Baiju Bawra - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | બૈજુ બાવરા – રીવ્યૂ

Featured Books
Categories
Share

બૈજુ બાવરા – રીવ્યૂ

ફિલ્મનું નામ : બૈજુ બાવરા

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : વિજય ભટ્ટ, શંકર ભટ્ટ     

ડાયરેકટર : વિજય ભટ્ટ 

કલાકાર : ભારત ભૂષણ, મીના કુમારી, સુરેન્દ્ર, કુલદીપ કૌર, રાધા કિશન     

રીલીઝ ડેટ : ૫ ઓક્ટોબર ૧૯૫૨

        પ્રકાશ પિક્ચર્સ કંપની તે સમયે બંધ થવાની અણી પર હતી. ફિલ્મો નિષ્ફળ જવાને લીધે તિજોરી પણ તળિયાઝાટક હતી. તે કંપનીના મેમ્બર મહાન સંગીતકાર નૌશાદ પણ હતા. કંપનીના મેમ્બરોએ સ્ટુડીઓને બંધ કરતાં પહેલાં ચાવીને સ્પર્શ કરવા કહ્યું, પણ નૌશાદે એવું કરવાની ના કહી અને એક છેલ્લો દાવ રમી લેવા કહ્યું. તેમણે વિષય પણ કહ્યો. વિજય ભટ્ટને તે વિષય ગમી ગયો.

        શરૂઆતમાં આ ફિલ્મ માટે હીરો હિરોઈન તરીકે દિલીપ કુમાર અને નરગીસને પસંદ કરવામાં આવ્યાં, પણ વિજય ભટ્ટ ઓછા બજેટમાં ફિલ્મ બનાવવા માગતા હતા અને દિલીપકુમાર અને નરગીસે જે ફી કહી તે ફિલ્મના બજેટમાં બેસતી ન હોવાથી આ ફિલ્મ ભારત ભુષણ અને મીના કુમારીને મળી.

        ભારત ભૂષણની કારકિર્દી ૧૯૪૧ માં શરૂ થઇ હતી, પણ હજી સુધી તેનો ગજ વાગ્યો નહોતો અને મેહ્ઝબીન બાનો ઉર્ફ મીના કુમારીને બાળ કલાકાર તરીકે પહેલીવાર વિજય ભટ્ટે જ બ્રેક આપ્યો હતો. બંને વિજય ભટ્ટના બજેટમાં કામ કરવા માટે તૈયાર થઇ ગયાં.

        આ ફિલ્મ સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીત ઉપર બનવાની હતી. સંપૂર્ણ રીતે શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ફિલ્મો સફળ થતી ન હોવાથી તેના નિર્માણ સમયે લોકો વિજય ભટ્ટની વિજુ બાવરા કહીને મજાક ઉડાવતા (સારું હતું કે તે સમયે ટ્વીટર નહોતું). આ ફિલ્મ બનાવતાં પહેલાં વિજય ભટ્ટે નૌશાદ સાથે છ મહિના સુધી સ્ક્રીપ્ટ ઉપર કામ કર્યું. સંગીત અને કથા એકમેકમાં ઓતપ્રોત હોય તેવું બંને ઈચ્છતા હતા.

        ૧૯૫૨ માં આ ફિલ્મ રીલીઝ થઇ અને રચાયો ઈતિહાસ. આ ફિલ્મ ૧૦૦ અઠવાડિયા સુધી થીયેટરોમાં ચાલી. ભારત ભૂષણ સ્ટાર બની ગયો અને હિરોઈન તરીકે પહેલી જ ફિલ્મમાં કામ કરનાર મીના કુમારી ટોચની હિરોઈન તરીકે સ્થાપિત થઇ ગઈ. ફિલ્મફેર એવોર્ડની શરૂઆત ૧૯૫૪ માં થઇ અને બેસ્ટ હિરોઈન તરીકે પહેલો એવોર્ડ મીના કુમારીને બૈજુ બાવરા માટે મળ્યો. બેસ્ટ સંગીતકારનો એવોર્ડ પણ આ ફિલ્મના સંગીતકાર નૌશાદને મળ્યો. વિજય ભટ્ટ અને નૌશાદે શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ફિલ્મો ચાલતી નથી એ મહેણું બૈજુ બાવરા દ્વારા ભાંગી દીધું હતું.

