Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 101 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 101

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 101

(૧૦૧) રહીમખાનની ભામાશા સાથે મુલાકાત

         શહેનશાહ અકબર ભારતમાં, ભારતના બે શક્તિશાળી અને વિશાળ પ્રદેશો પંજાબ અને દક્ષિણ ભારતના રાજ્યોના સવાલોમાં વ્યસ્ત હતા. આ પ્રદેશમાં ઉગ્રતા આવી હતી. બગાવતોનો દોર ચાલતો હતો. સલ્તનતની મજબૂતાઇ માટે એ પ્રશ્નો પર સંપૂર્ણ ધ્યાન આપવું આવશ્યક બની ગયું હતું. પરિણામે રાજપૂતાના અને મેવાડ તરફ દુર્લક્ષ સેવ્યે જ છુટકો હતો.

મનસબદાર એટલે સેનાપતિ, અકબરની સેનામાં દસ સૈનિકોના ઉપરીથી માંડીને દસ હજાર સૈનિકોના ઉપરી સુધીના મનસબદારો હતા.

ટોચની જગ્યાએ એવો સેનાપતિ મુકવામાં આવતો, જે મોગલ ખાનદાન સાથે ગાઢ સંબંધમાં હોય, મિર્ઝા અબ્દુલ રહીમ ખાનખાનાન દસ હજારી સેનાપતિ હતા અને બાદશાહના ફોઇના દિકરા હતા, ઓરમાન ભાઇ હતા.

તેઓને રાજપૂતાના મોકલવામાં આવ્યા. સમજાવીને પ્રતાપને સંધિ માટે તૈયાર કરો. એક દિવસે, મેવાડના મંત્રી ભામાશાહ સાથે તેમની મંત્રણા ગોઠવાઇ.

“શાહજી, તમારા રાણાને સમજાવો હું એમને દિલ્હી દરબારમાં સર્વોચ્ચ સ્થાન અપાવું.”

“ એ  વાત જ અસંભવ છે. મિર્ઝા સાહેબ, આપ તો કુશળ સેનાપતિ અને મહાન કવિ છો. ઇન્સાન શું પોતાની ખુદ્દારી કદી વેચી શકે છે?” ભામાશાહ બોલ્યા.

“સદાયે સંઘર્ષ ખેલવાનો અર્થ શો? બાદશાહ તમારી શરતોએ સંધિ કરવા તૈયાર છે. માત્ર નાના છોડે તોતીંગ વૃક્ષની છાયા સ્વીકારી નિશ્ચિંત થવાનો જ આ પ્રશ્ન છે.”

“ જે માણસે અપાર દુ:ખો વેઠ્યા છે, ભીષણ રઝળપાટ વેઠયો છે. એ માણસ દિલ્હી દરબારમાં આવે જ નહિ. આજે તો સમગ્ર રાજપૂતાનાનું ગૌરવ મહારાણાજી પાસે છે.શરણે આવીને, એ ગૌરવને હવે તેઓ ગુમાવે નહિ! પ્રાણાંતે પણ ન ગુમાવે.”

“ભામાશાહજી હિન્દુસ્તાનનો ઇતિહાસ કરવટ બદલી રહ્યો છે. આજે દેશમાં હિંદુ અને મુસ્લીમો એકબીજા સાથે ભાઇચારાથી રહે છે. દેશના પ્રવાહથી મહારાણા પ્રતાપ જેવા મહામાનવ અલગ પડી જાય એનો મને રંજ છે. મહારાણા પ્રતાપસિંહના જીવનથી તો હું ઘણો પ્રભાવિત છું. હું એ “હિંદના ભાણ” ને મારા મોટાભાઇ સમાન માનું છું. ફક્ત એકવાર તેઓ મારી સાથે દિલ્હી દરબાર આવે. મારી દિલી તમન્ના છે કે, આ યુગના ત્રણ મહાપુરૂષો તુલસીદાસ, મહારાણા પ્રતાપસિંહ અને શહેનશાહ અકબરનો કોક્વાર ત્રિવેણી સંગમ રચાય.”

“મિર્ઝાજી, આપના સરળ હ્રદયની શુભેચ્છા હું સમજું છું. પરંતુ આ મિલન અસંભવ છે. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ કદી ભેગા થાય જ નહી હું મહારાણા પ્રતાપનું જીવન ધ્યેય સમજું છું. સાતમી સદીથી જે રાજવંશે આઝાદી ખાતર, ધર્મ ખાતર, દેશ ખાતર સર્વસ્વ કુરબાન કરતાં જ રહ્યાં છે એવા આ અરવલ્લીના આ સિંહને ઘાસ ખાવાનું મારાથી કહેવાય જ કેમ?

“ભામાશાહજી, આપ મારી પર યકીન કરો. મહારાણાજીના સ્વાગતમાં  કશી કમી નહીં રહે. એમની તમામ શરતો હું બાદશાહ પાસે કબુલ કરાવીશ. કદાચ મહારાણાજીને ચિત્તોડગઢ પણ સુપરત કરાવવામાં આવે. અત્યારે બાદશાહ કેવળ કીર્તિનો ભુખ્યો છે. બાદશાહ પોતે ભીંસમાં છે. આજની પળ કદાચ આવતી કાલે ન પણ હોય. કેવળ એકવાર મહારાણાજી બાદશાહને મળે એ જ મારી મોટામાં મોટી મહત્વાકાંક્ષા છે.” મિર્ઝા અબ્દુલ રહીમે મુલાકાતનો મર્મ કહ્યો.

“રહીમજી, આપ શૂરવીર સેનાપતિ હોવા સાથે એક ભાવુક કવિ પણ છો. ખુદાએ આપને સંવેદનશીલ માનવતાવાદી હૈયુ આપ્યું છે. મહારાણા પ્રતાપસિંહ માટે રાજપૂતાનાના કવિઓ શું કહે છે તે જરા સાંભળો.

અકબર પથ્થર અનેક, કૈ ભૂપત ભેલાં કિયા,

હાથ ન લાગો હે ક, પારસ રાણ પ્રતાપ સી.

રહીમજીને મઝા પડી.પરંતુ ડિંગલની કવિતાનો સ્પષ્ટ અર્થ ન સમજાયો એટલે ઉત્સુકતાવશ બોલી ઉઠ્યા.

“ખુબ સુંદર, પરંતુ આનો અર્થ શો?

“સાંભળો રહીમજી, રાજપૂતાનાનો કવિ કહે છે કે, અકબરશાહે પોતાના દરબારમાં પથ્થરોરૂપી અનેક રાજાઓ ભેગા કર્યા છે. પરંતુ પારસરૂપી પ્રતાપ તો એમના હાથમાં આવ્યો જ નથી. તમે જ કહો, મહારાણા અકબરશાહને ઝૂકી પડે તો પારસનો પથ્થર ન બની જાય, હું તો શું તમારા દરબારના હિંદુઓ પણ નથી ઇચ્છતા કે પ્રતાપ નમે. હિંદુત્વનું ગૌરવભંગ થાય. પ્રતાપ મોગલસત્તાને નમે એટલે તત્ક્ષણ એમની કીર્તિનો રથ જે ગગનગામી છે તે યુધિષ્ઠિરના “ નરો વા કુંજરો” બોલતા ધરાશયી થયો હતો તેમ ધરાશયી બની જાય.

“ભામાશા, તમારા રાજપૂતાનાના કવિઓ પણ કમાલ છે. મેં પૃથુરાજ રાસો સાંભળ્યો છે. આલ્હાખંડ સાંભળ્યો છે, હમ્મીર રાસો પણ સાંભળ્યો. મને સંભળાવો એમના શબ્દોમાં આપના મહારાણાની કીર્તિગાથા.

“સાંભળો મિર્ઝાજી”

એક કવિ લખે છે.

સુષ હિત સ્યાલ સમાજ, હિન્દુ અકબર બસ હુઆ

    રોસીલો મૃગરાજ, પજૈ ન રાણ પ્રતાપ-સી

શિયાળરૂપી હિંદુ સમાજ, સુખની કામનાથી અકબરની દાસતા સ્વીકારી પરંતુ ગુસ્સાવાળા સિંહરૂપી રાણો પ્રતાપ એની દાસતા સ્વીકારતો નથી.

અકબર સમદ  અથાહ, તિહં ડુબા હિન્દુ, તુરક,

મેવાડી તિણ માઁહ, પોયણ ફૂલ પ્રતાપ-સી

અકબરરૂપી અગાધ સમુદ્રમાં હિંદુ અને મુસલમાન બધાં જ ડુબી ગયા. પરંતુ મેવાડનો મહારાણા પ્રતાપ કમળ પુષ્પની માફક એ ઉપર શોભી રહ્યો છે.

કેટલી સુંદર કલ્પના છે. ધન્ય છે આ પ્રતિભાવંત કવિને, કોઇના પગ કાપ્યા વગર પોતે ઉંચે બિરાજી ગયા. હજુ કાંઇ છે ભામાશાજી.

રહીમજીનું કવિ હ્રદય આટલી સુંદર રચના સાંભળી પ્રફુલ્લિત બની ગયું.

ક્લપૈ અકબર કપ્ય, ગુણ પૂંગીધર ગોડિયા,

મિણધર છાબડા માંય,પડે  રાણ પ્રતાપ-સી.

સાપરૂપી રાજાઓને વશ કર્યા છતાં શહેનશાહના શરીરમાં વેદના છે. કારણ કે, રાણા પ્રતાપસિંહ જેવો મણિધારી સાપ એના પિંજરામાં આવ્યો નથી.

“આવા હિંદવા ભાણને ગુલામીના વાદળોમાં ઢંકાય  જ નહિ. મારી જ ભૂલ છે. મને અહેસાસ થઈ ગયો એ સહ્યાદિના સિંહનો, હું ખુદાને પ્રાર્થના કરૂંછું કે, આઝાદીના આવા આશકો મહારાણા પ્રતાપ અને એમના હમસફરોને કામિયાબી મળે.”

“ તો હવે મિર્ઝાજી, આપ સમજી ગયા હશો કે , આપના પ્રસ્તાવની મહારાણાજી સમક્ષ રજુઆત કરવી  એ કેટલી વ્યર્થતા છે.”

તે પછી તરત જ ઇ.સ. ૧૫૮૧માં મિર્ઝા અબ્દુલ રહીમ ખાનખાનાનને દિલ્હીનું તેડું આવ્યું.

શાહજાદો સલીમ તે વખતે માત્ર ૧૨ વર્ષનો હતો. શેખુબાબાની કેળવણી માટે મિર્ઝાજીની અતિ આવશ્યકતા ઉભી થઈ રહી હતી.

શેખુબાબા શાહજાદા સલીમનું લાડકવાયું નામ હતું. મિર્ઝા શહેનશાહ પાસે ગયા, “જહાંપનાહ, મુજસે પ્રતાપ કો સમજાના ન હો સકા, કિસી ઔર કો ભેજિયેગા.”  “મૈને ઇન્તજામ કર દિયા હૈ.”  મર્માળુ હસતા શહેનશાહ બોલ્યા.