સગાઈના મુરતનો સમય નજીક આવ્યો. બધા મહેમાનો આવી ગયા છે. મીરાં પણ સજીધજીને તૈયાર બેઠી છે. હવે માત્ર સામે પક્ષેથી મહેમાન આવે તેને જ પ્રતીક્ષા છે. પતિ પત્ની નવા થનાર વેવાઈને આવકારવા તત્પર હતા . એટલામાં મહેમાનનાં આવવાનો અવાજ સંભળાયો જાનબાઈ અને ધરમભાઈ તેમને આવકારવા , સત્કારવા માટે સામે ગયા.
પતિ પત્ની બંને બહાર જઈને જે દ્રશ્ય જૂએ છે તે જોઈને તો બંને સાવ આભા જ બની ગયા. જાણે કોઈ વિચારી ન શકે એવી અવસ્થા... બંને જણા જાણે મૂર્તિવંત ઉભા રહી ગયા. એકબીજાની સામે જોયા કરે છે.... તેઓ જુએ છે તો એક તરફ મીરાંનું સગપણ જેની સાથે નક્કી થયું હતું તે માં-દીકરો મહેમાન સાથે આવી રહ્યા હતા. તો એની સામેની બાજુએથી ગોમતીબાઈ અને ધનજીભાઈ પણ એમના પુત્ર મોહનને સજાવી સગપણ માટે લઈ વાજતે ગાજતે આવી રહ્યા હતા...
ધરમભાઈ અને જાનબાઈ તો મૂંઝાયા.... આ બંનેમાંથી કોને આવકારવા...! હવે શું થશે....? મીરાંનું સગપણ શું ફરીથી ફોક થશે...? શું એકવાર ફરીથી વિધાત્રી મીરાંના લેખમાં મેખ મારશે...? શું સમાજ એકવાર ફરી મીરાંના વ્યક્તિત્વને ખોટી સમાજદારીના ત્રાજવે તોલશે, એની આગળ ફરી એને નમતું જખવું પડશે....?એટલીવારમાં તો બંનેના મનમાં આવા અસંખ્ય ખોટા વિચારોનો મારો શરૂ થયો. આ બધું વિચારતા પતિ પત્ની બંને એમ જ ઉભા રહી ગયા. બધું બાઘાની જેમ જોતા રહ્યા... બીજી તરફ માતા-પિતાને અંદર આવવામાં વાર લાગી એટલે સેજલ પણ તેમને જોવા માટે બહાર દોડી આવી...
બહારનું આ દ્રશ્ય જોઈ સેજલની હાલત પણ માતા પિતા જેવી જ અસ્વસ્થ થઈ. પણ છતાં, એને પોતે સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો અને માતા પિતાને પણ સ્વસ્થ કરવા પ્રયત્ન કર્યો. સેજલ શરૂઆતથી જ ઉંમર કરતાં વધુ સમજદાર હતી . વળી તે ફોઈના સ્વભાવને પણ જાણતી હતી એટલે એણે તટસ્થ રહી વિચાર કર્યો. માતા પિતાના વિચારને પણ એજ સાચી દિશામાં દોર્યો.
પેલા માં-દીકરાને પણ શરૂઆતમાં તો આ દ્રશ્ય જોઈએ અચંબો થયો... પણ, સેજલે એમને બોલાવી કહ્યું કે ...."સંજોગો જ એવા ઊભા થયા છે કે એમનો રસ્તો માત્રને માત્ર તેઓના સમાધાનથી જ નીકળી શકે એમ છે... "એટલા માટે પેલા માં-દીકરાને વિનંતી કરી આ સગપણ ન કરવા મનાવી લીધાં.
એ માં-દીકરો સારા સંસ્કારી પરિવારમાંથી આવતા હતા એટલે એમણે પણ ખરા સમયે માનવતા દર્શાવી દીધી. પોતાની ભીંતરે રહેલા ખુશીના એ ઉમળકાને પણ ત્યાં જ થંભાવી દીધો. ખરી રીતે કહીએ તો ઈમાનદારીપૂર્વક મૂંઝાયેલાને રસ્તો કરી દીધો. તેઓ જાતે જ સગપણમાંથી હટી ગયા.... મીરાંના સગપણની ખુશીમાં સહભાગી પણ થયા....
હવે મનને થોડી નિરાંત થઈ એટલે ધનજીભાઈ અને ગોમતીબાઈને બંને પતિ પત્નીએ આવકાર્યા.જાણે કંઈ બન્યું જ નથી એમ દર્શાવવા પ્રયત્ન કર્યો.પણ, જેનો સ્વભાવ જ વિપરિત એને કોઈ કેમ પહોંચે....!
ગોમતીબાઈએ એના સ્વભાવ અનુસાર સ્થળ સમયનો ખ્યાલ રાખ્યા વગર જ ભાભીને ઘણું ઘણું કહ્યું કે, "દીકરીનો સંબંધ ફરી નક્કી કર્યો તો એકવાર પૂછી તો લેવાય ને....વળી, બેનનું ઘર એટલું દોહ્યલું લાગ્યું કે દિકરીને બીજે પરણાવવા તૈયાર થયા અને પાછા નોતરૂં દેવા પણ જાતે ન આવ્યા...જે થયું એ પણ મારી હાજરીમાં આજે હું મીરાંની સગાઈ મોહન સિવાય કોઈ બીજા સાથે થવા જ નહીં દઉં.."
જાણે પોતે ત્રણ વર્ષ પહેલા બનેલી ઘટનામાં સામેલ જ ન હોય એવી રીતે દોષનો ટોપલો ભાઈ-ભાભી પર ઢોળી દીધો.આખરે બહેનની જીદ આગળ તેના પતિ ધનજીભાઈ ને જેમ જ આ પતિ-પત્નીએ પણ ઝૂકવું પડ્યું... મોહનને સાથે જ મીરાંની સગાઈ થઈ...
બીજી તરફ આ બધી બાબતની જાણ મોહન કે મીરાં બેમાંથી એકેયને ન્હોતી. બંને પોતાની બાળવયના નશામાં જ મસ્ત હતા.જાણે ,બંને માત્ર સગાઈ થયાથી એને જે સોગાત મળવાની હતી તેનાથી જ ખુશ હતા. થોડીઘણી સમજ હતી પણ લાંબી તર્ક કે વિચાર શકિત એકેયમાં હજુ ન્હોતી વિકસી
બહાર શું બની ગયું એનો મીરાંને અણસાર સુધ્ધા ન્હોતો... કે અહીં આવ્યા પહેલાં ઘરમાં શું ઘટી ગયું એની જાણ મોહનને ન્હોતી.. માત્ર બે નિર્દોષ હૈયાની આજે પરંપરાગત સગાઈ હતી. બે બાળપણના મિત્રોની જીવનસાથી બનવા તરફની પહેલી ડગ હતી.
મીરાંને માંડવામાં લાવવામાં આવી...જોતા જ ગોમતીબાઈની આંખો ચાર થઈ ગઈ...બીજા લોકો પણ તેના નિર્દોષ સૌન્દર્ય જોઈ અનિમેષ તાકી રહ્યા ... મોહન મીરાંની સગાઈ હવે વિના વિઘ્ને પતી ગઈ...બધા મહેમાનો પાછા પોતપોતાના ઘર તરફ વળ્યા..
શું થશે મીરાંને આ વાતની જાણ થયા પછી..?
વાંચો આવતા અંકે...