ગતાંકથી....
પૃથ્વીએ કહ્યું : "સાહેબ મારે કંઈ આપની સાથે વેર નથી આપે જે શબ્દો કહ્યા છે તેથી એક પણ વધુ શબ્દ નહીં છાપુ ,અને જ્યારે આપ સાહેબ કચવાતા જણાઓ છો ત્યારે મને આપની તરફથી આ લખાણને બદલે કાંઈ બીજું છાપવાનું આપો તો હું આ નહીં છાપું !"
પૃથ્વીએ પોતાનો ઘા જબરી રીતે લગાવ્યો હતો, તેના કહેવાની સજ્જડ અસર આકાશ ખુરાના ઉપર થઈ તેણે કહ્યું :" બોલ, તારે મારી પાસેથી શું જાણવું છે?"
હવે આગળ....
પૃથ્વી સ્મિત સાથે બોલ્યો : "આપની નવી શોધની વિગત શી છે ?તે શોધનો લાભ કયા અરબપતિને આપે આપ્યો છે? અને તેથી આપને મોટી રકમ મળી છે તે વાત સાચી છે? જો આપને કોઈ વાંધો ન હોય તો એ અરબોપતિ નું નામ તથા રકમ જણાવવા વિનંતી કરું છું."
સર આકાશ ખુરાના : " મેં કાંઈ જ શોધ કરી નથી. કોઈ જ અરબોપતિને તેની સાથે કાંઈ જ લાગતું વળગતું નથી. જે અફવાઓ ઉડી હોય તે બધી તદ્દન ખોટી છે. બસ હવે કંઈ પૂછવું છે?"
પૃથ્વી : "ના..ના.. આ વિગત આપવા માટે હું આપનો આભારી છું ,થેન્ક યુ વેરી મચ." એટલું કહી તે નમન કરી વિદાય થયો .જતાં જતા ચોકીદારને કહ્યું : ,"તારા શેઠ આગળ તારા વિશે કાંઈ જ કહ્યું નથી હો કે ?"ચોકીદારે તેને સલામ કરી.
પૃથ્વી પોતાની ઓફિસમાં જઈ નીચેની બાબત લખી આપી :" ગઈ રાતે અમારા પ્રતિનિધિને માનવંતા વિજ્ઞાનશાસ્ત્રી સર આકાશ ખુરાના એ ઘણી જ સભ્યતાથી મુલાકાતનું માન આપ્યું હતું. તે વખતે તેમણે જાહેર કર્યું હતું કે, મેં કાંઈ જ શોધ કરી નથી. કોઈ જ અરબપતિને તેની સાથે કાંઈ જ લાગતું વળગતું નથી .જે અફવાઓ આ સંબંધમાં ઊડી છે તે તમામ જુઠ્ઠાણું છે."
*****************************
ધીમે ધીમે બીજા દિવસની સાંજના પાંચ વાગ્યાથી રોજિંદા 'લોક સેવક' ન્યુઝ પેપરની ઓફિસમાં ખરી ધમાલ શરૂ થઈ. ઉપતંત્રીઓ તથા રિપોર્ટરો લખવાના કામમાં ગોઠવાઈ ગયા, પ્રુફ વાંચવામાં રોકાઈ ગયા અને પ્રેસના બીજા કામદારો પોતાના કામમાં પરોવાઈ ગયા. 'લોક સેવક 'પત્રનો મુખ્ય ઉપતંત્રી મિ.ચીમનલાલ અત્યારે જોકે પોતાના લખાણના કામમાં ગોઠવાઈ ગયો હતો પણ તેની પાસે બેઠેલો એક શિખાઉ રિપોર્ટર સંદીપ ને તે વચ્ચે વચ્ચે પોતાની રીત મુજબ સૂચના આપતો હતો. તેને એક્કી સાથે બે કામ ઉપર ધ્યાન આપનારું કહી શકાય,; કેમ કે તે વાતો કરતો હતો છતાં પોતાના લખાણમાં જરા પણ ખચકાતો નહોતો.તે સંદીપને કહેતો હતો : "આ ન્યુઝપેપર નો ધંધો જેવો અઘરો છે તેવો જ રમત જેવો છે. ગંભીરમાં ગંભીર બાબતો ઉપર તો લાંબામાં લાંબુ લખાણ કરવું જ જોઈએ પણ તે સાથે કોઈ વાર તદ્દન નજીવી બાબત ઉપર પણ લાંબુ લખાણ કરતા આવડવું જોઈએ.
એક વિદ્વાન કહેતા હતા કે લાકડી ઉપર હું કોલમ જેટલું લખાણ લખી આપું. મતલબ કે ન્યુઝ પેપર વાળા એ નકામી જેવી બાબતમાં પણ રજનું ગજ કરતાં આવડવું જોઈએ તેમજ ગજનું રજ પણ કરવું જોઈએ. પણ ભાઈ, હું તને ખાસ સલાહ આપું છું કે નકામી બાબતો પર લાંબુ લાંબુ લખવાની ટેવ પાડવાની કાંઈ જરૂર નથી. જેમ બને તેમ ગંભીર બાબતો ઉપર ઉત્તમ રીતે લખવાનું ટેવ પાડવી. મને યાદ છે કે પૃથ્વીને રિપોર્ટરે જાણવાની ત્રણ બાબતો મેં કહી હતી .એ ત્રણ બાબતો નીચે મુજબ છે : પહેલી તો એ કે ,તમે જ્યારે કંઈ પણ ખબર લેવા જાવ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે જે બાબત દેખીતી રીતે તદ્દન કચરો હોય તે ઘણીવાર જાહેર પ્રજાને રસભરી થઈ પડે છે. આ બાબત તને જરા વિચિત્ર લાગે છે ખરું ને ?"
સંદીપે ડોકું ધુણાવી હા કહી.
ચીમનલાલે કહ્યું : " જો જેમકે કે દાખલા તરીકે કેટલાક મસ્તીખોર છોકરાઓ એક બિલાડીની પાછળ પડ્યા છે. અને તે એક તારના થાંભલા ઉપર ચડી જાય છે .લોકો ત્યાં આગળ એકઠા થઈ જાય છે .એ જાડો માણસ એ બિલાડીની પાછળ ચડવાની કોશિશ કરે છે; અને એકાએક તે પડી જાય છે. લોકોમાંના ઘણાને આથી હસવાનું મળે છે ; આનો રિપોર્ટ બહુ મજા નથી પડે. હવે રિપોર્ટરે ધ્યાનમાં રાખવાની બીજી વાત કહું : એક રેલવે ટ્રેન ને અકસ્માત થાય છે. અને તેના ડબ્બાઓ ઉથલી પડે છે. હવે આ પ્રસંગમાં રિપોર્ટરની પ્રથમ ફરજ એ છે કે, તેણે એ જગ્યાએ જવું, ત્યાં જઈ સતાવાળાઓને તથા આજુબાજુનાઓને પૂછી અકસ્માતનું કારણ, અકસ્માતનું નુકસાન ,તે જગ્યાનું વર્ણન, અકસ્માત વખતે કોઈ પણ વ્યક્તિએ બતાવેલી બહાદુરીનો અહેવાલ વગેરે બાબતોની માહિતી એકઠી કરી લેવી. તે પછી તે અહેવાલ એવી રસીલી સનસનાટી ભરેલી ભાષામાં આપવો જોઈએ કે લોકો તે વાંચવા સાથે જે વખતે બનાવ માટે દિલગીર થાય તે જ વખતે લખાણ માટે ખુશ ખુશ થઈ જાય .હવે ત્રીજી બાબત : દારૂ પીધેલો એક ફળ વેચનારો, એક ગલીમાં પડી જાય છે તેને સખત ઈજા થાય છે ,પોલીસના માણસો આવી તેને હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાં તે મરણ પામે છે. હવે આ બાબત રિપોર્ટર માટે કંઈ ખાસ એટલી બધી ઉપયોગી નથી ,તો પણ રિપોર્ટર તેની રીતસરર વિગતો જ આપવી જોઈએ .પણ અમને ઉપતંત્રીઓને 'દારૂ પીવાના ખરાબ પરિણામ' વિશે લખવામાં આ બનાવ ઘણો અગત્યનો થઈ પડે અને તેના ઉપર એવું સચોટ લખાણ લખીએ કે જેથી લોકો દારૂનિષેધ તરફ આગળ વધે.
આ મુજબ ચીમનલાલ અને સંદીપ વાતો કરતા હતા તે વખતે પૃથ્વીથી આવી પહોંચવાથી તેમની વાતમાં ભંગાણ પડ્યું. પૃથ્વી સર આકાશ પુરાના નો ઈન્ટરવ્યુ લાવ્યો હતો તે જાણીને ચીમનલાલે તેને શાબાશી આપતા કહ્યું : "આપણા માટે આ એક બહુ સરસ ઇન્ટરવ્યૂ તું લાવ્યો. તેને એ માટે જેટલી શાબાશી આપું તેટલી ઓછી છે આ બધું તે મેળવ્યું કેવી રીતે ? સર આકાશ ખુરાના કંઈ સહેલાઈથી બધાને પોતાનો અભિપ્રાય જાહેર કરતા નથી."
પૃથ્વીએ ઇન્ટરવ્યૂ મેળવવા માટે કેવી રીતે કામ લીધું હતું તેની વિગત કહી ચીમનલાલે તેની આ રીતની સ્માર્ટ રીત કહી.
આખી રાત આ પત્રકારોએ હંમેશ મુજબ કામ કર્યું .તે પછી તેઓ છૂટા પડ્યા સવાર પડતા 'લોકસેવક 'ન્યૂઝ પેપરમાં અજાયબી ભરેલો એક ફકરો પ્રગટ થયેલો જણાયો તે નીચે મુજબ હતો :
સર આકાશ ખુરાના નું અચાનક મૃત્યુ
"અમે અમારા ન્યુઝ પેપરને છાપવાની તૈયારીમાં જ હતા તેવામાં અમને ખબર મળ્યા છે, કે સર આકાશ ખુરાના મૃત્યુ પામ્યા છે. તેમનું દિલગીરી ભરેલું મૃત્યુ થયું તે પહેલા તેઓએ ન્યુઝ પેપરના એક રિપોર્ટર આગળ પોતાની શોધ માટે કેટલીક વાતચીત કરી હતી. ગઈ રાત્રે તેઓ લાંબા વખત સુધી પોતાની લાઈબ્રેરીમાં કામ કરતા હતા ;અને આજ સવારમાં તેઓ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા."
આ ફકરો વાંચીને તરત જ પૃથ્વી ચીમનલાલ ને ત્યાં દોડી ગયો. ચીમનલાલે કહ્યું : "ભારે અચરજ ની વાત છે? તું પાછો ફરી અત્યારે તેઓ કંઈ બીમાર હોય એમ તને લાગ્યું હતું?"
પૃથ્વી એ ના પાડી. એ પછી કાંઈ પણ શબ્દ બોલ્યા વિના તે લાલ ચરણના મકાને ગયો. લાલચરણ તે વખતે 'લોક સેવક 'જ વાંચતો હતો.
"તમે સર આકાશ ખુરાના નો ફકરો વાંચ્યો કે?" પૃથ્વીએ પૂછ્યું.
"હા ."લાલચરણે ઘેરા અને ગંભીર અવાજે જવાબ આપ્યો .ઉપરનો જવાબ આપ્યા પછી તે કાંઈ પણ બોલ્યો નહીં અને આ માટે તેને કોઈ આતુરતા બતાવી નહીં તેથી પૃથ્વીને નવાઈ ઉપજી ,પણ તે પછી થોડીક જ વારમાં પત્રકાર તરીકેનો જુસ્સો પૃથ્વીના હૃદયમાં ઉભરાય આવ્યો .તેને એમ લાગ્યું કે સર આકાશ ખુરાના ના ઘરે જઈને તેનું અચાનક મૃત્યુ કેવી રીતે થયું ,મરનારની ભવિષ્યની યોજનાઓ શી હતી વગેરે બાબતોમાં કાંઈ પણ ખબર એકઠી કરવી જોઈએ. તેણે લાલચરણ ને કહ્યું : " હું સર આકાશ ખુરાનાને મકાને જાઉં?"
લાલચરણ શું જવાબ આપશે?
પૃથ્વી તેના ઘરે તપાસ માટે જશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ...
ક્રમશઃ...