પૌરાણિક કથા:- ભક્ત બોડાણા
આ વાત છે કળિયુગમાં ડાકોરમાં રજપૂત કુળમાં જન્મેલા વિજયસિંહ કે વજેસંગ બોડાણાની. તેમના પત્નીનું નામ ગંગાબાઈ. પૂર્વ જન્મના સંચિત કર્મથી શરૂઆતથી જ વિજયસિંહ બોડાણાનું મન કૃષ્ણ ભક્તિ તરફ વળેલું. એટલે, તેમને કૃષ્ણમાં ભારોભાર શ્રદ્ધા.
એવું કહેવાય છે કે પૂર્વજન્મમાં આ વિજયાનંદ બાળ કૃષ્ણના સખા હતા. એટલે, સખામાં તો રીસામણા-મનામણા ચાલ્યા કરે. એકવાર વિજયાનંદ કૃષ્ણથી રિસાયા. ત્યારે શ્રીકૃષ્ણએ મનામણાં સ્વરૂપે વિજયાનંદને એમના સાચા સ્વરૂપનાં દર્શન કરાવ્યા. ભગવાનના અસલ સ્વરૂપને જાણી ગયેલા વિજયાનંદે, આગલા જન્મમાં પણ તેમની ભક્તિ સાથે જન્મવાનું વરદાન માંગ્યું. તેમણે હાથ જોડી કહ્યું "હે પ્રભુ ! મને આગલા જન્મમાં આપના પરમ ભક્ત તરીકે જન્મ આપજો. જેથી હું મોક્ષને પામી શકું. ત્યારે ભગવાને "તથાસ્તુ" કહ્યું. પછી તેણે ડાકોરમાં વજેસિંગ તરીકે જન્મ લીધેલો.
આ વજેસંગ એટલે કે વિજયાનંદે કૃષ્ણ ભક્તિમાં રત થઈ જીવનપર્યંત એક ટેક લીધેલી. દર કાર્તિકી પૂર્ણિમાએ પગપાળા દ્વારકા જવાની. એટલે દર અષાઢી અગિયારસે તે ધીમે ધીમે પગપાળા દ્વારકા જવા રવાના થાય. હાથમાં તુલસી અને જવેરાનું કુંડુ હોય. ચાલતા-ચાલતા બરાબર કાર્તિકી પૂર્ણિમાએ તે દ્વારિકા પહોંચે. ખરા દિલથી કૃષ્ણનાં દર્શન પૂજા કરે. આ જ તેમના જીવનનો નિત્યક્રમ હતો.
આમ કરતા- કરતા ૬૦ વર્ષ વિતી ગયા. પણ, ભક્તની ટેક તો અડીખમ જ હતી. પણ , શરીર હવે શુષ્ક થવા લાગ્યું. તો પણ, ટેકથી ચલિત થાય તો ભક્ત શેનો ! એને તો ફરી યાત્રા શરૂ કરી. હવે તો તેની ઉંમર પણ 80 વર્ષ જેટલી થઈ ગઈ હતી. બરાબર ચાલી શકાતું ન હતું. એટલે, થાકેલા બોડાણાએ આ વખતે ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે " હે પ્રભુ ! આ તારા છેલ્લી વખતના જુહાર. હવે મારાથી અહીં નહિ અવાય."
કહેવાય છે ને કે ભક્તોની ચિંતા ભગવાનને હોય છે. તો એ ભક્તને મુશ્કેલીમાં કેમ રહેવા દે , એની ટેક કેમ અધુરી રાખે ! એટલે , શ્રીકૃષ્ણએ ભક્ત બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું "હે ભક્તરાજ હવે તું પગપાળા નહીં, ગાડું લઈને આવજે. એટલે હું તારી સાથે જ ડાકોર આવીશ."
ભોળા હૃદયનાં માનવીને આ વાતમાં કંઈ સૂઝ ન પડી.વળી, એટલી સુવિધા પણ ન્હોતી કે ગાડાની વ્યવસ્થા થઈ શકે. છતાં ,મહા-મહેનતે ખખડધજ ગાડાની વ્યવસ્થા થઈ ને ભક્ત ભગવાનને મળવા ગાડું લઈ ચાલી નીકળ્યો. એતો દ્વારકા પહોંચી ગયો.
સવાર થઈને મંગળા આરતી સમયે મંદિરમાં ભગવાનની મૂર્તિ ન મળે. બ્રાહ્મણ ચિંતામાં મુકાયા.મુર્તિની શોધખોળ આદરી. પણ, ક્યાંય મૂર્તિ મળી નહીં. બ્રાહ્મણોએ વિચાર કર્યો અને પછી આજુબાજુ જોયું તો, દર વખતે હાજર રહેનાર ભક્ત બોડાણા આજે હાજર નહોતા. એટલે તેમના ઉપર જ શંકા ગઈ. હવે તેમની જ શોધખોળ શરૂ કરાઈ.
બીજી તરફ ભગવાન સ્વયં ભક્તોની સાથે મૂર્તિ સ્વરૂપે ગાડામાં બિરાજમાન થઈ જઈ રહ્યા હતા. ધીમે ધીમે રસ્તો કપાતો જતો હતો. પણ, ખખડધજ ગાડું અને અશક્ત બળદો કેટલું ચાલી શકે! ભગવાને ભક્તને આરામ કરવા કહ્યું , અને સ્વયં ગાડું ચલાવવા લાગ્યા. ભક્તને તો ભગવાનની કૃપાથી તરત જ ઉંઘ આવી ગઈ. તો છેક ઉમરેઠ જઈ તે જાગી ગયા. આ ઊમરેઠ એટલે ડાકોરથી નજીક બિલેશ્વર પાસેની જગ્યા.
પછી તો ભક્તને ભગવાનની ભક્તિમાં વધુ શ્રદ્ધા બેઠી. બંનેએ થોડીક વાર ત્યાં વિસામો કર્યો.ભગવાનને ત્યાં સ્થિત એક લીમડાની ડાળ તોડી દાતણ કર્યું.ભગવાના સ્પશૅથી એ ડાળ મીઠી થઈ ગઈ. જે આજે પણ ત્યાં છે. એટલામાં બાહ્મણની ટોળી નજીક આવતી દેખાઈ .ભગવાને ભક્તને હુકમ કર્યો કે તે મુર્તિને ગોમતીમાં નાખી દે.ભોળા ભકતનેતો ભગવાનને બચાવવાનો આ જ રસ્તો સાચો લાગ્યો.તેણે મુર્તિ ગોમતીમાં નાખી દીધી. પછી તે સ્વયં ગાડું ચલાવી ડાકોર પહોંચ્યા.
ત્યાં પહોંચી ભક્ત બોડાણાએ નિજ મંદિરમાં સ્થાપિત મુર્તિની ભક્તિભાવથી પૂજા અર્ચના કરી. બીજી તરફ દ્વારિકાના બ્રાહ્મણોને આ વાતની જાણ થઈ.
એમણે ડાકોરના સત્તાધીશોને બોડાણાની ફરિયાદ કરી કે તેમણે દ્વારિકામાંથી ભગવાનની મૂર્તિ ચોરી છે. પણ, સત્તાધીશો એ કહ્યું કે "અમે બોડાણાને બાળપણથી ઓળખીએ છીએ.એ આવું કદી ન કરે." પણ બ્રાહ્મણો તો આ વાત માનવા જ તૈયાર ન હતા. બ્રાહ્મણોને બોડાણાની આર્થિક સ્થિતિ ખબર હતી. એટલે, એમણે એવી શરત રાખી કે જો ..બોડાણાની ઈશ્વરભક્તિ સાચી હોય તો, એ અમને ભગવાનની મૂર્તિ બરાબર સોનું આપી દે. તો અમે એની વાત માનીને જતા રહેશું.અને મુર્તિને અહીં રાખવા દેશું.
બોડાણા પાસે સોનુ તો શું પૈસાની પણ તંગી હતી. તો આટલું સોનું તો એને ક્યાંથી મળી શકે ! પણ , ભગવાને સ્વયં એને શર્ત માનવા પ્રેરિત કર્યા. અને બોડાણાની જીભે આ શર્તને માન્યતા અપાઈ ગઈ. હવે શું કરવું એ તો મૂંઝાયા. માંડ-માંડ તેની પત્ની ગંગા બાઈની એક સોનાની વાળી બચેલી. એટલામાં તો ભગવાનને કયાંથી જોખાય ?
ભક્તનું પારખુ જોવા ગામના લોકો ચોકમાં ભેગા થયા. ત્રાજવું મંગાવ્યું. ગોમતીમાંથી મુર્તિ લાવી એક બાજુ ભગવાનની મૂર્તિ અને બીજી બાજુ ગંગાબાઈની વાળી મૂકવામાં આવી. આશ્ચર્ય સાથે ત્રાજવું નમવા લાગ્યું. પણ , બ્રાહ્મણોએ આ વાતને હજી ન સ્વીકારતા કહ્યું કે" તલભાર જેટલું મૂર્તિવાળું ત્રાજવું હજીયે નમતું છે. એને પૂરું કરો તો માનીએ. ત્યારે ભગવાને બ્રાહ્મણના કંઠે કહેવડાવ્યું કે કોઈપણ દક્ષિણા તુલસીપત્ર વગર અધુરી. એટલે બોડાણાએ વાળીવાળા પલ્લામાં એક તુલસીપત્ર મૂક્યું. ચમત્કાર સાથે બંને ત્રાજવા સમાંતર થઈ ગયા. બધા એ ભક્તને ભગવાનનો જયજયકાર કર્યો.
દ્વારિકાના બ્રાહ્મણોએ ભગવાને કહ્યું "હે પ્રભુ! અમારો શો ગુનો ? કે આપે અમને છોડી બોડાણાને ધન્ય કર્યા. આપવિના અમે દ્વારિકામાં કેમ રહેશું? ત્યારે ભગવાને પ્રસન્ન થઈ કહ્યું કે "હું એક પૂજામાં દ્વારિકામાં અને એક પૂજામાં ડાકોરમાં ભક્ત બોડાણા પાસે રહીશ." આમ, આજે ભક્ત બોડાણાની આ અનન્ય ભક્તિના પ્રતાપે ભગવાન રણછોડરાય ડાકોરમાં પણ બિરાજમાન છે. અને આજે પણ , ભક્ત બોડાણાનું નામ ભક્તના ઈતિહાસમાં અમર છે. જેની ડાકોર સ્થિત તુલા પણ સાક્ષી પૂરે છે.
🙏🏻 જય રણછોડ🙏🏻
(👆🏻લોકમુખે સાંભળેલી વાણીમાંથી..)