બંને સખીઓ સમયનું ભાન થતા જ મંદિરેથી ધરે જાય છે.બીજી તરફ મીરુંને આજ ફરી પાછી ઘરમાં ન જોતાં જાન બાઈ ફરી વ્યાકુળ બન્યા છે. પણ, ધરમભાઈ ઘરમાં છે એટલે ચહેરા પર બનાવટી હાસ્ય રાખી રોજનું કામ કર્યે જાય છે. એટલામાં મીરાં પાણી ભરીને આવી ગઈ. જાનબાઈને જાણે અંદરથી 'હાશકારો' અનુભવાયો.
ધરમભાઈ શિરામણ કરી ખેતરે જવા નીકળી ગયા. જાનબાઈ સાથે મીરાંએ પણ શિરામણ કર્યુ અને બંને ઘરના કામ કરવા લાગ્યા. માં -દિકરી બંને ઘણા સમય સુધી એમને એમ મૌન જ કામ કરતા રહ્યા.
મીરાં ગીતાની વાતથી ખૂબ વ્યથિત હતી.પણ,અંતરના ભાવોને કોની સમક્ષ ઠાલવવા ? એને મોહનને મળીને હકીકત પૂછવાનું મન થઈ આવ્યું.એનીને મોહનની વચ્ચેનું અંતર એટલું ન્હોતું પણ જાણે કે જોજનો દૂર છે એવો ભાસ થયો.મન મોહનનાં દૂર થવા માત્રની કલ્પનાથી કંપી રહ્યું હતું.શું પૂરી હકીકત જાણ્યા પછી પણ આ સંબંધ કાયમ રહેશે...?મનમાં થયું કે માંને પૂછીને મોહન પાસે દોડી જાવ...કાં તો અંતરના એક સાદે મોહનને અહીં જ બોલાવી લઉં...હૈયું જોરજોરથી ધબકવા લાગ્યું.
શું કારણ હશે કે મોહને સંબંધની મનાઈ કરી હશે...! કોઈ બીજાના વાંકે આ થયું હશે...? મોહનને આ વાતની ખબર તો હશે જ ને? આ સંબંધ કોઈ આવેશમાં આવીને તો નહીં થયો હોય ને..?માં-બાપુએ આ વાતને આજદિન સુધી શા માટે છૂપાવી રાખી હશે...?આવા અનેક વિચારો મનોમંથનમાં ચાલ્યા કરતા હતા.
મીરાં જે કામ કરે એ હાથમાંથી પડ્યે જાય છે.જાણે કે ચિત્ત ચકડોળે ચડ્યું છે.સવાલો અનેક છે...જવાબ એકપણ નહીં.કોઈ એના સાદે વારે આવે તો એને વળગીને રડી લેવાનું મન થઈ આવ્યું...
જાનબાઈ મીરાંના ચહેરા પરની ચિંતાને પામી ગયા હતા. મીરાં સામે જોઈને એને પૂછ્યું...
જાનબાઈ : "અલી મીરું શાની ચંત્યા કરેસે ? આ પાણી ભરી આવતા વાર કાં થઈ. જે દિ'થી તું મોહન હારે બા'ર ગઈતી તે દીથી તને કાંક મુંજવણ સે હું શું તને નથ જાણતી. તારું મૂંજાયેલું મોઢું રોજ જોયા કરું છું."
મીરું : (આંખમાં ઝળઝળિયાં સાથે) "સાચું કહું મનમાં તો વિચારોનો સમુદ્ર રેલાઈ રહ્યો છે. પણ ,એને કોઈ કિનારો હજી સુધી મળ્યો નથ. માત્ર મૃગજળની જેમ કિનારાની પાછળ ભટક્યા કરું છું ને અંતે તો નિરાશ થઈને જ પાછા વળવું પડે છે."
જાનબાઈ : "ગોળ ગોળ વાત્યું કરીશ મા.. મને તો તારી આવી વાતોમાં કાંઈ ગમ પડતી નથી."
મીરું : (થોડી આવેશમા આવીને)" ગમ તો મને પણ નથી પડતી. નિરાશા તો મને એ વાતની છે કે તે જ મને અંધારામાં રાખી છે.નહીં તો મનેય કાંઈક સત્યની ખબર પડી ગઈ હોત.
જાનબાઈ : (મનમાં કંઈક અજબ લાગણી સાથે)" મેં તને ક્યાં અંધારે રાખી સે. આ તું હું બોલસ.
મીરું :" હા જો એવું ન હોય તો મને સત્ય જણાવ કે મારા સગપણ વખતે શું બન્યું હતું."
જાનબાઈ:(મનમાં ધ્રાસકો પડ્યો છે પણ બનાવટી ભાવ સાથે) એવું તો કાંઈ નથ તો તને કેવું સું."
મીરું: (હાથ જાનબાઈના માથા પર રાખીને) જો એમ જ હોય તો ખા મારા સમ... અને મને કહે કે કાંઈ નથી.તો હું માનુ કે તમે મારાથી કાંઈ છૂપાવતા નથી."
જાનબાઈ મુંઝવણમાં હોય એમ વિચાર કરે છે અને પછી મીરાંને બધી માંડીને વાત કરે છે...જાણે ભૂતકાળની ધટનાઓ ફિલ્મના દ્રશ્યોની માફક નજર સામે જ ઘટતી જાય છે.એની તાદૃશ અનુભૂતિ હજીયે પડઘાયા કર્યાનો અનુભવ આજેય જાણે જીવંત થયો છે.
જાનબાઈએ મીરાંને સમજાવતાં સમજાવતાં જાણે જીવનના પાઠ શીખવી રહ્યા છે.ભૂતકાળની ભૂલોને પકડીને બેસીએ તો કયારેય સુખેથી જીવન જીવી ન શકાય.જે હોય તે સ્વીકારીને ચાલે એજ સુખી થાય.પોતાના અનૂભવને આધારે આટલી સમજ આપતા એ સ્વયં જાણે ભૂતકાળમાં સરી પડે છે.
શું હશે એ ભૂતકાળ..? મીરાં જાનબાઈના ચીંધેલા રસ્તે કાયમ રહી શકશે...?
વાંચો આવતા અંકે...