૬. દિલીપની તપાસ... !
દિલીપની કાર ધોબીઘાટ સ્થિત જે ચાલમાં અજિત મરચંટ રહેતો હતો ત્યાં પહોંચીને ઊભી રહી એ વખતે સાંજના પાંચ વાગ્યા હતા. ચાર માળની એ ચાલમાં અત્યારે પણ રાબેતા મુજબ શોરબકોર અને દેકારો થતો હતો. અત્યારે દિલીપની સાથે રજની, માલા અને ધીરજ પણ હતાં. ચારેય અજિત મરચંટના રૂમ પાસે પહોંચ્યાં.
રૂમના દરવાજા પર હજુ પણ પૂર્વવત્ રીતે તાળું લટકતું હતું. તેમણે આજુબાજુમાંથી બે સાક્ષીઓને બોલાવીને તેમની હાજરીમાં તાળું તોડી નાખ્યું અને પછી દરવાજો ધકેલીને રૂમમાં પ્રવેશ્યાં.
તેમણે જોયું તો આખો રૂમ અસ્તવ્યસ્ત હતો, કોઈ વસ્તુ પોતાના ઠેકાણે નહોતી પડી. અડધાં કપડાં કબાટમાં પડ્યાં હતાં તો અડધાં બહાર હતાં. એ જ રીતે ગંદાં વાસણો પણ એક ખૂણામાં પડ્યાં હતાં.
દિલીપની નજર પલંગ પર પડી. પલંગની ચાદર પર એક ખાસ પ્રકારની કરચલીઓ જોઈને તે ચમક્યો. ત્યાર બાદ એણે ફ્રીજ ઉઘાડ્યું. ફ્રીઝમાં બ્રેડ, માખણ તથા દૂધની થેલી પડ્યાં હતાં. અજિતે આ વસ્તુઓ કદાચ પોતાને માટે જ રાખી હતી પરંતુ ખાવાનું એના નસીબમાં નહોતું.
ત્યાર બાદ એણે કબાટની તલાશી લીધી. અજિતનાં વસ્ત્રો આમતેમ ખસેડતાં જ એના હાથમાં બે બ્રા આવી. બંને બ્રા જોઈને દિલીપની સાથે સાથે રજની, માલા અને ધીરજના અચરજનો પણ પાર ન રહ્યો.
‘દિલીપ... !' ધીરજ આશ્ચર્યથી બોલ્યો, 'અજિત અહીં એકલો જ રહેતો હતો તો પછી લેડીઝને ઉપયોગી આ બંને વસ્તુઓ અહીં ક્યાંથી આવી...?'
‘હું પણ એનો જ વિચાર કરું છું... !’
દિલીપે વધુ ઝીણવટથી તલાશી લેતાં એક લેડીઝ પેન્ટી તથા દાગીનાનું એક બોક્સ મળ્યું જેમાં એક મંગલસૂત્ર પડ્યું હતું. મંગલસૂત્ર જોઈને એ વધુ ચમક્યો.
‘એક વાત હવે હું ખાતરીથી કહું છું... !' એ મંગલસૂત્રનું નિરીક્ષણ કરતાં બોલ્યો, ‘અજિત મરચંટ અહીં એકલો નહોતો... ! એની જિંદગીમાં કોઈક સ્ત્રી પણ હતી.'
‘તો અજિત પરિણીત હતો એમ તમે કહેવા માગો છો, મિસ્ટર દિલીપ...?' માલાએ પૂછ્યું.
અજિત પરિણીત હતો કે નહીં એ તો હું ખાતરીપૂર્વક કહી શકું તેમ નથી... !' દિલીપ જવાબ આપતાં બોલ્યો, ‘પરંતુ એ સ્ત્રી, જે કોઈ હોય તે... એની સાથે અજિતના સંબંધો પત્ની જેવા જ હતા. એ કદાચ તેની પત્ની ન હોય તોપણ ટૂંક સમયમાં જ પત્ની બનવાની હતી... !'
'અજિતે એની સાથેના પોતાના સંબંધો ગુપ્ત રાખ્યા હોય એ બનવાજોગ છે... !'
‘પણ એ સ્ત્રી કોણ હશે... ?'
હવે સૌથી પહેલાં તો આપણે એ સ્ત્રીનો જ પત્તો લગાવવાનો છે. એ સ્ત્રી જ આપણને તપાસમાં આગળ વધવા માટે મદદરૂપ થઈ શકે તેમ છે... ! અજિતના ખૂનીથી તે કદાચ પરિચિત હોઈ શકે છે... !'
‘એ તો બરાબર છે પણ આપણે એને શોધીશું ક્યાં ?' રજનીએ પૂછ્યું.
એ જ હવે આપણે વિચારવાનું છે !'
ચારેય વિચારમાં પડી ગયાં. અજિત સાથે સંબંધ ધરાવતી સ્ત્રીને શોધવાનું કામ સહેલું નથી એ વાત તેઓ જાણતાં હતાં.
માલાનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું હતું. કૉલેજમાં એણે જે અપરાધસાહિત્ય વાંચ્યું હતું એનો એક એક સિદ્ધાંત એના દિમાગમાં તાજો થવા લાગ્યો હતો.
‘મિસ્ટર દિલીપ... !' અચાનક એ બોલી, ‘અજિત સાથે સંબંધ ધરાવનાર સ્ત્રી વિશે હું ઘણી માહિતી આપી શકીશ એવું મને લાગે છે.. !'
ત્રણેય ચમકીને માલા સામે જોવા લાગ્યાં. જ્યારે માલા જાણે કે કોઈક બીજી જ દુનિયામાં પહોંચી ગઈ હોય એવા હાવભાવ એના ચહેરા પર છવાયેલા હતા.
‘તમે લોકો જરા પલંગ પાસેથી દૂર ખસી જાઓ... !' એણે કહ્યું. ત્રણેય પલંગ પાસેથી એક તરફ ખસી ગયાં. માલાએ પલંગ પાસે પહોંચી સ્હેજ આગળ નમીને ઝીણવટભરી નજરે તેનું નિરીક્ષણ કર્યું.
‘મિસ્ટર દિલીપ... !’ એ બોલી, ‘અજિત મરચંટ સાથે સંબંધ ધરાવતી સ્ત્રી જે કોઈ હોય તે... પણ એ આ ચાલમાં જ રહે છે... !' આ વાતની તને કેવી રીતે ખબર પડી, માલા...?' દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.
‘આ પલંગ જુઓ, મિસ્ટર દિલીપ.. !' માલાએ પૂર્વવત્ અવાજે કહ્યું, ‘આ પલંગની ચાદર પર પડેલી કરચલીઓ સ્પષ્ટ રીતે ચાડી ફૂંકે છે કે એ સ્ત્રી અવારનવાર અહીં આવજા કરતી હતી. અજિત મરચંટને કોઈ સ્ત્રી સાથે સંબંધ છે એ વાતની ચાલમાં કોઈને ય ખબર નથી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે એ સ્ત્રી રાત્રે ચૂપચાપ, ચોરીછૂપીથી આવીને ચાલી જતી હતી. એ સ્ત્રીના આવવા-જવાની કોઈને ખબર નહોતી પડતી અને રાતના સમયે એને પણ આવવા- જવામાં કોઈ તકલીફ નહોતી પડતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે એ સ્ત્રી આ જ ચાલમાં ક્યાંક રહે છે !'
દિલીપ,ધીરજ તથા રજનીએ પરસ્પર એકબીજાની સામે જોયું. માલાની વાત તર્કસંગત હતી.
