Chalti ka naam Gaadi - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | ચલતી કા નામ ગાડી – રીવ્યૂ

Featured Books
Categories
Share

ચલતી કા નામ ગાડી – રીવ્યૂ

ફિલ્મનું નામ : ચલતી કા નામ ગાડી 

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : અનૂપ શર્મા   

ડાયરેકટર : સત્યેન બોઝ 

કલાકાર : અશોક કુમાર, અનૂપ કુમાર, કિશોર કુમાર, મધુબાલા, કે.એન ,સિંઘ અને સજ્જન    

રીલીઝ ડેટ : ૧ જાન્યુઆરી ૧૯૫૮

 

        સાધારણ રીતે એવું બનતું હોય છે કે કોઈ પ્રોડ્યુસર ફિલ્મ બનાવે ત્યારે ઈચ્છતો હોય છે કે તેની ફિલ્મ બ્લોક બસ્ટર નીવડે, પણ એક વિરલો એવો હતો જે ઈચ્છતો હતો કે તેની ફિલ્મ ફ્લોપ જાય અને તેને નુકસાન થાય. ચલતી કા નામ ગાડી સાથે એવું જ થયું હતું. તેનો અસલી પ્રોડ્યુસર કિશોર કુમાર જ હતો અને તેને ઇન્કમટેક્સ ઓછો ભરવો પડે તે માટે ફ્લોપ જાય તે માટે બે ફિલ્મો બનાવી ‘ચલતી કા નામ ગાડી’ અને ‘લુકોચુરી’ (બંગાળી) અને તેનાં નસીબ ખરાબ કે બંને સુપરહીટ નીવડી.

        તે જ કારણસર તેણે ચલતી કા નામ માટે પ્રોડ્યુસર તરીકે પોતાના સેક્રેટરી અનૂપ શર્માનું નામ આપ્યું અને ફિલ્મના બધા જ રાઈટ્સ તેના નામે લખી દીધા. આ ફિલ્મ ફ્લોપ થશે એવું વિચારવું કિશોર કુમારનું વિચારવું એ વધુ પડતું હતું કારણ આજે પાંસઠ વર્ષ પછી પણ આ ફિલ્મ જોવી ગમે એવી છે.

        આ ફિલ્મ ત્રણ ભાઈઓની વાર્તા કહે છે. બ્રિજમોહન શર્મા (અશોક કુમાર), જગમોહન શર્મા ઉર્ફ જગ્ગુ (અનૂપ કુમાર) અને મનમોહન શર્મા ઉર્ફ મન્નુ (કિશોર કુમાર) ગેરેજ ચલાવે છે. તેમના ઘરમાં કોઈ સ્ત્રી નથી તેનું કારણ બ્રિજમોહન સ્ત્રીઓથી નફરત કરે છે અને સાથે જ ભાઈઓને પણ સ્ત્રીઓથી દૂર રહેવાનું કહે છે. તેના ગેરેજમાં સ્ત્રીનો કોઈ ફોટો પણ લાગે તે પસંદ નથી.

        એક દિવસ એવું બને છે કે મન્નુ નાઈટ શોફ્ટમાં હોય છે અને ત્યાં આવે છે રેણુ (સુંદરતાની મૂર્તિ મધુબાલા). રેણુની ગાડી ખરાબ થઇ ગઈ હોય છે અને તેને રીપેર કરી આપવાની વિનંતી કરે છે. મન્નુ ગીત ગાતાં ગાતાં ગાડી રીપેર કરી નાખે છે. રેણુ ગાડી લઈને જતી રહે છે ત્યારે મન્નુના ધ્યાનમાં આવે છે કે તે બિલ પાંચ રૂપિયા બાર આના ચૂકવ્યા વગર જતી રહી છે. બીજે દિવસે બ્રિજમોહનને ખબર પડે છે એટલે તે ગુસ્સે થઇ જાય છે અને મન્નુને બીલના પૈસા લઇ આવવાનું કહે છે.

        રેણુ પોતાનું પર્સ ગેરેજમાં ભૂલી ગઈ હોય છે અને પર્સમાં ડાન્સ પ્રોગ્રામનો એન્ટ્રી પાસ મળે છે અને મન્નુ પહોંચે છે થીયેટર ઉપર. અંદર એન્ટ્રી ન મળતાં મન્નુ રેણુની ગાડી ઓળખીને ગાડીમાં બેસી જાય છે. મોડું થતાં તે સુઈ જાય છે અને તેની આંખ ખુલે છે ત્યારે તે રેણુના ઘરના ગેરેજમાં હોય છે. અથડાતો કૂટાતો તે પહોંચે છે રેણુના બેડરૂમમાં. બીજી તરફ તેણે કરેલા અવાજોને લીધે રેણુના ઘરના નોકરો અને રેણુના પિતા સેઠ કિસનચંદ (એસ. એન. બેનર્જી) જાગી ગયા હોય છે અને ઘરમાં ચોર ઘુસી ગયો છે એવું સમજીને શોધી રહ્યા હોય છે. માંડ માંડ ત્યાંથી છૂટેલો મન્નુ ઘરે પરત ફરતો હોય છે ત્યારે તે ગાડી જુએ છે જેમાંથી કેટલાક લોકો લાશ રોડ ઉપર મુકીને ભાગી જાય છે.

        રેણુ અને મન્નુની વધતી મુલાકાતો પ્રેમમાં પરિણમે છે અને તે સાથે રેણુની સહેલી શિલા (સાહિરા) મન્નુના ભાઈ જગ્ગુ તરફ આકર્ષાય છે. બ્રિજમોહન સ્ત્રીઓથી દૂર રહે છે તેનું કારણ તેને એક યુવતીએ લગ્નનું વચન આપ્યું હોય છે અને પછી તે બીજા કોઈ સાથે પરણી જાય છે. તેના ભાઈઓ સાથે એવું ન બને તે માટે તે હંમેશાં પ્રયત્નશીલ હોય છે.

        રાજા હરદયાલ (મોટી આંખોવાળો કે. એન. સિંઘ) સેઠ કિસનચંદ પાસે પોતાના ભાઈ પ્રકાશચંદ (સજ્જન) માટે રેણુનો હાથ માંગે છે. એક તરફ સાધારણ પરિવારનો મન્નુ અને બીજી તરફ રાજપરિવારનો પ્રકાશચંદ, શું કરે છે રેણુ અને તેના પિતા?

        આ સદાબહાર સંગીતમય કોમેડી ફિલ્મનું નિર્દેશન પહેલાં બંગાળી દિગ્દર્શક કમાલ મજુમદાર કરવાના  હતા, પણ મૂહર્તશોટના ત્રણ કલાક મને નહીં ફાવે કહીને રજા લઇ લીધી અને તેની જગ્યાએ અગાઉ જેમની સાથે બંને ગાંગુલી ભાઈઓ કામ કરી ચુક્યા હતા તે સત્યેન બોઝને સ્થાન મળ્યું.. સત્યેન બોઝ આ અગાઉ જાગૃતિ (૧૯૫૪) માટે ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મેળવી ચુક્યા હતા જે તેમની જ બંગાળી ફિલ્મ ‘પરીબર્તન’ ની રીમેક હતી. જાગૃતિ ઉપરાંત તેમણે અનેક બંગાળી અને હિન્દી ફિલ્મો નિર્દેશિત કરી હતી જેમાંથી દોસ્તી (૧૯૬૪ની ‘ચાહૂંગા મૈ તુઝે સાંઝ સવેરે’ ગીત વાળી), રાત ઔર દિન (૧૯૬૭, આ ફિલ્મ માટે નરગીસને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.), જીવન મૃત્યુ (૧૯૭૦ ધર્મેન્દ્ર અને રાખી)

        જુદા જુદા જોનરની ફિલ્મો દિગ્દર્શિત કરતા સત્યેન બોઝે અહીં પણ પોતાની ચમક બતાવી છે. આ ફિલ્મનો દરેક સીન માણવાલાયક છે. આ ફિલ્મનો સીનેમેટોગ્રાફર આલોક દાસગુપ્તા આ ફિલ્મ વખતે સાવ નવોસવો હતો. ત્રેવીસ વર્ષના તે છોકરાને જોઇને સત્યેન બોઝ ભડક્યા અને તેની સાથે કામ કરવાની નાં પાડી દીધી, પણ કિશોર કુમારે એક વાર કામ જોઈ લેવાની વિનંતી કરી. ‘એક લડકી ભીગી ભાગી સી’ ગીતનું કામ જોઇને સત્યેન બોઝ આફરીન થઇ ગયા. ભવિષ્યમાં આ જ આલોક દાસગુપ્તાએ મેહબૂબા અને અમાનુષ જેવી એકથી એક ચડિયાતી ફિલ્મ માટે કેમેરા સંભાળ્યો.

        એક્ટિંગ માટે તો કહેવું પડે એવો કોઈ કમજોર કલાકાર ફિલ્મમાં હતો જ નહિ. બોકસર અને પોતાના ભાઈઓ માટે સંવેદનશીલ એવા મોટાભાઈનો રોલ અશોકકુમારે બખૂબીથી નિભાવ્યો છે. ગાંગુલી ભાઈઓમાં તે સૌથી મોટા હતા અને બોલીવુડના પ્રથમ સુપરસ્ટારને છાજે એવો રોલ આ ફિલ્મમાં નિભાવ્યો છે. ડરપોક અને ચંચલ ભાઈના રોલમાં પોતાના ભાઈઓ સાથે એકદમ અનૂપ કુમાર એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. સાઈઠથી વધુ ફિલ્મો કરનાર અનૂપનું નામ ક્યારેય મોટું ન થયું. તેને આજે પણ આ ફિલ્મ માટે જ યાદ કરવામાં આવે છે.

        ગાંગુલી ભાઈ બહેનોમાં સૌથી નાનો એવો આભાસ કુમાર પોતાના મોટાભાઈ અશોક કુમારના પગલે મુંબઈ આવ્યો અને કિશોર કુમાર એવું નામ ધારણ કર્યું. તેની પહેલી ફિલ્મ શિકારી (૧૯૪૬) હતી જેમાં મુખ્ય હીરો તરીકે અશોક કુમાર હતા. હીરો તરીકે તેની પહેલી ફિલ્મ આંદોલન (૧૯૫૧) હતી. જો કે તેની રૂચી ગાયકી તરફ વધુ હતી અને તેથી જ ઘણીવખત ફિલ્મ શુટિંગ વખતે ઉલુલજુલુલ હરકતો કરતો જેથી તેને કાઢી નાખવામાં આવે. શરૂઆતમાં તે ગાયકી દરમ્યાન કે. એલ. સાયગલની નકલ કરો પણ એસ. ડી. બર્મનની સલાહથી તેણે પોતાની શૈલી વિકસિત કરી અને પછી ઈતિહાસ રચાયો. શરૂઆતમાં કોઈ સંગીત નિર્દેશક તેને ગંભીર ગીતો માટે ગાયક તરીકે ગંભીરતાથી નહોતા લેતાં, પણ ફન્ટુસ (૧૯૫૭) ના દુઃખી મન મેરે ગીત બાદ તેને ગંભીર ગીતો મળવા લાગ્યાં. સંગીતનું કોઈ પ્રશિક્ષણ ન ધરાવતો કિશોર કુમાર અસાધારણ પ્રતિભાનો ધની હતી અને આ જ પ્રતિભાના જોરે તેણે આઠ ફિલ્મફેર એવોર્ડ ગાયક તરીકે મેળવ્યા.

        ચાર લગ્ન કરનાર આ ધૂની કલાકારે આ ફિલ્મમાં પણ ચાર ચાંદ લગાવ્યા છે. મધુબાલા સાથે પ્રેમની શરૂઆત પણ આ ફિલ્મનાં શુટિંગ સમયે જ થઇ હતી અને આગળ જતાં તેમણે લગ્ન કર્યાં. કિશોરે આ ફિલ્મ માટે એકથી એક ચડિયાતાં ગીતો ગાયાં છે. મધુબાલા સુંદરતા અને અભિનયનો એક સુમેળ હતો અને આ ફિલ્મની સફળતામાં એનો પણ મોટો ભાગ છે. મોટી આંખોથી દર્શકોને ડરાવતો કે. એન. સિંઘ પણ આ ફિલ્મમાં પોતાનો રોલ બખૂબીથી ભજવી જાય છે. કાશ્મીરી પંડિત સજ્જન પણ આ ફિલ્મમાં સરસ રીતે ભજવે છે. ગેરેજમાં કામ કરનાર વ્યક્તિના રોલમાં મોહન ચોટી છે જેનાં નસીબ આ ફિલ્મ પછી ખુલી ગયાં અને ત્યારબાદ તેને ફિલ્મોમાં કોમેડી રોલ નિયમિતતાથી મળવા લાગ્યા. કુકુ અને હેલનની જુગલબંદીવાળું નૃત્ય પણ સરસ છે. (તે સમયનું આઈટમ સોંગ).

        આ ફિલ્મની સફળતામાં ફિલ્મના સંગીતનો પણ મોટો હાથ છે. સંગીતકાર સચિન દેવ બર્મને જયદેવ સાથે મળીને સંગીત આપ્યું છે. આ ફિલ્મ વખતે તેમનો પુત્ર રાહુલ દેવ બર્મન તેમનો સહાયક હતો. દરેક ગીત મીઠું મધુરું અને યાદ રહી જાય એવું હતું.. ‘બાબુ સમઝો ઈશારે’ , “એક લડકી ભીગી ભાગી સી’. ‘હમ થે વો થી’, ‘મૈ સિતારોં કા તરાના’, ‘ હાલ કૈસા હૈ જનાબ કા’, ‘હમ તુમ્હારે હૈ’, ‘રુક જાઓ ના જી’ આ મધુરાં ગીતો માટે કિશોર કુમાર સાથે મન્ના દે અને આશા ભોસલેએ પોતાનો કંઠ આપ્યો છે.

        ‘હમ થે વો થી’ ગીત એ ટેનેસી એર્ની ફોર્ડના ‘ધ વોટરમિલન સોંગ’ ઉપર અને ‘એક લડકી ભીગી ભાગી સી’ મેરેલ ટ્રેવિસના ‘સિક્સટીન ટન્સ’ ઉપર આધારિત હતું. કિશોર કુમાર જયારે કોલેજમાં હતો ત્યારે કોલેજની કેન્ટીનમાં તેની ઉધારી હતી અને એક સમયે તે રકમ પાંચ રૂપિયા બાર આના થઇ ગઈ. ‘પાંચ રૂપૈયા બારા આના’ ગીત પાછળની પ્રેરણા જૂની ઉધારી હતી.

        આ સદાબહાર કોમેડી ફિલ્મ યુટ્યુબ ઉપર જોવા મળી જશે.    

 

સમાપ્ત