પ્રકરણ-૫૬.
અંતિમ અધ્યાય.
પ્રવીણ પીઠડીયા.
ભયાનક ઝડપે મારું મગજ કામ કરતું હતું. એક તરફ ખજાનો હતો અને બીજી તરફ મારા માતા-પિતાનું સત્ય. એ સત્ય શ્રેયાંશ જાગરદાર જાણતો હતો અને તેને આ ખજાનો જોઈતો હતો. પરંતુ મને તેના તેવર ઠીક લાગતા નહોતા. કંઈક એવું હતું જે મને ખૂંચી રહ્યું હતું અને એટલે જ આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવાનો માર્ગ હું વિચારતો હતો. અચાનક એક ઝબકારો મનમાં થયો. શ્રેયાંશ ચોક્કસ તેની પૂત્રી માનસાને ચાહતો હશે. એ વિચાર ખતરનાક હતો છતાં હું હસી પડયો. મારા માટે બસ એટલું જ કાફી હતું. હવે સમય બગાડવાનો કોઈ અર્થ નહોતો. મેં હાંકલ કરી એટલે તુરંત મને ખેંચવામાં આવ્યો અને હું ઉપર આવ્યો. મારે તેમને કહેવાની જરૂર નહોતી કે ખજાનો કૂવાની દિવાલમાં છે કારણ કે ઓલરેડી બધાએ તે જોયું જ હતું. પ્રશ્ન એ હતો કે તેને બહાર કેમ કાઢવો..? અને એથી પણ મોટો પ્રશ્ન એ હતો કે ખજાનાનો માલીક કોણ…? ખરેખર તો આ ખજાનો સરકાર હસ્તક જવો જોઈએ પરંતુ મને લાગતું નહોતું કે શ્રેયાંશ જાગીરદાર એમ થવા દે. તેના ચહેરા ઉપરથી કળાતું હતું કે ખજાના માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે. હું ઉપર આવ્યો એ સમયે જ તેણે વજીર અને ડાગા તરફ જોઈને કશોક ઈશારો કર્યો હતો એ સાવ અનાયાસે જ મેં જોયું હતું એટલે હું સાવધ બન્યો. સાવધ રહેવાનું બીજું પણ એક કારણ હતું કે અહી એકઠા થયેલા તમામ લોકોમાં હું એક જ બહારનો વ્યક્તિ હતો. બાકી બધા તો શ્રેયાંશ તરફી જ હતા.
“હવે શું કરવાનું છે ડેડી…?” આખરે માનસાએ ખામોશી તોડી હતી.
“તમે લોકો ઘરે જાઓ છો. અહી તમારા કોઈની જરૂર નથી. જે કરવાનું છે એ હું કરીશ.” શ્રેયાંશે માનસા, ડેની અને વિક્રાંત તરફ જોઈને કહ્યું. એ સાંભળીને મારું માથું ઠનક્યું. જો માનસા ઘરે જતી રહી તો બાજી મારા હાથમાં રહેવાની નહોતી અને હું સાવ અસહાય બની જવાનો હતો કારણ કે… પરંતુ હું કંઈ બોલું એ પહેલા જ માનસા ઉખળી પડી.
“એ નહી બને ડેડી. આ ખજાનો અમે શોધ્યો છે એટલે….” પણ તેની વાત અધ્યાહાર જ રહી કારણ કે તેની વાત સાંભળીને શ્રેયાંશ અચાનક જ ખડખડાટ હસવા લાગ્યો હતો. તેના ભયાનક હાસ્યથી નિતાંત નિરવતા ઓઢીને સૂતેલું જંગલ એકાએક જ ખળભળી ઉઠયું. માનસા અચરજભરી નજરે તેના ડેડીને જોઈ રહી. તેને હસતો જોઈને વજીર અને ડાગા પણ ધરબાઈ ગયા હતા કારણ કે આ હાસ્ય પછીની પરિસ્થિતી શું થાય છે એનો અંદાઝ તેમને હતો. તેમને કોઈના મોતની આહટ સંભળાતી હતી. તેઓએ પોતાની પિસ્તોલો સાબદી કરી અને અમારી તરફ તાકીને ઉભા રહી ગયા. પોતાની તરફ તકાયેલી પિસ્તોલ જોઈને માનસાએ હૈરતભરી નજરે તેના ડેડીને ઘૂર્યા. ”ઓહ, તો ખજાના માટે તમે તમારા સંતાનોની બલી ચઢાવશો.!”
“નહી, પરંતુ લોકોને ચૂપ કેમ રાખવા એની મને સારી ફાવટ છે.” એકાએક તે હસતા અટક્યો અને તેની આંખોમાં હિંસક ચમક ઉભરી આવી અને… બરાબર એ જ સમયે એક સાથે બે ઘટના બની ગઈ જેણે બધાને ચોકાવી મૂક્યાં. આંખનો પલકારો ઝબકે એથી પણ વધું ઝડપે એ બન્યું હતું.
-------
મને એક વાત બરાબર સમજાઈ હતી કે આ આખો ખેલ શ્રેયાંશ જાગીરદારે જ રચેલો છે. તેનું અને તેના માણસોનું એકાએક અહી આવી પહોંચવું એ કોઈ અકસ્માત નહોતું પરંતુ સમજી વિચારીને ફેલાવેલી જાળ હતી. તેણે માનસાનાં મનમાં મને ખજાનો શોધવા ઉકસાવવાનું બીજ રોપ્યું હતું અને એ કામ માનસાએ અજાણતા જ, પણ બરાબર રીતે પાર પાડયું હતું. હું કોઈ બેવકૂફની જેમ એ જાળમાં સામે ચાલીને ફસાયો હતો પરંતુ હવે તેનો અફસોસ કરવો નિરર્થક હતો એટલે જ મેં પેંતરો બદલ્યો. પહેલો ઘા રાણાનો એ ન્યાયે શ્રેયાંશ જાગીરદાર કોઈ હરકત એ પહેલા જ હું મારી જગ્યાએથી ઉછળ્યો હતો અને બરાબર એ સમયે જ માનસા પણ તેના પગ ઉપર ગોળ ફરી હતી. મને તેનું અચરજ ઉદભવે એ પહેલા તો હું વજીર ઉપર ખાબક્યો હતો અને માનસાનો હવામાં લહેરાયેલો પગ ડાગાનાં હાથ ઉપર જબરજસ્ત ફોર્સથી વિંઝાયો. વજીર અને ડાગા, બન્ને માટે એ સાવ અન-અપેક્ષિત હુમલો સાબીત થયો. એ લોકો હાથમાં પિસ્તોલ લઈને ઉભા હતા અને પોતાની તાકાત ઉપર મુસ્તાક હતા. તેઓ કંઈ સમજે એ પહેલા તો તેમના હાથમાં રહેલી પિસ્તોલો છટકીને નીચે પડી હતી. સેકન્ડનાં સોમાં ભાગમાં એ ઘટના ઘટી ગઈ. હું મારા દુખતા શરીર સાથે વજીરનાં ભારેખમ દેહ ઉપર રીતસરનો ખાબક્યો હતો. તેણે મને પોતાની તરફ ઉછળતો જોયો અને એક સ્વાભાવિક રિએકશન ક્રિયા પ્રમાણે જ તેના હાથ મને રોકવા આગળ ફેલાયા હતા. તેમા તેનું સંતૂલન ખોરવાયું અને તે પીઠભેર નીચે જમીન ઉપર પડયો. તેની પિસ્તોલ છટકીને દૂર પડી. મારા માટે એ સોનેરી મોકો હતો. હું ઝડપથી તેના દેહ ઉપરથી હટયો અને એટલી જ ઝડપે દોડીને તેની પિસ્તોલ ઉઠાવી હતી. એ દરમ્યાન માનસાએ પણ ડાગાની પિસ્તોલ પોતાના કબ્જામાં લીધી હતી.
