Sazish - 11 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સાજીશ - 11

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સાજીશ - 11

૧૧. ફાંસી... ફાંસી... ફાંસી...!

સવારે સોમચંદની ઊંઘ ઊડી ત્યારે તે એકદમ સ્વસ્થ લાગતો અત્યારે એ પોતાના સુંદરનગરવાળા બંગલામાં નહીં પણ સરદાર હતો.

જયસિંહ રોડ પર આવેલ બંગલામાં હતો. જુલી સાથે રાત્રે ત્રણ કલાક મોજમસ્તીમાં વિતાવ્યા બાદ એ ખૂબ જ તાજગી અનુભવતો હતો.

અત્યારે તે વૉશબેસીન સામે ઊભો ઊભો બ્રશ કરતો હતો. અચાનક બંગલાની ડોરબેલ જોરથી રણકી ઊઠી. ‘અત્યારના પહોરમાં વળી કોણ ગુડાયું...?' એ બબડ્યો.

‘કામવાળી હશે... !' સોમચંદની પત્નીએ કહ્યું, ‘વિષ્ણુ, જરા દરવાજો ઉઘાડજે... !'

વિષ્ણુ એના નોકરનું નામ હતું. એણે આગળ વધીને દરવાજો ઉઘાડ્યો. વળતી જ પળે વંટોળિયાની જેમ દિલીપ, માલા અને ધીરજ અંદર ધસી આવ્યાં.

ધીરજે પ્રવેશ્યા પછી તરત જ અંદરથી દરવાજો બંધ કરી દીધો. જ્યારે દિલીપ, રજની અને માલા ડ્રૉઇંગરૂમના જુદા જુદા ખૂણામાં ગોઠવાઈ ગયાં.

સોમચંદે બ્રશ પડતું મૂકીને કોગળા કર્યા અને તીવ્ર અવાજે બોલ્યો, ‘આ શું માંડ્યું છે, મિસ્ટર દિલીપ...? તમે લોકો અહીં શા માટે આવ્યાં છો... ?’

‘અમે તમારા બંગલાની તલાશી લેવા માટે આવ્યાં છીએ !' દિલીપે શાંત અવાજે કહ્યું.

'કેમ.?'

તમારા આ સવાલનો જવાબ તમે બહુ સારી રીતે જાણો છો, મિસ્ટર સોમચંદ... ! આ અજિત મરચંટના ખૂનકેસની તપાસનો જ એક ભાગ છે... !'

‘અજિત... અજિત... !' સોમચંદ નેપકીનથી હાથ લૂછતો ધૂંધવાતી હાલતમાં ડ્રૉઇંગરૂમમાં આવ્યો, ‘હું તમને અગાઉ પણ કહી ચૂક્યો છું કે અજિત મરચંટના ખૂન સાથે મારે કંઈ નિસ્બત નથી.

હું તો તેને બરાબર ઓળખતો પણ નહોતો.’ સોમચંદનું કથન સાંભળીને દિલીપના હોઠ પર ઝેરીલું સ્મિત ફરકી ઊઠ્યું.

‘મિસ્ટર સોમચંદ... !’જાણે પોતાના જ બંગલામાં લટાર મારતો હોય એવી ચાલે સોમચંદ પાસે પહોંચીને એ બોલ્યો, ‘ખૂન કર્યા પછી દરેક ખૂની આ જ વાતનો કક્કો ઘૂંટે છે... ! તમે જે વાત કહો છો એ જ તે કહે છે... ! આમાં નવું કંઈ જ નથી... !' બરાબર છે, પણ જેણે ખૂન ન કર્યું હોય એ પણ બૂમો પાડી પાડીને આમ જ કહેતા હશે ને?'

‘હા, ચોક્કસ... !' દિલીપના હોઠ પર ફરકતું સ્મિત વધુ ગાઢ બન્યું, ‘એક નિર્દોષ માણસ પણ એમ જ કહે છે કે પોતે ખૂન નથી કર્યું... પોતે નિર્દોષ છે વગેરે... વગેરે... ! પરંતુ અત્યારે મને તમારા ચહેરા પર જે ખોફ દેખાય છે એવો ખોફ કોઈ નિર્દોષના ચહેરા પર હરગીઝ નથી દેખાતો... ! આવો ખોફ તો માત્ર ખૂનીઓના ચહેરા પર જ જોવા મળે છે.'

‘મ... મિસ્ટર દિલીપ... !

'ના... ના... !' દિલીપ વચ્ચેથી જ એની વાતની કાપી નાખતાં બોલ્યો, ‘હવે એવું કહેશો નહીં કે ચહેરાના હાવભાવ પારખવામાં મારી કંઈક ભૂલ થાય છે... ! મારું નામ કૅપ્ટન દિલીપ છે એ તો તમે જાણો જ છો... ! આજ સુધીમાં કેટલાય અઠંગ, એક એકનું માથું ભાંગી નાખે એવા ખતરનાક અપરાધીઓ સાથે મારો પનારો પડી ચૂક્યો છે... ! એટલે કમ સે કમ આ જાતની ભૂલ તો હું ક્યારેય નથી જ કરતો... !'

'પણ..’

'પ્લીઝ, અમને અમારું કામ કરવા દો... !' દિલીપે હાથ ઊંચો કરીને તેને અટકાવતાં કહ્યું, ‘જો તમે ખરેખર નિર્દોષ હશો તો તલાશી દરમિયાન અમને તમારી વિરુદ્ધ કશુંય નહીં મળે !'

‘ના, મિસ્ટર દિલીપ... !' સોમચંદ જીદભર્યા અવાજે બોલ્યો, ‘હું તમને મારા ઘરની તલાશી લેવા નહીં દઉં !'

‘મિસ્ટર સોમચંદ...! હવે દિલીપનો અવાજ સ્ટેજ કઠોર થયો, ‘તલાશી તો અમે લઈને જ અહીંથી જઈશું. તમે સીધી રીતે તલાશી માટે મંજૂરી આપો તો ઠીક છે, નહીં તો અમારી પાસે કાયદાનું શસ્ત્ર પણ છે જ... !'

‘ક... કાયદાનું શસ્ત્ર... ?'

‘હા... અને એ શસ્ત્રનું નામ છે સર્ચવૉરંટ... !'

દિલીપે ગજવામાંથી બંગલાની તલાશીનું સર્ચવૉરંટ કાઢીને તેને બતાવ્યું.

વૉરંટ જોતાં જ સોમચંદનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. ‘હવે બોલો મિસ્ટર સોમચંદ... !' દિલીપે પોતાની વેધક આંખો સોમચંદની આંખોમાં પરોવતાં પૂછ્યું, ‘શું હજુ પણ તમે તલાશી લેવાની ના પાડીને અમારા કામમાં અડચણરૂપ બનવા માગો છો.. ? સોમચંદ કશોય જવાબ ન આપી શક્યો. એની પત્ની પણ ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

‘આ... આ બધો શું બખેડો છે...?' એણે પોતાના પતિ પાસે પહોંચીને પૂછ્યું, 'આ લોકો શા માટે અહીં આવ્યા છે...?'

જવાબમાં સોમચંદ નીચું જોઈ ગયો.

પત્નીના સવાલનો કોઈ જવાબ એની પાસે નહોતો. 'મિસ્ટર દિલીપ, તમે જ કંઈક કહો... !' સોમચંદની પત્ની દિલીપને ઉદ્દેશીને બોલી.

'અત્યારે તો હું માત્ર એટલું જ કહીશ કે એક ખોટા માણસ સાથે તમારાં લગ્ન થયાં છે... !'

સોમચંદે તરત જ માથું ઊંચું કરીને આગ્નેય નજરે દિલીપ સામે જોયું.

‘શું મારી વાત ખોટી છે, મિસ્ટર સોમચંદ... ?’ દિલીપે એની નજરથી જરા પણ ગભરાયા વગર બેધડક કહ્યું, ‘શું રોક્સી ક્લબના ફોટાઓ આ વાતનો પુરાવો નથી...?'

