૨. ખૂની નાટક
રોયલ કેસિનો... ! વિશાળગઢના ધોબીઘાટ વિસ્તારમાં આવેલાં મામૂલીથી માંડીને ઉચ્ચ સ્તરનાં જુગાર રમાતા હતા. ત્યાં હંમેશા ગુંડા-મવાલીઓની ભીડ રહેતી હતી.
બપોરનાં એક વાગીને ઉપર પાંચ મિનિટ થઈ હતી. કેસિનોમાં હંમેશની માફક ભીડ હતી. એ જ વખતે દિલીપ અંદર પ્રવેશ્યો. અત્યારે એ પોતાનાં પૂર્વ પરિચિત વસ્ત્રોમાં સજ્જ હતો. લાંબો- કાળા કલરનો ઑવરકોટ, અને મસ્તક પર ફેલ્ટ હેટ... ! અલબત્ત, એનો ચહેરો ક્લિન શેવ્ડ હોવાને બદલે દાઢી-મૂંછવાળો હતો. કેસિનોમાં ઘૂસતાં જ એણે સ્ટાફના એક માણસને પકડ્યો.
‘ચીનુ ક્યાં છે...?’ એ રીઢા ગુંડા જેવા અવાજે બોલ્યો. ‘ચીનુ... ?’ સ્ટાફનો કર્મચારી હેબતાયો, ‘કોણ ચીનુ... ?’ જવાબમાં દિલીપે ગજવામાંથી એક ફોટો કાઢીને તેને બતાવતાં કહ્યું, ‘આ છે ચીનુ... ! તે અહીં જુગાર રમવા માટે આવ્યો છે, એવું મને જાણવા મળ્યું છે... !'
‘અહીં તો ઘણાં લોકો જુગાર રમવા આવ્યા છે સા' બ... !' કર્મચારી પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘આમાંથી કોઈ ચીનુ છે કે નહીં, એની મને શું ખબર પડે... ?'
‘ઠીક છે... !’ દિલીપનાં અવાજમાં આદેશનો સૂર હતો, ‘હું અહીં ઊભો છું. તું તેને શોધીને તાબડતોબ અહીં, મારી પાસે હાજર કર... !'
'તમે પોતે જ એને શા માટે નથી શોધી લેતા સા'બ... !'
‘હરામખોર... !' દિલીપે દાંત કચકચાવીને એનો કાંઠલો પકડી લીધો, ‘મારા હુકમનું પાલન કરવાને બદલે ઉલ્ટું સામો હુકમ કરે છે...? શંકરને હુકમ છોડે છે...?'
'મ...મ...મેં શું હુકમ છોડ્યો છે સા'બ...?'
‘નાલાયક, જીભાજોડી કરે છે... ?' કહેતાં કહેતાં દિલીપે તાબડતોબ એનાં મોં પર બે તમાચા ઝીંકી દીધો.
બંને તમાચા એટલાં જોરદાર હતા કે એ માણસ પોતાના સ્થાને જ ઊભો ઊભો બે-ત્રણ ફૂદરડી ફરી ગયો. સાથે જ એના મોંમાંથી તીણી ચીસ પણ નીકળી ગઈ.
એ જ પળે એના પેટ પર દિલીપના ઘૂંટણનો પ્રહાર થયો. આ વખતે એનાં મોંમાંથી કાળજુ કંપાવતી ચીસ નીકળીને કેસિનોના એક છેડાથી બીજાં છેડા સુધી ગુંજી ઊઠી.
દિલીપનો ચહેરો હવે રોષથી ભભૂકી ઊઠ્યો હતો. એનાં હાથ- પગ સ્ફૂર્તિથી ફરીને લાત તથા મુક્કાના રૂપમાં એ શખસના દેહ પર ઝીંકાતા હતા. સાથે જ એ જોર જોરથી બૂમો પણ પાડતો હતો, ‘હરામખોર... ! ચીનુને શોધવામાં તારી નાની મરી જાય છે...! હું એને પકડીને અહીં નથી લાવી શકતો... ?’
આ ધમાચકડીથી કેસિનોમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. લોકો જુગાર રમવાનું પડતું મૂકીને એ બંનેની આજુબાજુમાં એકઠા થઈ ગયા.
દિલીપ હજુ પણ કર્મચારી પર લાત-મુક્કાનો વરસાદ વરસાવતો બરાડા પાડતો હતો, ‘તે મારા હુકમનો અનાદર કર્યો... ? આ શંકરનાં હુકમનું પાલન ન કર્યું...? નાલાયક, હવે હું જે હાલત ચીનુની કરવાનો છું, એ જ તારી કરીશ... ! હું તને વગર ટિકિટે યમરાજના દરબારમાં પહોંચાડીશ... !'
એ જ વખતે ભીડમાંથી એક માણસ આગળ આવ્યો. તે ભારે ભડકમ દેહનો માલિક હતો. એનાં માથાં પર સમ ખાવા પૂરતો પણ વાળ નહોતો. ચહેરા પરથી જ તે છાપેલ કાટલાં જેવો બદમાશ દેખાતો હતો. આગળ આવ્યા બાદ એણે હવામાં વિંઝાયેલો દિલીપનો હાથ પકડી લીધો. અને પછી બીજાં હાથે ગજવામાંથી આઠ ઇંચનાં ફણાંવાળી સ્ટીલની લાંબી, ચમકતી છૂરી કાઢતાં જોરથી ગર્જી ઊઠ્યો,
'કોણ છે તું... ?’
