Barbrakjishnu - Jaisingh Siddhraj - 32 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 32

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 32

૩૨

રા’ ખેંગાર વચન પાળે છે

મુંજાલનું અનુમાન સાચું હતું. ખેંગારે ઘા આજે જ મારી લેવાનો નિશ્ચય કર્યો હતો. આજે એ ઘા ન મારી શકે, તો પછી ક્યારેય ન મારી શકે. રાજદરબારમાં મદનપાલની હવેલીએ જતાં આખે રસ્તે ખેંગાર વિચાર કરી રહ્યો હતો. એના મન ઉપર સિદ્ધરાજના વર્તનનો ઓછામાં ઓછો ભાર હતો. ભા દેવુભા, રાયઘણ – સૌ વિચારમાં પડી ગયા હતા. સિદ્ધરાજનું આ વર્તન ભેદભર્યું છે કે એની રાજનીતિનું એ સાચું પરિવર્તન છે એની કાંઈ સમજણ જોઇને પડી નહિ.  મહીડાજી વિષે તો કોઈ કાંઈ બોલ્યું જ ન હતું! સાચું શું? મુંજાલે ખેંગારને કહ્યું હતું કે સિદ્ધરાજે જે કહ્યું તે? ત્યારે મુંજાલ માત્ર શોભાલાયક હતો! સૌ વિચારમાં મગ્ન થઇ ગયા.

મદનપાલની હવેલીએ પહોંચ્યા ત્યારે પણ એમના માટે એવું જ બીજું આશ્ચર્ય ઊભું હતું. સૈનિક, ગુપ્તચર – કોઈ ક્યાંય ફરકતો ન હતો. જાણે જૂનોગઢનો રા’ પરમ મિત્ર હોય તેમ એણે વિષે કોઈ કાંઈ શંકા રાખતું જણાયું નહિ. પણ આ અતિવિશ્વાસે અવિશ્વાસ પ્રેર્યો. મહારાજે ધાર્યું હતું તેમ જ થયું. શું પગલું ભરવું એ નિર્ણય મુશ્કેલ થઇ પડ્યો.

‘ભા દેવુભા! બોલો, શું કરવું છે? આ તો ગાજ્યા મે’ વરસ્યા નહિ એના જેવી વાત થઇ. હવે શું કરવું છે એનું? આમાં તો કાંઈ સમજાતું નથી!’

સૌ નિરાંતે બેઠા કે તરત ખેંગારે પૂછ્યું.

‘પોરો ખાવ બે દી, બીજું શું?’ રાયઘણ બોલ્યો.

‘પોરો ખાવા બેસશો, પછી પોરો જ ખાવો પડશે. મારે આજે મહીડાને મળવાનો દી છે. આજ જેસંગે કહ્યું પણ આવતી કાલે કોણ જાણે એ શું કહેશે? એણે તો મહીડાની વાત જ સંભારી નથી. જાણે કાંઈ હોય જ નહિ! ને મુંજાલ મહેતો તો કેટલુંય બોલ્યો’તો. આમાં સાચું શું?’

‘તો શું કરવું છે, પ્રભુ?’

‘મહીડાજીને ઠેકાણે પાડીને હું આવું...’

‘પણ એનો શો નેઠો, મહારાજ? રાયઘણજીને સાથે લઇ જાઓ...’

‘મહીડો એકલો હશે. તળાવકાંઠો છે, કાજળઘેરી અંધારી રાત છે, આ તલવાર છે બાપુની. આટલાં બધાં વાનાં છે. ને રાયઘણજી સાથે આવે તો કાળી ટીલી આપણને ચોંટે એનો વિચાર કર્યો? એક જણાની સામે બે જણ? આપણે તો વેણ પાળવાનું. જુદ્ધ લેવા જાઈએ છીએ કે કટક લઈને ગામ લૂંટવા નીકળ્યા છીએ? એમાં બીજા કોઈનું કામ ન હોય. તમે સાંજ પડ્યે જ આહીંથી સૌ બહાર નીકળી જાજો!’

‘પણ દેવડીને... દેવડીને કહેવરાવું પડશે નાં? મામા! એનું શું?’ દેશળ બોલ્યો.

‘હા, મામા! તે વિના તો શી રીતે હાલશે?’

‘તો તમે જાવ... દેશુભા!’ ભા દેવુભાએ કહ્યું, ‘બરાબર ગોઠવીને આવો, ઈ પરમાણે આંહીંથી નીકળાય.’ દેશુભા ઊઠ્યો. એ બે-પાંચ ડગલાં ગયો હશે ત્યાં ખેંગારે બૂમ પાડી: ‘દેશુભા! જરાક પાછા વળજો. એકબે વાત રહી ગઈ કહેવાની.’

દેશળ પાછો આવ્યો. ખેંગાર બોલ્યો.

‘જુઓ, ભા દેવુભા! આપણે સોરઠમા લઇ જઈએ છીએ દેવડીને. એ દેવડી કાંઈ માણસ નથી, એ તો સાક્ષાત દેવી છે! એ તમારી ભેગી આમ ચોરની પેઠે નહિ નીકળે!’

દેવુભાને ખેંગારની શૂરાતનની કલ્પનાથી જરાક ધ્રૂજારી આવી. પાટણની ખડી સેના સામે વળી શેની એવાત નીકળશે. તે સાંભળી રહ્યો. ખેંગાર આગળ બોલ્યો:

‘દેવડી સોરઠમાં આવશે, પણ એ તો દેવડીની રીતે આવશે, દેશુભા! ભરબજારેથી, હજારુના દેખતાં, પાટણના દરવાજેથી એ નીકળશે! એ તો દેવડી છે! ચોરની પેઠે એ નહિ આવે! મફતના ફીફાં ખાંડવા શું કરવા જાવું?’

‘અરે! પણ એમ ક્યાંય બન્યું છે તે આંહીં બનશે? ખેંગારજી! તો-તો આપણી પછી આંહીં ખાંભી ખોડાય નાં?’ રાયઘણે કહ્યું.

‘ખાંભી ખોડાય તો, ભા! આપણે ત્યાં ક્યાં એ નવી નવાઈની વાત છે? ખોડવી પડે તો પથરા જૂનોગઢથી લાવજો! અને તમે ઠીક સંભાર્યું, લ્યો! મહીડોજી ત્યાં આવ્યા હશે. આંહીંથી હું જાઉં. મધરાત વીત્યે નો આવું તો જાણવું કે તમારે હવે મહીડાને જુદ્ધ આપવું રહ્યું! ત્યાં તળાવકાંઠે વડલો ઘેઘૂર છે. ખાંભી મારી ન્યાં ક્યાંક ખોડજો! ને તમે સૌ જૂનોગઢ-ભેગા થઇ જાજો!’

‘ત્યારે... દેવડીને કહેવા જાવું છે નાં? દેશુભા બોલ્યો, ‘પછી વેશ ઝાઝા છે ને રાત થોડી છે! ઈ તો સારું છે કે દેવડોજી મુંજપર પડ્યા છે... ને પેલો ઠારણ છે તે આમાં મદદ કરે છે. તમે કહેતા હો તો ઘોડાર સળગાવી દઈએ. એ ભાગાભાગમા દેવડી બહાર સોંસરવી નીકળી જાશે!’

‘પણ દેશુભા! દેવડી શું કહેશે તેનો વિચાર કર્યો? તમે કહેવા જાશો નાં, તો ભાગતાં તમને ભોં ભારે પડશે! “હિંમત ન હોય તો જૂનોગઢ – ભેગા થઇ જાવ, જૂનોગઢ – ભેગા, હું હાલી આવું છું તમારી વાંસોવાંસ!” દેવડીનો આ જવાબ હશે.’

‘પણ ત્યારે વિચાર કર્યો? આપણી પાસે નથી આંહીં સેન, નથી ક્યાય અડખેપડખે કોઈની મદદ, ને ચારે તરફ એનો મુલક પડ્યો છે. સેન વિના તે આવા ઉધામા કરશો, એમ?’

‘સેનનું શું કામ છે, રાયઘણભા! બર્બરકના અવાજ ભેગો આપણો દરવાજો તોડવાનો અવાજ ભેળવી દેજો. માણસ તો ગોઠવ્યા છે નાં, દેશુભા?’

‘માણસ તો ગોતી કાઢ્યા છે!’ દેશુભાએ ચારે તરફ જોયું, પછી ધીમેથી ઉમેર્યું, ‘તમે કહ્યું’તું એ જ બધા છે, ઊંચી દુકાને મદ્ય વેચે છે એ તમામ કલાલ માળવાના છે, ને પાટણનું હલકું દેખાય એ કરવા તો ઊભે પગે તૈયાર બેઠા છે. આંહીં તો, મામા! સો મણ તેલે અંધારું છે! હમણાં હવે એ દુકાનવાળા મૂંઝાણા છે!’

‘કેમ?’

‘કેમ તે આમ. એમને ખબર પડતી નથી, પણ એવો વેશપલટો લઈને રાજા જેસંગ એમનામાં ભળી જાય છે કે ન પૂછો વાત! એમના જ ખભા ઉપર હાથ રાખીને ઊભોઊભો નાટકના ખેલ જોતો હોય ને ખબર કોઈને પડતી નથી! એ બધાંય કે’તા’તા કે રાજાનું ધ્યાન રાખજો. આ બાબરે – મારે બેટે એણે જાદુગરી શીખવી લાગે છે!’

‘જાદુગર તો છે, ભા! આ જુઓ ને... આપણને મૂંઝવી નાખ્યા! અલ્યા ભૈ! રા’પદની વાત નો’તી, મહીડાની વાત નો’તી, તો આંહીં લાંબા શું કામ કર્યા? ને લાંબા તો ઠીક... મુંજાલ મહેતાને તલેતલ માહિતી છે આપણા દુર્ગની... ત્યારે હવે સમજવું શું? પાટણને જૂનોગઢને મિત્રતા રાખવી છે... કે માલવા આવે છે... જાદુગરી છે... કે આપણને છેતરવાની કરામત છે કે શું છે? શું સમજવું?’

‘ભા... દેવુભા! આપણે બીજું કાંઈ જ સમજવાનું નથી. કાંઈ નવો વિચાર લાવવાનો નથી. હું આવું છું. તમે તૈયાર રહેજો. દરવાજો તોડવાની તૈયારી રાખજો. ઊપડવાની પણ તૈયારી રાખજો. સોનરેખ હશે... પછી ભલેને ધોડા કરે! ધોડા કરશે તો ભૂંડા એ લાગશે! નાક એનું વેંત ભરીને કાપ્યું જ સમજો ને! આમાં સેનનો ક્યાં ખપ છે? સોનરેખને કોઈ નહિ પહોંચે, એટલે થઇ રહ્યું! દેશુભા! તમે માણસોને ક્યાં છુપાવશો એનો વિચાર કર્યો?’

‘છુપાવવા શું કરવા પડે?’

‘કેમ?’

‘બાબરાના માણસ રાત-આખી કામ કરે છે; એમાં ભેગા આ પણ કામ કરતા હશે!’

‘હા! બસ, એ બરાબર છે. એ જુક્તિ અકળ રહેશે. તો-તો હવે વાંધો નહિ આવે!’

ખેંગારે સાંજે ઊપડી જવાનો નિર્ણય કર્યો. તે એકલો પગપાળો નદીકાંઠે ગયો. રાણંગ એની રાહ જોતો ત્યાં ઊભો હતો. ખેંગારે પોતાની સાંઢણી ખંખેરી મૂકી. 

પણ ભા દેવુભાને નિરાંત ન હતી. ખેંગાર આ બાજુ વળ્યો કે તેમણે તરત દેશુભાને બોલાવ્યો. 

‘દેશુભા! આ ઠારણ – એ કોણ છે, ભા! ક્યાંક આપણને રમાડી જાય નહિ!’

‘ના-ના, એ તો માળવાનો છે!’

‘આંહીં શું કરે છે?’

‘આજ એને સિદ્ધરાજનો કોટિધ્વજ ઉપાડવો છે!’ દેશુભાએ ધીમેથી કહ્યું: ‘આપણી વાત ન થાય તો એને પણ ભાગતાં ભોં ભારે પડે. એને પણ સ્વાર્થ છે. એટલે તો આ બધી વાત એણે કરી છે... એ કહે છે ઘોડાર સળગાવશો તો બધુંયે ઠેકાણે પડશે!’

‘રાયઘણજી! એક જણો આંહીં રહી જાય, તો?’

‘આંહીં? આંહીં શું છે, ભા?’

‘હું પણ એ જ કહું છું, આંહીં શું છે ભા? આંહીં હવે કોણ રહ્યું છે? સૌને જૂનોગઢ-ભેગા કરી દઈને હવે આને પણ ફૂંક મારીએ!’

‘આને?’ રાયઘણજી માથું ખંજવાળી રહ્યો, ‘ખેંગારજી માથું વાઢી નાખશે એનું શું?’

‘એ તો  હમણાં એને એમ લાગે. પણ તમે કેટલા જણા? ને સામે સેન કેટલું? સોનરેખ ભાગશે... પણ રા’ નવઘણજી નો’તા ભાગ્યા? આંહીં સળગતું હશે... તો આંહીંવાળા આંહીંનું ઠારશે કે આપણી પછવાડે દોડશે? બહાર નીકળતાં જ સવાર થઇ જાશે. ને ત્યાં તો અરધો પંથ આપણે કાપી નાખ્યો હશે.’ દેવુભાએ કહ્યું.

‘કેમ, દેશુભા! તમને કેમ લાગે છે?’ રાયઘણ બોલ્યો.

‘વિશુભાને પૂછો!’ 

વિશુભાએ હામાં હા પાડી. મદનપાલની હવેલીને પણ ફૂંકી દેવી એમ નક્કી થયું.

‘હવે, દેશુભા! તમે તો ઊપડો...’

‘ઘોડારનો વાંધો નથી... ભોંયરું છે, દેવુભા! આખો ઘોડો બહાર નીકળે એવું.’

‘ઓત્તારીની!’

‘ને એણે જ ગોઠવ્યું છે – આ ખર્પરકે!’

‘તમે ઠારણ કહ્યું ને? એ ખાપરો છે?’

‘ત્યારે? એ જ છે! તમે કોણ ધારતા’તા?’

‘ઓહો! ત્યારે એમ બોલોને! ખાપરા-કોડિયાની ઉજ્જૈની ગાદી તો જૂના વખતથી હાલી આવે છે. વંશપરંપરાથી એ તો મા પાસે રમવાવાળા. એ તો આંખમાંથી કણું કાઢે એમ આ કાઢવાના! એમણે તો બધી તૈયારી કરી રાખી હશે. ખાપરા-કોડિયામા કહેવાપણું હોય નહિ. એમને તો આ ગળથૂથીમાં મળ્યું છે. ભા!’

‘એણે તો જેવો ઘોડો બહાર નીકળી જાય – કોટિધ્વજ – કે તરત બધું તૈયાર કરી રાખ્યું છે. ઘોડાં પાંચસો-છસો છોડી મૂકશે.’

આપણે આંહીં ચેતાવીને ભાગી જાવું. આંહીં તો રૂના ઢગલા પડ્યા છે. કપાસિયા છે! એરંડિયાની કોઠી આખી રેડી દીધી છે!’

મદનપાલની હવેલીએ બે ઘડીમાં પાછો હંમેશનો વેપાર ચાલુ કરી દીધો. હંમેશ પ્રમાણે અનુચરો જતા-આવતા હતા. વાતોનાં ગપ્પાં હાલતાં હતાં. હુક્કા ફેરવતા હતા. ડેલીએ ડાયરો બેઠો હતો. જાણે મહારાજના વચને સૌને નિરાંત કરી દીધી હતી.

કેશવ ત્યાં આવ્યો ત્યારે આ રંગ જોઇને પાછો ફરી ગયો. એને મહારાજના શબ્દો સાચા લાગ્યા. આજે તો ખેંગાર શાંત હતો. કાલની વાત વળી કાલ.