Pyar Kiye Jaa - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | પ્યાર કિયે જા – રીવ્યૂ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

પ્યાર કિયે જા – રીવ્યૂ

ફિલ્મનું નામ : પ્યાર કિયે જા 

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : સી.વી. સ્રીધર (અથવા શ્રીધર) 

ડાયરેકટર : સી.વી. સ્રીધર  

કલાકાર : શશી કપૂર, કિશોર કુમાર, રાજસ્રી(રાજશ્રી), કલ્પના મોહન, મેહમૂદ, મુમતાઝ, ઓમપ્રકાશ અને ચમન પુરી    

રીલીઝ ડેટ : ૧૯૬૬

 

        ૧૯૬૬ માં એક થી એક ચડિયાતી ફિલ્મો આવેલી અને તેમાં પ્યાર કિયે જા સેમી હીટ બની અને ટોપ તેં ફિલ્મોમાં સ્થાન પામી. ધર્મેન્દ્રની ફૂલ ઓર પથ્થર, સંગીતમય ફિલ્મ સુરજ, સસ્પેન્સ ફિલ્મ મેરા સાયા અને તીસરી મંઝીલ, લવ ઇન ટોકિયો, દો બદન, આયે દિન બહાર કે, સાવન કી ઘટા, દસ લાખ, આમ્રપાલી, દિલ દિયા દર્દ લિયા જેવી ફિલ્મો ૧૦૬૬ માં રીલીઝ થયેલી. જો કે આમ્રપાલી અને દિલ દિયા દર્દ લિયા તે સમયે ફ્લોપ ગણાયેલી, પણ ઉપર જે નામ લખ્યાં છે તે ફિલ્મોએ બોલીવુડના ઈતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે અને તેમની જેમ પ્યાર કિયે જા પણ મેહમૂદના એક સીન માટે અજરામર બની ગઈ.

        ૧૯૬૪ માં સી. વી. સ્રીધરે એક રોમેન્ટિક કોમેડી તમિલ ફિલ્મ ફિલ્મ બનાવી હતી કધલીક્કા નેરામીલ્લાઈ જે સફળતાને વારી હતી. ત્યારબાદ એ જ ફિલ્મ તેલુગુમાં પ્રેમીંચી ચૂડું નામે ૧૯૬૫ માં બની, જેમાં મુખ્ય ભૂમિકા નાગાર્જુનના પિતા નાગેશ્વર રાવે ભજવી હતી. તેલુગુમાં સફળતા મળ્યા પછી એ જ ફિલ્મ હિન્દીમાં ૧૯૬૬ માં પ્યાર કિયે જા નામથી બની. તમિલ અને તેના આ હિન્દી વર્જનના ડાયરેકટર સી.વી. સ્રીધર જ હતા. (રીમેક એ બહુ જુનો બિઝનેસ છે.)

        ફિલ્મની વાર્તા બહુ સીધી અને સરળ છે. રામલાલ (ઓમપ્રકાશ) લખપતિ છે અને મોટી ઇસ્ટેટનો માલિક છે, જેને બે દીકરી માલતી (સુંદરતાની મુરત કલ્પના), નિર્મલા (રાજસ્રી) અને એક દીકરો આત્મા (મેહમૂદ) છે. બંને દીકરીઓ મુંબઈમાં ભણે છે અને દીકરાને ફિલ્મ બનાવવાનો શોખ ચડ્યો છે એટલે ઇસ્ટેટમાં દૂરબીન લઈને ફરતો રહે છે.

        માલતી પહેલેથી શ્યામ (કિશોર કુમાર) ના પ્રેમમાં છે. (ફિલ્મની શરૂઆત તે બંને વચ્ચેના ડ્યુએટ સાથે થાય છે.) માલતી અને નિર્મલા સ્વગૃહે પાછી ફરે છે અને એક દિવસ તેમની ટક્કર થાય છે પોતાના પિતા રામલાલની ઇસ્ટેટમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા અશોક (શશી કપૂર) સાથે. ગુસ્સે થયેલી બંને બહેનો રામલાલને કહીને અશોકને નોકરીએથી કાઢવી દે છે. જો કે જીદ્દી અશોક માનતો નથી અને રામલાલના બંગલા સામે તંબુ તાણીને ન્યાય મેળવવા બેસી જાય છે અને રામલાલ મુર્દાબાદ એવું ગીત પણ ગાય છે (રામજાણે પોતાની પાછળ નાચવા અને ગાવા માટે યુવકો ક્યાંથી લઇ આવે છે.)

