મોહનને બીજે દિવસે શહેરમાં જવાન હતું. પણ, તે ગમે તેમ કરીને મીરાંને મળીને જશે એવું નક્કી કર્યું. બીજી તરફ મીરાંએ પણ માતા જાનબાઈની રજા લઈ, ગીતાને સાથે લઈ મોહન શહેરમાં જાય છે. તો ત્યાં જઈને મળી લેશે એવું નક્કી કર્યું.
પરિણામે સંજોગો એવા ઊભા થયા કે બે આતુર હૈયા એકબીજાને મળવાના આવેશમાં એકબીજાને મળવા એક સાથે જ ચાલી નીકળ્યા. મોહન મીરાંને મળવા ગામ તરફ ચાલ્યો અને મીરા ગીતાને લઈને શહેર તરફ...
રોજ સવારે મીરાં પાણી ભરવા જાય એ રસ્તે પેલા શિવમંદિરના પગથિયે મોહન મીરાંની રાહ જોવા લાગ્યો. ઘણો વખત વીતી ગયો... પણ,આજે મીરાં પાણી ભરવા જ ના આવી. મોહને મીરાંને મળવા એના ઘરે જવાનો વિચાર કર્યો... પણ, વારંવાર જવું એને યોગ્ય ન લાગ્યું. દરેક સંબંધની એક મર્યાદા હોય,સમાજમાં એ જળવાઈ રહે તો જ સમાજ એ સંબંધને સર્વોત્તમ માને. એટલે એણે તો ત્યાંથી નીકળી ગામના સ્ટેશનેથી જ શહેરમાં જવા બસ પકડી લીધી.
બીજી તરફ મીરા બે કલાકના અંતે શહેર પહોંચી, મોહન જ્યાં કામ કરતો હતો તે સ્થળે ગઈ. અંદર જઈ મોહન વિશે પૂછપરછ કરી પેલા માણસે એવો જવાબ આપ્યો કે... "સાહેબ હજી આવ્યા જ નથી. એમના આવી જવાના સમાચાર તો છે... વળી, સાહેબ કામ પ્રત્યે પુરા નિષ્ઠાવાન છે એટલે એ આવશે તો ખરા જ. પણ, એટલે એમનું આવવું નિશ્ચિત તો છે. પણ,કોઈ કારણસર એમને મોડું થયું લાગે છે."
બંને બહેનપણીઓ મોહનની રાહ જોવા કંપનીના ગાર્ડનના બાંકડે જઈને બેઠી. ઘણીવાર રાહ જોઈ બેઠા.પણ,નિરાશા જ મળી. મન મોહનને મળવા માટે આતુર છે. ના...ના...કદાચ પહેલો પ્રશ્ન પૂછવા માટે...! બંને સખીઓ એકબીજાની સામે જોયા કરે છે પણ મીરાંની આશા ભરી નજર તો હજીએ મોહનને શોધવા મથી રહી છે. એક દોઢ કલાક જેટલો સમય ફરી પસાર થઈ ગયો.
અંદરથી પટાવાળો માણસ આવ્યો "બહેન, પાણી આપી જાવ. હવે તો આ તડકોમાં થયો છે.તમે અંદર આવીને બેસો ને.. હવે તો સાહેબ આવવા જ જોઈએ.
મીરાં : "ના...ના... જરૂર નથી. પાણી તો મારી પાસે છે. હવે તો અમારેય મોડું થાય છે. પાંચેક મિનિટ રહી અમે નીકળી જાશું. પાછું વેળાસર ઘરે પહોંચવાનું છે. ગામ સુધીની બસ મળે એટલી તો રાહ ત્યાં જોવી પડશે પાછી ."
પેલો પટાવાળો અંદર જઈ ફરી પોતાના કામે લાગ્યો. ચોકીદાર એકલદોકલ અજાણ્યા માણસોને કામ પૂછી અંદર આવવા દે છે. પણ,મોહન હજી સુધી આવ્યો નથી.
મીરાંને મનમાં અનેક ખોટા વિચારો આવે છે... "મોહનને કંઈ થયું ...?તો વળી, પાછું ના..ના.. કદાચ એણે આવવાનું માંડી વાળ્યું હશે. એને મારા આવવાની ખબર તો નહિ પડી ગઈ હોય ને...? એ મારો સામનો ન કરવો પડે અને મને જવાબ ના આપવો પડે એ માટે તો હજી સુધી નહીં આવ્યો હોય એવું નહીં હોય ને...!"
પંદરેક મિનિટ જેટલો સમય વીતી ગયો. હવે ગીતા મીરાંને સમજાવી પાછા જવા માટે કહે છે. મીરાંને તો મોહનને મળવું છે. પણ, હવે એટલો સમય પણ નથી કે રાહ જોઈ શકાય. મનમાં એ જ પ્રશ્નાર્થ અવસ્થા લઈ મીરાં કમને ગીતા સાથે પાછી જવા માટે તૈયાર થઈ જાય છે. બહાર નીકળી ચોકમાં જઈ રીક્ષા કરે છે. મીરાં તો ત્યાં પણ મોહનની રાહ જોઈ આજુબાજુના દરેક ચહેરામાં મોહનને જોવા મથ્યા કરે છે. પણ, નિષ્ફળ જ જાય છે.
રીક્ષા આગળ બસ સ્ટેન્ડ તરફ જતી જાય છે અને મીરાંનુ મન જાણે પાછળ મોહન તરફ ધકેલાતું પ્રતીક્ષા કરતું વધુ લલચાતું જાય છે. પણ હવે તો ક્યાં કોઈ અવકાશ જ છે. પણ, જો એ આવવાનો હોય તો આવી જ જાય ને...? એટલે એણે મનને મનાવી સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. રીક્ષા સ્ટેશને જઈ ઊભી રહી. ગીતાએ બધે જોયું ગામની બસ હજી આવી ન હતી એટલે બંને રાહ જોવા લાગ્યા.
ગીતાએ બૅગમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધું અને મીરાંને પણ આપ્યું. હવે તો તરસની સાથે ભૂખ પણ લાગી હતી. વહેલી સવારના માત્ર ચા પીને નીકળેલા... હવે બપોર થયા. ગીતાએ સીંગ-ચણાવાળા પાસેથી સીંગ ચણા લીધા. પહેલા મીરાંની સામે ધર્યા.પણ, મીરાંને ક્યાં પેટમાં ભૂખ હતી...! એને તો ભીતરે મોહનની મળવાની આતુરતા એ જ પેટને સંવેદનહીન કરી રાખ્યું હતું. ગીતાએ પરાણે વિનંતી કરીએ એટલે મીરાંએ ચાર પાંચ દાણા મોંમાં મૂક્યા.
ઘણીવાર મુસાફરી વખતે ખવાતા સીંગ ચણાય આજે સ્વાદહીન ને કડવા લાગી રહ્યા હતા. ગીતાએ પણ મીરાંની આ દશા જોઈ...એણે મૌન રહી બે-ચાર દાના મોઢામાં મૂકી, પડીકું બેગમાં મૂકી દીધું. એટલામાં સામેથી ગામની બસ આવતી દેખાઈ. મીરાંને હજી મોહનની પ્રતીક્ષા હતી. પણ, હવે તો જવું એ જ વિકલ્પ હતો. બસ ઉભી રહી મુસાફરો ઉતારવા લાગ્યા. બંને બહેનપણીઓ બસ તરફ દોડી. હજી બસમાંથી મુસાફરો ઉતરતા હતા એટલે તે ત્યાં પાસે જઈને ઊભી રહી ગઈ.
એક પછી એક મુસાફરો ઉતરવા લાગ્યા. બીજી તરફ મોહનને પણ બસમાં બેઠા પછી આખા રસ્તે ક્યાંય ચેન નથી. "મીરાંને મળી જવાયું હોત તો સારું હોત... ઘરે જઈ આવ્યો હોત તો એમાં શું ખોટું હતું...? કામ હતું એટલે જવાનું હતું ને...! વળી, એ ક્યાં કોઈ અજાણ્યાનું ઘર હતું. મામા મામી તો એને સદા સહર્ષ આવકારે જ છે. વળી, આજે એને ક્યાં છાનું જવાનું હતું કે સમાજની બીક હોય...! જ્યારે એવું હતું ત્યારે તો કોઈ દિવસ ભય ન્હોતો લાગ્યો... તો આજે કેમ...?
બસમાં આખા રસ્તે એ જ વિચારમાં રહ્યો. દોડતો રસ્તો અને શહેરભણી મંજીલ આવીને બસ અટકી... એનો એને ખ્યાલ ન્હોતો. એની બસમાં બધા મુસાફરો ઉતરી ગયા. પણ, એ તો હજી વિચારમાં જ છે. બીજી તરફ મીરાં અને ગીતાએ બસ ખાલી થઈ એટલે બસમાં ચડવા પગ ઉપાડ્યો. પણ, કંડકટરે એને અટકાવી બસમાં કોઈ બેઠું હતું. તેને ઉદ્દેશીને કહ્યું "એ ભાઈ... શું વિચારમાં છો...? તમારું સ્ટેશન તો આવી ગયું છે. તમારે ઉતરવાનું નથી. જો પાછું ગામ જવું હોય તો કહો...? તમને પાછી ટિકિટ કાપી દઉં."
પેલો માણસ સ્વસ્થ થતાં "ના...ના.. (આજુબાજુની પરિસ્થિતિનું ભાન થતા તે ઝડપથી ઊભો થઈ પોતાનો સામાન લઈ દરવાજા સુધી જઈ પગથિયાં ઉતારવા લાગે છે.)
બહાર ઊભી મીરાંને હસાવવા ગીતા કંડકટરના શબ્દો સાંભળી એમ જ મશ્કરી કરે છે..."એલી આવા બે ધ્યાન માણસોય દુનિયામાં છે...!આખી બસ ખાલી થઈ ગઈ તોય એ ખબર ન રહે...? હશે કોઈ ધૂની પાગલ." આટલું કહી ગીતા ખડખડા ઢસવાનો ડોળ કરે છે. પણ. મીરાંને તો તોય હસવું નથી આવતું.
મોહનને ભૂતકાળની એ વાતનો અણસાર સુદ્ધા નથી. પણ, વડીલોએ લીધેલા લગ્ન અંગેના ઓચિંતા નિર્ણયમાં મીરાંની મંજૂરી જાણવા એ તો વ્યાકુળ છે. જ્યારે મીરાં એ વર્ષો પહેલાંની વાતમાં મોહનની સામેલગીરી અને અત્યારની લગ્ન માટેની ઉતાવળ બંને બાબતને લઈને મૂંઝવણમાં છે.
પેલો માણસ બસમાંથી નીચે ઉતરે છે. મીરાં અને ગીતા જવા માટે ઉતાવળી ઊભી છે... એટલે, એનું ધ્યાન બસના દરવાજે જ મંડાયેલું હતું. મીરાં તો તેને ઉતરતો જોઈ ત્યાં જ મૂર્તિવંત જડાઈ ગઈ. પણ, આંખમાંથી દડ દડ આંસુસરી પડ્યા. ગીતા પણ મોહનને સામે જોઈ આશ્ચર્ય પામી. પણ, મીરાં તો હજી અશ્વસ્થ જ હતી.
પેલો માણસ એ મોહન જ હતો. એ ઉતરી ગયો એટલે કંડક્ટરે ગીતા અને મીરાં તરફ ઉદેશીને બસમાં ચડી જવા કહ્યું... પણ, ગીતાએ મીરાંને થોડી દુર ખસેડી જવાની મનાઈ કરી દીધી. બીજા મુસાફરો બસમાં ચડવા લાગ્યા. મોહન પણ મીરાંને આમ ઓચિંતા સામે જોઈ ખુશી અને આશ્ચર્યના ભાવમાં સરી પડ્યો.
મોહન : "તમે અહીં...?
મીરાં તો હજી ચૂપ જ છે. પણ, ગીતા જવાબ આપે છે.
ગીતા: "હા...અમે તમને જ મળવા આવ્યા હતા. મીરાંને તમારું કંઈક કામ હતું એટલે અમે સવારની પહેલી બસમાં જ આવી ગયા. તમે આજે શહેરમાં આવી જવાના હતા એટલે અમે અહીં આવ્યા. અમે તો તમારી કંપનીએ પણ જઈ આવ્યા. ઘણો સમય રાહ જોઈને બેઠા... પણ, તમે ન આવ્યા... એટલે, અમે પાછા વળી ગયા.
મોહન : "હું પણ...?"(એટલું બોલી અટકી જાય છે)
તે મીરાં સામુ જોવે છે તો, મીરાં હજી રડે છે.
મોહન: (મીરાં સામે જોઈને) "શું થયું...? તું કેમ રડે છે...?"એ એને છાની રાખી સ્વસ્થ કરવા પ્રયત્ન કરે છે.
પ્રતીક્ષાનો આવો સુખદ અંત મીરાં કે મોહન બંનેએ કદી કલ્પ્યો નહોતો... પણ, સ્ત્રી પોતાની લાગણીને પ્રવાહિત થતી રોકી શકતી નથી. જ્યારે, પુરુષ એ ભાવોને અંતર મનમાં સમાવી લેતો હોય છે. એટલે મીરાં એજ સુખના પરિવેશમાં રડી રહી છે.
મીરાં : "કંઈ નહીં... મને એમ કે આજે તમને નહીં મળાય.
હવે બંન્ને વચ્ચે શું વાર્તાલાપ થશે..? શું વડીલોનો નિર્ણય માન્ય રહેશે...?
જાણવા વાંચો આવતા અંકે ...