ભાગ - ૯
ઈશ્વા અત્યારે પહોંચી ગઈ હતી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં. ..શું હતું એનું રહસ્ય? શું સંબંધ હતો ઈશ્વાનો એ સદીના લોકો સાથે...?
કોઈ લાંબી નીંદરમાંથી ઉઠી હોય એમ ઈશ્વાએ બેય હાથ પહોળા કરી આળસ મરડી નદી તરફ વધી. નદીકિનારે પહોંચી 'ની......રુ........ , ની....... રુ.......' ની બૂમો પાડવા લાગી. એનો અવાજના પ્રત્યાઘાત રૂપે નદીના સામા કિનારેથી પણ 'બી......જુ....., બી......જુ.....'ના પડઘા પડ્યા પણ સામે કિનારે કોઈ દેખાયું નહીં.
'આમ ચ્યમ બને, જિવારે હું નીરુને સાદ પાડું ને ઈ નો આવે ઈમ બને જ નહીં. આજે તો ગામવારાય કોઈ નથ આઇવા.' વિચાર કરતી ઈશ્વા કિનારે ઉગેલા એક ઝાડ નીચે બેસી ગઈ એની આંખ સામે વીતી ગયેલો સમય ફરી આવીને ઉભો રહી ગયો.
રેવાના તીરે સામસામે વસેલાં બે નાનકડા ગામ વેજલપર અને રાણપર. નદી એ બંને ગામને વિખુટા પાડતી સરહદ બની ગઈ હતી. વર્ષોથી ચાલ્યા આવતા વેરઝેરના વહેણ પાણીમાં ભળીને વહી જતા. હજીતો ભારતમાં પરદેશી પ્રથા શરૂ થવાને ગણતરીના વરસો બાકી હતા પણ આ બેય ગામ વચ્ચે ભાગલા ક્યારના પડી ગયા હતા. ભૂલથીય કોઈ સામસામા કિનારે જવાની હિંમત ન કરતું. વેજલપરમાં ઉછરીને મોટા થયેલા બે ભાઈ નીરુ અને સુજન પોતાની વીરતા માટે આસપાસના પાંચ પંથકમાં જાણીતા હતા. એકવાર અન્ય ગામના લોકમેળામાં બંનેની નજર બીજુ પર પડતાં જ બેયને બીજુ સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. વેજલપર જઈ આસપાસના ગામોમાં તપાસ કરાવતા ખબર પડી કે બીજુ સામા કિનારે વસેલા રાણપરની નિવાસી હતી. બંને ભાઈઓના દિલમાં બીજુ સાથે ઘર વસાવવાના કોડ જાગ્યા સાથે જ બંનેના દિમાગમાં બીજુને પામવાની હોડ પણ જાગી.
પણ, વિધીની વક્રતા કેવી કે બંને ગામો વચ્ચે વિરોધનો વંટોળ ઉઠ્યો. નીરુ અને સુજન બેય બીજુની ચાહત પામવા અધીર હતા. પોતાની શૂરવીરતા માટે પંકાયેલા બંને ભાઈ બીજુને પામવા રાણપરવાસીઓ સામે હામ ભીડવા પણ તૈયાર હતા. જ્યાં રોટી-બેટીના આદાનપ્રદાનનું સ્વપ્ન પણ લોકોની પાંપણની બહાર આવતા રોકાઈ જતું ત્યાં નીરુ અને સુજને હિંમત એકઠી કરી એક રાતે રાણપર જઈ બીજુનું હરણ કરી પોતાની સાથે વેજલપર લાવી અનાજના કોઠારમાં એને સંતાડી દીધી. બીજે દિવસે બીજુના હરણ અને નરુ સુજનના પરાક્રમના સમાચાર વાયુવેગે આસપાસના ગામમાં ફેલાઈ ગયા. નરુ અને સુજનને પાઠ ભણાવવા રાણપર સાથે બીજા નાના ગામો પણ જોડાઈ ગયા અને વેજલપર પર હુમલો કરવાની તૈયારીઓમાં પરોવાઈ ગયા.
@@@@
સંતુએ આપેલા ભજિયા ખાતા ખાતા કંઈક યાદ આવતાં રઘુકાકા ઉભા થયા ને ધીમે પગલે પોતાની ઓરડીમાં આવ્યા અને પલંગ નીચે મુકેલી જૂની, કટાઈ ગયેલી પતરાની પેટી બહાર કાઢી. પોતે નીચે બેસી જઈને કફનીના ખિસ્સામાંથી એક ચાવી કાઢી ને પેટીનું તાળું ખોલ્યું.... 'ચિ. .....ઉ........ડ....' અવાજ કરતી પેટી ખુલી એટલે એમના જુના કપડાની ગડી વચ્ચે મુકેલી એક નાનકડી પોટલી બહાર કાઢી. એ જરીપુરાણા વસ્ત્રની પોટલી ખોલી એમાંથી ચાંદીની એક નાનકડી ડબ્બી કાઢી અને ખોલી. ડબ્બીમાંથી કાળા દોરામાં બાંધેલું એક માદળિયું કાઢી આંખ સામે લાવી એ માદળિયું ખોલી એમાંથી એક મેલું અને જર્જરિત થઈ ગયેલું ગોળ વિટેલું સફેદ નાનકડા કપડું બહાર કાઢી ખોલી એના પર બનાવેલું નિશાન ધ્યાનથી જોવા લાગ્યા અને કંઈક યાદ કરવા મથતા હોય એમ વિચારમાં પડી ગયા.
@@@@
"સાહેબ, બધા દર્દીઓનો વારો પતી ગયો છે. તમે કયો તો તમારું ટિફિન લઈ આવું." વાલજીએ દરવાજામાં ઉભા ઉભા જ પૂછ્યું.
"દસેક મિનિટ પછી લઈ આવજે અને અત્યારે મારે એક અગત્યનો ફોન કરવાનો છે એટલે મને કોઈ ડિસ્ટર્બ ન કરે એનું ધ્યાન રાખજે." ટેબલ પર મુકેલો ફોન હાથમાં લઈ સ્વીચ ઓન કરી જોયું તો વ્યોમના ચારેક મિસ્ડ કોલ હતા એટલે ચિંતિત થઈ એમણે વ્યોમને ફોન લગાડ્યો.
"વ્યોમ,... ઓલ ઓકે છે ને..? સોરી તારા કોલ એટેન્ડ ન કરી શક્યો.."
"પપ્પા, ઈ....શ્વા......., ઈ.....શુ....કાલ રાતથી ગાયબ છે. અમે ક્યારના બધે શોધખોળ કરી રહ્યા છીએ પણ એ અહીં ક્યાંય નથી." વ્યોમના સ્વરમાં રુંધાયેલા ડુસકા સંભળાઈ રહ્યા હતા.
"શું. ..... ક્યાં છે મારી દીકરી, મારી ઈશ્વા. ...? કાલ રાતથી એ ગાયબ છે અને તમે મને અત્યારે જાણ કરો છો..?"
"પપ્પા, શાંત થઈ જાઓ. અમને પણ વહેલી સવારે જ જાણ થઈ. સીસીટીવીના ફૂટેજ મુજબ રાતે સુમારે ત્રણ વાગ્યે ઈશ્વા હોટેલમાંથી એકલી જ નીકળી છે. અમે આસપાસના બધા વિસ્તાર ખુંદી વળ્યા છીએ પણ એનો ક્યાંય પત્તો નથી. તમને ફોન કર્યા હતા પણ...."
"સોરી વ્યોમ ફોન એટેન્ડ ન કરવા માટે, હું હમણાં જ માનગઢ આવવા નીકળું છું."
"પપ્પા..... જરૂર લાગશે તો તમને બોલાવી લઈશું. પ્લીઝ, તમે હિંમત રાખો, હું ફરી કોલ કરીશ..." વ્યોમે ડો. ઉર્વીશની વાત સાંભળી ન સાંભળી કરી ફોન કાપી નાખ્યો.
'મને હતું...જ... ઈશ્વા જરૂર કોઈ મુસીબતમાં છે પણ મારી વાત સાંભળે કોણ. . મારે હવે કોઈની રાહ નથી જોવી, વહેલી તકે માનગઢ પહોંચી જવું છે. નીલાક્ષીને જાણ કરી દઉં.' ડો. ઉર્વીશે ઘરે ફોન લગાડ્યો.
@@@@
"કમિશનર સાહેબ, મારી પુત્રવધુ, ઈશ્વા વ્યોમ રાઠોડ, હોટેલ સિલ્વર પેલેસ, માનગઢથી કાલ રાતથી ગાયબ છે. હવેલીની પ્રતિષ્ઠાને આંચ ન આવે એ રીતે તપાસ કરવાની જવાબદારી આપની. તકલીફ આપવા બદલ ક્ષમા ચાહું છું પણ બને એટલી વહેલી તકે તમારે આ કોકડું ઉકેલવાનું છે." કલ્યાણીદેવીએ કમિશનર અશોકસિંહ રાણા સાથે વાત કરી ટૂંકમાં ઈશ્વા વિશે માહિતી આપી.
"હજી તો બિચારીના હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઉતર્યો ત્યાં આ ઉપાધિ..." અર્પિતાએ ઊર્મિ સામે જોઈને કહ્યું, "કોણ જાણે કોની નજર લાગી ગઈ મારી ભાભીને..?" અર્પિતાના કટાક્ષથી ઊર્મિ સમસમી ગઈ પણ કલ્યાણીદેવીના ઈશારે ચૂપ રહી.
"કમિશનર રાણા સાથે મારી વાત થઈ ગઈ છે એમ છતાંય આપણે પણ આપણી રીતે ઈશ્વાને શોધવાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. હું મંદિરે જઈ રહી છું. કૌશલ, તું રઘુકાકાને ખબર આપી દેજે અને કદાચ બે-ત્રણ દિવસ હજી અહીં રોકાવું પડે એમ જણાવી દેજે." કલ્યાણીદેવીએ કારમાં બેસી મોહનને ગાડી મંદિર તરફ લઈ જવા જણાવ્યું એટલે મોહને કાર મંદિરની દિશા તરફ વાળી.
"વ્યોમ, તું ચિંતા નહીં કર ભાઈ, ઈશ્વા જરૂર મળી જશે. કોઈએ આપણી સાથે જુના વેરની વસુલાત વાળવા કદાચ એને કિડનેપ કરી હોય. આપણે હજી એકવાર આજુબાજુ જોઈ લઈએ, કદાચ કોઈએ એને જોઈ હોય." કૌશલે વ્યોમનો ખભો દબાવી એક મોટાભાઈ તરીકે હિંમત અને આશ્વાસન આપ્યું.
બંને બાળકો, ઊર્મિ અને અર્પિતાને હોટેલ પર જ રહેવા દઈ કૌશલ અને દિલીપ વ્યોમ સાથે ઈશ્વાની ભાળ મેળવવા હોટેલની બહાર નીકળ્યા.
@@@@
નીરુ અને સુજનને ખબર મળ્યા કે રાણપરવાસીઓ અન્ય ગામવાસીઓ જોડે મળીને વેજલપર પર હુમલો બોલાવવાની તૈયારી કરી રહ્યા છે એટલે એમણે ગામલોકોને બીજુને લઈને ગામ છોડી જવા સમજાવીને રવાના કરી દીધા.
"બીજુ, તું ચન્તા નો કરતી, અમે તારી ભાળ મેળવી લઈશું. તું હઉની જોડે હમણો જતી રે' આંયથી દૂર. હું તને લેવા આઇશ, જરૂર આઇશ." નીરુએ બીજુને વ્હાલથી સમજાવી. નીરુની વાત માની બીજુ અન્ય ગામજનો સાથે રાતોરાત ગામ છોડી જતી રહી.
નીરુ અને સુજને નદી પર બાંધેલો દોરડાનો પુલ કાપી નાખી દુશ્મનોને આ પાર આવવા માટે રસ્તો બંધ કરી નાખ્યો પણ એમને ક્યાં ખબર હતી દુશ્મન તો એમની વચ્ચે હાજર હતો. નીરુ અને સુજન સિવાય હજી એક વ્યક્તિ વેજલપરમાં હાજર હતી જે નીરુ અને સુજનને કાળની ખાઈમાં ધકેલવા અધ્ધર પગે અને અધ્ધર તાલે ઉભી હતી. કાળની ક્રૂરતાની કરવત કેવી કરવટ લેવા જઈ રહી હતી એનાથી અજાણ નીરુ અને સુજન પોતાના સુખી સંસારના સપના જોઈ રહ્યા હતા.
ક્રમશ: