નવમા ધોરણમાં ભણતો શિખર હવે શાળાએ તો રોજ જતો રહેતો હતો પરંતુ એનું ધ્યાન હવે ભણવામાં લાગતું નહોતું. એનું ચિત્ત હવે ભણવામાં બિલકુલ ચોંટતું નહોતું. મનથી તો એ જાણતો હતો કે મારે મારું બધું જ ધ્યાન ભણવામાં આપવું જોઈએ પરંતુ એ કરી શકતો ન હતો. એ કોશિશ તો કરતો કે, એનું ધ્યાન ક્યાંય ભટકે નહીં પરંતુ એ વારંવાર વિચલિત થઈ ઉઠતો. એનું ધ્યાન વારંવાર શ્રેયા પ્રત્યે આકર્ષિત થઈ રહ્યું હતું. એક ગજબનું આકર્ષણ એ શ્રેયા પ્રત્યે અનુભવી રહ્યો હતો.
શાળામાં શિક્ષક જ્યારે ભણાવી રહ્યા હોય ત્યારે પણ એની નજર હંમેશા શ્રેયા તરફ જ રહેતી. એ હંમેશા શ્રેયાને જ તાકતો રહેતો હતો. શ્રેયાને જોઈને એના દિલના તાર ઝણઝણી ઉઠતા.
શિખર પણ આ રીતે શ્રેયાને જોઈ રહ્યો છે એ વાત શ્રેયાના ધ્યાન બહાર રહી નહીં. આમ પણ કુદરતે સ્ત્રીને એ શકિત આપેલી જ હોય છે કે, એને તરત જ ખબર પડી જતી હોય છે કે કોઈ પુરુષ એના પ્રત્યે આકર્ષિત થઈ રહ્યો છે. શિખરની રોજરોજની આ હરકતો જોઈને શ્રેયા હવે ખૂબ જ ગભરાઈ ગઈ હતી.
થોડા દિવસ તો એ મૌન રહી પરંતુ પછી એને થોડો ડર પણ લાગવા માંડ્યો હતો અને માટે જ એણે એક દિવસ હિંમત કરીને એની મમ્મીને કહ્યું, "મમ્મી! તને ખબર છે? અમારા ક્લાસમાં પેલો શિખર છે ને એ વારંવાર મને જ તાક્યા કરતો હોય છે. મને એનાથી બહુ ડર લાગે છે."
"શું એણે તને કંઈ કહ્યું કે કંઈ કર્યું? શું તારી સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કર્યું?" એની મમ્મીએ પૂછ્યું.
"ના મમ્મી! હજુ સુધી તો એણે એવું કંઈ કર્યું નથી પરંતુ જ્યારે ટીચર ક્લાસમાં ભણાવતા હોય છે ને ત્યારે એ મારી સામે જ જોયા રાખતો હોય છે."
"પછી તું શું કામ ચિંતા કરે છે? એ કંઈ કરે તો પછી તું મને કહેજે. તો આપણે એના પેરેન્ટ્સ સાથે વાત કરીશું. અત્યારે તારું બધું જ ધ્યાન તું માત્ર ભણવામાં આપ. અત્યારે તમારી ઉંમર એવી છે એટલે આ ઉંમરમાં કોઈ વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. આ સમય દરમિયાન તમારે એ પણ સમજવાનું છે કે, ભણવાનું પણ ખૂબ જ જરૂરી છે. આવતા વર્ષે તમે લોકો દસમા ધોરણમાં આવશો. એ તમારું કેરિયરનું વર્ષ હશે. તું પણ આ બાબતનું ધ્યાન રાખજે.
"હા! મમ્મી તું ઠીક કહે છે. હવે હું માત્ર ભણવામાં જ આપીશ." મમ્મી જોડે વાત કરવાને કારણે શ્રેયા હવે થોડી રાહત અનુભવવા લાગી હતી.
*****
આ બાજુ શિખર કંઈક જુદું જ વિચારી રહ્યો હતો. એ વિચારી રહ્યો હતો કે, હવે નવમા ધોરણનું આ વર્ષ પૂરું થવામાં વધુ સમય નથી.
આજે પણ ઘરે જઈને એણે પોતનું ટેબલેટ કાઢ્યું અને રેકોર્ડ કરવા લાગ્યો. એ બોલી રહ્યો હતો, "શ્રેયા! આઈ લવ યુ. તું મને ખૂબ ગમે છે. હું તારી જોડે લગ્ન કરવા ઈચ્છું છું. હજુ તો આપણે નાના છીએ પરંતુ તું મને બહુ ગમે છે. આ વર્ષની વાર્ષિક પરીક્ષા પૂરી થાય એટલી જ રાહ જોઉં છું. પછી હું તને એક ચિઠ્ઠીમાં લખીને તને પ્રપોઝ કરીશ. તું મને હા પાડજે હો. ના ન પાડતી. મેં ઘણાં વીડિયોમાં જોયું છે કે, છોકરીઓને પ્રપોઝ કઈ રીતે કરાય! હું પણ તને એ રીતે જ પ્રપોઝ કરીશ. તું જો જે તો ખરી! તું ખૂબ જ ખુશ થઈ જઈશ." આટલું બોલીને શિખરે રેકોર્ડિંગ બંધ કર્યું.
આ રેકોર્ડિંગ એ હંમેશા પોતાના રૂમમાં જઈને બારણું બંધ કરીને જ કરતો. પરંતુ આ વખતનું આ રેકોર્ડિંગ એના રૂમના બારણાની બહાર શિખરને જ્યુસ આપવા આવેલી તુલસીએ સાંભળી લીધું હતું. આ સાંભળીને એને હવે શિખરની ચિંતા થવા લાગી હતી. વર્ષોના અનુભવે એ સમજી ચૂકી હતી કે, શિખરનું ધ્યાન હવે બીજી તરફ ભટકી રહ્યું છે અને જો અત્યારે જ એને યોગ્ય દિશામાં વાળવામાં નહીં આવે તો ભવિષ્યમાં એના ખૂબ જ ગંભીર પરિણામો આવી શકે છે.
પરંતુ તુલસી એ પણ જાણતી હતી કે, એની વાતને શિખર ગણકારશે નહીં એટલે હવે જો પલ્લવી કે નીરવ એ બેમાંથી કોઈ એક જો એને સમજાવી શકે તો જ એ સમજશે. પરંતુ નીરવ અને પલ્લવીને તો સમય જ ક્યાં હતો શિખર જોડે સંવાદ સાધવાનો?
છતાં શિખરનું ભવિષ્ય ન બગડે એ હેતુથી એણે મનોમન પલ્લવી જોડે આ બાબતે વાત કરવાનું વિચાર્યું.
(ક્રમશ:)