“સબૂર, બધા જ્યાં છે ત્યાં જ ઉભા રહેજો નહીતર આ સગી નહી થાય.” મેં એકાએક જ બૂમ પાડી. એ અસ્સલ ફિલ્મી ડાયલોગ હતો પરંતુ એનાથી ત્યાં સોપો પડી ગયો. કોઈને આવું થશે એની બિલકૂલ અપેક્ષા નહોતી. બાજી એકદમ જ પલટી હતી. “માનસા, એ પિસ્તોલ મને આપ અને ઈન્સ્પેકટર બારૈયાને ફોન લગાવ.” માનસાએ મારી તરફ પિસ્તોલ ઉછાળી એટલે મે તેનો સીધો જ કૂવામાં ઘા કરી દીધો. મને ખ્યાલ હતો કે વધું હથીયાર મતલબ વધું ખતરો. ભલે એ પછી મારી પાસે હોય કે શ્રેયાંશનાં માણસો પાસે.
“ડોન્ટ ડૂ ધેટ.” ચિલ્લાઈ ઉઠયો જાગીરદાર અને મારા હાથમાં રહેલી પિસ્તોલની પરવા કર્યા વગર મારી તરફ ધસી આવ્યો. અચાનક જ તેના તેવર બદલાઈ ગયા હતા. અને કેમ ન હોય, પોલીસખાતા સુધી વાત પહોંચી એનો મતલબ કે તેણે ખજાનાથી હાથ ધોઈ નાંખવા પડે. “આમાં પોલીસને ઈન્વોલ્વ કરવાની કોઈ જરૂર નથી. આ ખજાનો મારો છે. તેની ઉપર મારો હક છે. તું ચાહે તો હું તને એમાથી થોડો હિસ્સો આપીશ. હુ નિરાંતે બેસીને એ બાબતે સોદો કરવા તૈયાર છું.”
“અચ્છા, હમણા તો તું કંઈક અલગ જ કહેતો હતો.” જીંદગીમાં પહેલી વખત મેં તેને ’તું’કારે બોલાવ્યો. તેનું કારણ હતું કે હવે મને તેના પ્રત્યે કોઈ માન રહ્યું નહોતું, પછી ભલે એ માનસાનો બાપ કેમ ન હોય…! “ચલ એ છોડ બધુ, મારા માં-બાપનું શું થયું હતું એ કહે. એ સાંભળીને કદાચ હું મારો નિર્ણય બદલું એમ બને. આમ પણ ખજાનો મળે એટલે તું મને એ જણાવવાનો જ હતો ને.” સ્તબ્ધ બની ગયો શ્રેયાંશ. શું બોલે એ. જો તે સચ્ચાઈ જણાવી દે તો એ ઘડીએ જ હું તેને ગોળી ધરબી દઉં એમા કોઈ શંકા નહોતી. તે ખચકાયો હતો.
“એ સચ્ચાઈ હું તને જણાવું.” માનસા અમારી નજીક આવતા બોલી. તેની આંખોમાં એક ન સમજાય એવી ધ્રૂણા તરતી હતી. નજીક આવીને તેણે તેના ડેડીની સામું જોયું. શ્રેયાંશ એકાએક જ ઢિલો પડી ગયો. “તારા માં-બાપનું ખૂન કરવાવાળું બીજું કોઈ નહી પરંતુ મારા ડેડી જ છે.”
“વોટ…?” ઉછળી પડયો હું.
“હાં, તેઓ ખજાના વિશે જાણી ગયા હતા એટલે તેમને રસ્તા વચ્ચેથી હટાવી નાંખવામાં આવ્યા હતા. એટલું જ નહી, જીવણાને પણ તેણે જ માર્યો છે.” માનસા એકધારું બોલી ગઈ અને મારા જીગરમાં દાવાનળ સળગ્યો. સામે ઉભેલો વ્યક્તિ મારા માતા-પિતાનો હત્યારો છે એ હકીકતે મારા રોમ-રોમમાં ક્રોધની જ્વાળામૂખી પ્રગટાવી મૂકી અને માનસા કે શ્રેયાંશ કંઈ સમજે એ પહેલા..
“થડાક…” પિસ્તોલનાં બટનો આડો કૂંદો મેં શ્રેયાંશનાં કપાળે ફટકારી દીધો. ભયાનક આઘાત અને દર્દથી કરાહી ઉઠયો શ્રેયાંશ. તેના કપાળની ચામડી ચીરાઈ અને તેમાથી લોહી વહી નિકળ્યું.
“સ્ટોપ ઈટ રોની…” માનસા ચીખી ઉઠી અને તેણે મને ધક્કો માર્યો. “જો તું પણ એ જ કરીશ તો તારામાં અને ડેડીમાં ફરક શું રહેશે. હું પોલીસને ફોન કરું છું પછી એ લોકો ફોડી લેશે.” તેણે ફોન કાઢયો અને દેવ બારૈયાનો નંબર ડાયલ કર્યો.
“હેલ્લો સર, હું માનસા જાગીરદાર. તમે જલદી અહી આવો… જીવણાનાં મકાન પાસે, જંગલમાં.” બસ તે એટલું જ બોલી શકી. શ્રેયાંશ એકદમ જ તેની ઉપર ઝપટયો હતો અને તેણે ફોન આંચકીને નીચે પથ્થર ઉપર જોરથી ફેંક્યો હતો. અને એ સાથે જ તેણે માનસાનાં ગાલ ઉપર એક લાફો ઝીકી દીધો. તેનું મગજ ગુસ્સાથી ફાટફાટ થવા લાગ્યું હતું. તેની વર્ષોની તપસ્યા ઉપર તેની જ લાડકી દિકરીએ પાણી ફેરવી નાંખ્યું હતું.
“હરામખોરો… સાલાઓ ઉભા છો શું…? પકડો આ બન્નેને અને નાખો એક જગ્યાએ.” તેણે વજીર અને ડાગાને કહ્યું. આ તમામ સમય દરમ્યાન વિક્રાંત અને ડેની એકદમ ખામોશ બનીને ઉભા હતા. જાણે તેઓ અહી હતા જ નહી એમ સાવ નિર્લેપ બનીને તમાશો જોઈ રહ્યાં હતા. ખરેખર તો તેઓ ધરબાઈ ગયા હતા. જે ઝડપે ઘટનાક્રમ ભજવાયો હતો એમા તેના જેવા નવાણિયાઓ સ્તબ્ધ બનીને ઉભા રહી ગયા હતા પરંતુ શ્રેયાંશની દહાડે એકાએક જ તેમને અહીની પરિસ્થિતિનું ભાન કરાવ્યું હતું અને જાણે તેમનામાં જીવ આવ્યો હોય એમ તે બન્ને પણ વજીર અને ડાગા સાથે આગળ વધ્યાં હતા. એ ખતરનાક ક્ષણ હતી પરંતુ…
“ધાંય…” એક ફાયર થયો અને ડાગા ઉછળી પડયો. તેના પગમાં ગોળી વાગી હતી. એ ફાયર મે કર્યો હતો. સેકન્ડનાં સોમાં ભાગમાં એ રિએકશન આવ્યું હતું અને એ સાથે જ બધા સ્તબ્ધ બનીને જ્યાં હતા ત્યાં ખોડાઈ ગયા હતા. કોઈને એવી અપેક્ષા નહોતી કે હું ફાયર ઓપન કરીશ પરંતુ એ થયું હતું અને ડાગાનો પગ નકામો બની ગયો હતો. એ દરમ્યાન માનસા મારી નજીક આવીને ઉભી રહી ગઈ હતી. એ જોઈને શ્રેયાંશનો લોહી ભિનો ચહેરો ઓર વિકરાળ બન્યો. તે ભૂરાયો થયો. આજ સુધી ક્યારેય તેણે શિકશ્ત ખાધી નહોતી એટલે હાર પચાવવી તેના માટે અધરી હતી. અને આ તો અઢળક ખજાનાની વાત હતી. એ ખજાનો જે મેળવવા તેણે આકાશ-પાતાળ એક કર્યું હતું. તેને એટલી આસાનીથી તે સરકારનાં હાથમાં કેમ જવા દે..? તેના જીગરમાં ઝંઝાવાત ઉમડતો હતો અને એમ જ, કંઈપણ સમજ્યા વિચાર્યા વગર જ તેણે મારા હાથમાં રહેલી પિસ્તોલ ઉપર ઝપટ મારી. “ધાંય…” ફરી એક ફાયર થયો અને આ વખતે શ્રેયાંશની આંગળીઓ હવામાં ઉડી. એ સાથે જ તેની હથેળીમાંથી લોહીનો ફૂવારો ઉડયો. શ્રેયાંશનાં ગળામાંથી રાડ ફાટી પડી. તેની બે આંગળીઓનાં એક સાથે ફૂરચા ઉડ્યાં હતા. એ કંઈ સમજે એ પહેલા ભયાનક દર્દથી તેનો ચહેરો તરડાયો અને બીજા હાથે પોતાની હથેળીને દબાવીને નીચે જમીન પર બેસી પડયો. તેની આંખોમાંથી આપોઆપ પાણી ઉભરાવા લાગ્યું હતું.
“ડેડી…” માનસા તેના ડેડી તરફ દોડી પરંતુ હવે હું રોકાવા માંગતો નહોતો. પરિસ્થિતિ વધું બગડે અને મારા હાથમાંથી સરકી જાય એ પહેલા મેં વજીરનાં પગનું નિશાન લઈને ગોળી ચલાવી દીધી. એ સાથે વજીર પણ નકામો થઈને જમીન ઉપર પડયો. હવે વિક્રાંત અને ડેનીનો વારો હતો પરંતુ તેઓ સમજીને જ પાછા હટી ગયા હતા અને તેમના હાથ આપોઆપ શરણાગતી સ્વિકારતા હોય એમ હવામાં ઉચકાયા હતા.
એ પછીનો ઘટનાક્રમ બહુ ઝડપે ઘટયો હતો. ઈન્સ્પેકટર દેવ બારૈયા ચીલ ઝડપે ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને તેની સાથે પૂરી ફોર્સ લઈને આવ્યો હતો. જીવણાનાં ઘરની આસપાસની હાલત જોઈને એ સ્તબ્ધ બની ગયો હતો પરંતુ તુરંત તે કામે વળગ્યો હતો.
-------------
સાંજ ઢળવા આવી હતી. સૂર્યનાં ત્રાંસા કીરણો જંગલમાં ઉભેલા ઉંચા વૃક્ષો ઉપર પથરાઈને ક્ષિતિજમાં વિલિન થવાની તૈયારી કરતા હતા. એવા સમયે વેટલેન્ડની બહાર બસ્તી પાછળનાં જંગલમાં એમ્બ્યૂલન્સ અને પોલીસ જીપોનો જમાવડો ખડકાયો હતો. બારૈયાનાં હાથે જેકપોટ લાગ્યો હતો. તેણે તુરંત આ ઘટનાની જાણ પોલીસ હેડ-ક્વાટરમાં કરી હતી એટલે કેટલાય ઉચ્ચ અધીકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને ત્યાર પછી આ મામલો છેક ગૃહ મંત્રાલય સુધીએ લંબાયો હતો. ખૂદ રાજ્યનાં ચીફ મિનિસ્ટરે વર્ષોથી લૂપ્ત દુર્લભ ખજાનો મળ્યાનાં સમાચારને ગંભીરતાથી લીધા હતા અને ખજાનાને સરકાર હસ્તક લેવાના આદેશો અપાયા હતા.
------
શ્રેયાંસ, વજીર અને ડાગાને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યાં હતા. દેવ બારૈયાએ મને અને માનસાને એક તરફ બેસાડયા હતા જ્યારે વિક્રાંત અને ડેનીને પોલીસજીપમાં ચડાવવામાં આવ્યાં હતા. બારૈયાની નજરોમાં મારા પ્રત્યે પ્રસંશા તરવરતી હતી. આજે સવારે જ તેને સમૃદ્રકાંઠે વેટલેન્ડ જહાજ મળી આવ્યું હતું (એવું તેનું માનવું હતું. ખરેખર એ વેટલેન્ડ જહાજ હતું કે નહી એની કોઈ ખાતરી નહોતી.) અને હવે વેટલેન્ડનો ખજાનો તેની નજરો સમક્ષ હતો એ કોઈ પરી કથાથી કમ નહોતું. તેણે એ સમયે જ નક્કી કરી લીધું હતું કે જે ખજાનો મળ્યો છે એના શોધકર્તા તરીકે મારું નામ સરકાર સમક્ષ રાખશે જેથી તેના અમૂક ટકા રકમ ઈનામ તરીકે મને આપવામાં આવે. બીજું કામ તેણે શ્રેયાંશ જાગીરદારને તેના કર્મોની સજા અપાવવાનું કરવાનું હતું. શ્રેયાંશ જાગીરદારે ત્રણ-ત્રણ ખૂન કર્યા હતા એટલે તેની ઉપર દફા ૩૦૨ લાગવી નક્કી હતું.
-----------
મારા મનમાં અજીબ ખાલીપો સર્જાયો હતો. વર્ષોથી મને પજવતા પ્રશ્નોનો એકાએક જવાબ જડયો હતો. મારા માતા-પિતા વેટલેન્ડનાં ખજાનાની બલીએ ચડયા હતા એ હકીકત પચાવતા સમય લાગવાનો હતો છતાં દિલમાં અજીબ સુકુન છવાયું હતું. તેનું બીજુ એક કારણ માનસા પણ હતી. તે મારા ખભે માથું ઢાળીને બેઠી હતી. અજાણતા જ તે મારા જીવનમાં પ્રવેશી હતી અને હું તેને ચાહવા લાગ્યો હતો. હું જાણતો હતો કે તે પણ મને ચાહે છે. મેં તેના વાળમાં આછું ચુંબન કર્યું. તેણે ડોક ઉઠાવીને નજરો મેળવી અને હસી. પછી સહેજ ઉંચી થઈને મારા હોઠ ઉપર તેણે આછેરું પરંતુ આહલાદક ચુંબન કર્યું. અને પછી એ જ અવસ્થામાં સેકન્ડો વીતી. હું ચાહતો હતો કે આ સમય ક્યારેય ખતમ ન થાય અને અમે અનંત સુધી અહી જ બેસી રહીએ. હું થોડોક ફર્યો અને તેને મારી બાહોમાં સમાવી લીધી.
એ સમયે સુરજ ક્ષિતિજોનાં સિમાડા વળોટીને ધરતીમાં સમાઈ ચૂક્યો હતો.
હજું ઘણા પ્રશ્નો અન-ઉત્તર હતા જે વહેતા સમય સાથે સપાટી ઉપર તરી આવવાનાં હતા. કહેવાય છે ને કે સત્ય ક્યારેય કોઈનાથી છૂપાવી શકાતું નથી. કુદરતી રીતે એ ક્યારેક તો સામે આવે જ છે. મને એ સમયની રાહ હતી.
(સમાપ્ત)