Smbandhni Parampara - 15 in Gujarati Fiction Stories by Dr.Sarita books and stories PDF | સંબંધની પરંપરા - 15

Featured Books
Categories
Share

સંબંધની પરંપરા - 15

મીરાં અને ગીતા ઝડપથી શિવ મંદિર તરફ જવા લાગ્યા.આજુબાજુના વાતાવરણની સુધ નથી. પણ , કહેવાય ને કે ચોરને તો હવાનો ભાસ પણ ડરાવે.લોકો પોતાના કામમાં જતાં-જતાં પણ જો એની સામે જુએ તો એ અંદરથી સંકોચ અનુભવે .રખેને ચોરી પકડાઈ જશે.આમ કરતાં કરતાં બંન્ને મંદિરે પહોંચી ગયા.

બહુ ઓછા લોકો આજુબાજુ હતા.બધા દર્શન કરી જતાં રહેતા .બંન્ને સખીઓ એકબાજુ ઓટલે બેઠી.ગીતાએ વાત શરૂ કરી.

ગીતા : "જો મીરું,હું આમા સત્ય શું છે કે કેમ એ જાણતી નથી.પણ મારા બા કહેતા એ સાંભળેલું તે કહું છું.પણ,એક વાત કહે કે આની તારા ને મોહનના સંબંધ પર કોઈ અસર નહીં થાય."

મીરું : "જો હવે મારી પ્રતિક્ષાની પરીક્ષા ના લે,જે હોય તે જલ્દી કહી દે. ને રહી વાત મોહનની તો એ એમાં કયાં આવ્યા."

ગીતા : "વાત એના સાથે સંકળાયેલી છે એ જ તો મોટી મૂંઝવણ છે."

મીરું : (વિચારમાં વ્યાકુળ થતા )ભલે રહી મને હવે તો તું કહે જ..મોહન અને બાની ચિંતાનું કારણ!"

ગીતા : "હા, તો શાંત થઈ ને સાંભળ. તને ખબર છે તારું સગપણ નાનપણથી જ નક્કી થઈ ગયું છે."

મીરું :"હા,તો એ થોડું ચિંતા કરવા જેવું છે."

ગીતા : "એ નહીં પણ બા કહેતા એ સગપણ મોહન સાથે નહીં કોઈ બીજા સાથે નક્કી થયું હતું."

મીરું : "શું(આશ્ચર્ય સાથે)"

ગીતા :" હા. "

મીરું : "પણ, હું તો સમજણી થઈ ત્યારથી મોહન સાથે જ સગપણની વાત જાણું છું.એવું બીજું તો કંઈ મને યાદ જ નથી .અને કયાંથી હોય એ વખતે મારી ઉંમરેય કાચી તો એની સાચી સમજેય કયાંથી હોય."


ગીતા :" હા, સાજ -શણગારના મોહથી જાણે આ જીંદગીભરનો ફેંસલોય સાવ રમતવાત લાગતો.નવાં-નવાં વસ્ત્રો ને લોકોની નજરમાં એ ઠાઠ ભોગવવા પૂરતી સમજ માંડ વિકસેલી."

મીરું : "હા, બા કહેતા સાવ ભોળી ભટ્ટ હતી હું. વિચાર્યા વગર ગમે તે બોલી દેતી અને એ બાળપણની મુર્ખામીતો બધે વખણાતી."

ગીતા : "કદાચ એજ કારણથી કંઈક એવું બન્યું હશે!"

મીરું : "શું બન્યું હશે."

ગીતા : "એ જ કે એક સાથે બે-બે વરરાજા આ ભોળી ભટ્ટ મીરુંના નસીબનો હિસ્સો બન્યા હશે."

મીરું : "માડીને વાત કરને..આ મીરું હવે એ ભોળી ભટ્ટ મીરું નથી રહી.હવે ધીરજ ખૂટી છે મારી."

ગીતા : "બા કહેતા પહેલા સગપણ વાળા લોકો સાથે જ મોહનને લઈને એ લોકો પણ આવી પહોંચેલા ને બે પક્ષો વચ્ચેના વિવાદે તારું સગપણ અટવાયેલું. તે છેલ્લે આ મોહન સાથે થયું.દોષ કોનો હતો? શું મામલો હતો એતો હું પણ નથી જાણતી."

મીરું : "મને એમ કે તારો જવાબ મળશે ને મનને શાતા મળશે.પણ,હવે તો ઉલ્ટાનું મારું મન ચકડોળે ચળ્યુ.જો સમયના ચક્રને પાછું ઠેલી શકાતું હોત તો જરૂર એ ભૂતકાળમાં સરીને આ કાયમી ચિંતાને તિલાંજલિ આપી દેત.પણ,ઈશ્વરની અમુક શોધો પર માનવી સાવ પામર અને લાચાર થઈ જાય છે એટલે એને ભૂલવાની જ રહી.

ગીતા : "પણ,મને એટલી ખબર છે કે મોહનનો એમાં ક્યાંય દોષ નથી.કદાચ સંજોગો એવા હશે કે આ ધટિત થયું."

મીરું : "પણ , પૂરી હકીકત જાણ્યા વિના મને ચેન કયાંથી પડે."

ગીતા : " બીજું તો હું ય નથી જાણતી.વડીલો સામે આપણે નાના પડીએ એટલે સામો પશ્ન તો ન કરી શકી પણ ચોરી છૂપીથી એટલું સાંભળેલું કે મોહનના માં પહેલા તારી સાથે સગપણ માટે તૈયાર ન હતા ને બીજે ગોઠવાયું તો એ જાતે જ સગપણ કરવા આવી ગયા."

મીરું : ( ખૂબ ગહન વિચારમાં છે.)"જો નામંજૂર જ હતું તો આજે આ કેમ? શું કારણ હતું ત્યારે? મોહનની નામંજૂરી કે કોઈ બીજું ? ઈશ્વર કરે મોહનની આમા કોઈ સામેલગીરી ન હોય.

આવું આવું તો એણે ઘણું વિચારી લીધું.પણ, અજાણ્યા હવામાં તીર ફેંક્યા બરાબર.કંઈ ઉકેલ ન મળ્યો.સમય ઘણો થઈ ગયો હતો.ગીતાએ એનું ભાન કરાવ્યું એટલે બંન્ને સખીઓ ઉભી થઈ ઘર તરફ ચાલવા લાગી.એક પ્રશ્નાર્થ ને ઉકેલવા મથતાં બીજો પશ્ન લઈને..

શું મીરાં સાચી હકીકત જાણી શકશે ..?

વાંચો આવતા અંકે..