ભાગ - ૧૦
નીરુ અને સુજન સિવાય હજી એક વ્યક્તિ વેજલપરમાં હાજર હતી જે નીરુ અને સુજનને કાળની ખાઈમાં ધકેલવા અધ્ધર પગે અને અધ્ધર તાલે ઉભી હતી. કાળની ક્રૂરતાની કરવત કેવી કરવટ લેવા જઈ રહી હતી એનાથી અજાણ નીરુ અને સુજન પોતાના સુખી સંસારના સપના જોઈ રહ્યા હતા.
આભની અટારીએ ચમકતાં તારલા અને નીરુ-સુજન સિવાય આખું વેજલપર ખાલી અને સુમસામ હતું. બીજુ અન્ય ગ્રામજનો સાથે વેજલપરની સીમ વટાવી પુનિયાલા ગામ તરફ આગળ વધી રહી હતી. આકાશમાં ટમટમતા તારાના આછા અજવાળે રસ્તો ખુંદતા એકબીજાની ઓથે ચાલ્યા જતા પડછાયા કાળમિંઢ અંધારામાં ભૂતિયા ભાસતા હતા.
નીરુ અને સુજન નદી પરનો દોરડાનો પુલ કાપી નદીના પટ પર પથરાયેલી રેત પર આડા પડી બીજુ વિશે વિચારતા ક્યારે સુઈ ગયા એની એમને ખબર ન પડી. સવારે જયારે સૂર્યના કિરણોનો આછો તાપ ચહેરા પર પડ્યો ત્યારે બેયની આંખ ખુલી.
"બીજુ હોવે પુનિયાલા પો'ચી જઈ હશે નઈ?" સુજને ખોબામાં નદીનું પાણી ભરી મોં પર છાલક મારી.
"હોવ્વ, ઓપણે ય હોવે આંયથી નીકળી જઈએ. હોવે હામી પારના લોકો ઓપણું કોય ની બગાડે." નીરુએ કપડાં પર ચોટેલી રેત ખંખેરી.
"નીરુ, આંયથી જતાં પે'લા ઓપણે ફેરથી ગામ જોય લઈએ. પસી કિયારે પાસા આવસું કોને ખબર? "
"હોવ્વે, હાલ.." નીરુએ પણ નદીના પાણીની છાલકથી પોતાનું મોઢું ધોયું અને બેય ભાઈઓએ ગામ તરફ જવા પગ ઉપાડ્યા.
@@@@
"નીલાક્ષી, મેં તને સવારે જ કહ્યું હતું ને કે ઈશ્વા કોઈ મુસીબતમાં સપડાઈ છે. આપણી ઈશ્વા કાલ રાતથી ગાયબ છે...." ડો. ઉર્વીશના સ્વરમાં ફિકર અને બેબાકળાપણું છલકાઈ રહ્યું હતું.
"તમે શાંત થઈ જાઓ ઉર્વીશ. શું બન્યું છે એ કહો મને?" સામે છેડે નીલાક્ષીની આંખોમાં પણ ચિંતા ઉભરાઈ.
"વ્યોમ.... વ્યોમનો ફોન હતો અને એણે મને કહ્યું કે...." વ્યોમ સાથે થયેલો સંવાદ ડો. ઉર્વીશે શબ્દશ: નીલાક્ષીને કહી સંભળાવ્યો, "હું હમણાં જ માનગઢ જવા નીકળી રહ્યો છું."
"હું અને તેજસ પણ તમારી સાથે આવીએ છીએ."
"ના... ના... તમારે અહીં જ રહેવાનું છે. રખે ને ઈશ્વા અહીં આવે તો આપણા ઘરે તાળું જોઈ એ ક્યાં જાય, એટલે તમે બંને અહીં જ રહો. ત્યાં પહોંચીને હું કોલ કરીને પરિસ્થિતિ જણાવીશ."
"પ. ....ણ. ... તમે એકલા.... તમે વધુ વખત સુધી ડ્રાઇવિંગ પણ નહીં કરી શકો. એમ કરો તમે કોઈને સાથે લઈ જાઓ એટલે દરેક રીતે તમને અને મને રાહત રહેશે." પત્નીસહજ કાળજી નીલાક્ષીના અવાજમાં તરી આવી.
