જ્યારે ભગવાન પુષ્કળ આપે, ત્યારે લોકો તેની કિંમત કેમ ભૂલી જતા હોય છે?
કાલરા પરિવાર પાસે દુનિયાની તમામ સુખ-સુવિધાઓનો ભંડાર હતો અને બાળકોને ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી. રેયાંશ અને રોહન, યુવાન જોડિયા ભાઈઓ હતા અને ૭મા ધોરણમાં ભણતા હતા. શાબ્દિક રીતે, તેઓ રજવાડી જીવન જીવી રહ્યા હતા, એટલી હદ સુધી કે તેમની દરેક ઈચ્છા જાણે માતાપિતા માટે એક આદેશ હતો.
અન્નનો બગાડ કરતા પહેલા, રેયાંશ અને રોહન ક્ષણભર પણ વિચારતા નહોતા. સ્કુલના ટિફિનમાં હમેશા જમવાનું પાછું આવતું. જ્યારે તેમને કારણ પૂછવામાં આવતું, ત્યારે તેમનો જવાબ હતો, “ઘરનું જમવાનું ખૂબ કંટાળાજનક છે. ઘણીવાર અમને ખાવાનું મન પણ નથી થતું.”
રમતો રમવા અથવા સાથે બેસીને અભ્યાસ કરવા, છોકરાઓ નિયમિત રૂપે તેમના મિત્રોને ઘરે આવવાનું આમંત્રણ આપતા અને દરેક વખતે તેમના મનપસંદ રેસ્ટોરન્ટમાંથી નાસ્તો મંગાવવામાં આવતો. તમે વિચારશો કે તે બર્ગર અને પિઝા તો ખાઈને ખતમ થઈ જતાં હશે. દુર્ભાગ્યે, ના! તેમાંથી પણ ઘણું બધું ફેંકવામાં જતું. શા માટે? કારણ કે જરૂરિયાત કરતાં વધુ મંગાવવામાં આવતું હતું.
જીવનની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત: અન્ન, અને જોડિયા ભાઈઓની નજરમાં તેનું મૂલ્ય શૂન્ય હતું. આ બાબતથી તેમની દાદી સુમિત્રાને ખૂબ જ દુઃખ થતું. દિવસરાત અન્નનો બગાડ જોઈને તેમની સહનશીલતાનું સ્તર તેની સીમાએ પહોંચી ગયું. તેમના ભવ્ય સામ્રાજ્યના વારસદારોને પાઠ શીખવાનો સમય આવી ગયો હતો, ભલે પછી તે એક કઠિન માર્ગે કેમ ન હોય.
એક સવારે, જ્યારે બાળકો સ્કુલમાં હતા, ત્યારે સુમિત્રાએ તેના પુત્ર અને પુત્રવધૂને ચર્ચા કરવા માટે બેસાડ્યા. તેણે ધીરજ સાથે વાત કરવાનું શરૂ કર્યું, “રાકેશ, ભગવાને આપણને અપાર સંપત્તિ આપી છે, અલબત્ત, તે તારી મહેનત વિના નથી આવી. પરંતુ મને જણાવતા ખેદ થાય છે, કે આપણા બચ્ચાઓ જે જાહોજલાલીની મજા માણી રહ્યા છે તેની એમને જરાપણ કદર નથી.”
સુમિત્રાએ તેમને વિવિધ ઘટનાઓના ઉદાહરણ આપ્યા, જ્યાં તેણે તેના પૌત્રોને વ્યાપકપણે અનાજ ફેંકતા જોયા હતા.
"રાકેશ, હું આપણા છોકરાઓને ખૂબ પ્રેમ કરું છું અને ઇચ્છું છું કે તેઓ તારા જેવા તેજસ્વી અને સફળ બને, પરંતુ તેના માટે રેયાંશ અને રોહનને આજે તેમની ભૂલ સુધારવાનું શીખવું પડશે."
સદભાગ્યે, રાકેશને પરિસ્થિતિની તીવ્રતા સમજાઈ અને તેણે કહ્યું, “મમ્મી, તમે સો ટકા સાચા છો. તમારા મનમાં શું છે? તમે જે કંઈપણ યોજના વિચારી હોય, તેમાં હું તમને સંપૂર્ણ સહયોગ આપીશ.”
સુમિત્રાએ રાહતમાં સ્મિત કર્યું અને રાકેશ અને તેની પુત્રવધૂને યોજના જાહેર કરી; તેઓ ખુશી ખુશી સંમત થઈ ગયા.
* * * * * *
“પપ્પા, આ વર્ષે, અમે અમારા જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટી આપવા માંગીએ છીએ. અમે બધા મિત્રોને આમંત્રિત કરીશું, અમારા લગભગ ત્રીસ મિત્રો છે.” રેયાંશે ઉત્સાહમાં કહ્યું અને રોહને ટાપસી પૂરી, "હા, આ વર્ષે આપણે ફાઈવ સ્ટાર હોટેલમાં પાર્ટી રાખીશું."
