ફિલ્મનું નામ : નરમ ગરમ
ભાષા : હિન્દી
પ્રોડ્યુસર : સુભાષ ગુપ્તા અને ઉદયનારાયણ સિંઘ
ડાયરેકટર : હૃષીકેશ મુખર્જી
કલાકાર : ઉત્પલ દત્ત, અમીલ પાલેકર, સ્વરૂપ સંપત, શત્રુઘ્ન સિન્હા, એ.કે. હંગલ
રીલીઝ ડેટ : ૨૮ ફેબ્રુઆરી ૧૯૮૧
૧૯૭૯ માં હૃષીકેશ મુખર્જી દ્વારા નિર્દેશિત એક ફિલ્મ આવી હતી ગોલમાલ જે બહુ સફળ થઇ હતી. તે ફિલ્મની સફળતામાં બહુ મોટો હાથ હતો ઉત્પલ દત્ત અને અમોલ પાલેકરની જોડીનો. તે બંનેએ જે હાસ્યનો અને અભિનયનો જાદૂ પાથર્યો હતો તેનાથી ભારતીય દર્શકો મોહિત થઇ ગયા હતા. આ ફિલ્મમાં પણ હૃષીકેશ મુખર્જીએ એ જ પ્રયાસ કર્યો અને તેમાં તે સફળ રહ્યા.
ગોલમાલમાં સંજોગોને આધીન થઇ પાત્રો દ્વારા કરાતા ગડબડગોટાળાને લીધે રમૂજ ઉત્પન્ન થઇ હતી અને આ ફિલ્મમાં પણ હૃષીકેશ મુખર્જીએ આ ક્રમ જાળવ્યો છે. આ ફિલ્મમાં તેમણે દર્શકોને ખડખડાટ હસાવ્યા છે. માર્મિક હાસ્ય ઉપજાવતી આ ફિલ્મમાં ઉત્પલ દત્ત અને અમોલ પાલેકરનો સાથ પુરાવવા શત્રુઘ્ન સિન્હાનો પણ સાથ મળ્યો છે.
વાર્તા સાદી અને સરળ છે. ગોલમાલની જેમ આ ફિલ્મ પણ ભવાનીશંકર (ઉત્પલ દત્ત) અને રામપ્રસાદ (અમોલ પાલેકર)ની છે. રામપ્રસાદ અંધશ્રદ્ધાળુ ભવાનીશંકર પાસે નોકરી કરે છે. હોશિયાર રામપ્રસાદ પોતાની મહેનત અને હોશિયારીથી ભવાનીશંકરનો વિશ્વાસ હાસલ કરે છે, જો કે તેને લીધે આર્થિક રીતે બહુ ફાયદો થતો નથી.
ભવાનીશંકરના પૂર્વજોના મકાનના કેસનો નિવેડો લાવવામાં રામપ્રસાદને સફળતા મળે છે અને ભવાનીશંકર તેને મકાનના રંગરોગાનનું કામ સોંપે છે. એક દિવસ ગામડેથી માસ્ટરજી વિષ્ણુપ્રસાદ (એ. કે. હગલ) અને કુસુમ (સ્વરૂપ સંપત) ત્યાં આવી પહોંચે છે. ગામના મહાજન પાસેથી લીધેલ ઉધાર ચુકવવામાં અસફળ રહેતાં તેનો બેઘર થઇ ગયા હોય છે. કુસુમને પ્રેમ કરતો રામપ્રસાદ તેમને ભવાનીશંકરના પૂર્વજોના મકાનમાં રાખે છે.
એક દિવસ ભવાનીશંકરના ઇસ્ટેટ મેનેજર ગજાનનબાબુ (સુરેશ ચટવાલ) ને આ વાતની જાણકારી મળે છે અને તે મકાનમાં ઘુસેલા લોકોને કાઢવા માટે ત્યાં આવે છે, પણ કુસુમના રૂપ ઉપર મોહિત થઇ જાય છે. માસ્ટરજી અને કુસુમને ઘરમાંથી કાઢવાને બદલે તે કુસુમને પરણવાની વાત કરે છે અને લાચાર માસ્ટરજી હા પાડે છે. રામપ્રસાદ ગજાનનબાબુ નામની મુસીબત ખાળવા માટે જાય છે કાલી ઉર્ફ બબુઆ (શત્રુઘ્ન સિન્હા) પાસે જે પોતાનું ગેરેજ ચલાવે છે અને વાતવાતમાં ગાળો બોલે છે (સાલા ઘોંચું જેવી શાકાહારી). રામપ્રસાદ તેની પાસે જઈને ગજાનનબાબુએ શું કર્યું એ કહે છે અને સાથે જ તેનો પિત્તો જાય છે. તે ગજાનનને ધમકાવીને પાછો પાડે છે અને પોતાના પૂર્વજોના મકાનમાં ઘુસેલા લોકોના કાઢવા માટે જવાનું નક્કી કરે છે.
તે મકાન ખાલી કરાવવા માટે ગરજતો આવે છે અને તે પણ કુસુમને જોઇને તેના પ્રેમમાં પડે છે અને કાલીને ઉર્ફ બબુઅને રોકવા માટે રામપ્રસાદ ભવાનીશંકરને લાવવાનું નક્કી કરે છે. એક પછી એક ઘટનાઓ ઘટતી રહે છે અને રમૂજ ઉત્પન્ન થતી રહે છે. ફિલ્મના અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે છે. જો કે અંત સુધીનો સફર ખરેખર માણવાલાયક છે. આ ફિલ્મને ગોલમાલ જેવી જબરદસ્ત સફળતા નહોતી મળી, પણ સફળ રહી હતી અને આ ફિલ્મે ઉત્પલ દત્તને ફિલ્મફેરનો બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મેળવી આપ્યો હતો.
જો કે ફિલ્મમાં ફક્ત રમૂજની ક્ષણો છે એવું નથી. આ ફિલ્મમાં એક ટ્રેક ગંભીર છે. કુસુમનો ભાઈ અને રામપ્રસાદનો મિત્ર બીરજુ (આનંદ) ગુરૂજી (નીલુ ફૂલે)ની નાટકકંપનીમાં કામ કરે છે. ગુરૂજીને લાગતું હોય છે કે બીરજુ તેમની પાસે રહે તે યોગ્ય નથી તેથી તે રત્ના (પદ્મા ચવ્હાણ) પાસે લઇ જાય છે. રત્નાની નાટકકંપની વધુ સક્ષમ હોવાથી ત્યાં કામ કરવાનું સૂચવે છે. રત્ના અને બીરજુ વચ્ચેનાં કેટલાંક દ્રશ્યો બહુ જ કરુણ અને અદ્ભુત છે.
એક્ટિંગના મામલે ઉત્પલ દત્ત સહુથી આગળ રહ્યા અને અમોલ પાલેકરે જબરદસ્ત સાથ પુરાવ્યો છે. જો કે અન્ય ફિલ્મની તુલનાએ અમોલ પાલેકર થોડો થાકેલો હોય એવું ઘણી વખત લાગ્યું. (આ મારો અંગત અભિપ્રાય છે.) તેની આંખ નીચે કાળા ધબ્બા સંપૂર્ણ ફિલ્મ દરમ્યાન સ્પષ્ટ દેખાય છે. ૧૯૭૯ ની મીસ ઇન્ડિયા સ્વરૂપ સંપંતની આ પહેલી ફિલ્મ હતી. એક્ટિંગના મામલે તો તે સફળ રહી, પણ નિર્માતાઓને તેના અવાજથી સંતોષ ન હોવાને લીધે તેમણે તેના ઘણાબધાં ડાયલોગ બીજાના અવાજમાં ડબ કરાવ્યા હતા. આ જ રૂપસુંદરીએ ત્યારબાદ દૂરદર્શનની પ્રથમ સીરીયલ ‘યે જો હૈ જિંદગી’ માં કામ કર્યું અને અદ્ભુત સફળતા મેળવી. જો કે ફિલ્મોમાં બહુ સફળતા ન મેળવી શકી અને પરેશ રાવલ સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ.
આ ફિલ્મમાં ચોંકાવ્યા છે શત્રુઘ્ન સિન્હાએ. મોટેભાગે એક્શન અને સીરીયસ રોલ કરનાર શત્રુ આ ફિલ્મમાં કોમેડી કરતો નજરે ચડે છે અને તેમાં સફળ રહ્યો. સાલા ઘોંચું જેવી શાકાહારી ગાળો બોલતા મેકેનિકના રોલમાં તે બરાબર ખીલ્યો છે અને તેનો રોલ ખીલવવામાં ચંદુનો રોલ કરી રહેલ જાવેદ ખાન અમરોહીનો પણ મોટો ફાળો છે.
આખી જિંદગી ડોસાનો રોલ કરનાર અવતાર કિશન હંગલ આમાં પણ ગરીબ ડોસા તરીકે એટલા જ પ્રભાવશાળી છે. ફોર એ ચેન્જ આમાં માથે ટાલને બદલે સફેદ વાળનો જથ્થો છે. સ્વતંત્રતા સેનાની એવા આ નાટ્યકલાકારે ફિલ્મોમાં પ્રદાર્પણ બાવનમેં વર્ષે કર્યું એટલે સાહજિક છે કે તેમણે ફક્ત ડોસાના રોલ કર્યા હતા. અઠ્ઠાણું વર્ષની આયુ ભોગવનાર આ કલાકારને ૨૦૦૬માં પદ્મભુષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
આ ફિલ્મમાં દિના પાઠક, ઓમપ્રકાશ, નીલુ ફૂલેનું નામ ટાઈટલ ક્રેડીટમાં મહેમાન કલાકાર તરીકે આવે છે, પણ તેમના રોલ વગર આ ફિલ્મ અધુરી છે. અંધશ્રદ્ધામાં ન માનતી ભવાનીશંકરની સાસુના રોલમાં દિના પાઠક જામે છે. સાસુનું નામ આવે ત્યારે ગાત્રો ગાળી દેતા ભવાનીશંકરને જોવાની બહુ મજા આવે છે. ચાલુ શાસ્ત્રીના રોલમાં ઓમપ્રકાશ મજા કરાવી જાય છે ‘પુરુષ તો હીરે કી અંગુઠી હૈ બુઢી ઉંગલી હોતી હૈ, અંગુઠી જવાન રેહતી હૈ’ ડાયલોગ તો એવરગ્રીન છે. એક લાચાર નાટકકાર તરીકે બે સીનમાં દેખાતો નીલુ ફૂલે જબરદસ્ત પ્રતિભા બતાવી જાય છે.
મોટેભાગે ખલનાયિકાના રોલમાં દેખાયેલ પદ્મા ચવ્હાણ આ ફિલ્મમાં પોતાના ભાવપૂર્ણ અભિનયથી પ્રભાવિત કરે છે. કામલોલુપ વ્યક્તિના રોલમાં સુરેશ ચટવાલ પોતાની આંખોના અભિનય દ્વારા દર્શાવી જાય છે કે એ કેટલો સરસ કલાકાર છે.
બીરજુના રોલમાં દેખાયેલ આનંદ પોતે સબળ કલાકાર હતો. તેનું મૂળ નામ ઉદય નારાયણ સિંઘ છે અને તે ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે. તેની પત્ની સંગીતા સિંઘ એ ગોવિંદાની પત્ની સુનીતાની મોટી બહેન છે. ગોલમાલમાં અને નરમ ગરમમાં અમોલ પાલેકરના મિત્રનો રોલ કરેલ આનંદ સક્ષમ કલાકાર હોવા છતાં તેની કારકિર્દી બહુ આગળ ન વધી અને વ્યાસને તેને બરબાદ કરી દીધો. તેનો દીકરો અર્જુન સિંઘ આજે હિન્દી અને પંજાબી ફિલ્મો તેમ જ હિન્દી સિરીયલોમાં કરી રહ્યો છે.
આ ફિલ્મનું જમાપાસું ફક્ત તેની કોમેડી સાથે જ તેનું સંગીત પણ છે. આર. ડી. બર્મને આપેલ દરેક ગીત કર્ણપ્રિય બન્યું છે. ટાઈટલ સોંગ ‘નરમ ગરમ રાત મેં’ હોય કે સુષ્મા શ્રેષ્ઠના મસ્તીભર્યા અવાજમાં ગવાયેલું “એક બાત સુની હૈ ચાચાજી બતલાનેવાલી હૈ” સાંભળવામાં ગમે છે.
‘હમેં રાસ્તોં કી જરૂરત’ ગીત તે સમયે બહુ ઉપડ્યું નહિ એટલે એ જ ધૂન આર. ડી. બર્મને ૧૯૮૫ માં સાગર ફિલ્મમાં ‘સાગર કિનારે, દિલ એ પુકારે’ ગીતમાં વાપરી અને તે ગીત છવાઈ ગયું.
મસ્તીભર્યા અંદાજનું ‘કેઈસન શાદી રચાઈ હો હમરી બેહેનીયા’ પણ એટલું જ સરસ છે. આ ફિલ્મમાં આશા ભોસલેના ફાળે ત્રણ ગીતો આવ્યાં છે, ‘હમેં રાસ્તોં કી જરૂરત’, ‘મેરે ચેહરે મેં છુપા હૈ.’ અને ‘મેરે અંગના આયે રે.’
૧૯૮૦ ના દાયકાની સામાજિક પરિસ્થિતિ અવગત કરાવતી આ ફિલ્મ કોમેડી ફિલ્મોમાં આગળ પડતું નામ ધરાવે છે અને સારી કોમેડી ફિલ્મ જોવી હોય તો આ ફિલ્મ બેસ્ટ ચોઈસ છે. યુ ટ્યુબ પણ જોવા મળી જશે.
સમાપ્ત