Shikhar - 19 in Gujarati Classic Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | શિખર - 19

Featured Books
Categories
Share

શિખર - 19

પ્રકરણ - ૧૯

શિખર અને એની ટીમે શાળાનું નામ રોશન કર્યું હતું એ બદલ એમની શાળા તરફથી પણ આ પાંચેય વિદ્યાર્થીઓને જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા. બધાંને આ વાતનો ખૂબ જ આનંદ હતો.

એટલું ઓછું હોય એમ શિખરનો પરિવાર પણ શિખરની આ જીતને ઉજવવામાં પાછો ન પડ્યો. શિખરની જીત પણ ફરી આખા પરિવારે એકસાથે ઉજવી. પલ્લવી અને નીરવ બધાંને કહેતા થાકતાં નહોતાં કે, "શિખર સ્પર્ધામાં ઈનામ જીતીને આવ્યો છે."

પલ્લવી અને નીરવની આવી વાતો સાંભળીને ક્યારેક કોઈક મજાક પણ કરી લેતાં કે, "જો જો હો દીકરાને બહુ દોડાવવાની લાયમાં અને એના પર ખૂબ અભિમાન લેવામાં ક્યાંક એ ઘમંડી ન બની જાય. અને ઘમંડી માણસ શું નથી કરતો? તમારો દીકરો પણ ક્યાંક હાથમાંથી જતો ન રહે એ સંભાળજો."

"ના હો જરાય નહીં. એવું ક્યારેય નહીં થાય. હું મારા શિખરને ખૂબ જ સારી રીતે ઓળખું છું. એ મારી વાત ક્યારેય નહીં ઉથાપે. અમે એને ઘણાં જ સારા સંસ્કાર આપ્યાં છે. અને રહી વાત અભિમાનની તો થોડું અભિમાન પણ હોવું જરૂરી બની જાય છે આજના આ જમાનામાં." પલ્લવી તરત જ બધાંને જડબાતોડ જવાબ આપી દેતી.

"આ તો અમને જે લાગ્યું અને અમારી અનુભવી આંખોએ અત્યાર સુધી જે કંઈ પણ જોયું છે એના આધારે કહીએ છીએ બાકી તારી મરજી." બાજુમાં રહેતાં અંજુબેન પલ્લવીને સમજાવવાનો પ્રયત્ન કરતા અને એને કહેતા.

તુલસીને ક્યારેક અંજુબેનની વાત સાચી લાગતી પરંતુ એને પલ્લવીથી ક્યારેક ડર પણ લાગતો. ભૂતકાળમાં જે કંઈ પણ ઘટનાઓ બની હતી એ ક્યારેક એને યાદ આવી જતી અને એના મન પર હાવી થઈ જતી.

ભૂતકાળમાં જે કંઈ પણ બન્યું હતું એ બધું જ તુલસીને યાદ આવતું એના લીધે એ પલ્લવીને વધુ કોઈ પણ કહેવાનું ટાળતી હતી. તુલસીને પણ ક્યારેક તો અંજુબેનની વાત સાચી લાગતી પણ એ હંમેશા હવે મૌન જ રહેતી. મા દીકરાના સંબંધમાં વચ્ચે આવવું એને હવે યોગ્ય લાગતું ન હતું.

અને આ બધાંથી પર શિખરે પોતાની એક અનોખી દુનિયા વસાવી લીધી હતી. જેમાં એ અને એનું ટેબલેટ માત્ર એ બંને જ સાથી હતા. કારણ કે, એની વાત સાંભળવા માટે તો ઘરમાં ક્યાં કોઈ હતું જ! એની શું પરેશાની છે એ તો એના માતાપિતાએ ક્યારેય સમજવાની કોશિશ જ ક્યાં કરી હતી! એના માતાપિતા એની સાથે રહેતાં હોવા છતાં પણ એ તો અનાથની જ જિંદગી જીવી રહ્યો હતો. શિખર અને એના માતા-પિતા બંને વચ્ચેના સંબંધમાં એક અનોખી દૂરી આવી ગઈ હતી.

હજુ બીજા ત્રણ વર્ષ વીતી ગયા. શિખર હવે ટીન એજમાં આવી ગયો હતો. એ તેરમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યો હતો. ટીન એજ એવી ઉંમર હોય છે કે, જ્યારે બાળકોના જીવનમાં શારીરિક તેમજ માનસિક પરિવર્તન પણ આવતું હોય છે. હોર્મોન્સના ફેરફારો થતાં હોય છે. શિખર પણ આ બધામાંથી પસાર થઈ રહ્યો હતો. એને આછી આછી મૂછો પણ ઉગવા લાગી હતી. એનો અવાજ પણ ધીમે ધીમે બદલાવા લાગ્યો હતો. ધીમે ધીમે એ પુરુષત્વ તરફ જઈ રહ્યો હતો.

પોતાના શરીરમાં આવતા આ પરિવર્તનને કારણે શિખર ઘણી વખત ગુસ્સે પણ થઈ જતો. એ પોતાના શરીરમાં આવેલા આ પરિવર્તનને સ્વીકારી શકતો નહોતો. એવા સમયે એને સૌથી વધુ જરૂરિયાત એના પિતાની હતી કે, જે એને એના શરીરમાં થતાં આ ફેરફારો વિશે સમજણ આપી શકે. પરંતુ નીરવને પ્રમોશન મળ્યાં પછી તો એ પોતાની લાઈફમાં એટલો બધો બીઝી થઈ ગયો હતો કે, એને શિખર જોડે સંવાદ કરવાનો પણ સમય નહોતો.

અને પલ્લવીનો તો હવે મોટાભાગનો સમય કીટ્ટી પાર્ટીઓમાં તેમજ ક્લબોમાં જ પસાર થતો. એના માટે પોતાનું બાળક એ એકમાત્ર દેખાડો કરવાનું સાધન જ બનીને રહી ગયું હતું. એની અંદરની મા તો ક્યાંક ખોવાઈ ચૂકી હતી.

જે માતા પિતા પોતાના બાળકને સમય નથી આપી શકતા અને એના પ્રશ્નોના જવાબ નથી આપી શકતાં ત્યારે એ જ બાળક બહારથી જ્ઞાન શોધવાની કોશિશ કરે છે.

શિખર પણ હવે સોશિયલ મીડિયા પર જ ખૂબ એક્ટિવ રહેવા લાગ્યો. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ એ જ હવે એની દુનિયા હતી.

તુલસી ક્યારેક એને સમજાવવાની કોશિશ કરતી તો એને પણ એ સામો જવાબ આપી દેતો અને કહેતો, "દાદી! તમારી હવે ઉંમર થઈ છે. તમે હવે ભજન કરો અને એમાં ધ્યાન આપો. મારા જીવનમાં તમારે દખલ દેવાની જરૂરિયાત નથી." આવી વાતો સાંભળીને તુલસી હવે એને કંઈ પણ કહેવાનું ટાળવા લાગી હતી.

બીજા પણ બે વર્ષ વિતી ગયાં. એ પંદર વર્ષનો થયો. એ નવમા ધોરણમાં આવી ગયો હતો. શિખર હવે એ ઉંમરમાં આવી ગયો હતો કે, જ્યારે એને વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ પણ થવાનું હતું. એ હવે શ્રેયા પ્રત્યે આકર્ષિત થવા લાગ્યો હતો.

(ક્રમશ:)