Sapt-Kon? - 11 in Gujarati Classic Stories by Sheetal books and stories PDF | સપ્ત-કોણ...? - 11

The Author
Featured Books
Categories
Share

સપ્ત-કોણ...? - 11

ભાગ - ૧૧

બીજુના નિષ્પ્રાણ શરીરની બાજુમાં બેસી નીરુ અને સુજન પોક મુકી રડવા માંડ્યા... પણ એમને ખબર નહોતી કે બીજુની હત્યા કરવામાં આવી છે. સત્યથી બેખબર બેય ભાઈ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. બેય અસમંજસમાં હતા કે હવે શું કરવું? ક્ષણભરમાં બીજુ વગર બેય જીવતી લાશ બની ગયા હતા.

"હોવે કોના હારુ જીવવું?" નીરુ છાતી કૂટી રહ્યો હતો.

"ઈ ભાઈ કયો ગયા? બીજુને આઈ લઈ આવ્યા'તા ઈ નથ દેખાતા." સુજન ઉભો થઈ આંખે હથેળીનું છાજિયું કરી આજુબાજુ જોવા લાગ્યો. "કુણ હતા શે ખબર?"

ધીમે ધીમે તપતી જતી રેત પર ગમછો પાથરી બેય ભાઈઓએ બીજુના અચેતન દેહને ગમછા પર સુવડાવ્યો.

"ઓપણે બીજુ હારું કાંય કરીએ.. આંય ચબુતરો બનાઈએ." અચાનક નીરુને શું સુઝ્યું એણે સુજનને કહ્યું.

"હોવ્વે, હાલ.."

બેય ભાઈઓએ દિવસ રાત મહેનત કરી ચોવીસ કલાકમાં ચબુતરો ઉભો કરી દીધો અને બીજુની લાશને નદીના પટમાં જ દફનાવી બેય ભાઈઓએ પણ જળસમાધિ લઈ લીધી.

હજીય ચબુતરો ખંડેર અવસ્થામાં નીરુ અને સુજનના બીજુ પ્રત્યેના પવિત્ર પ્રેમની ગવાહી આપતો ઉભો હતો.

ઝાડ નીચે બેઠેલી બીજુની આંખો સમક્ષ જાણે એક ચલચિત્ર ચાલી રહ્યું હતું. એ યાદ કરવા મથી રહી હતી કે એની હત્યા કોણે, શા માટે અને કેવી રીતે કરી હતી. એ બૂમો પાડીને નીરુ અને સુજનને કહેવા માંગતી હતી કે એની હત્યા કરવામાં આવી હતી પણ ન તો એના મોઢેથી અવાજ નીકળી રહ્યો હતો ન તો એને સાંભળવાવાળું કોઈ ત્યાં હાજર હતું. બીજુના મનમસ્તિષ્કમાં અસંખ્ય ઘણ વાગી રહ્યા હતા. એની વિચારશક્તિ નબળી પડી રહી હતી. એના મનસાગરમાં તરી રહેલા વિચારોના વહાણ આમથી તેમ હાલકડોલક થઈ રહ્યા હતા. એણે પોતાના હાથ નદીની દિશામાં લંબાવ્યા પણ મૃગજળ જેમ હાથમાં કાઈ ન આવ્યું. અવઢવમાં રહેલી બીજુના પોપચા પર ભાર વધી રહ્યો હતો, પાંપણો ઢળી રહી હતી અને એ ઝાડ નીચે જ બેસી ગઈ અને આંખો બંધ થઈ ગઈ.

@@@@

કલ્યાણીદેવી અને કમિશનર રાણાએ છોટુભાઈ પાસે જઈને ફરીથી સીસીટીવી ફૂટેજ જોયું.

"છોટુભાઈ, ઈશ્વા જ્યાં જમણી તરફ વળી ત્યાં શું છે?" રાણાની કરડી આંખો છોટુભાઈને ડરાવી ગઈ.

"ત્યાં.... ત....ય.... એક રૂમ છે જે વર્ષોથી બંધ હાલતમાં છે અને એની ચાવીયે જડતી નથી." છોટુભાઈની જીભ થોથવાઈ.

"મારે એ રૂમ જોવો છે, ચાવી શોધો."

"સાહેબ.... ચાવી તો નથી."

"તો નછૂટકે મારે દરવાજો તોડવો પડશે છોટુભાઈ, હજીય કહુ છું કે ચાવી શોધવાનો પ્રયત્ન કરી જુઓ નહિતર મારે તો ડ્યુટી બજાવવી જ પડશે."

