Kismet - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | કિસ્મત (૧૯૪૩) – રીવ્યૂ

Featured Books
Categories
Share

કિસ્મત (૧૯૪૩) – રીવ્યૂ

ફિલ્મનું નામ : કિસ્મત 

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : બોમ્બે ટોકીઝ   

ડાયરેકટર : જ્ઞાન મુખર્જી 

કલાકાર : અશોક કુમાર, મુમતાઝ શાંતિ, શાહ નવાઝ, વી. એચ. દેસાઈ, કનુ રોય, ચંદ્રપ્રભા,  ડેવિડ

રીલીઝ ડેટ : ૯ જાન્યુઆરી ૧૯૪૩

        બીજા વિશ્વયુદ્ધના સમયે ૧૯૪૩માં રીલીઝ થયેલી આ ફિલ્મ પોતાની રીતે ભારતીય સિનેમા માટે એક માઈલસ્ટોન છે. આ ફિલ્મ ભારતની સૌથી પહેલી બ્લોક બસ્ટર ફિલ્મ ગણાય છે, તે ઉપરાંત આ ફિલ્મ દ્વારા જ પહેલીવાર એન્ટીહીરોનો ભારતીય સિનેમામાં પ્રવેશ થયો. આનાથી પહેલાં આવેલી ફિલ્મોમાં હીરો હંમેશાં સ્વચ્છ ચરિત્રના જ ધરાવતા. આ ફિલ્મ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફોર્મુલાની પહેલી ફિલ્મ ગણાય છે, જો કે આ ફિલ્મની અગાઉ જ્ઞાન મુખર્જી પોતાની પહેલી ફિલ્મ ‘ગીતા’ માં વાપરી ચુક્યા હતાં, પણ તેને સફળતા મળી નહોતી.

        આ ફિલ્મ કલકત્તાના રોક્સી થીએટરમાં લાગલગાટ ત્રણ વર્ષ આઠ મહિના સુધી ચાલી અને આ રેકોર્ડ શોલે રીલીઝ થઇ ત્યાં સુધી (લગભગ ૩૨ વર્ષ) અકબંધ રહ્યો. આ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે ફિલ્મ ઇન્ડિયા મેગેઝીનવાળા બાબુરાવ પટેલે રીતસરનાં માછલાં ધોયાં હતાં, પણ ફિલ્મ રીલીઝ થઇ અને ટીકીટબારી ઉપર ટંકશાળ પડી..બે લાખના ખર્ચે બનેલી ફિલ્મે એક કરોડનો વકરો કર્યો. એક કરોડના આંકડાને સ્પર્શ કરનાર આ પહેલી ફિલ્મ હતી.

આ ફિલ્મ જ્ઞાન મુખર્જીએ અગજાની કાશ્મીરી (મૂળ નામ સૈયદ વાજીદ હુસૈન રીઝવી) સાથે મળીને લખી હતી. અગજાની યુવાનીમાં પ્રવેશ કરતાં જ આંખોમાં હીરો બનવાનાં શમણાં આંજીને ઘરેથી ભાગીને મુંબઈ આવી ગયા હતા. થોડી ફિલ્મોમાં કામ કર્યું, પણ લેખન ઉપર સારો કાબુ હોવાથી બોમ્બે ટોકીઝના હિમાંશુ રાય પાસે સ્ક્રીનપ્લે લખવાનું શીખ્યા અને ડાયલોગ લખાવનું શીખ્યા. તેમણે લખેલી ફિલ્મોમાં કિસ્મત ઉપરાંત રાજ કપૂરની ચોરી ચોરી, સુનીલ દત્તની એ રાસ્તે હૈ પ્યાર કે અને અમિતાભની પરવાના જેવી સારી ફિલ્મોનો સમાવેશ થાય છે.

        હિમાંશુ રાયના મૃત્યુ પછી બોમ્બે ટોકીઝની માલિકી માટે ઘણા બધાં લોકો વચ્ચે સ્પર્ધા શરૂ હતી. કિસ્મત આ સમયમાં જ બની. દેવિકા રાની અને શશધર મુખર્જી (અશોક કુમારના જીજાજી) એ સાથે મળીને આ ફિલ્મ બનાવી.

        એન્ટી હીરોની એન્ટ્રીવાળી આ ફિલ્મની શરૂઆત એક કેદીની જેલની રિહાઈ સાથે થાય છે. જેલમાંથી છુટેલ શેખર (અશોક કુમાર)ને જેલર ગુનેગારીનો રસ્તો છોડી દેવા સમજાવે છે. જેલથી બહાર આવેલ શેખર જુએ છે એક ચોર બાંકે (વી.એચ. દેસાઈ) એક વ્યક્તિ (પી.એફ. પીઠાવાલા) નું ખિસ્સું કાપી રહ્યો છે. સફળતાપૂર્વક ચોરી કરીને જઈ રહેલ બાંકે સાથે શેખર ભટકાઈ જાય છે અને તેની પાસેથી ચોરી કરેલ ઘડિયાળ તફડાવી લે છે. ચોરીનો માલ વેચવા માટે બાંકે દુકાનમાં પ્રવેશે છે, પણ તેને ખબર પડી જાય છે કોઈએ તેનું ખિસ્સું કાતરી લીધું છે. પાછળથી આવેલ શેખર પાસે ઘડિયાળ જોઇને તે સમજી જાય છે એક શેખર જ ચોર ઉપર મોર સાબિત થયો છે. દુકાનદાર (ડેવિડ અબ્રાહમ) ને લીધે બંને વચ્ચે ઓળખાણ થાય છે અને બાંકે પોતાનાથી મોટા ચોર શેખર સાથે પાર્ટનરશીપ કરી લે છે.

        જેની ઘડિયાળ હોય છે તે વ્યક્તિ પોતાની દીકરી રાની (મુમતાઝ શાંતિ) નો શો જોવા માટે જ ઘડિયાળ વેચવા માટે નીકળ્યો હોય છે. શેખરને તેની દયા આવે છે અને તેની દીકરીનો શો જોવા માટે થિયેટરમાં લઈ જાય છે. તે વ્યક્તિ સાથે વાત કરતાં ખબર પડે છે કે તે ક્યારેક તે થિયેટરનો માલિક હતો અને તેના વ્યસનને લીધે જ તે બરબાદ થઇ ગયો હોય છે. પોતાની દીકરી રાની પણ તેની મૂર્ખતાને લીધે અપંગ થઇ ગઈ હોય છે અને તે શોમાં એક ખૂણામાં ઉભી રહીને ગાતી હોય છે. રાની તેના પિતાને જોઈ જાય છે અને તેમની નજીક જવા જાય છે, પણ તેના પિતા ભાગી જાય છે. રાની શેખરને તેના પિતાના મિત્ર સમજે છે.

        શેખર તે થિયેટરના માલિક ઇન્દ્રજીત બાબુ (મુબારક)ની પત્નીના ગળામાંથી મોતીનો હાર સેરવી લે છે અને બચવા માટે રાનીના સામાનમાં મૂકી દે છે. રાત્રે તે રાનીના ઘરે હાર પાછો લેવા જાય છે. તે સમયે અવાજ થતાં બધાં જાગી જાય છે, પણ રાની શેખરને પિતાએ મોકલ્યો છે એમ સમજીને શેખરને પોલીસથી બચાવે છે.

        શેખર રાનીના પ્રેમમાં પડી જાય છે. રાની પણ તેને પ્રેમ કરવા લાગે છે. રાનીની બહેન લીલા (ચંદ્રપ્રભા) થિયેટરના માલિક ઇન્દ્રજીતબાબુના દીકરા મોહન (કનુ રોય) સાથે પ્રેમ કરે છે અને પ્રેગનેન્ટ થઇ જાય છે. (ભારતીય સિનેમાના ઇતિહાસમાં લગ્ન પહેલાં સ્ત્રીને ગર્ભવતી થતાં દર્શાવતી આ પહેલી ફિલ્મ હતી.) એક સમય આવે છે જયારે રાની સામે શેખર ચોર છે એ જાહેર થઇ જાય છે. આગળ જે રસપ્રદ ઘટનાઓ થાય છે તે માટે ફિલ્મ જોવી રહી.  

        અશોક કુમારના સહજ અભિનયને લીધે લોકોએ એક ચોરનો પણ હીરો તરીકે બહુ સહજતાથી સ્વીકાર કર્યો. એક્ટિંગને મામલે તે બાકી બધા કલાકારો ઉપર હાવી રહ્યા. મુમતાઝ શાંતિ પણ પોતાનો રોલ બહુ સારી રીતે નિભાવ્યો છે. પંજાબમાં જન્મેલી મુમતાઝ બેગમે ૧૯૩૭ માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને બહુ જ જલદી તે ધ જ્યુબિલી ગર્લ તરીકે ઓળખાવા લાગી. ૧૯૫૦ માં પોતાના પતિ વલી સાહેબ સાથે તે પાકિસ્તાન જતી રહી. ૧૯૪૦ થી ૧૯૫૦ સુધી તેણે અનેક સુપર હીટ ફિલ્મોમાં કામ કર્યું. ૧૯૭૫ માં તેણે ફરી સંજીવ કુમારની આક્રમણ નામની ફિલ્મમાં શોખ માટે નાની ભૂમિકા ભજવી.

        કિસ્મતમાં કોમેડીનો ભાર વી. એચ. દેસાઈ અને ડેવિડના ખભે છે એજ તે બંનેએ બરાબર ઉપાડ્યો છે. તે સમયમાં કંપની કલાકારોને નોકરી ઉપર રાખતી તેથી ઘણા કલાકારો એક જ પ્રોડ્યુસરની ફિલ્મોમાં દેખાતા. દેસાઈ તેમાંનો એક હતો. તેણે જે ફિલ્મમાં રોલ કર્યો છે તે બધી જ બોમ્બે ટોકીઝની ફિલ્મો હતી. ૧૯૫૦માં મૃત્યુ થતાં હિન્દી સિનેમાએ એક સારો કોમેડિયન ગુમાવ્યો. ડેવિડને હંમેશાં વૃદ્ધ અને ટાલિયાના રોલમાં જોયો હોવાથી પહેલી નજરમાં એકદમ યુવા ડેવિડ ઓળખાતો નથી. ખંધા તેમ જ હંમેશાં કોઈ સ્ત્રી સાથે ફોન ઉપર વાત કરતા રહેતા દુકાનદારના રોલમાં તે જામે છે. પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરનાર શાહ નવાઝ પણ આઝાદી પછી પાકિસ્તાન જતો રહ્યો. આ ફિલ્મથી ગીતા રોય ચૌધરી (ગીતા દત્ત) ના ભાઈ કનુ રોયે ફિલ્મોમાં પ્રવેશ કર્યો. શેખરના બાળપણનો રોલ મેહમૂદે ભજવ્યો છે.  

        સંગીત આ ફિલ્મનું જમાપાસું છે. અનિલ બિસ્વાસે સરસ ગીતો આપ્યાં છે. અનિલ બિસ્વાસે પહેલીવાર ફુલ કોરસનો ઉપયોગ કર્યો છે, એટલે કે સંપૂર્ણ ગીત કોરસે જ ગયું. સંપૂર્ણ કોરસમાં ગવાયેલું તે ગીત હતું ‘આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હતી, દૂર હટો ઐ દુનિયાવાલો’ તે ગીત અંગ્રેજોની લોખંડી સેન્સરશીપમાંથી પસાર થવાનું કારણ પણ તેની એક પંક્તિમાં છે, જ્યાં જર્મન અને જાપાન શબ્દ વાપર્યા હતા. તે સમયે બીજું વિશ્વયુદ્ધ શરૂ હતું અને બ્રિટન મિત્રદેશો સાથે મળીને જર્મની અને જાપાન સામે લડી રહ્યું હતું તેથી પ્રદીપે ચાલાકીથી એક પંક્તિ ગોઠવી અને દિલમાં આગ જગાવી શકતું દેશભક્તિનું ગીત સેન્સરમાંથી પાસ થઇ ગયું. ફિલ્મ રીલીઝ થઇ અને થોડા જ સમયમાં આ ગીત રાષ્ટ્રભક્તિ માટેનું ગીત બની ગયું. અંગ્રેજો ફિલ્મ ઉપર બેન ન લગાવી શક્યા, પણ કવિ પ્રદીપ માટે અરેસ્ટ વોરંટ નીકળ્યું. જો કે કવિ પ્રદીપ અન્ડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. ‘દે દિ હમેં આઝાદી’, ‘અય મેરે વતન કે લોગોં’, ‘આઓ બચ્ચો તુમ્હે દિખાયે’, ‘હમ લાયે હૈ તુફાન સે’ જેવાં દેશભક્તિનાં ગીતો કવિ પ્રદીપને કલમથી નીકળ્યાં છે.

        કૂલ આઠ ગીતો છે આ ફિલ્મમાં જેમાંથી ‘આજ હિમાલય કી ચોટી સે’, ‘મેરા બુલબુલ સો રહા હૈ’, ‘ઐ દુનિયા બતા – ઘર ઘર મેં દિવાલી’ આજના સમયમાં પણ કર્ણપ્રિય લાગે છે. બાકીનાં ગીતો ‘અબ તેરે સિવા કીન મેરા કિશન’, ‘ હમ ઐસી કિસ્મત કો’, ‘પપીહા રે મેરે પિયા સે કહીયો’, ‘તેરે દુઃખ કે દિન’ તે સમયે કદાચ ચાલ્યાં હશે, પણ આજના સમયમાં સાંભળવામાં મજા નથી આવતી. મોટાભાગનાં ગીતો અમીરબાઈ કર્નાટકીએ ગાયાં છે. કન્નડ કોકિલાના નામથી જાણીતી આ ગાયિકાનો ગુજરાતી ઉપર પણ એટલો જ કાબુ હતો. તેણે અવિનાશ વ્યાસના સંગીત નિર્દેશનમાં ;મારે તે ગામડે એક વાર આવજો’ ગાયું હતું. તેણે ગીતો ગાવા ઉપરાંત ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.

        કેટલીક બાબતો આ ફિલ્મમાં ખટકે છે. અપંગ બનેલી રાનીને કાખઘોડી લઈને ફક્ત ગીત દરમ્યાન દેખાડવામાં આવી છે, બાકી સમયમાં તે કાખઘોડી અદ્રશ્ય થઇ જાય છે. તે અપંગ છે એવું એક પણ દ્રશ્ય દ્વારા લાગતું નથી. ગુરૂજી નામનું એક પાત્ર ઉભડક રીતે બતાવવામાં આવ્યું છે. તે શા માટે રાની અને લીલા સાથે રહે છે અને અચાનક કેવી રીતે ગીત ગાવા લાગે છે તે રહસ્યમય લાગે છે.

        આરોહ અવરોહ સાથે બોલતા ડાયલોગ અને બ્લેક એન્ડ વ્હાઈટ તેમ જ અશોક કુમારના ફેન હોવ તો આ ફિલ્મ જોવાની મજા આવશે.

 

જ્યોતિન્દ્ર મહેતા