"એ પણ ઠીક રહેશે. હું ડો. અમોલ મહાજનને મારી સાથે લઈ જઈશ. એ બધી રીતે અનુકૂળ થઈ પડશે અને આમેય એ મારા જમણો હાથ છે. હું હવે નીકળવાની તૈયારી કરું અને અમોલને ય જાણ કરી દઉં. માનગઢ પહોંચીને તને કોલ કરીશ. બાય, ડોન્ટ વરી, હું આપણી દીકરીને કાઈ નહીં થવા દઉં." ડો. ઉર્વીશે જવાબની રાહ જોયા વગર જ ફોન કટ કરી ડો. અમોલને ફોન કર્યો.
"અમોલ, દીકરા તારે હમણાં જ મારી સાથે માનગઢ આવવું પડશે. હોસ્પિટલમાં તો જયારે જરૂર પડી ત્યારે તે વગર કીધે મને આસિસ્ટ કર્યો છે પણ હવે મને જિંદગીના અટપટા વળાંકે તારી સખત જરૂર છે. પંદર મિનિટમાં તૈયાર થઈ ગેટ પાસે આવ આપણે હમણાં જ નીકળવાનું છે." ડો. ઉર્વીશે જરૂરી સૂચનાઓ આપી કોલ કટ કરી ફ્રેશ થઈ પોતાની બ્રિફકેસ અને ડ્રોઅરમાં હતી એટલી કેશ લઈ પોતાની ચેમ્બરને લોક કરી બહાર નીકળ્યા ત્યારે ડો.અમોલ ગેટ પાસે એમની રાહ જોતા ઉભા હતા.
"અમોલ, તું મને એક પણ પ્રશ્ન પૂછ્યા વગર, આખી વાત જાણ્યા વગર જ મારી સાથે આવવા તૈયાર થઈ ગયો?" ગાડીમાં બેસતા જ ડો. ઉર્વીશ મનમાં ઘોળાતો પ્રશ્ન હોઠે લાવ્યા.
"સર, આપ મારા જીવનના ગોડફાધર છો, મારા રોલમોડેલ છો. તમારી સાથે જેટલો સમય સ્પેન્ડ કરવાનો મોકો મળે એટલું મારું સૌભાગ્ય. તમને જયારે તાતી જરૂર હશે ત્યારે જ તમે મને તમારા પર્સનલ પ્રોબ્લેમમાં ઇન્વોલ્વ કરવાનું વિચાર્યું હશે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ હેલ્પ યુ." અમોલે ગળામાં લટકતા ઈયરફોન કાઢી બેગમાં મુક્યા.
"તારી આ ખુમારી અને વિશ્વાસ પર જ હું ઓવારી ગયો છું. આ તો ઈશ્વાની જીદ સામે નમતું જોખવું પડ્યું નહિતર અત્યારે વ્યોમને બદલે તું મારો જમાઈ હોત, પ...ણ...."
"સર, પ્લીઝ, જે બની ગયું એ ભૂલી જાઓ. આ ટોપિક અહીં જ સ્ટોપ.. હવે કહો મને કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને ઈશ્વાને શું થયું છે?"
"અમોલ.... તને... તને... કેવી રીતે ખબર પડી કે ઈશ્વાને કાઈ થયું છે ?" ડો. ઉર્વીશની આંખોમાંથી આશ્ચર્ય સાથે આંસુ પણ ડોકાઈ આવ્યાં.
"સર, તમારા ચહેરા પર એક પિતા તરીકેની ચિંતા સ્પષ્ટ દેખાઈ આવે છે. રોજ તમને આસિસ્ટ કરતાં કરતાં હું તમારો ચહેરો વાંચતા પણ શીખી ગયો છું. હવે હું તમારો શિષ્ય સાચો ને...?" અમોલે વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કર્યો.
ડો. અમોલ મહાજન એ ડો. ઉર્વીશ ઉપાધ્યાયનો સર્વશ્રેષ્ઠ શિષ્ય ગણાતો હતો. ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન જેવો એ બંનેનો નાતો હતો. ડો. ઉર્વીશ એને પોતાની જેમ બનાવવા ખુબ મહેનત કરતા હતા અને સામે અમોલ પણ પરસેવો પાડી પરિશ્રમ કરી એ કાબેલિયત ધરાવતો થઈ ગયો. અમોલ એ મુંબઈના પરેલ વિસ્તારમાં રહેતા ઉચ્ચ મધ્યમવર્ગના મહાજન દંપતી મહાદેવ અને શિલ્પાનું એકમાત્ર સંતાન. પુત્રના લક્ષણ પારણામાં એ નાનપણમાં જ કળી જઈને મહાજન દંપતીએ અમોલના હૈયામાં ડોક્ટર બનવાનું સ્વપ્ન વાવી દીધું જે અંકુરિત થઈ વૃક્ષ બની આજ સત્ય સાબિત થયું હતું. ડો. ઉર્વીશનું મોસાળ પણ એ જ વિસ્તારમાં હોવાથી મહાદેવ અને ઉર્વીશ એકમેકને બાળપણથી જ ઓળખતા હતા અને એમાંય જયારે ઉર્વીશે ડોક્ટર બની પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી એ જ રીતે મહાદેવે પોતાના સંતાન અમોલ થકી પોતાની આઈડેન્ટીટી ઉભી કરવામાં સફળતા મેળવી હતી. ડો. ઉર્વીશને જ નિસરણી બનાવી મહાદેવે અમોલને ઉચ્ચ શિખરે પહોંચવાનું લક્ષ્ય પાર પાડવામાં મદદ કરી. ડો. ઉર્વીશના સાનિધ્યમાં અમોલ ઘણું શીખ્યો હતો અને ડો. ઉર્વીશે એને એક કાબેલ ડોક્ટર બનાવવાની સાથે પોતાના જમાઈ બનાવવાના સપના પણ સેવી રાખ્યા હતા.
@@@@
કમિશનર રાણા મારતી ગાડીએ પોતાની ટીમ સાથે માનગઢ આવી પહોંચ્યા હતા. આવતાવેત જ એમની ટીમ સાથે એમણે દરેક હાજર વ્યક્તિની પૂછપરછ કરી અત્યારે કલ્યાણીદેવી સાથે હોટેલના ગાર્ડનમાં બેઠા હતા.
"બા સાહેબ, આ કેસ વ્યક્તિગત રીતે મેં મારા હાથમાં લીધો છે. હજી તો લગ્નની શરણાઈના સુર નથી શમ્યા ત્યાં આવી ઉપાધિ આવી પડી એ જાણી મને ખેદ છે અને હું તમને બાંહેધરી આપું છું કે હું મારી બનતી કોશિશ કરી ઈશ્વાને જ્યાં હશે ત્યાંથી શોધી કાઢીશ."
"એટલે જ તો મેં તમને અહીં બોલાવ્યા છે કમિશનર સાહેબ, અમારી પુત્રી જેવી પુત્રવધુને શોધવાની જવાબદારી તમારી. અમે પણ પૂરતો સહકાર આપીશું અને આ વાત છાપે ન ચડે એ જોવાની જવાબદારી પણ તમારી. રાઠોડ પરિવારની આબરૂ ઉઘાડેછોગ ઉછળે એ હું નહીં સાંખી શકું." કલ્યાણીદેવીની ઉદાસ આંખોમાં ક્રોધભરી રતાશ ઉપસી આવી.
@@@@
નીરુ અને સુજન હજી દસ બાર ડગલાં આગળ વધ્યા જ હશે ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો...
"ની.......રુ.... સુજ....ન....."
કોણ હાક પાડી રહ્યું છે એ જોવા બેય ભાઈ પાછળ ફર્યા અને સામેથી દોડતી આવી રહેલી વ્યક્તિને જોતાં જ બેયના પગ થાંભલાની જેમ ખોડાઈ ગયા.
આવનાર વ્યક્તિ બીજુને પોતાના બંને હાથોમાં ઊંચકીને આવી રહી હતી એ જોઈ બંને ભાઈ ક્ષણનોય વિચાર કર્યા વગર દોડ્યા. એમને આવતાં જોઈ એ વ્યક્તિએ બીજુને નદીની રેત પર હળવેથી સુવડાવી.
"સું થ્યું સે બીજુને.... બીજુ.... બી....જુ...." નીરુએ બીજુને બાવડે ઝાલી બેઠી કરવાનો પ્રયત્ન કર્યો પણ બીજુનું ઠંડુ પડી ગયેલું શરીર એનામાં ચેતના ન હોવાનું દર્શાવી રહ્યો હતો.
"બી......જુ........" નિશ્ચેતન પડેલા બીજુના દેહ આગળ બેસી બંને ભાઈઓએ પોક મુકી.
ક્રમશ: