હે કૃષ્ણ,
તું એટલે મારા માટે સ્વયં પ્રેમનો પર્યાય. અસંખ્ય પ્રિયતમાઓ આ સૃષ્ટિમાં પોતાના પ્રિયતમને પત્ર લખી લાગણીઓ અભિવ્યક્ત કરતી હશે. પણ, મારે તને શું લખવું ? આ વિશ્વમાં કોઈ વસ્તુ એવી નથી કે તારા પરિચયમાં ન હોય. તો પછી આ રાધાના હૃદયથી તું અજાણ ક્યાંથી હોય ! લોકો મને 'કૃષ્ણપ્રિયા' કહી સંબોધે છે ત્યારે, બહુ ખુશી થાય છે અને હૃદયમાંહેનું રક્ત દરિયાસમું હિલોળે ચડે છે. જાણે હું કૃષ્ણમય બની જાઉં છું.
છતાંયે,મારી લાગણીઓ પર કાબૂ રાખી શબ્દો લખું છું. કદાચ, તને મારી લાગણીઓ ઘાયલ કરી જાય ! કેમકે , તારું જતન જ મારું જીવન છે. તને પામવા કરતા તારી અનુભૂતિ મને સદૈવ પ્રિય રહી છે.તારી આ અનુભૂતિ તો હું ક્ષણે ક્ષણે પામુ છું છતાં તારા દર્શનની તૃષ્ણા જતી નથી.
તારી વાંસળીનું સંમોહન ભલે આખા વૃંદાવનને ઘેલું લગાડતું. પણ,મને તો એ મારો પ્રાણ પ્રિય નશો છે. જેના કૈફમાં જ જાણે મારું જીવન જીવંતતા અનુભવે છે. એ સૂર રેલાય છે અને જાણે મારી અંતરંગ દુનિયા બદલાય જાય છે. અંતરમનમાં થનગનાટ વ્યાપી જાય છે. વળી, ત્યારે તને મળવાની આતુરતાની તો કલ્પના જ ના થઈ શકે. જાણે કે, પાંખો આવે તો ઉડીને જલ્દી તારા ચરણમાં આવી બેસી, નિરાંતે એ મધુર વેણુંનો આસ્વાદ માણું.અને નિરંતર એ મોહિનીનું રસપાન કરતી રહુ
મારો તારી સાથેનો મારો નાતો એટલે ઉંમર,સમાજ અને સગપણથી પરનો નાતો. કદાચ મારા અસ્તિત્વથી પણ પરનો નાતો. યુગયુગાંતરોથી આપણે એક અનન્ય ભક્તિભાવ અને અકલ્પિત પ્રેમથી મળતા આવ્યા છીએ. છતાં, એવું લાગે છે જાણે કે નવો-નવો નાતો છે.તારો મોહ મને દરેક પળે નવો જોમ બક્ષે છે.એટલે જ પ્રણયની એ અનુભૂતિ મને કાયમ પ્રિય લાગે છે.
મારા એક એક શ્વાસનો હે કૃષ્ણ, તું જ અધિકારી છો. ભોજન,નિંદ્રા અને આ ક્ષણિક સંબંધો તો હું મારા કર્મને આધિન નિભાવું છું. અને એ પણ, કદાચ તારાથી જ દોરવાઈને. બાકી જેને તું મળે તેને ક્ષુધા,ભૂખ કે નિંદ્રાની શું જરૂર છે. મારા દેહ પરના એક-એક શૃંગાર પર માત્ર અને માત્ર તારી દ્રષ્ટિનો જ અધિકાર ઈરછુ છું. કેમકે, આ નશ્વર શરીર સજે છે તો માત્ર ને માત્ર મારા કૃષ્ણને કાજે.
હું શ્વાસ લઉં છું તો લાગે છે જાણે, તેમાંય કૃષ્ણનાદનો સૂર સમાયેલ હોય. આવી જ અનુભૂતિ નિરંતર રહ્યા કરે છે.ઋતુઓનું પરિવર્તન તારા પ્રત્યેની લાગણીમાં વધુ વ્યાકુળતા બક્ષતું રહ્યું છે.મેધમાં ભીંજાતા પાણીની એ ધારામાંય મને તારા વેણુંનો રાગ જ સંભળાય છે.અને તેથી જ આ વિશ્વ જાણે મને એના કણકણમાં તારા ચહેરાનું દર્શન કરાવતું હોય એ અનુભૂતિ પણ મને નિત્ય રહે છે.
લોકો કહે છે રાધા એટલે પ્રેમનો પર્યાય. પણ મારા માટે તો હે કૃષ્ણ,તું એટલે સંપૂર્ણ પ્રેમ.બંધ આંખોમાંય જીવંત એવું જ સાક્ષાત્ અનુભવી શકાય એવું તારું આ વ્યક્તિત્વ.દિવસના દરેક પ્રહર તારા વગર અધૂરા. રાધાનું હૃદયતો આજે હિલોળે ચડયું છે એટલે શબ્દોનું પુર તો હજી આવે છે પણ ,હવે બધું છોડી ફરી કૃષ્ણમય થવું છે.આ પત્ર લખવામાં જો એકાદ ક્ષણ કદાચ તારું રટણ ઓછું થયું હોય તો તારી રાધેને ક્ષમા કરજે.
ફરી જો આ હૃદયમાંહે જીવ હશે અને એવાં અનુકૂળ સંજોગો હશે તો, જરૂર મારી લાગણીને વાચા આપવા પત્ર લખીશ.પણ,હે કૃષ્ણ હું જ લખું એવું તો નથીને ! તારી રાધે તારા હૃદયની વાત મોરપીંછની કલમે ને વેણુંના સથવારે લખાઈને આવે એની આતુરતાથી રાહ જોશે.એટલે જરૂર પત્ર લખજે.તારી હૃદયનિવાસી રાધેના હેતથી વંદન.
લી.
તારી રાધે.