માલા હવે કબાટ પાસે પહોંચી ગઈ હતી. એણે કબાટમાં પડેલ બ્રા-પેન્ટીને ધ્યાનથી તપાસ્યાં. પછી એક બ્રા ઊંચકીને તેનું કપડું સૂંધ્યું. ‘મિસ્ટર દિલીપ... !' એણે એક વધુ ધડાકો કર્યો, ‘અજિત મરચંટ સાથે સંબંધ ધરાવતી સ્ત્રી પરિણીત છે... !'
'તો પરિણીત હોવા છતાંય એ સ્ત્રી અજિત સાથે અનૈતિક સંબંધો રાખતી હતી એમ તું કહેવા માગે છે ?’ દિલીપે ચમકીને પૂછ્યું.
‘હા...’ માલાએ આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે જવાબ આપ્યો.
'અને તેમ છતાંય તેમના સંબંધો બધાથી છુપાવેલા હતા... ?'
'એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે... ! જો તેમના સંબંધો છુપા ન હોત તો આ બાબતની આખી ચાલમાં ખબર હોત. ઉપરાંત એ સ્ત્રી વિશેની એક વાત મને ખૂબ નવાઈ પમાડે છે... !'
‘શું ?’
‘એ સ્ત્રી માત્ર પરિણીત હતી એટલું જ નહીં, દૂધ પીતા એક સાવ નાનકડા બાળકની મા પણ છે... !' માલાની આ વાતથી ત્રણેયે આશ્ચર્યનો એક વધુ આંચકો અનુભવ્યો.
‘જુઓ... !’ માલાએ ગંભીર અવાજે કહ્યું, ‘આ બ્રાના કપડામાં દૂધની ખુશ્બુ ફેલાયેલી છે. એના પરથી સ્પષ્ટ થાય છે કે આ બ્રા પહેરનાર સ્ત્રીને એક બાળક છે અને તે એક બાળક ધરાવતી સ્ત્રી છે એટલે પરિણીત પણ હશે જ... ! અજિત અપરિણીત હતો... ! એણે લગ્ન નહોતાં કર્યાં... ! એટલે સ્પષ્ટ થઈ જાય છે કે એ સ્ત્રી કોઈક બીજાની પત્ની હતી અને અજિત સાથે ગુપ્ત રીતે અનૈતિક સંબંધો ધરાવતી હતી... !'
માલાના તર્કથી દિલીપની સાથે સાથે રજની અને ધીરજ પણ ખૂબ જ પ્રભાવિત થઈ ગયાં. એક અજાણી સ્ત્રીના વ્યક્તિત્વ વિશે એણે જે કંઈ વાતો જણાવી હતી તે દાદ માગી લે તેવી હતી. પોતે ખરેખર ‘અપરાધશાસ્ત્ર'ની તેજસ્વી વિદ્યાર્થિની છે એ વાત એણે પુરવાર કરી બતાવી હતી. ત્યાર બાદ માલાએ રૂમમાં પડેલ અન્ય ચીજવસ્તુઓનું પણ નિરીક્ષણ કર્યું.
પરંતુ ત્યાર પછી એણે એ રહસ્યમય સ્ત્રી વિશે બીજું કશુંય ન જણાવ્યું. પણ તેમ છતાંય એણે જે કંઈ જણાવ્યું હતું એના પરથી જ તેની બુદ્ધિમત્તાનો પરિચય મળી જતો હતો.
ચારેય અજિતના રૂમમાંથી બહાર નીકળી આવ્યાં. બહાર લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.
દિલીપના સંકેતથી ધીરજે રૂમનો દરવાજો બંધ કરીને તેના પર નવું તાળું મારી દીધું. ત્યાર બાદ દિલીપ ભીડમાંથી એક મોટી ઉંમરના વૃદ્ધને થોડે દૂર એક ખૂણામાં લઈ ગયો.
‘કાકા... !’ એણે કોમળ અવાજે પૂછ્યું, 'અજિતને ઘેર ખૂબ જ અવરજવર કરતી હોય એવી આ ચાલમાં રહેતી કોઈ સ્ત્રીને તમે ઓળખો છો...?
'ના...’ વૃદ્ધે નકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો, ‘નથી ઓળખતો અને હું માનું છું ત્યાં સુધી ચાલમાં આવી કોઈ સ્ત્રી હશે. પણ નહીં... !'
'કેમ?'
'એટલા માટે કે એક તો અજિત અહીં બહુ ઓછું આવતો હતો... ! ક્યારેક મોડી રાત્રે આવતો તોપણ થોડા કલાકો રોકાઈને ચાલ્યો જતો હતો. અહીં તો બસ એ માત્ર થોડી વાર સૂવા માટે આવતો હતો એમ જ તમે માની લો ! અમે ક્યારેય એને બહુ કોઈને ઘેર આવતો-જતો પણ નથી જોયો !'
'તો અજિત પોતાનામાં જ મસ્ત રહેનારો માણસ હતો, એમ ....?'
'મસ્ત તો શું ટપોરી ટાઇપનો માણસ હતો... ! હંમેશાં ચૂપ રહેતો હતો. એનું થોડું જોતાં જ એવું લાગતું હતું કે જો તે કંઈક બોલશે તો હમણાં જ કોઈક ભેદ છતો થઈ જશે... !'
‘અર્થાત્ એનું વ્યક્તિત્વ ખૂબ જ રહસ્યમય હતું, એમ ને ?'
'હા..'
એ જ વખતે માલા, રજની અને ધીરજ ત્યાં આવી પહોંચ્યાં. ‘કંઈ જાણવા મળ્યું ?' રજનીએ પૂછ્યું.
'ના... આ વડીલના મુજબ અજિતને કોઈ સ્ત્રી સાથે સંબંધ હોય તો એની તેમને કંઈ ખબર નથી.'
‘મિસ્ટર દિલીપ... !' માલા બોલી, ‘આપણે આ બાબતમાં ચાલમાં રહેતી કોઈક સ્ત્રીને પૂછવું જોઈએ. આવી વાતોની પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ ખબર હોય છે... !'
દિલીપને માલાની વાત તર્કસંગત લાગી. ત્યાર બાદ ચાલમાં રહેતી એક-બે સ્ત્રીને પણ પૂછપરછ કરવામાં આવી. પરંતુ પરિણામ શૂન્યમાં આવ્યું.
તેમણે પણ વૃદ્ધ જેવો જ નકારાત્મક જવાબ આપ્યો. મામલો ફરીથી ગૂંચવાતો જતો હતો. છેવટે થાકી-હારીને તેઓ ત્યાંથી સી.આઈ.ડી. હેડક્વાર્ટરે પાછાં ફર્યાં
માલા હજુ પણ તેમની સાથે જ હતી.
હેડક્વાર્ટર સ્થિત દિલીપની ચેમ્બરમાં તેમની વચ્ચે વિચારોની આપલે શરૂ થઈ.
અજિત મરચંટના ખૂની સુધી કેવી રીતે પહોંચવું એની ચર્ચા તેઓ કરતાં હતાં.
‘જુઓ...' રજની બોલી, ‘સૌથી પહેલાં તો એક વાત મને ખૂબ જ અકળાવે છે !’
'કઈ વાત... ?’
અજય સકસેનાએ જો અજિત મરચંટનું ખૂન નથી કર્યું તો પછી કોણે કર્યું હશે ? અજિત જેવા ટપોરીને મારવા માટે એણે બિલકુલ નાટકીય ઢબે અજય જેવી જ પદ્ધતિ અપનાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. એટલું જ નહીં, અજય સકસેના અર્થાત્ ‘બહુરૂપી ખૂની’ની માફક એણે પણ મૃતદેહ પાસે ગંજીપત્તાંનાં ત્રણ પાનાં ગુલામ, - બેગમ અને બાદશાહ – મૂક્યાં... !'