‘શંકર... ! મારું નામ શંકર છે... !' દિલીપ એનાં હાથમાં ચમકતી છૂરીની જરા પણ પરવાહ કર્યા વગર બોલ્યો.
'મને શા માટે શોધે છે... ?'
'મેં તારા નામની સોપારી લીધી છે... !'
'સોપારીનો મતલબ સમજે છે ને...?'
'તને યમલોકમાં પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ... !'
‘મ...મારા નામની સોપારી……. ?' ચીનુએ કઠોર અવાજે પૂછ્યું, કોણે આપી... ?' કયા કમજાતનું આવી બન્યું છે કે મારા મોતનો કોન્ટ્રાક્ટ તને આપ્યો... ?
‘શંકર ક્યારેય પોતાના ગ્રાહકનું નામ કોઈને નથી જણાવતો... ! આ મારા બિઝનેસનાં સિદ્ધાંત વિરુદ્ધની વાત છે... !'
‘બિઝનેસનાં સિદ્ધાંત વિરુદ્ધની વાત...?'
‘હા...'
‘તે કેટલામાં સોપારી લીધી છે... ?'
‘બે પેટીમાં... !'
‘બે પેટી...?’
'હા... બે પેટી એટલે ખબર નથી...? બે લાખ... !' અને તું હવે બે લાખ લઈને મારું ખૂન કરવા માટે આવ્યો છે એમને...?'
‘હા...'
‘સાંભળ્યું... ?’ ચીનુ ભીડ સામે જોઈને ખડખડાટ હસતાં બોલ્યો, ‘આ પાજી મારું... ચીનું ઉસ્તાદનું ખૂન કરવા માટે અહીં આવ્યો છે... !'
ચીનુની સાથે સાથે ભીડમાં એકઠા થયેલા લોકો પણ હસવા લાગ્યા. દિલીપનાં હાથનો સ્વાદ ચાખી ચૂકેલો કર્મચારી એક ખૂણામાં પહોંચીને ખોફભરી નજરે ઘડીક દિલીપ સામે તો ઘડીક ચીનુ સામે તાકી રહ્યો હતો.
‘હરામખોર... !' ચીનુ પોતાનાં હાથમાં જકડાયેલી છૂરીને તલવારની જેમ હવામાં આમ તેમ વિંઝતા કરડાકીથી બોલ્યો, ‘તું મારું શું ખૂન કરવાનો હતો...! હવે તો અહીંથી તારી જ લાશ અંતિમ સંસ્કાર... ભૂલ્યો, પોસ્ટમૉર્ટમ માટે બહાર નીકળશે. બેટમજી... આજે તે મારા નામની નહીં, પણ તારા પોતાના નામની સોપારી લીધી છે, એમ જ તું માની લે... ! આજે તો તું હંમેશને માટે આ દુનિયામાંથી રૂખસદ થઈ જઈશ... !' ચીનુની વાત સાંભળીને ફરીથી એકઠી થયેલી ભીડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
એ જ વખતે ચીનુનો છૂરીવાળો હાથ અધ્ધર લહેરાયો અને પછી વીજળીની જેમ ઘા ઝીંકવા માટે દિલીપ તરફ આગળ લંબાયો.
પરંતુ દિલીપે હવામાં જ ચીનુનો છૂીવાળો પકડી લીધો. ત્યાર બાદ જે બન્યું, એની તો ત્યાં મોજૂદ કોઈએ કલ્પના પણ નહોતી કરી.
ચીનુનો છૂરીવાળો હાથ પકડતાં જ દિલીપે તેને એટલા જોરથી અવળો આંચકો માર્યો કે એ સીધી ચીનુનાં પેટમાં જ ખૂંચી ગઈ. ચીનુના મોંમાંથી હલાલ થતા બકરા જેવો બરાડો નીકળ્યો. એનાં પેટમાંથી લોહીનો ફૂવારો ઊઠ્યો.
એકઠા થયેલા લોકો આ દશ્ય જોઈને આઘાપાછા થઈ ગયા.
દિલીપનો હાથ સ્ફૂર્તિથી ઓવરકોટનાં ગજવામાં પહોંચ્યો. વળતી જ પળે એનાં હાથમાં રિવોલ્વર ચમકવા લાગી. ત્યાર પછીની પળે રિવૉલ્વરમાંથી આગનાં લિસોટા વેરતી, ભીષણ શોર મચાવતી ઉપરા-ઉપરી બે ગોળીઓ છૂટી. બંને ગોળીઓ ચીનુ ઉસ્તાદનાં પેટ પર વાગી. એનાં મોંમાંથી પહેલાં કરતાં પણ વધુ મોટો બરાડો નીકળ્યો. વળતી જ પળે એનો દેહ કપાયેલાં વૃક્ષની જેમ જમીન પર ઉથલી પડ્યો.
