલા જ રહેતા હતા. એમનો પુત્ર અને પુત્રવધુ તેમના સ્વભાવથી કંટાળી, તેમની સાથે ઝઘડો કરી, અમેરિકા રહેવા ચાલ્યા ગયેલા. પત્ની તો પુત્રના જન્મનાં ચાર વર્ષમાં જ મૃત્યુ પામેલી એટલે, શેઠનો સ્વભાવ ખૂબ ચીડિયો થઈ ગયેલો.

પોતે વિખ્યાત ભગવાનદાસ હોસ્પિટલના માલિક. પણ, નિયમ અને સમયના ખૂબ જ પાક્કા. એ બાબતમાં કોઈનું પણ સહેજે ન ચલાવી લે.

સુમન અત્યારે સુરીલીને લઈને ઘર બંધ કરી ત્યાં જ જઈ રહી હતી. બંને મા-દીકરી જવા માટે શેરીનો ખૂણો વટાવી ગયા. ત્યાં સુરીલીને અચાનક કંઈક યાદ આવી ગયું.

સુરીલી : "મમ્મા ચાવી આપ, હું હમણાં આવું છું."

સુમન :"શું છે સુરા...?હવે તો હદ થાય છે. મારે મોડું થાય છે. તારે ના આવવું હોય તો ઘરે રહે. હું તારું જમવાનું મોકલી આપીશ. પણ તું હવે મને પાછી ન વાળતી. એક તો પહેલેથી જ ઘણું મોડું થઈ ગયું છે."( સુમન એકી શ્વાસે આટલું બોલી ગઈ.)

સુરીલી : "ના ..ના.. મમ્મા તું ચાલતી થા. હું હમણાં આવું છું,ખાલી તું મને ચાવી આપ."

સુમને ગુસ્સે થતાં ચાવી આપી.

સુમન : "આ..લે ચાવી."

સુરીલીને રેડીયો સાંભળવાનો ખૂબ શોખ. આખો દિવસ એક પોકેટ રેડિયો તેની સાથે જ રહેતો. આજે ઉતાવળમાં તે લેતા ભૂલી ગઈ હતી. એટલે પાછી ઘરે લેવા દોડી ગઈ. બારીમાંથી રેડિયો લઈ ,ઘર બંધ કરી ,દોડતી દોડતી તે સુમનની સાથે થઈ ગઈ.

હસતાં હસતાં બોલી " મમ્મા ,આ લે ચાવી."

સુમન : "એવું તે શું છૂટી ગયું હતું ?તો તારે લેવા ધક્કો ખાવો પડ્યો."

સુરીલી : "કંઈ નહીં મમ્મા , જરૂરની વસ્તુ હતી. લઈ લીધી.ચાલ હવે ઝડપથી.."

બંને ઝડપથી ચાલવા લાગ્યા.હવેલી સુધી પહોંચી ગયા. સુમન મોડું થવાને લીધે હાંફળી-ફાંફળી થતી ઝડપથી હવેલીમાં પ્રવેશ કરે છે.

ત્યાં સામેથી કોઈ પુરુષનો ગુસ્સામાં હોય એવો અવાજ આવ્યો." ઉભી રહે..., તને કેટલી વાર કહ્યું છે કે, મને સમય પ્રત્યે બેદરકાર લોકો પસંદ નથી. એક-એક ક્ષણ કેટલી કિંમતી હોય છે મારા માટે. પણ, તને એનું મૂલ્ય ક્યાંથી હોય ?"

આ શબ્દો હતા ભગવાન કાકાના....

તેમનો ગુસ્સો એટલે જાણે બરફ જેવો. થોડા સમયમાં જ પાણી થઈ જાય. મનમાં કાંઈ ન હોય. બસ સાફ દિલના એટલે બધું બોલી દે.પછી કંઈ ન હોય.

સુમન : "ના..ના...કાકા એવું નથી. મને ખબર છે, મારાથી આજે મોડું થઈ ગયું છે. પણ, આજે છેલ્લી વાર હવે ક્યારેય આવું નહીં થાય."

ભગવાન કાકા કહે.." હું બીજી વાર આવું ચલાવી પણ નહીં લઉં."

હજી આગળ કંઈક બોલવા જતા હતા ત્યાં જ સુરીલી એ હવેલીમાં પ્રવેશ કર્યો. હાથમા રેડિયો હતો. જેમાં એક જુનું પણ પ્રેરણાદાયી ગીત વાગતું હતુ.

કભી મેં ન સોયા, કહી મુજસે ખોયા સુખ મેરા જૈસે.
પતા નામ લિખકર, કહીં યું હી રખકર ભુલે કોઈ જૈસે.
અજબ દુઃખભરી હૈ યે,બેબસી યે બેબસી.
બડી સુની સુની હૈ જિંદગી યે જિંદગી..
મેં ખુદસે હું યહાં અજનબી.. અજનબી..

ભગવાનકાકા આ ગીત સાંભળીને બોલતા અટકી ગયા. અને થોડીક જ વારમાં તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. સુરીલી સામે હળવું હાસ્ય કરી માથામાં વ્હાલથી ટપારી હવેલીની બહાર જવા લાગ્યા.

જતાં જતાં કહેતા ગયા કે , " મારે હોસ્પિટલથી આવવામાં મોડું થશે. એટલે જમી લેજો.મારુ ટિફિન ત્યાં જ પહોંચાડી દેજો."

સુમન : (ધ્રુજતા સ્વરમાં)" હા..કાકા."

આટલા સંવાદમાં પેલું ગીત પૂરું થઈ ગયું. પણ, ભગવાન કાકાને જાણે પીગળાવી ગયું.

સુમન તો હજીએ ડરેલી હતી. એ ખૂબ સંવેદનશીલ. જીવવાના આધારરૂપ નોકરી ચાલી જવાની બીક એને સતત રહેતી. એટલે એ સુરા સામે જોઈ સમસમી ગઈ.

સુમન : "ક્યારની તને કહેતી હતી ને ..જલ્દી ચાલ ,જલ્દી ચાલ. પણ, તને ક્યાં કંઈ સમજ પડે છે. તારી છોકરમત હજી જતી જ નથી. કોઈ દિવસ મારી હડફેટે ચડ્યોને તો તારા રેડીયા ને હું તોડી-ફોડી નાખીશ. આખો દિવસ રેડિયો.. રેડિયો ને બસ રેડિયો જ.. આટલી નાની ઉંમરે આવા જુના ગીતો સાંભળીને કોણ જાણે શેનો આનંદ આવતો હશે..!"

સુરા : (સુમન સામું જોઈને ..)"મમ્મી, તને પણ આ ગીતો એટલા જ ગમે છે. એ હું ક્યાં નથી જાણતી.આ ગીતોએ જ આપણામાં જીવનરસ પૂર્યો છે. એનાથી તું મને અળગી કરીશ?"

ત્યાં જ, રેડિયામાં બદલાયેલાં ગીત તરફ સુરીલીનું ધ્યાન ગયું. રેડીયો કાને ધરીને સુમનને સંભળાવે છે. "જો..જો મમ્મા , તારું ફેવરિટ ગીત આવે છે..

રોયેંગી યે આંખે ફિર ભી મેં તો મુસ્કુરાઉંગી,
દુઃખકે તુફાનો સે ભી મેં ના ઘબરાઉંગી.
જબ સાથમેં મેરા સાજન હોગા..
રીમઝીમ બરસતા સાવન હોગા..
ઐસા સુંદર સપના અપના જીવન હોગા.
જીલમિલ સિતારો કા આંગન હોગા..
રીમઝીમ બરસતા સાવન હોગા...

સુમનની આંખોમાં આંસુ આવી ગયા. એણે રેડિયો આઘો ધકેલી, સુરીલીને બાથમાં લઈ લીધી. થોડીક ક્ષણો બંને આમ જ રહ્યા. પછી તે સ્વસ્થ થઈ પોતાના કામે લાગી ગઈ.

સુરીલી હજી રેડિયો સાંભળવામાં મશગૂલ હતી. પણ ,વચ્ચે વચ્ચે સુમનને કામમાં મદદ કરાવતી.રેડિયોના ગીતો સતત બેક ગ્રાઉન્ડમાં વાગ્યા કરતા.કામ પણ ચાલું રહેતું.

સુમન અને મિલનને સંગીતનો ભારે શોખ.જુનાગીતોના
તો બંને દીવાના હતા. એટલે જ, જ્યારે તેમને ત્યાં દિકરીનો જન્મ થયો તો મિલન ખુશ થતાં થતાં હોસ્પિટલમાં જ ગાવા લાગેલો..

મેરે ઘર આઈ એક નન્હીપરી..
મેરે ઘર આઈ એક નન્હીપરી..
ચાંદની કે હસીન રથપે સવાર.
મેરે ઘર આઈ એક નન્હીપરી..
એક નન્હીપરી..

સુમન : (મિલનને અટકાવતા..)"અરે પણ, આ હોસ્પિટલ છે..અહીં આવી પાગલપંતી ન કરાય."

મિલન : "આજે તો હું એટલો ખુશ છું કે, તું મને નહી અટકાવી શકે.હું તો હજી પણ , ગાવાનો જ.."

ત્યાં જ પેલી બાળકીએ રડવાનું શરૂ કર્યું. મિલન ખૂબ લાગણીમાં આવી ગયેલો. બાળકી તરફ સ્નેહથી જોઈને કહે જો સુમન ....આપણી ઢીંગલી કેવું સ્વરમાં રડે છે..! જાણે, સંગીત રેલાવતી હોય. આપણે એનું નામ સુરીલી રાખશું.. સંગીત પ્રેમી જીવનું સંતાન પણ સુરીલું જ હોય..

સુરીલી જ્યારથી સમજણી થઈ , ત્યારથી તેને પણ સંગીતની જાણે તલબ લાગી હોય તેમ આખો દિવસ ગીતો સાંભળ્યા કરતી.જાણે સંગીત વગર તેનાં શ્વાસ થંભી જતાં હોય.

આમને આમ, બીજા પાંચ વર્ષ વીતી ગયા. સુરીલી હવે સતર વષૅની થઈ ગઈ. કોલેજમાં આવી ગઈ. એની સાથે જ એની સમજદારી પણ વધી ગઈ. હવે એને જવાબદારીનું પણ ભાન થવા લાગ્યું.

અત્યાર સુધી બધું છોકરમતમાં જતું , એ બધા પ્રત્યે તે સભાન બનતી ગઈ. આખો દિવસ મમ્મીને કામમાં મદદ કરાવે. હવેલીમાં પણ સાથે જાય.પોતે જ મોટાભાગનું કામ કરી નાખે..સુમનની પુરેપુરી કાળજી લેતી.પણ, તેને કેમેય
ચેન નહોતું પડતું... તે આવી જિંદગીથી કંટાળી ગઈ હતી.

ગુલામી જેવું કામ કયાં સુધી કરવું ? એટલે, આમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધતી રહેતી. એનાથી સુમનનું આવું ગરીબી ને દુઃખ ભરેલું જીવન ન્હોતું જોવાતું. એટલે તેણે સુમનને કહ્યું.." પોતે નોકરી કરી કમાશે પણ, સુમનને કામ કરવા નહિ દે."

તેણે તો, સુમનને અનેકવાર કામ છોડવાનું કહેલું પણ ખરાં...પણ, આતો સુમન એ ક્યાં માનવાની હતી ?ને બીજી તરફ સુરીલી પણ આ બધાથી હવે થાકી ગઈ હતી.

એક દિવસની વાત છે સવારથી સાંજ થઈ સુરીલી કોલેજથી ઘરે ના આવી. કોલેજમાં, બહેનપણીને ત્યાં, આડોશપાડોશમાં , બધે જ તપાસ કરી. પણ, તેનો ક્યાંય પત્તો ન મળ્યો.

સુમન એકાએક આમ સુરેલીનું અદ્રશ્ય થવું સહી ના શકી.એનાં આધારે તો એ જીવતી હતી.શું થયું હશે ? કાંઈ અજુગતું તો નહીં થયું હોય ને..!એવાં-એવાં તો અનેક વિચાર આવી ગયા.સુમનની મનઃસ્થિતિ અત્યારે જાણે આંસુ પણ ના આવે ને , બોલી પણ ન શકે એવી થઈ ગઈ. મૂંઝવણમાં એ દોડતી-દોડતી ભગવાનનાં મંદિર પાસે જઈ, મનોમન વિનંતી કરવા લાગી. ત્યાં જ તેની નજર દીવા નીચે પડેલા એક પત્ર પર પડી. વાળેલા પત્ર ઉપર લખ્યું હતું. "મમ્મી , તારા માટે..."

વધુ આવતા અંકમાં...

-ડૉ.સરિતા (જલધિ)