        ત્યારબાદ નિર્મલા અને અશોક વચ્ચેની નફરત પ્રેમમાં પરિણમે છે. રામલાલ પોતાની દીકરીઓ માટે કરોડપતિ વર શોધી રહ્યો હોય છે તેથી પોતાની પ્રેમની નૈયા પાર કરાવવા ગરીબ માસ્તરનો દીકરો અશોક તરકટ રચે છે અને પોતાના કરોડપતિ મિત્ર શ્યામને મોટી ગાડી લઈને રામલાલ ઇસ્ટેટ બોલાવે છે અને પોતાનો નકલી કરોડપતિ બાપ બનાવીને રામલાલ સામે પેશ કરે છે. કરોડપતિ ગંગાપ્રસાદ રાયબહાદૂરના વેશમાં આવેલ શ્યામ પોતાની પ્રેમિકા માલતીને ત્યાં જુએ છે અને ....

        ત્યારબાદ એક પછી એક ઘટનાઓ બને છે અને અંતે ઘીના ઠામમાં ઘી પડી રહે છે. આ ફિલ્મમાં સૌથી વધુ ભાવ બાપ-દીકરાની જોડીમાં દેખાયેલ ઓમપ્રકાશ અને મેહમૂદ ખાઈ ગયા છે. કંજૂસ બાપ અને ફિલ્મ બનાવવા પાછળ પાગલ બાગી દીકરા તરીકે બંને મોજ કરાવે છે. તે બંને વચ્ચેનો એક સીન આજે પણ ફિલ્મના ઈતિહાસમાં અમર છે. એક સીનમાં ઓમપ્રકાશ મેહમુદને તેની ફિલ્મની વાર્તા પૂછે છે. મેહમૂદ પોતાની હોરર ફિલ્મની વાર્તા કહેવાનું શરૂ કરે છે. મેહમૂદની એક્શન અને તેની એક્શન ઉપર ઓમપ્રકાશની રીએક્શનને લીધે તે સીન આજે પણ એવરગ્રીન છે.                                     

        ઓમપ્રકાશ અને મેહમૂદની સાથે જ મુમતાઝ પણ આ ફિલ્મમાં ખીલી છે. સુંદરતાં અને માદકતાના મિશ્રણ સમાન મુમતાઝ તે સમય સુધી દારાસિંગની હિરોઈન હતી. આ ફિલ્મમાં તેને મેહમૂદની હિરોઈન તરીકે મળ્યો અને તેણે તે પણ સાર્થક કરીને બતાવ્યો. ‘ઓ મેરી મૈના’ ગીત ઉપરનો મેહમૂદ અને મુમતાઝનો ડાન્સ માણવાલાયક છે. તે ઉપરાંત મેહમૂદ સાથેના સીનમાં તેને બરાબરની ટક્કર આપે છે. આ ફિલ્મના રિલીઝના ત્રણ વર્ષ પછી મુમતાઝ રાજેશ ખન્ના સાથે ‘દો રાસ્તે’ માં મુખ્ય હિરોઈન તરીકે આવી અને તેની ગાડી મેન ટ્રેક ઉપર આવી. ત્યારબાદ તે સૌથી વધુ નાણા રળતી હિરોઈન બની ગઈ. સાવ નાના રોલથી લઈને મુખ્ય હિરોઈન તરીકેની સફર કરનાર મુમતાઝે ૧૯૭૭ માં ‘આઈના’ ફિલ્મ પછી મયુર માધવાણી સાથે લગ્ન કરીને બોલીવુડને અલવિદા કહી દીધી.                                 

        એક્ટિંગને મામલે જો કે શશી કપૂર કે કિશોર કુમાર પણ પાછળ નથી. તે બંને પણ બરાબરના ખીલ્યા છે. રોમેન્ટિક સીનમાં શશી કપૂર અફલાતૂન. હંમેશાં કોમેડી ફિલ્મો કરતા કિશોર કુમાર માટે આ ફિલ્મ એટલે વધુ એક ફિલ્મ જેવું છે. તેના માટે કોમેડી રોલ કરવો એટલે બાયેં હાથ ક ખેલ જેવું જ હતું અને અહીં પણ એટલી સહજતાથી પોતાનું કિરદાર નિભાવે છે.

        આ ફિલ્મની મુખ્ય હિરોઈન છે રાજસ્રી ( વી. શાંતારામની દીકરી રાજશ્રી નહિ). તે તમિલ, તેલુગુ અને હિન્દી ત્રણેય ફિલ્મમાં મુખ્ય હિરોઈન હતી. રાજસ્રીએ ૧૯૫૬ થી લઈને ૧૯૭૯ની ઘણીબધી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેનો ચહેરો વૈજયંતી માલાને મળતો આવતો હતો અને આ ફિલ્મના ઘણાબધાં સીનમાં વૈજયંતી માલા હોવાનો ભ્રમ પેદા થાય છે. જો કે શશી કપૂર જેવા રૂપાળા અભિનેતા સામે તે ઓછી જામે છે. તેના કરતાં આ રોલ કલ્પનાને મળ્યો હોત તો તે જોડી વધુ સુપરહિટ રહી હોત. કલ્પના (કલ્પના મોહન ) આ પહેલાં શમ્મી કપૂર (પ્રોફેસર) અને દેવ આનંદ (તીન દેવીયાં) સાથે તે જોડી જમાવી ચૂકી હતી. જો કે બાર ફિલ્મો જેટલી ટૂંકી કારકિર્દી ધરાવતી આ અદાકારાએ ૧૯૭૨ પછી ફિલ્મો છોડી દીધી. તેણે પહેલાં લગ્ન પ્રખ્યાત સ્ક્રીનરાઈટર સચિન ભૌમિક સાથે કર્યાં અને છૂટાછેડા પછી બીજાં લગ્ન એક નેવી ઓફિસર સાથે કર્યાં. તેની સાથે ૧૯૭૨ માં છૂટાછેડા લઇ લીધા અને પછી દીકરીને ઉછેરવા માટે ફિલ્મ લઈને છોડી દીધી.

        આ ફિલ્મમાં મદન પુરી અને અમરીશ પુરીનો મોટો ભાઈ ચમન પુરી કિશોર કુમારના કરોડપતિના બાપના રોલમાં છે. અમરીશ પુરી જેવો જ ઘેઘુર અવાજ ધરાવતા આ સિનીયર પુરીની કારકિર્દી ૧૯૩૮ થી લઈને ૧૯૮૯ સુધી લંબાઈ. હંમેશાં ગરીબ બાપ અને લાચાર વ્યક્તિના રોલ કરતો શિવરાજ અહીં શશી કપૂરના બાપના રોલમાં છે.

        ગીત અને સંગીતની વાત કરીએ તો લક્ષ્મી-પ્યારે એ કર્ણપ્રિય સંગીત પીરસ્યું છે. જો કે ત્રણ ચાર ગીતોને છોડીએ તો બાકી ગીતો ફિલ્મની લંબાઈ વધારવાના કામમાં આવ્યાં છે. તે ગીતો ફિલ્મમાં ન હોત તો પણ કોઈ ફરક પડ્યો ન હોત.

        તે સમયે કોમેડી રોલ માટે મેહમૂદ અને ઓમપ્રકાશ બંનેને ફિલ્મફેર એવોર્ડનું નોમીનેશન મળ્યું હતું અને તે એવોર્ડ મેહમૂદને ફાળે ગયો હતો. મેહમૂદને આ રોલ માટે  બી.આર. ચોપરાએ શરૂ કરેલ રાધાક્રિશન એવોર્ડ પણ મળ્યો હતો, જો કે મેહમૂદે ત્યાં જાહેર કર્યું હતું કે ઓમપ્રકાશ પણ આ એવોર્ડના એટલા જ હકદાર છે કારણ તેમની રીએક્શન વગર તેની એક્ટિંગ અધુરી હોત.

એક બે વધારાનાં ગીતો છોડી દો તો ફિલ્મનું એડીટીંગ ચુસ્ત હતું અને ફોટોગ્રાફી પણ નયનરમ્ય છે.

શશી કપૂરવાળો રોલ પહેલાં રાજેન્દ્રકુમારને આપવામાં આવ્યો, પણ તે મેહમૂદ સાથે કામ કરવા માટે રાજી નહોતો એટલે તે રોલ શશી કપૂરને મળ્યો.

આ જ ફિલ્મને ત્યારબાદ કન્નડમાં અને મરાઠીમાં પણ બનાવવામાં આવી. ૧૯૮૫ માં આવેલી મરાઠી ફિલ્મ ધૂમધડાકામાં શશી કપૂરનો રોલ મહેશ કોઠારેએ ભજવ્યો હતો અને કિશોર કુમારનો રોલ અશોક સરાફને ફાળે ગયો હતો. મેહમુદનો રોલ તે સમયના ઉભરતા કલાકાર લક્ષ્મીકાંત બેર્ડેને મળ્યો હતો જેણે ત્યારબાદ મરાઠી ફિલ્મોમાં ઊંચું સ્થાન હાંસલ કર્યું.

એક સારી રોમ-કોમ ફિલ્મ જોવી હોય તો આ ફિલ્મ એક સારી ચોઈસ છે. યુટ્યુબ પણ જોવા મળશે.

 

સમાપ્ત