        મોગલકાલીન સમયમાં આકાર લેતી આ કથા પ્રેમ અને બદલાની છે. ફિલ્મની શરૂઆત અકબરના દરબારી રત્ન તાનસેન (સુરેન્દ્ર) ના ગીત ‘તોરી જય જય’ (રાગ પુરિયા ધનશ્રી) થી થાય છે. સંગીતને સમર્પિત તાનસેનને તેની હવેલીની આજુબાજુ શાંતિ જોઈએ છે તેથી તેણે પોતાના આધીન સૈનિકોને સુચના આપી હોય છે. અકબરના પ્રિય ગાયક તાનસેનના આદેશનું પાલન કરવા સૈનિકો તે મહોલ્લામાં કોઈએ ગાવું કે શોરગુલ કરવો નહિ એવો આદેશ બહાર પાડે છે. 

        આવા સમયમાં એક ભજન મંડળી ભજન ગાતાં ગાતાં ત્યાંથી નીકળે છે. સૈનિકો તેમને ત્યાં ન ગાવાનું કહે છે, પણ રામના ભજન ગઈ રહેલ માનતા નથી ભજન ગાતાં રહે છે. એક નાની ઝડપમાં ભજન મંડળનો આગેવાન (ભગવાનજી)નું મૃત્યુ થાય છે. મરતાં પહેલાં તે પોતાના પુત્ર બૈજનાથ (રતન કુમાર) પાસે પોતાના મૃત્યુનો બદલો લેવા કહે છે. નાનો બૈજનાથ સૈનિકની તલવાર લઈને ભાગવા જાય છે, પણ પકડાઈ જાય છે. સૈનિકો તેને પકડીને લઇ જાય તે પહેલાં શંકરાનંદ (દયાળુ ચહેરાવાળો મનમોહન કૃષ્ણ) બૈજનાથને બચાવી લે છે અને પોતાની સાથે લઇ જાય છે.

        નદીને કિનારે બૈજનાથની મુલાકાત થાય છે તેની જ ઉંમરની ગૌરી (બેબી તબસ્સુમ) સાથે અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ જાય છે. મોટા થતાં તે જ મૈત્રી પ્રીતમાં પરિવર્તિત થાય છે. લોકો બૈજનાથને બૈજુ (ભારત ભૂષણ)ના નામથી ઓળખતા હોય છે અને તેના કંઠમાં એક માધુર્ય હોય છે. બૈજુની પ્રેરણા ગૌરી (મીના કુમારી) હોય છે અને તેને લીધે જ તે ગીતો રચતો હોય છે.

        ગૌરીની સગાઇ નરપત (મિશ્રા) નાનપણમાં જ થઇ ગઈ હોય છે. ગૌરી સાથે લગ્ન કરવા તત્પર નરપત જુએ છે કે ગૌરી બૈજુ સાથે તેનાં ગીતોને લીધે પ્રેમ કરે છે તેથી સંગીત શીખવા આગ્રાથી તાનતોડ અને તાનજોડના ઉસ્તાદ ઘસીટખાન (પ્રખ્યાત કોમેડિયન રાધા કિશન) ને બોલાવે છે. ગૌરીના પિતા મોહન (બી. એમ. વ્યાસ) તેને બહુ પ્રેમ કરતા હોય છે અને તેના પ્રેમ ખાતર તેમ જ શંકરાનંદની સમજાવટ થકી નરપત સાથે સગાઇ તોડીને બૈજુ સાથે લગ્ન કરાવવાનું નક્કી કરે છે.

        તે જ રાત્રે ડાકુ રૂપમતી (કુલદીપ કૌર) ગામ ઉપર હુમલો કરે છે અને ગામના લોકો લગાન ભરવાની ના પાડે છે એટલે તે પોતાના સાથીદારોને ગામ લુંટવા કહે છે. ડાકુઓ લુંટતા હોય છે તે સમયે બૈજુ પોતાના મધુર કંઠમાં ‘ઇન્સાન બનો’ ગીત ગાય છે, જે ડાકુઓના અંતરાત્માને હલાવી જાય છે. બૈજુના અવાજના પ્રેમમાં પડેલી રૂપમતી ગામને ન લુંટવાના બદલે બૈજુની માગણી કરે છે, જે બૈજુ કબૂલ કરે છે. બૈજુ ડાકુઓની ટોળકી સાથે ચાલી નીકળે છે. રૂપમતી સાથે વાત કરતાં ખબર પડે છે કે તે ગામ રૂપમતીના પિતાની જાગીર હતી, પણ રાજા માનસિંહે તેના પિતાને હરાવીને બેદખલ કર્યા, તેથી તે બદલો લઇ રહી છે. રૂપમતીના મોઢે બદલો શબ્દ સાંભળીને બૈજુને પોતાના પિતાને બદલો લેવાનું આપેલું વચન યાદ આવે છે અને તે બદલો લેવા નીકળી પડે છે. શું બૈજુ બદલો લઇ શકે છે? શું ગૌરીનો પ્રેમ તેને એવું કરતાં રોકે છે? એવા અનેક પ્રશ્નોનો જવાબ આ અઢી કલાક લાંબી સંગીતમય પ્રેમગાથામાં મળી જશે.

        મૂળ પાલીતાણાના શંકર ભટ્ટ પોતાના નાના ભાઈ વિજય સાથે મુંબઈ આવ્યા. શરૂઆતમાં પોતે નોકરી કરીને વિજયનું શિક્ષણ પૂર્ણ કરાવ્યું. વિજય ભટ્ટ ભણીને બેસ્ટમાં જોડાયા. નોકરી કરવાની સાથે જ તે ગુજરાતી થિયેટર માટે સ્ક્રીપ્ટ પણ લખી હતી, જે તેમણે અરદેશર ઈરાની (આલમ આરાના પ્રોડ્યુસર)ને બતાવી. અરદેશર ઈરાનીએ તેમની મુલાકાત રોયલ ફિલ્મ કંપની સ્ટુડીઓના માલિક અબુ હુસૈન સાથે કરાવી અને તેમની ફિલ્મ યાત્રા શરૂ થઇ. વિજય ભટ્ટે ૧૯૪૨ માં રામરાજ્ય બનાવી, જે મહાત્મા ગાંધીએ જોઈ હતી. ગાંધીજીએ પોતાના જીવનમાં જોયેલી આ એકમાત્ર ફિલ્મ હતી. વિજય ભટ્ટનો મોટો દીકરો અરુણ ભટ્ટ એ ગુજરાતી અને હિન્દી ફિલ્મોનો ડાયરેકટ હતો જેણે ‘મોટા ઘરની વહુ’,’પારકી થાપણ’ જેવી અનેક ફિલ્મો ડાયરેક્ટ કરી છે અરુણનો દીકરો ચિંતન ભટ્ટ મ્યુઝીક ડાયરેકટર છે. વિજય ભટ્ટનો નાનો દીકરો પ્રવીણ સીનેમેટોગ્રાફર છે અને પ્રવીણનો દીકરો વિક્રમ ભટ્ટ હિન્દી ફિલ્મનો જાણીતો ડાયરેકટર છે.

        દિલીપકુમાર હંમેશાં પોતાની શરતો ઉપર કામ કરતા અને કોઈ રોલ છોડવાનો અફસોસ ન કરતા, પણ બૈજુ બાવરા છોડવાનો અફસોસ તેમને કાયમ રહ્યો. બૈજુ બાવરા ભારત ભૂષણ ગુપ્તા માટે ટર્નીંગ પોઈન્ટ બની રહી. આ ફિલ્મ બાદ તેને પૌરાણિક ફિલ્મોમાં હીરોના રોલ મળવા લાગ્યા. ૧૯૫૫ માં જ આવેલી ‘ચૈતન્ય મહાપ્રભુ’ ફિલ્મ માટે બેસ્ટ હીરોનો એવોર્ડ મળ્યો અને આ તેણે મેળવેલ એકમાત્ર એવોર્ડ. અઢળક ફિલ્મો કરીને કમાયો અને ફિલ્મો બનાવીને પૈસા ગુમાવ્યા. બાંદ્રા ખાતેનો પોતાનો બંગલો રાજેન્દ્ર કુમારને વેચ્યો અને પાછળથી એ બંગલો રાજેશ ખન્નાએ ખરીદ્યો. એ બંગલાનું નામ ‘આશીર્વાદ’. ભારત ભૂષણને બે દીકરીઓ હતી, જેમાંથી નાની અપરાજિતા એક્ટિંગ તરફ વળી. તેણે અનેક ફિલ્મો અને સિરીયલો કરી જેમાંથી રામાનંદ સાગરની રામાયણમાં મંદોદરીનો રોલ મુખ્ય છે.

