ગતાંકથી....
ચીમનલાલ સાથેની વાતચીત ઉપરથી પૃથ્વી એ જોઈ લીધું કે લાલ ચરણના અંદર ખાનાના સ્વભાવથી તે અજાણ્યો હતો. અને લાલચરણ માટે તેને કોઈ જાતનો શક નહોતો તેને ચીમનલાલ ભલો ભોળો વિદ્વાન લાગ્યો. પોતાનું અંતઃકરણ તેની આગળ ખુલ્લું કરવું પૃથ્વીને વ્યાજબી લાગ્યું નહીં .અને 'થોભવું અને જોવું' એ નિયમ મુજબ તે નવા કામમાં ગોઠવાયો.
એ જ સાંજે સાડા છ વાગે એક મોટી રાજદ્વારી મિટીંગ હતી.' લોક સેવક'ના ત્રણ 'રિપોર્ટરો' સાથે પૃથ્વી તે મિટિંગમાં ગયો અને તેઓ કેવી રીતે કામ કરતા હતા તે જોયું.
હવે આગળ....
તેણે જોયું કે એક 'રિપોર્ટરે' પંદર મિનિટ સુધી ટૂંકાક્ષરમાં લખ્યું તે બાદ બીજા 'રિપોર્ટરે' તેમની જગ્યા લીધી તે દરમિયાન પહેલા રિપોર્ટરે ટૂંકાક્ષર માંથી, છાપા માટે લખાણ ઉતારી કાઢ્યું તે પછી બીજા 'રિપોર્ટર' ની જગ્યા ત્રીજા એ લીધી અને પહેલાની મુજબ જ બીજાએ છાપા માટે અહેવાલ લખી કાઢ્યો .એ વખતે પહેલા એ મિટિંગમાંથી બહાર જઈ, બહાર ઊભા રહેલા એક્ટિવા વાળા છોકરાઓને પોતાની નકલ આપી દીધી ,અને પોતે ફરી લખવા માટે તૈયાર થઈ ગયો આ મુજબ એક પછી ત્રણે 'રિપોર્ટરો' પોતાનું કામ ભારે ચપળતાથી કરતા રહ્યા. એક્ટિવા વાળો છોકરો તુરંત જ 'લોક સેવક'ની ઓફિસમાં જઈ ચીમનલાલ ને તે નકલો સોંપી પાછો ફરતો. ચીમનલાલ તે તપાસી સુધારો વધારો કરી કમ્પોઝ ગોઠવનારાઓને પહોંચાડી દેતો. મીટીંગ પૂરી થયા પછી સાડા આઠ વાગે આ ચારે જણા 'લોક સેવક'ની ઓફિસ માં ગયા .તે વખતે તેમના અહેવાલમાં 'ગેલી -પ્રૂફસ'તૈયાર હતા .તેઓએ તે સુધાર્યા અને તે પાછા છાપવા માટે આપવામાં આવ્યા આ રીતે 'રિપોર્ટરો 'નું કામ તે દિવસ માટે પુરું થયું.
પૃથ્વી એ આ બધી બાબતો ધ્યાનમાં રાખી લીધી તે પછીના દિવસોએ પૃથ્વીએ પોતાના ઘણો ખરો સમય પ્રેસ મશીન ગોઠવનારાઓના રૂમમાં, મશીન વાળા રૂમમાં તેમજ છાપખાનાની જુદી જુદી શાખામાં વિતાવ્યો. ત્યાં થતું બધું જ કામ તેને મગજમાં રાખ્યું. આ દરમિયાન તેણે લાલચરણ ઉપરના પોતાના સઘળા શક પોતાના મગજમાં એક ખૂણામાં રાખી મૂક્યા. કામદારો તેને પોતાની પાસે આવતો જોઈને ગભરાતા નહીં તેઓ તેના દરેકે દરેક સવાલોના ઘટતા જવાબો આપવામાં ઉત્સાહ બતાવતા અને છાપાની ગૂંચવણ અને તેનો ભેદો તે જાણી જાય તેમ તેઓ ઇચ્છતા હતા. કામદારોની આવી દિલદારી વચ્ચે રહેવામાં પૃથ્વીને ઘણો જ આનંદ આવ્યો.
