વરદાન કે અભિશાપ (ભાગ-૧૪)
(વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું હતું. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ તેના પિતા સાથે જરૂરી વાત કરવા માંગતો હતો. એટલે ધનરાજ અને નરેશ ઘરના ઉપરના રૂમમાં ગયા. તે દીકરીના જન્મદિવસ પર ભાનુપ્રસાદને બોલાવવા માંગતો હતો. ધનરાજ બે-ચાર મિનિટ તો ઉંડા વિચારમાં ખોવાઇ જાય છે. પછી તેને દીકરાએ કહેલી વાત યોગ્ય લાગે છે. આખરે ભાનુપ્રસાદને બોલાવવાની હા પાડી દે છે. નરેશ ભાનુપ્રસાદને થયેલ બધી વાતચીત જણાવે છે અને જન્મદિવસમાં આવવા માટે તૈયાર કરે છે. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. નરેશને તેનો દીકરીનું જન્મદિવસ ઉજવવાનો ઉમંગ ખરેખરમાં બહુ જ જબરજસ્ત હતો. તેનો હરખ જ સમાતો ન હતો. મણિબા મનમાં ને મનમાં વિચારતા હતા કે હવે તેમના નાના દીકરા કમલેશના લગ્ન થઇ જાય. કમલેશ માટે તેઓ દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. એવામાં જ સુશીલાએ તેની બહેનીની દીકરી માટે દિયરની વાત ચલાવવા માટે ઘરમાં વાત કરી. ત્યારે મણિબેને એમ કહીને વાત ટાળી દીધી કે, ‘છોકરી ભલેને ભણેલી સારી હોય પણ તારા બેન-બનેવી પૈસે ટકે આપણી બરાબરીમાં નથી અને આમ પણ કાલે બીજી એક વાત જોવા જવાનું છે. એટલે હાલ તારી બહેનની વાત રહેવા દે.’’ સુશીલા કંઇ જ બોલી ના શકી. કેમ કે, જયારે સાસુએ જ આ રીતે વાત કરી તો પછી આગળ વાત ચલાવવાનો કોઇ પ્રશ્ન જ રહેતો ન હતો. હવે આગળ......................)
ધનરાજભાઇ અને મણિબેન જે વાત આજે જોવાના હતા. એ પહેલા તેઓ નરેશ અને સુશીલાએ તેના સગામાં જે વાત બતાવી હતી તે જોવા ગયા હતા. કમલેશને તે છોકરી બહુ જ ગમી હતી અને તે સુશીલાના બેનના ઘરની સામે જ રહેતા હતા. બધા બહુ જ ખુશ હતા. કેમ કે, છોકરી ભણેલી હતી અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતી. બધું જ પાક્કુ હતું. બધાએ છોકરી જોઇ હતી સીવાય કમલેશની મમ્મી મણિબેન અને ભાભી જયા. તે બંનેને તે છોકરી જોવા લઇ ગયો અને શું થયું એવું કે જયાના કહેવાથી કમલેશે તે છોકરીને ના પાડી. જયાએ કમલેશને તે છોકરી થોડી જાડી લાગતી હોવાની વાત કરી વાત પડતી મૂકવા કહ્યું હતું. પણ હકીકતમાં તે છોકરી જાડી જ નહતી. પણ કમલેશે જયાની વાત માની આખરે તે છોકરીને ના પાડી દીધી. હવે પ્રશ્ન એ હતો સગાઇ કરવાની જ હતી અને તેના આગલા દિવસે કમલેશે છોકરી સાથે સગાઇ કરવાની ના પાડી દીધી. હવે છોકરીના ઘરે ના પાડવા કોણ જાય? બધાએ કમલેશને ઘણો સમજાવ્યો અને ઠપકો પણ આપ્યો પણ તે તેની વાત પર અડગ રહ્યો. આ વાતમાં કયાંય જયાનું નામ ના આવ્યું. હવે બધાએ છોકરીવાળાને ત્યાં સુશીલાના પિતાને ના પાડવા મોકલ્યા. કેમ કે વાત સુશીલા લાવી હતી. સુશીલાના પપ્પા છોકરીવાળાને ઘણી જ વિનમ્રતાથી ના પાડી આવ્યા. તે સામેવાળાને ઘણું દુ:ખ લાગ્યું અને આ બાજુ કમલેશને પણ ઘણો પસ્તાવો હતો. પણ કારણ કોઇ જાણી ના શકયું કે તેણે તે છોકરીને ના કેમ પાડી?
કાલની સુશીલા સાથેની વાતચીત પછી મણિબેન પોતાના અહમમાં ગામડે એક છોકરી જોવા જાય છે, પરંતુ કમલેશની તો છોકરી જોવાની ઇચ્છા જ ન હતી.
(મણિબેન દૂર ગામડે કમલેશ માટે જે છોકરી જોવા જાય છે એ તેને ગમશે કે નહિ? કે પછી કમલેશ પેલી છોકરીને જે ના પાડી હતી તેની જ સાથે ફરીથી સગાઇની વાત ચલાવશે?)
(વધુ આવતા પ્રકરણે ભાગ-૧૫ માં)
- પાયલ ચાવડા પાલોદરા