મોટી બા (મોટી મમ્મી)
(એક નૈતિક કથા)
કામિની સખત તાવમાં તપી રહી હતી અને અગાશીમાં બેસીને ચૂપચાપ નજરે કુણાલને જોઈ રહી હતી, જે બાજુના છજામાં ચઢીને પતંગ ઉડાડી રહ્યો હતો. કામિની કુણાલને કહેવા ઈચ્છતી હતી કે, 'બેટા, સંભાળીને ઉડાડજે, ક્યાંક પતંગના ચક્કરમાં પડી ના જવાય અને તકલીફ ના આવી જાય.' પરંતુ કુણાલની મમ્મી કિરાતીના ડરને કારણે કંઈ જ કહી ના શકી. કિરાતી તો કામિનીને હંમેશાં પોતાની ઓલાદથી દૂર રાખતી હતી કારણ કે
કામિની વાંઝિયણ હતી. કિરાતી એ કામિની જ નાની બહેન અને શોક્ય પણ હતી.
કામિની એ પોતે જ વસ્તારના મોહમાં તેના પતિ કૌશલને બળજબરી કરીને પોતાની જ નાની બહેન કિરાતિ સાથે લગ્ન કરી લેવા માટે રાજી કર્યો હતો.
કૌશલ તો કિરાતી સાથે લગ્ન કરવાની બાબતે કામિનીની વાતનો સતત વિરોધ જ કરી રહ્યો હતો, પરંતુ કામિની એકની બે થવા માગતી ન હતી. તેણીની કૌશલને કહેતી હતી કે, "હું ક્યાં કોઈ અજાણી વ્યક્તિ સાથે લગ્ન કરવા માટેની વાત કરી રહી છું, મારી પોતાની મા જણી બહેન છે અને મારાથી પુરા છ વર્ષ નાની છે. મને દીદી દીદી કહેતાં તો એ થાકતી નથી. તમે જ જોઈ લેજો કે અમે બન્ને બહેનો ઘણા જ પ્રેમથી હળી-મળીને રહીશું. તમને તમારો વારસદાર મળી જશે તથા મને તો મારી જ ઓલાદની મમતાનું સુખ."
આમ, એક જ ઘરમાં અને તે પણ એક જ પુરુષ સાથે બે બહેનોનું લગ્ન એટલે બાવળ વાવી કેરી જેવા મીઠા ફળની અપેક્ષા રાખવા જેવી વાત કહેવાય. આમ કિરાતિના લગ્ન બાદ થોડો સમય માટે બધું સમુંસૂતરું ચાલ્યું. પરંતુ આ પછી ધીમે-ધીમે કિરાતિનો કામિની તરફના વહેવાર બદલાવા લાગ્યો. તેણીની કામિનીને એક કામવાળી બાઈ હોય એમ જ સમજતી હતી.
પુરુષ ગમે તેટલો સારો હોય પણ તે સ્ત્રીના લાવણ્યની સામે પોતાની હાર સ્વીકારી તેનો ગુલામ બની જતો હોય છે. એક તો કામિની
ની ખૂબસૂરતી, તેની બાલી ઉંમર તેમજ ફાટ ફાટ થતું યૌવન કૌશલને પોતાની માયાજાળ માં લપેટતું ગયું અને કૌશલ તેની પાછળ પાગલ થયો.
તો બીજી તરફ કામિની તો વિડંબનાઓના ઓથાર હેઠળ અંત્યંત ઝડપથી વૃદ્ધત્વ પ્રતિ ઢળવા લાગી હતી.
જેવી ખબર પડી કે કિરાતી ગર્ભવતી છે તો કૌશલ તરત જ તેનું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યો. આ તરફ હવે કિરાતીનાં નખરાંનો કોઈ પાર નહોતો. પરંતુ કામિનીને તો માત્ર એના બાળકની ઈન્તેજારી છે જેના આવતાં જ તે પોતે મમ્મી એટલે કે મોટી મમ્મી બની જશે.
થોડાક દિવસો બાદ કિરાતીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. દીકરાનું નામ કુણાલ રાખવામાં આવ્યું. કુણાલના જન્મ સાથે જ કિરાતીએ અડોશપડોશની સ્ત્રીઓની વાતોમાં આવી જઈને કામિનીને તેને આડવા પણ નહોતી દેતી. બાળકને કોઈ તકલીફ થાય તો પડોશમાં પૂછતી. પોતાની મા જણી બહેન છે તેની જ મોટીબહેન છે જે તેને હવે તે દુશ્મન લાગી રહી હતી. તેણીને એવું થતું હતું કે એક વાંઝિયણની નજર મારા દીકરા પર ના પડે.
ત્યાં જ મોટી મમ્મી, મોટી મમ્મી એવી કારમી ચીસ સાંભળી કામિનીમાં એક નવી ચેતનાનો સંચાર થયો, કારણ કે તાવ આવેલો હોવાથી તેણીની અચેતન અવસ્થામાં વિચારોના એ વૃંદાવનમાં ડૂબીને સૂતેલી હતી. જેવી કુણાલ ની ચીખ સાંભળી તેવી તે બેબાકળી બનીને ભાગી. જોયું તો કુણાલ પતંગને ઉડાડતાં ઉડાડતાં છજામાંથી પડી ગયો હતો અને તેના માથામાં ગંભીર ચોટ આવી હતી. કામિની તેને પોતાની ગોદમાં ઉપાડીને, પોતાની સાડીના પાલવમાં લપેટી હોસ્પિટલ તરફ ભાગી.
હોસ્પિટલમાં પહોંચતાં જ ડોક્ટરે જણાવ્યું કે લોહી ઘણું નહીં ગયું છે. કુણાલને લોહીની સખત જરૂરિયાત છે, ઘણી ઝડપથી લોહીની વ્યવસ્થા કરવી પડશે. કોઈનું લોહી કુણાલના લોહી સાથે મળતું આવતું નહોતું.
કામિનીએ રડતાં રડતાં ડોક્ટરને જણાવ્યું, " દાક્તર સાહેબ, મારું લોહી મેળવી જુઓ, જરુર મળી જશે. હું એની મોટી માં છું." અને એમ જ થયું. કામિનીનું લોહી કુણાલના લોહી સાથે મળી ગયું. ધીમે ધીમે કુણાલની હાલતમાં સુધારો થવા લાગ્યો.
આ બાજુ કિરાતી પોતે પોતાની ભૂલભરેલી ગેરસમજ માટે સ્વ-દોષ ભાવથી હિજરાઈ રહી હતી. તેણીની રડતાં રડતાં મોટી બહેનની માફી માગતાં કહેવા લાગી, "દીદી, મને માફ કરી દો, હું કેવી ખરાબ છું આજદિન સુધી તમને ઓળખી ના શકી.
પરંતુ કામિનીએ તરત જ તેના મોંઢા પર હાથ દેતાં કહ્યું, "મારી બહેન, તું શું માને છે, કુણાલ માત્ર તારી જ ઓલાદ છે! અલી, એ તો ફૂલ છે જે તારી કુખે જન્મ્યું, પરંતુ એની મહેક તો મારા રોમ રોમમાં પથરાયેલી છે."
આટલું કહેતાં જ બન્ને બહેનો એકબીજાને ભેટી પડી, કારણ કે તેઓ બન્નેનો સંબંધ બે બહેનો કે શોક્ય કરતાં પણ ઘણો ચઢિયાતો એક દર્દભરી લાગણીનો અતૂટ સંબંધ હતો.
****************************
Mahendra Amin 'mrudu'
Bushnell Florida (USA)
****************************
09/02/2023, Saturday at 22:06