Rahasyamay Aagaman in Gujarati Short Stories by Dr. Nilesh Thakor books and stories PDF | રહસ્યમય આગમન

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

રહસ્યમય આગમન

રહસ્યમય આગમન

                “શું કામ એને હેરાન કરે છે? એમાં સ્વરા નો શું વાંક? આજ પછી સ્વરા ને હેરાન ના કરતી, હું સ્વરા ની રક્ષા કરીશ હવે.” કાળમીંઢ રાત્રિએ અગાશી પર સંવાદો આકાર લઈ રહ્યા હતા.   

                                ***********************

        આજે તો સ્વરા એ નક્કી જ કરી લીધું હતું, કે હવે રાત્રે જે પણ આવી ને બારણે ટકોરા મારે છે એને બારણું ખોલી ને પકડી જ પાડવું. આ શું ? રોજ રોજ રાત થઈ નથી કે બારણે ટકોરા ? આખો દિવસ સ્વરા નો ઉચાટ માં રહ્યો  અને કાળમીંઢ રાત્રિ આવી ગઈ. રાત્રિ ની નીરવ શાંતિ માં ખલેલ પહોંચાડતો તમરા નો અને દૂર થી કૂતરા ના ભસવાનો અવાજ રાત્રિને વધુ બિહામણી બનાવી રહ્યો હતો.

        ફરી પાછી એ જ ક્ષણ આવી ગઈ જેનો સ્વરા ને ડર લાગતો અને જ્યારે રાત્રે બારણે ટકોરા પડતાં, પણ આજે તો મન માં રહેલી બધી જ હિમ્મત જ એકઠી કરી લીધી હતી. રાત્રિના 2 વાગી ચૂક્યા હતા, હજુ સુધી કોઈ બારણે આવ્યું નહોતું, હવે આંખો ઘેરાઈ રહી હતી ને ઘેરાયેલી આંખ ને ક્યારે નિંદર લાગી ગઈ એની સ્વરા ને ખબર જ ના રહી!

        અચાનક બારણે ટકોરા પડ્યા અને ઝડપ થી કોઈ અગાશી માં જઈ રહ્યું હોય એવું લાગ્યું. એક પણ નો પળ વિલંબ કર્યા વગર સ્વરા એ બારણું ખોલ્યું, પણ બારણે કોઈ જ નહોતું. આટલી ભેંકાર રાત્રે અગાશી માં એ પગલાં ની પાછળ પાછળ એકલા જવાની સ્વરા માં હવે હિમ્મત નહોતી, આમેય પોતાના ફ્લેટ ના પાંચમા અને છેલ્લાં મજલા ના બીજા 3 ઘર સદાય બંધ રહેતાં, એમાંય સ્વરા ની સામે વાળો ફ્લેટ નો દરવાજો અજીબ રીતે બંધ કરેલો હતો, લાલ દોરા ધાગા અને કંકુ થી ખરડાયેલો હતો.  રૂમ નંબર 501 માં એકલી જ રહેતી સ્વરા  હજુ બારણું બંધ કરી ને બેડરૂમ માં આવી જ હતી કે રસોડામાંથી કોઈ વાસણ નીચે પાડવાનો અવાજ! હાંફળી ફાંફળી થતી સ્વરાએ રસોડામાં આવીને જોયું તો બધુ એમ નું એમ જ હતું, સ્વરા મન નો વહેમ માનીને પોતાની જ જાત ને દિલાસો આપી રહી હતી.      

રોજ નો આ ક્રમ હતો, બીજા દિવસે પણ હજુ સ્વરા ની આંખ મીંચાઇ જ હતી કે ફરી પાછા એ જ ટકોરા.

“ કોણ ?” આટલી રાત્રે કોણ હશે? સ્વરા મનોમન બબડી. મન માં થયું કે નીચે રહેતા કમળા બા ને ઉઠાડું પણ આટલી રાત્રે સ્વરા ને એ મુનાસિબ ના લાગ્યું.

        હજુ ફરી જરા આંખ મીંચાઇ કે ફરી બારણે ટકોરા. ને સાથે સાથે રસોડા માંથી વાસણ પાડવાનો અવાજ! ગભરાયેલી સ્વરા ઊભી થઈ ને દબાતાં પગલે રસોડા માં આવી, જોયું તો રસોડા ની બારી પવન ના લીધે ખુલી ગયેલી હતી જેને વાસી ને ફરી આવી આંખ મીંચવા મથામણ કરી રહી હતી પણ આજે ઊંઘ નહોતી આવી રહી, હજુ સહેજ આંખ મીંચાઇ કે જોયું તો કોઈ કાળો પડછાયો તેની સામે ની દિવાલ પર ફરી રહ્યો હોય એવું લાગ્યું. સ્વરા ને  છાતી પર ભાર લાગ્યો, હ્રદય ના ધબકારાનો સ્પષ્ટ આવાજ સાંભળી રહી હતી, પલંગ માં થી બેઠી થવા પ્રયત્ન કરી રહી હતી પણ કોણ જાણે આજે પોતાના શરીર ને હલાવવા પળ વાર માટે અસક્ષમ બની ગઈ હતી, બળ કરી ને જેવી ઊભી થઈ ને લાઇટ ચાલુ કરી કે રૂમ માં કોઈ નહીં. ભ્રમ થયો કે સાચે એવું થયું ? સ્વરા કળી ના શકી. હજુ આંખ સહેજ ઘેરાઈ કે જાણે પથારીમાંથી કોઈ એને ઉપર ખેંચી રહ્યું છે એવું લાગ્યું. અચાનક આંખો ખોલી તો જોર થી પથારીમાં પોતે પછડાઇ હોય એવો ભાસ થયો. પોતે સપનું જોઈ રહી હતી કે એવી ઘટના એ આકાર લીધો?  શરીર ધ્રુજી રહ્યું હતું. ખુલી આંખો એ જેમ તેમ સ્વરા એ રાત વિતાવી અને રાતે જ નક્કી કરી લીધું કે હવે આ ઘર માં નથી રહેવું. પણ ત્યાં જ પોતાના ઘર ની પાતળી પરિસ્થિતી નો વિચાર આવી ગયો.

        ઘરે મમ્મીની આંગણવાડીની નોકરી અને પપ્પા ની છૂટક મજૂરી કરતાં હતા. ઘરની સઘળી જવાબદારી સ્વરા ની મમ્મી નિભાવી રહી હતી.  જેમતેમ કરી ને નર્સિંગ નો કોર્સ પૂરો થઈ ગયેલો એટલે ઘર ની પાતળી પરિસ્થિતી માં થોડી મદદ મળી રહે એ હેતુ સ્વરા શહેરમાં સરકારી હોસ્પિટલ માં હંગામી સ્ટાફ નર્સ જોડાઈ હતી અને કાયમી સ્ટાફનર્સ ની સરકારી નોકરી માટે તૈયારીઓ કરી રહી હતી. હવે જો ફરી ઘર બદલવાનું થાય તો ફરી પાછું એડવાન્સ ભાડું કે ડિપોઝિટ ની વ્યવસ્થા થાય તેમ નહોતી, જેમ તેમ કરી ને થોડા મહિનાઓ તો આ જ ઘર માં રહેવા મન મક્કમ કરી લીધું.

        જ્યારે પણ મન ઉદાસ હોતું, સ્વરા નીચે રહેતા કમળા બા ને મળી આવતી. કમળા બા માં પોતાની મમ્મી જેવો સ્નેહ અનુભવતી. કમળા બા હંમેશા હિમ્મત આપતાં. પહેલા રહેતા અર્ચનાબેન ની વાતો કરતાં, અર્ચનાબેન પણ સ્વરા ની જેમ કમળા બા જોડે ભળી ગયા હતા.

                                ***********************

        જ્યારે પણ સ્વરા ફ્લેટ માં આવતી ત્યારે નીચે રહેલા લોકો વિચિત્ર નજરે સ્વરા ને જોઈ રહેતા. ટોળે વળેલી મહિલાઓ ની ત્રુટક ત્રુટક વાતો પણ સ્વરાના કાને પડતી.

 

“ અરે આ , ત્રીજી છોકરી પાંચમા માળે ફ્લેટ નંબર 501 માં રહેવા આવી, જો જો  આ પણ ભાગી જ જશે.”

“ અરે આ 503 ના માલિક નો સ્વભાવ જ ક્યા સારો હતો ? જોયું નહોતું પેલીએ ભાડું નહોતું આપ્યું તો એ ને પરીક્ષા ના આગલા દિવસે જ ઘર ખાલી કરવાનું કહ્યું હતું.”

“ અરે એ તો સારું છે કે એ છોકરી એ પોતાના ઘરે જઈ ને આત્મહત્યા કરી જો અહી કરી હોત તો

 503 ના માલિક નું આવી જ બન્યું હોત.”

“ લાગે એ છોકરી જ હવે પાંચમા માળે કોઈ ને રહેવા નથી દેતી.”

                                ********************

        રાત્રિ ના 2 વાગ્યા હતા. સ્વરા એ ઝડપ થી દરવાજો ખોલ્યો અને રાત ની નીરવ શાંતિ વચ્ચે ધીમા પગલે અગાશી માં જઈ રહી હતી, ધીમે ધીમે એ આગળ વધી રહી હતી, અચાનક જાણે આંખ ખૂલી હોય એમ ભાનમાં આવી જોયું તો પોતે આગાશી ની પાળી પર ચઢી ને ધાર પર ઊભી હતી, એક જ ડગલું અને સ્વરા નીચે જ પડવાની હતી. સ્વરા હેબતાઈ ગઈ. ક્યારે પોતે અગાશી માં આવી એનો સ્વરા ને ખ્યાલ જ ના રહ્યો, જાણે કોઈ અદ્રશ્ય શક્તિ સ્વરા ને ખેંચી રહી હતી. ગભરાયેલી સ્વરા ઝડપ થી પોતાના ફ્લેટ માં આવી બેડ માં લપાઈ ગઈ. સ્વરા ને આજે લાગ્યું કે સામે રહેલું ઘર શ્રાપિત છે તેના લીધે જ આવું થઈ રહ્યું છે. પરસેવા થી રેબઝેબ સ્વરા ના પગ ધ્રુજી રહ્યા હતા. પહેલી સેલરી આવતા જ કોઈ પણ ભોગે હવે આ ઘર ખાલી કરી ને હોસ્ટેલ માં જતાં રહેવાનું સ્વરા એ મનોમન નક્કી કરી લીધું.

                                ****************************

        સ્વરા ની રાત્રિ હમેશા ભય માં પસાર થતી. રાત્રિ ના બાર વાગ્યા હતા, રૂમ ની તમામ લાઇટ ચાલુ રાખી ને સ્વરા બેડ માં લપાઈ ગઈ હતી, કોઈ પણ અવાજ પ્રત્યે દુર્લક્ષ સેવવાનું હવે સ્વરા એ નક્કી કરી લીધું હતું, પણ ત્યાં જ બારણે ટકોરા પડ્યા. રોજ રાત્રે 2 વાગ્યા પછી આવતો આવાજ આજે જરા વહેલો આવી રહ્યો હતો, પહેલાં તો સ્વરા એ ધ્યાન ના આપ્યું પણ કોઈ બારણાં પાછળ થી એને બોલાવી રહ્યું હોય એવું લાગ્યું. સ્વરા એ બારણું ખોલ્યું.

“ સોરી, તમને ડિસ્ટર્બ કર્યા, પણ ફ્લેટ ની લાઇટ જોઈ તો ઘર જોવાનું મન થઈ ગયું, હું પહેલાં અહી જ રહેતી હતી. “
“ પણ તમે ?” સ્વરા આટલી રાત્રે આવેલા મહેમાન ને નવાઈ પૂર્વક જોઈ રહી હતી.

“ હું અર્ચના, અહી થી પસાર થઈ હતી તો વિચાર્યું કે ઘર માં એક નજર મારી ને જાઉં. ઘણી યાદો મારી આ ઘર સાથે જોડાયેલી છે. જ્યારે પણ અહી થી પસાર થાઉં છું ત્યારે ત્યારે મને અહી આવાનું મન થાય છે, ફ્લેટની લાઇટ ચાલુ જોઈ તો આજે આવી ગઈ. મારી ફ્લાઇટ થોડી લેટ હતી, બસ આ એરપોર્ટ થી ગામડે જઈ રહી હતી, એટલે આટલું મોડુ થયું.”

“ અરે અરે, અર્ચના બહેન આવો આવો! આજે જ આવ્યા અમેરિકા થી ? બહુ વાતો સાંભળી તમારી કમળાબાના મોઢે. તમારું જ ઘર સમજો. બેસો હું ચા બનાવું આપના બંને માટે.”

        અર્ચના બહેન આવતાં જ આખા ઘર માં ફરી વળ્યા. એક એક રૂમ માં જાણે પોતાની યાદો ને ફરી જીવી રહ્યા હતા. અમેરિકા જતાં પહેલા આ ઘર ને વેચવું નહોતું પણ હવે બહુ આવાનું નહીં થાય એ વિચારે અને ભારે હ્રદયે આ ઘર ને વેચ્યું હતું.  
“ અહી ગેલેરી માં કબૂતર આવતાં હશે, હું એમને રોજ ચણ આપતી, તમે આપજો.” અર્ચનાબેન એ ગૅલૅરી માં ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા.
“ હા અર્ચનાબેન, રોજ એમને ચણ આપું છું ને જુઓ આ તમારી આપેલી તુલસી અહી રસોડા ની ગૅલૅરી માં છે એને રોજ હું પાણી આપું છું, કમળાબા આપી ગયા હતા.” સ્વરા રસોડા માં ચા બનાવતાં બનાવતાં અર્ચનાબેન સાથે સંવાદ સાધી રહી હતી.
“લો અર્ચનાબેન આ ચા તૈયાર!” સ્વરા જોયું તો અર્ચનાબેન અગાશીમાંથી ઉતરી રહ્યાં હતા.
        અર્ચનાબેન એ આવતાં જ સ્વરા ને પૂછી લીધું ?
“તમને અહી કોઈ તકલીફ તો નથી ને ? સાચું બોલ જો કોઈ હેરાન કરે છે તમને ?”

“ શું કહું અર્ચનાબેન?” સ્વરા નો સ્વર ખચકાટ ભર્યો હતો હજુ એ આગળ એ સંવાદ પૂરો જ કરવા જતી હતી કે અર્ચનાબેને અટકાવી.
“ ચિંતા ના કરો, હવે કોઈ તમને હેરાન નહીં કરે. હવે કોઈ તકલીફ નહીં પડે.” અર્ચનાબેન આશ્વાસન આપી રહ્યાં હતા.
        વાતો વાતો માં ક્યાં સમય ગયો એનો સ્વરા ને ખ્યાલ ના રહ્યો. જેવી એ અર્ચનાબેન ને વળાવી ને આવી ને જોયું તો આર્ચનાબેન ની ચા એમની એમ રહી હતી. વાતો વાતો માં અર્ચનાબેન ચા પીવાનું જ ભૂલી ગયા.

                                        ******************

        સ્વરા હવે ખુશ હતી, હવે કોઈ રાતે હેરાન નહોતું કરતું. જેવી પોતાના ફ્લેટ ની સીડીઓ ચડી રહી હતી કે કમળા બા નો ભેટો થઈ ગયો.

“ અરે કમળાબા, અર્ચનાબેન આવી ને ગ્યાં, એમની ફ્લાઇટ લેટ હતી તો રાત્રે આવ્યા હતાં. બહુ વાતો  કરી એ રાતે અમે. તમને પણ બહુ યાદ કર્યા એ દિવસે!”

        કમળાબા સીડીઓ ચડી ને જતી સ્વરા ને ફાટી આંખે ને મૂક મને જોઈ રહ્યાં. એમની નજર સામે અર્ચનાબેન નો એમના બેસણા ના દિવસે હાર ચઢાવેલો ફોટો નજર સમક્ષ તરવરી રહ્યો હતો.
અર્ચનાબેનનું તે દિવસે રાત્રે અમેરિકા થી પાછાં આવીને એરપોર્ટ થી ઘરે જતાં એક ગોઝારા કાર અકસ્માત માં મૃત્યુ થયું હતું.

 

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર