સગાઈ અંગેની આવી વાત ગામમાં ચારે બાજુ વહેતી થઈ. માત્ર ઘરના લોકો સામે કોઈ કાંઈ ન કહેતું... પણ, કેટલાક દિવસ....? ધીમે ધીમે બધા આ વાતને ભૂલવા લાગ્યા. એક ના ભૂલી શક્યા તો જાનબાઈ. એ એક માં હતા. એ જાણતા હતા કે દુનિયાને તો ગમે ત્યારે ગમે તે બોલે એને બોલવાથી કોણ રોકી શકે ? પણ, આ સત્ય જાણીને મીરાં તેમની સામે સવાલો ઉઠાવશે ત્યારે તે શું જવાબ આપશે...?
વર્ષોથી જે વાત છુપાવી, દિલમાં બોઝ લઈને આટલા વર્ષો કાઢી નાખ્યા એ વાત હવે કહેવી જ રહી... એ થોડી નાની બાળકી છે કે એને ફોસલાવી શકાય...! એટલે ના છૂટકે આજે જાનબાઈને મીરાં સમક્ષ આ વાત કહેવી પડી. આ વાતનો સામનો તો એને એક દિવસ કરવાનો જ હતો. પણ આવી રીતે આમ ઓચિંતું એ એને કદી ધાર્યું જ ન્હોતું.
મીરાંએ શાળા પૂરી કરી કોલેજ કરવાની જીદ કરેલી ત્યારે પણ જાનબાઈને મનમાં એક જ ડર હતો કે ગોમતીબાઈ મીરાંના શહેરમાં એકલા રહેવાથી નારાજ થશે. પણ, ચમત્કાર કહો કે ઈશ્વરની કૃપા... સામેથી એમણે હા કહી દીધી. મોહન સાથે કદમથી કદમ મિલાવવા એની પત્ની એટલે જ શિક્ષિત હોવી જોઈએ. એવી સમજ કોણ જાણે કેમ એનામાં આપોઆપ આવી ગઈ હતી. પછી તો મીરાંએ શહેરમાં જઈને કોલેજ કરી અને ત્યાં જ એ આશ્રમમાં રહી નોકરી પણ કરવા લાગી.
મીરાં અને મોહનની સગાઈ બાળપણમાં નક્કી થઈ અને યુવાનીમાં આમ ઓચિંતું તેનું મિલન થયું. આ બંને ઘટનાઓના સંબંધમાં તેઓ નિયતિની શુભ ઈચ્છા માની ચાલી રહ્યા હતા. આજે મીરાં અને મોહન વર્ષો પછી મળ્યા ત્યારે તેના પ્રિયા દાદીને ઘરે લાવવાની ઘટના, મીરાં પ્રત્યેની લાગણી,નાની નાની વાતમાં એની ચિંતા જેવી બાબતો મીરાંને એ વિચારવા આજે વારંવાર મજબૂત કરતી હતી કે મોહનનો આમાં શું દોષ...? કદાચ એ આ વાત જાણતો પણ હશેકે કેમ...? શું મોહન તો આમાં જવાબદાર નહીં હોય ને...?
બીજી તરફ મોહન તો આ વાતથી સાવ અજાણ હતો.એતો મીરાં સાથેના સુખી જીવનનાં સ્વપ્ન જોઈ રહ્યો હતો.લગ્ન પછી મીરાંને ગામડે રહેવું ગમે તો ભલે, નહી તો એ મીરાં માટે શહેરમાં એનો સ્વપ્ન મહેલ બનાવશે. આમ પણ, મોહનની નોકરી શહેરમાં જ હતી એટલે એને તો ત્યાં જ રહેવું પડશે. પણ, મીરાની મરજી હશે ત્યાં તેને રહેવા દેવા દેવામાં આવશે.પછી પોતાને ભલે વારંવાર અપડાઉન કરવું પડે. પણ , મીરાં માટે બધું મંજૂર.
મોહન પોતાના પ્રિય સીતામેડમની સાથે જૂની વાતો વાગોળતો બેઠો છે. બે દિવસ પછી મોહનને નોકરી માટે શહેરમાં જવાનું છે. એટલે એ બધા સાથે મન ભરીને વાતો કરે છે. મોહન વિચારે છે કે એ એકવાર મીરાંને પણ મળી લે તો કેવું સારું...! કેમકે શહેરમાં ગયા પછી તો ઘણા સમય પછી પાછું ગામડે અવાશે. મીરાં વગરનું હવે એનું મન ખૂબ વ્યથિત થયા કરતું. આમ તે મનમાં વિચારી રહ્યો હતો. પરંતુ... કંઈ વારંવાર બહાના કાઢી એને મળવા થોડું જવાય...? એનાથી મીરાં માટે જ સમસ્યા ઊભી થાય.લોકો એને જ મ્હેણાં કહેશે.સમાજ પુરુષને બદલે સ્ત્રીને જ દોષના કેન્દ્રમાં રાખે છે. એટલે એમ વિચારી એણે મીરાંને મળવાનો પોતાનો વિચાર બદલી નાખ્યો. તે મીરાંને મળ્યા વગર જ શહેરમાં ચાલ્યો ગયો.
બીજી તરફ મીરાંને જ્યારે એની જાણ થઈ કે મોહન હવે શહેરમાં ચાલ્યો ગયો છે. તો તેની ચિંતામાં વધુ વધારો થયો. મનમાં કોઈ અકથ્ય ચિંતાના બીજ સળવળવા લાગ્યા. નજીક હોત તો મળીને સત્ય જાણી શકાય. પણ શહેરમાં વળી એ કંઈ શહેરથી થોડો જલ્દી આવવાનો છે, તો પૂછી શકાય. હજી કેટલા દિવસ આ બોજ લઈને રહેવું પડશે...? વગેરે વિચારોએ મીરાંને વ્યથિત કરી દીધી. મીરાં માટે આ કેવો સમય નિર્ધાર્યો છે કે નવી નવી ચિંતાઓ તેના મનને જંપવા જ નથી દેતી.આખરે થાકીને મીરાંએ 'લલાટે લખ્યા લેખ' જે થશે તે જોયું જશે. એમ વિચારી લેજો બધું ઈશ્વરને આધીન છોડી દીધું.
મીરાંને વર્ષો પૂર્વેની એ વાતની જાણ થઈ ગઈ છે વાત જાનબાઈએ મીરાંના પિતા ધરમભાઇને કરી. ધરમભાઈ પોતે સૂઝબુઝવાળા અને દીર્ઘદ્રષ્ટા હતા. તેણે જાતે જ બહેન ગોમતીબાઈના ઘરે જવાનો નક્કી કર્યું. બીજા દિવસે સવાર થતાં જ ધરમભાઈ માતાજીને માથું નમાવી, બેનના ઘર તરફ ચાલ્યા. મીરાંને આમ પિતાનું ઓચિંતુ જવું અજબ તો લાગ્યું પણ વડીલો સામે પ્રશ્ન કેમ કરવો?
તેણે આ વિશે એના માં ને પૂછ્યું... પણ , એણેય એ જ વાત કહી કે પોતે પણ કંઈ જાણતા નથી. કેમકે એના પિતા કોઈપણ જાતની ચોખવટ કર્યા વગર જ ઓચિંતાનો નિર્ણય કરીને આમ ગયા છે. માં દીકરી બંનેના મનમાં એક જ પ્રશ્ન મૂંઝવ્યા કરે શું થશે? જો સંબંધ તૂટી જશે તો...? ફરી પાછું મીરાંના ભવિષ્યનું શું...?
મીરાંને પણ હવે મોહનથી અલગ થવું સાલે એમ ન્હોતું. હમણાં હમણાં થયેલી મુલાકાતોથી બંને એકબીજાની ઘણા નજીક આવી ગયા હતા. કદાચ એ બંને એકબીજાને પૂરેપૂરા સમજવા પણ લાગ્યા હતા.બંને વચ્ચે એવી અતુટ લાગણી પણ બંધાણી હતી કે હવે દૂર થવું શક્ય ન હતું. એક સંદેહ સિવાય મીરાં કોઈપણ ભોગે મોહનને ગુમાવવા માગતી ન્હોતી. એ પણ મોહનની જેમ સહિયારા સુખી જીવનનાં સ્વપ્ન જોવા લાગી હતી. એ મનોમન માતાજીને વિનંતી કરતી હતી કે 'હે માં હવે તો તારો જ આધાર, તું કરે એ જ સાચું.'
સવારના ધરમાં સો કામ હોય. માં દીકરી ઘરના કામે લાગી ગયા. મીરાં પાણી ભરી આવી. રસ્તામાં ગીતા સાથે એણે માંએ કરેલી બધી વાત જણાવી દીધી.ગીતા મીરાં માટે બહેનથી વિશેષ બહેનપણી... એટલે નાનામાં નાની વાત બંને એકબીજાને પુરા વિશ્વાસથી કરી દેતી. આજ સુધી ક્યારેય ગમે તેવી પરિસ્થિતિ આવે એણે એકબીજાના ભરોસો ક્યારેય ગુમાવ્યો ન્હોતો. એટલે આજે પણ એ નિ:સંદેહ હતી.
અત્યાર સુધી તો આ માં દીકરી જ ચિંતામાં હતા.પણ, હવે તો એમાં ગીતા પણ જોડાઈ ગઈ... પણ, થોડું વિચાર્યું એટલે એણે મીરાંને આશ્વાસન આપતા કહ્યું કે "એ મોહનને જેટલો ઓળખે છે પરથી એને કંઈક ચિંતા કરવા જેવું છે જ નહીં."કોઈપણ સંબંધ વિશ્વાસથી જ કાયમ હોય.મોહન માટે એ આવું વિચારી જ કેમ શકે...?શું મોહન પર પશ્ન એ સ્વયં પોતાના પર પશ્ન કરવા જેટલું કઠિન નથી...?"એમ સમજણપૂર્વક કહ્યુ એટલે મીરાંને હવે 'હાશ'થઈ.
ધરમભાઈ શું વિચારી ઉતાવળે બહેનના ઘરે ગયા હતા...? જાણવા માટે
વાંચો આવતા અંકે...
-ડૉ.સરિતા(જલધિ)