        એક્ટિંગની વાત કરીએ તો ટાઈટલ રોલ ભારત ભૂષણ જીવી ગયો છે. મીના કુમારીની હિરોઈન તરીકે પહેલો ફિલ્મ હતી, પણ દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી. તેણે પહેલી ફિલ્મમાં દર્શાવી દીધું કે તે લાંબી રેસનો ઘોડો છે. તાનસેનની ભૂમિકા સુરેન્દ્રએ ભજવી છે અને તેમાં તે એકદમ સહજ લાગતો હતો. પંજાબી અને હિન્દી ફિલ્મોની વેમ્પ કુલદીપ કૌર આ ફિલ્મમાં ડાકુના રોલમાં છે અને મળેલી નાની ભૂમિકા સાર્થક કરી છે. અન્ય કલાકારોએ પણ પોતાનું કામ બખૂબીથી કર્યું છે.

        આ ફિલ્મનો સાચો હીરો તેનું સંગીત છે અને નૌશાદે આ ફિલ્મમાં એકથી એક ચડિયાતાં ગીતો આપ્યાં છે. ‘તું ગંગા કી મૌજ, મૈ જમના કી ધારા’ (રાગ : ભૈરવી), ‘ઓ દુનિયા કે રખવાલે’ (રાગ : દરબારી), ‘દૂર કોઈ ગાયે’ (રાગ : દેશ), ‘મોહે ભૂલ ગયે સાવરિયા’ (રાગ : ભૈરવ), ‘ઝૂલે મેં પવન કી આયી બહાર’ (રાગ : પીલુ), ‘મન તરપત હરિ દર્શન કો આજ’ (રાગ : માલકૌંસ), ‘ઇન્સાન બનો’ (રાગ : તોડી) અને આ સૌથી ઉપર “આજ ગાવત મન મેરો” (રાગ : દેશી).

        આ ફિલ્મમાં મોહમ્મદ રફી, લતા મંગેશકર, શમશાદ બેગમ સાથે જ પ્રથમવાર ઇન્દોરના ઉસ્તાદ આમીર ખાન (હંગામા ફિલ્મમાં પરેશ રાવલ જેમનો ઉલ્લેખ કરે છે તે) અને મહાન શાસ્ત્રીય ગાયક ડી. વી. પલુસ્કરે અવાજ આપ્યો છે. આ ફિલ્મમાં તાનસેનને અવાજ ઉસ્તાદ આમીર ખાને આપ્યો હતો. ફિલ્મના સીનમાં ગાયનના મુકાબલામાં તાનસેને હારવાનું હતું, પણ ઉસ્તાદ આમીર ખાનને કોણ કહી શકે કે તમારે હારવાનું છે. વિજય ભટ્ટ અને નૌશાદ બંને વિમાસણમાં મુકાયા. તેમની સામે એવો કયો ગાયક લાવવો જેની સામે ઉસ્તાદ હારવા તૈયાર થાય? અંતે તેમણે ઉસ્તાદને જ આ વાત કહી ત્યારે તેમણે ડી. વી. પલુસ્કરનું નામ સૂચવ્યું અને કહ્યું કે તે જો પોતાનો સ્વર આપે તો હું હારવા તૈયાર છું. આ ફિલ્મમાં રફીસાબ અને લતા મંગેશકર પણ બરાબરનાં ખીલ્યા છે. આજે પણ આ ફિલ્મનાં ગીતો સાંભળવા ગમે એવાં છે.

        અદ્ભુત સંગીતથી સજેલી અને સુંદર અભિનયથી ઓપતી આ ફિલ્મ ખરેખર માણવાલાયક છે.  યુટ્યુબ ઉપર જોવા મળશે.  

 

સમાપ્ત

જ્યોતિન્દ્ર મહેતા