સોમચંદ ફરીથી એક વાર નીચું જોવા માટે લાચાર બની ગયો.

‘મિત્રો... !’ દિલીપ ધીરજ વિગેરેને ઉદ્દેશીને બોલ્યો, ‘તમે તલાશી લેવા માંડો... ! કોઈ વસ્તુ તલાશીમાં બાકી ન રહે એનું ખાસ ધ્યાન રાખજો... !!

ત્રણેય અંદરના જુદા જુદા રૂમોમાં ચાલ્યાં ગયાં. કોઈનેય અટકાવવાની સોમચંદની હિંમત ન ચાલી. વળતી જ પળે જોરશોરથી તલાશીનું કામ શરૂ થઈ ગયું. સોમચંદ, એની પત્ની તથા નોકર-ચાકર ચૂપચાપ તમાશો જોવા સિવાય કશુંય કરી શકે તેમ નહોતાં

શું થવાનું છે એની કોઈનેય ખબર નહોતી. બધાંના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. દિલીપ ડ્રૉઇંગરૂમની તલાશી લેતો હતો. અંદરના રૂમોમાંથી પણ ચીજવસ્તુઓ ખસેડવાના અવાજો ગુંજતા હતા.

દિલીપે અડધા ઉપરાંત ડ્રૉઇંગરૂમની તલાશી લઈ લીધી પરંતુ તેને કામની કોઈ ચીજવસ્તુ ન મળી.

‘મિસ્ટર દિલીપ... !’ સોમચંદ હિંમત એકઠી કરીને બોલ્યો,

‘હું ફરીથી કહું છું કે બંગલાની તલાશી લેવામાં તમે નાહક જ સમય વેડફો છો. અહીંથી તમને કશુંય નહીં મળે !'

‘વેરી ગુડ... !’ દિલીપ હસ્યો, ‘તો પછી તમે પોતે જ પુરાવાઓ ક્યાં છુપાવ્યા છે એ કહી નાખો એટલે અમારો સમય બચી જાય... !'

‘તમે નાહક જ મારા પર શંકા કરો છો... ! મેં કોઈનુંય ખૂન નથી કર્યું !

દિલીપના હોઠ પર જાણે એની ઠેકડી ઉડાવતો હોય એવું સ્મિત ફરક્યું. એણે પોતાનું કામ ચાલુ જ રાખ્યું. તે ઝપાટાબંધ એક પછી એક વસ્તુઓ તપાસતો હતો.

ધીમે ધીમે સમય પસાર થતો જતો હતો.

અહીંથી કોઈક પુરાવો મળશે કે કેમ એવી શંકા હવે દિલીપને પણ ઘેરી વળી હતી. થોડી પળો બાદ અચાનક રજની ઉતાવળા પગલે ડ્રૉઇંગરૂમમાં આવી.

‘આ જો દિલીપ... !’ આવતાંવેંત એણે કહ્યું, આ શું છે?’ દિલીપે જોયું તો રજનીના હાથમાં અત્યારે હૉસ્પિટલના ડૉક્ટરો પહેરે છે એવો સફેદ કોટ જકડાયેલો હતો. ‘દિલીપ...!' રજની ફરીથી બોલી, આ કોટ મને મિસ્ટર સોમચંદના વૉર્ડરોબમાંથી મળ્યો છે!'

‘ગુડ... !’ દિલીપની આંખોમાં તીવ્ર ચમક પથરાઈ ગઈ. તે રજનીના હાથમાંથી કોટ લઈને સોમચંદ તરફ ફર્યો.

‘મિસ્ટર સોમચંદ... !' ભરી કોર્ટમાં સરકારી વકીલ ગુનેગાર સામે કોઈક પુરાવો રજૂ કરતો હોય એવી અદાથી સફેદ કોટ સોમચંદ સામે લહેરાવતાં એણે કહ્યું, ‘હવે તમારે શું કહેવું છે...? ડૉક્ટરો જેવો આ સફેદ કોટ તમારા વૉર્ડરોબમાં ક્યાંથી આવ્યો એ જણાવવાની કૃપા કરશો... ?’

સોમચંદના કપાળ પર પરસેવાનાં બિંદુઓ ચમકવા લાગ્યાં. એના ગળાનો કાકડો જોરથી ઊંચોનીચો થયો.

એણે ખમચાઈને આજુબાજુમાં નજર કરી.

‘આ... આ...’ એ થોથવાતા અવાજે બોલ્યો, ‘આ કોટ મારા વૉર્ડરોબમાં ક્યાંથી આવ્યો એની મને ખબર નથી.’

‘આ જૂઠાણું ચલાવવાથી તમે નહીં બચી શકો, મિસ્ટર સોમચંદ... !' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો, 'કારણ કે આ કોટ તમારા પોતાના જ વૉર્ડરોબમાંથી મળ્યો છે. એ ઉપરાંત એક વાતની કદાચ ખબર નહીં હોય કે ખૂનીએ આવો જ સફેદ કોટ પહેરીને અજિત મરચંટનું ખૂન કર્યું હતું.' ‘એટલે... ?’ તમે કહેવા શું માગો છો... ?' સોમચંદે ડઘાઈને પૂછ્યું.

‘હું એમ કહેવા માગું છું કે...' દિલીપ ખંજરની જેમ જમણા હાથની પહેલી આંગળી સોમચંદ સામે ચીંધતાં બોલ્યો, ‘તમે જ આ સફેદ કોટ પહેરીને અજિત મરચંટનું ખૂન કર્યું છે...!'

'આ... આ... ખોટું છે... !'

‘આ સાચું છે... !' દિલીપે એનાથી પણ વધુ ઉગ્ર અવાજે કહ્યું. સોમચંદની આંખોમાં ભય ડોકિયાં કરવા લાગ્યો. પોતાના પગ નીચે જમીન ખસી ગઈ છે એવો ભાસ એને થતો હતો. તે વધુ કોઈ દલીલ કરે એ પહેલાં જ અંદરના રૂમમાંથી માલા દોડતી દોડતી ત્યાં આવી પહોંચી.

એના હાથમાં સ્ટેથોસ્કોપ જકડાયેલું હતું.

‘આ જુઓ, મિસ્ટર દિલીપ... !' તે ઉત્સાહભેર બોલી, આ સ્ટેથોસ્કોપ મને મિસ્ટર સોમચંદના બેડરૂમમાંથી મળ્યું છે. આ તેમની બ્રીફકેસમાં પડ્યું હતું.

‘સ.. સ્ટેથોસ્કોપ... !' સોમચંદના માથા પર જાણે કે આભ તૂટી પડ્યું. ‘હા, મિસ્ટર સોમચંદ... સ્ટેથોસ્કોપ... !' દિલીપ સ્ટેથોસ્કોપ પણ પોતાના હાથમાં લઈને કુટિલ સ્મિત રેલાવતો સોમચંદ તરફ ફર્યો, પ્લીઝ, એમ કહેશો નહીં કે આ સ્ટેથોસ્કોપ વિશે પણ તમે કશુંય નથી જાણતા... ! આ તમારી બ્રીફકેસમાં ક્યાંથી આવ્યું ?'

‘આ બાબતમાં ખરેખર મને કંઈ ખબર નથી, મિસ્ટર દિલીપ... !'

'પ્લીઝ, મારી વાત પર ભરોસો રાખો... !'

‘મિસ્ટર સોમચંદ... !' દિલીપ હસ્યો, ‘તમારો આ જવાબ સાંભળીને મને જરા પણ નવાઈ નથી લાગી. મેં તમારી પાસેથી આવા જ કોઈક જવાબની આશા રાખી હતી. તમારી જાણ માટે સાંભળી લો કે ખૂની જ્યારે અજિત મરચંટનું ખૂન કરવા માટે ડૉક્ટરના રૂપમાં વિલાસરાય હૉસ્પિટલમાં ગયો હતો ત્યારે એના હાથમાં પણ આવું જ એક સ્ટેથોસ્કોપ હતું.