એકાદ મિનિટ તરફડ્યા પછી એનો દેહ શાંત પડી ગયો. આખા કેસિનોમાં ભય મિશ્રિત સન્નાટો ફરી વળ્યો હતો. લોકો દિલીપની મશ્કરી કરવાનું ભૂલી ગયા હતા.
ચીનુનો ખોફનાક અંજામ તેઓ પોતાની સગી આંખે જોઈ ચૂક્યા હતા.
જ્યારે દિલીપ જાણે કશુંય ન બન્યું હોય એમ રિવૉલ્વર ગજવામાં મૂકી, ચીનુનાં મૃતદેહને ખભા પર ઊંચકીને પૂરી બેફિકરાઈથી કેસિનોમાંથી બહાર નીકળી ગયો.
કોઈએ એને રોક્યો કે ટોક્યો નહીં.
ત્યાર બાદ એણે આ જ રીતે સાંજ સુધીમાં શંકરનાં રૂપમાં વધુ ચાર ખૂનો કર્યો. એણે ભીડભરી જગ્યામાં ચાર અલગ અલગ સ્થળે ચાર બદમાશોને શૂટ કરી નાંખ્યા અને પહેલાંની જેમ ચારેયની લાશ ઊંચકીને રવાના થઈ ગયો.
'પાંચ ખૂન...! એક જ દિવસમાં પાંચ ખૂન...! અને એ પણ ભરચક વિસ્તારમાં ! દિલીપની આ હિંમતથી સમગ્ર વિશાળગઢમાં ખળભળાટ મચી ગયો. હતા. બીજાં દિવસનાં તમામ અખબારો ‘શંકર’નાં નામથી રંગાયેલા વિશાળગઢનાં એક એક ઘરમાં શંકર નામના આ અપરાધીની જ ચર્ચા થતી હતી. આવા સનસનાટીભર્યા સમાચારથી ગણપત પાટિલ અજાણ રહે, એવું તો બને જ નહીં.
એણે પણ ખૂબ ધ્યાનથી એકે એક સમાચારો વાંચ્યા હતા. એટલું જ નહીં, થોડી વાર પહેલાં ટી.વી.માં સ્થાનિક ચૅનલોએ બતાવેલાં સમાચારો જોયા પણ હતા.
સૌની એક જ માંગણી હતી.
શંકર નામનાં આ દુર્દાંત અપરાધીને તાબડતોબ પકડીને ઘટતા ફેજે પહોંચાડો... !
ઉપરોક્ત સમાચાર પછી ગણપતની આંખોમાં એક જાતની વિશેષ ચમક પથરાઈ ગઈ. એ તાબડતોબ શેરેટોન હૉટલ પહોંચીને અનવર હુસેનને મળ્યો.
‘બૉસ... !' રૂમમાં પહોંચતાની સાથે જ તે ઉત્તેજીત અવાજે બોલ્યો, ‘આપણી શોધ પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે. આપણા મિશન માટે જે અપરાધીની તલાશ હતી, તે આપણને મળી ગયો છે.’
‘તું શંકરની વાત તો નથી કરતો ને ગણપત... ?' અનવરે પોતાના હાથમાં રહેલું અખબાર ગડી કરીને સેન્ટર ટેબલ પર મૂક્યા બાદ પ્રશ્નાર્થ નજરે ગણપત સામે જોતાં પૂછ્યું.
‘હું એની જ વાત કરું છું બોસ... !' ગણપતનાં અવાજમાં પારાવાર ઉત્સાહ હતો, ‘એણે જે રીતે એક જ દિવસમાં ખુલ્લે આમ પાંચ-પાંચ જણને મોતને ઘાટ ઉતાર્યા છે, એનાં પરથી પુરવાર થઈ જાય છે કે તે એક દિલેર અને બેહદ સ્ફૂર્તિલો અપરાધી છે. એના જેવો અપરાધી જ બેલાપુરની જેલ તેડવાની હિંમત દાખવી શકે છે.'
‘તારી વાત અમુક હદ સુધી બરાબર છે... !' અનવરે સહમતિ સૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘મેં પણ હમણાં અખબારોમાં શંકર વિશે વાંચ્યું છે. આ સમાચારો વાંચ્યા પછી મારા મગજમાં પણ એ વાત ગુંજી હતી કે શંકર આપણને ઉપયોગી નિવડી શકે તેમ છે. જે અપરાધી ધોળે દિવસે જાહેરમાં એક પછી એક પાંચ ખૂન કરી નાંખે, તે કોઈ રેંજી પેજી કે સાધારણ તો ન જ હોઈ શકે... ! પણ એક મુશ્કેલી છે.'
'શું ?'
‘તું શંકરને મળીશ કેવી રીતે... ?' આ જાતનાં અપરાધીનું કોઈ ઠામ-ઠેકાણું તો હોતું નથી... !' એ બધો મારા માથાનો દુખાવો છે બૉસ... ! આવા અપરાધીઓને શોધવાનું કામ મારે માટે જરા પણ મુશ્કેલ નથી. હું હમણાં જ જઈને આખા શહેરમાં મારા સાગરીતોને શંકરની શોધ માટે રવાના કરી દઉં છું. શંકર જ્યાં હશે, ત્યાંથી ટૂંક સમયમાં જ મારી સામે આવી જશે.'
'જો એમ જ હોય તો પછી જે કંઈ કરવું હોય, તે તાબડતોબ કરી નાંખ... !' આ વખતે અનવરનાં અવાજમાં પણ ભરપૂર ઉત્સાહ હતો, ‘હું જેમ બને તેમ જલ્દીથી શંકરને બેલાપુર જેલનાં મિશન પર કામ કરતો જોવા માંગુ છું.'
‘એમ જ થશે બૉસ... !'
ત્યાર બાદ થોડી ઔપચારિક વાતો કરીને ગણપત વિદાય થઈ ગયો.
બીજી તરફ –
એ જ દિવસે સવારનાં પહોરમાં દિલીપ તથા નાગપાલની મુલાકાત થઈ. ‘અંકલ... !’ દિલીપ રહસ્યમય અવાજે બોલ્યો, ‘તમારી યોજના મુજબ હું જાળ પાથરી ચૂકયો છું. તમારી સૂચના પ્રમાણે મેં પાંચ સી.આઈ.ડી. ઍજન્ટોને અલગ અલગ જાહેર સ્થળે મોતને ઘાટ ઉતારી દીધા છે. બધાં ખૂન એટલી સ્વાભાવિક રીતે થયા છે કે ત્યાં મોજૂદ કોઈને ગંધ નથી આવી કે એ ખૂન નહીં, પણ ખૂનનું નાટક હતું. મારી રિવૉલ્વરમાં નકલી ગોળીઓ હતી અને પાંચેય ઍજન્ટોની છાતી તથા પેટ પર લોહી જેવા જ દેખાતા પ્રવાહીનાં ફૂગ્ગા બાંધેલા હતા. મારા ગયા પછી તેમનાં જીવતા હોવાનો ભેદ છત્તો ન થઈ જાય એટલા માટે મેં તેમની લાશો પણ જે તે સ્થળે નહોતી રહેવા દીધી.'
‘આ સમગ્ર નાટક તે બહુ સારી રીતે ભજવ્યું છે પુત્તર... !' નાગપાલે પ્રશંસાભર્યા અવાજે કહ્યું, ‘તે ભજવેલાં નાટકને સૌ કોઈ સાચી હકીકત જ માની બેઠું છે. અને આ તારા શાનદાર અભિનયની જ કમાલ છે કે આજે આખા વિશાળગઢમાં ‘શંકર’ના નામની દહેશત ફ્લાઈ ગઈ છે. અખબારો તથા મીડિયાવાળાઓએ પણ જોરશોરથી તારા નામને ચગાવ્યું છે. અને એ જ તો આપણી યોજના હતી કે રાતો રાત ‘શંકર’નાં નામનો ખોફ આખા શહેરમાં ફરી વળે...! હવે એક વાત હું દાવા સાથે કહું છું પુત્તર... !'
‘કઈ વાત અંકલ... ?' દિલીપે પ્રશ્નાર્થ નજરે નાગપાલ સામે જોયું.
‘એ જ કે ‘શંકર’નાં નામનો રણકાર અનવર હુસેન તથા ગણપત પાટિલનાં કાન સુધી પણ ચોક્કસ પહોંચ્યો હશે. જો મારી ધારણા સાચી હોય તો અત્યારે તેઓ તને મળવા માટે આતુર હશે. ગણપત તારા સુધી પહોંચવાની કોઈ તિકડમ ભીડાવતો હશે... યોજનાનાં તાણાવાણાં ગૂંથતો હશે... ! તને શોધવા માટે એણે આખા શહેરમાં પોતાનાં માણસોને છૂટાં મૂકી દીધાં હશે. અને આવી પરિસ્થિતિમાં જ તારે તારી ગોઠવેલી બાજીની બીજી ચાલ રમી નાંખવાની છે... !'
‘બીજી ચાલ... ?’
‘હા...' કહીને નાગપાલ ધીમે ધીમે તેને હવે પછીની ચાલ વિશે સમજાવવા લાગ્યો. અને નાગપાલની ધારણા જરા પણ ખોટી નહોતી. ગણપતે ‘શંકર’ સુધી પહોંચવાનાં પ્રયાસો શરૂ કરી દીધા હતા.
અત્યારે તે ડ્રગ્સનાં વ્યવસાય સાથે સંકળાયેલા પોતાના ચાર અત્યંત વિશ્વાસુ માણસોને સંબોધતો હતો.
‘મારે શંકર જોઈએ... !' રૂમમાં એનો ઉગ્ર અવાજ ગુંજતો હતો, ‘કોઈ પણ સંજોગોમાં જોઈએ... !' પણ એ ક્યાં મળશે પાટિલ સાહેબ... ?' એક સાગરીત બોલ્યો, અમારે એને ક્યાં શોધવો... ?'
‘એની મને ખબર હોત તો હું પોતે જ તેનાં સુધી ન પહોંચી જાત... ?' ગણપતે ધૂંધવાતા અવાજે કહ્યું, ‘મેં અહીં તમને લોકોને મારી આરતી ઉતારવા માટે નથી બોલાવ્યા... ! સાંભળી... ડ્રગ્સનું બધું કામકાજ થોડાં દિવસો માટે બંધ કરી દો... ! તમારી અંડરમાં જેટલા માણસો હોય, બધાંને વિશાળગઢમાં, ખાસ કરીને ક્લબ જેવાં જાહેર સ્થળે ગોઠવી દો... ! આજથી, બલ્કે અત્યારથી આપણા વ્યવસાય સાથે સંકળાયેલાં તમામ માણસોનું એક જ કામ હોવું જોઈએ કાઢવાનું…… !' ગમે તે રીતે, કોઈ પણ ભોગે શંકરને શોધી
‘સર... !’ એક અન્ય સાગરીત બોલ્યો, ‘જો આપણે ડ્રગ્સનું બધું કામકાજ બંધ કરી દેશું તો આપણને બહુ મોટું નુકસાન થશે... !'
‘બેવકૂફ માણસ... !' ગણપતે રોષથી દાંત કચકચાવતાં કહ્યું,
‘હું એક બિઝનેસમેન છું બિઝનેસમેન... ! શેમાં નફો છે ને શેમાં નુકસાન, એની મને તારા કરતાં વધુ ખબર છે... ! એ બધું તારું મને સમજાવવાની જરૂર નથી... ! શંકરને તમે લોકો માત્ર એક અપરાધી માનો છે, એ મારે માટે માત્ર અપરાધી' જ નથી... ! એ મારે માટે પચીસ લાખ ડૉલરનો બૅરર ચૅક છે સમજ્યા ?'
‘આ... આ આપ શું કહો છો પાટિલ સાહેબ... !' એના આ ઘટસ્ફોટથી ચાય એકદમ ચમકી ગયા.
‘હા... એટલે વધુ સવાલ-જવાબ કે પંચાત કર્યા વગર હું કહું છું એટલું જ કરો... ! મારે શંકર જોઈએ અને એ પણ જેમ બને તેમ જલ્દી જોઈએ... !'
'ઓ.કે. પાટિલ સાહેબ... !' ચારેય પોત-પોતાની ખુરશી પરથી ઊભા થયા, ‘અમે તાબડતોબ આપણા માણસોને કામે લગાડીને શંકરને શોધવાનું અભિયાન શરૂ કરી દઈએ છીએ... !'
ગણપત ધીમેથી માથુ હલાવીને રહી ગયો. એક તરફ ગણપત પોતાની ચાલ રમતો હતો તો બીજી તરફ દિલીપે પણ પોતાના દાવપેચ શરૂ કરી દીધા હતા. અત્યારે વિશાળગઢ પોલીસની વર્દીમાં સજ્જ થયેલા સી.આઈ.ડી.નાં છ એજન્ટો એની સામે ઊભા હતા. આ ઉપરાંત એક ઍજન્ટ નામચીન ગુંડાના વેશમાં પણ હતો.
‘આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે... !' દિલીપ તેમને સમજાવતાં બોલ્યો, ‘અત્યારે સાંજનાં સાત વાગ્યા છે. એક કલાક પછી એટલે કે આઠ વાગ્યે આપણું મિશન શરૂ થઈ જશે. આપણે ફરીથી એક વાર ખૂનનું નાટક ભજવવાનું છે. આ વખતે આ નાટક ‘પનામા બાર’ માં ભજવાશે.' કહીને દિલીપ ગુંડાનાં વેશમાં સજ્જ ઍજન્ટ તરફ ફર્યો, ‘તમે તારી ભૂમિકા યાદ છે ને... ? તારું નામ જમશેદ છે અને તું એક ખતરનાક ચાકુબાજ છો... !'
‘તમે બિલકુલ બેફિકર રહો કૅપ્ટન... !' ઍજન્ટ સન્માન સૂચક અને આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે બોલ્યો, ‘મારી ભૂમિકામાં હું કશી યે ઉણપ નહીં રાખું... !'
‘ગુડ... અને તમે લોકો...' દિલીપે પોલીસની વર્દીમાં સજ્જ એજન્ટોને સંબોધતાં કહ્યું, ‘ આજે તમારા લોકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. હું જમશેદનું ખૂન કરું, એ પહેલાં જ તમારે ‘પનામા બાર'માં પહોંચી જવાનું છે. ત્યાં પહોંચ્યા પછી તમારે શું કરવાનું છે, એ બધું તો હું તમને સમજાવી જ ચૂક્યો છું.'
‘તમે જરા પણ ચિંતા ન કરો કૅપ્ટન... !' છ એ ય એજન્ટો એકસાથે બોલી ઊઠ્યા, ‘આજની કામગીરી કોઈ પણ ભૂલ વગર સમયસર પાર પડી જશે.'
‘વેરી ગુડ... !' આજનું મિશન ગણપત પાટિલ આબાદ મૂરખ બની જાય, એ રીતે આપણે પાર પાડવાનું છે.' ‘એમ જ થશે... !'
અને ત્યાર પછી શરૂ થયું એક સનસનાટીભર્યું નાટક ! આઠ વાગવામાં દસ મિનિટ બાકી હતી, ત્યારે જમશેદે ‘પનામા બાર'માં પગ મૂક્યો.
‘પનામા બાર’ એક આધુનિક બાર હતું. ત્યાં કાઉન્ટર પાસે ડઝનબંધ ખુરશીઓ ગોઠવેલી હતી. હોલમાં બ્લ્યૂ બલ્બનો પ્રકાશ ફેલાયેલો હતો. દીવાલ તથા છતમાં ફીટ કરેલી સ્પીકરોમાંથી મધુર સંગીતની સૂરાવલિઓ ગુંજતી હતી. શરાબની બોટલોમાં રેક વચ્ચે વિદેશી પોપ સિંગર મેડોનાનો ચાર ફૂટ લાંબો અને ત્રણેક ફૂટ પહોળો ફ્રેમમાં મઢેલો ફોટો લટકતો હતો. બ્લ્યૂ પ્રકાશમાં ફોટાનું આકર્ષણ ખૂબ જ વધી જતું હતું. અત્યારે બે-ત્રણ ખુરશીઓને બાદ કરતાં લગભગ બધી ખુરશીઓ પર ગ્રાહકો બેઠા હતા.
‘યસ સર... !' કાઉન્ટર પાછળ મોજૂદ બારમેને સ્મિતસહ જમશેદને આવકારીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. એક નૉક આઉટ કોકટેલ... !' જમશેદે જવાબ આપ્યો.
બારમૅને તરત જ કોકટેલનો પેગ તૈયાર કરીને એનાં હાથમાં મૂકી દીધો.
જમશેદ ધીમે ધીમે પૅગમાંથી ઘૂંટડા ભરવા લાગ્યો. એની નજર દીવાલ પર લટકતી ઘડિયાળ સામે જ મંડાયેલી હતી.
તે આઠ વાગવાની રાહ જોતો હતો.
આઠ વાગતાં જ બારનો દરવાજો ઉઘાડીને દિલીપ અંદર પ્રવેશ્યો. આવતાંવેંત એણે ગજવામાંથી રિવૉલ્વર કાઢીને મેડોનાનાં ફોટાંની બાજુમાં પડેલ શરાબની એક બોટલ તરફ ગોળી છોડી. ગોળી વાગતાં જ બૉટલ એક ભીષણ ધડાકા સાથે ફૂટી. બારમાં મોજૂદ ગ્રાહકો આ અણધાર્યા બનાવથી છળી પડ્યા. સૌ શરાબ પીવાનું ભૂલીને આશ્ચર્યથી દિલીપ સામે જોવા લાગ્યા.
‘શું વાત છે... ?’ એ જ વખતે એક રાયફલધારી ગાર્ડ ખભા પરથી રાયફલ ઉતારતો દિલીપ સામે ધસ્યો, ‘તમે ગોળી શા માટે છોડી...?’
‘તારું નામ જમશેદ છે... ?' દિલીપે જવાબ આપવાને બદલે એની આંખોમાં પોતાની વેધક આંખો પરોવતાં સામો સવાલ કર્યો. ‘જ...જમશેદ... !' ગાર્ડ હેબતાયો, ‘ના...ના... મારું નામ તો નારાયણ છે...!'
‘તો પછી આઘો ખસ... !' દિલીપે તેને એકતરફ હડસેલ્યો, ‘મારે જમશેદને મળવું છે... !'
‘અહીં કોઈ જમશેદ-બમશેદ નથી... !'
‘તે અહીં જ છે... !' દિલીપ જોરથી બરાડ્યો, ‘મને પાકી માહિતી મળી છે..!' જો એ અહીં હોય તો પણ તારે કોઈને હાથ નથી લગાવવાનો... ! કોઈ ટંટો ફિસાદ નથી કરવાના... !'
‘કેમ... ?' કહેતાં કહેતાં દિલીપે એની રાયફલની નળી પકડી લીધી, 'તું મને ટંટો ફિસાદ કરતો અટકાવીશ ?'
‘હા...’ ગાર્ડ એનાં હાથમાંથી રાયફલ છોડાવવાનો પ્રયાસ કરતાં બોલ્યો, ‘હું અટકાવીશ... !'
દિલીપે જોરથી આંચકો મારીને એનાં હાથમાંથી રાયફલ આંચકી લીધી પછી તેને લાઠીની માફક હવામાં વિંઝીને પૂરી તાકાતથી એની પીઠ પર પ્રહાર ઝીંકી દીધો.
ગાર્ડ ચીસ નાંખતો આવળા મોંએ જમીન પર ઉથલી પડ્યો. ‘હરામખોર...!’ દિલીપ એનાં વાંસા પર બે-ત્રણ ઠોકર મારતો બરાડ્યો, ‘તું મને અટકાવીશ...? આ શંકરને અટકાવીશ... ?'
દિલીપના મોંમાંથી નીકળેલો 'શંકર' શબ્દ ત્યાં મોજૂદ સૌ કોઈને માટે બોંબ વિસ્ફોટની ગરજ સારી ગયો. સૌ પોતપોતાના સ્થાનેથી ઊભા થઈ ગયા. જમશેદ પણ ઊભો થઈને ટહેલતો ટહેલતો દિલીપ પાસે પહોંચ્યો. ‘એ ભાઈ... !’ એણે દિલીપનો ખભો થપથપાવતાં કહ્યું, 'આ ગરીબ માણસને શા માટે મારે છે...? અને આમ ભેંસની જેમ જમશેદ... જમશેદ નાં ભાંભરડા શા માટે નાંખે છે...?'
‘તું જમશેદ છો... ?’ દિલીપે તડૂકતા અવાજે પૂછ્યું.
‘હા, હું જ જમશેદ છું... ! બોલ, હવે શું કહેવું છે તારે... ?’ જવાબમાં દિલીપે એક આંચકા સાથે જમશેદનો કાંઠલો પકડીને રિવૉલ્વરની નળી એનાં બમણાં પર ગોઠવી દીધી અને પછી હિંસક અવાજે બોલ્યો, ‘મને તારી જ તલાશ હતી... ! મારું નામ શંકર છે અને હું તને વગર ટિકિટે યમરાજાના દરબારમાં પહોંચાડવા માંગુ છું.'
‘શું... ?’ જમશેદ હેબતાયો. કહેવાની જરૂર નથી કે આ તેનો અભિનય જ હતો, ‘પણ... પણ મેં તારું શું બગાડ્યું છે...?'
‘કશું ય નથી બગાડ્યું ?'
‘તો પછી... ?’
‘તારું કમનસીબ એ છે કે તારા ખૂન માટે મેં બે લાખ રૂપિયામાં સોપારી લીધી છે. એટલે આજે હવે તારે મારા હાથેથી મર્યે જ છૂટકો છે... !'
‘આઘો જા...' જમશેદ દિલીપને પાછળ ધકેલીને તેની પકડમાંથી મુક્ત થઈ ગયો, ‘આવ્યો મોટો ખૂન કરવાવાળો... ! તારા જેવા તો સાંજ પડ્યે સત્તર જણા મારા ખિસ્સામાંથી નીકળી જાય છે... ! હું કેવો નિષ્ણાત ચાકુબાજી છું એની તને ખબર નહીં હોય... ! બચ્ચા, એક કહેવત તો તે સાંભળી જ હશે કે ઉંદરનાં દરમાંથી - હંમેશા ઉંદર જ નથી નીકળતો... ક્યારેક ઉંદરને બદલે ભોરિંગ પણ નીકળી પડે છે... ! આજે તારો પનારો જમશેદ ભોરિંગ સાથે પડ્યો છે, એની તને ખબર નથી લાગતી.’
ત્યાર પછી દિલીપ કશુંય બોલે એ પહેલાં જ જમશેદે ચાકુ કાઢીને જોરથી એનાં તરફ ફેંક્યું.
દિલીપ તરત જ નીચો નમી ગયો. ચાકુ, સડસડાટ એનાં માથાં પરથી પસાર થઈને મેડોનાના ફોટામાં ખૂંચી ગયું.
દિલીપ કોઈ હિલચાલ કરે એ પહેલાં જમશેદે બીજું ચાકુ કાઢીને ફરીથી તેનાં પર ઘા કર્યો.
દિલીપ પુનઃનીચો નમીને બચી ગયો. પરંતુ આ વખતે ચાકુના ઘાથી એક ગ્રાહક ધવાતો ઘવાતો રહી ગયો. આ દશ્ય જોઈને ભીડ વેર-વિખેર થઈ ગઈ. બધાં ગ્રાહકો જ્યાં જગ્યા મળે ત્યાં છૂપાઈ ગયા.
બીજી તરફ જમશેદ અદ્ભુત સ્ફૂર્તિનું પ્રદર્શન કરીને દિલીપ પર ચાકુઓનાં ઘા કરતો હતો. એનાં વસ્ત્રોમાં ઠેક-ઠેકાણે ચાકુ છૂપાવેલાં હતાં.
એ જેટલી સ્ફૂર્તિથી ઘા કરતો હતો, એટલી જ સ્ફૂર્તિથી દિલીપ પોતાની જાતને બચાવતો હતો.
છેવટે એક સમય એવો આવ્યો કે જમશેદ પાસે ચાકુનો સ્ટોક ખલાસ થઈ ગયો.
એ હેબતાઈને જલ્દી જલ્દી પોતાનાં ગજવાં ફંફોળવા લાગ્યો.
‘કેમ... ?' દિલીપ હસ્યો અને પછી તેની સામે રિવૉલ્વર તાકીને આગળ વધતાં બોલ્યો, ‘ક્યાં ગઈ તારી ચાકુ ફેંકવાની નિપુણતા... ?' જમશેદ નામનાં ભોરિંગનો ફૂંફાડો ઉંદરના કયા દરમાં ભરાઈ ગયો... ?
‘મ...મને છોડી દે... !' કહેતાં કહેતાં જમશેદનાં કપાળ પરથી પરસેવાની ધાર નિતરવા લાગી.
‘કેમ... ?’ દિલીપ કટાક્ષભર્યું હાસ્ય રેલાવતાં બોલ્યો, ‘તું તો તારી જાતને નિષ્ણાત ચાકુબાજ માને છે ને... ? તો પછી તારો અવાજ શા માટે ધ્રુજે છે...? આવા ઠંડા વાતાવરણમાં પણ તારા કપાળે પરસેવો શા માટે નિતરે છે...?' ‘ત... તને ઓળખવામાં મ... મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે શંકર... !' જમશેદ કરગરતાં અવાજે બોલ્યો, ‘મારા પર દયા કર... !'
‘દયા નામની કોઈ ચીજ મારામાં નથી...! દયા કરવા બેસુ તો મારે વાટકો લઈને ભીખ માંગવાનો જ વારો આવે... ! કહેતાં કહેતાં દિલીપે જમશેદનો કાંઠલો પકડીને તેનાં લમણાં પર રિવૉલ્વરની નળી ગોઠવી.
જમશેદની આંખોનાં ડોળા ચકળવકળ થવા લાગ્યા. મોતનો કારમો ભય એનાં ચહેરાં પર સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.
દિલીપે સેફટીકેચ ખસેડીને ટ્રીગર તરફ આગળી લંબાવી.' એ જ વખતે બારનો દરવાજો ઉઘાડીને પોલીસની વર્દીમાં સજ્જ આઠ-દસ માણસો અંદર ઘૂસી આવ્યા.
‘ખબરદાર શંકર... !' આવતાવેંત તેમણે પોતાનાં હાથમાં જકડાયેલી રિવૉલ્વરમાંથી દિલીપની આજુબાજુમાં ગોળીઓ છોડી, ‘જ્યાં ઊભો છે ત્યાં જ ઊભો રહેજે. જો એક ડગલું પણ આધો- પાછો થઈશ તો તારો દેહ ચાળણીની જેમ વિધાઈ જશે.'
દિલીપ એકદમ ચમક્યો કારણ કે બારમાં પ્રવેશતાં જ ગોળીઓ છોડવાની સૂચના એણે સી.આઈ.ડી.નાં એજન્ટોને નહોતી આપી.
‘કૅપ્ટન... !' સહસા જમશેદ માત્ર દિલીપ એકલો જ સાંભળી શકે, એટલા ધીમા અવાજે ગણગણ્યો, ‘આ લોકો આપણા ઍજન્ટો નથી...!'
દિલીપે આગંતુક પોલીસો સામે જોયું. જમશેદ સાચું કહેતો હતો.
આગંતુકો સી.આઈ.ડી.નાં ઍજન્ટો નહોતા. એ જ વખતે એની આજુબાજુમાં થોડી ગોળીઓ છૂટી.
પરંતુ ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ દિલીપ ગભરાય તેમ નહોતો.
એણે તરત જ પેંતરો બદલ્યો.
'હું અહીંથી જઉં છું... !' એકાએક જમશેદનાં લમણાં પર રિવૉલ્વરની નળી ગોઠવીને એ જોરથી તાડૂક્યો, ‘જો કોઈ મને અટકાવવાનો પ્રયાસ કરશે તો હું જરા પણ અચકાયા વગર આ ચાકુબાજની લાશ ઢાળી દઈશ... !'
દિલીપની ચેતવણી અવગણીને બે પોલીસ કર્મચારીઓએ એની સામે રિવૉલ્વર તાકી. ‘ના...' જમશેદે ગભરાટથી બૂમ પાડી, ‘ગોળી છોડશો નહીં... ! જો છોડશો તો આ શયતાનનો અવતાર મને ખરેખર મારી નાંખશે... !' જમશેદની બૂમની ધારી અસર થઈ. બંને પોસીલમેન પોતાના ઑફિસરો સામે જોયું. ઑફિસરે સાંકેતિક ઢબે નકારમાં માથું હલાવીને ગોળી છોડવાની મનાઈ કરી અને પછી દિલીપ સામે જોઈને ઊંચા અવાજે બોલ્યો,
‘શંકર, તું અહીંથી નહીં છટકી શકે... ! પોલીસે આખા બારને ચારે તરફથી ઘેરી લીધું છે.'
‘એ બધાંને હું જોઈ લઈશ... !' કહીને દિલીપ સાવચેતીથી દરવાજા તરફ આગળ વધ્યો.
થોડી પળોમાં જ તે જમશેદને લઈને બહાર નીકળી ગયો.
એ બંનેની પાછળ પાછળ પોલીસ કર્મચારીઓ બહાર નીકળી આવ્યા હતા.
આ તમાશો જોવા માટે બારની બહાર પણ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
દિલીપે એકાએક જમશેદને જોરથી સડક પર ધક્કો માર્યો અને પછી છલાંગ મારીને ત્યાં પડેલી એક મોટર સાયકલ પર બેસી ગયો. વળતી જ પળે એણે મોટર સાયકલ સ્ટાર્ટ કરીને પૂરપાટ વેગે દોડાવી મૂક્યું. તેની પાછળ કેટલીયે ગોળીઓ છૂટી.
પરંતુ દિલીપ સર્પાકારે મોટર સાયકલ ચલાવતો હોવાને કારણે બધી ગોળીઓ નિષ્ફળ ગઈ. ત્યાર બાદ પોલીસ કર્મચારીઓ ધડાધડ ત્રણ જીપોમાં ગોઠવાઈ ગયા.
બીજી જ મિનિટે જીપો સાયરન વગાડતી દિલીપનો પીછો કરવા લાગી.
દિલીપે આજે જાણી જોઈને કારનો ઉપયોગ નહોતો કર્યો કારણ કે યોજના મુજબ એણે પોતાનું વાહન રસ્તામાં જ પડતું મૂકી દેવાનું હતું. પરંતુ આ અણધાર્યા બનાવથી હાલ તુરત બધું ગૂંચવાઈ ગયું હતું.
******