‘આ અંગત વેરઝેરનો મામલો હોય એવું મને તો લાગે છે……!' ધીરજે કહ્યું, ‘કોઈકે અંગત દુશ્મનાવટને કારણે વેર વાળવા માટે અજિતનું ખૂન કર્યું છે !'
‘રાઇટ... !' માલા ઉત્સાહભર્યા અવાજે એની વાતને સમર્થન આપતાં બોલી, ‘આવું બની શકે છે... !'
‘પરંતુ મુદ્દાનો સવાલ એ છે કે અજિત જેવા ટપોરી સાથે કોઈને શું દુશ્મનાવટ હોઈ શકે છે?
‘મિસ્ટર દિલીપ... !' માલાએ કહ્યું, 'અજિત જેવા બદમાશ સાથે તો કેટલાય લોકોને દુશ્મનાવટ હશે. કારણ કે એણે જિંદગીભર ગુંડાગીરી આચરીને લોકોને હેરાન જ કર્યા છે ! અપરાધસાહિત્યના સિદ્ધાંત મુજબ કોઈ પણ ગુનેગારનાં માટે ભાગે ત્રણ કારણોસર મોત નીપજે છે !'
‘કર્યા કારણોસર.. ?' દિલીપે ઉત્સુક નજરે માલા સામે જોતાં પૂછ્યું.
'પહેલું, કાં તો તે અંગત રંજીશનો ભોગ બને છે... !' માલાએ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે કહ્યું, ‘એના જેવો જ કોઈક બદમાશ અંદરોઅંદરનાં તડાં અથવા તો અંગત વેરઝેરને કારણે તેને મારી નાખે છે. બીજું, અર્જિત જેવો બદમાશ જો કોઈ મોટા માથા સાથે કામ કરતો હોય અને કામ કરતાં કરતાં એ મોટા માથા પ્રત્યે તેની દાનત બગડે તો તે માર્યો જાય છે. ઘડીભર આપણે માની લઈએ કે અજિત આવા જ કોઈક “મોટા માથા” માટે કામ કરતો હતો અને કામ કરતાં કરતાં એના હાથમાં “મોટા માથા”ની કોઈક નબળી કડી કે કમજોરી આવી ગઈ. આ કમજોરીનો ગેરલાભ લઈને એણે કથિત “મોટા માથાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું. અમુક હદ સુધી પોતાની આબરૂ જાળવવા માટે આવું “મોટું માથું” બ્લૅકમેઇલરની માગણી પૂરી કરે પણ છે, પરંતુ દરેક વસ્તુને એક હદ હોય છે...! બ્લેકમેઇલરની માગણી વધતાં આવું 'મોટું માથું' કોઈક ભાડૂતી ખૂનીને સોપારી આપીને તેની મારફત બ્લેકમેઇલરનું મોં હંમેશને માટે બંધ કરાવી દે છે.'
‘ઓહ, તો અજિતના મોત પાછળ કોઈક 'મોટા માથા'નો હાથ હોઈ શકે છે, એમ તું કહેવા માગે છે... ?
‘હા... હું એમ જ કહેવા માગું છું.'
‘અને ત્રીજું કારણ કયું હોઈ શકે છે... ?' દિલીપે ધ્યાનથી માલાના ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું. ‘ત્રીજું જે કારણ છે, કમ સે કમ એ કારણસર તો અજિતનું ખૂન નથી જ થયું !'
'કેમ... ?'
‘એટલા માટે કે ત્રીજું કારણ છે પોલીસનું એન્કાઉન્ટર... ! એન્કાઉન્ટરનો અર્થ તમારા જેવા સી.આઈ.ડી.ના ઑફિસરને મારે સમજાવવો પડે તેમ નથી. આ તો દીવા જેવો સ્પષ્ટ મામલો છે... ! કમ સે કમ અજિતનું એન્કાઉન્ટર કરવામાં નથી આવ્યું. આ સિવાય કોઈ બદમાશના મૃત્યુનું અન્ય કોઈ કારણ નથી હોતું. ભાગ્યે જ કોઈક અપરાધી પોતાના કુદરતી મોતે મરે છે...!'
‘અર્થાત્ તારા કહેવા મુજબ અજિત મરચંટનું ખૂન પહેલાં બે કારણોસર થયું છે. કાં તો એના જ કોઈક જાતભાઈએ અંગત વેરઝેરને કારણે તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. અથવા તો પછી કોઈક 'મોટા માથા’એ સોપારી આપીને અન્ય બદમાશ દ્વારા અજિતનું કસળ કઢાવી નાખ્યું છે, ખરું ને ?'
'હા..! '
‘પરંતુ આ બેમાંથી કયા કારણસર અજિતનું ખૂન થયું છે એની કેવી રીતે ખબર પડશે ?' ધી૨જે પૂછ્યું.
‘આ વાત જાણવાનો માત્ર એક જ ઉપાય છે... !'
'શું ?'
‘આપણે કોઈ પણ રીતે અજિત સાથે સંબંધ ધરાવતી સ્ત્રી સુધી પહોંચવું પડશે... !' ‘હે ભગવાન.. !' ધીરજ કપાળ કૂટતાં બબડ્યો, ‘આ તો જ્યાંથી વાત શરૂ થઈ હતી ત્યાં જ પાછી આવીને અટકી ગઈ...!'
'જુઓ... !' માલા નિર્ણયાત્મક અવાજે બોલી, ‘એક વાત તો નક્કી જ છે... ! જ્યાં સુધી એ સ્ત્રીનો પત્તો નહીં લાગે ત્યાં સુધી આપણે આ કેસની તપાસમાં આગળ નહીં વધી શકીએ...'
તેમની વચ્ચે ઘેરી ચુપકીદી પ્રસરી ગઈ. ચારેય વિચારમાં ડૂબી ગયાં.
છેવટે તેઓ ફરીથી એક વાર કદાચ અજિત સાથે સંબંધ ધરાવતી સ્ત્રી વિશે કંઈક જાણવા મળશે એવી આશાએ ફરીથી ધોબીઘાટ પહોંચ્યાં ત્યારે રાતના દસ વાગ્યા હતા.
તેઓ કોઈને કશુંય પૂછે એ પહેલાં જ કોણ જાણે ક્યાંથી ભૂતના ઓળાની જેમ એક સ્ત્રી ક્યાંકથી નીકળીને તેમની પાસે પહોંચી. પહેરવેશ તથા દેખાવ પરથી તે બંગાળી લાગતી હતી, એના હાથમાં પ્લાસ્ટિકની એક બાસ્કેટ હતી જેમાં જીવનજરૂરિયાતની પરચૂરણ ચીજવસ્તુઓ ભરેલી હતી.
‘સાહેબ... !’ દિલીપની પાસે પહોંચીને એ બોલી, 'આપ જ સાંજે અજિત મરચંટ વિશે પૂછપરછ કરવા માટે આવ્યા હતા, બરાબર ને ?'
‘હા...' દિલીપે હકારમાં માથું હલાવ્યું.
'સાહેબ... !' કહેતાં કહેતાં એ બંગાળી સ્ત્રીનો અવાજ એકદમ ધીમો થઈ ગયો, ‘અજિત ચાલમાં રહેતી જે સ્ત્રીને મળતો હતો એના વિશે હું આપને જણાવી શકું તેમ છું.'
એની વાત સાંભળીને ચારેય એકદમ સજાગ બની ગયાં. અજિત સાથે સંબંધ ધરાવતી સ્ત્રી વિશે આટલી સહેલાઈથી જાણવા મળી જશે એવી તો તેમણે કલ્પના પણ નહોતી કરી.
‘કોણ છે એ... ?' દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.