લગભગ ત્રણ મહિના સુધી આ રીતે અનુભવ લેવાનું પૃથ્વીએ ચાલુ રાખ્યું. એ અરસામાં તેના પપ્પાનું મકાન વેચાયું અને તે પોતે તેના નવા મકાનમાં બધી સગવડો સાથે ગોઠવાઈ ગયો.
ત્રણ મહિના બાદ એક દિવસ લાલ ચરણે પૃથ્વીને પોતાની ખાનગી ઓફિસમાં બોલાવ્યો, પણ પૃથ્વી તે રૂમમાં માં ગયો ત્યારે એક નોકરે તેને ખબર આપી કે ,તમને બેસાડવાનું કહીને સાહેબ થોડીક મિનિટ માટે એક જરૂરી કામે ગયા છે. પૃથ્વીને આથી ઓફિસમાં લાલ ચરણના આવવાની રાહ જોતા બેસવું પડ્યું. પોતાની ટેવ મુજબના વિચિત્ર ઢબના અને વિચિત્ર અક્ષરોવાળા પરબીડિયા તેણે અધિપતિની કચરા ટોપલી માંથી શોધવા માંડ્યા. તરત જ તેને એક એવું વિચિત્ર અક્ષરો વાળુ પરબીડિયું મળ્યું કે જેને જોતા જ તેમાંથી એક તીણી ચીસ પડાઈ ગઈ.
પોતાને ત્યાંથી પોતાના પપ્પાના રૂમની ટોપલીમાંથી કોરા નોટપેપર વાળું આવા જ અક્ષરોનું પરબીડિયું તેને અગાઉ મળ્યું હતું; એટલે કે, જે લખનારે તેના પપ્પાને પત્ર લખ્યો હતો તેણે જ લાલ ચરણને આ પત્ર લખ્યો હતો. ત્રણ મહિનામાં આ અક્ષરોવાળું પરબીડિયું તેને બીજી વાર અહીં મળ્યું .તેની અંદર પૃથ્વીને આંગળીઓ નાખી જોઈ તેમાં કશું જ નહોતું . તે વિચારવા લાગ્યો : " આ લખનારે લાલ ચરણને શું લખ્યું હશે? "આ સવાલનો કંઈક જવાબ તેને મળે તેવામાં બહારના ભાગમાં પગલાં નો અવાજ સંભળાવવાથી પૃથ્વીએ પરબીડપોતાના ખિસ્સામાં સરકાવી દીધું.
એ પગરવ લાલચરણનો હતો રૂમમાં આવીને લાલ ચરણે હસતે મુખે કહ્યું : " પૃથ્વી મને એ સાંભળીને આનંદ થયો છે કે ચીમનલાલના હાથ નીચે તો ઘણું સારું કામ કરતો જાય છે. આજથી મેં તારા માટે એવું નક્કી કર્યું છે કે તું મારા આ ઓફિસમાં મારી સાથે મદદનીશ અધિપતિ તરીકે કામકાજ કરવા બેસજે. કાલથી તારા માટે આ ઓફિસમાં ખુરશી ટેબલ વગેરેની બધી જ ગોઠવણ હું કરાવી દઈશ.
પૃથ્વી આ સાંભળીને ખુબ ખુશ થઈ ગયો પણ તેનું હૃદય પૂછી રહ્યુ : " શું લાલચરણ હવેથી છળકપટ નહીં કરે ? પોતાની ખાનગી ઓફિસમાં તે મને શા માટે બેસવા દેશે ? હું તે મારા ઉપર ખુશ થયો હશે? શું મારા પપ્પાનું ખૂન તેણે નહીં કરાવ્યું હોય ?"
થોડીક મિનિટ બાદ લાલ ચરણે આગળ કહેવા માંડ્યું : "બીજું કહેવાનું કે, આજે રાતે તારે એક નાજુક કામ માટે જવાનું છે .જાણીતા વૈજ્ઞાનિક સર આકાશ ખુરાના જેમના વિશે આપણે એક થોડાક વખતથી કેટલીક બાબતો લખીએ છીએ તેમણે નવી ઢબની એક વૈજ્ઞાનિક શોધ કરી છે ને એક અરબોપતિએ તે ખરીદી લીધી છે. એના બદલામાં સર આકાશ ખુરાના ને કરોડો રૂપિયા મળ્યા છે.હવે, હું તને આ બાબતમાં જે કામ સોપવા માંગુ છું તે એ છે કે તે શોધ કેવા પ્રકારની છે? તેમજ તેણે કયા અરબોપતિ ને તે વેચી છે તેની વિગત તેની સાથેના ઈન્ટરવ્યુ દ્વારા મેળવી લેવી તું સર આકાશ ખુરાના પાસે 'લોકસેવક ' ના પ્રતિનિધિ તરીકે જા. અને આ બહાર આવેલી વિગતો સાચી છે કે ખોટી તે માટે તેનો ઇન્ટરવ્યૂ લે .આપણે આવતીકાલ સવારના 'લોક સેવક'માં આ બાબતમાં કંઈ પણ નવી ખબર છાપી શકીએ એ કારણે હું તને આ ખાસ કામ સોંપું છું. વળી, એક બાબત ખાસ તને કહું છું તે એ કે તેણે અત્યાર સુધીમાં છાપાવાળાઓને કંઈ પણ ખબર આપવા ના પાડી છે. અને તને પણ એવી રીતે ના કહીને કદાચ રસ્તો પકડાવે તો તું ચિંતા કરીશ નહિ. પણ તું ચાહે તે ચાલાકી વાપરીને પણ એમનો ઇન્ટરવ્યૂ લઈ આવે એમ હું ઇચ્છું છું. જો આ બાબતમાં તું એમના તેમના પોતાના મુખના કંઈ સતાવાર સમાચાર લાવી શકશે તો પત્રકાર- જગતમાં તારી બુદ્ધિની ઘણી કદર થશે અને આપણા પેપરની કીર્તિ માં વધારો થશે.
પૃથ્વીને આ સૂચનાઓ સાંભળીને ઘણો ઉત્સાહ થયો. 'લોક સેવક'ની કીર્તિ અને પત્રકાર -જગતમાં નામના, આ બે બાબતો ખાતર તેણે સર આકાશ ખુરાના ને ત્યાંથી ઈન્ટરવ્યુ લાવવા બીડું ઝડપ્યું અને લાલચરણ પાસેથી વિદાય થયો.સર આકાશ ખુરાના પાસે જતાં પહેલાં ' લોકસેવક ની ફાઈલ તપાસીને તેના સંબંધી,અગાઉના અંકોમાં જે બધી હકીકતો જાહેર થયેલી હતી તેની પુરેપુરી માહિતી મેળવીને હરહંમેશ ની માફક ચીમનલાલને હસતા મુખે નમન કરીને તે ઓફિસમાંથી ચાલતો થયો.
રાણીપમાં સર આકાશ ખુરાનાના ભવ્યાતિભવ્ય બંગલા પાસે પૃથ્વી જઈ પહોંચ્યો,ત્યારે મેઈન ગેટ પર જ ચોકીદારે તેને અંદર જતો રોક્યો.
'ન્યુઝ પેપર વાળાને સર ક્યારેય મળતા જ નથી ' આવું જ તેણે દ્રઢપણે કહ્યું.પૃથ્વીએ ધાર્યુ હોત તો ખોટું નામ આપીને અંદર જઈ શકતા.પરંતુ તે એક ન્યૂઝ પેપર વાળા તરીકે જ અંદર જવા માંગતો હતો.તે ચોકીદાર સાથે આ બાબતે રકઝક કરતો હતો,તે દરમિયાન એક યુવતી બંગલામાંથી મેઈનગેટ તરફ આવતી દેખાઈ.પૃથ્વીએ ચોકીદારને પુછીને જાણી લીધું કે તે સર આકાશ ખુરાના ની સેક્રેટરી છે.તેનુ નામ મિસ શાલીની છે.
શું તે યુવતી પૃથ્વી ને અંદર પ્રવેશવા દેશે ? પૃથ્વીને તેના કામ માં સફળતા મળશે?.... જાણવા માટે વાંચો આગળ નો........
ક્રમશઃ..........