જયારે આજથી સાડા પાંચ હજાર વરસ પહેલાં કારાગૃહમાં દેવકી વાસુદેવનું આઠમું સંતાન જન્મ્યું તેવે સમયે 'ગોકુળ' નગરમાં નંદ અને યશોદાને ત્યાં "યોગમાયા" નામે એક બાળકીએ જન્મ લીધો હતો.અગમચેતી મુજબ ભાઈ કંસે દેવકીનાં તાજા જન્મતાં દરેક બાળકને કારાવાસમાં જ જાતે જ પથ્થરની દીવાલે પટકીને હત્યા કરી નાખતો.આમ દેવકીનો ભાઈ કંસ તેની સગી બેનનાં સાત સંતાનોની ક્રમાંનુસાર હત્યા કરી ચુક્યો હતો.
આઠમુ બાળક જન્મવાનું હતું એવે સમયે કારાવાસમાં ફરજ બજાવતા અનેક રક્ષકોની આંખ સામે સાત સાત નિર્દોષ બાળકની હત્યાથી રક્ષકો ખુબજ વ્યથિત હતા એટલે એ બધાંને ખબર જ હતી કે ભવિષ્યવાણી જો સાચી પડે તો નિર્દોષ દેવકી અને બનેવી વાસુદેવને જેલની ક્રૂર યાતનામાંથી છુટકારો મળે અથવા અપાવવો તેવું તત્કાલીન કારાગારમાં કંસના નોકરો જે ફરજ બજાવતા હતા તે કંસની બેન દેવકી અને બનેવી વાસુદેવની અકલ્પનિય યાતનાઓમાંથી છુટકારો ઝંખતા હતા.કેમકે આ રક્ષકો તેમની વેદના સાત સાત બાળકની હત્યા અને વેદના આંખો સામે જોઈ હતી.
સમયની એ ઘડી આવી "શ્રાવણ વદ સાતમને સોમવારે અને આઠમની અડધી રાતે" જેવું આઠમું બાળક જન્મ્યું તેવું જ નંદબાવાએ અગાઉથી તૈયાર કરી રાખેલા વાંસના ટોપલામાં મૂકીને સામે કાંઠે ગોકુળ (બધાંને યાદ હશે કે વચમાં યમુના નદી છે.શ્રાવણ મહિનો અને ધોધમાર વરસાદ,બે કાંઠે યમુના નદી વહેતી હતી,વરસાદ અને જમના નદીનું ખળખળ અવાજ કરતું પાણી,મેઘલી અંધારી રાત,ખુબ ભયાનક બિહામણું,વીજળીના ચમકારા ભડાકા અને ઉપરથી કંસની બીક એટલે કલ્પના કરો કે કેવું દ્રુષ્ય!!!કાચા પોચાનું કામ નહીં)
ગોકુળ ગામમાં નંદે તેની પત્ની જશોદાની પાસે આ આઠમું બાળક મૂકી આવ્યા અને એજ ગતિએ તેમને ત્યાં જન્મેલી બાળકી "યોગમાયા"ને કારાગૃહની અંદર દેવકીના ખોળામાં મૂકી દીઘી.કારાગૃહમાં નજર સામે તેનાં સગા ભાઈ કંસે સાત સાત બાળકની હત્યા કરેલી જોઈ કાણસતી ભોળી દેવકીને ખબર નહીં કે આ અડધી રાતે શું બની રહ્યું છે.કારાગૃહ એટલે માંડ બેસી શકાય તેવડી જગ્યાવાળી ઓરડી અને કોઈ દીવો બત્તી નહીં તેવી નાની જગ્યામાં આ દંપત્તિ સબળતું હતું.(મેં ખુદ આ જગ્યા જોઈ છે,જ્યાં આજે મંદિર છે.)
મથુરાનગરીના રાજા કંસને ખબર પડી કે દેવકીને આઠમું સંતાન જન્મ્યું છે.ગુપ્તચરોએ જેવા કંસ ને સમાચાર આપ્યા તેવો જ સફાળો કંસ જાગી રાજમહેલના શયન કક્ષમાંથી દોડતો કંસ કારાગૃહમાં ધસી આવી દેવકીના ખોળામાં રમતા નવજાતને પકડી ગોળ ગોળ ઘુમાવી જેવો દીવાલે પટકવા જાય છે ત્યાં જ "યોગમાયા" હાથમાંથી છટકીને ઊંચે ફેંકાતાં એ બાળકી બોલી :
"હેં ક્રૂર કંસ! તારું મોત તો જન્મ લઇ ચૂક્યું છે,અને તે ગોકુળમાં શ્વાસ લે છે."
આટલું સાંભળતાં યોગમાયા "વિન્ધ્યાચલ"પર્વત પર જતાં રહ્યાં.અને ત્યારથી તે પર્વત પર "વિન્ધ્યાદેવી" નામે આજે પણ ત્યાં પૂજાય છે.આજે તો ત્યાં ખુબ મોટુ અને ભવ્ય મંદિર છે.
બીજી બાજુ ક્રૂર કંસને ખબર પડી કે "મને મારનાર ગોકુળમાં જન્મ લઇ ચુક્યો છે."તેણે ગોકુળમાં તત્કાલીન જેટલાં તાજાં જન્મેલા હતાં તે તમામ બાળકને તેમના રક્ષકો દ્વારા મરાવી નાખ્યાં.
પરંતુ કહેવત છે ને કે "જેને રામ રાખે તેને કોણ ચાખે?"
ગોકુળમાં ઘર ઘર ફરીને બધાં બાળકને માર્યાં પણ નંદબાવાને ત્યાં કંસે તપાસ ન કરી અને ત્યાં જ દેવકીનું આઠમું બાળક એટલે કે આપણે જેને કહાન,કાનો,કાનુડો,કૃષ્ણ,નંદનો લાલો,યશોદાનો લાલો, દેવકીનંદન,નંદ કુંવર,વાસુદેવ નંદન જેવાં અનેક નામથી જેને ઓળખીયે જાણીયે છીએ તે બચી ગયું.
યોગમાયાને એક બીજો ભાઈ હતો જે "બલભદ્ર" "હળધર'' જેને આપણે કૃષ્ણના મોટાભાઈ નામથી પણ જાણીયે છીએ.
આજનો આ અતિ પવિત્ર દિવસ એટલે શ્રાવણ વદ આઠમ છે.
આજે ગોકુળ,મથુરા,વૃંદાવનમાં તેમના જન્મદિવસે ધામધૂમથી ઉજવણીઓ થાય છે.અને આપણા આર્યાવ્રત એવા ભારત દેશ અને વિશ્વના દરેક દેશમાં તેની પૂજા અર્ચના થાય છે.પછીથી આ કાનુડાએ મથુરાના રાજા સગા મામા કંસના જે હાલ કરેલા તે તમેં સર્વવિદિત છો.જાણવું હોય તો તેનું સાહિત્ય પ્રચૂર માત્રામાં લખાયેલું મળે છે.વ્યાસ રચિત મહાકાવ્ય "મહાભારત" ગ્રંથમા આ વર્ણન વાચન કરવા જેવું છે.
તેવા પરંચિદ્દધનશક્તિસ્વરૂપા એવા પરમાત્મા શ્રીકૃષ્ણને શત શત દંડવત્ત વંદન !
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )