"લવ યુ યાર" ભાગ-21
મિતાંશની આંખોમાં એક અનેરી ચમક આવે છે. જીવનના ઉજાસની ચમક અને તે જમીન ઉપર ફસડાઈ પડેલી સાંવરીને ઉભી કરે છે અને છાતી સરસી ચાંપી લે છે. અને પછી મક્કમતાથી બોલે છે, " જેને ઇશ્વરે આટલી સુંદર જીવનસંગિની આપી હોય, તેની ચાહ જોઈ, યમરાજ પણ તેને લીધા વગર પાછા ચાલ્યા જાય."
અને પછી સાંવરીને મૂડમાં લાવવા માટે કહે છે કે, " સાવુ, તારે દિકરો જોઈએ છે, પણ મારે તો દીકરી જોઈએ છે, અને તે પણ તારા જેવી તો શું ? એક કામ કરીએ પહેલાં દિકરો પછી દીકરી માટે ટ્રાય કરીશું બરાબરને ? ( અને બંને જણાં હસી પડે છે. )
અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. અને પોઝીટીવ થોટ્સ માણસને કામયાબીના શીખર ઉપર અચૂક લઈ જાય છે.
દિવસો ઉપર દિવસો પસાર થતા જાય છે. ઘણાં દિવસથી મિતાંશ અને સાંવરી બંને લંડનની ઓફિસમાં સાથે જતા અને સાથે જ પાછા ફરતા.
મિતાંશની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ હતી. પણ ડૉ.દિપક ચોપરાએ એક વાર ચેકઅપ કરાવી લેવા કહ્યું હતું એટલે આજે મિતાંશ અને સાંવરી હોસ્પિટલ ગયા હતા.
ડૉ.ચોપરાએ રિપોર્ટ્સ જોઈને બંનેને પોતાની કેબિનમાં બોલાવ્યા અને મિતાંશને કહ્યું કે, " નાઉ, યુ આર ઓકે મિતાંશ, યુ હેવ નો પ્રોબ્લેમ એટ ઓલ એન્ડ યુ કેન ગો ઈન્ડિયા " ડૉ.ચોપરાનો જવાબ સાંભળીને સાંવરીની આંખ ભીંજાઈ ગઈ હતી અને મિતાંશ પણ ભાવવિભોર થઈ ગયો હતો. ડૉ.ચોપરાએ મિતાંશ સાથે હાથ મીલાવ્યો અને તેને બિરદાવતાં બોલ્યા કે, " યુ આર લકી પર્સન, યુ સેવ યોર લાઈફ એન્ડ ઓલ્સો મોસ્ટ લકી પર્સન બીક્વોઝ યુ હેવ આ બ્યુટીફુલ, બ્રેવ એન્ડ મેચ્યોર્ડ લાઈફ પાર્ટનર અને તેમણે બંનેને પ્રેમથી વિદાય કર્યા અને ગમે ત્યારે કંઈપણ પ્રોબ્લેમ થાય તો તેઓ અડધી રાત્રે પણ તેમનો કોન્ટેક્ટ કરી શકે છે તેમ પણ જણાવ્યું. સાંવરી ડૉ.ચોપરાને પગે લાગી અને બંનેએ ડૉ.ચોપરાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને એક નવા જીવનની શરૂઆત કરવા માટે એક દુઃખભર્યો જાણે દાયકો પસાર કરી ગયા.
તે દુઃખ, તે સમય, તે વાતો અને તે કેન્સર સાથે જોડાયેલ કેન્સલ શબ્દ...આ બધું જ લંડનમાં છોડીને બંને એકબીજાના હ્ર્દયમાં જીવતાં બે પ્રેમી પંખીડાં હાથમાં હાથ પરોવીને, એક નવા જીવનની પ્રેમભરી ઉડાન ભરવા પોતાની અનહદ પ્રેમસભર પાંખો સાથે લંડનની વિદાય લઈ ઈન્ડિયા તરફ ઉડાન ભરી... ઈન્ડિયાની ફ્લાઈટ પકડી ઈન્ડિયા આવવા માટે રવાના થઈ ગયા.
અગર કીસીકો સચ્ચે દિલસે ચાહો તો પૂરી કાયનાત ઉસકો મિલાનેમેં આપકી મદદ કરતી હૈ.
બસ, સાંવરીનું પણ કંઈક એવું જ છે. ઈશ્વર સતત તેની સાથે રહ્યા અને તેનો મિતાંશ જાણે મૃત્યુને ભેટીને પણ તેની પાસે પાછો આવ્યો. સાંવરીએ સાચા દિલથી મિતાંશને ચાહ્યો છે જેના પરિણામે મૃત્યુને પણ તેની સામે ઝુકી જવું પડ્યું.
આજે બંને ખૂબ ખુશ હતા એક સમય જે પીડાદાયક હતો તેને પાછળ છોડીને આવ્યા હતા અને આ બધીજ પરિસ્થિતિથી અજાણ
અને આટલા બધા સમયના વિયોગ બાદ મિતાંશના મમ્મી પપ્પા અને સાંવરીના પપ્પા (મમ્મી હાજર રહી શક્યા ન હતા.) તેમના બાળકોને જોવા માટે જાણે તલપાપડ થઈ રહ્યા હતા તેનો હવે અંત આવી ગયો અને તેમને લેવા માટે તેઓ
એરપોર્ટ ઉપર આવીને ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ તેમનું ફ્લાઈટ ક્યારે લેન્ડ થાય અને તેમના જીવથી પણ વધુ વ્હાલા બાળકો તેમને ક્યારે જોવા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. તેમની સાથે ઓફિસના કેટલાક જૂના વફાદાર માણસો પણ હાથમાં સુંદર બુકે સાથે પોતાના સર અને મેડમને આવકારવા માટે શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ગોઠવાયેલા હતા. દરેકની આંખમાં હર્ષના આંસુ હતા.
સાંવરીએ ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂક્યો અને તેને એક ચોંકાવનારા સમાચાર મળ્યાં કે....
વધુ આગળના ભાગમાં.....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/8/23