બધા હોલમાં બેઠા હતા અને રાકેશે હળવાશથી કહ્યું, “બેટા, આ વર્ષે તમારી દાદીમાંએ તમારા બંને માટે કંઈક ખાસ આયોજન કર્યું છે અને મને આ બાબતમાં વચ્ચે પડવાની મનાઈ છે. તમે બંને તમારી દાદીને પૂછો."
છોકરાઓ તેમની દાદી તરફ વળ્યા, "દાદીમાં, તમે શું વિચાર્યું છે?"
સુમિત્રાએ હળવેકથી શરૂઆત કરી, “આ વર્ષે, મારી પાસે તમારા માટે બે ભેટ છે. એક: તમારા જન્મદિવસ પર, આપણે શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લઈશું. હું ઈચ્છું છું કે તમે ત્યાંના ગરીબ બાળકોને જમવાના પેકેટનું વિતરણ કરો.”
રેયાંશ અને રોહન બંને આશ્ચર્યચકિત થઈ ગયા, તેઓએ એકસાથે બૂમ પાડી, "દાદી? આને કાંઈ ભેટ કહેવાય?"
સુમિત્રાએ તેમને શાંત કરવા માટે હથેળી ઉંચી કરી, “મને મારી વાત પૂરી કરવા દો. બીજી ભેટ એ છે કે હવેથી તમે બંને આપણા બગીચામાં દર રવિવારે માત્ર ત્રણ કલાક કામ કરશો. તેના માટે તમારા પપ્પા તમને પગાર આપશે. તમે બંને તે પૈસાથી તમારું રવિવારનું બપોરનું જમવાનું ખરીદવા માટે વાપરશો. મારી વાત સ્પષ્ટ થઈ ગઈ?"
કહેવાની જરૂર નથી, તેમની દાદીની ઘોષણા તદ્દન અણધારી અને આઘાતજનક હતી, જેના લીધે છોકરાઓ ગુસ્સામાં લાલ પીળા થઈ ગયા. જો કે, ઝૂંપડપટ્ટીમાં ગયા પછી બચ્ચાઓની આંખ ખુલી ની ખુલી રહી ગઈ. રેયાંશ અને રોહને એવી વસ્તુઓ જોઈ, જેની તેઓ કલ્પના પણ નહોતા કરી શકતા. બાળકો ગંદા, ઉઘાડા પગે અને ચીંથરેહાલ કપડાંમાં ફરી રહ્યા હતા. મોટે ભાગે, તેઓ લાકડી જેટલા પાતળા હતા.
એક છોકરો કોઈ છોકરી પાસેથી ચિપ્સનું પેકેટ છીનવી રહ્યો હતો, બે બાળકો એક વડાપાવ માટે લડી રહ્યા હતા, પરંતુ સૌથી ખરાબ હજુ જોવાનું બાકી હતું. એક નાની છોકરી કચરાના ડબ્બામાંથી અન્ન વીણીને ખાઈ રહી હતી, તેની બાજુમાં બેઠો એક કૂતરો પણ એ જ કચરો ખાઈ રહ્યો હતો. આ જોઈને બંને ભાઈઓ ધ્રુજી ઊઠ્યા.
સુમિત્રા એ જોઈને સંતુષ્ટ થઈ કે ઝૂંપડપટ્ટી વિસ્તારની સફર તેના પૌત્રોને તીવ્રપણે સ્પર્શી ગઈ હતી. રેયાંશ અને રોહન નિરાધાર બાળકોને જમવાના પેકેટ્સનું વિતરણ કરીને ખૂબ જ ખુશ હતા, તેણે રોહનને કહેતા સાંભળ્યું, "આપણે વધારે પેકેટ્સ લાવવા જોઈતા હતા."
ઘરે પાછા ફરતી વખતે, સુમિત્રાએ ફકત એક જ વાક્ય કહ્યું, "બેટા, પૃથ્વી પર અન્નનું ભરમાર છે, પરંતુ દરેક વ્યક્તિ તે ખાઈ શકે એટલા નસીબદાર નથી."
રેયાંશ તેની દાદીને ભેટી પડ્યો અને નમ્રતાથી બોલ્યો, “દાદી, અત્યાર સુધીના અમારા અવિચારી આચરણ માટે અમને ખૂબ જ અફસોસ છે. હવે, હું રવિવારે આપણા બગીચામાં કામ કરવા માટે આતુર છું. હું ખરેખર મારું રવિવારનું લંચ કમાવા માંગુ છું.
રોહને તેના ભાઈ સાથે વાત સ્વીકારી અને ઉમેર્યું, “ચાલો આને જન્મદિવસની પરંપરા બનાવી નાખીએ. દર વર્ષે આપણે અહીં આવીને આ ગરીબ લોકોને જમવાના પેકેટનું વિતરણ કરીશું.
તે દિવસે, જોડિયા ભાઈઓ ફકત અન્ન અને પૈસાની કિંમત નહોતા સમજ્યા
, તેઓ
તેને
બચાવવાનું પણ શીખી ગયા.
શમીમ મર્ચન્ટ, મુંબઈ.__________________
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on instagram
https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=