'એનું નામ ગૌરી છે, સાહેબ... !' મેં કેટલીય વાર રાતના સમયે તેને અજિતની રૂમમાં આવતી-જતી જોઈ છે. એ બંને વચ્ચે પતિ-પત્ની જેવા સંબંધો પણ મેં બારણાની તિરાડમાંથી મારી સંગી આંખો જોયા છે. સાહેબ, હું તો ગૌરીને ખૂબ જ સીધી લાઇનની અને ચારિત્ર્યવાન માનતી હતી, પરંતુ એ તો એક નંબરની હલકટ હતી...!'
'તેં આ વાત ચાલમાં બીજા કોઈને જણાવી છે?'
'ના...'
'કેમ... ?' દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.
બંગાળી સ્ત્રીનો નકારાત્મક જવાબ ખરેખર નવાઈ પમાડે તેવો હતો. આટલી મોટી વાત આ સ્ત્રી કેવી રીતે પચાવી ગઈ એ નહોતું સમજાતું. બાકી સાધારણ રીતે આ જાતની વાત કોઈ સ્ત્રીના પેટમાં ન જ ટકે...!
‘સાહેબ... !’ જાણે પરોક્ષ રૂપે ગૌરી પર ઉપકાર કરતી હોય એવા અવાજે એ બંગાળી સ્ત્રી બોલી, મને લાગ્યું કે નાહક જ એ બિચારીની બદનામી થશે... ! એનું રૂમમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડશે... ! બસ, આ કારણસર જ મેં કોઈને કંઈ ન જણાવ્યું !'
‘શું ગૌરીની સાથે એના ઘરમાં બીજું કોઈ પણ રહે છે... ?'
'ના... એ એકલી જ પોતાના બાળક સાથે રહે છે!'
'ઓહ... તો ગૌરી પરણેલી છે, એમ ને...?' દિલીપે ચમકીને પૂછ્યું.
‘તો પછી એનો પતિ ક્યાં રહે છે... ?’
‘ઉપર... !' બંગાળી સ્ત્રીએ ઉઘાડા આસમાન તરફ આંગળી ચીંધી, ‘ભગવાન પાસે... ! એનો પતિ એકાદ વરસ પહેલાં મૃત્યુ પામ્યો છે. બસ, પતિના અવસાન પછી જ ગૌરીનો પગ લપસવાનો શરૂ થયો તો આજે આ અંજામ સુધી પહોંચી છે... ! અધૂરામાં પૂરું કરવું હોય એમ તે અજિતની બરાબર બાજુના જ રૂમમાં રહે છે, એટલે જલ્દી એ બંને વચ્ચે સંબંધો બંધાઈ ગયા... !'
‘બરાબર બાજુના જ રૂમમાં...?' ધીરજે ચમકીને પૂછ્યું. એની નજર સામે તરત જ અજિતની બાજુમાં રહેતી સ્ત્રીનો ચહેરો તરવરી ઊઠ્યો.
'ગૌરી બોલવામાં તુફાન એકસ્પેસ છે... ? એને એક દૂધ પીતું સાવ નાનું બાળક છે..?' એણે પૂછ્યું.
‘હા... એનું નામ જ ગૌરી છે...!' અને તારું નામ શું છે...?'
‘મારું નામ મંગળા છે... !'
ત્યાર બાદ મંગળાને વિદાય કરીને તેઓ ગૌરીના રૂમ પાસે પહોંચ્યાં.
‘દિલીપ... !’ ધીરજનું આશ્ચર્ય હજુ પણ નહોતું શક્યું, ‘આ ગૌરી આવી હશે એની તો મેં કલ્પના પણ નહોતી કરી.'
'મારા ભાઈ... !' દિલીપ દાર્શનિક અવાજે બોલ્યો, ‘આ દુનિયાનો દસ્તુર છે... ! જે જગ્યા આપણે એકદમ સપાટ ધારી હોય એ જ જગ્યાએ આપણને ઊંડા ઊંડા ખાડાઓ મળે છે... ! આપણે કંઈક કલ્પના કરી હોય છે અને બનતું હોય છે કંઈક જુદું જ... !
'કલ્પનાને છેડે હંમેશાં અસત્ય જ નીકળે છે... ! પણ તેમ છતાંય આ ગૌરી તો...'
‘મિસ્ટર દિલીપ... !' માલા બોલી, ‘આપણે યોગ્ય સ્થળે જ આવ્યાં છીએ એમ હું માનું છું. હવે અહીંથી જ આપણી તપાસ શરૂ થશે... !
ગૌરીના રૂમનો દરવાજો અત્યારે બંધ હતો. ચાલમાં પણ સન્નાટો છવાયેલો હતો. લોકો પોતપોતાના ઘરમાં પુરાઈને સૂઈ ગયાં હતાં અથવા તો ટી.વી. કે વી.સી.ડી.ની મોજ માણતાં હતાં.
દિલીપે આગળ વધીને ગૌરીના રૂમનો દરવાજો ખટખટાવ્યો. 'કોણ છે... ?' થોડી પળો બાદ ગૌરીનો ઊંઘમાં ડૂબેલો અવાજ ગુંજ્યો.
‘દરવાજો ઉઘાડો... !' દિલીપે કડાકીભર્યા અવાજે કહ્યું. ‘પણ તમે છો કોણ ? પહેલાં દરવાજો ઉઘાડો...!'
વળતી જ પળે દરવાજો ઊઘડ્યો અને ગૌરીનાં દર્શન થયાં.
‘હવે શું છે... ?’ એણે દિલીપની બાજુમાં ઊભેલા ધીરજ સામે જોતાં રૂમ અવાજે પૂછ્યું.
અમે તને અજિત મરચંટ વિશે થોડી પૂછપરછ કરવા માગીએ છીએ... !'
‘મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે હું એ નાલાયક વિશે કંઈ નથી જાણતી. એ હરામખોર સંબંધ રાખવાને લાયક જ નહોતો. આજુબાજુમાં રહેતી બધી સ્ત્રીઓ જાણે એ લબાડની પરણેતર હોય એવી નજરે તે એમની સામે જોતો હતો !'
‘તારી વાત સાચી છે... !' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘એ હતો જ નાલાયક... ! બલ્કે મને તો એવું પણ જાણવા મળ્યું છે કે અજિત માત્ર આજુબાજુમાં રહેતી સ્ત્રીઓને પોતાની પરણેતર જ નહોતો માનતો બલ્કે એમાંથી એક સ્ત્રી એવી પણ હતી કે જે એની પરણેતર બની પણ ચૂકી હતી અને રાત્રે ચોરીછૂપીથી એના રૂમમાં જઈને એક પત્ની તરીકેની ફરજ પણ બહુ સરસ રીતે બજાવતી હતી... !'
દિલીપની વાત સાંભળીને ગૌરી હેબતાઈ. આંખના પલકારામાં જ એની બધી હેકડી દૂર થઈ ગઈ.
‘ક... કોણ છે એ સ્ત્રી... ?' એણે થોથવાતા અવાજે પૂછ્યું. ‘શું એ પણ હવે મારે જ કહેવું પડશે... ?' દિલીપે વેધક નજરે એની સામે જોતાં પૂછ્યું ગૌરીની પાંપણો અપરાધબોધથી નીચે ઢળી ગઈ. એના ચહેરા પર શરમ અને ભોંઠપના હાવભાવ છવાઈ ગયા.
'હવે જો તારી ઇચ્છા હોય તો અમે અંદર આવીને નિરાંતે તને પૂછપરછ કરીએ... !' દિલીપ બોલ્યો. ગૌરી દરવાજા પરથી એક તરફ ખસી ગઈ.
ચારેય ફટાફટ અંદર પ્રવેશ્યાં. પરંતુ પ્રવેશતાંની સાથે જ તેઓ એકદમ ચમકી ગયાં. પોતે કોઈક આલીશાન ફ્લેટના સુંદર રીતે શણગારેલા રૂમમાં આવી ચડ્યાં છે એવો તેમને ભાસ થયો.
ગૌરીના એકમાત્ર રૂમમાં ફ્રીજ, ટી.વી., વી.સી.ડી., ટેલિફોન, એરકંડિશન, ડબલ બેડનો સુંદર પલંગ તથા કીમતી રાચરચીલું હતાં. આ બધી વસ્તુઓ જાણે છેલ્લા ત્રણ-ચાર મહિના દરમિયાન જ ખરીદવામાં આવી છે એ તેની નવીનક્કોર કંડિશન પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.
સામે પલંગ પર ગૌરીનું બાળક સૂતું હતું. અત્યારે એ બંને સિવાય ત્યાં કોઈ નહોતું.
ધીરજ તાબડતોબ રસોડામાં જઈને એકાદ મિનિટ પછી પાછો ફર્યો. ધીરજ... !' રજનીએ પૂછ્યું, ‘તું રસોડામાં શા માટે ગયો હતો... ?'
'રસોડામાં ક્યાંક બીજો કોઈ અજિત મરચંટ તો છુપાઈને નથી બેઠો ને, એની તપાસ કરવા ગયો હતો.'
રજનીએ ધીરજનો જવાબ સાંભળીને માંડ માંડ પોતાનું હાસ્ય ખાળ્યું. જ્યારે આ વાત સાંભળીને ગૌરીનાં ભવાં સંકોચાયાં, પરંતુ કંઈ બોલી નહીં.
'ગુડ... વેરી ગુડ... !' દિલીપ રૂમમાં ચારે તરફ નજર દોડવતાં `બોલ્યો,
‘બધું નવું નવું લાગે છે…… ! ગૌરી…… !' એણે પૂછ્યું, ‘એશો- મારામની આ બધી ચીજવસ્તુઓ ખરીદવા માટે તારી પાસે ક્યાંથી પૈસા આવ્યા, એ કહીશ... ?
ગૌરી અપરાધબોધથી નીચું જોઈને ચૂપ રહી. ‘મારા સવાલનો જવાબ આપ, ગૌરી...!' દિલીપનો અવાજ સહેજ કઠોર થયો.
‘આ પૈસા મને અજિત મરચંટ પાસેથી મળ્યા હતા... !' ગૌરી ધીમેથી બોલી, ‘એ મને પૈસા આપતો હતો અને હું એક એક કરીને ના વસ્તુઓ ખરીદી લાવતી હતી... !'
'મિસ્ટર દિલીપ... !' અચાનક માલા દિલીપ પાસે પહોંચીને - એકલો જ સાંભળી શકે એટલા ધીમા અવાજે બબડી, ‘આ રૂમની હાલત જોઈને હું એક વાત દાવા સાથે કહી શકું તેમ છું.'
‘શું?’
અપરાધશાસ્ત્રનો સિદ્ધાંત કહે છે કે જો અજિત જેવો સાધારણ અપરાધી આટલા બધા રૂપિયા કમાતો હોય તો ચોક્કસ જ તે કોઈક મોટા માથા' માટે કામ કરતો હોવો જોઈએ... !'
'ઓહ... તો અજિત કોઈક મોટા માણસ સાથે ગુનાખોરીમાં સંકળાયેલો હતો, એમ તું કહેવા માગે છે... ?'
‘હા..'
દિલીપ વિચારમાં પડી ગયો.
‘દિલીપ... !' આ વખતે રજની ધીમેથી બોલી, ‘હું પણ એમ જ માનું છું. બલ્કે મને તો એવું પણ લાગે છે કે અજિતના ખૂનમાં પણ એ 'મોટા માથા'નો જ હાથ હોવો જોઈએ ! ગૌરી હજુ પણ પોતાની જગ્યાએ સ્તબ્ધ હાલતમાં ઊભી હતી,
આ લોકો અંદરઅંદર શું ગુસપુસ કરે છે એ તેને કશુંય નહોતું સમજાતું. ‘જુઓ... !’ છેવટે હિંમત એકઠી કરીને તે બોલી, 'તમે લોકો અહીં શા માટે આવ્યાં છો એ મને નથી સમજાતું. અજિતના ખૂનકેસની ફાઈલ પણ બંધ થઈ ગઈ છે અને જે અપરાધીએ એનું ખૂન કર્યું હતું એ પણ ફાંસીના માંચડે લટકી ગયો છે. તો પછી આ બધી પૂછપરછનો શું અર્થ છે...?’
‘અર્થ છે... !' દિલીપે ભારપૂર્વક કહ્યું, 'અમે અજિતના ખૂનકેસની ફરીથી તપાસ કરીએ છીએ !!
‘કેમ..?’
એટલા માટે કે અજિતનું ખૂન અજય સકસેનાએ નહોતું કર્યું એવી અમને શંકા છે !'
'શું... ?’ ગૌરી નર્યા અચરજથી બોલી ઊઠી, 'આ... આ તમે શું કહો છો, સાહેબ... ? જો અજિતનું ખૂન અજય સકસેનાએ નથી કર્યું, તો પછી કોણે કર્યું છે...?'
'એની જ તો અમે તપાસ કરીએ છીએ... !' દિલીપે જવાબ આપ્યો, ‘એટલા માટે જ તો અમે આવ્યાં છીએ કે કદાચ અમને અહીંથી અસલી ખૂની વિશે કોઈક કડી મળી જાય... ! આ કેસની તપાસમાં અમને તારા સહકારની જરૂર છે... !
જો એ વાત હોય તો હું ચોક્કસ તમને મદદ કરીશ ! પૂછો... શું પૂછવું છે તમારે?'
'સૌથી પહેલાં તો એ જણાવ કે અજિત તને જે રૂપિયા આપતો હતો એ તેની પાસે ક્યાંથી આવતા હતા... આ બાબતમાં હું ખરેખર કશું જ નથી જાણતી, સાહેબ... !'
ગૌરી બોલી, ‘હા, એટલી મને જરૂર ખબર છે કે અજિતનાં ખિસ્સાં કાયમ રૂપિયાથી ભરેલાં રહેતાં હતાં અને એ બેફામ રૂપિયા ઉડાડતો હતો. રૂપિયાપૈસા માટે મેં એને ક્યારેય મુશ્કેલીમાં નહોતો જોયો. બલ્કે પૈસાની તો એની નજરે જાણે કે કોઈ કિંમત જ નહોતી... !'
‘છતાંય અજિત આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે એ તો તેં એને પૂછ્યું જ હશે ને ?'
‘હા, એકાદ-બે વખત પૂછ્યું હતું, પરંતુ દરેક વખતે એણે મારી વાતને ટાળી દીધી હતી. એ કાયમ એક જ જવાબ આપતો કે - 'ગૌરી, હું ક્યાંથી પૈસા લાવું છું એ વાત સાથે તારે શું નિસ્બત છે? તું માત્ર પૈસા વાપરવા સાથે જ નિસ્બત રાખ... ! હું કોઈ શરીફ માણસ નથી એની તો તને ખબર જ છે... ! હું જ્યાંથી પણ પૈસા લાવતો હોઈશ, કોઈકનું ગળું વેતરીને જ લાવતો હોઈશ... ! મારી પાસે બે નંબરના જ પૈસા આવતા હશે... ! બેઈમાનીના જ આવતા હશે... !'
‘અજિત આટલી સ્પષ્ટ રીતે આ વાત જણાવતો હતો...?' દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.
‘હા, સાહેબ... !' ગોરી નીચું જોઈને બોલી, ‘સાચું કહું તો અજિતની આ ચોખવટ ભરેલી વાત જ મને ગમતી હતી. મને લાગતું હતું કે એ ભલે જાકુબીના ધંધો કરતો હોય, પણ પોતે જે કંઈ ખોટું કર્યું છે એ કબૂલવાની એનામાં હિંમત પણ છે…… ! બાકી તો આજના જમાનામાં મોટા ભાગના માણસો ખોટું કર્યા પછી પણ તે સાચું જ હોવાનો કક્કો ઘૂંટતા હોય છે !'
'ઓહ... તો તું અજિત પર ફિદા હતી, એમ ને… ?’ દિલીપે એક સિગારેટ પેટાવતાં પૂછ્યું.
'હા...!'
'તો પછી એકાએક તારામાં પરિવર્તન શા માટે આવ્યું...? તારી માન્યતા શા માટે બદલાઈ ગઈ...? આજે તું અજિતના નામથી શા માટે ભડકે છે...? શા માટે એને ગાળો ભાંડે છે...? ‘સાહેબ... !' ગૌરી ગંભીર અવાજે બોલી, ‘પરિવર્તન સંસારનો નિયમ છે, એવું ભગવદ્ગીતામાં લખેલું છે…… ! માત્ર મારી જ નહીં, સમય-સંજોગો અનુસાર દુનિયામાં દરેક માણસની માન્યતા બદલાતી હોય છે..! ભાગ્યે જ કોઈક વીરલો દરેક સમય, સંજોગ કે પરિસ્થિતિમાં અડગ અથવા તો તટસ્થ રહી શકે છે ! અજિતને હું ખૂબ જ ભલો માણસ માનતી હતી ! ગુનો કબૂલવાનું કલેજું ધરાવતો એક ઈમાનદાર બદમાશ માનતી હતી અને તેને પસંદ પણ કરવા લાગી હતી...! એના પ્રત્યે આકર્ષાઈ હતી...! મનોમન તેને ચાહવા લાગી હતી...!
અજિત પણ તને પસંદ કરતો હતો...? એ પણ તારા પ્રત્યે આકર્ષાયો હતો અને તને પ્રેમ કરતો હતો...?’ દિલીપે સિગારેટનો કસ ખેંચતાં પૂછ્યું.
‘ખૂબ જ...! પહેલાં એ જ મારા પ્રત્યે આકર્ષાયો હતો... ! એણે જ મારી પાછળ આંટા મારવાનું શરૂ કર્યું હતું. અમે બંનેએ લગ્ન કરી લેવાનું પણ નક્કી કરી લીધું હતું અને એકાદ-બે મહિનામાં લગ્ન કરી પણ લેવાનાં હતાં.
‘તો પછી વાંધો શું પડ્યો...?'
વાંધો તો જ્યારે એ નાલાયકનો ભાંડો ફૂટ્યો અને એનું અસલી રૂપ મારી સામે આવ્યું.. !' કહેતાં કહેતાં ગૌરીનો અવાજ રોષથી તમતમી ઊઠ્યો.
‘અસલી રૂપ... ?’
'હા... !' ગૌરી પૂર્વવત્ અવાજે બોલી, 'સાહેબ, મેં ઈમાનદારીથી, ખૂબ જ વિશ્વાસ રાખીને મારાં તન-મન અજિતને સોંપી દીધાં હતાં. પરંતુ એ હરામખોર તો એક નંબરનો અય્યાશ અને ફંદાબાજ નીકળ્યો... ! સ્ત્રીને જોતાં જ કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો એની પાછળ આંટા મારીને ચાંપલૂસી કરતો હતો. એક તરફ એ મારા પ્રત્યે વફાદાર હોવાનો દાવો કરતો હતો ને બીજી તરફ અન્ય સ્ત્રીઓ સાથે પણ આડા સંબંધો રાખતો હતો...! જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મારું માથું ભમી ગયું. મારો ભ્રમ તૂટી ગયો કે એ પાજી મને ચાહતો હતો...! પ્રેમ કોને કહેવાય એનું તો તેને ભાન જ નહોતું. એ તો પારકી સ્ત્રીઓ પર ગાળિયા નાખીને તેની સાથે મોજમસ્તી કરવામાં જ માનતો હતો...!'
દિલીપની સાથે સાથે રજની, માલા અને ધીરજ પણ આશ્ચર્યથી ગૌરીની વાત સાંભળતાં હતાં.
'અજિત બીજી સ્ત્રીઓ સાથે પણ સંબંધ રાખે છે એ વાતની તને કેવી રીતે ખબર પડી...?' રજનીએ પૂછ્યું.
‘આ ચાલમાં બીજા માળ પર મંગળા નામની એક બંગાળી સ્ત્રી રહે છે... ! મેં રાતના સમયે અજિતને બે-ત્રણ વખત મંગળા સાથે શરમજનક હાલતમાં જોયો હતો. બસ, ત્યારથી જ મારું માથું ભમી ગયું અને મેં એને તમાચો ઝીંકી દીધો હતો...!' દિલીપે એક ઊંડો શ્વાસ લીધો.
ગૌરી થોડી વાર પહેલાં પોતાને મળેલ બંગાળી સ્ત્રી મંગળાની જ વાત કરે છે એ તે સમજી ગયો. અજિત તથા ગૌરીના અનૈતિક સંબંધોની વાત મંગળાએ ચાલમાં રહેતાં લોકોથી શા માટે છુપાવી હતી એ પણ હવે તેને સમજાઈ ગયું હતું. વાસ્તવમાં એ પોતે પણ અજિત સાથે અનૈતિક સંબંધો રાખતી હતી.
વાસ્તવમાં અજિત કરતાં એ મંગળા જ વધુ ચાલાક અને ફંદાબાજ હતી. હવે દિલીપને લાગ્યું કે આ કેસ હજુ પણ પૂરો નથી થયો. એ જેમ જેમ તપાસમાં ઊંડો ઊતરતો હતો તેમ તેમ નવા નવા ભેદ ઉજાગર થતા જતા હતા. એણે સિગારેટના બે-ત્રણ લાંબા કસ ખેંચ્યા અને પછી ધ્યાનથી ગૌરી સામે જોતાં પૂછ્યું, ‘તું એવા કોઈ મોટા માણસને ઓળખે છે કે જેને માટે અજિત કામ કરતો હોય...? અથવા તો પછી અજિતે ક્યારેય તારી પાસે આવા કોઈ માણસનો ઉલ્લેખ કર્યો છે ખરો... ?'
‘ના...’ ગૌરીએ નકારમાં માથું હલાવ્યું, ‘આવા કોઈ માણસને હું નથી ઓળખતી. અજિત પોતાના કામકાજ વિશે ક્યારેય મારી સાથે બહુ વાતો નહોતો કરતો. અને સાચું કહું તો મને પણ એના કામધંધામાં કંઈ રસ નહોતો. એ શું કરે છે... ક્યાં જાય છે... કોને મળે છે એ બધી વાતો સાથે મારે નિસ્બત પણ શી હતી...?'
ગૌરી સાચું કહે છે એ દિલીપ સમજી ગયો. એના જેવી સ્ત્રીને આવી બધી વાતોમાં રસ હોય પણ કેવી રીતે...?
દિલીપ સિગારેટના કસ ખેંચતો, રૂમમાં આમથી તેમ આંટા મારતો ધ્યાનથી એક એક ચીજવસ્તુનું નિરીક્ષણ કરવા લાગ્યો. પછી અચાનક ફોન પાસે પહોંચીને એના પગ થંભી ગયા.
ગૌરી, અજિત અહીં આવતો ત્યારે અહીંથી કોઈને ફોન કરતો હતો ખરો ?’ કશુંક વિચારીને એણે પૂછ્યું.
'હા... અવારનવાર કરતો હતો..! એના કહેવાથી જ તો મેં ફોન લીધો હતો... !'
‘ગુડ... ’ કહેતાં કહેતાં દિલીપની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ, ‘અજિત અહીંથી ફોન કરતો હતો, તો પછી તેં એની વાતો પણ જરૂર સાંભળી જ હશે... ?'
'હા... જરૂર સાંભળતી હતી..।’ ગૌરી બોલી, તે અહીંથી ફોન કરે અને તેનો અવાજ મારા કાને ન પડે એવું કેવી રીતે બને...?'
'અજિત અહીંથી કઈ જાતની વાતો કરતો હતો...?' દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.
'એ જ મારવા-મરવાની કે લૂંટકાટની વાતો... ! વાત કરતી વખતે વચ્ચે વચ્ચે તે ક્યારેક ગાળો પણ બોલતો હતો. અજિતની આ ગાળો પ્રત્યે મને સખત ચીડ હતી... !'
‘હું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો, અજિત વધુ સમય સુધી ક્યારેક કોઈ ખાસ માણસ સાથે વાતો કરતો હતો ખરો...?
'હા... એવો એક માણસ હતો તો ખરો... ! અજિત મોટે ભાગે ફોન પર એની સાથે જ વાત કરતો હતો. અજિતની વાતો કરવાની ઢબ પરથી તે એ માણસની ખૂબ જ નિકટ હોય એવું લાગતું હતું.
‘નામ શું હતું એ માણસનું ?’
નામ તો હું નથી જાણતી પણ એના ફોનનંબરની મને ખબર છે... !' ગૌરી બોલી, ‘અજિતે ટેલિફોનની પાસે જ દીવાલ પર એનો નંબર લખ્યો હતો. એ હજુ એમનો એમ જ લખેલો છે.' ચારેય સ્ફૂર્તિથી ફોન પાસે પહોંચીને દીવાલ પર નજર દોડાવવા લાગ્યાં. ત્યાં ખરેખર એક નંબર લખેલો હતો.
'આ તો કોઈકનો મોબાઈલ નંબર છે... !’ નંબર જોઈને માલા બોલી ઊઠી.
'હા, મોબાઈલ નંબર જ છે...! આનો અર્થ એ થયો કે આ નંબરનો મોબાઈલધારક અજિતની ખૂબ જ નિકટ હતો... ! સામાન્ય રીતે માણસો પોતાની અંગત અને નિકટની વ્યક્તિઓને જ પોતાનો મોબાઈલ નંબર આપતા હોય છે !'
‘હું તપાસ કરું છું કે એ માણસ કોણ છે... !' કહીને ધીરજે ટેલિફોનનું રિસીવર ઊંચક્યું.
દિલીપે સિગારેટનું ઠૂંઠું બૂટના તળિયા વડે મસળી નાખ્યું.
એનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું હતું. 'એક મિનિટ, મિસ્ટર ધીરજ... !' અચાનક માલાએ ઉતાવળા અવાજે ધીરજને ટોક્યો.
ધીરજે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.
‘આ ટેલિફોન પરથી મોબાઈલ ન કરો... !'
‘કેમ...?'
‘એટલા માટે કે જો એ માણસ અજિતની ખૂબ જ નિકટનો હોય તો એણે અહીંનો ફોન નંબર પોતાના મોબાઈલમાં ફીડ કર્યો હોય એ બનવાજોગ છે. હવે જો તમે અહીંથી ફોન કરશો તો એના મોબાઈલના સ્ક્રીન ૫૨ અજિત મરચંટનું નામ આવશે અને અજિતનું નામ વાંચતાં જ તે ચમકશે કારણ કે અજિત તો મૃત્યુ પામ્યો છે. એટલે તરત જ એના મગજમાં જોખમની ઘંટડી રણકી ઊઠશે. આ સંજોગોમાં એ માણસ ફોન રિસીવ ન કરે અથવા તો થોડા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાનું જ છોડી દે એ બનવાજોગ છે.. ! માલાની વાત સાંભળીને દિલીપના ચહેરા પર પ્રશંસાના હાવભાવ ઊપસી આવ્યા. મનોમન એણે માલાની બુદ્ધિમત્તાને દાદ આપી.
રજની અને ધીરજ પણ વખાણ કરતી નજરે માલાના ચહેરા સામે તાકી રહ્યાં. માલાની વાતમાં ખરેખર વજૂદ હતું. ધીરજે ટેલિફોનનું રિસીવર પાછું ક્રેડલ પર મૂકી દીધું હતું. 'હું મારા મોબાઈલ પરથી ટ્રાય કરું છું... !' દિલીપ બોલ્યો.ત્યાર બાદ એણે ગજવામાંથી પોતાનો મોબાઈલ કાઢીને દીવાલ પર લખેલો નંબર ડાયલ કર્યો. તરત જ સામે છેડે ઘંટડી રણકી ઊઠી.
‘હલ્લો...’ પંદરેક સેકંડ પછી સામે છેડેથી એક ભારે-ભરખમ અવાજ દિલીપના કાને અથડાયો. "હું સી.આઈ.ડી. હેડક્વાર્ટરમાંથી કૅપ્ટન દિલીપ બોલું છું.'
દિલીપે પણ અચકાયા વગર કહ્યું, ‘તમારો પરિચય આપશો ?'
"સ... સી. આઈ.ડી. હેડક્વાર્ટર... ?' દિલીપનો પરિચય સાંભળીને સામે છેડે રહેલા માનવીના હોશ ઊડી ગયા, ક... કૅપ્ટન દિલીપ... ? પણ... પણ તમે શા માટે મારો પરિચય પૂછો છો...?’
"વાત એમ છે મિસ્ટર, કે અમે એક કેસની તપાસ કરીએ છીએ... !’ દિલીપ બોલ્યો, ‘કેસની તપાસ દરમિયાન અમને તમારો મોબાઈલ નંબર મળ્યો છે... !'
"મ... મારો મોબાઈલ નંબર..?'
"હા... અને હવે વધુ સમય બગાડ્યા વગર ફટાફટ તમારું નામ-સરનામું જણાવો... ! બાકી તો અમે નંબરના આધારે મોબાઈલ માંથી પણ તમારે વિશે બધી માહિતી મેળવી શકીએ તેમ છીએ !'
"જી... જી...' સામેથી થોથવાતા અવાજે કહેવાયું, ‘મારું નામ અમુલખ દેસાઈ છે અને હું અમુલખ ઍન્ડ કંપનીના નામથી ચાલતી દવાની ફેક્ટરીનો માલિક છું !'
"ઓ.કે. મિસ્ટર દેસાઈ... ! કાલે સવારે અમે તમને તમારી ઓફિસે મળીશું... !' કહીને દિલીપે સંપર્ક કાપી નાખ્યો. ત્યાર બાદ ગૌરીનો આભાર માનીને તેઓ ત્યાંથી રવાના થઈ ગયાં.
*********
બીજે દિવસે સવારે બરાબર દસ વાગ્યે દીવાનચોક સ્થિત અમુલખ ઍન્ડ કંપનીની વિશાળ અને આલીશાન ઑફિસમાં પહોંચ્યાં. અમુલખ દેસાઈ પોતાની ચેમ્બરમાં મોજૂદ હતો. એની વય આશરે પંચાવન વર્ષ જેટલી અને દેહ સ્થૂળ હતો. એની આંખો પર નંબરવાળાં ચશ્માં હતાં. એના માથાના વાળ બંને કાન તરફથી સોનેરી થઈ ગયા હતા પરંતુ તેમ છતાંય એનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું. અમુલખ દેસાઈની આંખો પરથી સ્પષ્ટ રીતે વર્તાઈ આવતું હતું કે આખી રાત તેને ઊંઘ નથી આવી. દિલીપે તેને પોતાનો પરિચય આપ્યો.
'મિસ્ટર દિલીપ... !' અમુલખ પોતાની રિવૉલ્ડિંગ ચેર પરથી ઊભો થઈ જતાં બોલ્યો, તમે લોકો મને આ રીતે શા માટે શોધો છો... ? મારાથી શું ભૂલ થઈ ગઈ છે.. ? મેં શું ગુનો કર્યો છે... ? જવાબમાં દિલીપે અમુલખને અજિત મરચંટ તથા ગૌરીના રૂમમાંથી મળેલ એના મોબાઈલ નંબર વિશે જણાવ્યું.
અજિત મરચંટનું નામ સાંભળતાં જ અમુલખના ચહેરાનો રંગ ઊડી ગયો.
‘મિસ્ટર દેસાઈ... !' દિલીપે કટાક્ષભર્યું સ્મિત ફરકાવતાં પૂછ્યું, ‘શું હજુ પણ તમે અજિતથી અપરિચત હોવાનો જ કક્કો ઘૂંટતા રહેશો... ?'
‘ના, એવી કોઈ વાત નથી, મિસ્ટર દિલીપ... ! એવું જૂઠું તો હું ન જ બોલી શકું.. !'
‘આનો અર્થ એ થયો કે તમે અજિત મરચંટને બહુ સારી રીતે ઓળખતા હતા, ખરું ને ?'
‘જી, હા...’ અમુલખ શરમથી નીચું જોઈ જતાં બોલ્યો, ‘હું એને ઓળખતો હતો... ! પરંતુ મારી વાત પર ભરોસો રાખજો... મારે એની સાથે કોઈ ગાઢ કહી શકાય એવો સંબંધ બિલકુલ નહોતો... !' ‘વાંધો નહીં, તમે અજિતથી વાકેફ હતા એ તો સાચું છે ને ?’
'હા..'
‘કમાલ કહેવાય... ! તમારા જેવા આટલા મોટા ઉદ્યોગપતિ અજિત મરચંટ જેવા એક બદમાશ માણસ સાથે સંબંધ ધરાવતા હતા એ વાત ખરેખર નવાઈ પમાડે એવી છે. અજિતનું પોતાનું કોઈ સ્ટેટસ નહોતું, ઊલટું એ તો બીજા લોકોના સામાજિક મોભા માટે જોખમરૂપ હતો. આવા માણસનું વળી તમારે શું કામ પડ્યું હતું...?'
‘મિસ્ટર દિલીપ... !’ અમુલખ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, મારે ન છૂટકે, લાચારીવશ જ અજિત સાથે પનારો પાડવો પડ્યો હતો.’
'કેવી લાચારી...?'
‘હું વિગતવાર તમને બધું જણાવું છું... !' અમુલખ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘વાત એમ છે કે છેલ્લા થોડા સમયથી હું ખૂબ જ પરેશાન હતો. મારી દવાની ફેક્ટરીના કામદારો રોજબરોજ કોઈક ને કોઈક બહાને હડતાળ પર ઊતરી જતા હતા. અને આ બધાના મૂળમાં કામદારોના યુનિયનનો લીડર હતો. એ ખૂબ જ બદમાશ હતો અને હંમેશાં ધાકધમકીની ભાષામાં જ વાત કરતો હતો. એ અવારનવાર હડતાળની ધમકીઓ આપીને મારી પાસેથી પૈસા પડાવતો હતો. યુનિયનના આ લીડરથી હું ખૂબ જ કંટાળી ગયો હતો અને કોઈ પણ રીતે એના બ્લૅકમેઇલિંગથી છૂટકારો મેળવવા માગતો હતો... !'
"અને આ કામ માટે તમે અજિત મરચંટની મદદ લીધી, એમ જ ને...?'
‘હા... ન છૂટકે, લાચારીવશ જ મારે એની મદદ લેવી પડી... ! આ સિવાય યુનિયન લીડરની ચુંગાલમાંથી છૂટવાનો બીજો કોઈ ઉપાય મને નહોતો સૂઝતો... ! લોઢું લોઢાને કાપે છે, એ કહેવત મુજબ એક બદમાશ જ બીજા બદમાશ સાથે બાથ ભીડી શકે તેમ હતો.'
આનો અર્થ એ થયો દેસાઈસાહેબ, કે...' રજની એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલી, ‘તમે અજિત મરચંટને અગાઉથી જ ઓળખતા હતા, ખરું ને?'
‘ના, બિલકુલ નહીં... !' અમુલખ દેસાઈ નકારમાં માથું ધુણાવતાં બોલ્યો.
'તો પછી તમે અજિત મરચંટનો સંપર્ક કેવી રીતે સાધ્યો...?' જાણે ગોઠણમાંથી પથ્થર છૂટે એ રીતે માલાના મોંમાંથી આ સવાલ બહાર ફેંકાયો.
અમુલખ આ બધાંના સવાલ-જવાબથી હવે એકદમ હેબતાઈ ગયો હતો. એના ચહેરા પર વ્યાકુળતાનાં ચિહ્નો સ્પષ્ટ રીતે જોઈ શકાતાં હતાં. એણે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લૂછયો. 'બેસો...’ છેવટે એ પોતાની રિવૉલ્વિંગ ચેર પર પડતું મૂકતાં સ્હેજ સ્વસ્થ અવાજે બોલ્યો, “પહેલાં તમે લોકો નિરાંતે બેસી જાઓ... !'
ચારેય એની સામે પડેલ ખુરશીઓ પર ગોઠવાઈ ગયાં.
‘મિસ્ટર દિલીપ... !’ અમુલખ દેસાઈએ ગંભીર અવાજે કહ્યું, ‘તમને લોકોને કદાચ મારી વાત પર ભરોસો નહીં બેસે પણ હું સાચું જ કહું છું. મરચંટ સાથે મારે કોઈ જૂની ઓળખાણ નહોતી. ઓળખાણ હોવાની વાત તો એક તરફ રહી, મેં અગાઉ એને ક્યારેય જોયો પણ નહોતો... !'
‘દેસાઈસાહેબ... !' દિલીપ બોલ્યો, ‘તમે અજિતનું મોં સુધ્ધાં નહોતું જોયું તો પછી એનો સંપર્ક કેવી રીતે સાધ્યો... ? તમે કોઈક ને કોઈક સાધન દ્વારા તો અજિત સુધી પહોંચ્યા જ હશો ને... ?’
'હા... એક સાધન હતું મારી પાસે... !'
'જ...?'
‘સોમચંદ ગુપ્તા... !' અમુલખે ધડાકો કરતાં કહ્યું, ‘સોમચંદે જ અજિત મરચંટ સાથે મારી મુલાકાત કરાવી હતી... !' સોમચંદ ગુપ્તાનું નામ સાંભળીને ચારેય એકદમ ચમક્યાં.
‘તમે ‘ધર્મજગત' દૈનિકના માલિક સોમચંદની વાત કરો છો ?' દિલીપે ખાતરી કરવાના હેતુથી પૂછ્યું.
‘હા... ! એ મારો ગાઢ મિત્ર છે. મેં તેને મારી મુશ્કેલી જણાવી ત્યારે એ તરત જ મને મદદ કરવા તૈયાર થઈ ગયો. એણે જ મને અજિત મરચંટનું નામ સૂચવ્યું હતું.'
‘પરંતુ સોમચંદ ગુપ્તા અજિત મરચંટને કેવી રીતે ઓળખતા હતા... ?'
'એ તો હું પણ નથી જાણતો...!'
દિલીપના ચહેરા પર વિચારના હાવભાવ ઊપસી આવ્યા. ત્યાર બાદ અમુલખ દેસાઈનો આભાર માનીને એ ધીરજ વિગેરે સાથે ત્યાંથી રવાના થઈ ગયો.
********