પ્રાચીન સમયથી જ લાગણીઓની શાબ્દિક આપ-લે પત્ર દ્વારા થતી આવી છે.પણ આજે ટેકનોલોજીના સમયમાં આ સ્થાન મોબાઈલ ઈન્ટરનેટ જેવા માધ્યમથી થવા લાગ્યું છે.કદાચ હાથ વડે લખાયેલી લાગણી જેટલું એ અસરકારક ન થઈ શકે પણ કામચલાઉ માધ્યમ જરૂર બની શકે.તેમ છતાં આજે એ પુરાણી પરંપરા ને જીવંત કરવાનો આ નાનકડો પ્રયાસ કરી આ સંગ્રહ પ્રસ્તુત કરવા જઈ રહી છું.આશા છે વાચકોને એ ટેકનીકલ બનાવટી લાગણી કરતાં વધુ આકર્ષત
કરી શકશે.
🐚 પ્રિય સખા કૃષ્ણ 🐚
🖋 જ્યારે પણ તમારા માટે કંઈક લખવાને કલમ ઉઠાવું છું ને, મારી કલમમાં કંપન આવે છે.મન અને મગજ વચ્ચે દ્વંદ રચાયા કરે છે. લાગણીઓ એટલી ઝડપથી વહેવા લાગે છે કે તેને પકડીને અભિવ્યક્ત કરવી અશક્ય લાગે છે. છતાંય, આજે તમને પત્ર લખવાનું ખૂબ મન છે એટલે આ નાનકડો પ્રયાસ કરું છું.મારા મનની અભિવ્યકિત દ્વારા તમારા સુધી પહોંચવા આ શબ્દો લખું છું. 🖋
મારા અને સમગ્ર જીવસૃષ્ટિના એક શ્રદ્ધેય તત્વ તરીકે તમારી છબી જન્મ જન્માંતર સુધી મારા અંતઃકરણમાં બિરાજમાન છે અને રહેશે. તમે દરેક ક્ષણ અને સ્થળમાં સ્થાયી છો એવી અનુભૂતિ પણ વારંવાર થયા કરે છે.એટલે પછી મારા માટે તો તમારું મૂલ્ય શું વર્ણવવું..! કોઈ મૂલ્યવાન રત્ન કરતાં પણ વિશેષ કદાચ જેનું મૂલ્ય જ શું કરવું એ અકથ્ય લાગે એવું આપનું વ્યકિતત્વ.
મારા માટે તો તમે એટલે...🔍🔍🔍
કોઈ પ્રિયતમાના પ્રિયતમ.
કોઈ કંટક મધ્યનું ફૂલ.
અત્તર મધ્યની સુવાસ. 🗞🗞
શરીર મધ્યનો શ્વાસ.
કોઈ ભક્તનો વિશ્વાસ
કોઈ ડૂબતાની આશ
મનનો સાચો વિલાસ
કોઈ શાંતિનો આભાસ
અસ્તિત્વનો અહેસાસ.
તમે જ જાણે મારું સર્વસ્વ. જેના થકી આજ સુધી હું નિરંતર તમારા બતાવેલા માર્ગે ચાલી રહી છું. અને આપની કૃપાથી સદૈવ ચાલતી રહીશ . તમને તો ખબર જ હશે કે જેમ, કોઈ પ્રિયતમાને પોતાના પ્રિયતમ પર આંધળો વિશ્વાસ હોય તેમજ મારો તમારા પર છે. તમારા આધારે જ મે આ કર્મોની દુનિયામાં જાતને સમર્પી દીધી છે.મારી જીવન નૈયાના સુકાની આપ જ છો.આ નશ્વર સંસારના સાચા ઈશ્વર આપ જ છો. મારા માટે તો દુનિયાના દરેક મહત્વના સુખોના કેન્દ્રમાં તમે અને માત્ર તમે જ છો અને સદૈવ રહેશો.
હે કૃષ્ણ..! રાધા અને મીરાં તો તમારા દ્રશ્યરૂપને આરાધી તમારી કૃપાદ્રષ્ટિથી કૃતકૃત્ય થઈ હતી અને તમારી પણ એમના પ્રત્યે લાગણી ભારોભાર સરખી જ હતી.
તો... શું..? આજે મારી આ વિનંતી તમે નહીં સ્વીકારો ..? તમારી વાંસળી , મોરપીંછ અને ગાવલડી પર તો મેં મારી દુનિયા વારી છે. તમે જ મારા કૃષ્ણ મુરારી છો.
લખવા તો ઘણું ચહું છું પણ, શબ્દો મને મળતા નથી. ક્યાંક તો તમે જ મને ફળતા નથી. ફરિયાદ નથી કરવી કોઈ હવે મારે. હવે તો બસ ફરી ફરીને યાદ કરતી રહીશ ...
શ્યામ તમે તો પ્રિયતમ સમાન,
તમારો વિરહ સહ્યો નવ જાય.
મીરાં કરતાલે ભલે ઝૂમ્યા'તા,
રાધાની પાયલ પણ ભલે ગાય.
મુજ પામર મનની માળખીને,
તુજ અહેસાસ હંફાવી જાય.
તમે આવશો ને દુનિયા દેખશે.
તમારી પ્રતીક્ષામાં શ્યામ....!
મન મારું વિચલિત થાય.
ખાલીખમ હૃદય છે હવે... લાગણીઓ બધી તમારી પાસે મોકલી છે. આ બંધ પરબીડીયામાં.... પણ ,ખોલીને વાંચવી પડે એવું તમારું વ્યક્તિત્વ નથી. છતાં શબ્દોને શરીર આપી આ લાગણીને વાચા આપવા પ્રયાસ કર્યો છે . જગત તમને અંતર્યામી કહે છે તો સાચા અંતર્યામી બની. મારા વ્યાકુળ મનની લાગણીઓને ઉકેલી લેજો .હે સખા બની શકે તો સ્નેહસભર લાગણી થકી તમે પણ પત્ર લખજો. આપના પત્રના ઈન્તેજારમાં વ્યાકુળ તે જ તમારી સખી ....
લી.
🍚કૃષ્ણ સખિ જલધિ🐂