આજે બારમાં ધોરણનું પરિણામ હતું. એટલે શાળાઓમાં બધે સવારથી જ ચહલપહલ હતી. શું પરિણામ આવશે..? આ પ્રશ્ન માત્ર શાળામાં નહીં ,અનેક પરિવારોમાં ચર્ચાઇ રહ્યો હતો.
હિના બેનનો પરિવાર એટલે એક મધ્યમ વર્ગીય પરિવાર. પતિ ગોપાલભાઈ , સંતાનમાં પુત્ર શનિ અને પુત્રી મેઘા. આ ચારેય જણા સુખેથી રહે. મોંઘવારી ખૂબ વધી રહી હતી. એટલે ગોપાલભાઈની કમાણીથી ઘર માંડ માંડ ચાલતું. હીનાબેન સિલાઈ કામ કરી અને મદદ કરાવે ત્યારે સંતાનોની ફી ના પૈસાની વ્યવસ્થા થતી. પણ, બંને સંતાનો ભણવામાં ખૂબ હોશિયાર એટલે એમના માટે મહેનત કરવી તેમને સફળ લાગતી.
હીનાબેન અને ગોપાલભાઈને તો આજે આખી રાત ઊંઘ ન આવેલી. તેમના પુત્ર શનિનું પણ આજે ૧૨ સાયન્સનું પરિણામ હતું. પણ, શનિ તો ચિંતા મુક્ત હતો. કેમકે, એને એની મહેનત ઉપર પૂરો ભરોસો હતો. એ જાણતો જ હતો કે પરિણામ તેના માટે આનંદદાયી જ હશે. અને ખરેખર ,એવું જ બન્યું.
સમગ્ર જિલ્લામાં તે પ્રથમ ક્રમે આવ્યો. શાળા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને પ્રોત્સાહનો પણ અપાયા.
હીનાબેન અને ગોપાલભાઈએ પણ હવે હાશકારો અનુભવ્યો. છતાંય, ઊંડે-ઊંડે એક ચિંતા તો હતી જ કે.. હવે આગળ અભ્યાસ નું શું..? અત્યાર સુધી તો ફી ની વ્યવસ્થા થઈ ગઈ પણ હવે..?તેઓ શનિની રાહ જોતા આ જ મનોમંથનમાં હતા.
ત્યાં ,શનિ દોડતો દોડતો આવે છે અને તેના મમ્મી પપ્પાને પગે લાગતા કહે છે....
" જો હું સમગ્ર શહેરમાં પ્રથમ આવ્યો".
હીનાબેન: (આંખોમાં આંસુ સાથે) હા.. તારી સફળતાની તો અમને ક્યારની ખબર પડી ગઈ. તારા સ્કૂલે ગયા પછીના ક્યારના બધા સંબંધીઓના ફોન આવે છે. તને શુભકામના આપવા માટે..!
ગોપાલભાઈ : "તારી મહેનત ફળી બેટા.."
શનિ : ના..ના.."આપણી મહેનત ફળી .."
(બધા ખૂબ ખુશ થાય છે)
એટલામાં મેઘા પણ દોડતી દોડતી આવે છે.
મેઘા : "કોંગ્રેચ્યુલેશન્સ ભયલુ ..! મારી પાર્ટી..?"
શનિ: " હું ડોક્ટર બની જઈશ એટલે તારી પાર્ટી પાકી ..પછી હું તારી બધી જીદ પૂરી કરીશ બસ.."
શનિ : ( માતા-પિતાને ઉદ્દેશીને) "હા ...હવે મને ડોક્ટર બનતા કોઈ રોકી નહીં શકે.. હવે થોડોક જ સમય. પછી તમારે અને મમ્મીને કામ કરવાની જરૂર નહીં રહે. મેઘાના ભવિષ્યની પણ હવે ચિંતા કરવાની નથી.
હીનાબેન : (મૂંઝાયેલા ચહેરે ) "પણ બેટા ,એડમિશન માટેની તપાસ કરી..? કેમ થશે..?
શનિ : " હા, પ્રિન્સિપલ સાહેબે કહ્યું છે કે મને સરકારી કોલેજમાં એડમિશન મળી જશે.એટલે, ચિંતા કરવાની જરૂર નથી.
ગોપાલભાઈ : એટલે પછી ફી નહીં ભરવી પડે..?
શનિ :"હા...અને કદાચ ,હશે તો પણ સાવ નજીવી. તેની પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી.
સની બેગમાંથી એક એન્વલપ કાઢીને હીનાબેનનાં હાથમાં મૂકે છે.
હીનાબેન : (આશ્ચર્ય સાથે) " શું છે ? આ ચશ્મા વગર મને ક્યાં કઈ દેખાય છે ? (વાંચવા માટે પ્રયાસ કરે છે પણ વાંચી શકાતું નથી.)
મેઘા: (હાથમાંથી એન્વલપ લઈ લે છે અને વાંચીને કહે છે) "વાહ...વાહ...ભઈલું સ્કોલરશીપ..!
મેઘા : (હીનાબેનને ઉદ્દેશીને) "મમ્મી ભયલુંને સ્કુલ તરફથી બે લાખ રૂપિયાની સ્કોલરશીપ મળી છે. વધુ અભ્યાસ માટે..
હીનાબેન અને ગોપાલભાઈ તો ખૂબ ખુશ થઈ ગયા. બંનેની આંખોમાં ફરી હરખના આંસુ આવી ગયા. હવે તેમના ચહેરા પરનો આનંદ અવર્ણનીય હતો. બંને મનોમન ભગવાનનો આભાર માનવા લાગ્યા.
ગોપાલભાઈ તરત જ બાજુની ડેરીમાંથી પેંડા લાવ્યા અને બધાએ મીઠું મોઢું કરી ઉજવણી કરી.
પછી તો, શનિનું એડમિશન થયું અને સુખના દિવસોની પ્રતીક્ષામાં શનિએ અને તેના ધ્યેયને પામવા આખા પરિવારે મહેનત કરવાની શરૂ કરી. શનિ આખો દિવસ ખૂબ મન દઈને મહેનત કરવા લાગ્યો. કોલેજ સિવાયના સમયમાં પણ તે કયારેય સમયને વેડફતો નહીં.
અરે ત્યાં સુધી કે ,રાત-રાત સુધી જાગીને એક એક પરીક્ષાની તૈયારી કરતો. અને બારમા ધોરણની પરીક્ષાની જેમ જ બધી પરીક્ષાઓમાં પ્રથમ આવતો. હવે તો તેનાં અને તેનાં સપના વચ્ચે ખૂબ ઓછું અંતર હતું. કદાચ તો આ સપનું હવે એકલા શનિનું નહીં આખા પરિવારનું હતું.હવે જ સાચો ખરાખરીનો સમય હતો. ફાઈનલ પરીક્ષા ખૂબ નજીક હતી હતી.
ગોપાલભાઈ અને હીનાબેન આખો દિવસ શનિને મહેનત કરતો જોઈ ગર્વ અનુભવતા અને સુખમય સવારની પ્રતિક્ષા કર્યા કરતા..
એટલામાં શનિનો જન્મ દિવસ આવ્યો..આ વખતે તો ઘરનાં બધાએ જન્મ દિવસ ધુમધામથી ઉજવશું એવું નક્કી કર્યું પણ, શનિ આ માટે ન માન્યો.
શનિ :" શું જરૂર છે આવા ખોટા ખર્ચા કરવાની..? આપણે સાથે બેસી મનગમતું કંઈપણ જમીએ એટલે મારા માટે તો મ ઊજવણી થઈ જશે.
શનિને ભાવતી પૂરણપોળી અને ઉંધીયુ બનાવ્યા.બધાએ સાથે મળી ભાવતું ભોજન લીધું.
(મેઘા એક ગીફ્ટ બોક્સ લઈને શનિને આપે છે..)
મેઘા : " લે ભયલું.અમારા તરફથી.."
શનિ : " શું જરૂર હતી આની ..? ઘણું કર્યું છે તમે..હવે વધુ કરી મને ઋણી ન બનાવશો".
ગોપાલભાઈ : "સંતાનો માતા-પિતા માટે કયારેય ઋણી ન હોય.અને અમે કયાં કંઈ ખોટા ખર્ચ કરી કંઈ આપ્યુ છે.આપણા સપનાંનો નાનકડો ઊજાસ આપ્યો છે".
શનિ ગીફ્ટ બોક્સ ખોલે છે તો એમાંથી ડોક્ટર માટેનો સફેદ શટૅ અને સ્ટેથોસ્કોપ હોય છે.શનિ એને હળવે હાથે સ્પશૅ કરે છે.જાણે ,સપનાંને સ્પશૅતો હોય.
મેઘા :( સ્ટેથોસ્કોપ શનિ તરફ ધરીને મજાકમાં ) "ચાલ ભયલું, મને તપાસી જો..હું તારી પહેલી પૅશન્ટ..
શનિ : "ચુપ કર ચિબાવલી..કોઈને પૅશન્ટ નથી બનવું..બધા સાજા રહો એજ સારું કહેવાય.એક ડોક્ટરના ધરે પેશન્ટ થોડા હોય..!" (લાગણીમાં તણાતો જાય છે.)
શનિ : "બાય ધ વે બધાને થેન્કયું.."
હિના બેન : "શનિનો કાન મચકોડી કહે છે.. બોલ તો.. બીજીવાર..!"
શનિ : "કંઈ નહીં, મમ્મી... એમ જ. હવે નહીં કહું બસ".
એક રૂમ અને રસોડાવાળા નાનકડા મકાનમાં રહેતા એ ભોળા મનનાં માનવીઓ કંઈ કેટલાય સપના આંખોમાં ભરીને જીવી રહ્યા હતા.એક દિવસ જરૂર સુખમયી સવાર આવશે..!
શનિ રોજ રૂમનું બારણું બંધ કરી શાંતિથી રૂમમાં પોતાની પરીક્ષાની તૈયારી કરતો. હીનાબેન બહાર રસોડામાં સિલાઈ કામ કરતા બેઠા હોય. આજ એમનો નિત્યક્રમ.
એક દિવસની વાત છે. પરીક્ષાના દિવસો હવે ગણતરીના જ બચ્યા હતા. એટલે, શનિ બે રાતથી બરાબર સુતો નહી. આ જોઈ હીનાબેન અને ગોપાલભાઈ ચિંતા કરે.
હિના બેન : " બેટા થોડોક આરામ કરી લેવો હતો ને.. તે તો તારા તરફથી પૂરેપૂરી મહેનત કરી જ લીધી છે. જે થાય તે સારું જ થશે. ઈશ્વર પર છોડી દે બધું. હવે તારા મનને પણ થોડી શાંતિ આપ. શરીરને પણ આરામની જરૂર હોય.સૂઈ જા થોડીવાર".
શનિ :ના..ના.. મમ્મી મને કોઈ થાક નથી લાગ્યો. પણ,હા.. આજે થોડું માથું દુખે છે. મને સરસ ફુદીનાવાળી ચા બનાવી આપને..
હિના બેન : "સારું.. એટલીવાર તું આરામ કર. હમણાં જ તારા માટે ચા બનાવીને આવું છું".
શનિ થોડીકવાર પુસ્તકો દૂર મૂકી આરામ કરવા માટે સુવે છે. હીનાબેનને થયું એને ડિસ્ટર્બ થશે. એટલે રૂમનું બારણું બંધ કરી દીધું. એ રસોડામાં ચા બનાવવા આવે છે.તપેલીમાં ચા ઉકળવા મુકી. તેઓ બહારના ક્યારામાંથી તાજો ફુદીનો ચૂંટવા જાય છે.
ઓચિંતાની કયાંકથી "મમ્મી...." ની ચીસ સંભળાઈ હોય એવો ભાસ થયો. તેમણે ફરી કાન ધરી સાંભળવા પ્રયાસ કર્યો પણ, ફરી અવાજ ન સંભળાયો. અવાજ આવ્યો ન આવ્યો ને અટકી ગયો એવું લાગ્યું. હીનાબેને જોયું તો એટલામાં કોઈ નહોતું. કદાચ મારો વહેમ હશે..એવું મનોમન કહેતા તે રસોડામાં ગયા. જઈને ફુદીનો ચા માં નાખી કપ તૈયાર કરી ચા ગાળવાની તૈયારી કરે છે. એટલામાં ફરી એક જોરથી ચીસ સંભળાઈ..
" મમ્મી.........."
હીનાબેનથી સાણચીનો ઘા થઈ ગયો. એ ચીસ શનિની હતી.એમણે ઝડપથી રૂમનો દરવાજો ખોલીને જોયું તો..શનિની આંખો ઊંચી ચડી ગયેલી હતી અને શ્વાસ જાણે એમની પ્રતિક્ષામાં જ હોય તેમ આખું શરીર તરફડતું હતું.આ દ્રશ્ય જોઈ હિનાબેનની આંખો પણ પહોળી થઈ ગઈ..અવાજ રુંધાવા લાગ્યો..
હિના બેન : "શનિ.....શું થાય છે તને..! શનિ...બેટા.."
શનિ કાંઈ બોલતો નથી માંડ ઊચકાયેલા હાથથી સામે ટીંગાડેલા સફેદ શટૅ અને સ્ટેથોસ્કોપ તરફ આંગળી કરે છે. ને ત્યાં તો એક જોરદાર આંચકીથી તેનું શરીર ફરી ખેંચાયું..ને તેણે એમ જ હિનાબેનનાં ખોળામાં શ્વાસ છોડી દીધાં.એ સપનાં તરફ ધરાયેલ આંગળી તરત ધરાશયી થઈ ગઈ.થોડી ક્ષણ પહેલાંના સોનેરી સપનાં જોતી આંખો ક્ષણવારમાં નિષ્પ્રાણ બની ગઈ.
ગોપાલભાઈ અને મેધા તો હજી થોડીવાર પહેલાં જ બહાર ગયેલા.એટલે એ તો આ કશું અનુભવવાના સાક્ષી સુદ્ધાં ન રહયાં.તો બીજી તરફ એકલાં હિનાબેન તો હજી આ આધાતને ન જીરવી શકતા બેશુદ્ધ જેવી હાલતમાં એમ જ બેઠાં હતાં.જાણે એમનું મન આ વાતને માનવા તૈયાર જ ન હોય.
થોડીક જ ક્ષણોમાં આકાશમાંથી સૂયૅએ વિદાય લીધી અને અમાસની રાતે અંધારાએ આભને ઘેરી લીધું...એવું જ અંધારું આજે આ એક આંખમાંથી છીનવાયેલા સપને બીજી ત્રણ આંખોમાં પણ કાયમી અંધારું કરીને જતું રહ્યું...
એક નિષ્પ્રાણ દેહ અને ત્રણ આશાભર્યા હૃદયના જાણે ધબકાર છીનવાઈ ગયા..જેના સાક્ષી પણ ન બની શકયાનો રંજ આક્રંદ રુપે ચોતરફ વ્પાયી ગયો ને જીવંત શરીરમાંથી પણ જાણે ચેતના ને છીનવી ગયો.
-ડૉ.સરિતા (જલધિ)