‘આ જો, દિલીપ... !' કહેતાં કહેતાં ધીરજે ડ્રૉઇંગરૂમમાં પગ મૂક્યો. એના હાથમાં રબ્બરનાં પાતળાં હાથમોજાં જકડાયેલાં હતાં, બાજુના રૂમમાંથી આ હાથમોજાં મળ્યાં છે... ! ખૂનીએ ખૂન કરતી વખતે આવાં જ હાથમોજાં પહેર્યાં હતાં.

‘ગુડ... ! વેરી ગુડ... !'

દિલીપે ધીરજના હાથમાંથી હાથમોજાં પણ લઈ લીધાં.  જ્યારે સોમચંદનો ચહેરો કાપો તો લોહીનું એક ટીપું પણ ન નીકળે એવો થઈ ગયો હતો. તમારો ખેલ હવે ખતમ થઈ ગયો છે, મિસ્ટર સોમચંદ... !'

દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકીને ગંભીર અવાજે બોલ્યો, 'આ બધા પુરાવાઓના આધારે સ્પષ્ટ થઈ જાય છે કે અજિત મરચંટનું ખૂન તમે જ કર્યું હતું અને હવે એમાં શંકાને કોઈ સ્થાન નથી રહેતું !'

'આ... આ ખોટું છે... ! બિલકુલ ખોટું... ! મેં કોઈ ખૂન નથી કર્યું... !' સોમચંદ જોરથી બરાડ્યો.

તમારે જે કંઈ કહેવું હોય એ હવે કોર્ટમાં જ કહેજો... !'

દિલીપ ગંભીર અવાજે બોલ્યો, યુ આર અંડર અરેસ્ટ... !'

‘ના, મિસ્ટર દિલીપ... ! તમે મારા પતિની ધરપકડ ન કરો.. !' સોમચંદની પત્નીએ વિરોધભર્યા અવાજે કહ્યું. તમે અમને અટકાવી શકો તેમ નથી, મૅડમ... !' દિલીપ કર્કશ અવાજે બોલ્યો, ‘મેં તમને થોડી વાર પહેલાં જ કહ્યું હતું કે તમારાં લગ્ન એક ખોટા માણસ સાથે થયાં છે... !'

ત્યાર બાદ તેઓ ચારેય સોમચંદને સાથે લઈને તાબડતોબ ત્યાંથી વિદાય થઈ ગયાં. સોમચંદ ઇચ્છા હોવા છતાંય તેમનો વિરોધ ન કરી શક્યો.

સોમચંદની ધરપકડના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી ગયા. વિશાળગઢની અખબારી આલમમાં તો જબરો ઊહાપોહ અને ખળભળાટ મચી ગયો.

સમાચારની વિગતો જાણવા માટે શહેરભરના પત્રકારો તથા પ્રેસફોટોગ્રાફરો સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરમાં ઊમટી પડ્યા.

તેઓ બૂમ પાડી પાડીને એક જ વાત કહેતા હતા - કૅપ્ટન દિલીપ સાથે અમારી વાત કરાવો... !' પરંતુ દિલીપે ઘસીને મુલાકાત આપવાની ના પાડીને વિગતો જોઈતી હોય તો કોર્ટમાં આવી જવાનું જણાવ્યું. ત્યાર બાદ સી.આઈ.ડી. વિભાગે અજિત મરચંટના ખૂનકેસના અનુસંધાનમાં તાબડતોબ અમુક પગલાં ભર્યાં.

જેમ કે સોમચંદને ત્રણ કલાક સુધી સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરે રાખ્યા પછી વિશાળગઢ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો.

પોલીસે ચોવીસ કલાક સુધી સોમચંદને કસ્ટડીમાં રાખીને ઊંડાણપૂર્વક તેને પૂછપરછ કર્યા બાદ ચાર્જશીટ બનાવીને કોર્ટમાં રજૂ કરી દીધો. અત્યારે ચારે તરફ સોમચંદની જ ચર્ચા થતી હતી.

સોમચંદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એ દિવસે તમામ અખબારના રિપોર્ટરો, ટી.વી. ચેનલના પત્રકારો ઉપરાંત અસંખ્ય લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

અદાલતના ખંડની પણ એ જ હાલત હતી. ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી.

લોકોનો રસ કંઈક તો એટલા માટે વધી ગયો હતો કારણ કે સોમચંદ વિરુદ્ધ કોર્ટમાં પુરાવાઓ રજૂ કરવા માટે દિલીપ પોતે આજે કોર્ટરૂમમાં જ હાજર હતો.

ખેર, કોર્ટની કાર્યવાહી શરૂ થઈ.

સોમચંદ અત્યારે નંખાઈ ગયેલા ચહેરે આરોપીના પાંજરામાં ઊભો હતો.

એક દિવસમાં જ એના માથા પરથી જાણે કે દસ વર્ષ પસાર થઈ ગયાં હતાં.

પળભર માટે સોમચંદ તથા દિલીપની આંખો ચાર થઈ.

‘યોર ઓનર... !' દિલીપ ન્યાયાધીશને સંબોધતાં બોલ્યો, ‘આ કેસની દલીલ શરૂ કરતાં પહેલાં હું આપને અમુક ફોટાઓ બતાવવા માગું છું.. !

એણે પોતાના ગજવામાંથી રોક્સી ક્લબવાળા સોમચંદના ફાટાઓ કાઢીને ન્યાયાધીશના ટેબલ પર પહોંચાડ્યા.

ફોટાઓની વાત સાંભળતાં જ સોમચંદના ચહેરા પરનું રહ્યુંસહ્યું નૂર પણ ઊડી ગયું.

ન્યાયાધીશ સાહેબ એક પછી એક ફોટાનું નિરીક્ષણ કરવા લાગ્યા. તેઓ જેમ જેમ ફોટા જોતા હતા તેમ તેમ એમનું આશ્ચર્ય વધતું જતું હતું. ‘મિસ્ટર સોમચંદ... !' છેવટે એમણે સોમચંદ સામે જોતાં પૂછ્યું, 'શું આ ફોટાઓ તમારા જ છે... ?’

સોમચંદે કંઈ જવાબ ન આપ્યો. એ ચૂપચાપ નીચું જોઈને ઊભો રહ્યો.

ન્યાયાધીશે પોતાના સવાલનું પુનરાવર્તન કર્યું. પરંતુ સોમચંદના હોઠ બિડાયેલા જ રહ્યા. એ કશુંય બોલ્યો નહીં.

‘યોર ઓનર... !' દિલીપ બોલ્યો, ‘મિસ્ટર સોમચંદ આપના સવાલનો જવાબ આપી શકે તેમ નથી... ! આ સવાલનો જવાબ આપવા માટે હિંમત અને કલેજું જોઈએ... ! અને આ કલેજું એક ગુનેગારનું નથી હોતું. અલબત્ત, તેમની ચુપકીદી સ્પષ્ટ રીતે ચાડી ફૂંકે છે કે આ ફોટાઓ એમના જ છે... !'

સોમચંદ દિલીપની વાતનો વિરોધ કર્યા વગર માથું નમાવીને ઊભો રહ્યો.

‘કેટલા આશ્ચર્યની વાત છે, યોર ઓનર... !' દિલીપ સોમચંદની ઠેકડી ઉડાવતાં બોલ્યો, “ધર્મજગત” જેવા અખબારના માલિક, સમાજ સુધારક, પ્રખર કેળવણીકાર, સમાજસેવા, બાલ તથા સ્ત્રીકલ્યાણની મોટી મોટી વાતો કરનારા સોમચંદ ગુપ્તાસાહેબનું એક રૂપ આ પણ છે... ! તેઓ કઈ જાતની કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરે છે તે આ ફોટા પરથી જ સ્પષ્ટ થઈ જાય છે... ! તેઓ રોક્સી ક્લબ જેવી બદનામ જગ્યાએ જઈને અય્યાશી કરે છે... ! એટલું જ નહીં, તપાસ દરમિયાન અમને એવું પણ જાણવા મળ્યું છે કે એમણે અય્યાશી માટે પોતાનાં કુટુંબીજનોથી ખાનગીમાં સુંદરનગર કૉલોનીમાં એક બંગલો પણ લઈ રાખ્યો છે... !' બચાવપક્ષનો એટલે કે સોમચંદનો વકીલ હવે સ્હેજ વ્યાકુળ દેખાવા લાગ્યો.

'યોર ઓનર... !' એણે ન્યાયાધીશને સંબોધતાં કહ્યું, ‘હું આ ફોટાઓ જોઈ શકું છું...?'

‘જરૂર...' ન્યાયાધીશે હકારમાં માથું હલાવ્યું.

બેલીફે ન્યાયાધીશના ટેબલ પરથી ફોટાઓ ઊંચકીને એના હાથમાં મૂકી દીધા. સોમચંદના વકીલે ફોટાઓનું નિરીક્ષણ કર્યું.

ફોટાઓ જોતાં જ એનો ગભરાટ એકદમ વધી ગયો. એણે સોમચંદ સામે જોયું પરંતુ સોમચંદ કોઈનીયે સાથે નજર મેળવી શકે તેમ નહોતો.

‘યોર ઓનર... !' છેવટે સોમચંદનો વકીલ પોતાની જાત પર કાબૂ મેળવીને બોલ્યો, ‘આ ફોટાઓમાં કેટલું સાચું છે ને કેટલું ખોટું એની તો મને ખબર નથી પરંતુ એક વાત હું ચોક્કસ પૂછવા માગું છું.'

‘શું ?’

'આ ફોટાઓને અજિત મરચંટના ખૂનકેસ સાથે શું સંબંધ છે ?’ આટલું કહીને એણે પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોયું.

'આ ફોટાઓને અજિત મરચંટના ખૂનકેસ સાથે કંઈ સંબંધ નથી એ હું કબૂલ કરું છું.' એની નજરનો અર્થ પારખીને દિલીપે જવાબ આપ્યો, પરંતુ આ ફોટાઓ સોમચંદના અંગત જીવન સાથે જરૂર સંબંધ ધરાવે છે ! મિસ્ટર સોમચંદ કેવા ઢોંગી માણસ છે તે આ ફોટાઓ પરથી સ્પષ્ટ થઈ જાય છે. તેઓ કહે છે કંઈક અને કરે છે કંઈક... ! તેઓ જેવું બોલે છે એવું તેમનું આચરણ બિલકુલ નથી... ! અજિત મરચંટના ખૂનકેસ વિશેના પુરાવાઓ રજૂ કરતાં પહેલાં મિસ્ટર સોમચંદનું આ રૂપ પણ નામદાર કોર્ટ સમક્ષ ઉજાગર કરવું જરૂરી હતું જેથી કોર્ટમાં આ ઢોંગી અને લંપટ માણસની વાક્પટુતા તથા પ્રપંચલીલાથી છેતરાઈ ન જાય અને સત્યને બરાબર સમજી શકે... !'

સોમચંદના વકીલે વ્યાકુળતાથી ખુરશી પર પાસું બદલ્યું. તે એક વકીલ હતો. બોલવાની જ એને ફી મળતી હતી.

પરંતુ દિલીપ જેવા સી.આઈ.ડી.ના ધુરંધર જાસૂસની વાતનો એની પાસો કોઈ જવાબ નહોતો. ફોટાઓ પુનઃ ન્યાયાધીશ સાહેબના ટેબલ પર પહોંચાડી દેવાયા. આ કેસ ખૂબ જ વિચિત્ર, અટપટો અને આંટીઘૂંટીથી ભરેલો હતો.

‘મિસ્ટર દિલીપ... !' સોમચંદનો વકીલ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘મારા અસીલ પર મૂકવામાં આવેલ આરોપ પુરવાર થાય એવા પુરાવાઓ તમે રજૂ કરશો... ?'

‘ચોક્કસ... !’ દિલીપનો અવાજ એકદમ ગંભીર અને શાંત હતો, ‘પુરાવાઓ રજૂ કરવા માટે જ તો હું અહીં આવ્યો છું. પરંતુ એ પહેલાં હું નામદાર કોર્ટ સમક્ષ અમુક સાક્ષીઓને રજૂ કરવા માગું છું.'

ન્યાયાધીશે પોતાનાં સોનેરી ફ્રેમનાં ચશ્માં વ્યવસ્થિત કર્યાં અને પછી સાક્ષી રજૂ કરવાની મંજૂરી આપી દીધી.

‘થેંક યૂયોર ઓનર... !' દિલીપે સન્માનસૂચક ઢબે માથું નમાવતાં કહ્યું. કોર્ટરૂમમાં ચિક્કાર મેદની હોવા છતાંય શાંતિ છવાયેલી હતી. સૌના શ્વાસ જાણે કે થંભી ગયા હતા.

પ્રેક્ષકગણમાં અન્ય લોકોની સાથે આગલી હરોળમાં રજની, માલા તથા ધીરજ પણ બેઠાં હતાં અને ખૂબ જ ધ્યાનથી દિલીપની એક એક વાત સાંભળતાં હતાં.

સૌથી પહેલાં સાક્ષી તરીકે મીનાક્ષી ટૉકીઝના મારવાડી મૅનેજરને બોલાવવામાં આવ્યો.

‘તમારું નામ જણાવશો... ?' દિલીપે સાક્ષીના પાજરામાં ઊભેલા મૅનેજર પાસે પહોંચીને પૂછ્યું.

‘જી, મારું નામ રાધેશ્યામ અગ્રવાલ છે... ' મૅનેજરે જવાબ આપ્યો.

‘તમે શું કામધંધો કરો છો... ?' હું મીનાક્ષી ટૉકીઝમાં મૅનેજર તરીકે ફરજ બજાવું છું.

‘ગુડ... તો તમે મીનાક્ષી ટૉકીઝમાં મૅનેજર છો... !' દિલીપ બોલ્યો, 'મિસ્ટર અગ્રવાલ, થોડા દિવસ પહેલાં મિસ્ટર સોમચંદ તમારી ટૉકીઝમાં ફિલ્મ જોવા માટે આવ્યા હતા એવું મને જાણવા મળ્યું છે. શું આ વાત સાચી છે... ?’

‘હા, બિલકુલ સાચી છે... !'

‘કઈ ફિલ્મ...?’

'ખાકી... અત્યારે પણ અમારી ટૉકીઝમાં એ જ ફિલ્મ ચાલે મિસ્ટર સોમચંદ કઈ તારીખે ફિલ્મ જોવા માટે આવ્યા હતા છે... !'

'એ તમને યાદ છે... ?'

'હા, યાદ છે... ! એ દિવસે ૧૫મી તારીખ હતી... ! ૧૫મી એપ્રિલ... !’

‘યોર ઓનર... !' દિલીપ હવે ન્યાયાધીશ તરફ ફર્યો, ૧૫મી એપ્રિલની સાંજે જ લગભગ સાત વાગ્યાના અરસામાં વિલાસરાય હૉસ્પિટલ ખાતે અજિત મરચંટનું ખૂન કરવામાં આવ્યું હતું અને

એ જ દિવસે મિસ્ટર સોમચંદ મીનાક્ષી ટોકીઝમાં ઇવનિંગ શો એટલે કે થી ૧૫ પંડ્યાના શોમાં ફિલ્મ જોતા બેઠા હતા... ! અર્થાત્ પોતે ખૂન નથી કર્યું એની એલીબી તેમણે અગાઉથી જ ઘડી રાખી હતી. જ્યારે આ કેસના અનુસંધાનમાં હું મિસ્ટર સોમચંદને મળ્યો ત્યારે તાબડતોબ તેમને યાદ આવી ગયું કે એ દિવસે તેઓ મીનાક્ષી ટોકીમાં બેસીને ફિલ્મ જોતા હતા. એટલું જ નહીં, તેમણે તરત જે પોતાના ગજવામાંથી મને એ શોની બે ટિકિટો કાઢીને પણ બતાવી હતી. આટલા દિવસો પછી પણ ટિકિટો તેમની પાસે સચવાયેલી પડી હતી. આ રહી એ ટિકિટો !'

દિલીપે ગજવામાંથી ફિલ્મની બે ટિકિટો કાઢીને બેલીફના માધ્યમથી ન્યાયાધીશના ટેખલ પર પહોંચાડી. ન્યાયાધીશે બંને ટિકિટો તપાસી,

'યોર ઓનર... !' સહસા સોમચંદનો વકીલ તીવ્ર અવાજે બોલી ઊઠ્યો, આ બંને ટિકિટો તથા અગ્રવાલસાહેબની જુબાની પરથી તો મારા અસીલની નિર્દોષતા વધુ મજબૂત રીતે પુરવાર થાય છે કારણ કે એજિત મરચંટનું ખૂન થયું એ વખતે તો તેઓ ટૉકીઝમાં બેસીને ફિલ્મ જોતા હતા... !

'કરેક્ટ... એબ્સોલ્યુટલી કરેક્ટ... !' દિલીપે સ્મિત ફરકાવતાં ડો. મિસ્ટર સોમચંદ પોતે પણ એવું જ પુરવાર કરવા માગતા હતા અને એટલા માટે તેમણે જાણી જોઈને જ એ દિવસે મીનાક્ષી ટોકીઝમાં ફિલ્મ જેવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. પરંતુ અપરાધી ભલે ગમે તેટલો ચાલાક હોય તોપણ એનાથી કોઈક ને કોઈક ભૂલ અચૂક થઈ જાય છે. મિસ્ટર સોમચંદથી પણ આવી જ ભૂલ થઈ. કેમ કે તેમણે કેટલાય દિવસો પછી એ શોની ટિકિટો પોતાના ગજવામાં સાચવી રાખી અને મેં જ્યારે પૂછપરછ કરી ત્યારે તરત જ ટિકિટો કાઢીને મને બતાવ્યા બાદ કહ્યું કે – 'હું તો એ દિવસે મીનાક્ષી ટૉકીઝમાં બેસીને ફિલ્મ જોતો હતો. તમારી ઇચ્છા હોય તો ટૉકીઝના મૅનેજરને પૂછીને ખાતરી કરી શકો છો. એણે જ મારી સૂચનાથી આ ટિકિટો બુક કરી હતી... !' અને યોર ઓનર, મિસ્ટર સોમચંદની આ જ જુબાની મારા દિમાગમા શંકા ઉત્પન્ન કરવા માટે પૂરતી હતી. મને ટિકિટો બતાવીને પોતે પોતાની જાતને નિર્દોષ પુરવાર કરે છે એવું મિસ્ટર સોમંચદ માનતા હતા, પરંતુ મારી નજરે એ જ ટિકિટો મિસ્ટર સોમચંદના ગુનેગાર હોવાનું સૌથી મોટું સર્ટિફિકેટ હતું કારણ કે ફિલ્મ જોયા પછી કોઈ આટલા દિવસો સુધી ટિકિટો નથી સાચવી રાખતું. વકીલસાહેબ... !' એણે સોમચંદના વકીલ સામે જોતાં પૂછ્યું, ‘મારી વાત ખોટી છે?'

‘તમારી વાત પોતાના સ્થાને એકદમ બરાબર છે, મિસ્ટર દિલીપ... !' સોમચંદનો વકીલ બોલ્યો, ‘પરંતુ એ ટિકિટો જોગાનુજોગ મારા અસીલના ગજવામાં રહી ગઈ અને પાછળથી તે તમને બતાવવામાં ઉપયોગી નીવડી, એ બનવાજોગ છે... !' ‘જોગાનુજોગ... ?’

‘હા, જોગાનુજોગ... !’ સોમચંદના વકીલે મક્કમ અવાજે જવાબ આપ્યો, ‘અને આવો જોગાનુજોગ, મારી સાથે... તમારી સાથે.. ન્યાયાધીશ સાહેબ સાથે કે બીજા કોઈ પણની સાથે બની શકે છે... !'

‘આ એક જોગાનુજોગ હોઈ શકે છે એ હું સ્વીકારું છું.. ! દિલીપ બોલ્યો, ‘પરંતુ વકીલસાહેબ, આ કેસમાં બીજા પણ એવા કેટલાય ખતરનાક જોગાનુજોગ બન્યા છે કે જેણે ડગલે ને પગલે મને ચમકાવ્યો છે. અને આ જાતના ખતરનાક જોગાનુજોગ વારંવાર નથી બનતા એમ હું માનું છું...?'

‘આ તો હજુ શરૂઆત જ છે, વકીલસાહેબ... !' કહીને દિલીપે ન્યાયાધીશ સમક્ષ બીજા સાક્ષીને રજૂ કરવાની મંજૂરી માગી. ન્યાયાધીશે મંજૂરી આપતાં જ રાધેશ્યામ અગ્રવાલના સ્થાને રમજાનને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવ્યો. રમજાન અર્થાત્ મીનાક્ષી ટૉકીઝનો ટિકિટચેકર !

‘તારું નામ... ?’ દિલીપ રમજાન સામે પહોંચીને ઊભો રહ્યો.

‘મારું નામ રમજાન છે, સાહેબ... !'

સામે આરોપીના પાંજરામાં જે માણસ ઊભો છે એને તું ઓળખે છે?

રમજાને આરોપીના પાંજરામાં ઊભેલા સોમચંદ સામે જોયું અને પછી બોલ્યો, ‘બહુ સારી રીતે ઓળખું છું. તેઓ અમારી ટૉકીઝના મૅનેજરસાહેબના મિત્ર છે... ! તેમનું નામ સોમચંદ છે અને તેઓ 'ધર્મજગત' અખબારના માલિક છે... !'

‘શું થોડાં દિવસ પહેલાં તેઓ તારી ટૉકીઝમાં ફિલ્મ જોવા માટે આવ્યા હતા ?'

‘હા, આવ્યા હતા અને મેનેજરસાહેબે મને તેમનું ખાસ ધ્યાન નાખવાની સૂચના પણ આપી હતી... !'

‘ધ્યાન રાખવાની એટલે કે સાવચેતી રાખવાની……… !'

‘ના, મહેમાનગતિ કરવાની... !'

‘વેરી ગુડ... !’ દિલીપ હસ્યો, ‘તો તો પછી ફિલ્મ દરમિયાન તેં સોમચંદસાહેબની ખાસ મહેમાનગતિ કરી હશે...? તેમને અવારનવાર કોડ્રિંક, ચા-પાણી, નાસ્તો વિગેરે પીરસ્યાં હશે.. ?' દિલીપની વાત સાંભળીને રમજાનના ચહેરા પર ખમચાટના હાવભાવ ઊપસી આવ્યા.

‘શું વાત છે... ? તું ચૂપ શા માટે થઈ ગયો, રમજાન... ?'

‘વાત એમ છે કે મને સોમચંદસાહેબની મહેમાનગતિ કરવાની તક જ ન મળી, સાહેબ... !'

‘કેમ...? તારા મૅનેજરસાહેબે તો તને મહેમાનગતિ કરવાની ખાસ સૂચના આપી હતી... !'

'જરૂર આપી હતી... !' રમજાન બોલ્યો, ‘પરંતુ સોમચંદસાહેબે જ પોતાને ડિસ્ટર્બ કરવાની મને ના પાડી દીધી હતી. ફિલ્મ જોતી વખતે પોતાને કોઈ ચીજવસ્તુની જરૂર નહીં પડે એટલે પોતાને ડિસ્ટર્બ ન કરવો એમ તેમણે મને જણાવ્યું હતું.' આ વાતની નોંધ લેવામાં આવે યોર ઓનર... !' દિલીપે

સ્ફૂર્તિથી પીઠ ફેરવીને ન્યાયાધીશ સાહેબ સામે જોતાં કહ્યું, ‘મિસ્ટર સોમચંદે રમજાનને ડિસ્ટર્બ કરવાની ના પાડી હતી. અર્થાત્ પોતે પૂરા ત્રણ કલાક સુધી ટૉકીઝમાં હાજર હતા કે નહીં એ વાતની તેઓ કોઈનેય ખબર પડવા દેવા નહોતા માગતા... !'

‘મિસ્ટર દિલીપ... !' સોમચંદનો વકીલ તીવ્ર અવાજે વિરોધ દર્શાવતાં બોલ્યો, ‘મારા અસીલે આખી ફિલ્મ નહોતી જોઈ અથવા તો તેઓ પૂરા ત્રણ કલાક સુધી ટૉકીઝમાં હાજર નહોતા, એ વાતનો તમારી પાસે શું પુરાવો છે !'

દિલીપે બુલંદ અવાજે કહ્યું, ‘યોર ઓનર... ! આને માટે હું માત્ર ત્રીજા અને અંતિમ સાક્ષી બજરંગી ટૅક્સી-ડ્રાઇવરને રજૂ કરવા માગું છું.. !'

ન્યાયાધીશે જરા પણ ખમચાયા વગર મંજૂરી આપી દીધી. વિટનેસ બોક્સમાંથી હવે રમજાને વિદાય લીધી અને તેના સ્થાને બજરંગી આવીને ઊભો રહ્યો.

બજરંગી નામનો આ ટૅક્સી-ડ્રાઇવર ફિલ્મ અભિનેતા નાના પાટેકરનો જબરો ચાહક-પ્રશંસક હતો તે અગાઉ કહેવાઈ ગયું છે.

‘તારું નામ... ?' દિલીપે તેની નજીક પહોંચીને પૂછ્યું. બજરંગી ટૅક્સીવાલા !'

'હા, તો ભાઈ બજરંગી... ! સામે આરોપીના પાજરામાં જે શખ્સ ઊભો છે એને ઓળખે છે તું...?’

‘ઓહ... તમે આપણા નાના પાટેકરની ઝેરોક્ષ કોપીની વાત કરો છો ?' સોમચંદ સામે ઊડતો દૃષ્ટિપાત કરીને બજંરગી બોલ્યો, ‘એ કંઈ ભુલાય તેમ છે...? બહુ સારી રીતે ઓળખું છું... !' આ મહાશય સાથે તારી પહેલી મુલાકાત ક્યારે થઈ... ?’

૧૫મી એપ્રિલે... !' બજરંગી તરત જ બોલ્યો, ‘એ દિવસે રોજની જેમ હું સાંજે છથી નવના શોમાં મીનાક્ષી ટૉકીઝમાં ફિલ્મ જોવા ગયા હતા અને આ સાહેબ મારી બાજુની જ સીટ પર બેઠા હતા.’

‘તેઓ એકલા જ હતા કે તેમની સાથે બીજું કોઈક પણ હતું...?’

'જી, તેમની પત્ની પણ સાથે હતી... !'

‘વેરી ગુડ... તો ૧૫મી તારીખે તે આ સાહેબની સાથે જ બેસીને ફિલ્મ જોઈ, ખરું ને ?'

‘હા...’

‘આ સાહેબ ફિલ્મની શરૂઆતથી માંડીને અંત સુધી ટૉકીઝમાં જ બેસી રહ્યા હતા કે નહીં, એ બાબતમાં તું કંઈ જાણે છે... ?'

‘હા...' બજરંગી બોલ્યો, ‘ફિલ્મ શરૂ થાય બાદ માંડ અડધો ક્લાક પછી તેઓ ફિલ્મ પડતી મૂકીને ચાલ્યા ગયા હતા... !' અડધો કલાક પછી એટલે કે લગભગ સાડા છ વાગ્યે... ?'

‘હા..'

નવા ‘તેઓ એકલા જ ગયા હતા કે પછી પોતાની પત્નીને પણ સાથે લઈ ગયા હતા...?'

‘ના, તેઓ એકલા જ ગયા હતા... ! તેમની પત્ની તો બિચારી ત્યાં જ બેસી રહી હતી... !'

‘તેઓ કેટલી વારમાં પાછા આવવાનું પોતાની પત્નીને કહીને ગયા હતા, એની તને કંઈ ખબર છે?'

‘હા... અડધો કલાકમાં !'

‘પછી... ? તેઓ અડધો કલાકમાં પાછા આવ્યા ખરા... ?

‘ના રે ના... !' બજરંગી ઠાવકા અવાજે બોલ્યો, ‘તેઓ તો એક-દોઢ કલાક પછી પાછા આવ્યા હતા. તેમની પત્ની તો બિચારી હાંફળીફાંફળી થઈ ગઈ હતી !'

‘યોર ઓનર... !' બજરંગીની જુબાની લીધાં પછી દિલીપે ન્યાયાધીશ તરફ ફરીને કહ્યું, ‘બજરંગીની જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે ૧૫મી એપ્રિલે તે પણ મીનાક્ષી ટૉકીઝમાં મિસ્ટર સોમચંદની બાજુમાં બેસીને ફિલ્મ જોતો હતો અને તેમની પ્રત્યેક હિલચાલ એણે જોઈ હતી. બજરંગીના કહેવા મુજબ મિસ્ટર સોમચંદ ફિલ્મ શરૂ થયા પછી અડધો કલાક બાદ ટૉકીઝ છોડીને ચાલ્યા ગયા હતા તથા એક-દોઢ કલાક પછી પાછા ફર્યા હતા. અને આ સમયગાળા દરમિયાન જ વિલાસરાય હૉસ્પિટલ ખાતે અજિત મરચંટનું ખૂન થયું હતું!'

‘યોર ઓનર... !' સોમચંદ પોતાની ચુપકીદી તોડતાં બોલ્યો, આ એક-દોઢ કલાક દરમિયાન હું ક્યાં હતો ને મેં શું કર્યું હતું એની વિગતો મિસ્ટર દિલીપને જણાવી દીધી છે... !' ‘તો જરા ફરીથી એ વિગતો નામદાર કોર્ટને જણાવી દો... !'

'યોર ઓનર... !' સોમચંદે કહ્યું, ‘હું મારી પત્ની સાથે મીનાક્ષી ટૉકીઝમાં ફિલ્મ જોવા ગયો ત્યારે અડધો કલાક પછી મોબાઈલ પર મારી ઓફિસેથી ન્યૂઝ એડિટરનો ફોન આવ્યો હતો.’

'કેમ ?'

હું મારો તંત્રીલેખ લખીને ભૂલથી ટેબલના ખાનામાં મૂકી આવ્યો હતો. ખાનાની ચાવી મારી પાસે હતી અને આર્ટિકલ તાબડતોબ છાપવા મોકલવાનો હતો. એના વગર આખા પેઇજનું સેટિંગ અટકી પડ્યું હતું. એટલે ન્યૂઝ એડિટરે આવીને તાબડતોબ ખાનામાંથી આર્ટિકલ આપી જવાનું મને જણાવ્યું હતું.

'પછી... ? તમે ઑફિસે ગયા...?’

'હા, ન જવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આર્ટિકલ વગર અખબાર છપાય તેમ નહોતું. એટલે હું અડધો કલાકમાં આવું છું એવું મારી પત્નીને કહીને ગયો હતો.'

પરંતુ બજરંગીની જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે તમે અડધો કલાકમાં પાછા નહોતા ફર્યા... !'

– ‘બરાબર છે... !'

‘કેમ ?’

‘હું આર્ટિકલ આપીને ઑફિસેથી પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં મારી કાર બગડી ગઈ હતી અને એ રિપેર કરવામાં મને આટલો સમય લાગી ગયો... !'

‘કેમ....?' દિલીપે વેધક નજરે એની સામે જોયું, ‘શું તમે કાર રિપેર કરાવવા માટે કોઈ કારીગર પાસે ગયા હતા ?'

‘ના....'

'તો પછી તમને આટલી વાર શા માટે લાગી……… ?'

‘હું કોઈક કારીગર પાસે જવાનું વિચારતો હતો ત્યાં જ અચાનક મને થયું કે ચાલ, હું પોતે જ એક વખત કારનું એન્જિન ચેક કરી

'જોઉં !’

‘પછી... ? તમે કાર ચેક કરી જોઈ...'

‘અને કાર ચાલુ પણ થઈ ગઈ...?'

‘હા... હા...’ સોમચંદે મૂંઝવણભર્યા અવાજે જવાબ આપ્યો. દિલીપ તેની વિરુદ્ધ શું ચાલ રમે છે તે એને કશુંય નહોતું સમજાતું.

‘યોર ઓનર... !' દિલીપ સ્મિત ફરકાવતો ન્યાયાધીશ તરફ ફર્યો, ‘મિસ્ટર સોમચંદના કહેવા મુજબ તેમણે જાતે જ પોતાના ચમત્કારિક હાથની કરામતથી પોતાની કાર રિપેર કરી નાખી, અને એનાથી પણ વધુ ચમત્કારી મુદ્દો એ છે કે આ અડધા-પોણા કલાકનો જે સમય કાર પાછળ વીત્યો એનો તેમની પાસે કોઈ સાક્ષી કે પુરાવો નથી. અજિત મરચંટના ખૂનના સમયે કાર બગડી ગઈ હતી અને તેના રિપરિંગમાં આટલો સમય લાગ્યો હતો એમ કહી શકે એવો કોઈ સાક્ષી મિસ્ટર સોમચંદ કોર્ટ સમક્ષ રજૂ કરી શકે તેમ નથી. હવે આ જુબાનીનું બીજું પાસું હું નામદાર કોર્ટને બતાવવા માગું છું. ખરેખર ૧૫મીની સાંજે સાત વાગ્યાના અરસામાં મિસ્ટર સોમચંદની કાર બગડી ગઈ હતી અને તેના રિપેરિંગમાં આટલો સમય લાગ્યો હતો એ વાતનો શું પુરાવો... ? યોર ઓનર, વાસ્તવમાં મિસ્ટર સોમચંદ એ વખતે વિલાસરાય હૉસ્પિટલમાં અજિત મરચંટનું ખૂન કરવા માટે ગયા હોય અને આ વાત છુપાવવા માટે તેમણે પોતાની કાર બગડી ગઈ હોવાની વાત ઉપજાવી કાઢી હોય એ બનવાજોગ છે... !

‘આ... આ વાત બિલકુલ ખોટી છે... !' સોમચંદ વિરોધ કરતાં તીવ્ર અવાજે બોલ્યો, મેં કોઈનું ખૂન નથી કર્યું... !'

'ખૂન તો તમે જ કર્યું છે, મિસ્ટર સોમચંદ... !' દિલીપે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું.

‘મિસ્ટર દિલીપ... !’ સોમચંદનો વકીલ હવે વાતનો દોર પોતાના હાથમાં લેતાં બોલ્યો, ‘૧૫મી એપ્રિલની સાંજે સાત વાગ્યે મારા અસીલની કાર નહોતી બગડી અથવા તો પછી તેઓ અજિત મરચંટનું ખૂન કરવા માટે વિલાસરાય હૉસ્પિટલમાં ગયા હતા, એ વાતનો તમારી પાસે શું પુરાવો છે ?'

‘પુરાવો છે…… !’ દિલીપના અવાજમાંથી ભરપૂર આત્મવિશ્વાસ નીતરતો હતો, ‘૧૫મી તારીખે મિસ્ટર સોમચંદ વિલાસરાય હૉસ્પિટલમાં અજિત મરચંટનું ખૂન કરવા માટે ગયા હતા અને તેમણે જ ખૂન કર્યું હતું એ વાતના મારી પાસે નક્કર અને જડબેસલાક પુરાવાઓ છે !'

દિલીપનું કથન સાંભળીને સોમચંદના વકીલના ચહેરા પર ચિંતાનાં વાદળો ઘેરાયાં. ‘શું … શું પુરાવાઓ છે તમારી પાસે…?' એણે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવતાં પૂછ્યું.

વળતી જ પળે દિલીપના સંકેતથી વિશાળગઢ પોલીસનો એક ઉચ્ચાધિકારી આગળ આવ્યો અને એણે એક સીલબંધ થેલીમાંથી અમુક ચીજવસ્તુઓ કાઢીને કોર્ટમાં રજૂ કરી. આ એ વસ્તુઓ હતી કે જે તલાશી દરમિયાન સોમચંદના બંગલામાંથી મળી હતી.

આ વસ્તુઓમાં ડૉક્ટરો જેવો સફેદ કોટ, સ્ટેથોસ્કોપ, રબ્બરનાં હાથમોજાં ઉપરાંત સોમચંદની ઑફિસમાંથી મળેલ બત્રીસ કેલિબરની રિવૉલ્વરનો સમાવેશ થતો હતો.

‘યોર ઓનર... !’ દિલીપ એ બધી વસ્તુઓ એક પછી એક ન્યાયાધીશને બતાવ્યા બાદ બોલ્યો, ‘આ બધા પુરાવાઓ મિસ્ટર સોમચંદને ત્યાંથી મળ્યા છે... ! બત્રીસ કેલિબરની આ રિવૉલ્વર ખૂનનું હથિયાર છે ! જો મિસ્ટર સોમંચદે અજિત મરચંટનું ખૂન નથી કર્યું તો આ બધી વસ્તુઓ તેમની પાસે ક્યાંથી આવી..?

‘આ બધી વસ્તુઓ મારા ઘરમાં ક્યાંથી આવી એ હું નથી જાણતો... !' સોમચંદે ચીસ જેવા અવાજે કહ્યું, ‘મને માત્ર એટલી જ ખબર છે કે હું નિર્દોષ છું. મેં કશું જ નથી કર્યું. મને જાણી જોઈને કોઈક કાવતરાનો ભોગ બનાવવામાં આવ્યો છે !

‘માત્ર કહી દેવાથી જ કોઈ નિર્દોષ પુરવાર નથી થઈ જતું, મિસ્ટર સોમચંદ... ! એને માટે કોર્ટમાં પુરાવાઓ રજૂ કરવા પડે છે. અને રજૂ કરવામાં આવેલા આ પુરાવાઓ પોકારી પોકારીને કહે છે કે અજિત મરચંટનું ખૂન તમે જ કર્યું છે... તમે ખૂની છો અને હવે આ ગુનાની સજામાંથી બચી શકો તેમ નથી.'

‘પણ….'

‘મિસ્ટર સોમચંદ... !' દિલીપ બોલ્યો, ‘જો તમે તમારી જાતને નિર્દોષ પુરવાર કરવા માગતા હો તો કોર્ટમાં પુરાવાઓ રજૂ કરો... ! બોલો, આ બધી વસ્તુઓ તમારી પાસે ક્યાંથી આવી…?'

સોમચંદ નીચું જોઈ ગયો.

એના વકીલ પાસે પણ હવે દલીલ કરવા જેવું કશુંય નહોતું કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓથી એનું મનોબળ પણ તૂટી ગયું રહ્યું હતું.

‘યોર ઓનર... !' દિલીપ હવે સમગ્ર કેસ પરની પોતાની પકડ મજબૂત કરતાં બોલ્યો, ‘સોમચંદ નામનો આ માણસ ચહેરા પરથી જેટલો ભલો-ભોળોને માસુમ દેખાય છે એટલો જ અંદરખાનેથી ક્રૂર, ઘાતકી અને ચાલાક છે...! એણે ‘બહુરૂપી ખૂની’ની પદ્ધતિથી જ અજિત મરચંટનું ખૂન કર્યું તથા મૃતદેહ પાસે ગંજીપત્તાંનાં ત્રણ પાનાં – ગુલામ, બેગ્મ અને બાદશાહ – મૂક્યાં જેથી પોલીસ એમ જ સમજે કે એ ખૂન પણ ‘બહુરૂપી ખૂની’ એટલે કે અજય સકસેનાએ જ કર્યું છે. અને બન્યું પણ એમ જ... ! અજિત મરચંટનું ખૂન ‘બહુરૂપી ખૂની’એ અઘાત અજય સકસેનાએ કર્યું છે એમ જ પોલીસે માન્યું.'

‘પણ સવાલ એ છે મિસ્ટર દિલીપ કે...' સોમચંદના વકીલે કહ્યું, 'મારા અસીલે અજિત મરચંટનું ખૂન કર્યું તો શા માટે કર્યું... ? ખૂનનો હેતુ શું હતો... ? આવા સડકછાપ બદમાશ સાથે મિસ્ટર સોમચંદ જેવા પ્રતિષ્ઠિત માણસને વળી શું દુશ્મનાવટ હોય...?'

'એક કારણ તો મને સૂઝે છે !' દિલીપ બોલ્યો.

‘શું ?'

અજિત મરચંટને કોઈ રીતે મિસ્ટર સોમચંદની અય્યાશીની ખબર પડી ગઈ હોય તથા આ વાતના પુરાવાઓ મેળવ્યા પછી એણે

મિસ્ટર સોમચંદને બ્લેકમેઇલ કર્યા હોય અને અજિતના આ બ્લેકમેઇલિંગથી છૂટકારો મેળવવા માટે મિસ્ટર સોમચંદે હંમેશને માટે એનું મોં બંધ કરી દીધું હોય એ બનવાજોગ છે !'

'પરંતુ વાસ્તવમાં ખરેખર એમ જ બન્યું હતું એ વાતનો તો કોઈ પુરાવો નથી ને ?’

‘હા... અને હું આ વાતના ઊંડાણમાં ઊતરવા પણ નથી માગતો. મારું કામ પુરાવાઓ સાથે ખૂનીને કોર્ટમાં રજૂ કરી દેવાનું હતું અને એ મેં પૂરું કરી નાખ્યું છે. બાકી મિસ્ટર સોમચંદે અજિત મરચંટનું ખુન શા માટે કર્યું, એ હવે તમે તેમને જ પૂછો... !મિસ્ટર સોમચંદ.. !' દિલીપે સોમચંદ સામે જોયું, ‘આ વાતનો ખુલાસો પણ હવે તમે જ કરી નાખો !'

સોમચંદે કંઈ જવાબ ન આપ્યો.

એ ચૂપચાપ નીચું જોઈને ઊભો રહ્યો: લંચનો સમય થઈ ગયો હોવાથી કોર્ટની કાર્યવાહી થોડી વાર માટે થંભી ગઈ. લંચ પછી ફરીથી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ.

કોર્ટરૂમમાં ન્યાયાધીશનો ગંભીર અવાજ ગૂંજી ઊઠ્યો, ‘કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓ તથા સાક્ષીઓની જુબાની સાંભળ્યા પછી આરોપી મિસ્ટર સોમચંદ ગુપ્તા ખૂની છે અને તેમણે જ વિલાસરાય હૉસ્પિટલમાં જઈને અજિત મરચંટનું ખૂન કર્યું છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી રહ્યું. પરંતુ અજિત મરચંટનું ખૂન શા માટે કરવામાં આવ્યું એ સવાલનો જવાબ મેળવવાનો હજી બાકી છે. એટલે અદાલત કોઈ પણ ચુકાદો આપતાં પહેલાં આરોપી મિસ્ટર સોમચંદ ગુપ્તાને ત્રણ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર સોંપે છે જેથી આ ભેદ પરથી પણ પડદો ઊંચકી શકાય... !'

પોલીસ રિમાન્ડની વાત સાંભળતાં જ સોમચંદના માથા પર જાણે કે વીજળી ત્રાટકી,

એના હાંજા ગગડી ગયા.

ન્યાયાધીશના હુકમ પછી આ કેસની સુનાવણી હાલતુરંત પૂરી થઈ ગઈ.

પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે સોમચંદને ત્યાંથી લઈ જવાયો. સોમચંદ માટે આગામી ત્રણ દિવસ ખુબ જ ત્રાસજનક વીત્યા. પોલીસે પણ એની સાથે કઠોર વલણ અપનાવ્યું. ત્રણ દિવસ સુધી તેને ટૉર્ચરરૂમમાં રાખવામાં આવ્યો. અને અનેક રીતે ટોર્ચર કરવામાં આવ્યો.

સોમચંદની કાળજું કંપાવતી ચીસોથી ટૉર્ચરરૂમની દીવાલો પણ ખળભળી ઊઠી.

પરંતુ કોઈને ય એના પ્રત્યે દયા ન ઊપજી, દયા ઊપજવાનો કોઈ સવાલ પણ નહોતો.

પોલીસ સામે અત્યારે કોઈ અખબારનો માલિક નહીં પણ એક ખુની જ હતો. યાતનાઓ આપી આપીને સોમચંદને એક જ સવાલ પૂછવામાં આવ્યો - ‘બોલ, તેં અજિતનું ખૂન શા માટે કર્યું? એણે તારું શું બગાડ્યું હતું...?'

દરેક વખતે સોમચંદના મોંમાંથી એક જ જવાબ નીકળ્યો. - મેં અજિતનું ખૂન નથી કર્યું... ! હું ખૂની નથી... !' ત્રણ ત્રણ દિવસ સુધી અસહ્ય યાતનાઓ સહન કર્યા પછી પણ

એ પોતાના જવાબ પર અડગ રહ્યો. પોલીસ પણ તેને ટોર્ચર કરી કરીને થાકી ગઈ. હવે જો વધુ ટૉર્ચર કરવામાં આવશે તો તે મૃત્યુ પામશે એવો ભય પણ પોલીસને લાગ્યો.

ચોથે દિવસે સોમચંદને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. વિશાળગઢ પોલીસે પોતાના ફાઇનલ રિપોર્ટમાં લખ્યું –

– પુષ્કળ યાતનાઓ આપ્યા પછી પણ સોમચંદે મોં નથી ઉઘાડ્યું. પોતે શા માટે અજિત મરચંટનું ખૂન કર્યું છે, એ જણાવવા માટે તે તૈયાર નથી. પરંતુ અમારી માન્યતા પ્રમાણે અજિત મરચંટને સોમચંદ ગુપ્તાની અય્યાશીની ખબર પડી ગઈ હતી અને આ જ વાત એના ખૂનનું કારણ બની છે. પોતાના નામ સાથે હવે એક નવો વિવાદ જોડાય એવું સોમચંદ નથી ઇચ્છતો માટે એણે અજિતના ખૂનની બાબતમાં પોતાનું મોં સીવેલું રાખ્યું છે. બાકી અજિતનું ખૂન સોમચંદે જ કર્યું છે એ વાતમાં અમને રજમાત્ર પણ શંકા નથી. આભાર…… !

ચિક્કાર ભીડથી ઊભરાતી કોર્ટમાં બધાની હાજરી વચ્ચે વિશાળગઢ પોલીસ તરફથી મળેલો રિપોર્ટ વાંચવામાં આવ્યો.

અને પછી ન્યાયાધીશે ચુકાદો આપ્યો.

અજિત મરચંટના ખૂનના આરોપી સોમચંદ ગુપ્તાને તકસીરવા૨ ઠરાવીને તેમણે એને ફાંસીની સજા ફરમાવી ચુકાદો આપ્યા પછી ન્યાયાધીશ કલમની ટાંક તોડીને પોતાની ચેમ્બર તરફ આગળ વધી ગયા.

‘ના, જજસાહેબ... !' સોમચંદ જોરથી બરાડ્યો, ‘આ... આ અન્યાય છે... ! હું ખૂની નથી... !

પરંતુ એના બરાડાની કોઈના પર કંઈ જ અસર ન થઈ.

પોલીસે ઘસડીને સોમચંદને કોર્ટરૂમમાંથી બહાર લઈ જવો પડ્યો. એના વકીલના ચહેરા પર ઘોર નિરાશા છવાઈ ગઈ હતી.

********