"જી સાહેબ, હું એકવાર કોશિશ કરી જોઉં." રિસેપ્શન ટેબલના દરેક ખાના ફંફોસતા ચાવીનો એક ગુચ્છો છોટુભાઈના હાથમાં આવ્યો જે એમણે બીતા બીતા રાણાસાહેબને સોંપ્યો,"સાહેબ, આમાંથી કોઈ હોય તો જુઓ નહિતર તમતમારે બારણું તોડવાની છૂટ."

"હમમમમમમ.... હજી તમે મને સારી રીતે ઓળખ્યો નથી છોટુભાઈ. હું કમિશનર કાઈ એમ જ નથી બન્યો. તમારા જેવા તો કેટલાય મારી આંખોમાં એક્સ રેની જેમ ઝડપાઈ જાય છે એટલે હવે પછી ખોટું બોલતાં પહેલાં ખયાલ રાખજો. સામી વ્યક્તિના મગજમાં ચાલતું જુઠાણું મારી આંખોમાં પહેલાં જ પહોંચી જાય છે." છોટુભાઈની આંખોમાં આંખ પરોવી રાણાસાહેબે કરડાકીથી વાત કરી.

"કૌશલ, તું અને દિલીપ, ઊર્મિ, અર્પિતા અને બાળકોને લઈ જામનગર જાઓ, અહીંયા હું વ્યોમ સાથે રોકાઉં છું. કમિશનર રાણા પણ અહીં જ છે તો ચિંતાનું કોઈ કારણ નથી. ત્યાં જવું પણ જરૂરી છે. અહીંયા બધાનું કામ પણ નથી અને બાળકો બિચારા ગભરાઈ ગયા છે." રાણાસાહેબ સાથે ઉપર જતાં પહેલાં કલ્યાણીદેવીએ કૌશલને પાસે બોલાવી જરૂરી સૂચના આપી.

"જી મમ્મી, મારા મનમાં પણ આ જ વિચાર ચાલતો હતો. વ્યોમના લગ્નની ધમાલમાં ઘણું કામ પણ બાકી રહી ગયું છે અને છોકરાંય અહીં રહે એ ઠીક નથી લાગતું, વળી દિલીપ અને અર્પિતાએ બે દિવસ પછી ભોપાલ પણ જવાનું છે. હું હમણાં જ એ લોકોને સામાન પેક કરવાનું કહી દઉં છું અને શક્ય હોય તો આજ રાતે જ નીકળી જઈએ જેથી વહેલી સવારે ઘરભેગા થઈ જવાય અને હા મમ્મી, મોહન ભલે અહીં રહેતો. હું ને દિલીપ ડ્રાઇવ કરી લઈશું." મનમાં મોટા દીકરા તરીકેની ફરજ નિભાવ્યાના ભાવ સાથે કૌશલ ઉભો થયો.

કમિશનર રાણાએ પોતાની સાથે સિવિલ ડ્રેસમાં આવેલ બે ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલને હાક મારી બોલાવ્યા અને ચાવી લઈ એમની જોડે ગયા અને એમની સાથે કલ્યાણીદેવી અને વ્યોમ પણ જોડાયા.

પંદર-સત્તર ચાવીઓમાંથી મહામહેનતે એક ચાવી કામ કરી ગઈ અને રૂમનું તાળું ખ....ટા.....ક.... કરતું ખુલ્યું એ સાથે જ ત્યાં હાજર રહેલા દરેકના હૃદયના ધબકારા અને તાલાવેલી બંને વધી ગયા.

કોન્સ્ટેબલે હળવેથી ધક્કો મારતા કી......ચુ. ......ડ....... કી...... ચુ......ડ...... અવાજ સાથે ઘણા સમયથી બંધ રહેલો દરવાજો ખુલ્યો અને એ સાથે જ સૌ અંદર પ્રવેશ્યા. રૂમ ખરેખર વર્ષોથી બંધ હોય એવો જ હતો. ચારેકોર બાઝેલાં જાળાં, દીવાલો અને ફર્નિચર પર જામેલી ધૂળ, ભેજને લીધે આવતી ગંધ. નાકે રૂમાલ દાબી રાણાસાહેબ અને એમની ટીમ અંદર ફરી વળી. બાથરૂમ, બેડ, વોર્ડરોબ, બાલ્કની, બધું જ જોઈ વળ્યા પણ ક્યાંય ઈશ્વાનો પત્તો ન મળ્યો. બેડની બરાબર સામે જ અહીંયા પણ કલ્યાણીદેવીની હવેલીમાં વ્યોમના બેડરૂમમાં રહેલા અરીસા જેવો જ આદમકદનો અરીસો ભીતે જડેલો હતો જે સાવ ચોખ્ખો હતો અને અદલોઅદલ એ જ કલાકારીગરી ધરાવતો હતો જેને જોઈને કલ્યાણીદેવી અને વ્યોમ દંગ રહી ગયા.

@@@@

રસ્તામાં આવતી એક નાનકડી હોટેલમાં ચા પીવા માટે ડો. ઉર્વીશે ગાડી રોડની સાઈડમાં પાર્ક કરી અને ડો. અમોલ સાથે નીચે ઉતરી કોર્નરના એક ટેબલ પાસે ગોઠવેલી ચેરમાં બેસી બે મસાલા ચાયનો ઓર્ડર આપી મોબાઈલ કાઢી ઘરે ફોન કર્યો તો નીલાક્ષીને બદલે તેજસે ફોન રિસીવ કર્યો, "હાય ડેડ, બોલો, પહોંચી ગયા તમે? મમ્મી માર્કેટ ગઈ છે અને ઉતાવળમાં ફોન લેવાનું ભૂલી ગઈ છે." ડો. ઉર્વીશ પૂછે એ પહેલાં જ તેજસે ખુલાસો કરી દીધો.

"ઓકે બેટા, બસ અમે દોઢ-બે કલાકમાં પહોંચી જઈશું. મમ્મીને કહેજે ચિંતા ન કરે, હું તારી દીદીને લઈને જ પાછો આવીશ."

"ડેડ, મને દીદીની બહુ જ ચિંતા થાય છે, ક્યાં હશે? કેમ હશે?"

"ડોન્ટ વરી દીકરા, મારી કમિશનર રાણાસાહેબ સાથે થોડીવાર પહેલાં જ વાત થઈ છે. એ ત્યાં પહોંચી ગયા છે અને ઇન્વેસ્ટિગેશન પણ શરૂ કરી દીધું છે. દીદી જ્યાં હશે ત્યાં બરાબર જ હશે. તું મમ્મીનું ધ્યાન રાખજે. હું પહોંચીને કોલ કરીશ, બાય.." ફોન કટ કરી ચાની ચુસ્કી લેતા ડો.ઉર્વીશ ફરી વિચારોના ઘેરામાં અટવાઈ ગયા.

@@@@

ઊંઘમાં સરી ગયેલી બીજુની આંખ ઉઘડી ત્યારે સાંજ ઢળવા આવી હતી. પક્ષીઓ પોતપોતાના માળે પાછા ફરી રહ્યા હતા. સોનેરી સંધ્યાના રંગો બીજુના ચહેરાને અનેરી લાલીમા બક્ષી રહ્યા હતા. પવન સાથે એના વાંકડિયા લાંબા કેશ પણ લહેરાઈ રહ્યા હતા. શૂન્યમનસ્ક બીજુ આમતેમ જોઈ રહી હતી.

"હું આ કઈ અજાણી જગ્યાએ આવી ગઈ છું. વ્યોમ ક્યાં છે? ... વ્યો......મ...... વ્યો......મ......, મમ્મીજી.... કેમ કોઈ સાંભળતું નથી. ક્યાં ગયા બધા? હું..... હું..... ક્યાં છું?"

બહાવરી બની ઈશ્વા ઉર્ફે બીજુ નદીના પટ પર આમ તેમ દોડી રહી હતી ત્યાં એની નજર વ્યોમ પર પડી.

"વ્યોમ..... વ્યો.......મ........" ઈશ્વાએ વ્યોમને પકડવા હાથ લાંબો કર્યો પણ વ્યોમ એની પહોંચથી બહાર હતો.

"મમ્મી....જી...... મમ્મી....જી......." ઈશ્વાએ કલ્યાણીદેવીને રાણાસાહેબ સાથે વાત કરતાં જોઈ બોલાવવાની કોશિશ કરી પણ વ્યર્થ.

આ તરફ વ્યોમ અને કલ્યાણીદેવીને આયનામાં પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હતું. આયનાની પેલે પાર ઈશ્વા હોઈ શકે એ તો દરેક માટે કલ્પના બહારની વાત હતી.

"વ્યોમ.... વ્યો....મ....., મમ્મીજી...... " ઈશ્વાએ શક્ય એટલા મોટા અવાજે બુમ પાડી પણ વ્યોમ અને કલ્યાણીદેવી દરવાજાની બહાર નીકળી ગયા.

ક્રમશ: