તુલસીએ શિખરનું શ્રેયા બાબતનું રેકોર્ડિંગ સાંભળ્યા પછી એણે પલ્લવી સાથે આ બાબતે વાત કરવાનું નક્કી કર્યું હતું.
જ્યારે પલ્લવી રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે તુલસી ત્યાં આવી અને બોલી કે, "પલ્લવી! આજે તું રસોઈમાં શું બનાવી રહી છો?"
"મમ્મી! આજે હું ગુવાર ઢોકળીનું શાક અને રોટલી બનાવી રહી છું. તમને તો ખબર છે શિખર અને નીરવ બનેનું આ પ્રિય શાક છે."
"હા! અને આપણાં બંનેનું પણ."
"હા, એ પણ સાચું હો મમ્મી! તમે જો ફ્રી હોવ તો ગુવાર સમારવામાં મારી મદદ કરો ને તો ત્યાં સુધીમાં હું ઢોકળી બનાવી લઉં."
"હા, લાવ તું મને ગુવાર આપી દે અને એને સમારવા માટેની છરી પણ આપી દે. અને તું ત્યાં સુધીમાં ઢોકળી બનાવી લે."
"આ લો." પલ્લવીએ તુલસીને ગુવાર અને છરી આપ્યાં.
તુલસી હવે ગુવાર સમારવા લાગી અને પલ્લવી ઢોકળી બનાવવા લાગી.
તુલસી બોલી, "પલ્લવી મનમાં એક વાત છે. મને લાગે છે કે, મારે તારી સાથે આ વાત કરવી જોઈએ. વાત જ એવી છે કે, હું કહ્યાં વિના રહી નથી શકતી. હું તને જે કંઈ પણ રહી છું એ શાંતિથી સાંભળજે અને મારી વાતનું ખોટું ન લગાડતી."
"મમ્મી! તમારી વાતનું હું ક્યાં કદીયે ખોટું લગાડું જ છું. તમને યાદ છે ને કે, આપણે એકબીજાને વાયદો કર્યો છે કે, આપણે આપણા મનની વાત એકબીજા જોડે જરૂર શેર કરીશું. તો પછી તમે જે કંઈ પણ કહેવા માગતા હોય એ ચિંતામુક્ત થઈને કહો."
"હું જ્યારે શિખરના રૂમ પાસેથી પસાર થઈ ત્યારે તે પોતાના ટેબલેટમાં કંઈક રેકૉર્ડ કરી રહ્યો હતો. એ બોલી રહ્યો હતો કે, એ એના ક્લાસમાં ભણતી શ્રેયા નામની છોકરીને ખૂબ પસંદ કરે છે અને એને આઈ લવ યુ કહી રહ્યો હતો. મને લાગે છે કે, હજુ આ બધી બાબતો માટે એની ઉંમર ઘણી નાની કહેવાય એને એટલે હું ઈચ્છું છું કે, તું એને શાંતિથી સમજાવે. આવી બધી વાતો બાળકને જો એની મા સમજાવે તો એને વધુ અસર થાય છે અને એ પોતાની મા ની વાતને સમજે પણ છે."
તુલસીની આ વાત સાંભળીને પલ્લવી એકદમ ગુસ્સામાં લાલ થઈને બોલી ઉઠી, "મમ્મી! આ તમે શું કહો છો? શિખર આવું બધું બોલી રહ્યો હતો? મને તો વિશ્વાસ જ નથી આવતો. આપણે એને ભણવા મોકલીએ છીએ કે, આ બધું કરવા? આવવા દો નીરવને! હું કહું છું એને. હમણાં એને પપ્પાના હાથનો એક લાફો પડશે ને એટલે એની અક્કલ ઠેકાણે આવી જશે." પલ્લવી ગુસ્સામાં તમતમી ઉઠી હતી.
"ના, પલ્લવી. અત્યારે એની ઉંમર એકદમ નાજુક છે. હમણાં એની સાથે તમે બંને કોઈ વાત ન કરતા. એની ઉંમર જ એવી છે અને આ ઉંમરમાં તો આવું બધું થવું એ સ્વાભાવિક છે. આ ઘટનાને તમે ગુસ્સો કરવાથી નહીં સંભાળી શકો. તમારે બંનેએ એની સાથે બેસીને એની સાથે સંવાદ સાધવાની જરૂરિયાત છે. તમે બંને જો એની પર ગુસ્સો કરશો તો એનું તો એકદમ વિપરીત પરિણામ આવશે. બની શકે કે, શિખર કોઈક એવું પગલું પણ ભરી શકે કે, આપણે પાછળથી પસ્તાવાનો પણ વારો આવે."
તુલસીએ પલ્લવીને સમજાવ્યા છતાં પણ એ એની વાતને સમજી નહીં. નીરવ ઘરે આવ્યો એટલે એણે પલ્લવીએ જે વાત કરી એ એણે નીરવને કરી અને બોલી ઉઠી, "મને તો લાગે છે કે, શિખરને તારા હાથનો એક લાફો પડશે ને એટલે એ સુધરી જશે. અત્યારે કંઈ આવું બધું કરવાની એની ઉંમર થોડી છે? અત્યારે એની ઉંમર ભણવાની છે. એ આવું બધું કરશે તો ભણશે ક્યારે? હમણાં આવતાં વર્ષે એ દસમા ધોરણમાં આવશે. એણે પરીક્ષામાં ટોપ કરવાનું છે. જો એ આવા બધાં કામોમાં જ વ્યસ્ત રહેશે તો એનો પહેલો નંબર કેવી રીતે આવશે?"
નીરવે પલ્લવીને શાંત કરતાં કહ્યું, "પલ્લવી! પહેલાં તો તું શાંત થઈ જા. હું વાત કરીશ શિખરની જોડે.
પણ આ તો પલ્લવી હતી. એ કંઈ એમ થોડી શાંત થવાની હતી? એ જોરથી શિખરના નામની બૂમો પાડવા લાગી. પલ્લવી ખૂબ જ ગુસ્સામાં શિખર શિખરના નામની બૂમો પાડી રહી હતી.
શિખર પોતાની મમ્મીનો અવાજ સાંભળીને ત્યાં આવી પહોંચ્યો. શિખર ત્યાં આવ્યો એટલે પલ્લવી એને એક સણસણતો તમાચો ચોડી દીધો.
(ક્રમશ:)