વરદાન કે અભિશાપ (ભાગ-૧૫)
(વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું હતું. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. મણિબા મનમાં ને મનમાં વિચારતા હતા કે હવે તેમના નાના દીકરા કમલેશના લગ્ન થઇ જાય. કમલેશ માટે તેઓ દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. ધનરાજભાઇ અને મણિબેન જે વાત આજે જોવાના હતા. એ પહેલા તેઓ નરેશ અને સુશીલાએ તેના સગામાં જે વાત બતાવી હતી તે જોવા ગયા હતા. કમલેશને તે છોકરી બહુ જ ગમી હતી અને તે સુશીલાના બેનના ઘરની સામે જ રહેતા હતા જયાએ કમલેશને તે છોકરી થોડી જાડી લાગતી હોવાની વાત કરી વાત પડતી મૂકવા કહ્યું હતું. પણ હકીકતમાં તે છોકરી જાડી જ નહતી. પણ કમલેશે જયાની વાત માની આખરે તે છોકરીને ના પાડી દીધી. હવે પ્રશ્ન એ હતો સગાઇ કરવાની જ હતી અને તેના આગલા દિવસે કમલેશે છોકરી સાથે સગાઇ કરવાની ના પાડી દીધી. હવે આગળ............)
સુશીલાએ જે વાત બતાવી હતી તે વાત તો હવે તૂટી ગઇ હતી. એ પછી પૂરા એક વર્ષ બાદ ધનરાજભાઇ, મણિબેન, નરેશ અને કમલેશ બીજી છોકરી જોવા માટે દૂર જાય છે. ગામડામાં રહેતી તે છોકરીનું ઘર ઘણું નાનું હતું. છોકરીવાળાના ઘરમાં ધનરાજભાઇના ઘરે જે સુખ-સુવિધાઓ હતી તેમાંથી સાવ નજીવી વ્યવસ્થા તેમના ઘરે હતી. એ પછી છોકરીને બોલાવવામાં આવે છે. છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને નામ તેનું પુષ્પા. મણિબેન અને ધનરાજભાઇને છોકરી ગમી જાય છે. કેમ કે દેખાવમાં સારી હોય છે અને ગામડાની એટલી બહુ ગતાગમ નહિ પડે એમ વિચારીને તેઓએ મનમાં મનમાં તેને પસંદ કરી લીધી હતી, પરંતુ કમલેશને છોકરી કંઇ ખાસ પસંદ આવતી નથી. તે પછી તો તેઓ છોકરી જોઇને ઘરે આવે છે. રસ્તામાં જ મણિબેન તેને પૂછે છે કે,‘‘તને છોકરી પસંદ આવી?’ જવાબમાં કમલેશ ના પાડે છે. મણિબેન તેને ફોસલાવીને, સારી-સારી વાત કરીને આ છોકરી સાથે લગ્ન કરવા મનાવી લે છે પણ કમલેશનું મન આ વાત માટે માનતું નથી. આખરે તે મા ની ઇચ્છાને માન રાખી તે છોકરીને હા પાડી છે. આ બાજુ છોકરીવાળા તરફથી પણ હા આવી જાય છે.
આખરે કમલેશ અને પુષ્પાના લગ્ન લેવાનું નકકી થાય છે. તો પણ કમલેશના મનમાં તે છોકરી માટે કોઇ લાગણી જ ન હતી. તે ફકત ને ફકત તેની મા ના કહેવાથી જ તેની સાથે લગ્ન કરતો હતો. મૂર્હુત નીકળી ગયું હતું. કંકોત્રી પણ છપાઇ ગઇ હતી. આ વખતે આયોજન નરેશ અને સુશીલા કરવાના હતા. લગ્નનની તૈયારીઓ તો ધામધૂમથી ચાલતી હતી. તૈયારીમાં ને તૈયારીમાં નરેશ અને સુશીલા એ વાતથી અજાણ હતા કે તેમના જીવનમાં પણ હવે ફટાકડાની માફક બોમ્બ ફૂટવાના હતા અને તેનું સ્વરૂપ બહુ જ ભયંકર હશે અને એક ઘટના તેમની સાથે બનવાની હતી જે તેમના જીવનના નિયમો જ બદલવાની હતી.
(શું કમલેશના લગ્ન શાંતિથી સંપન્ન થશે કે પછી કોઇ વિઘ્ન તેમની રાહ જોઇને બેઠું છે? નરેશ અને સુશીલાના જીવનમાં શેનું સંકટ મંડરાવાનું છે?)
(વધુ આવતા પ્રકરણે ભાગ-૧૬ માં)
- પાયલ ચાવડા પાલોદરા