શૂરતા ખૂબ શ્રીમંત કુટુંબમાં ઉછરેલી. વળી,તેનાં લગ્ન પણ એવા જ સુખી-સંપન્ન કુટુંબમાં થયા. એટલે એ તો આ જીવન બદલ રોજ મનોમન ઇશ્વરનો આભાર માન્યા કરતી. જેવું નામ એવા જ એના ગુણ. કોઈ કામકાજમાં કે કોઈની મદદમાં ક્યારેય પીછેહઠ ન કરે. બસ વસવસો તો એક જ વાતનો હતો કે તેને દીકરીની માં બનવાની આશા હતી અને ભગવાને એને બે-બે દીકરાની માતા બનાવી.
કોઈકની નાની નાની છોકરીઓને રમતાં જૂએ ને એની નજર ત્યાં જ સ્થિર થઈ જાય.એના મનમાં અનેક મહેચ્છાઓ જાગીને વિખેરાઈ જાય.આ જોઈ તેના પતિ આશુતોષે એને કહ્યું કે "ચાલ કોઈ અનાથાશ્રમમાં જઈએ ને કોઈ નિરાધારનો આધાર બનીએ." પણ, કોણ જાણે કેમ પણ શૂરતાનું મન આ બાબત માટે રાજી થતું નહીં. એ તો વિચારતી કે કોઈ બાળકને ઘરમાં લાવીએ અને પછી એની લાગણીને ન સમજી શકાય તો, તે પણ દુઃખી થાય અને એનું દુઃખ જોઈને આપણને પણ દુઃખ થાય. એટલા માટે તેણે આ વાતને ક્યારેય ન માની.
એક વખતની વાત છે પડોશના મકાનમાં રિનોવેશનનું કામ ચાલુ હતુ. મજૂરની કેટલીક સ્ત્રીઓ સાથે એક સાત વર્ષની બાળકી પણ ત્યાં રોજ આવતી.ત્યાં જ ધૂળની ઢગલી પર પોતાના તૂટેલા રમકડાંથી રમ્યા કરે. બપોરનો સમય થાય એટલે એક વૃદ્ધ સ્ત્રી કે જે એની દાદી હતી એના હાથે જે કંઈ ટાઢો-ટુકડો હોય તે જમી લે. ફરીથી પાછી પોતાની તાનમાં રમ્યા કરે.
શૂરતા આ દ્રશ્યને થોડા દિવસથી રોજ જોયા કરતી, એટલે ન જાણે કેમ એને આ છોકરી તરફ અહોભાવ જાગી ગયો. કોઈ અંતરના ઊંડાણ઼થી જ લાગણી પ્રગટી. એણે આશુતોષને પોતાના મનની વાત કરી.
આશુતોષને પણ એ વાતની પ્રતીતિ થઈ કે શૂરતાની પીડાનો કોઈક તો ઉપાય બનશે. બીજા દિવસે જયારે એ સ્ત્રીઓ કામ પર આવી ત્યારે, આશૂતોષે ત્યાં જઈને જરૂરી પુછપરછ કરી લીધી .દીકરી ભલે ગરીબ પણ સંસ્કારી હતી.એણે દીકરીને દત્તક લેવા માટે તેના દાદી પાસે વિનંતી કરી.
દાદી તો એકાએક આ વાત સાંભળી બે ઘડી વિચારમાં પડી ગયા કે શું કરવું ? મા-બાપ વગરની દીકરીને ખૂબ જતનથી ઉછેરી છે. પણ ,ગરીબીની થપાટમાં તેનું બાળપણ છીનવાઈ જવાના ભયે તેના મનને મક્કમ કરી દીધું.એને કુટુંબ કબીલામાં કોઈ એવું ન્હોતું કે જેની પરવાનગી લેવી પડે.વળી,એણે વિચાર્યું કે હું તો ખરતું પાન. મારા પછી આનું કોણ ? આ વિચારી એણે પૌત્રીને આપવાની હા પાડી દીધી.
પૌત્રીનું નામ 'ગોપી'. પછી તો શૂરતા અને આશુતોષ પરવાનગી લઈ હરખથી ગોપીને પોતાના ઘરે લઈ આવ્યા. હજી કાનૂની દસ્તાવેજ બાકી હતા.પણ ,હવે શૂરતાને ધીરજ ન્હોતી.ગોપી માટે તો આ ઘર કોઈ સ્વપ્ન મહેલથી કમ નહોતું.
બીજા જ દિવસે શૂરતા ગોપીને બજારમાં લઈ ગઈ. એને મનગમતાં કપડાં,બ્રેસ્લેટ,બીજી કટલેરી, જાતજાતનાં રમકડાં, નાનકડી સાઈકલ બધું જ લઈ આપ્યું. વળી, તેણે જોયું કે ગોપી એક ગરીબ કુટુંબમાંથી આવતી હોવાને લીધે ગોપીના વાળ પણ ખૂબ અસ્તવ્યસ્ત હતા ને કોઈ તેની સંભાળ લે એવું ન્હોતું એટલે માથામાં જૂ પણ હતી.એટલે એતો તે દિવસે જ ગોપીને પાર્લરમાં લઈ ગઈ. સરસ મજાના
હેર -કટીંગ અને હેર ટ્રીટમેન્ટ કરાવી. ગોપીનો તો જાણે દેખાવ જ બદલાઈ ગયો.જોકે દેખાવ તો આકર્ષક હતો જ. પણ, શૂરતાએ એમાં ચાર ચાંદ લગાડી દીધા.
એકાએક એને યાદ આવ્યું કે બે દિવસ પછી નવરાત્રી છે. શૂરતા તો મનોમન ઇશ્વરનો આભાર માનવા લાગી કે તેનાં ઘરે સ્વયં જગદંબાએ આશ્રય લીધો છે.
એ ઘરે જઈ રહી હતી કે તેને યાદ આવ્યું કે ગોપીને નવરાત્રિમાં રમવા માટેના ચણિયાચોળી અને દાંડિયા કે શણગાર નથી. ફરી પાછી હરખે એતો ગોપીને સજાવવાના શણગાર લેવા નીકળી પડે છે.બંને માં-દિકરી છેક સાંજે ઘરે આવ્યા. એના ચહેરા પરનો સંતોષ જોઈએ આશુતોષને અને તેઓના બંને દીકરા તન્મેય અને વિરાગ બધા આનંદ પામ્યા. તેઓ પણ ખુશ હતા કે તેમને પણ એક નાનકડી રાખડી બાંધનાર બહેન મળી ગઈ.
શૂરતા તો ગોપીને નવે-નવ દિવસ શણગારીને ગરબા રમવા મોકલતી. હરખે એને નાચતી કૂદતી જોતી અને સાથે પોતે પણ મીઠો ઉજાગરો માણતી. હવે તો એની ગોપી પ્રત્યેની લાગણી વધુ નિકટ બની ગઈ. ગોપીના તેના ઘરે આવ્ય અને પંદર દિવસ જેટલો સમય પસાર થઈ ગયો.બીજી તરફ શૂરતા પ્રત્યે ગોપીની પણ એવી જ લાગણી બંધાઈ ગઈ. ગોપીનું એક સારી સ્કૂલમાં એડમિશન કરાવવા ગયા.એડમિશન માટે જન્મ પ્રમાણપત્ર જોઈએ.ગોપીનું પ્રમાણપત્ર લેવા શૂરતા અને આશૂતોષ ગોપીને લઈને એના દાદી પાસે ગયા.
કહેવાય છે ને કે લોહીનો સંબંધ એના થોડા દિવસના અંતરે પણ ભૂલાવાને બદલે વધુ મજબૂત થાય.ગોપી સાથે પણ કંઈક એવું જ થયું.એણે જેવા દાદી ને જોયા કે એનું મન ફરી ગયું. તેણે શૂરતાને આશુતોષ સાથે જવાની ના પાડી દીધી. એના દાદીએ એને ખૂબ સમજાવી.શૂરતા અને આશુતોષે પણ પૂરતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ, એની 'ના' ને 'હા' માં ન બદલાવી શક્યા.અંતે શૂરતા અને આશુતોષે ભારે હ્દયે એકલાં જ ત્યાંથી વિદાય લીધી.
ઘરે જઈ શૂરતા ગોપીના કપડાં,રમકડાં બધું જોઈ ખૂબ રડી.આશુતોષે પણ તેને ન અટકાવી.અંતરની પીડા વહી ગઈ એટલે એ આપોઆપ શાંત થઈ ગઈ.એણે ગોપી માટે ખરીદેલી બધી વસ્તુઓ તેમજ નવરાત્રીમાં તેને મળેલી બધી ભેટ-સૌગાતો પૅક કરી દીધી.
એ દિવસે રાત્રે એને ઊંધ ન આવી .માંડ-માંડ પડખાં ફરી સવાર પડી.સવાર પડતાં જ એ આશુતોષને લઈને ગોપીના ઘરે ગઈ.એ તેના માટે ખરીદેલા રમકડાં અને બધી જ પૅક કરેલી વસ્તુઓ એણે ગોપીને આપી દીધી. સાથે-સાથે એના સુરક્ષિત ભવિષ્ય માટે થોડી રકમ પણ ફિક્સ ડિપોઝીટના રૂપે આપી. ગોપીના માથા પર હાથ મૂકી સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરવા છતાં ભારે હૈયે એણે વિદાય લીધી.
ગોપી એના જીવનમાં એક આશા બનીને આવી અને એક મધૂર સપનું બનીને રહી ગઈ . આ વસવસો ભારોભાર હતો. છતાં , શૂરતાને અંતરના એક ખૂણે એ દિલાસો તો હતો જ કે, ભલે પંદર દિવસ માટે પણ પોતે એક 'દિકરીની માં' તો બની જ ગઈ.
-ડૉ.સરિતા (જલધિ)